Rahasymay sadhu 9 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય સાધુ ભાગ-૯

રહસ્યમય સાધુ

ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

પ્રકરણ :

લેખકના બે બોલ

આ દુનિયામાં અનેક પ્રકારના લોકો અનેક પ્રકારની માન્યતાઓ સાથે જીવે છે. ઘણાં લોકો ભુત પ્રેત, મેલી વિદ્યા, જાદુ ટોણા પર વિશ્વાસ કરે છે અને તે બધુ જોયુ હોવાનો દાવો પણ કરે છે. ગુઢ શક્તિ, મેલી શક્તિ જેવી બાબતો પર ઘણા લોકો ભરોસો કરે છે. પરંતુ મે કયારેય આ બધી વસ્તુઓનો અનુભવ કર્યો નથી. આ નવલકથા “રહસ્યમય સાધુ” સંપુર્ણ કાલ્પનિક કથા છે. તેને કોઇ સત્ય સાથે નિસ્બત નથી. રોમાંચક આ કથાના દરેક પ્રકરણોને માણો અને તમારા અમુલ્ય પ્રતિભાવો આપતા રહો.

અસ્તુ

(આપણે અગાઉના પ્રકરણોમાં જોયુ કે બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે સાધુ બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે છે. બધા બાળવીરો પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય છે. હવે ફરી તે સાધુ બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. બધા બાળકો ઉત્સાહથી પૂનમના દિવસે વહેલા નીકળી જાય છે અને જયાં સાધુ તેઓને તેમને ઝુંપડીમાં લઇ જાય છે. અને માથે ધાબળો ઓઢાળીને તેઓને ત્રેતાયુગમાં પહોંચાડી દે છે. ત્રેતાયુગમાં બે દિવસ રહ્યા બાદ ચેલા બેલાનંદની મદદથી તેઓ બધા ફરીથી જુનાગઢ આવી પહોંચે છે. હવે બે દિવસ ઘરથી દુર રહ્યા બાદ બધા બાળકો ઘરે શું કહેશે? શું થશે આગળ? જાણવા માટે વાંચો આગળ) મમ્મીનુ આવુ વર્તન જોઇને હિતને નવાઇ લાગી. કાંઇ સવાલ જવાબ નહિ. કોઇ જાતનો ગુસ્સો નહિ. હિત વિચારતો હતો કે મમ્મી કેમ આવુ વર્તન કરે છે? તેઓને કાંઇ સમજાતુ ન હતુ. તેની મમ્મી શિસ્ત અને સમયપાલન માટે ખુબ જ કડક હતી. આ તોફાન પહેલાની શાંતિ તો નથી ને? હિતને એ વિચારે પરસેવો છુટવા લાગ્યો. થોડી વાર થઇ એટલે વિદ્યા પાણીના ગ્લાસ લઇને આવી. પાણી આપતા કહ્યુ, “રમી આવ્યા બધા?” “હા આંટી, રમી આવ્યા હો.” પ્રશાંતે કહ્યુ. “કોણ જીત્યુ અને કોની સામે મેચ હતો?” “મમ્મી, અમે જ જીતીએ ને. દિવાકર કોલોનીના બાળકો સામે મેચ હતો.” હિતે ગપ્પુ ચલાવતા કહ્યુ. હિતને મનમાં ખુબ જ ડર લાગી રહ્યો હતો. હમણાં મમ્મીના પ્રકોપનો સામનો કરવો પડશે. તે બચવા માટે બહાના કરવા લાગ્યો.

“તો ચાલો બાળકો તમારી જીતની ખુશીમાં તમારા બધા માટે ગરમા ગરમ બટેટા પૌઆનો નાસ્તો બનાવી આપું. તમને લોકોને ખુબ ભુખ લાગી હશે.” “હા, હો જબરી ભુખ લાગી છે આંટી. તમે જલ્દી નાસ્તો લઇ આવો.” કોષાએ પેટ પર હાથ ફેરવીને નાટક કરતા કહ્યુ. તેઓ બધાની ભુખ મરી ગઇ હતી બીકમાં અને બીક. વિદ્યાને અહીંથી ટાળવા કોષાએ નાટક કર્યુ. “હા, હમણા જલ્દી નાસ્તો લઇ આવુ” એમ કહી વિદ્યા ફટાફટ રસોડામાં ગઇ. વિદ્યા રસોડામાં નાસ્તો બનાવવા ગઇ ત્યારે હિતે ઉભા થઇને સામે રહેલા કેલેન્ડરમાં જોયુ તો પૂનમ અને 23મી નવેમ્બર જ હતી. તેઓ ગઇકાલે અહીંથી નીકળ્યા હતા ત્યારે 23મી નવેમ્બર જ હતી. તેની આંખોમાં તો વિશ્વાસ જ ન આવ્યો તેને થયુ કે મમ્મી કદાચ તેઓના ટેન્શનમાં એક પતુ ફાડતા ભુલી ગઇ હોય. તેને વધુ તપાસ કરવા ટેબલ પર પડેલા ફોનમાં જોયુ તો પણ 23મી નવેમ્બર જ હતી. તેને બધાને ફોન બતાવ્યો. બધા સોફા પરથી ઉભા થઇ ગયા. બધાએ ફોનમાં જોયુ તો બધાના ચહેરા આશ્ચર્યમાં મુકાય ગયા. તેઓની આંખો પહોળી જ બની ગઇ. હિતે બે ત્રણ વાર ફોન રિફ્રેશ કરીને ચેક કર્યુ પરંતુ તારીખ તો 23મી નવેમ્બર જ બતાવતી હતી.

“મિત્રો, આ શું? આપણે બે દિવસ ત્રેતાયુગમાં રહી આવ્યા છતાંય હજુ 23મી નવેમ્બર જ છે. સમયનુ ચક્કર કેમ ચાલે છે? અને હા દોસ્તો આપણે તો રાત્રે નીકળ્યા હતા અને અત્યારે સવારના અગિયાર વાગ્યા છે. આ બધુ શુ છે?” હિતે આશ્ચર્યચકિત થઇને કહ્યુ. “હિત, તારી વાત સાચી છે. પરંતુ આપણે ત્રેતાયુગમાંથી રાત્રે નીકળ્યા હતા. અને અત્યારે અહીં પહોચ્યા ત્યારે સવાર છે. આ જ જાદુઇ શકિત છે. સમયનુ ચક્કર તો બરાબર જ ચાલે છે. પરંતુ આપણે પાછળના યુગમાં ગયા હતા. તે યુગનો સમય જીવ્યા આપણા યુગનો સમય જીવવાનો બાકી છે. એથી એ બે દિવસ આપણા યુગના બાકી છે જીવવાના.” પ્રશાંતે કહ્યુ. પ્રશાંતની વાત સાંભળીને બધા એકદમ આશ્ચર્ય ચકિત બની ગયા. કોઇ કાંઇ પણ બોલવાની સ્થિતિમાં ન હતુ. બધા એ જ વિચારમાં હતા કે એવુ બની જ કેમ શકે? સમય કેમ ઉલટો ચાલી શકે? વિદ્યા બધા માટે નાસ્તો લઇને આવી ત્યારે બધા બાળકોને ગુમસુમ જોઇને પુછ્યુ, “અરે તમે મેચ જીતીને આવ્યા છો તો કેમ આમ સુમસાન ગુપચુપ બેસી રહ્યા છો? કાંઇ પ્રોબ્લેમ તો નથી થયો ને?”

“અરે, ના ના આન્ટી કાંઇ નહિ. જરા થાક લાગ્યો છે. બીજો કોઇ ખાસ પ્રોબ્લેમ નથી. આજે ત્રણ મેચ રમ્યા એટલે ખુબ જ થાક લાગ્યો.” પ્રશાંતે કહ્યુ.

“આટલુ બધુ ના રમાય. તમે બાળકો જોશમાં રમી લો છો અને પછી થાકીને ફુસ. નાસ્તો કરીને આરામ કરી લેજો. આજે રજા જ છે.” વિદ્યા તેઓને સમજાવી પોતાનુ કામ કરવા જતી રહી. બધા બાળકો બટેકા પૌઆનો નાસ્તો કરવા લાગ્યા પરંતુ કોઇનુ ધ્યાન ખાવામાં કે સ્વાદમાં ન હતુ. બધાના મનમાં એક જ વિચાર હતો કે સમયનુ ચક્કર કેવી રીતે ચાલે છે? નાસ્તો તો બસ દેખાવ માટે કરતા હતા. તેના પેટમાં જરાય ભુખ ન હતી. નાસ્તો કરીને બધા બાળકો ઘરે જઇએ તેમ કહીને બહાર નીકળી ગયા. ઘરે જવાનુ મન ન હતુ. આથી તેઓ બહાર ચોકમાં ગયા. હિત થોડીવાર ઘરમાં વિચારતો રહ્યો પછી તે પણ બહાર ગયો. તેની મમ્મીએ આરામ કરવા કહ્યુ પરંતુ તે થોડીવારમાં આવુ એવુ કહીને બહાર નીકળી ગયો. “હિત, આ તો જબરુ છે હો. મે ખાલી આવુ પિકચરોમાં જોયુ છે. મને ખુબ જ એકસાઇટેડમેટ થાય છે. હવે શું થશે?” હિત બહાર આવ્યો એટલે દીપકે કહ્યુ.

“હા, યાર પણ મને તો ટેન્શન થાય છે. કોઇને શંકા જશે તો મરી જશુ. મને કાંઇ સમજાતુ નથી. આ બધુ શુ છે? અને હવે શું થશે?” હિતે પરેશાન થઇને કહ્યુ. “અરે હિત, આ બધુ ખુબ જ મજાનુ છે. મને તો બહુ મજા પડે છે. સાધુ આપણને બધુ શીખવી દે તો કેવી મજા પડી જશે?” પ્રશાંતે કહ્યુ. “ના, યાર મને લાગે છે કે સાધુ આપણને કાંઇ વિદ્યા શીખવવા માંગતા નથી. તે આપણને કાંઇક ગર્ભિત રીતે કહે છે. આપણે તેના ઇશારાને સમજવાની જરુર છે.”

હિતની વાત સાંભળી બધા બાળકો ગુંચવણમાં મુકાય ગયા હતા. તેઓને ખબર પડી ગઇ કે સાધુ ખુબ જ ચમત્કારિત છે. પરંતુ સાધુ શુ કહેવા માંગે છે? હિતને હવે ચમત્કારિક સાધુના રહસ્ય વિશે જાણવાની ખુબ જ ઇચ્છા થઇ આવી. તેને ખબર હતી કે સાધુને તો કાંઇ પુછી શકાશે નહિ એટલે પૂનમ રાહ જોયા સિવાય કોઇ રસ્તો જ ન હતો. પૂનમને હજુ એક મહિનાની વાર હતી. આથી બધા બાળકોએ વિચાર્યું કે સાધુના ચેલા બેલાનંદને પુછીએ તો કાંઇક જાણવા મળે. પરંતુ તેને પણ શનિવાર સિવાય મળી શકાય એમ ન હતુ. ઘરમાંથી કોઇ હવે જવા ન દે.

***

આ શુ થયુ? સમયનુ ચક્કર ઉલટુ કેમ ચાલ્યુ? એવુ બની શકે કે એક યુગમાં જીવેલો સમય બીજા યુગમાં ફરીથી જીવવો પડે? શું કોઇ યુગ પાર કરવાની શક્તિ ધરાવી શકે ખરુ? ખરેખર બાળકો ત્રેતાયુગની સફર કરી આવ્યા કે સાધુના ચમત્કારથી તેઓને આભાસ થયો છે. શું છે આ બધુ જાણવા માટે વાંચો આવતા અઠવાડિયે આવતો પાર્ટ...........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED