રહસ્યમય સાધુ
પ્રકરણ : ૪
ગોકાણી ભાવીષા રૂપેશકુમાર
(આપણે અગાઉના પ્રકરણોમાં જોયુ કે બાળકો જંગલમાં રમવા જાય છે અને જીજ્ઞાશાવશ આગળ જોવા જાય છે જયાં એક સાધુની ઝુંપડી છે અને તેની આસપાસ એક કાળા રંગની રેખા રહેલી હોય છે. કોષા ભુલથી અંદર જતી રહેતા બિલાડી બની જાય છે. સાધુ તેના પર અંજલી છાંટતા તે મુળ સ્વરૂપમાં આવી જાય છે. સાધુ તે બધુ રહસ્ય જાણવા માટે પૂનમના દિવસે આવવાનુ કહે છે. શાળાઓમાં પરીક્ષા જાહેર થઇ ગઇ. શું છે સાધુનુ રહસ્ય. બધા બાળવીરો પૂનમના દિવસે જઇ શકશે? જાણવા માટે વાંચો આગળ) બધા બાળકો પરીક્ષાના ટેન્શનમાં જ હતા. અત્યારે કોઇને બીજી વાત યાદ આવતી જ ન હતી. હિતના મગજમાંથી પૂનમની વાત ખસતી ન હતી. આખરે એક દિવસે હિતે રિસેષમાં બધાને એક ખુણામાં બોલાવી પોતાના મનની વાત કહી, “મિત્રો, પૂનમના દિવસ પહેલા આપણી પરીક્ષા પુરી થઇ જશે. તો જવુ છે ને જંગલમાં આપણે?” “હિત, તુ હજુ એ જ વાત લઇને બેઠો છે. એ સાધુ જાદુ જાણતો હશે. જોયુને કોષા કેવી બિમાર પડી ગઇ. આપણે કયાંય જવુ નથી.” પ્રશાંતે કહ્યુ. “અરે ભાઇબંધ, જાદુ બાદુ કાંઇ ન હતુ. એ તો થાક અને બીકના કારણે કોષા બીમાર પડી હતી. બાકી મને તો સાધુ જ્ઞાની પુરુષ લાગ્યા.” હિતે પ્રશાંતના ખભે હાથ મુકીને કહ્યુ. “હિત, સંસ્કૃતમાં તને કાંઇક કહ્યુ હતુ. અમને તો કાંઇ પણ સમજ ન પડી હતી.” દીપકે હિતને પૂછ્યુ.
હિતે સાધુ સાથે થયેલો સંવાદ પોતાના મિત્રોને કહ્યો. “તો તો મારે પણ જવુ છે પુનમના દિવસે સાધુ શુ બતાવશે તે જોવુ છે.” દીપકે ઉત્સુકતાપુર્વક કહ્યુ. “હિત, દીપક તમે પાગલ બની ગયા લાગો છો. એવા અજાણ્યા સાધુ પાસે એમ ન જવાય તે કાંઇક કરી મુકશે તો શુ થશે? તમે કાંઇક વિચાર તો કરો.” અવનીએ થોડા ડર સાથે કહ્યુ. “મારે તો જવુ જ છે. જેને આવવુ હોય તે આવે અને ન આવવુ હોય તો ઘરે ગોદડામાં સંતાયને સુઇ જાય. આમ ડરવાથી કાંઇ ન થાય. તેને કાંઇ કરવુ હોત તો ત્યારે જ કરી લીધુ હોત.” હિત બધાને થોડા ગુસ્સા સાથે કહ્યુ. હિતની વાત સાંભળી કોષા, પ્રશાંત અને અવની પણ તૈયાર થઇ ગયા. હિત બધાને આનંદપુર્વક ભેટી પડયો. ત્યાર બાદ બધા થોડા દિવસ બધા જોર શોરથી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. સમય વિતી ગયો અને પરીક્ષા પણ આવી ગઇ. પેપરો પણ ખુબ જ સારા હતા. સ્કુલના શિક્ષકોએ છ મહિના ખુબ જ મહેનત કરાવી હતી. તેથી બધાના પેપર ખુબ જ સારા જવા લાગ્યા. હવે છેલ્લુ પેપર બાકી હતુ. આગલા સાંજે હિતે બધાને મેદાનમાં મળવા બોલાવ્યા. “કાલે પુનમ છે અને સાડા ત્રણ વાગ્યે આપણે બધા નીકળી જઇશું.” હિતે બધાને કહ્યુ.
“હા હિત, અમે બધા તૈયાર રહેશુ. કાલે સવારે પેપર પુરૂ થઇ જાય પછી બધા ફટાફટ જમીને મેદાનમાં એકઠા થઇશું.” દીપકે બધા વતી કહ્યુ. એટલે બધાએ એકસાથે હા પાડી. બધાને આતુરતા હતી કે પુનમના દિવસે સાધુ શું કહેવાના હશે?
છેલ્લુ પેપર પણ ખુબ જ સરળ હતુ. હિત પરીક્ષા પુરી થવાથી ખુબ જ ખુશ હતો. બપોરે જલ્દી જલ્દી જમી લીધુ. તેની મમ્મીએ તેને બપોરે આરામ કરવા કહ્યુ પરંતુ તેને તો જંગલમાં જવાની ઉતાવળ હતી. તેથી તે દોડીને બધાને બોલાવવા ગયો. બધા સાથે મળીને સાડા ત્રણ વાગ્યે નીકળી ગયા. પરીક્ષાઓ પુરી થઇ ચુકી હતી. આથી બધાના માતા પિતાઓએ બાળકોને રમવા જવાની છુટ આપી દીધી. જંગલમાં પહોંચી બધા ફળ ખાવા અને દોડાદોડી કરવા અને રમવા લાગ્યા. પરીક્ષા પુરી થવાની ખુશીમાં બધા ખુબ જ રાજી હતા. આથી તેઓ રમવામાં મશગુલ બની ગયા. પરંતુ હિતને જલ્દી સાધુ પાસે જવુ હતુ. તેને રહસ્ય જાણવાની ખુબ જ ઉત્તેજના હતી. માંડ હિતે બધાને સમજાવી ભેગા કર્યા અને આગળ જવા સમજાવ્યા. એટલે બધા હિત સાથે આગળ ચાલવા લાગ્યા. તેઓ બધા સાધુની ઝુંપડી વાળી જગ્યા પર પહોંચ્યા. ત્યાં જોયુ તો બધા આશ્ચર્ય ચકિત થઇને એકબીજા સામે જોવા લાગ્યા. ત્યાં ન તો ઝુંપડી હતી અને ન તો કોઇ સાધુ કે કાંઇ હતુ. તે જગ્યાએ વૃક્ષો ઉગેલા હતા. જે અગાઉ ન હતા. “હિત, લાગે છે આપણે રસ્તો ભટકી ગયા છીએ. અહીં તો કાંઇ પણ નથી.” પ્રશાંતે આશ્ચર્યથી કહ્યુ. “ના, મને બરોબર રસ્તો યાદ છે. અહીં જ સાધુની ઝુંપડી હતી. લાગે છે તેઓ કયાંય આગળ જતા રહ્યા હશે. ચાલો આગળ જઇએ.” “હિત, સમય તો જો. રાત પડવા લાગી છે. અંધારુ થઇ જશે પછી ઘરે કેમ જઇશુ. ચાલો હવે ઘરે જઇએ.” કોષાએ કહ્યુ. “થોડે જઇ આવીએ પછી ફટાફટ ઘરે જઇશુ. આજે પુનમ છે મારે એ સાધુનુ રહસ્ય જાણવુ છે.” “હિત, અત્યારે બહુ મોડુ થઇ ગયુ છે અને આ જંગલ છે. અહીં જંગલી પ્રાણીઓ રહે છે. રાત્રે અહીં મોડુ કરવુ યોગ્ય નથી. અત્યારે આપણે પરત જઇએ તારી ઇચ્છા હોય તો કાલે સવારે ફરીથી આવીશુ. હવે પરીક્ષાઓ પુરી થઇ ચુકી છે. આપણે કોઇ રોકશે નહીં” દીપકે હિતને સમજાવતા કહ્યુ. હિત પરાણે દીપકની વાત સાથે સહમત થયો. “કાલે ચોક્કસ આવીશુ. સવારે બધા તૈયાર જ રહેજો.” “હા, જરૂર” કહી બધા દોડીને સાઇકલો પાસે ગયા અને ફટાફટ ઘર તરફ નીકળી ગયા. હિતનુ મન જરાય માનતુ ન હતુ. પરંતુ અંધારુ જોઇ તે કમને બધા સાથે પરત ફરવા લાગ્યો. તેને હવે પહેલા ફળ ખાવા અને રમવા ટાઇમ બગડયો તેના પર ગુસ્સો આવવા લાગ્યો. રસ્તામાં તેને તેના મિત્રોને કહ્યુ, “કાલે સવારે વહેલા તૈયાર રહેજો અને જંગલમાં આવીને કોઇએ ફળ ખાવા કે રમવા રોકાવાનુ નથી. સીધા આપણે ફટાફટ સાધુને શોધવા નીકળી જઇશુ. આખરે તે ગયા કયાં? અને ઝુંપડી પણ એકદમ ગાયબ જ થઇ ગઇ.” હિતે બધાને થોડા ધમકીભર્યા સ્વરે કહ્યુ. “હા હિત મહારાજ, જેવી તમારી આજ્ઞા.” પ્રશાંતે મશ્કરી કરતા કહ્યુ. એટલે બધા હસી પડયા. હસતા હસતા વાતો કરતા તેઓ ઘરે પહોંચી ગયા. ઘરે આવીને રાતે પણ હિત વિચારમગ્ન હતો કે આ શું હતુ? આખરે તે સાધુ મહારાજ છે કોણ? આમ પૂનમના દિવસે બોલાવી અને તે ગાયબ થઇ ગયા અને પાછી ઝુંપડી અને બધુ જ ગાયબ! તે જગ્યાની આખી શિકલ જ બદલાય ગઇ. આવુ કેમ બની શકે?
સાધુ બધુ ગાયબ કરીને કાંઇ કહેવા તો નહિ માંગતા હોય ને? તેનો કોઇ છુપો સંકેત હશે આમા? તેને કહ્યુ હતુ કે જ્ઞાન આત્મસાત થાય છે. આમાં શુ સમજવુ? હિતને વિચારમાં ને વિચારમાં કયારે ઉંઘ આવી ગઇ કાંઇ ખબર જ ન પડી.
***
શું છે રહસ્યમય સાધુનુ રહસ્ય? તેને બધા બાળકોને પૂનમના દિવસે બોલાવ્યા અને પોતે જ ગાયબ! શું કહેવા માંગે છે તે બાળકોને? કે બાળકો જ રસ્તો ભુલી ગયા. પ્રશ્ચોના પુછ્યા વિના તે શું જ્ઞાન બાળકોને આત્મસાત કરાવવા માંગે છે?
રહસ્ય જ રહસ્ય. બાળકો ફરી આવી શકશે કે તેના માતા પિતાને ખબર પડી જશે? શું થશે આગળ તે જાણવા માટે તમારે આગળના ભાગ વાંચવા જ રહ્યા. તો આવતા અઠવાડિયે મળ્યા. ત્યાં સુધી વિચારો આ બધા રહસ્ય પાછળના કારણો.