Mrutyu Pachhino Melaap books and stories free download online pdf in Gujarati

મૃત્યુ પછીનો મેળાપ

મૃત્યુ પછીનો મેળાપ

લગભગ સવારનાં દસનો સમય થયો એટલે મેં મારા ઘર બહાર નજર કરી, અને મેં સંદીપને આ તરફ આવતો દીઠો એટલે મારા મોઢા પર સ્મિત આવી ગયું. હા, વર્ષો જુનો આ ક્રમ છે; દર રવિવારે સવારે દસની આસપાસ તે મારા ઘરે આવે જ. અમને બંનેને રજા હોવાથી, બંનેની સવારની..દસની ચહા મારાં ઘરે જ થાય, અને હા, આવતાં આવતાં ફાફડા ગાંઠીયા તો તે અચૂક લઇ જ આવે. આમ ચા-નાસ્તો કરીને એકાદ કલાક સમય પસાર કરીએ, અને પછી લટાર મારવા નીકળીએ, તે એક વાગ્યે જમવા ટાણે પોતપોતાનાં ઘરે જવા છુટ્ટા પડીએ.

આજે તેને મળવા માટે મારું મન અમસ્તું ય બેચેન હતું, તેનું કારણ હતું મારાં મનમાં ઉપજી આવેલો એક સવાલ..! એ સવાલ..કે જેનો જવાબ મારે સંદીપના મોઢેથી સાંભળવો હતો; એટલે જ તેને આવતો જોઈ હું જાણે કે વધુ જ ઉતાવળો અને ઉત્સુક થઇ ગયો.

"યાર, એક સવાલ છે મનમાં, જોઈએ તું શું જવાબ આપે છે," -ચહા આવી અને ફાફડાનું પડીકું ય ખુલ્યું, એટલે મારાં પ્રશ્નનું પડીકું ખોલવાની નેમથી હું બોલ્યો.

"કેમ શું પરાક્રમ કર્યું? ક્યાં અટવાયો છો ?"

"રીલૅક્સ.. એવું ટેન્શનવાળું કંઈ જ નથી.. આ તો જસ્ટ.. એમ જ..!" -મેં ધરપત આપતાં કહ્યું.

"ઓકે.. બોલ શું છે..?" –સંદીપે વધુ જીજ્ઞાસા ન બતાવતા સામાન્ય સૂરમાં પૂછ્યું.

"ચલ કલ્પના કર.." -મેં વાત શરુ કરી..

"શું? કે તું એક મસ્ત-મસ્ત છોકરી છે..હહાહાહા..." -મારી વાત કાપીને મારી મજાક ઉડાવતા સંદીપ બોલ્યો.

આમાં કંઈ જ નવું નથી..કોઈ પણ વાતને હળવાશથી લેવાનો અવગુણ કે સદગુણ, જે ગણો તે..તેનાંમાં મોજુદ છે, અને ગમે ત્યારે તેનો ઉપયોગ કરતાં આ ઉમરે ય તે જરાય અચકાતો નથી.

"ચુપ કર.. ઉમર જો તારી.. હજી તો સાઈઠ પુરા થયા નથી ને ત્યાં જ બુદ્ધી નાઠવા લાગી કે..?" -મારી વાતમાં ખલેલ પડતાં બેચેન બનીને, બનાવટી ગુસ્સા સાથે મેં વાત આગળ વધારી -"જો સીરીયસલી સાંભળ."

"ઓકે.. બોલ..!"

"ચલ કલ્પના કર, કે રાતનો સમય છે અને તું તારા ઘરમાં સાવ જ એકલો છે. અચાનક ઉપરથી..તારા ઘરની અગાસી પરથી મારો અવાજ તને સંભળાય છે. હું તને બુમ પાડીને ઉપર બોલાવું છું, એ ધ્યાનમાં આવતાં તું ઉપર આવે છે..."

"અરે..? પણ મારા ઘરમાં તું ડાઈરેક ઉપર કેવી રીતે પહોંચી જાય..? તું ઘરમાં આવે અને હું જો નીચે ઘરમાં જ હોઉં તો મને ખબર પણ ના પડે..? શું યાર, શું હાંકે રાખે છે તું..? કંઇક લોજીકવાળું તો બોલ..”

“એ જ તો..!” –તેનાં આ સવાલથી ખુશ થતાં હું બોલ્યો- “એ જ તો ખાસિયત છે આ વાતની..પણ હા, તને નવાઈ તો લાગે જ.. અરે તને શું, કોઈને પણ લાગે..”

ઓ કે..પછી?"

"ઉપર આવીને તું આશ્ચર્ય વ્યક્ત કરે છે, કે હું તારા ઘરમાં આવ્યો ક્યારે. અને એવો તે કેવી રીતે આવ્યો, કે આવીને સીધો અગાશી પર પહોચી ગયો. એટલે હું તને કહું કે તને સરપ્રાઈઝ દેવાનો ઈરાદો હતો, એટલે છાનોમાનો આવીને ઉપર બેસી ગયો.”

"ઓકે..પછી..?"

"પછી આપણે થોડીવાર... બહુ જ થોડી વાર આપણે વાત કરીએ, કે એટલીવારમાં નીચે તારા ફોનની રીંગ સંભળાય."

“નીચે..? અરે, ફોન તો હમેશાં હું ખીસામાં જ લઈને ફરું છું, તો નીચે રીંગ કેવી રીતે સંભળાય..?” –સંદીપે વાતને મજાકમાં જ લેવાની પોતાની આદત ન છોડી.

“અરે યાર.. કોઈ પણ કારણસર નીચે રહી ગયો હોય..અથવા તો તારા લેન્ડ-લાઈનનો ફોન હોય..કંઈ પણ હોય..પણ નીચે ફોનની રીંગ સંભળાય, જેથી ખબર પડે છે કે કોઈનો ફોન આવ્યો છે. અને ઘરમાં તું સાવ એકલો જ છે, એટલે ફોન રીસીવ કરવા તારે જ જવું પડે, તે સ્વાભાવિક છે.”

“પણ યાર.. ઘરમાં જો હું સાવ એકલો જ હોઉં તો આપણે બંને અગાશીમાં શું કામ બેસીએ..? નીચે દીવાનખાનામાં કેમ ના બેસીયે..? તને ખબર તો છે કે રાતનાં સમયમાં ત્યાં ઉપર મચ્છર કેટલા હોય છે...!”

“અબે યાર..બેસીયે..! કારણ કે હું ચુપચાપ ઉપર જઈને બેસી ગયો અને તને ઉપર બુમ પાડીને બોલાવ્યો. તું આવ્યો, અને બસ સાવ થોડી વાર જ ઉપર આપણે વાત કરી. ને તને મચ્છર કરડે કે કરડવાનો હજી વિચાર કરે, એટલામાં તો નીચે ફોનની રીંગ સંભળાઈ. બીજું કંઈ..?” –મેં કંટાળો દર્શાવવા આખી વાત ફરી રિપીટ કરી.

"ઓકે.. ઠીક છે.. આગળ?" –સંદીપે જાણે રસ ન પડતો હોય તેવાં સૂરમાં વાત આગળ વધારવા કહ્યું.

પણ હું જાણતો હતો, કે અત્યારે તેને ભલે રસ ન પડે પણ આગળ તો તેને જરૂર ઇન્ટરેસ્ટ આવશે જ, એટલે મેં ધીરજપૂર્વક વાત આગળ વધારી.

"ફોનની રીંગ સાંભળી, એટલે તરત હું તારી પાસેથી વાયદો લઉં, કે પ્રોમિસ આપ કે ફોન એટેન્ડ કરીને તું જરૂર ફરી પાછો ઉપર આવીશ જ. એટલે તું હસીને હા પાડે. અને નીચે ફોન લેવા જાય."

"તે હા જ પાડું ને..! કંઈ ફોન એટેન્ડ કરીને, તને ઉપર બેસાડીને, નીચેથી જ થોડો ક્યાંય ભાગી જવાનો હોઉં..? શું તું પણ યાર..!"

"અરે આગળ સાંભળ તો ખરો.. તું ફોન રિસીવ કરે, તો ત્યાં તને એકદમ ખાત્રીલાયક સમાચાર મળે કે બસ..થોડા કલાક પહેલા જ હું મૃત્યુ પામ્યો છું."

"વૉટ નોન્સંસ? શું બકવાસ કરે છે..?" –સંદીપ જાણે કે આંચકો જ ખાઈ ગયો. જો કે મેં પણ તેનાં આવા રીએક્શનની મેં અપેક્ષા રાખી જ હતી.

"હા,” – મેં સ્વસ્થતાપૂર્વક જવાબ આપ્યો- “તને સમાચાર મળે કે હું થોડીવાર પહેલાં જ મરણ પામ્યો છું. તો બોલ..! હવે તું શું કરે..? મને થોડીવાર પહેલાં આપેલ વચન અનુસાર તું ફરી પાછો ઉપર આવે..? હિંમત થાય તારી, એક ભૂતનો ફરી પાછો સામનો કરવાની..?"

.

"સાલા, મૂરખ છો તું તો..! આવા ફાલતું સવાલો કરે છે..?" -સંદીપ મારી આ ધડમાથા વગરની વાતો સાંભળીને હવે જાણે કે ભડકી જ ગયો- "ગાળો અને મેથીપાક ખાવાનો થયો છે તું. આ તો તારા ઘરમાં છો એટલે બચી ગયો છે તું, બેટા.."

"નહીં સંદીપ.. હું સિરીયસલી પૂછું છું. મને આનો જવાબ આપ..!" -મેં ગંભીર ટોનમાં કહ્યું. સવારથી મારાં મનમાં ઘુમરાતા આ સવાલનો મારે, મારા આ ખુબ જૂનાં અને જીગરી દોસ્ત પાસેથી જવાબ જોઈતો હતો, અને તેનું મંતવ્ય જાણવું હતું.

.

"જો દોસ્ત.." -મને સીરીયસ જોઇને સંદીપ પોતે ય થોડો ગંભીર થયો, અને બોલ્યો- "સાચું કહું તો આપણો કોઈ જીગરી દોસ્ત પોતાનાં મોતની વાત કરે તો ડીસ્ટર્બ તો થઇ જ જવાય. પણ બીજી વાર વિચારતા... મોતની બાબતે તને વિચાર આવવો સ્વાભાવિક જ લાગે, કારણ આખરે તો આપણે બેઉ સાઈઠની આરે આવીને ઉભા છીએ. અને એમાં ય આ બ્લડ-પ્રેશર, ડાયાબીટીસ વગેરે.. એટલે જીવનની એક સચોટ હકીકત એવાં આ મૃત્યુનો ક્યારેક તો વિચાર આવે જ... આઈ અન્ડરસ્ટેન્ડ..!"

"ઓ કે.. તો બોલ શું જવાબ છે તારો?" – મેં ઉત્સુકતાથી પૂછ્યું.

"આપીશ જવાબ.. પણ પહેલાં તો તું એ બતાવ, કે મારી જગ્યાએ તું હો, તો તું શું કરે..? - સંદીપે મારો બોલ ફરી મારાં જ કોર્ટમાં નાખ્યો.

"સાવ નિખાલસતા બનીને કહું તો દોસ્ત, હું તો ઉપર અગાશીમાં આવતાં વિચાર કરું. યસ, નીચે ઉભા રહીને તારી સાથે થોડી વાત કરવાની હું કોશિષ કરું, પણ ઉપર આવવાની હિંમત તો કદાચ ન જ થાય મારી." -મેં હિંમતભેર એકદમ ચોક્ખો જ જવાબ સંભળાવી દીધો. અને એ એટલા માટે, કે મને પણ તેનો આવો જ..સાવ નિખાલસ જવાબ જ જોઈતો હતો.

સંદીપ થોડીવાર મારી સામે આંખમાં આંખ પરોવીને જોઈ રહ્યો.

“બોલ ને...!” – મેં અધીરાઈપૂર્વક કહ્યું.

“ખેર, તો મારો જવાબ એ છે કે, " -એક પળ ખમીને કંઇક વિચારીને તે બોલ્યો- "હા... હું જરૂર ઉપર આવું. એક પળનો ય વિચાર કર્યા વિના ઉપર આવું."

.

"શું વાત કરે છે..?" -મને લાગ્યું કે તે મને સારું લગાડવા આમ કહી રહ્યો છે, એટલે મેં તેની ઉલટતપાસ લેતા પૂછ્યું- "તને કોઈ ખચકાટ..કોઈ ડર ન લાગે?"

"ના, કોઈ જ ડર ન લાગે" -સંદીપ મક્કમતાપૂર્વક બોલ્યો- "મને ખબર હોય કે તું મૃત્યુ પામ્યો છે, તો ય તારા ભૂત-સ્વરૂપને મળવા હું કોઈ પણ ખચકાટ વગર ઉપર આવું. દોસ્ત..! તને લાગતું હશે કે તને સારું લગાડવા હું આ બધું કહું છું. પણ યાર, આપણી આ ૪૫ વર્ષની દોસ્તીમાં તું જેવો છો, એવો મને સ્વીકાર્ય છે. અને હું જેવો છું એવો તે મને સ્વીકારી જ લીધો છે. તો પછી હવે અત્યારે..આટલા વર્ષે, મારે તને સારું લગાડવાની ચિંતા કરવાની જરૂર શું છે..?"

"હા, તારી વાત તો બરાબર..પણ તને ડર ન લાગવાનું કોઈ કારણ?"

"અરે યાર..ડર ન લાગવાનું એક નહીં, એક કરતાં વધુ સબળ કારણો છે મારી પાસે, કે હું ઉપર અગાશીમાં શા માટે આવું."

"ઓ કે..?"

"જો, આપણે ઉપરની પરિસ્થિતિનું પુનર્વલોકન કરીએ, તો ફોન આવ્યા પહેલાં આપણે અમુક ક્ષણો એકમેકની સામે રહીને વાત કરી છે. રાઈટ..?"

"રાઈટ..!"

"અને મારા મનમાં કોઈ પણ શંકા આવ્યા શિવાય હું નીચે ફોન ઉચકવા જાઉં છું. એનો મતલબ શું ?

"શું..?"

"એ જ ને, કે તારું ત્યારનું સ્વરૂપ સાવ સ્વાભાવિક હતું. અને ડરામણું તો બિલકુલ જ નહીં.?"

"હા, બરાબર.." -મેં મારી સહમતી દર્શાવી.

"અને પછી જો કોઈ મને તારા મોતના સમાચાર આપે, તો મારે શું કરવાનું હોય? મારી આંખો પર વિશ્વાસ કરવો કે કોઈની વાતો પર..? તને શું લાગે છે...મને જરા પણ જીજ્ઞાસા ન થાય કે ઉપર જઈને હું ચકાસણી કરું..? અને એમાંય ખાસ તો ત્યારે, કે જ્યારે ઉપર કોઈ જ જોખમ કે ડર ન હોય..! બરાબર..?

"હા, પણ...."

"જો, " -મારી વાતને કાપી સંદીપે પોતાની વાત ચાલુ રાખી- "પેલી હોરર ફિલ્મોની જેમ તારો દેખાવ ડરામણો હોત, તો વાત અલગ હોત. પણ તો તો પછી તને ઉપર જોતાની સાથે જ, બીજી જ પળે મને તારા મૃત્યુનો અંદાજો આવી ગયો હોત.. ફોન થકી ખબર પડવાની કોઈ જરૂર જ ન પડત. એટલે આ કિસ્સામાં હું જરૂર ઉપર અગાશીમાં આવું. એનું કારણ એ કે તારો..એટલે કે..તારા ભૂતનો ઈરાદો જો મને હાની પહોચાડવાનો હોત, તો એ તો તું પહેલા જ કરી ચુક્યો હોત, હું ફોન ઉચકવા આવું તે પહેલા જ. હું ફરી ઉપર આવીશ એવું વચન લેવાને બદલે તે તારું ધાર્યું ત્યારે જ કરી લીધું હોત. બરાબર?"

"હા..બરાબર.." -તેની તર્કબદ્ધ વાત સાથે સહમત થતાં મને વાર ન લાગી.

"પણ તેં તેમ ન કર્યું. એટલે હવે મને પૂરી ખાતરી હોય, કે તું પછી પણ એવું કંઈ નહીં કરે. એટલે ઉપર આવવામાં મને કોઈ વધુ હિંમત એકઠી કરવાની જરૂર જ ન પડે."

"હમમ.." -સંદીપની વાતથી હું પ્રભાવિત થતો ચાલ્યો.

.

"હવે બીજું કારણ.." -પોતાની પાસે એક કરતાં વધુ કારણ છે તે વાતની પુષ્ટિ કરતાં સંદીપ આગળ બોલ્યો- "એક વાત હું દ્રઢપણે માનું છું, કે મૃત્યુ કોઈની પણ માનસિકતા બદલી શકતું નથી. કારણ મૃત્યુ પહેલાં..કે મૃત્યુ બાદ, આત્મા તો એનો એ જ હોય છે, ફક્ત શરીર..હતું ન હતું થયું હોય છે. તો મૃત્યુ, એ કોઈ પણ મૃતાત્મા માટે પોતાના સ્વજનોને ધિક્કારવાનું, તેમને ત્રાસ આપવાનું, કે હાની પહોચાડવાનું કોઈ કારણ નથી બનતું..!"

"યસ.. રાઈટ..!" –મેં ફરી સહમતી દર્શાવી.

.

"હવે ત્રીજું એ, કે કહેવાય છે કે મૃતાત્માઓ માટે મૃત્યુ પછી તેનાં સ્વજનોનો સંપર્ક કરવો ખુબ..ખુબ..ખુબ જ કઠીન હોય છે. અને આ વાત પણ સાચી જ લાગે છે, કારણ જો એવું ન હોત, તો હર ત્રીજો મરેલો માનવી ઉપરથી નીચે આવીને તેનાં સ્વજનોને મળી જતો હોત. તો એટલે જ મને લાગે છે, કે ઈશ્વરે બાંધેલી એ પાળ તોડવામાં મૃતાત્માઓને પુષ્કળ જહેમત અને મનોબળની જરૂર પડતી હશે."

"ડેફીનેટલી..!"

"ઓ કે..અને જ્યારે તું જો એમ કરી શકે તો મારે તો તારી આ કોશિષની દાદ આપવી જોઈએ કે નહીં ? મારે તો મારી પ્રત્યેની તારી લાગણીની તીવ્રતાની સરાહના કરવી જોઈએ. અરે, મારે તો કદર કરવી જોઈએ, કે મને મળવા માટેનું આ ભગીરથ કાર્ય તું કરી શક્યો. અને તું એ કરી શક્યો, કારણ આટલા લાખો કરોડો મૃતાત્માઓ પોતાના સ્વજનને ચાહે છે, તેની કરતા પણ વધુ તીવ્રતાથી તું મને ચાહે છે. શું કહે છે..?"

"યાર.. તને તો હું ખુબ ખુબ પ્યાર કરું છું દોસ્ત.. તું જાણે છે તે.." -હું ભાવવિભોર બની ગયો.

.

"યસ.. આઈ નો.. અને હવે જ્યારે તું આમ કરી શક્યો હોય જે ભાગ્યે જ કોઈ કરી શકે, તો તારા આ પરાક્રમની પ્રશંશા કરવાની બદલે હું તને એવોઈડ કરું અને તારી આ બધી કોશિષોને બેકાર કરી નાખું..? અને એ પણ ત્યારે કે જયારે મને ખાતરી હોય કે મને કોઈ નુકસાન નહીં થાય..? નેવર...!"

"યુ અર ગ્રેટ યાર.." –મારાથી આ કહેવા વગર રહેવાયું.

.

"અબે...! આવે વખતે તો બીજો કોઈ વિચાર કર્યા વગર જ હું તને મળવા માટે ઉપર અગાશીમાં આવું, અને એ પણ દોડતો દોડતો. કારણ મને શું ખબર, મારી તરફના થોડા એવાં વિલંબથી પણ કદાચ બહુ મોડું થઇ જાય. કારણ તું અને ઈશ્વર જ જાણે, કે તેં એની પાસેથી કેટલી ટાઈમ-લીમીટ મેળવી હોય... કે પછી ચોરી લીધી હોય મને ફરી એક વાર..છેલ્લી વાર..મળવા માટે. તો આ થોડી ક્ષણોનો લાભ મેળવવા હું જરૂર જરૂર આવું, માઈ ફ્રેન્ડ.. અને આ મારો નિર્ણય અફર છે. કારણ કે હું ત્યારે હું જાણતો હોઉં કે આ બધામાં તેં ફક્ત મને જ મળવાનું પસંદ કર્યું છે, અને મૃત્યુના બસ..થોડા જ કલાકોની અંદર તું મને મળવા પણ આવ્યો છે. યસ, મૃત્યુની વાત ત્યારે તેં મારાથી છુપાવી હોય તો એટલા જ માટે, કે કદાચ હું ડરીને ભાગી ન જાઉં. પણ દોસ્ત, તું મને ઓળખી ન શક્યો..!"

.

એક ક્ષણ તો કંઈ જ બોલ્યા વગર હું સંદીપની તરફ અહોભાવથી નીરખી રહ્યો.

"બરોબર ઓળખી શક્યો છું દોસ્ત.. આજ સવારે અકારણ જ મનમાં ઉગી આવેલા આ તર્કહીન સવાલને કારણે આજે આ ૪૫ વર્ષ બાદ તારા વિચારોને હું અલગ જ પ્રકારે પામી શક્યો છું, અને આજે..આટલા વર્ષો બાદ મને એમ લાગે છે, કે તારી સાથે દોસ્તી કરીને, જિંદગીનાં આટલા વર્ષો તારી સાથે વીતાવવાનો મારો નિર્ણય કેટલો સાચો છે. સંદીપ.. આઈ એમ લકી કે વી આર ફ્રેન્ડઝ..!"

.

"બસ..બસ હવે.. બહુ થઇ આ બધી કારણ વગરની પંચાત.. ચલ શર્ટ પહેર..આખો દિવસ શું તારા ઘરમાં જ ગોંધી રાખવો છે..? -સંદીપે વાતને સંકેલતા કહ્યું.

.

પણ મારાં મનમાં સંદીપની આ વાતો, તેનાં આ વિચારો સજ્જડતાથી ઘર કરી ગયા. તેની સાથેની મારી મિત્રતાની ગાંઠ આ ઉમરે ય આટલી મજબુત હોવા પાછળનાં કારણોમાં એક કારણ વધુ ઉમેરાઈ ગયું...

અશ્વિન મજીઠિયા...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED