Aarohi... Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Aarohi...

આરોહી...

નીલમ દોશી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

આરોહી...

‘આરોહી, આપણે કોલેજ જીવનની શરૂઆતથી એકબીજાને ઓળખીએ છીએ..સાથે ફર્યા છીએ..એકમેક માટે લાગણી છે...’

‘હા, એ કંઇ નવી વાત કયાં છે ?’

‘નવી તો નથી. પરંતુ...’

‘શું પરંતુ ? અચકાય છે શું ? આમ ગૉળ ગોળ બોલવાને બદલે મનમાં જે વાત હોય તે સીધી બોલી નાખને ..’

આરોહી કોલેજના પહેલા વરસથી જ બિન્દાસ છોકરી તરીકેની ખ્યાતિ મેળવી ચૂકી હતી..

‘આરોહી, મારા ઘરમાં હવે મારા લગ્નની વાતો થાય છે. એક બે દિવસમાં છોકરી જોવા જવાનું છે . ‘

‘અરે, વાહ..અભિનંદન...એમાં આમ છોકરીની જેમ શરમાય છે શું ?’

‘‘આરોહી.પ્લીઝ..બી સીરીયસ...’’

‘અરે, હું સીરીયસલી જ વાત કરું છું.’

એટલે મારા લગ્નથી તું ખુશ થઇશ ? ’

‘કેમ એમાં કોઇ શંકા છે ? મિત્રના લગ્નથી ખુશ જ થવાય ને ?’

‘એટલે હું માત્ર તારો મિત્ર છું ? એથી વિશેષ કશું નહીં ?’

‘તું મારો ખાસ મિત્ર...સાદો સીધો નહીં, સ્પેશ્યલ મિત્ર..બસ ખુશ ?’

‘મિત્ર સિવાય સ્ત્રી, પુરૂષ વચ્ચે બીજો કોઇ સંબંધ પણ હોય છે.’

‘હશે..મારે બીજા કોઇ સંબંધ સાથે મતલબ નથી. ‘

‘તું જે કહે છે તે વિચારીને કહે છે ?’

‘જો, અનુજ, મેં તને આ પહેલાં પણ અનેક વાર આપણા સંબંધ વિશે, મારા વિચારો વિશે સ્પશ્ટતા કરી જ છે. તું લગ્નની કે એવી કોઇ વાત વિચારતો હો તો સોરી..ા અમ નદ્વત ાનતઇરઇસતઇદ ાન અલલ તહઅતહું મારી રીતે જિંદગી જીવવા માગું છું. મને કોઇ બંધન ન જોઇએ. હું લગ્નમાં માનતી નથી. ઘર, વર અને છોકરા,..બસ સ્ત્રીનું જીવન પૂરું..સોરી...અનુજ, પુરૂષપ્રધાન સમાજે સ્ત્રીઓ માટે નક્કી કરેલ દાયરામાં રહીને જીવવામાં મને કોઇ રસ નથી. એ ચીલાચાલુ ઘરેડ માટે હું સર્જાઇ નથી. ‘આગે સે ચલી આતી હૈ ’ માટે આમ જ કરવું જોઇએ..એ મનોવૃતિ મને માન્ય નથી. હું પૂરતું કમાઉં છું. સ્વતંત્ર છું. અને સ્વતંત્ર રહેવા માગું છું.’

આરોહીએ નાનું સરખું ભાષણ જ કરી નાખ્યું. અનુજ મૌન જ રહ્યો.

આરોહી પણ ક્ષણવાર મૌન રહીને અનુજની આંખ સામે જોઇ રહી. એની તરલ કીકીઓમાં કમળ તરતાં હતાં કે વાદળ ઘેરાયેલ હતા ?

સમય બે ચાર પળ થંભી ગયો કે શું ?

‘અનુજ, અનેક સ્ત્રીઓને જીવનની ચક્કીમાં પીસાતી જોઇ છે. ત્યાગ, મમતા, સહનશીલતા, એવા અનેક ગુણોનું આરોપણ કરીને સ્ત્રીનું શોષણ થતું મેં જોયું છે. હું એવી મહાન થવા નથી માગતી.’

આરોહીના અવાજમાં અનાયાસે થોડી કટુતા ભળી. દ્રષ્ટિ આસપાસ ઘૂમી આવી. કયાંકથી મા સાંભળતી તો નથી ને ? પોતે મા જેવી મહાન નહીં જ થાય.

‘આરોહી, એવા કોઇ ઉદાહરણોથી જિંદગીના નિર્ણયો ન લેવાય. એ સિવાય પણ જીવનમાં બીજું ઘણું છે. અને આજે તો સ્ત્રી દરેક રીતે સ્વતંત્ર બની ચૂકી છે.

‘સ્વતંત્ર ? કોઇ બકરીના ગળાની રસ્સી મોટી હોય તો એ થોડી વધારે જગ્યામાં ફરી શકે અને સ્વતંત્રતાના મોહક ભ્રમમાં રહી શકે. પરંતુ તેથી કંઇ એના ગળાની રસ્સી છૂટી નથી જતી. ખેર ! અનુજ આ બધી ચર્ચાઓનો કોઇ અર્થ નથી. સો વાતની એક વાત.. સારું હોય કે ખરાબ...લગ્નમાં હું નથી માનતી. માનસિક રીતે મને એની જરૂર નથી. રહી વાત શારીરિક જરૂરિયાતની... તો...’

‘તો શું ?’

સહેજ ઝિણી આંખ કરતાં અનુજે પૂછયું.

એકાદ ક્ષણ થોભી આરોહીએ જવાબ આપ્યો.

‘હું લીવ ઇન રીલેશનશીપમાં માનું છું. બની શકે હું કોઇ એવું પાત્ર શોધું. જેથી સાથે રહેવા છતાં મારી સ્વતંત્રતા અક્ષુણ્ણ રહે.’

‘આરોહી, તું ધારે છે એટલું સહેલું એ પણ નહીં હોય. કોઇ પણ સંબંધ નિભાવવો પડે છે. અને એ સંબંધ નિભાવવા માટે અનેક સમાધાનો કરવા પડતા હોય છે. એ રસ્તો પણ તું ધારે છે એવો સરળ અને સીધો નથી જ. સમાધાન તો એમાં પણ આવવાના જ. ‘

‘બની શકે તારી વાત સાચી હોય. પરંતુ લગ્નમાં એ સમાધાનો ફકત સ્ત્રીને જ કરવાના આવે છે. જયારે આ સંબંધમાં સમાધાન કરવાના આવશે તો એ મારે એકલીને નહીં આવે. પુરૂષને પણ એ સમાધાન કરવાના રહેશે.’

‘છતાં એક મિત્ર તરીકે તને ચેતવવાની મારી ફરજ છે. મારી દ્રષ્ટિએ તારો રસ્તો સાચો નથી.’

આખરે દ્રષ્ટિ તો પુરૂષની જ ને ? સ્ત્રીની દ્રષ્ટિએ એ કયારેય જોતા શીખ્યો છે જ કયાં ?

આરોહી વાકય પૂરું ન કરી શકી. તેના અવાજમાં અષાઢી મેઘ ઉતરી આવ્યા હતા. આજે વારંવાર મા કેમ સામે આવી જતી હતી ?

અનુજ, જો સામે આકાશમાં મુકત ઉડ્ડયન કરતું પંખી દેખાય છે ? આરોહીએ સામે નજર કરતાં પૂછયું.

અનુજ દ્રષ્ટિ ફેરવીને પંખી સામે જોઇ રહ્યો.

બસ..અનુજ. મારું મનપંખી પણ પાંખો ફફડાવી રહ્યું છે. કયા આસમાનમાં એ વિહરશે તેની આ ક્ષણે તો જાણ નથી..

આરોહીના અવાજમાં ભાવુકતા કયાંથી આવીને બેસી ગઇ ?

આરોહી, આસમાનમાં મુકત ઉડ્ડયન કરતું એ પંખી સાંજ પડે એટલે હૂંફ મેળવવા પોતાના નાનકડા માળામાં આવીને લપાઇ જાય છે. એ સત્ય ભૂલી ન જતી. આરોહી, િ રઇઅલલય લદ્વવઇ યદ્વઉ.. મને તારી પારદર્શકતા, નિખાલસતા અને દંભ વિનાનો આ ચહેરો ગમે છે. હું ઇચ્છું કે તારા વિચારોમાં કોઇ બદલાવ આવે અને આપણે એક બની શકીએ..આપણૉ એક સહિયારો માળો હોય જયાં પૂરી સ્વતંત્રતા સાથેનું બંધન હોય...જયાં......

અનુજના અવાજમાં સચ્ચાઇના રણકા સાથેનું મેઘધનુષ ઉતરી આવ્યું.

આરોહીને કંઇક સ્પર્શી ગયું. ભીતર કશુંક......

પણ ના, એમ ઢીલું બનવું ન પાલવે. એમ તો મમ્મી, પપ્પાની પ્રેમકહાનીની શરૂઆત પણ કયાં રંગીન નહોતી ?

અનુજ, કેવી વાત કરે છે તું ? બંધન અને સ્વતંત્રતા બે અંતિમો એકીસાથે ?

આરોહી, એ બે અંતિમો નથી. સાચા અર્થમાં સમજી શકીએ, પચાવી શકીએ તો એ બંને એકમેકના પૂરક છે. બંધન વિનાની સ્વતંત્રતા કે સ્વતંત્રતા વિનાનું બંધન બંને જોખમી છે.

અનુજ, મને તારી આ વાત સમજાતી નથી. પણ તેથી કોઇ ફરક નથી પડતો. અને સાચું કહું તો મને પણ તું ગમે છે. આટલા વરસોની આપણી દોસ્તી છે. પણ લગ્ન..હું એ વિશે વિચારી પણ નથી શકતી. પ્લીઝ...મને માફ કરી દે.. એ મારો રસ્તો નથી.. એ મારી મંઝિલ નથી...હા, લગ્ન સિવાય સાથે રહેવાની વાત હોય તો .......

સોરી. આરોહી, પણ એ મારો રસ્તો નથી.કદાચ વિધાતાને આપણો સાથ મંજૂર નથી. ઇટ્‌સ ઓકે. આરોહી...એઝ યુ વીશ... હું કોઇ ફોર્સ નહીં કરું. તારા, મારા રસ્તા કદાચ અહીથી ફંટાય છે. પણ એથી આપણે મિત્રો નથી મટી જતાં. જીવનના કોઇ પડાવે..કયારેય ઇચ્છા થાય તો મને સાદ પાડજે.

અનુજના અવાજમાં શ્રાવણી ભીનાશ ઉતરી આવી. એક કાંકરીચાળો......અને આરોહીના અંતરમાં વમળો...ખળભળાટ...અને ભીના ભીના વાદળો...

માના અંતરમાં પણ કયારેક આવાજ વાદળો ઘેરાયા હશે ને ?

ના, ના...પોતે જે નિર્ણય કર્યો છે તેને વળગી રહેવાનું હતું.

અનુજ, મારો સાદ આવશે અને તું ગમે ત્યાંથી ચાલ્યો આવશે એમ ? પેલું કયું ગીત છે ?

તુમને પુકારા ઔર હમ ચલે આયે....’’ એની જેમ ને ?

આરોહીએ વાતાવરણનો ભાર હળવો કરવાનો પ્રયત્ન કર્યો.

આરોહી, તું બદલવાની નહીં.?’

નથી બદલવું એટલે તો લગ્ન નથી કરતી. ઓલ ધ બેસ્ટ..લગ્નમાં મને બોલાવીશને ?

આ તારો અંતિમ નિર્ણય છે ? કોઇ ફેરફારની આશા ?

અનુજ સાચા દિલથી આરોહીને ચાહતો હતો.

કેમ જનમોજનમ પ્રતીક્ષા કરવાનો વિચાર છે ?

આરોહી, તું....

અનુજ વાકય પૂરું ન કરી શકયો.

અનુજ, કોઇ સારી છોકરી શોધી પરણી જા...હા, મને લગ્નમાં બોલાવવાનું ભૂલીશ તો મારા હાથનો માર જરૂર ખાઇશ. બોલાવીશને ?

સ્યોર..’

થોડીવારે હાથ મેળવી, ભેટીને બંને છૂટા પડયા ત્યારે અનુજના મનમાં આરોહીને જીવનસાથી તરીકે પામી ન શકયાનો રંજ હતો. આરોહીના મનમાં એક અજાણ ગોરંભો છવાયો હતો. એક કસક ઉઠી હતી..પણ કશું સમજાયું નહોતું. પોતે કશી ભૂલ તો નહોતી કરી ને ? આરોહીનું મનપંખી ફફડી ઉઠયું હતું કે શું ?

બે મહિના પછી અનુજના લગ્નમાં એક મિત્ર તરીકે આરોહી જરૂર ગઇ. અનુજની પત્નીને અભિનંદન આપતી વખતે અંદર કંઇક ખૂંચ્યું કે શું ? આરોહીને ખબર ન પડી. તેની આંખમાં કણું પડયું હતું. એ કણીને લીધે આંખ નીતરતી હતી. આરોહી એ કણી કાઢવામાં વ્યસ્ત બની હતી.

બરાબર દસ વરસ પછી આજે આરોહીની આંખમાં ફરીથી કોઇ કણી પડી હતી. કયારની કાઢવા મથતી હતી. ઠંડું પાણી છાંટી છાંટીને તે થાકી હતી. પણ કણી નીકળવાનું નામ નહોતી લેતી. આંખમાંથી પાણી નીકળતા હતા.

આલોક, જરા જો તો મારી આંખમાં કશું પડયું છે. ‘

પાછળ ફરીને જોયું ત્યાં યાદ આવ્યું આલોક તો આજે અવનિ સાથે બહાર ગયો હતો.

આરોહીએ જોશથી આંખ મસળવા માંડી.

આરોહી હજુ ખાસ બદલાઇ નથી. દસ વરસથી આલોક સાથે લીવ ઇન રીલેશનશીપથી રહે છે.

કોઇ ફરિયાદ નથી. પોતે નક્કી કર્યા મુજબનું જીવન જીવાઇ રહ્યું છે એનો સંતોષ છે. આલોક પણ તેની જેમ જ બિન્દાસ વિચારો ધરાવતો હતો. સાથે રહેતાં પહેલાં આરોહીએ કહેલ બધી શરતો તેણે સ્વીકારી હતી. જેમાં ખાસ કરીને એક બીજા પર કોઇ બંધન નહીં હોય..જેને જયારે જે ગમે તે કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા રહેશે એ મુખ્ય વાત હતી. વફાદારીની કે એવી કોઇ ખોખલી વાતો નહીં હોય..જો એ જ બધા ચક્કરમાં ફસાવાનું હોય..વફાદારી, શંકા, ચારિર્ત્યની સૂફિયાણી વાતો....તો પછી લગ્ન શું ખૉટા છે ? એવું કશું કબૂલ નથી એટલે તો લગ્નના બંધનમાં પડવું નથી. બાળકો ઉછેરવામાં એને કોઇ રસ નથી. મા બનવાના એને કોઇ અભરખા નથી. મા બનીએ તો જ સંપૂર્ણ સ્ત્રી કહી શકાય એવું એ બિલકુલ માનતી નથી.

મા પોતાને લીધે જ..સંતાનોને લીધે જ તો બધું ચૂપચાપ સહન કરતી રહી હતી જિન્દગીભર..અને અંતે......ખેર..!

આરોહીને એ કશું યાદ કરવું કયારેય ગમ્યું નથી. છતાં એ બધું ભૂલી પણ કયાં શકાય છે ?

આલોક અને આરોહી બંનેના બેડરૂમ અલગ હતા. કયારેક એક બેડરૂમનો ઉપયોગ થતો..કયારેક બે બેડરૂમનો..જેવી ઇચ્છા..જેવો આરોહીનો મૂડ...

આલોકની ઇચ્છા એમાં નહીં ચાલે એવી સ્પષ્ટતા કરવાનું આરોહી પહેલેથી જ ચૂકી નહોતી.

મમ્મીની તો ઇચ્છા હોય કે ન હોય....! આરોહી મમ્મી જેવી બિલકુલ નહીં બને.

રજાને દિવસે બંને કયારેક પિક્ચર જોવા જતાં. કયારેક અન્ય મિત્રો સાથે પિકનીકમાં જતા. કયારેક ધૂમ શોપીંગ કરતા. તો કયારેક કોઇ સારી રેસ્ટોરન્ટમાં બેસતા. કયારેક આરોહીનો મૂડ ન હોય તો તે કલાકો સુધી દરિયાકિનારે એકલી બેસી રહેતી.

કોઇની ઇચ્છા મુજબ જીવવાનું નહોતું. કોઇ બંધન નહીં. પૂરી આઝાદી..મુક્તિ...કયારેક કોઇ મિત્રો પાછળથી ટીકા કરતા એ જાણવા મળતું. પરંતુ સમાજની કે કોઇની એવી પરવા હોત તો તો આ પગલું ભર્યું જ ન હોત ને ?

સાત વાગી ગયા હતા. રોજ કરતાં આજે ઓફિસમાં થોડું મોડું થઇ ગયું હતું. ઓફિસ બંધ થતાં આરોહી હાથમાં ગાડીની ચાવી લઇને ઘેર જવા નીકળી. ગાડી સ્ટાર્ટ કરતી હતી ત્યાં એનું ધ્યાન સામે બસની લાઇનમાં ઉભેલ ’ જેના’ પર પડયું. જેના પોતાની જ ઓફિસમાં તેની નીચે કામ કરતી હતી.

આજે આરોહીને ન જાણે શું સૂઝ્‌યું તેણે ઇશારાથી જેનાને નજીક બોલાવી. જેનાને નવાઇ લાગી. મનમાં વિચાર પણ આવ્યો કે મેડમ પાસે જઇશને મારી બસ આવી જશે તો ચૂકી જવાશે..પણ આરોહી બોસ હતી. ના કેમ પાડે ? તે આરોહી પાસે આવી.

જેના, બસની રાહ જુએ છે ?

હા, મેડમ, આજે મારું એકટીવા બગડી ગયું છે તેથી.

ચાલ, બેસી જા..હું તને તારે ઘેર ઉતારી દઉં છું.

ના, ના..ચાલશે હમણાં બસ આવી જશે .

નો ફોર્માલીટી..આવી જા...

જેના આરોહીની બાજુમાં બેસી.. જેનાની સૂચના મુજબ આરોહીએ ગાડી ભગાવી.

આજે જેનાની દીકરીની તબિયત સારી નથી. એમ જેનાની વાતમાંથી જાણ્યું તેથી આરોહીએ કહ્યું.

તો પછી રજા લઇ લેવી હતીને ?

ના, આજે અવિનાશે રજા લીધી છે તેથી વાંધો નથી. દીકરી આમ પણ એની ખૂબ વહાલી, લાડકી છે.

તારા પતિએ રજા લીધી છે ?

હા. એ ખાલી મારા પતિ જ નથી.મારો મિત્ર અને એક વત્સલ પિતા પણ છે.’

જેનાના શબ્દોમાં એક ગૌરવ છલકયું.

આખે રસ્તે જેના છલકતા ઉત્સાહથી પોતાના સંસારની, પતિની, પુત્રીની વાતો કરતી રહી. આરોહી મૌન બનીને સાંભળી રહી.

મેડમ, આવી ગયું મારું ઘર..પાંચ મિનિટ અંદર આવશો તો અમને આનંદ થશે. અવિનાશ ચા ખૂબ સરસ બનાવે છે.

પુરૂષ ઘરમાં બેસીને ચા બનાવે છે !

મમ્મીને એકવાર સખત તાવ હતો છતાં..... પપ્પા તો કયારેય.....

આરોહી કશું બોલી નહીં. ચૂપચાપ નીચે ઉતરી.

જેના, તારી જ રાહ અમે જોતા હતા. ખરું ને બેટા, ? અમે બંનેએ તો કેવી મજા કરી ખબર છે ?

જેનાને હસીને આવકારતા અવિનાશ બોલ્યો.

ત્યાં જ તેનું ધ્યાન આરોહી પર પડયું. તેથી શાંત બની આરોહીને આવકારી.

જેનાએ આરોહીનો પરિચય કરાવ્યો. અને કહ્યું,

અવિ, મેં તારા હાથની ચાના મેડમ પાસે ખૂબ વખાણ કર્યા છે હોં.

તો તો મારે હવે પાસ થવું જ રહ્યું..

ચાર વરસની હેત્વી મમ્મીને જોઇ તેને વળગી રહી.

આ આંટી છે. નમસ્તે કરો.

નમસ્તે ’ કહેતા હેત્વીએ તેના બે નાનકડાં હાથ જોડયા.

આરોહી તેની સામે જોઇ રહી. તેણે પર્સ ખોલ્યું. સદનશીબે પર્સમાં ચોકલેટ હતી. તેણે હેત્વીના હાથમાં આપી, હેત્વીએ મમ્મી સામે જોયું અને મમ્મી તરફથી ગ્રીન સિગ્નલ મળતાં આંટીના હાથમાંથી ચોકલેટ લીધી.

થેંકયુ આંટી,

હેત્વી આરોહી સામે મીઠું હસી રહી.

આરોહીના હાથ આપોઆપ લંબાયા. હેત્વી આંટી પાસે આવી ગઇ.

આરોહી પૂરા બે કલાક હેત્વી સાથે હસતી રહી. તેની વાતો સાંભળતી રહી. તેના ગીત સાંભળ્યા. હેત્વી આમ પણ બોલકી હતી. અવિનાશ અને જેનાએ તેને જમ્યા સિવાય જવા ન દીધી. આરોહી હેત્વી સાથે રમતી રહી. અવિનાશ અને જેનાએ સાથે મળીને કયારે રસોઇ બનાવી નાખી તેને તો ખબર પણ ન પડી.

રાત્રે આરોહી ઘેર પહોંચી ત્યારે અંતરમાં એક પ્રસન્નતા હતી. આજે ઘણાં સમય બાદ તે કશુંક ગણગણતી હતી.

ઘેર પહોંચીને જોયું તો આલોક તેની મિત્ર ઇલાક્ષી સાથે ટી.વી. જોતો બેઠો હતો. કોઇ વાત પર બંને ખડખડાટ હસતા હતાં. ઇલાક્ષી કંઇ પહેલીવાર નહોતી આવી. પરંતુ ન જાણે કેમ આજે ઇલાક્ષી આલોક સાથે આટલી નિકટ હોય તે એને ન ગમ્યું. શું ખૂંચ્યું તે સમજાયું નહીં. પરંતુ કશું બોલ્યા સિવાય તે પોતાના રૂમમાં ચાલી ગઇ.

આજે રાત્રે આલોક પાસે જવાનું તેને ખૂબ મન થઇ આવ્યું. પણ ઇલાક્ષી મોડી રાત સુધી આલોકના રૂમમાં હતી. બંનેના હસવાનો અવાજ બહાર પણ સંભળાતો હતો. ધૂન્ધવાયેલી આરોહી આખી રાત બારીમાંથી દેખાતા તારલા ગણતી રહી. આમ તો આ વાતમાં કશું નવું નહોતું. આરોહી પર આલોકનો કોઇ હક્ક નહોતો તેવી જ રીતે આલોક પર પણ તેનો કોઇ હક્ક નહોતો. છતાં...આજે....

બીજે દિવસે સવારે આલોકે હમેશની જેમ તેને ગુડમોનગ કર્યું ત્યારે આરોહી તેની પર વરસી પડી.

કાલે ઇલાક્ષી કયાં સુધી રોકાઇ હતી તારા રૂમમાં ?

અરે, તું તો જાણે મારી પત્ની હો એમ ઉલટતપાસ કરે છે. સોરી, પણ તારા એવા કોઇ પ્રશ્નનો જવાબ આપવા હું બંધાયેલ નથી.

આરોહી પોતાના રૂમમાં જઇ કોઇ કારણ વિના મોટેથી રડી ઉઠી.

મા પણ અનેકવાર એકલી એકલી આમ જ રડતી હતી. પોતે તો માથી સાવ જ અલગ રસ્તે ચાલી હતી છતાં......

ના, ના, આરોહી એમ નબળી ન જ પડે.

આરોહીએ જોશથી આંસુ લૂછી નાખ્યા. ગાલ પર ઉતરેલ રેલો ઘસી ઘસીને લૂછયો. ગાલ દુઃખી ગયો ત્યાં સુધી બસ લૂછયા જ કર્યો.

આરોહી હમણાંથી કેલેંડરના પાના ફાડવાનું ભૂલી જાય છે. છતાં સમય કયાં રોકાય છે ? સમયની જાત જ સાવ સંવેદનારહિત. પોતે સહુને સ્પર્શે..પણ એને કશું ન સ્પર્શી શકે. સમયના પતંગિયાની ઉડાઉડ તો અવિરત ચાલુ....

વૃક્ષોમાંથી વસંત વિદાય લેવાની તૈયારી કરી રહી હોય તેમ ધીમે ધીમે એક પછી એક પર્ણ ખરતા જતા હતા. થોડા દિવસોમાં તો હર્યુંભર્યું વૃક્ષ સાવ ઠૂંઠા જેવું બની રહેશે. બારીમાંથી બહાર જોતી આરોહી વિચારી રહી.

અચાનક આરોહીની નજર સામે રહેલ આયના પર પડી. નિયમિત ફેસીયલ કરાવવા છતાં ચહેરા પર કરચલી પડવાની શરૂઆત થઇ ચૂકી હતી કે શું ? પાનખરની શરૂઆત અહીં પણ...? પરંતુ પોતે તો હજુ વસંતનો અનુભવ કર્યો જ નથી એનું શું ? એ અહેસાસથી શું પોતે વંચિત રહી ગઇ છે ?

હા, જીવનમાં દુઃખ તો નહોતું તો પછી સુખની હાજરીનો એહસાસ કેમ નહોતો પામી શકાતો ?

હમણાં હમણાં આરોહી આવા બધા વિચારોએ કેમ ચડી જાય છે ? પોતાનું મન નબળું પડી ગયું છે ?

છટ્ટ..નબળી ? અને આરોહી ? પોતાનો રસ્તો જાતે પસંદ કરનાર...કોઇની પરવા ન કરનાર આરોહી ઢીલી પડે ? અરે, ઢીલા પડવાનું કોઇ કારણ પણ કયાં હતું ? છેલ્લા દસ વરસથી જીવન જીવાતું હતું. પોતાની રીતે..બિલકુલ સ્વતંત્રતાથી...એમાં કોઇ ફરક આજે પણ કયાં પડયો છે ? હજુ પોતાની ઇચ્છા થાય ત્યારે રાતે આલોકના બેડરૂમમાં જાય છે. કયાંય કશું તો બદલાયું નથી.

છતાં કશુંક તો છે. આરોહી પોતે નથી સમજી શકતી.

આલોક બે દિવસથી ઇલાક્ષી સાથે બહારગામ ગયો છે. ઓફિસેથી છૂટી આરોહી સીધી ઘેર આવી. હમેશની માફક જમીને ટી.વી. ચાલુ કરી સમાચાર જોવા બેસી. ત્યાં આલોકનો મિત્ર અંશુલ આવ્યો. આરોહી અંશુલથી અપરિચિત નહોતી. એકલી હોવાથી થોડું સારું પણ લાગ્યું. થોડીવાર અંશુલ સાથે ગપ્પા મરાશે. હમણાં આમ પણ સમય થોડો ભારેખમ બની ગયો હતો. ફેવિકોલથી ચીપકી ગયો હોય તેમ ઉખડતો જ નહોતો. અંશુલ આવ્યો છે તો સમય પસાર થશે. થોડીવાર પત્તા રમીશું. તેણે અંશુલને આવકાર્યો.

અંશુલ, સોરી, આલોક તો બહારગામ ગયો છે.

હા, મને ખબર છે. ઇલાક્ષી સાથે ગયો છે.

અંશુલનો બોલવાનો ટોન થોડો ખૂંચ્યો. પણ આરોહી મૌન રહી.

હું તો આજે ખાસ તને મળવા જ આવ્યો છું.

મને મળવા ?

હા, કેમ ન અવાય ?

અવાય તો ખરું. પરંતુ જનરલી તું આલોક હોય ત્યારે જ આવે છે તેથી આર્શ્વર્ય થયું.

આલોક મારો મિત્ર...અને તું આલોકની મિત્ર. તેથી આપણે પણ એકબીજાના મિત્ર આપોઆપ થઇ જ ગયા ને ?

અ=બ, અને બ=ચ , હોય તો...ચ=અ આપોઆપ થાય.

એવું કશું આપણે ગણિતમાં શીખ્યા હતા ને ?

દલીલ કરતાં તને સારી આવડે છે.

અરે, બીજું પણ ઘણું સારું આવડે છે. એકવાર અનુભવ કરી જો તો ખબર પડે ને ?

અંશુલના શ્વાસમાંથી દારૂની વાસ આવી કે શું ?

અંશુલ, તેં આજે પીધો છે ?

ના રે, આ તો તારો...આરોહીનો નશો છે.

અંશુલ, શટ અપ. મને લાગે છે આજે તારું ઠેકાણે નથી તારે જવું જોઇએ.

જવું જોઇએ..શા માટે ?આજે આલોક નથી..એક મિત્ર નથી..તો બીજો મિત્ર.....તને શો ફરક પડે છે ? આલોક કંઇ તારો પતિ થોડો જ છે ? તારે એવા વિચાર કરવાની કે સતી સાવિત્રી થવાની કોઇ જરૂર થોડી છે ? આઇ લાઇક યુ..મને તો આવી બિન્દાસ સ્ત્રીઓ જ ગમે. કમ ઓન....

અંશુલે ઉભા થઇ આરોહીનો હાથ પકડયો.

આરોહીએ અંશુલના ગાલ પર જોશથી એક લાફો મારી દીધો.

અંશુલ નફટાઇથી હસતો રહ્યો.

અરે, યાર, બીજો ગાલ ધરું ? આરોહી, તારો તો લાફો પણ મને મીઠો લાગ્યો. જોકે સમજાયો નહીં. અને તું તો જાણે આલોકની પત્ની હો અને તેની ગેરહાજરીમાં હું તારા પર બળાત્કાર કરવા આવ્યો હોય તેમ વર્તે છે. તારા જેવી બિન્દાસ સ્ત્રી આમ....

આઇ એમ રીયલી સરપ્રાઇઝડ...મિત્ર આલોક હોય કે અંશુલ..તને શો ફરક પડે છે ? િ અમ બઇતતઇર તહઅન સ્ળષ્ખિ દ્રળિળ ષત્ષ્ષ્શ્વઈ ટહ્યસ્ટ.

છષ્હ્મઈ ષ્ણ ભસ્ભથ. અને અંશુલ મોટેથી હસી રહ્યો.

છંછેડાયેલી વાઘણ જેવી આરોહીએ અંશુલનો હાથ પકડી તેને બહાર ધકેલ્યો.

બારણા પછાડી જોશથી બંધ કર્યા. અંશુલને કશું સમજાયું નહીં. તે તો માનતો હતો કે......

અચાનક આરોહીના મનમાં અનુજના શબ્દો પડઘાઇ ઉઠયા.

જીવનના કોઇ પડાવે, કયારેક ઇચ્છા થાય તો મને સાદ પાડજે.

આરોહીને મોટેથી સાદ દેવાનું મન થઇ આવ્યું.

પણ સાદ દેવા જતાં અવાજ ગળામાં જ રુન્ધાઇ ગયો. આખ્ખા અસ્તિત્વમાં એક મૂંઝારો......

અને ક્ષણવારમાં તો એ મૂંઝારો ધોધમાર રુદનમાં કયારે પલટાઇ ગયો..તે સમજાયું નહીં.

સામેના વૃક્ષ પરનું પંખી થાકીને હૂંફાળા માળામાં લપાઇ ગયું હતું.

આરોહી એકલી એકલી અનરાધાર રડી રહી. બરાબર મમ્મીની જેમ જ.