પિન કોડ - 101 - 65 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 65

પિન કોડ - 101

પ્રકરણ-65

આશુ પટેલ

કમિશનર શેખને કાળ ચઢ્યો. અહીં હજારો લોકોની લાશો પડી ગઇ હતી ત્યારે આ હલકટ રાજકારણી શહેરમાં શું સ્થિતિ છે એ જાણવાની દરકાર કરવાને બદલે પોતાને હટાવવાની અને સરકાર પાડી દેવાની ધમકી આપી રહ્યો હતો! કમિશનર શેખ પોતાની કારર્કિદી દરમિયાન ક્યારેય ઉશ્કેરાયા નહોતા એ હદે ઉકળી ઉઠ્યા. તેમણે ગૃહ પ્રધાનને કહ્યું:જસ્ટ શટ યોર માઉથ મિસ્ટર હોમ મિનિસ્ટર. ડુ વોટએવર યુ કેન!’
----
એડિશનલ કમિશનર (ક્રાઇમ) રાકેશ મિશ્રાએ ‘સહારા સ્ટાર’ હોટલ નજીકના વિલે પાર્લે પોલીસ સ્ટેશનના એક અધિકારીને ‘સહારા સ્ટાર’ હોટલમાં શું સ્થિતિ છે એ જાણવાનું કામ સોંપ્યું હતું. પેલા ઉદ્યોગપતિની દીકરીના મેરેજ રિસેપ્શનને કારણે એ હોટલમા ઘણા બધા વીઆઈપી અને વીવીઆઈપી હાજરી આપવાના હતા એટલે એ હોટેલની અન્દર અને બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મિશ્રાએ એ હોટેલની બહાર બન્દોબસ્તમાં મુકાયેલા પોલીસ કર્મચારીઓમાંથી પણ એક સબ ઈન્સ્પેક્ટરનો સંપર્ક કરીને પોલીસ કમિશનર શેખ અને જોઇન્ટ કમિશનર ત્યાગીના કુટુંબ વિષે તપાસ કરવાનું કામ સોંપ્યું હતું તેમાથી એક અધિકારીએ મિશ્રાને મોકાણના સમાચાર આપતા કહ્યું હતું કે ‘સહારા સ્ટાર’માં બૉમ્બ વિસ્ફોટ થયો એ પછી ‘સહારા સ્ટાર’નો જે હિસ્સો ધ્વસ્ત નહોતો થયો એ ભાગમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. અને બધી બાજુથી જામ થયેલા ટ્રાફિકને કારણે ફાયર બ્રિગ્રેડ ત્યાં સુધી પહોંચી શકે એ અશક્ય હતું. એડિશનલ કમિશનર મિશ્રાએ એ સમાચાર કમિશનર શેખ અને જોઇન્ટ કમિશનર ત્યાગીને આપ્યા એ સાથે તે બંનેએ જુદીજુદી રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
પોલીસ કમિશનર શેખ અને જોઇન્ટ કમિશનર ત્યાગી પાસે પ્રચંડ સત્તા હતી, પણ અત્યારે તે બંને લાચાર બની ગયા હતા. એક બાજુ તેમની સત્તા ચાલતી હતી એ શહેરમાં તબાહી ફેલાઇ ગઇ હતી અને બીજી બાજુ તેમની અંગત જિંદગીમાં પણ ઝંઝાવાત આવી ગયો હતો. પોતાની પત્ની અને બાળકોની શું દશા થઇ હશે એ વિચારીને બંને અધિકારી હચમચી ઊઠ્યા હતા.
એડિશનલ કમિશનર મિશ્રાને થયું કે પોતે ‘સહારા સ્ટાર’ વિષે માહિતી આપીને ભૂલ કરી નાખી, પણ તેમને જે માહિતી મળી હતી એ તેઓ તેમના સિનિયર અધિકારીઓને કહ્યા વિના રહી શક્યા નહોતા. અને અત્યારે સ્થિતિ પણ એવી હતી કે શું કરવું અને શું ના કરવું એ વિચારવા જેટલી સ્વસ્થતા પણ એ બધા અધિકારીઓમાં રહી નહોતી. કોઇ માણસને હજારો ફૂટ ઊંચાઇએથી ફેંકી દેવાય અને તે જમીન તરફ ધસી રહ્યો હોય એ વખતે હવામાં બાચકાં ભરીને સહારો શોધવાની કોશિશ કરે એવી જ હાલત મોટા ભાગના પોલીસ અધિકારીઓની હતી.
બૉમ્બ ઝીંકાયા પછી ‘સહારા સ્ટાર’ હોટલનો બચેલો હિસ્સો આગમાં લપેટાઇ ગયો એ ખબર પડી ત્યારે પોતાના કુટુંબના સભ્યોના બચવાની રહીસહી આશા પર પણ પાણી ફરી વળ્યું એટલે નિ:સહાયતા અને આઘાતની લાગણીથી કમિશનર શેખની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યા, પણ તરત જ એ આંસુ લૂછીને તેઓ ફરી કામે વળગ્યા. પોતાના કુટુમ્બના બચવાની આશા તો બહુ ક્ષીણ થઈ ચૂકી હતી, પણ એ પારાવાર દુ:ખને કોરાણે મૂકીને તેમણે આખા મુંબઈના વાલી તરીકે ફરજ બજાવવાની હતી. એડિશનલ કમિશનર મિશ્રાને કહ્યું કે ‘સહારા સ્ટાર’ની આજુબાજુની હોટલ્સમાંથી પાઇપ દ્વારા પાણીનો મારો ચલાવી શકાય એ માટે કોશિશ કરવા પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવાનું કહીને તેઓ શહેરના જુદાજુદા વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે બીજા અધિકારીઓને માર્ગદર્શન અને આદેશ આપવા માંડ્યા.
કમિશનર શેખ ડઝનબંધ આતંકવાદી હુમલાઓને કારણે મુંબઈમાં સર્જાયેલી અકલ્પ્ય સ્થિતિ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા એ જ વખતે તેમના મોબાઈલ ફોન પર મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનનો કોલ આવ્યો. ગૃહ પ્રધાન દિલ્હી પહોંચી ગયા હતા. ‘એચ. એમ.’ શબ્દો મોબાઇલ ફોનના સ્ક્રીન પર ફ્લેશ થયા એ સાથે કમિશનર શેખના મનમાં આક્રોશની લાગણી ઉભરાઇ આવી. મુંબઇની દુર્દશા માટે આ માણસ આતંકવાદીઓ જેટલો જ જવાબદાર હતો! શેખે પોતાની એ લાગણી પર કાબૂ મેળવીને કોલ રિસિવ ર્ક્યો એ સાથે સામેથી ગૃહ પ્રધાને અત્યંત અપમાનજનક ભાષામાં ઊંચા અવાજે કહ્યું: તમારી બિનકાર્યક્ષમતાને કારણે આજે મુંબઇ તારાજ થઇ ગયું. હું મુંબઇ પહોંચું ત્યાં સુધીમાં તમે કમિશનર પદેથી ફંગોળાઇ ગયા હશો. અને આ વખતે મુખ્ય પ્રધાન વચ્ચે પડશે તો હું રાજીનામું ધરી દઇશ અને સરકાર પાડી દઇશ...’
કમિશનર શેખને કાળ ચઢ્યો. અહીં હજારો લોકોની લાશો પડી ગઇ હતી ત્યારે આ હલકટ રાજકારણી શહેરમાં શું સ્થિતિ છે એ જાણવાની દરકાર કરવાને બદલે પોતાને હટાવવાની અને સરકાર પાડી દેવાની ધમકી આપી રહ્યો હતો!
કમિશનર શેખ પોતાની કારર્કિદી દરમિયાન ક્યારેય ઉશ્કેરાયા નહોતા એ હદે ઉકળી ઉઠ્યા. તેમણે ગૃહ પ્રધાનને કહ્યું:જસ્ટ શટ યોર માઉથ મિસ્ટર હોમ મિનિસ્ટર. ડુ વોટએવર યુ કેન!’
કમિશનર શેખના એ શબ્દો સાંભળીને ગૃહ પ્રધાનને રૂંવે રૂંવે આગ લાગી ગઈ. તેમણે એક ગંદી ગાળ આપીને કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
શેખે જે રીતે ગૃહ પ્રધાન સાથે વાત કરી એ સાંભળી રહેલા બીજા બધા ઉચ્ચ અધિકારીઓ સડક થઇ ગયા. શેખે ગૃહ પ્રધાનને સંભળાવી દીધું હતું કે મૂંગો મરી રહે અને તારાથી થાય એ કરી લેજે. જોકે એમાંથી મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટ અને દુષ્ટ ગૃહ પ્રધાનથી દુભાયેલા હતા એટલે શેખના શબ્દોમાં તેમને પોતાની લાગણીનો પડઘો સંભળાયો. જોકે તેમને એ પણ સમજાયું કે કિન્નાખોર સ્વભાવનો ગૃહ પ્રધાન હવે શેખને છોડશે નહીં!
* * *
‘મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પર આતંકવાદી હુમલાઓ ખાળવામાં નિષ્ફળ સાબિત થયેલા ઈલ્યાસ શેખને પોલીસ કમિશનરપદેથી હટાવી દીધા છે. તેમના અનુગામી તરીકે ગૃહ પ્રધાનના માનીતા અધિકારી, મહારાષ્ટ્રની એન્ટિ ટેરરિઝમ સ્કવોડના વડા ઓ. પી. શ્રીવાસ્તવની નિમણૂક કરી દેવાઇ છે. પોલીસ કમિશનર શેખને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, એડમિનિસ્ટ્રેશન તરીકે મૂકી દેવાયા છે...’
ટીવી ચેનલ પર પ્રસારિત થઇ રહેલા ન્યૂઝ જોઇને આઈએસની ભરતીય પાંખનો ચીફ કમાંડર ઇશ્તિયાક અહમદ ફરી એક વાર મલકી પડ્યો! તેના રસ્તાનો એક મોટો કાંટો દૂર થઈ ગયો હતો!
એ જ વખતે ઇશ્તિયાકના મોબાઈલ ફોન પર કોલ આવ્યો. ઇશ્તિયાકે કોલ રિસિવ કર્યો એ સાથે ચેન્નાઈમાં વૈજ્ઞાનિક મોહિની મેનનના ઘરમાં છુપાયેલા તેના બે સાથીદારોમાંથી એકે ચિંતાજનક અવાજમા માહિતી આપી: હમણા રાધાક્રિશ્નનનગર પોલીસ સ્ટેશનમાંથી સિનિયર ઇન્સ્પેક્ટરનો કોલ આવ્યો હતો. આ સાલા બુઢ્ઢાએ તેને કહ્યું કે મારી દીકરી અમેરિકા ગઈ છે!’
ઇશ્તિયાક એકદમ એલર્ટ થઈ ગયો. મોહિની વિશે ચેન્નાઈ પોલીસ સુધી વાત પહોંચી ગઈ હતી! તેને બીજી પણ ચિંતા થઈ આવી. તેના સાથીદારે કહેલી વાત પણ ખતરાની ઘંટડી સમાન હતી. તેણે પોતાના માણસો દ્વારા મોહિનીના માતાપિતાને આદેશ અપાવ્યો હતો કે કોઈ પણ મોહિની વિશે પૂછે તો તમારે એમ જ કહેવાનું છે કે મોહિની સામાજિક કારણથી થોડા દિવસો માટે મુંબઈ ગઈ છે. મોહિનીના માતાપિતાએ મોહિનીના સહાયકો બાલક્રિશ્ના પિલ્લાઈ અને જયા વાસુદેવનને એમ જ કહ્યું હતું કે મોહિની મુંબઈ ગઈ છે. પણ હવે તેમણે પોલીસને બીજી વાત કરી એટલે મુશ્કેલી ઊભી થઈ શકે.
જોકે તેણે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કર્યા વિના પોતાના સાથીદારની પૂરી વાત સાંભળી લીધી. તેનો કોલ ડિસ્કનેક્ટ કરતા પહેલા તેણે કહ્યું: હું તને થોડી વારમાં કોલ કરું છું.’
એ કોલ પૂરો કર્યા પછી ઇશ્તિયાકે થોડા ઊંડા શ્ર્વાસ લીધા. તે કોઈ ઊંડા વિચારમાં હોય ત્યારે ઊંડા શ્ર્વાસ લેતા લેતા વિચારવાની તેની આદત હતી. ઇશ્તિયાકે મોહિની વિશે રજેરજ માહિતી મેળવી લીધી હતી અને પછી જ મુંબઈ આવેલી મોહિનીનું અપહરણ કર્યું હતું. તેને ખબર હતી કે મોહિનીના કોઈ દોસ્તો નથી. તે પોતાના કામમાં જ ગળાડૂબ રહે છે. અને તેના સગાંવહાલાં વિશે પણ તેની પાસે તમામ માહિતી હતી. તેના કોઈ પોલીસ અધિકારી સાથે કોઈ રીતે સંબંધ નહોતા. એમ છતા ચેન્નાઈ પોલીસના ઈન્સ્પેક્ટરે મોહિનીના ઘરે કોલ કર્યો એનો અર્થ એ હતો કે ચેન્નાઈ પોલીસ સુધી મોહિની ગાયબ છે એવી વાત પહોંચી ચૂકી હતી. અને બીજી બાજુ મોહિનીના પિતાએ મોહિનીના સહાયકોને કહી હતી એથી જુદી વાત કરીને ચાલાકીપૂર્વક પોલીસને એ સંદેશો પણ પહોંચાડી દીધો હતો કે મોહિની સલામત નથી!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Dhaval Patel

Dhaval Patel 8 માસ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 3 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Tejal

Tejal 2 વર્ષ પહેલા