રહસ્યમય સાધુ - 3 Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય સાધુ - 3

રહસ્યમય સાધુ

વિષય : નવલકથા

પ્રકરણ : ૩

નામ – ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે સાધુને જોઇને બધા જંગલમાંથી પાછા જતા રહે છે, બીજા અઠવાડિયે બધા બાળવીરો ફરી જંગલમાં આવે છે અને તે જ દિશામાં આગળ વધે છે. ઝુંપડીની આજુબાજુ પથરાયેલા તેજોમય પ્રકાશથી બધા અંજાઇ જાય છે. સાધુની થોડે દૂર ખેંચેલી સીમારેખામાં કોષા ભૂલથી પગ મુકતા તે બિલાડી બની જાય છે. આ જોઇને બધા બાળકો હેબતાઇ જાય છે, અમુક તો રડી જ પડે છે ત્યાં સાધુની સમાધીમાં ભંગ થાય છે. સાધુ બાળકો તરફ નજર ફેરવે છે, હવે વાંચીએ આગળ.......) “બાળકો તમે અહી ક્યારે આવ્યા? આટલા ગાઢ જંગલમાં આ રીતે એકલા ભમવુ એ સારી નિશાની નથી બેટા.” સાધુએ બાળકોને સમજાવતા કહ્યુ. “મહાત્માજી, અમે તો અહી રમવા આવ્યા હતા, અચાનક કોષા બિલાડી બની ગઇ. પ્લીઝ સાધુજી અમારી મિત્ર કોષાને ફરીથી છોકરી બનાવી દ્યો.” હિતે હાથ જોડીને વિનંતી કરી. હિત સામે જોઇને સાધુએ સંસ્કૃતમાં પુછ્યુ, “શું કહે છે વત્સ?” હિતને સંસ્કૃત ભાષાનો મહાવરો હતો, તેણે ગાંધીનગરમાં ક્લાસ કરેલા હતા અને તેની મમ્મી પણ તેને રજાઓમાં સસ્કૃત શીખવતી હતી આથી તેણે પણ સાધુ સામે સંસ્કૃતમાં કોષાને ફરીથી છોકરી બનાવવા વિનંતી કરી. આટલા નાના બાળકના મુખેથી સંસ્કૃત સાંભળી સાધુ મહાત્મા ખુબ ખુશ થઇ ગયા. તેઓ મંદ મંદ મુશ્કાતા ઝુંપડીમાં ગયા અને પોતાના કમંડલમાંથી હાથમાં અંજલી લઇ પાણી પેલી બિલાડી પર છાંટતા જ કોષા તેના મુળ સ્વરૂપમાં આવી ગઇ. બધા બાળકો કોષાને જોઇને ખુબ રાજી થઇ ગયા. કોષા સીમારેખાની બહાર નીકળી ગઇ. “ચાલો આપણે જઇએ, હવે અહી રહેવામાં સારાવટ નથી.” દિપક અને અવની બોલતા પાછા ફરવા લાગ્યા. “બેટા, તમે બધા અહી મને મળવા આવ્યા છો અને આમ મળ્યા વિના કે કાંઇ જાણ્યા વિના જ જતા રહેશો?” સાધુએ અંજલીમાં રહેલુ દિવ્ય પાણી સીમારીખા ફરતે અને થોડુ પાણી બધા બાળકો પર છાંટતા બાળકોને પુછ્યુ. “આવો અંદર આવો, તમારુ સ્વાગત છે.” સાધુએ બધાને અંદર બોલાવ્યા પણ સામે ઉભેલામાથી કોઇની હિમ્મત થતી ન હતી કે તેઓમાંથી કોઇ પણ અંદર જવાની હિમ્મત કરે. કોષા તો સૌની પાછળ ડરીને સંકોળાઇને ઉભી હતી. “ઠીક છે મહાત્માજી, ચાલો આપણે સાધુ મહાત્માની નજીક જઇએ અને તેમના આશિષ મેળવીએ.” સૌથી આગળ ઉભેલો હિત આગળ વધવા ગયો અને બધાને પણ આગળ આવવા કહ્યુ. “હિત તુ રહેવા દે, આપણે બધા બિલાડી બની જઇશું અને આ બાવો આપણને અહી જંગલમાં રખડતા મુકીને ભાગી જશે તો કોઇ જંગલી જનાવરના શિકાર બનતા વાર નહી લાગે. હવે આ બધુ છોડ અને ચાલ ઘરે. આમપણ આપણે જંગલમાં કોઇને કાંઇ કહ્યા વિના આવ્યા છીએ.” પ્રશાંતે હિતનો હાથ પકડી તેને રોક્યો. “અરે યાર, કાંઇ નહી થાય, તુ જો હું જાંઉ છું.” કહેતો હિત પોતાનો હાથ છોડાવતો સીમારેખાની અંદર પ્રવેશ્યો પણ આ વખતે તેનું સ્વરૂપ બદલાયુ નહી. “જોયુ, હું બિલાડી કે કાંઇ બન્યો નહી ને? ચાલો હવે તમે બધા અંદર આવો. કાંઇ નહી થાય તમને લોકોને.” હિતે બધાને હિમ્મત આપતા કહ્યુ. બીજા કોઇની ઇચ્છા તો જરાય ન હતી પણ હિત બહુ આગ્રહ કરવા લાગ્યો એટલે ડગલા માંડતા માંડતા બધા અંદર જવા લાગ્યા. કોષા અને અવની સૌની પાછળ હતા. બધા બાળકોને કાંઇ થયુ નહી એટલે છેવટે બન્ને સીમારેખાની અંદર આવી.

બધા બાળકો જેવા સીમારેખાની અંદર પ્રવેશ્યા કે તેમને બહુ અલગ અને વિચિત્ર અનુભવ થયો. સીમારેખાની બહાર જ્યારે તેઓ હતા ત્યાં સુધી ગરમી અને અકળામણ થતી હતી પરંતુ અહી સીમારેખાની અંદર તેઓને ઠંડી મહેસુસ થવા લાગી, મીઠી મઘમઘમતી સુગંધ ફેલાયેલી હતી.પક્ષીઓનો કલરવ સંભળાતો હતો કે જે મધુર અવાજ સીમારેખાની બહાર હતા ત્યારે આવી રહ્યો ન હતો. આજુબાજુનુ વાતાવરણ જોઇ બાળકો મંત્રમુગ્ધ બની ગયા. આ બધુ તેમને સ્વપ્નલોક જેવુ લાગી રહ્યુ હતુ. તેઓ બધા ક્યારેક આજુબાજુ તો ક્યારેક એકબીજાને જોઇ રહ્યા હતા. બધાના મનમાં અનેક પ્રશ્નો હતા, જે તેમની આંખો સુચવી રહી હતી. “હે મહાન આત્મા, આપ કોણ છો? અહીયા આપ શું કરી રહ્યા છો? અને આ સીમારેખાની અંદરનું વાતાવરણ જંગલના વાતાવરણથી તદ્દન અલગ કેમ છે?” હિતે હાથ જોડીને સંસ્કૃત ભાષામાં મહાત્માને પુછ્યુ. “હે વત્સ, તું મને સદગુણી બાળક લાગે છે પરંતુ મને કોઇ પ્રશ્ન પુછવા નહી. મારે તમને જે કાંઇ જ્યારે જણાવવુ હશે તે યોગ્ય સમય આવ્યે અવશ્ય તમને કહીશ બાકી હું તમને પ્રશ્નોના જવાબ આપીશ નહી.” સાધુએ સંસ્કૃતમાં પ્રત્યુતર વાળ્યો. “પણ મહાત્માજી અમને તમારો પરિચય તો આપો. આ બધા રહસ્ય વિષે અમને કાંઇક તો જણાવો. અમે બધા વિદ્યાર્થીઓ છીએ અને અમને આ બધા કુતુહલ વિષે જાણવાની ખુબ જ ઇચ્છા છે એટલે અમે આપને જીજ્ઞાશાવશ જ તમને આ બધુ પુછીએ છીએ.” હિતે કહ્યુ. “બેટા, મે તને કહ્યુ ને કે તમારે લોકોએ મને પ્રશ્નો પુછવા નહી. જ્ઞાન જેવી વસ્તુ મેળવાતી નથી તે આત્મસાત થાય છે. તમારી પાત્રતા અનુસાર તમારા જીવનમાં તમને જ્ઞાન મળી જ રહેશે. આવતી પુનમના દિવસે તમે લોકો અહી આવજો, હું તમને તમારા પ્રશ્નોના જવાબ જરૂરથી આપીશ.”

“હા મહાત્માજી, અમે જરૂર આવીશું. હવે અત્યારે અમે બધા ઘરે જઇ શકીએ.” વિનમ્રતાથી સસ્કૃત ભાષામાં હિતે સાધુની પરવાનગી મેળવી. “હા બાળકો, તમે વિના સંકોચ તમારા નિવાસસ્થાને પરત ફરી શકો છો. તમારે મારાથી ડરવાની પણ જરૂર નથી.” બધા બાળકો સીમારેખાને ઓળંગીને નીકળી ગયા. તેઓને હવે ઠંડી લાગવા માંડી હતી. અંધારૂ થવા આવ્યુ હતુ તેથી બધા મિત્રોએ જરાપણ સમય બગાડ્યા વિના સાઇકલ લઇને ઘર તરફ જવા નીકળી ગયા. બધા ખુબ ઉત્તાવળે સાઇકલ ચલાવતા ગામ તરફ રવાના થયા. ઘરે મોડુ થઇ જશે તો શું બહાનુ કરશે એ વિચારે કોઇપણ કાંઇ ચર્ચા કર્યા વિના રસ્તો પસાર કરવા લાગ્યા. ઘરે આવતા હિતને ખુબ થાક લાગ્યો હતો તેથી તે ફટાફટ જેવુતેવુ જમીને સુઇ ગયો. સવારે બધા મિત્રો એકઠા થયા તો ખબર પડી કે રાત્રે કોષાને ખુબ તાવ આવી ગયો હતો આથી બધા કોષાના ઘરે તેને મળવા ગયા. કોષાના મમ્મી ઘરે જ હતા તેથી જંગલની વાત કરવી તો શક્ય જ ન હતી. કોષાના ચહેરા પર ખુબ થાક વર્તાઇ રહ્યો હતો, તેને જોતા એવુ લાગતુ હતુ કે ભયના કારણે તે રાત્રે આરામથી ઊંઘી શકી નથી. થોડીવાર કોષાના હાલચાલ પુછી બધા સૌ સૌના ઘરે જતા રહ્યા. આજે કોઇને પણ રમવાની ઇચ્છા થતી ન હતી. બીજા દિવસે બધા શાળાએ એકઠા થયા. કોષા પણ શાળાએ આવી હતી. હવે તેની તબિયત સારી જણાતી હતી. શાળામાં આજે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી અને વર્ગમાં સમયપત્રક લખાવવામાં આવ્યુ. બીજા સોમવારથી જ પરીક્ષા શરૂ થઇ રહી હતી. શાળામાં શિક્ષકો બહુ ખંતથી અભ્યાસ કરાવતા આથી સમયસર તમામ અભ્યાસક્રમ પુર્ણ થઇ ગયો હતો અને છેલ્લા એક માસથી પુનરાવર્તન થઇ રહ્યુ હતુ આથી બધા શિક્ષકોને મનમાં એક વિશ્વાસ હતો કે બાળકોને બધુ આવડે જ છે પણ પરીક્ષાનો એક હાઉ બાળકોને હોય જ છે. રિસેષમાં પણ શિક્ષકોએ એક વાત મહેસુસ કરી કે બધા બાળકો પરીક્ષા લગત વાતો કરવામાં જ મશગુલ હતા. એકલો હિત જ એવો હતો કે તેના મનમાં પરીક્ષાના નહી પણ પુનમની વાત ઘોળાયા કરતી હતી. હિત તો બસ એ જ ગણતરીમાં હતો કે પરીક્ષા ક્યારે પુરી થઇ રહી છે કારણ કે જો પરીક્ષાના સમયમાં પુનમ આવતી હોય તો તેની મમ્મી તેને ક્યારેય રમવા જવા જ ન દે તો જંગલમાં જવાનુ તો અશક્ય જ રહે જ્યારે તેના બાકીના બધા મિત્રો પરીક્ષાની ચિંતામાં હતા તેથી વધુ કાંઇ વાત થઇ શકી નહી. તેને તેના મિત્રો સાથે આ બાબતે ઘણી ચર્ચા કરવી હતી પરંતુ તેને યોગ્ય મોકો મળતો જ ન હતો. સાંજે પણ હવે કોઇ રમવા આવતુ ન હતુ. હિતને પણ તેની મમ્મી સાંજે રમવા નીકળવા દેતી ન હતી અને તેને ફરજિયાત બીજા બાળકો સાથે અભ્યાસાર્થે બેસાડતી હતી. હિત બસ એક જ વિચારમાં હતો કે કઇ રીતે અને શું બહાનુ કરીને મિત્રો સાથે એકાંતમાં મળવુ અને જંગલમાં જવાની યોજના ઘડવી.

વધુ આવતા અંકે........

શું હિત અને બધા મિત્રો પુનમે જંગલમાં સાધુને મળવા જઇ શકશે કે હિતની મહેચ્છા મનમાં જ રહી જવા પામશે? આ સાધુ સાચે જ કોઇ ભલા ઇન્શાન છે કે પછી બાળકો સાથે કોઇ બહુ મોટુ છલ થવા જઇ રહ્યુ છે??? જાણવા માટે જરૂરથી વાંચજો નેક્ષ્ટ પાર્ટ....... આપના પ્રતિભાવ જરૂરથી જણાવજો......