રહસ્યમય સાધુ, પ્રકરણ-૫ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રહસ્યમય સાધુ, પ્રકરણ-૫

રહસ્યમય સાધુ

પ્રકરણ : ૫

ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

(આગળના પ્રકરણોમાં આપણે જોયુ કે હિત અને બધા બાળવીરો રમવા માટે જંગલમાં જાય છે જયાં તેનો ભેટો એક રહસ્યમય સાધુ સાથે થાય છે. જેની પાછળ કેટલીક જાદુઇ શક્તિઓ રહેલી છે. જેનુ રહસ્ય જાણવા સાધુ બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે છે. બધા બાળકો પૂનમના દિવસે ત્યાં જાય છે ત્યારે તે સાધુ અને તેની ઝુંપડી બધુ જ ગાયબ હોય છે. તે કયાં ગયા છે? શુ છે તેનુ રહસ્ય? જાણવા માટે વાંચો આગળ.) બીજે દિવસે સવારે હિત ખુબ વહેલો ઉઠી ગયો. રોમાંચમાં તેને સરખી ઉંઘ જ ન આવી. તેને વહેલી સવારે જ જલ્દી નીકળી જવુ હતુ. પરંતુ તેની મમ્મીને આજે રવિવાર હોવાથી કામ હતુ. આથી હિતને પણ ઘરકામમાં રોકી લીધો. બધા બાળકો હિતને વહેલા બોલાવવા આવ્યા. વિદ્યાએ બધાને ના પાડી દીધી. હિતે ઘણા પ્રયાસો કર્યા પરંતુ હિતને તેના મમ્મીએ છટકવા ન દીધો. માંડ તે બપોરે નીકળી શક્યો. તે દોડીને બધાને બોલાવવા ગયા. પ્રશાંતે તેના મામાને ઘરે ગયો હોવાથી બાકીના બધા જંગલમાં જવા નીકળી ગયા. આજે બધાએ રસ્તામાં જ નક્કી કરી લીધુ કે જંગલમાં અંદર જયાં સુધી સાઇકલથી જવાશે ત્યાં સુધી સાઇકલ પર જઇ પછી દોડીને સાધુની તપાસમાં જઇશુ. જંગલમાં તેઓ થોડે સુધી જ સાઇક્લ પર જઇ શક્યા ત્યાર બાદ ખરાબ રસ્તો હોવાને કારણે તેઓ ચાલીને જંગલમાં અંદર ગયા. થોડે દુર ગયા ત્યાં ફરીથી તે તેજોમય પ્રકાશ દેખાવા લાગ્યો. નજીક જતા તે સાધુ તપ કરતા દેખાયા અને કાલે જે ઝુંપડી ન હતી તે પણ દેખાયી. બધા ખુબ જ આશ્ચર્યમાં મુકાય ગયા. બધા બાળકો ઝુંપડી નજીક ગયા એટલે સાધુએ તેમની સામે જોયુ અને ઉભા થઇને પોતાના કમંડલમાંથી તેમના પર અંજલી છાંટયુ અને આસપાસની રેખા પર પણ અંજલી છાંટયુ એટલે બધા રેખાની અંદર આવ્યા. અંદર જતા જ બધા બાળકોને ફરી ઠંડી લાગવા લાગી. આમ પણ આજે વાતાવરણમાં ઠંડી હતી અને અહીં તો ખુબ જ વધારે ઠંડી લાગવા લાગી. અંદર જઇને હિતે સાધુને સંસ્કૃતમાં પુછ્યુ, “કાલે તમે કયાં હતા? અમે તમને ખુબ શોધ્યા? તમારી ઝુંપડી પણ ન હતી.” “વત્સ, મને કોઇ સવાલ પુછવા નહિ. હુ કોઇને પ્રશ્નોના જવાબ આપતો નથી. આવતી પૂનમે સવારે સુર્યોદય સમયે અહીં આવજો. તમારા ઘણાં પ્રશ્નોના જવાબ મળી જશે. બાળકો જરૂરથી આવજો. મારે તમને કંઇક બતાવવુ છે.” સાધુએ ગુજરાતીમાં વાત કરી તો બધા ફરીથી આશ્ચર્યમાં મુકાયા. “પુનમને તો હજુ ઘણી વાર છે. મહાત્મા અમારી જીજ્ઞાસા સંતોષાય તેવી કંઇક સમજ તો આપો” હિતે કહ્યુ.

“બાળકો, તમારી જીજ્ઞાસા તમારા પ્રશ્નો બધાના જવાબ મળી જશે. બસ યોગ્ય સમય આવવા દ્યો. અત્યારે તમે નીકળો મારા ધ્યાનનો સમય થઇ ચુક્યો છે.” આટલુ બોલીને સાધુ તો ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાં બેઠેલા સાધુની આભા જોવા જેવી હતી.

બધા બાળકો થોડીવાર સાધુ સામે જોતા રહ્યા પછી અંધારુ દેખાતા ઝડપથી ઘરે જવા નીકળી ગયા. તેઓ નિરાશા સાથે આશ્ચર્યમાં ગરકાવ હતા કે કાલે જયાં વૃક્ષો હતા ત્યાં સાફ મેદાન અને સાધુની ઝુંપડી અને સાધુ કયાંથી આવી ગયા?

રસ્તામાં પ્રશાંતે બધાને કહ્યુ, “આ સાધુ કેવા છે યાર કોઇ વાતનો જવાબ નથી આપતા. હવે તો મને તેના પર ખુબ જ ગુસ્સો આવે છે.” “હા, આવુ તે કેવુ? કોઇ વાતનો સીધો જવાબ ન આપે. પૂનમ પૂનમ બસ શુ છે આ પૂનમ.” દીપકે પણ પ્રશાંતની વાતમાં હામી ભરતા કહ્યુ. “મને લાગે છે આપણે થોડીક રાહ જોવી જોઇએ. સમય આવ્યે બધા સવાલોના જવાબ મળી જશે.” હિતે તેઓને સમજાવતા કહ્યુ.તેઓ પાસે સવાલ હતા. જવાબ માટે હતો લાંબો ઇંતેઝાર..... બે ત્રણ દિવસ બાદ વેકેશન પડી ગયુ. રિઝલ્ટ વેકેશન ખુલતા મળવાનુ હતુ. વેકેશન પડી ગયુ એટલે વિદ્યા અને હિત ગાંધીનગર જતા રહ્યા. વિદ્યાને હિતના રિઝલ્ટની ખબર હતી પરંતુ તે હિતને અગાઉથી કાંઇ જણાવવા માંગતી ન હતી. ગાંધીનગર જઇને હિતને થોડા દિવસ ખુબ જ મજા પડી ગઇ. દિવાળીના તહેવારો ઉજવવાની ખુબ જ મજા આવી. તેના પપ્પા તેના માટે ઘણાં બધા ફટાકડાં, રમકડાં તથા નવા નવા કપડાં લઇ આવ્યા હતા. તેથી આઠ દિવસ તો પાણીની જેમ વિતી ગયા. ત્યાર બાદ તેના પપ્પા ઓફિસે જવા લાગ્યા. વિદ્યા ઘરકામમાં લાગેલી રહેતી હિતને સાધુ અને તેનુ રહસ્ય યાદ આવવા લાગ્યુ. હિત સતત વિચારતો રહેતો આખરે એ સાધુ કોણ છે? નક્કી કંઇક ઉંડુ રહસ્ય છુપાયેલુ હશે......

હિતને કયાંય ચેન પડતુ ન હતુ. સારું પુનમ પહેલા સ્કુલ ખુલી જતી હતી. નહિ તો ફરી એક પૂનમ સુધી રાહ જોવી પડત. તે ગમે તે રીતે સાધુ રહસ્ય જાણવા માંગતો હતો. હિત નેટ પર આવા જંગલમાં રહેતા સાધુઓ પર સર્ચ કરવા લાગ્યો. ટી.વી. પર નોલેજબલ્સ ચેનલો પર બધુ જાણવા લાગ્યો. તેને એ રહસ્યમય સાધુ વિશે કાંઇ પણ માહિતી મળી નહિ. હિતને ઘણુ બધુ જાણવુ હતુ. પરંતુ કોઇ રસ્તો જ મળતો ન હતો. તેને સાધુ પર ગુસ્સો આવવા લાગ્યો. એક પણ સવાલના જવાબ ન આપે તે કેવુ? સાથે સાધુ શું બતાવવાના હતા તે પણ એક રહસ્યમય કોયડો હતો. હિત તેના માટે જાતજાતના તર્ક લગાવવા લાગ્યો. દિવસભર તે સાધુ વિશે જ વિચારતો અને રાત્રે પણ તેને એવા જ સપના આવતા હતા.

આમ ને આમ એકવીસ દિવસનુ વેકેશન વિતી ગયુ. જુનાગઢ જવાનુ થતા હિત એકદમ ખુશીના માર્યો ઉછળી પડયો. સોમવારે વેકેશન ખુલતુ હતુ અને ત્યારબાદ આવતા રવિવારે પૂનમ હતી. ખુબ જ સારો મેળ હતો. રવિવારે પૂનમ આવતી હતી જેથી સુર્યોદય વખતે જંગલમાં જઇ શકાશે. રવિવારે સાંજે તેના પપ્પા હિત અને વિદ્યાને શેલત ગામે મુકી ગયા. તે બીજે દિવસે સવારે જતા રહેવાના હતા. પપ્પાએ આખા વેકેશન ખુબ લાડ લડાવ્યા હતા. આથી તેનાથી દુર રહેવાનો રંજ હતો. પરંતુ રહસ્યમય કોયડો ઉકેલવાની ઉત્સુકતા પણ હતી. ખુબ જ વિચિત્ર માનસિક પરિસ્થિતિ હતી હિતની.

હિતના પપ્પા સોમવારે સવારે ગાંધીનગર જતા રહ્યા અને વિદ્યા અને હિત તૈયાર થઇને શાળાએ જતા રહ્યા. મંગળવારે તેઓનુ રિઝલ્ટ હતુ. હિતને વેકેશન દરિમ્યાન અત્યાર સુધી રિઝલ્ટનુ તો યાદ જ ન હતુ. શાળામાં આવતા જ રિઝલ્ટની ચિંતા થઇ આવી. સાંજે તે બધા મિત્રોને મળ્યો અને બધા ઘણા દિવસે મળ્યા આથી મન મુકીને રમ્યા. બીજે દિવસે શાળામાં પરિણામ જાહેર થયુ. હિતનો આખી શાળામાં પ્રથમ નંબર આવ્યો હતો. શાળા તરફથી અને ગામ તરફથી દરેક ધોરણના પ્રથમ નંબરને ઇનામ આપવામાં આવ્યા. કોષા અને પ્રશાંતનો પણ તેના વર્ગમાં પ્રથમ નંબર આવ્યો હતો. અવની અને દીપકનો પણ તેના વર્ગમાં બીજો નંબર આવ્યો હતો. બધા મિત્રોના અવ્વલ નંબર આવતા ખુબ જ ખુશ થઇ ગયા. ઇનામના બોક્ષ ઘરે આવીને જોયુ તો હિતને ગામ તરફથી બાળવાર્તાના પુસ્તકોનો સેટ મળ્યો હતો અને શાળા તરફથી એજ્યુકેશન કાર્યક્રમની સી.ડી. તથા શૈક્ષણિક કીટ મળી હતી. વિદ્યા પણ ખુબ જ ખુશ હતી. તેને પરિણામની અગાઉથી ખબર હતી પરંતુ હિતને તેણે આજ દિવસ સુધી કાંઇ કહ્યુ ન હતુ. હિત પહેલેથી જ ખુબ જ હોંશિયાર હતો. બાર વર્ષની ઉંમરે તેની કેચ અપ શક્તિ અને સમજ શક્તિ જોરદાર હતી.

હિત ખુબ જ ખુશ હતો. ઇશ્વરે તેનામાં ખુબ જ જોરદાર શક્તિઓ ભરી હતી.

***

વિશિષ્ટ બુધ્ધિ પ્રતિભા અને શક્તિ ધરાવતો હિત રહસ્યમય સાધુનુ રહસ્ય જાણી શકશે? પૂનમના દિવસે બધા બાળકો જઇ શકશે? અને શું જાણી શક્શે સાધુ વિશે. જાણવા માટે તમારે આગલો ભાગ વાંચવો જ રહ્યો.

રેટ કરો અને રિવ્યુ આપો

Varsa Kapadia

Varsa Kapadia 7 માસ પહેલા

Harsad

Harsad 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Vijay

Vijay 2 વર્ષ પહેલા

Hardas

Hardas 2 વર્ષ પહેલા