Antim Prakaran Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Antim Prakaran

અંતિમ પ્રકરણ...નીલમ દોશી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અંતિમ પ્રકરણ...

બૂઝાવા આવેલ કોડિયામાં તેલ પૂરવા હાંફતા શ્વાસ સાથે પરમ દોડયો.

પણ....કાળના પવનની એક જોરદાર ફૂંક...માધવીનો અંતિમ શ્વાસ....અને પરમ તેલ પૂરી શકે તે પહેલાં જ કોડિયું ઓલવાઇ ગયું. છ મહિનાથી કેન્સર સામે ઝઝૂમતી..બહાદુરીથી લડત આપતી માધવીનો પ્રાણ અંતે આ પિંજર છોડીને અનંતની સફરે....કોઇ નવા પિંજરની શોધમાં.....’’

હાશ ! પથિકે પેન એક તરફ મૂકી...અંતે નવલકથાનું છેલ્લું પ્રકરણ પૂરું થયું. ઘણાં સમયથી પોતે નિર્ણય નહોતો લઇ શકતો...સામાન્ય રીતે તેની વાર્તાનો અંત સુખદ જ રહેતો. પણ આ વાર્તા જે રીતે વિકસી હતી એમાં એ શકય નહોતું. ઘણાં મનોમંથન પછી તેણે...એક લેખકે નાયિકાને અલવિદા કરાવવી જ પડી..આ અંત વાંચ્યા પછી વાચકોની પસ્તાળ તેના પર પડવાની છે એ તે જાણતો હતો. પણ દરેક વખતે વાચકોની લાગણી સંતોષવી શકય નથી બનતી...વાર્તાની પોતાની એક આગવી માગણી હોય છે. વાર્તાનું પોત જે રીતે આપોઆપ વિકસ્યું હતું...એમાં આના સિવાય કોઇ પણ અંત વાર્તાની કલાત્મકતાને નુકશાનકારક જ સાબિત થાય...

મન સાથે દલીલો કરતા પથિકને અચાનક યાદ આવ્યું. ઓમનો રીપોર્ટ લેવા જવાનો સમય થઇ ગયો છે. માધવીને અને વાર્તાને મનમાંથી ખંખેરી તેણે હોસ્પીટલ તરફ પગ ઉપાડયા...

અને...આજે રીપોર્ટ આવ્યાને પૂરા દસ દિવસ કે દસ યુગ વીતી ચૂક્યાં હતાં. જે સત્ય તેની સામે ક્રૂર બનીને ત્રાટકયું હતું....તેણે તેને આખ્ખેઆખ્ખો હચમચાવી મૂકયો હતો. ચાર દિવસથી ઓમને તાવ આવતો હતો. તેથી બ્લડ ટેસ્ટ અને બીજી કેટલીયે ટેસ્ટ કરાવી હતી. તેમાં ડોકટરને કંઇક બીજી શંકા પડતાં અન્ય ટેસ્ટ....અને પરિણામ.... ? હોસ્પીટલે તે દિવસે ઓમનો રીપોર્ટ આપતા ડોકટરે તેને સમજાવેલ..તે પળ...ના.ના..નથી યાદ કરવી એ પળ....

પણ એ પળને યાદ કરે કે નહીં..એ પળના પરિણામથી છટકી શકાય એમ કયાં હતું ? એના પરિણામ સ્વરૂપે આજે તે ઓમ સાથે હોસ્પીટલમાં....

‘પપ્પા,આપણે મારી ડ્રોઇંગબુક લેતા ભૂલી ગયા ને ?’

હોસ્પીટલમાં આવતાની સાથે જ ઓમને યાદ આવ્યું.

‘ઓહ..યસ..બેટા. સાંજે ઘેર જઇશ ત્યારે લેતો આવીશ. ‘

‘સાંજે ઘેર કેમ જવાના ?’

‘કેમ, આપણા બંનેનું ટિફીન નથી લાવવાનું ? આજે તો તારી સ્પેશ્યલ વેરાયટી બનાવવાનું તારાબેનને કહી આવ્યો છું. ‘

‘કઇ સ્પેશ્યલ વેરાયટી ? મારી તો ઘણી બધી ફેવરીટ વસ્તુઓ છે. ‘

‘એ તો ટિફીન આવે ત્યારે જોઇ લેજે....ટોપ સીક્રેટ...’

‘પપ્પા, આ કંઇ તમારી વાર્તા નથી...અહીં સીક્રેટ રાખવાની કોઇ જરૂર નથી. ‘

‘આદત સે મજબૂર..’

પથિકે હસતાં હસતાં કહ્યું.

‘પપ્પા, આપણે અહીં લગભગ કેટલા દિવસો રહેવું પડશે ?’

‘બેટા, આજે તો આવ્યા ને આજથી જવાની પૂછપરછ ચાલુ કરી દે એ કેમ ચાલે ? અહીં આવતા પહેલાં જ મેં તને બધું સમજાવેલને ? ‘

‘યસ..પપ્પા...હું તો અમસ્તુ જ પૂછતો હતો. સ્કૂલ યાદ આવી ગઇ એટલે.’

‘બચ્ચુ, હવે સમજાયું ને કે સ્કૂલે જવાની કેવી મજા પડે ..રોજ સવારે ઉઠતી વખતે કહેતો હતો ને કે...’ પપ્પા..પ્લીઝ....આજે નો સ્કૂલ...’

‘પણ એ તો એકાદ દિવસ...બાકી સ્કૂલે ન જાઉં તો ફ્રેંડ્‌સને કેમ મળાય ? ટીચરની મસ્તી કેમ કરાય ? ‘

‘એટલે તું ટીચરની મસ્તી કરતો હતો...એ સાબિત થઇ ગયું ને ? ‘

‘હું નહીં...અમે..અને એ પણ રોજ નહીં કયારેક..કયારેક. ખાસ કરીને ઇશિતા મેડમના પીરીયડમાં...પપ્પા, રીયલી..મજા આવી જાય હોં. એ મેડમને કલાસને શાંત કેમ રાખવો એ આવડતું જ નથી. કલાસમાં એના પીરીયડમાં તો જાણે પકડદાવ જ રમાતો હોય. અમે એની મસ્તી કરીએ..એ અમને મારવા આવે..અને અમે કલાસમાં ભાગીએ....બિચારાનું શરીર ભારે.. ખાસ્સા સો કિલો... અમને કેમ પહોંચી શકે ? ‘

ઇશિતા ટીચરની યાદ સાથે જ ઓમનું ખડખડાટ હાસ્ય રૂમમાં પડઘાઇ રહ્યું. લાખ ઇચ્છા છતાં આજે પથિક એ હાસ્યમાં જોઇએ તેવો સાથ ન પૂરાવી શકયો.

અચાનક ઓમ શાંત..સાવ શાંત...

બે ચાર પળ તે પપ્પાની આંખ સામે તાકી રહ્યો. જાણે કશુંક ઉકેલવા મથી રહ્યો હતો.

‘પપ્પા, એક પ્રશ્ન પૂછું ? સાવ સાચો જવાબ આપવાનો હોં..’

‘કયારેય ખોટું બોલ્યો છું ખરો ? તો તો કાલે પણ તને સાચી વાત ન કરી હોત...પણ મને ખબર છે કે મારો ઓમ બહાદુર છે.’

‘પપ્પા, તમને શું લાગે છે..હું ફરીથી પહેલાની જેમ સ્કૂલે જઇ શકીશ ? ‘

‘યસ..બેટા..સ્યોર...મને એમાં કોઇ શંકા નથી જ. બની શકે થોડો સમય લાગે..બાકી ન જઇ શકવાનો તો કોઇ સવાલ જ નથી. તારું કેન્સર હજુ સાવ ઇનીશ્યલ સ્ટેજમાં છે. શરૂઆતથી જ આપણને જાણ થઇ ગઇ...તેથી એવી કોઇ જ ચિંતાનું કારણ નથી. હવે કેન્સર કંઇ અસાધ્ય રોગ નથી રહ્યો...એની તને કયાં ખબર નથી ? ‘

‘હા, પપ્પા...મને એ ખબર છે. પણ છતાં એકવાર મારા માથા ઉપર હાથ મૂકીને કહો કે મારું કેન્સર પ્રથમ સ્ટેજમાં છે..કયોરેબલ છે. ‘

પથિક એકાદ...ફકત એકાદ ક્ષણ પુત્ર સામે જોઇ રહ્યો. બીજી પળે એનો હાથ પુત્રના માથા ઉપર મૂકાયો...’

‘બેટા, હવે વિશ્વાસ આવ્યો ? ‘

‘હા, મને ખબર છે..મારા માથા ઉપર હાથ મૂકીને તમે કયારેય ખોટું ન બોલી શકો.... હવે અહીં બેઠાં બેઠાં પણ હું મારું ભણવાનું વાંચવાનું ચાલુ રાખીશ. પેલો વિશ્વમ મારો પહેલો નંબર લઇ જાય એ થોડું ચાલે ? રાઇટ..પપ્પા ?’

‘એકદમ રાઇટ.....એક મિનિટ..બેટા, હું જરા....’

ટચલી આંગળી બતાવતા પથિક બાથરૂમમાં ઘૂસી ગયો.

ભીની આંખ પુત્રની નજરે ન ચડે એ જોવું જરૂરી હતું. પુત્રના માથા ઉપર હાથ મૂકી આજે પહેલીવાર એ ખોટું બોલ્યો હતો..પણ..... એ સિવાય બીજો ઉપાય પણ કયાં હતો ? જોકે કોઇ મીરેકલ બની શકે અને તો ઓમ કદાચ બચી પણ જાય એવી આશા તો ડોકટરે આપી જ હતી ને...? એ આશાને તાંતણે તો......

અને દુનિયામાં ચમત્કારો નથી બનતા એવું કોણ કહી શકે ?

ગાર્ગીની અણધારી વિદાય વખતે પણ પોતે આમ જ હચમચી ઉઠયો હતો. છતાં ત્યારે સાત વરસનો પુત્ર તેના જીવવાનું કારણ બની રહ્યો હતો. આજે એ પુત્ર પણ છિનવાઇ જાય તો ?

સામે લાંબી લડત હતી..હાર્યે કે નિરાશ થયે કેમ ચાલે ? અહીં આવતા પહેલાં જ બાર વરસના પુત્રને પાસે બેસાડીને બધી સાચી વાત કહી હતી. શું કરવું પડશે...કેટલો સમય હોસ્પીટલમાં રહેવું પડશે...બધું વિગતવાર સમજાવ્યું હતું. ફકત......

‘બેટા, આજ સુધી મેં તને મનની શક્તિ વિશે અનેકવાર સમજાવ્યું છે. વીલપાવર કેવા ચમત્કાર સર્જી શકે છે. રીડર્સ ડાયજેસ્ટમાં તેં અનેકવાર જાતે પણ વાંચ્યું છે. અને તારું કેન્સર તો હજુ સાવ જ શરૂઆતના તબક્કામાં છે..’

બોલતાં બોલતાં પોતાનો અવાજ ધ્રૂજી ન જાય માટે કેટલી વાર એકલાં એકલાં પ્રેકટીસ કરી હતી. દીકરાને સાચું કહેવું કે ન કહેવું..એ નક્કી કરતાં પણ કેવી અવઢવ..મન સાથે અનેક મથામણો...બધી શકયતાઓ વિચારી અંતે સાચી વાત કહેવાનું જ નક્કી થયેલ. આમ પણ ઓમ જેવા પુત્ર પાસે બહાના કેટલા દિવસ ચાલે ? કેમોથેરાપી શરૂ થાય ત્યાં જ તેને ખબર પડી જાય...તેના કરતાં પોતે જ એને મેન્ટલી કેમ તૈયાર ન કરી શકે ?પોતાની વાર્તાના અનેક પાત્રોને તૈયાર કર્યા જ હતા ને ? આજે એક લેખકની કસોટી હતી..જે લખ્યું હતું તેને જીવવાનું આવ્યું હતું...એમાં ઉણા કેમ ઉતરાય ?

‘બેટા, આપણે લાંબી ફાઇટ આપવાની છે. આપીશું ને ?’

બે કલાક સુધી બધું વિગતવાર સમજાવ્યા પછી પથિકે પુત્રને કહ્યું હતું.

‘યસ..પપ્પા..ફાઇટ આપીશું અને જીતીશું પણ ખરા. પપ્પા, પછી તમારે મારી વાર્તા લખવાની હોં ને ? લખશોને ? ’

સ્યોર...આઇ એમ પ્રાઉડ ઓફ યુ..બેટા..’

‘મી..ટુ..પપ્પા..’

બાપ દીકરો વહાલના દરિયામાં થોડી ક્ષણો....

એકમેકને ભેટીને બંનેએ પોતપોતાની આંખો જાતે લૂછી નાખી હતી..અને એની બંનેને ખબર પણ હતી જ.

‘પપ્પા, તમારી આંખો બરાબર લૂછાઇ નથી. જુઓ અહીં સહેજ ભીની રહી ગઇ છે. ’ કહેતાં પુત્રે બાપની આંખના ખૂણા લૂછયા હતા. ‘

અને તારી આંખો..?

મારી આંખમાં તો કણું પડયું હતું...તેથી...

એકાદ મિનિટ એકબીજાની આંખમાં નીરખતાં અંતે બંને મોટેથી હસી પડયાં હતાં..એ હાસ્યની રૂમઝૂમ છડીઓની નીચે વહેતા આંસુના પૂર બંનેએ બહાદુર બનીને ખાળ્યાં હતાં...અને હવે ખાળતા રહેવાનાં હતાં..કયાં સુધી ? એનો જવાબ ઇશ્વર સિવાય કોણ આપી શકે ?

ઇશ્વર..? પથિક ચોંકી ગયો. પોતે તો પૂરેપૂરો રેશનાલીસ્ટ...ઇશ્વરના અસ્તિત્વનો ધરાર ઇન્કાર કરનાર...આજે ઇશ્વર સિવાય કોઇ યાદ ન આવ્યું. જેને જીવનભર નકાર્યો છે..વહાલસોયી પત્ની ગાર્ગીને એક રોડ અકસ્માતે છીનવી લીધી ત્યારે પણ...ઇશ્વરને ગાળૉ નહોતી આપી..જેના અસ્તિત્વનો જ ઇનકાર હોય તેની સામે ફરિયાદ કેમ હોય?

અને છતાં આજે....આજે ઇશ્વર સિવાય કોઇ જ યાદ ન આવ્યું.

સારું થયું પુત્રમાં તેની માના ગુણ આવ્યા છે. ગાર્ગીને ઇશ્વરમાં પૂર્ણ શ્રધ્ધા..અને એ શ્રધ્ધા ઓમમાં પણ ઉતરી હતી. તેથી જ તો તેનું નામ ઓમ પાડેલ. પોતે કયારેય ગાર્ગીની માન્યતા સામે આડો નહોતો આવ્યો. વ્યક્તિ સ્વાતંત્રના ખ્યાલો જીવનમાં પૂરે પૂરા ઉતાર્યાં હતાં. ઓમ પણ રોજ સવારે ભગવાનને પગે લગીને સ્કૂલે જતો. ગાર્ગીએ જ આ આદત તેને પાડેલ. જે માની વિદાય પછી પણ ચાલુ જ રહી હતી.

બાથરૂમમાં ધાર્યા કરતાં વધારે વાર થઇ ગઇ છે એનું ભાન થતાં તે જલદી જલદી બહાર નીકળ્યો..

‘પપ્પા...આટલી વાર ? ‘

‘અરે, એકી..બેકી બંને સાથે પતાવ્યા....’

બાપ દીકરો હસી પડયા. ’ પપ્પા, આમ પણ એ તો તમારો ફેવરીટ સબ્જેકટ ને ? કે પછી એકાદ બુક સંતાડીને અંદર લઇ ગયા હતા ? ’

‘બસ..બસ..હવે બહું બોલ્યો..’

કૃત્રિમ ગુસ્સાથી પથિક બોલ્યો..

‘ચાલ, તું જરા વાર આરામ કરી લે ત્યાં હું ટિફીન લેતો આવું..ઓકે બેટા..? ‘

‘ઓકે પપ્પા...’

‘ટી.વી, ચાલુ કરતો જાઉં ?’

‘ના, હું આ પઝલ ભરીશ...પછી મન થશે તો ટી.વી.જોઇશ. રીમોટ મારી પાસે જ છે.

‘તો બેટા, હું જાઉં..? સ્યોર ? કંઇ કામ નથીને ?’

‘ના, અને કામ હોય તો હજું તો હું દોડી પણ શકું છું હોં..આજે તો તાવ પણ કયાં આવ્યો છે ? ડરીને ભાગી ગયો..બિચારો. હવે આમ જ એક દિવસ આ કેન્સર બિચારું પણ છૂમંતર થઇ જશે..એને ખબર નથી કે એનો પાલો કોની સાથે પડયો છે ? પપ્પા, આપણે કંઇ કોઇથી ગભરાઇએ નહીં...ખરું ને ?’

પુત્ર પોતાની જાતને આશ્વાસન આપતો હતો કે બાપને ?

‘યસ..બેટા...તો હું જાઉં ? ‘

‘કેટલીવાર પૂછશો પપ્પા ? એક કામ કરો...મને મૂકીને જતાં તમારો જીવ નહીં ચાલે..મારી બદલે તમે અહીં થોડીવાર આરામ કરો..હું જઇને ટિફીન લેતો આવું છું.’ હસતાં હસતાં ઓમ ઉભો થયો..

પથિક પણ હસી પડયો. જબરો છે આ છોકરો...બધી ખબર પડી જ જાય..

‘બાય..બેટા..ટેઇક કેર..હું આવું છું...’

અંતે પથિક ગયો. ઓમ એકલો એકલો હસી પડયો. પપ્પા પણ ખરા છે. તેણે સુડોકુ ના ચોકઠા ભરવામાં મન પરોવ્યું. સુડોકુ તેનો શોખ..અઘરા લેવલનું પણ એ જરૂર ભરી શકતો...

ત્યાં ડૉકટર અનિલા દેસાઇ આવ્યા. ચાલીસેક વરસની ઉમર...એકવડિયો, ઉંચો બાન્ધો...પાણીદાર આંખો, ચહેરા પર સતત રમતું હૂંફાળું સ્મિત...દર્દીઓ સાથે આત્મીયતા બાન્ધતા તેને વાર ન લાગતી. બાળકોમાં તે પ્રિય બની રહેતા. કેન્સર હોસ્પીટલમાં દર્દીઓને દવાની સાથે માનસિક સધિયારાની જરૂર ઘણી વધારે હોય છે. એ સત્ય તેમણે પચાવ્યું હતું..અંતરમાં ઉતાર્યું હતું. કેન્સરનું નામ સાંભળી ભાંગી પડતાં દર્દીઓને તે અજબ કુનેહથી સંભાળી શકતા.

‘હાય ઓમ, હાઉ આર યુ માય સ્વીટ બોય ? ‘

‘આઇ એમ ફાઇન...’

‘ગુડ...અને ફાઇન જ રહેવાનું છે. તારો તાવ તો હું આમ મટાડી દઇશ.’ ચપટી વગાડતાં ડોકટરે કહ્યું.

‘તાવ નહીં..ડોકટર ..તમારે મારું કેન્સર મટાડવાનું છે. ‘

ડોકટર સ્તબ્ધ...મૌન...

‘મેડમ, હું ને પપ્પા સાથે મળીને મારા કેન્સરને હરાવી દેવાના છીએ..અમે બરાબર ફાઇટ આપવાના છીએ. તમે જોજોને...અને હું કંઇ કીમોથેરાપીથી ડરતો નથી. ’

શું બોલવું તે ડોકટર અનિલાને સમજાયું નહીં.

આ છોકરાને બધી ખબર છે..!

એક મંદ સ્મિત સાથે તેમણે આ બહાદુર છોકરાની વાતમાં સાથ પૂરાવતા કહ્યું.

‘ચોક્કસ બેટા..અને એ લડાઇમાં હું પણ તમારી સાથે છું..બેથી ત્રણ ભલા..બરાબરને ? ’

‘યસ..ડોકટર...આમ પણ તમારા વિના તો આ લડાઇ લડાશે જ નહીં ને ? ‘

ડોકટરના હાથમાં ઇન્જેક્શન જોતાં તેણે ઉમેર્યું,

‘મને આપવાનું છે ?’

‘તું કહે તો આ નર્સને આપી દઉં ? ‘

હસીને ડોકટરે જવાબ આપ્યો...’ બોલ, આપી દેવું છે આને ? ‘

સાથેની નર્સ તરફ આંખ મીંચકારતા તેણે કહ્યું.

‘ના રે..કાલે પછી બદલો લેવા માટે મને એક ને બદલે બે ઇંજેકશન ઠપકારી દેશે...મારા ભાગનું મને જ આપી દો...’

‘તારી સાથે બીજું કોઇ નથી ? ‘

‘પપ્પા અમારું ટિફીન લેવા ગયા છે.’

હમણાં મમ્મીનો પ્રશ્ન આવશે એ વિચારે ઓમની ભીતર ઉદાસીનું એક વાદળ....

પણ ના..એવો કોઇ પ્રશ્ન ન આવ્યો.

હાશ ! એ પ્રશ્નનો જવાબ આપતા હમેશાં માની યાદ તેને ઘેરી વળતી. સાત વરસની ઉમરે ગુમાવેલ મમ્મી આજે પણ તેની અન્દર જીવંત છે. મમ્મી નથી એવું કહેવું તેને કયારેય ગમતું નહીં.

તેની સાથે વાતો કરતાં કરતાં ડોકટરે તેને ઇંજેકશન આપી દીધું હતું..એનો ખ્યાલ ચબરાક ઓમને જરૂર આવી ગયો હતો.

‘ડોકટર...

‘તું મને અનિલા આંટી કહી શકે છે.’

‘થેન્કયુ....’

‘આ સુડોકુ ભરવા મને પણ ખૂબ ગમે છે..હોં.. આપણે બંને કયારેક કોમ્પીટીશન રાખીશું..કોણ પહેલાં ભરી લે છે તેની..’

ઓમના હાથમાં રહેલ સુડૉકુના પુસ્તક તરફ જોતા અનિલાએ કહ્યું.

‘સ્યોર...મને મજા આવી જશે..પણ તમે જીતી નહીં શકો ‘

‘ઓહ..ચેલેન્જ ? શરત લગાવવી છે ? ’

ઓમ હસી પડયો

‘સ્યોર..’ આ ડોકટર તેને ગમી ગયા. અહીં રહેવાનું કદાચ આકરું નહીં લાગે...

ઓકે.શરતની ટર્મ અને કંડીશન કાલે વિચારી રાખજે.

અનિલા જવા જતી હતી ત્યાં પથિક આવી ગયો.

‘હાય..માય સન...’ કહેતાં તે અંદર ઘૂસ્યો.ત્યાં ડોકટરને જોઇ તે થોડો ગંભીર બની ગયો.

‘આંટી, મારા પપ્પા...મોટા લેખક છે હોં... પથિક દેસાઇ...’

‘ઓહ..ગુડ..નાઇસ ટુ મીટ યુ..તમારી નવલકથા ’’ અંતિમ પ્રકરણ ’’ ચિત્રલેખામાં હું વાંચું છું. સરસ છે. અંત વિશે ધારણા બાંધી છે. જોઇએ..તમે સાચી પાડો છો કે ખોટી ?

પથિક કશું બોલી શકયો નહીં.

ડોકટર કદાચ તેની મનોદશા સમજી ગયા.

‘આઇ એમ ડોકટર અનિલા દેસાઇ..અહીં બાળકોના વોર્ડની ઇંચાર્જ.... બાય ધ વે..તમારો દીકરો મજાનો છે...’

‘થેંકસ...બહું બોલીને તમને હેરાન તો નથી કર્યાને ? ’

‘અરે, અમે તો દોસ્ત બની ગયા છીએ...શરત પણ લગાવી છે..ખરુંને ઓમ ? ’

‘યસ...આંટી...ચાલો અમારી સાથે ડીનર લેવા..’

‘ફરી કયારેક ચોક્કસ લઇશ.. અત્યારે તો બીજા બાળકો મારી રાહ જોતા હશે..આપણે તો હવે મળતા જ રહીશું ને ?

પછી પથિકના હાથમાં દવાનું પ્રીસ્ક્રીપ્શન પકડાવતાં ઉમેર્યું.

‘દવા લઇને મને બતાવી જજો.પછી જ આપવાની છે. ‘

‘ઓકે..મેડમ...થેંકસ...’

ટીફીનમાં પોતાના ફેવરીટ દહીંવડા જોઇ ઓમ ખુશ થયો. થોડીવારે હસતાં હસતાં..બાપ દીકરાએ જમી લીધું.

‘ઓમ..હું નીચેથી દવા લેતો આવું..’

‘ઓકે પપ્પા...અને આંટીને બતાવવાની છે એ ભૂલી ન જતા.’

પપ્પાએ લાવેલી ડ્રોઇંગબુક હાથમાં લેતા ઓમે કહ્યું.

‘એ કંઇ ભૂલવાની વાત છે ? ‘

કેલેન્ડરના પાના સારી, નરસી દરેક ક્ષણો પોતાની સંગાથે લઇ ફાટવા લાગ્યા.

હવે તો હોસ્પીટલ ઓમને ઘર જેવું લાગે છે. આંટી સાથે સરસ દોસ્તી થઇ ગઇ છે. તેની પહેલી કીમોથેરાપી થઇ ચૂકી છે. ઓમના વાળ ખરવાની શરૂઆત થઇ છે. નાની મોટી તકલીફો પણ ચાલુ છે. એને ગણકાર્યા સિવાય ઓમ ચિત્રો દોરતો રહે છે, વાંચતો રહે છે. પપ્પા સાથે હસતો રહે છે. પોતે ઢીલો પડે તો પપ્પાની સ્થિતિ શું થાય એની એને બરાબર ખબર છે. બાપ, દીકરાની સંગોષ્ઠીમાં ડોકટર અનિલા પણ અવારનવાર સામેલ થતા રહે છે.

પથિકે કોઇ સગાઓને કે મિત્રોને જાણ સુધ્ધાં નથી થવા દીધી. આ લડાઇ બાપ, દીકરા બેની જ છે.એમાં કોઇને સામેલ નથી કરવા..કોઇ દયા ખાઇને ઓમ સાથે કશું આડુંઅવળું બોલી જાય એ તેને મંજૂર નથી. ઓમના મિત્રોને પણ ઓમ સ્કૂલે નથી આવતો..બીમાર છે એટલી જ ખબર છે. રોગના નામની કોઇને જાણ નથી. ઓમને પણ કોઇ પોતાની દયા ખાય એ કબૂલ નથી. એ ખુશ રહે છે. આડાઅવળાં પ્રશ્નો પૂછીને પપ્પાને પરેશાન નથી કરતો..

આજે અચાનક કહે,’

‘પપ્પા, તમને ખબર છે ? આજે બાજુવાળી છોકરી પાસે ’’ મેઇક એ વીશ ’’ વાળા આવ્યા હતા..તેની ઇચ્છા પૂછવા માટે...મારી પાસે પણ આવ્યા હતા...પણ મેં તો ના પાડી દીધી. મારી કોઇ ઇચ્છા નથી. સાચું ને પપ્પા ? ઇચ્છાઓ તો ઘણી છે. પણ એ લોકો તો અંતિમ ઇચ્છાનું પૂછે છે બધાને..હું તો હમણાં સાજો થઇને ઘેર જવાનો છું. કંઇ મરી થોડૉ જવાનો છું ? જેથી મારી અંતિમ ઇચ્છા હોય ?’

‘બરાબર કહ્યું ને પપ્પા ?’

‘એકદમ બરાબર..બેટા....અને આમ પણ તારી બધી ઇચ્છાઓ પૂરી કરવા તારો બાપ તારી સાથે છે જ...’

થોડી પળો મૌન છવાયું. બે ચાર યુગો જેવી બે ચાર પળો વીતી.

‘પપ્પા. સાચ્ચે જ જો મારી અંતિમ ઇચ્છાનો સમય આવી ગયો હોય ને તો હું શું માગું કહું ? ‘

પથિક કશું બોલ્યો નહીં. ભીની આંખે દીકરા સામે તાકી રહ્યો...

‘પપ્પા હું તો એક જ માગું..

‘મારી મમ્મીને પાછી લાવી શકશો બોલો ? કેમકે જો હું નહીં હોઉં તો પપ્પા તો સાવ એકલા થઇ જાય ને ? અને મારા પપ્પા એકલા થઇ જાય એ મને જરાયે ન ગમે. હેં ને પપ્પા ?’

પથિક શું બોલે ?

કાલે ઓમનું ફાઇનલ ઓપરેશન હતું. આ પાર કે પેલે પાર જેવા આ ઓપરેશન પર જ તો બધો આધાર હતો...આજે ઓમથી એક ક્ષણ પણ તે છૂટો પડવા નહોતો ઇચ્છતો. ઓમ પણ પપ્પાને વળગીને સૂતો હતો. તેના ચહેરા પર કોઇ તનાવ ..કોઇ ચિંતા નહોતી. તેના વહાલા પપ્પા તેની સાથે હતા. તેને કંઇ જ થવા દે તેમ નહોતા. પપ્પામાં પૂરી શ્રધ્ધા હતી તેને.

પથિકના મનમાં વિચારોનો વંટોળ...

ત્યાં ...ત્યાં અચાનક તેને કશુંક યાદ આવ્યું. મનમાં વિહવળતા....ડર..આશંકા.... અસ્તિત્વમાં એક ધ્રૂજારી....

ધીમેથી તેણે ઓમનો હાથ ખસેડયો. એક નજર ઘસઘસાટ ઉંઘતા ઓમ પર નાખી. આંખના ઝળઝળિયાને રોકી, જરા પણ અવાજ ન થાય તેની સાવચેતી રાખી ચોરપગલે તે નીચે ઉતર્યો. અને પછી સીધી દોટ મૂકી...

ડોકટર અનિલા તેને જતા જોઇ રહી. તેણે પાસે આવીને પૂછયું.’ એની પ્રોબ્લેમ..? ‘

‘‘ના..ના..’’ અને રાતના અન્ધકારમાં તે જાણે ઓગળી ગયો. અનિલાને આર્શ્વર્ય તો થયું.પથિકની મનોસ્થિતિથી તે અજાણ નહોતી. તે આગળ કશું પૂછે તે પહેલાં પથિક.....અદ્રશ્ય..

ઉંઘી ગયાનો ડોળ કરતો ઓમ પપ્પાના જતા જ બેઠો થયો. પપ્પા પર લખી રાખેલ કાગળ ગાદલા નીચેથી કાઢયો. એકવાર ફરીથી વાંચી ગયો. નબળા પડી ગયેલ હાથે નીચે થોડું ઉમેર્યું.

‘પપ્પા, આ ક્ષણે મને મૂકીને તમે દોડયા છો..મને ખબર છે..મારા માટે જ કયાંક દોડી ગયા છો. પપ્પા, મારા માથા ઉપર હાથ મૂકીને પણ ખોટું બોલવાનું તમે સ્વીકાર્યું.. તમારી એ વ્યથા સમજી શકયો છું. જોકે ત્યારે તો ખબર નહોતી પડી. પરંતુ એક દિવસ અચાનક....

એ બધી વિગત ઉપર લખી જ છે ને ?

અને મને જાણ થઇ કે મારું કેન્સર પ્રથમ નહીં...અંતિમ સ્ટેજમાં છે...

પપ્પા, ’ મેઇક એ વીશવાળા’ ની મને કોઇ જરૂર નથી. તમે જ તો કહ્યું છે ને કે તારી બધી ઇચ્છા પૂરી કરવાવાળો તારો બાપ બેઠો છે. તો પપ્પા, મારી ઇચ્છા છે કે હું ન હોઉં ત્યારે તમે એકલા ન રહેતા. તમારી મિત્ર વૈશાલી આંટી ખૂબ સારા છે. બસ...બાકીનું તમારે જાતે સમજવાનું. લેખક ખરા ને ? ’’ બોલકા બનીને બધું કહી દેવાનું ન હોય.’’ એમ તમે જ કહેતા હો છો ને ? મને પણ મારા વાચક...ભાવકની સમજણ પર પૂરો વિશ્વાસ છે. પપ્પા, તમે જે ચમત્કારની આશા રાખીને બેઠા છો એ ચમત્કાર થાય અને હું ઓપરેશન થિયેટરમાંથી પાછો આવ્યો તો.....તો પણ હવે વૈશાલી આંટી તો ઘરમાં આવવાના જ હોં...બાય પપ્પા..લવ યુ...મીસ યુ...અને હા, હું કદાચ પાછો ન આવી શકયો તો.... તો એકવાર મન મૂકીને ખૂબ રડી લેવાની છૂટ. પણ એક જ વાર હોં..પછી..માય ફાધર ઇઝ બ્રેવ..લાઇક હીઝ બ્રેવ સન....રાઇટ..? જુઓ..આ લખતા લખતાં પણ મારી આંખ કોરી છે. સાવ કોરી..ઓકે..? બાય પપ્પા...

પણ પપ્પા, મારે જીવવું છે..ખૂબ જીવવું છે. તમારા જેવા પપ્પાને મૂકીને જવું કોને ગમે ? ‘

કાગળની ગડી વાળી, કવરમાં મૂકી કવર ફરીથી ગાદલા નીચે રાખી, પોતાની ભીની આંખો બંધ કરી ઓમ મમ્મીએ શીખડાવેલ પ્રાર્થના ગણગણી રહ્યો.

બરાબર ત્યારે પથિકે ગાડી ફુલ સ્પીડમાં ભગાવી હતી..... પન્દર મિનિટનો રસ્તો પાંચ મિનિટમાં કાપી હાંફતા હાંફતા તેણે ઘર ખોલ્યું....પરસેવે રેબઝેબ....પ્રાણ આકુળવ્યાકુળ...

અંદર જઇ ઇશ્વરને ભાવથી વન્દન કર્યા...જીવનમાં પ્રથમ વાર...

બરાબર ઓમની જેમ જ આખા નીચે સૂઇ દંડવત પ્રણામ કર્યા. શું ગણગણ્યો તેની પોતાને યે સૂઝ નહોતી પડી.

પછી જલદી જલદી પોતાના રૂમ તરફ ગાંડાની માફક દોડયો....હાંફતા શ્વાસે ટેબલનું ખાનું ખોલ્યું... પોતાની નવલકથા કાઢી. ફટાફટ પાના ઉથલાવ્યા. છેલ્લું પ્રકરણ કાઢયું. અક્ષરો ધૂન્ધળા દેખાતા હતા. જોશથી છેલ્લા પેરેગ્રાફ ઉપર મોટૉ છેકો માર્યો...તો યે સંતોષ ન થયો. બહાવરા બની આખું પાનું ફાડી કાઢયું. અને ધ્રૂજતા હાથે પેન ઉપાડી..

પરમે જલદી જલદી બૂઝાવા આવેલ દીવામાં તેલ પૂર્યું. કોડિયું ફરી એકવાર ઝગમગી ઉઠયું..એનો ઉજાસ માધવીના ચહેરા પર રેલાયો. ધીમેથી માધવીએ આંખ ખોલી....

દૂરથી પ્રભાતની આલબેલ પુકારતા કૂકડાએ બાંગ પોકારી. ‘‘

હાશ ! હાંફતા પથિકે પેન બન્ધ કરવાની પણ તસ્દી લીધા સિવાય ફરીથી હોસ્પીટલ તરફ દોટ મૂકી.