રહસ્યમય સાધુ , પ્રકરણ-૮ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય સાધુ , પ્રકરણ-૮

રહસ્યમય સાધુ

પ્રકરણ : ૮

ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

(આપણે અગાઉના પ્રકરણોમાં જોયુ કે બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે સાધુ બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે છે. બધા બાળવીરો પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય છે. હવે ફરી તે સાધુ બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. બધા બાળકો ઉત્સાહથી પૂનમના દિવસે વહેલા નીકળી જાય છે અને જયાં સાધુ તેઓને તેમને ઝુંપડીમાં લઇ જાય છે. અને માથે ધાબળો ઓઢાળીને તેઓને ત્રેતાયુગમાં પહોંચાડી દે છે. હવે શું થશે? સાધુ તેઓને શું બતાવવા માંગે છે? જાણવા માટે વાંચો આગળ)“તમે હજુ શીખી રહ્યા છો તો તમે અમને પહોંચાડી શકશો?” દીપકે બેલાનંદને પુછ્યુ. “અરે બાળકો ગભરાવ નહિ. હુ તમને પહોંચાડી દઇશ. ચાલો આપણે પહેલા ત્રેતાયુગના દર્શન કરીએ.” હિત અને બધા બાળકો ગુરૂદેવના ચેલા બેલાનંદ સાથે ત્રેતાયુગના દર્શન માટે નીકળી પડયા. અહીંની પ્રાકૃતિક સુંદરતા અજોડ હતી. ચારેબાજુ અવનવા ફુલોની સુગંધ ફેલાયેલી હતી. વૃક્ષો ખુબ જ હરિયાળા અને સુંદર દેખાતા હતા. અખુટ ફળો લચી પડયા હતા. ઘાસ પણ સુંદર રીતે ઉગેલુ હતુ. પગથી ચાલતા તેમાં સુંવાળા પણાનો અનુભવ થતો હતો. બધા બાળકો પ્રાકૃતિક સુંદરતામાં એવા ખોવાય ગયા કે કંઇ ભાન ન રહ્યુ. ચાલતા જતા હતા અને સુંદરતા માણતા હતા. લોકોના ઘર પણ પ્રાકૃતિક રીતે બનાવેલા હતા. પશુ-પંખીઓ આરામથી હરતા ફરતા હતા અને તેઓ મોજથી રમતા હતા અને કલરવ કરી રહ્યા હતા. વાતાવરણ પણ ખુબ જ સરસ હતુ. ઠંડી મજાની હવા વહી રહી હતી. બપોર થવા આવી રહી હતી પરંતુ તડકો દઝાડી રહ્યો ન હતો પરંતુ મીઠો લાગી રહ્યો હતો. તેઓને વર્ગખંડમાં શિક્ષકો ગ્લોબલ વોર્મિગ અને પ્રદુષણ વિશે સમજાવતા હતા તે અત્યારે નજરોનજર ફેરફાર દેખાતો હતો. પ્રદુષણ વિહીન વાતાવરણ ખુબ જ સરસ દેખાતુ હતુ. લોકો ચાલતા ચાલતા જતા હતા. તે બધાના મુખમાંથી અવિરત રીતે રામનુ નામ લેવાતુ હતુ. પ્રકૃતિના કણકણમાંથી રામના નામની ધ્વનિ સંભળાતી હતી. વાતાવરણમાં ગજબની સ્ફુર્તિ હતી જે લોકોના શરીરમાં પણ જણાતી હતી. બધુ નિહાળતા બપોર ઢળી ગઇ. બધાને ક્કડીને ભુખ લાગી હતી. પરંતુ ખાવા માટે કયાં જવુ તે વિચારતા હતા ત્યાં તો બેલાનંદ તેઓને એક ઝુંપડીમાં લઇ ગયો અને તેઓને ઝુંપડીમાં બેસાડીને તેમના માટે જમવાનુ લાવ્યો. ભોજનનો સ્વાદ પણ અલગ હતો. ખુબ જ સ્વાદિષ્ટ હતુ. ખુબ જ ખાધુ તો ય સ્વાદના હિસાબે હજુ ખાવાનુ મન હતુ. વાતાવરણ ખુબ જ ખુશનુમા હતુ. તેઓ આખો દિવસ તેઓ ચાલ્યા અને બધુ નિહાળ્યુ. રાત્રે અંધારુ થયુ એટલે દીવાના અજવાળે જમીને ઝુંપડીમાં જમીન પર દર્ભની પથારી પર તેઓ આરામથી સુઇ ગયા. હજુ અંધારુ જ હતુ ત્યાં જ બેલાનંદે તેઓને ઉઠાડી દીધા. મોડે સુધી સુવા ટેવાયેલા બાળકોને વહેલુ ઉઠવુ અઘરુ લાગી રહ્યુ હતુ. છતાંય તેઓ જીજ્ઞાસાવશ ઉઠી ગયા.

વહેલી સવારમાં તેઓ ફ્રેશ થયા તો એકદમ તાજગી મહેસુસ થતી હતી. અત્યારમાં બધા લોકો ઉઠી ગયા હતા. તેઓની ઝુંપડીની નજીદીક નદીનો કાંઠો હતો ત્યાં લોકો સ્નાન કરીને ધ્યાન મગ્ન હતા. ધ્યાન મગ્ન લોકોની અલગ જ આભા હતી. સવારનુ વાતાવરણ ખુબ જ ચોખ્ખુ અને સુંદર હતુ. સવારથી બેલાનંદ સાથે બધા બાળકો જુદા જુદા સ્થળોએ ગયા. રસ્તામાં મળતા લોકો તેમને મીઠી મુસ્કાનથી તેને મળતા હતા. શહેરી કરણના ઘોંઘાટ વિનાનુ સરળ અને શાંત જીવન ખુબ જ સુંદર લાગતુ હતુ. હિતે ઘણું બધુ નિરીક્ષણ કર્યુ અને પ્રશાંતે ઘણી જગ્યાઓથી ફોટોગ્રાફસ પણ લીધા. સાંજ પડી એટલે બેલાનંદે કહ્યુ, “આજે હવે આપણે પરત જવાનુ છે.” “બેલાનંદજી, આપણે ભગવાન રામના દર્શન તો ન થયા?” કોષાએ પુછ્યુ. “બેટા, ભગવાનના દર્શન આપણી કિસ્મત હોય તો જ થાય.” “આપણે યુગ પાર કરીને અહીં આવી શકીએ તો ભગવાનના દર્શન કેમ ન કરી શકીએ?” હિતે બેલાનંદને પુછ્યુ. “આ દુનિયામાં કોઇ ગમે તેવુ શક્તિશાળી હોય કે ગમે તેવી વિદ્યા જાણતુ હોય. હજુ સુધી કોઇમાં એવી તાકાત નથી કે બીજાને ઇશ્વરના દર્શન કરાવી શકે. આપણા નસીબમાં ઇશ્વરના દર્શન હશે તો જરૂર થશે. અત્યારે હવે નીકળવુ પડશે.”

“ઓ.કે. અંકલ.” ઝુંપડીમાં વચોવચ ઘાસ પાથરીને તેના પર બેલાનંદે બધા બાળકોને ઉભા રહેવા કહ્યુ. એટલે બધા ફરીથી ગોળાકાર એકબીજાનો હાથ પકડીને ઉભા રહ્યા. બેલાનંદે પેલુ ઘડિયાળ જેવુ યંત્ર હિતના હાથમાં આપ્યુ અને તે બધા બાળકો પર એક કપડું ઢાંકી દીધુ. બાળકોને કાંઇ દેખાતુ ન હતુ અને કાંઇ પણ અવાજ આવતો ન હતો. થોડીવાર થઇ પછી બધા બાળકોને ખુબ જ ઠંડી લાગવા લાગી એટલે તેઓએ કપડુ હટાવ્યુ તો તેઓ સાધુની ઝુંપડી પર ફરીથી પહોંચી ગયા હતાં. સાધુ તેની સામે ઉભા હતા.

બધા બાળકો એક સાથે નવાઇ પામી ગયા. આ શેનો જાદુ હતો? તેઓ યુગો પાર કરી ગયા તે પણ ચપટીમાં. તેઓ સાધુને તો કાંઇ પુછી શકે એમ ન હતા. છતાંય જીજ્ઞાશા કાબુમાં રહેતા હિતે સાધુને પુછ્યુ, “મહારાજ આ શેનો ચમત્કાર હતો? અમે આવી રીતે કેમ યુગ પાર કરી શક્યા? પળવારમાં” તેઓએ ટી.વી.માં અને વાર્તાઓમાં ટાઇમ ટ્રાવેલ વિશે વાંચ્યુ હતુ પરંતુ આજે જાત અનુભવ થયો છતાંય તેને ભરોસો પડતો ન હતો. “બેટા, સમય આવ્યે બધી ખબર પડી જશે. પૂનમના દિવસે ફરીથી આવજો.” સાધુ ફરીથી કોઇ ચોખવટ કર્યા વિના કહ્યુ.

“પણ મહારાજ, આવુ કેમ બની શકે? તમે અમને કાંઇક સમજાવશો?” પ્રશાંતે નમ્રતાપુર્વક પુછ્યુ.

“બાળકો સમય આવ્યે તમને બધુ જ સમજાય જશે. અત્યારે તમે ઘરે જાવ તમારા માતા પિતા તમારી રાહ જોઇ રહ્યા હશે. આવતી પૂનમે સુર્યોદય સમયે આવી જજો.” માતા પિતાની વાત સાંભળતા બધા બાળકો યાદ આવ્યુ કે તેઓ ઘરેથી ખોટુ બોલીને આવ્યા હતા અને બે દિવસથી તે ઘરથી બહાર હતા. તેઓ બધા ઉતાવળથી ફટાફટ દોડીને તેમની સાઇકલો પાસે ગયા અને સાઇકલો લઇને સાઇકલો ઘર તરફ ભગાવવા લાગ્યા. તેઓને ડર હતો કે તેના માતા પિતા હવે તેના કેવા હાલ કરશે અને તેને કેટલા સવાલો પુછશે? આવા બધા વિચારો વચ્ચે તેઓ એ વિચારતા જ ન હતા કે ત્રેતાયુગમાંથી નીકળ્યા ત્યારે રાત્રિ હતી અને અત્યારે વહેલી સવારનો સમય હતો. તેઓ ફટાફટ સાઇકલો ભગાવી ઘર તરફ ભાગ્યા. માતા પિતાના સવાલોનો શું જવાબ આપવો તે કાંઇ સુઝતુ જ ન હતુ. તેઓ ગભરાતા ગભરાતા બધા હિતના ઘરે પહોંચ્યા થોડોક તડકો પડી રહ્યો હતો. બધા ખુબ જ ડરતા ડરતા અંદર ગયા. વિદ્યાએ બધા બાળકોને એકસાથે જોઇ આવકારો આપ્યો અને સોફા પર બધાને બેસવાનુ કહી તે રસોડામાં પાણી લેવા ગઇ.

***

સાધુની ચમત્કારિક શક્તિ દ્રારા બધા બાળકો ત્રેતા યુગના દર્શન કરી આવ્યા. છતાંય સાધુ તેઓને શું કહેવા માંગતા હતા? તે કોઇને કાંઇ ખબર ન પડી. હજુ તેઓને પૂનમના દિવસે બોલાવ્યા છે. શું થશે હવે પૂનમના દિવસે? બાળકો બે દિવસ ઘરની બહાર હતા. તેમના માતા પિતા હવે તેમના શું હાલ કરશે? શું બાળકો બધુ સત્ય કહી દેશે? કે કોઇ નવો જ વળાંક આવશે? આખરે એ સાધુ છે કોણ અને બાળકોને તે કયુ જ્ઞાન સાક્ષાત્કાર કરાવવા માંગે છે? જાણવા માટે આગલા ભાગનો ઇંતજાર જ રહ્યો.