રસોડામાં ઉપયોગી ટિપ્સ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રસોડામાં ઉપયોગી ટિપ્સ

રસોડામાં ઉપયોગી ટિપ્સ

મિતલ ઠક્કર

* રોટલી અને પરાઠાને જલદી કડક થતા અટકાવવા પ્રથમ રોટલીને શેકીને કૂલિંગ રેક એટલે કે રોટલીની જાળી પર મુકો. પછી કેસરોલમાં એક મોટી સાઈઝનું સાફ પાતળું કૉટન કપડું પાથરો, જેમાં રોટલીઓ આવી જાય. જ્યારે બધી રોટલીઓ શેકાઈ જાય ત્યારે તેને કેસરોલમાં મુકીને તેને કપડાથી પૂરી ઢાંકી દો. એ પછી કેસરોલનું ઢાંકણ લગાવીને મૂકી દો. આવું કરવાથી રોટલીઓ અને પરાઠા દોઢ થી બે કલાક સુધી ગરમ અને નરમ રહેશે. રોટલીઓને હવા લાગવાથી જ એ કડક થાય છે.

* દાળમાં વઘાર કરતી વખતે જ મીઠો લીમડો તથા કોથમીર નાખી દેવાથી સોડમ તથા દેખાવ બન્ને સારા થાય છે.

* શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો. ઘણી મહિલાઓ પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરે છે. આમ કરવામાં ઘણી વાર પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે. જયારે લાકડાંના પાટિયામાં આવું થવાની શકયતા રહેતી નથી.

* બાંધેલો લોટ ફ્રીઝમાં મૂકતાં પહેલાં તેના પર તેલ લગાવવાથી તે સૂકાશે નહીં.

* બદામની છાલ સરળતાથી કાઢવા માટે તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.

* જે શાકની છાલ ચડે નહીં તેવી હોય તેને કાઢી નાખવી. બાકીના શાકને છાલ સાથે જ રાંધવા, નહીં તો છાલ સહિત બધાં સત્ત્વ અને ગુણ ગુમાવી બેસીશું.

* આમલીને પાણીમાં ચોળી આંગળાથી નીતારવું અને ખટાશવાળું પાણી જ ઉપયોગમાં લેવું.

* દૂધ, ક્રીમ, દહીં પાઉચમાંથી કાઢીને કાચના જારમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરવાથી તે વધારે સમય સારા રહેશે.* બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને એર ટાઈટ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વાંદા કે જીવડાં તેના પર ફરે નહીં.

* લાલ મરચું, હળદર, ધાણાજીરું વગેરે મસાલા લાંબા સમય સુધી તાજાં રહે એ માટે તેમાં હિંગનો ટુકડો મૂકી રાખો.

* ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર સાંભાર મસાલો ભભરાવો.

* કોઈપણ લોટની વાનગી બનાવતી વખતે તેમા ગરમ-ગરમ ઘી-તેલનું જ મોણ નાખશો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે.

* ટામેટા જો ગરમી અને તાપને કારણે નરમ પડી રહ્યા છે તો તેને ડંડી સાથે રાખવાથી તે તાજા રહેશે.

* પકોડા ક્રિસ્પી બનાવવા માટે બેસનમાં 2 ટીસ્પૂન ગરમ તેલ નાખો.

* ચોપિંગ બોર્ડ, છરી, પીલર અને ગ્રેટરને કિચનમાં કાઉન્ટરના એક ખુણા પર જ રાખો. જેથી તમે બોર્ડ પર રાખીને બધું જ સમારી શકો. તેનાથી કાઉન્ટર ગંદુ નહીં થાય. કિચન માટે એક નાની ડસ્ટબિન પણ ત્યાં જ વસાવી રાખો. જેથી ગંદકી ન ફેલાય.

* લસણને ફ્રિઝને બદલે ઠંડી અને અંધારી જગ્યાએ રાખવા જોઇએ. ફ્રિઝમાં રાખવાથી લસણમાં ફણગા ઉગવા માંડશે અને એ રીતે જલદી બગડી જશે.

* મધને ફ્રિઝમાં રાખવાની જરૂર જ નથી. જો તમે મધને હવાચુસ્ત બરણીમાં રાખ્યું હોય તો એ મહિનાઓ સુધી બગડવાનું નથી પણ જો તમે એ ફ્રિઝમાં રાખશો તો એનું ક્રિસ્ટલમાં રૂપાંતર થઇ જશે.

* વાસણો પર જામેલ મેલને સાફ કરવા માટે પાણીમાં થોડો સોડા અને લીંબૂનો રસ નાખીને ઉકાળવાથી મેલ છૂટી જાય છે.

* પ્રેશર કૂકરમાં લાગેલ દાગ-ધબ્બાને સાફ કરવા માટે કૂકરમાં પાણી, ૧ ચમચી વોશિંગ પાવડર અને અડધું લીંબૂ નાખીને ઉકાળી લો. પછી વાસણ સાફ કરવાની જાળીથી હળવું રગડીને સાફ કરો. કૂકર એકદમ નવા જેવું ચમકવા માંડશે.

* દાળ કે ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો ન આવે તે માટે એક ચમચી ઘી કે તેલ ઉમેરવું.

* ઘી બનાવવા માટે મલાઇ ભેગી કરતા હો ત્યારે તેમાં બે-ત્રણ વખત એક-બે ચમચી દહીં ભેળવી દેવું. મલાઇને ફ્રિજરમાં રાખવાથી તેનો રંગ નહીં બદલાય કે દુર્ગંધ નહીં મારે. માખણ કાઢવું હોય તેની થોડી વાર પહેલાં ફ્રિઝરમાંથી બહાર કાઢવી. જેથી તાજી જ રહેશે.

* ભેજવાળી અને ભીની જગ્યા પર કીટાણુ ઝડપથી ફેલાય છે. માટે રસોડામાં સ્પોન્જ અને વાસણ માંજવાના તારને દર મહિને એકવાર અચૂક બદલો. દરેક પ્રયોગ બાદ સ્પોન્જને પાણીથી ધોઇને નીચોવીને સૂકવવા મૂકી દો.

* જો શાક કે સૂપમાં મીઠું વધુ થઈ જાય તો એક ચોથાઈ બટાકુ છોલીને સૂપમાં નાખી દો. તે વધુ મીઠું શોષી લેશે અને તમારે સ્વાદ સાથે કોઈ સમજૂતી નહી કરવી પડે. પણ સૂપ સર્વ કરતા પહેલા બટાકા કાઢવાનું ભૂલશો નહી. જો શાકભાજી સૂકી કે મસાલેદાર હોય તો બેસન નાખી શકો છો. આ પણ મીઠું ઓછું કરવાનો એક ઉપાય છે.

* ગુલાબજાંબુ કે રસગુલ્લાની ચાસણી વધી હોય તો તેમાં લીંબુ કે અન્ય શરબત ભેળવી બનાવવાથી સ્વાદિષ્ટ બને છે અને સાથે સોડમ પણ વધે છે. આ ચાસણીનો ઉપયોગ મીઠા સક્કરપારા બનાવવા માટે પણ કરી શકાય.

* વાસી બ્રેડ સૂકાયા પછી તમે તેનું પુડિંગ બનાવી શકો છો. આ બ્રેડને તમે ઓવનમાં સેકીને તેને મઘ કે જેમ સાથે પણ ખાઈ શકો છો.

* જો તમે ઘણા બધા ટામેટા લાવ્યા છો તો ગભરાશો નહી. તેને મિક્સરમાં ગ્રાઈંડ કરીને તેની પ્યુરી બનાવી લો અને તેમાં મધ મિક્સ કરી સારી રીતે ગરમ કરો જેથી તેનું બધું પાણી બળી જાય.

* બિરયાની માટે ડુંગળીને ફ્રાય કરતી વખતે તેમાં એક ચપટી ખાંડ નાખો. તેનાથી એ જલ્દી બ્રાઉન થઈ જશે.

* બટાકા પૌંઆમાં વિવિધતા લાવવા ગાજર, વટાણા, સીંગદાણા કાજુ જે પસંદ હોય તે નાખવું. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર તેમજ કોપરું ભભરાવવું.

* ભિંડા બનાવતી વખતે તેમાં થોડું દહીં કે લીંબુનો રસ નાખીને ફ્રાય કરો. તેનાથી તે ક્રિસ્પી બનશે.

* સૂકા, ગળી ગયેલા પાનને તાજા શાકમાંથી તરત જુદા કાઢી લો. નહીં તો બધું શાક ખરાબ થઈ શકે છે.

* કોઈ પણ શાકની ગ્રેવી ઘટ્ટ બનાવતી વખતે મસાલાની સાથે તેમાં થોડું નારિયેળનું છીણ અને મગજતરીનાં બીજનો ભૂકો મિક્સ કરવાથી શાકની ગ્રેવી ઘટ્ટ બનવા સાથે તેનો સ્વાદ અને સુગંધ વધી જશે. ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે તેમાં કાજુની પેસ્ટ પણ નાખીને પકવી શકો. તેનાથી સ્વાદ પણ વધી જશે.

* મગને ફણગાવવા માટે ૬-૭ કલાક પલાળી રાખી ચારણી જેવા વાસણમાં નિતારી થાળી ઢાંકી દેવી. સરસ ફણગા ફૂટી જશે.

* ભરેલા પરવળ કે કારેલાં બનાવતી વખતે પરવળ કે કારેલાંમાં ઊભા કાપા પાડી તેને ગરમ પાણીમાં અથવા વરાળમાં અધકચરાં બાફી લો જેથી તેમાં મસાલો ભરવામાં સરળતા રહેશે અને પરવળ-કારેલાં તૂટશે પણ નહીં.

* ફુદીનાની ચટણી જો તમે મિક્સરમાં બનાવી રહ્યા હોય તો તેને મિક્સરમાં વધુ ન ફેરવશો. વધુ ફેરવવાથી ફુદીનાના પાનમાંથી તેલની વિકૃત ગંધ નીકળવી શરૂ થશે. જે ચટણીનો સ્વાદ બગાડી નાખે છે. ફક્ત ફુદીનાની ચટણી બનાવવા માંગતા હોય તો ગ્રાઈડિંગ સ્ટોન મતલબ સિલબટ્ટા પર વાટી લો. આ રીતે ફુદીનાના પાનનું તેલ ધીરે ધીરે નીકળે છે. જેના કારણે સ્વાદ ખરાબ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

* શાકભાજી બનાવતી વખતે પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી એમાં ક્રીમ કે મસાલા ન નાંખવા જોઈએ.

* વરસાદ આવતા જ મીઠામાં ભેજ આવી જાય છે. આવામાં મીઠામાં 2-3 લવિંગ નાખી દો. તેનો ભેજ કે નમી ખતમ થશે.

* હાથમાંથી લસણની દુર્ગંધને દૂર કરવા માટે હાથને સ્ટીલના વાસણથી રગડો. દુર્ગંધ નીકળી જશે.

* ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમાં બનાવતી વખતે લેમન ફ્રૂટ સોલ્ટ નાખો

* મહેમાન આવવાના હોય તો અગાઉથી રવાને ઘીમાં શેકી રાખી દેવો. જેથી શીરો બનતા વાર નહીં લાગે.

* ફણગાવેલા કઠોળને ફ્રિજમાં રાખવા હોય તો થોડું લીંબુ નીચોવી દેવું જેથી તેની વાસ ફ્રિજમાં ફેલાશે નહીં.

* સેવ બનાવતી વખતે ચણાના લોટમાં થોડો સોડા તેમજ મોણ બન્ને નાખવાથી સેવ ક્રિસ્પી થાય છે

* પરિવારના દરેક સભ્યને જમ્યા બાદ થાળી કે પ્લેટ સિંકમાં રાખવાની આદત પાડવી. વાસણોને ધોતા પહેલાં તેમાંથી એંઠવાડ કાઢવો જરૂરી છે. જેથી સિંકની પાઇપમાં કચરો ભરાઇ ન જાય. એંઠા વાસણોને રાખવા માટે એક મોટું ટબ જરૂર રાખો. એંઠા વાસણોને પાણી નાખીને રાખવા તેથી મોડેથી સાફ થાય તો પણ તે ખરાબ ન થાય.