Pincode -101 Chepter 64 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 64

પિન કોડ - 101

પ્રકરણ-64

આશુ પટેલ

મુંબઈના પોલીસ કમિશનર ઈલ્યાસ શેખ અને બીજા ઉચ્ચ અધિકારીઓ ડેપ્યુટી કમિશનર (એન્ટિ નાર્કોટિક્સ સેલ)ની ઓફિસમાં બેસીને શહેરના જુદા જુદા વિસ્તારોના પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ડેમેજ કંટ્રોલ એક્સરસાઈઝ કરી રહ્યા હતા. આમ તો એ બધા પ્રયાસો આભ ફાટ્યું હોય ત્યાં થીગડું મારવા જેવા હતા, પણ ડઝનબંધ સ્થળોએ આતંકવાદી હુમલાઓને કારણે મુંબઈમાં જે અંધાધૂંધી વ્યાપી હતી એમાં ક્યાકથી તો શરૂઆત કરવી જ પડે એમ હતી. હજારો લોકો માર્યા ગયા હતા અને એનાથી અનેકગણા માણસો જખ્મી થઈને રસ્તાઓ પર કે અન્ય સ્થળોએ પડ્યા હોવાની માહિતી મળી રહી હતી. તેમના સુધી એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડનાં વાહનો પહોંચી શકે એવી હાલત નહોતી. કારણ કે મુંબઈના કેટલાય ફ્લાયઓવર્સ ધ્વસ્ત થઈ ગયા હતા એટલે આખા શહેરમાં બે લાખ જેટલાં વાહનો જ્યા હતા ત્યા જ ફસાઈ પડ્યાં હતાં. આ પરિસ્થિતિમા સૌ પ્રથમ તો ટ્રાફિક ક્લિયર કરવાનો પડકાર મુંબઈ પોલીસ સામે ઊભો હતો.
કમિશનર ઇલ્યાસ શેખ યુદ્ધ મેદાનમાં પરાસ્ત થયેલી સેનાના સેનાપતિની જેમ પોતાના સાથીઓની નૈતિક હિમ્મત ટકાવી રાખવાની કોશિશની સાથે મુંબઈને થાળે પાડવા માટે મથી રહ્યા હતા એ વખતે એડિશનલ કમિશનર (ક્રાઈમ) રાકેશ મિશ્રાના મોબાઈલ પર કોઈનો કોલ આવ્યો. એ કોલ પૂરો કરીને તેમણે કમિશનર શેખ અને જોઈન્ટ કમિશનર (ક્રાઈમ) અજય ત્યાગીને ઉદ્દેશીને કશુંક કહ્યું. એ સાંભળીને જોઈન્ટ કમિશનર ત્યાગીએ પોતાના હાથમાંથી મોબાઈલ ફોનનો સામેની દીવાલ પર ઘા કર્યો. મોબાઈલના ટુકડેટુકડા થઈ ગયા. ત્યાગીએ ડેપ્યુટી કમિશનર (એન્ટિ નાર્કોટિક્સ સેલ)ના ટેબલ પર પડેલી વસ્તુઓ પણ ઝનૂનપૂર્વક ફેંકવા માંડી. બે-ત્રણ અધિકારીઓએ તેમને પકડીને શાંત કર્યા અને એક ખુરશી પર બેસાડ્યા.
બીજી બાજુ કમિશનર શેખ થોડી સેક્ધડો માટે શૂન્યમનસ્ક બનીને એડિશનલ કમિશનર (ક્રાઈમ) રાકેશ મિશ્રા સામે જોતા જ રહી ગયા. તેમની આંખોમાંથી આંસુ ઉભરાયા અને ગાલ પર સરી પડ્યા. જો કે વળતી પળે પોતાના ડાબા હાથની હથેળી વડે ગાલ પર રેલાયેલા આંસુ લૂછીને તેઓ કામે વળગી ગયા.
* * *
મુંબઇ પર થયેલા અકલ્પ્ય આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા માણસોની સંખ્યા દસ હજારથી વધુ હોવાની શંકા સેવાઈ રહી છે. મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી ખતરનાક આતંકવાદી સંગઠન આઇએસએ લીધી છે અને આઇએસના આંતરરાષ્ટ્રીય વડા અલતાફ હુસેને કહ્યું છે કે ભારત આવા વધુ હુમલાઓ માટે તૈયાર રહે. મુંબઇમાં આરડીએક્સ કરાચીથી લઇ અવાયું હોવાની માહિતી મળી રહી છે અને એ માટે કુખ્યાત અંડરવર્લ્ડ ડોન ઇકબાલ કાણિયાના નેટવર્કનો ઉપયોગ થયો હોવાની પણ માહિતી મળી રહી છે. મુંબઈ પોલીસના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે મુંબઇમાં આરડીએક્સ ઊતર્યું હોવાની માહિતી કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને હતી. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો મુંબઈ પોલીસને આ માહિતી અપાઈ હતી. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોએ ગુજરાત પોલીસને પણ આ માહિતી આપી હતી. ગુજરાતની કાર્યદક્ષ પોલીસે ગુજરાતના જુદાજુદા વિસ્તારોમાં દરોડા પાડીને આરડીએક્સ જપ્ત કરી લીધું હતું અને ગુજરાતનાં શહેરોને આતંકવાદી હુમલાઓથી બચાવી લીધા હતા. મુંબઈમાં છુપાવાયેલા આરડીએક્સ સુધી પહોંચવામાં મુંબઈ પોલીસ નિષ્ફળ રહી હતી અથવા તો નિષ્ક્રિય રહી હતી. અમને મળેલી માહિતી પ્રમાણે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓએ તો એ આરડીએક્સ મુંબઇના દરિયા કિનારા પરથી સહીસલામત રીતે ચોક્કસ જગ્યાએ પહોંચાડવામાં મદદ કરી હતી. એક પોલીસ અધિકારીએ આરડીએક્સ અને બીજા વિસ્ફોટક પદાર્થો ભરેલા ટ્રકને પોતાના સત્તાવાર વાહન સાથે એસ્કોર્ટ કરીને નિશ્ર્ચિત જગ્યાએ પહોંચાડી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જેના નેટવર્કનો ઉપયોગ કરીને કરાચીથી દરિયાઈ માર્ગે આરડીએકસ મુંબઈ પહોંચાડાયું હતું એ ડોન ઇકબાલ કાણિયા મુંબઈના આતંકવાદી હુમલાઓ પહેલા જ પાકિસ્તાન નાસી છૂટ્યો હોવાની માહિતી મળી રહી છે...’ એક ટીવી ચેનલ પર ન્યૂઝ પ્રસારિત થઈ રહ્યા હતા.
મુંબઈના વરસોવા વિસ્તારના પેલા મકાનમાં મખમલી સોફા પર બેઠાબેઠા એ ન્યૂઝ જોઈ રહેલો ડોન ઇકબાલ કાણિયા મલકી પડ્યો!
* * *
નતાશા કેટલીય વાર સુધી હતપ્રભ બનીને પોતાના ચહેરામાં કરાયેલા ફેરફાર જોતી અરીસા સામે ઊભી રહી. એ પછી તે ફરી એક વાર પોતાના ચહેરા પર પાણીની છાલકો મારવા માંડી. માણસો નિ:સહાય સ્થિતિમાં મુકાય ત્યારે તે નિરર્થક પ્રવૃત્તિઓ કરી બેસતા હોય છે જેનાથી તેમના મનને સારું લાગે કે તેઓ આ સ્થિતિમાં પણ કંઇક કરી શકે છે. એ સ્થિતિ જો કે મૃગજળ પામવા જેવી હોય છે. અત્યારે નતાશા બીજું કશું જ કરી શકે એમ નહોતી. તેના હાથમાં એટલું જ હતું કે તે વોશ બેસિનનો નળ ખોલીને એમાંથી વહેતા પાણીનો પોતાની રીતે ઉપયોગ કરી શકે અને પેલા નેપકીનથી ચહેરો લૂછી શકે! નતાશા થોડી વાર સુધી પોતાના ચહેરા પર પાણીની છાલકો મારતી રહી. હવે તેની આંખોમાંથી આંસુ વહેતા બંધ થઇ ગયા હતા. તેણે ફરી વાર નેપકીનથી પોતાનો ચહેરો લૂછ્યો અને પછી તે પોતાના ચહેરા પર થયેલા, કરાયેલા ફેરફાર જોતી અરીસા સામે ઊભી રહી.
તેને લાગ્યું કે તે પોતાના ચહેરામાં થયેલા ફેરફાર જોતી રહેશે તો પાગલ થઇ જશે. એટલે તે બાથરૂમમાંથી બહાર આવી અને રૂમમાં પડેલા પલંગ પર જઇને બેઠી. અચાનક તેના મનમાં વિચાર ઝબકી ગયો કે તેના કપડાં બદલાવીને આ કપડાં પહેરાવતી વખતે તેને કોઇએ નગ્ન અવસ્થામાં જોઇ હશે એટલે તેની અનેકવિધ લાગણીઓની તીવ્રતામાં સ્ત્રીસહજ શરમ અને ક્ષોભની લાગણી પણ ઊભરાઇ ગઇ. તેને સમજાયું કે તેને કોઇએ નવડાવી પણ છે! નતાશા ક્યાંય સુધી દિગ્મૂઢ બનીને બેસી રહી. તેને અંદાજ નહોતો આવી રહ્યો કે પોતે કેટલા સમયથી આ રૂમમાં પુરાયેલી છે. એ જ રીતે તે હોશમાં આવી ગઈ પછી કેટલો સમય વિતી ગયો છે એનો અંદાજ પણ તેને નહોતો આવતો. તે વચ્ચે ત્રણ-ચાર વાર એ રૂમનો દરવાજો ખોલવાની નિરર્થક કોશિશ કરી ચૂકી હતી. તે વિચારો કરીને થાકી એટલે ફરી વાર દરવાજા પાસે ગઇ અને તેણે વધુ એક વાર દરવાજો ખોલવાનો પ્રયાસ ર્ક્યો, જાણે સતત પ્રયાસ કરતા રહેવાથી એ દરવાજો ખૂલી જવાનો હોય! નતાશાને ખબર હતી કે દરવાજો ખોલવાનો પ્રયાસ નિરર્થક જ સાબિત થવાનો છે છતાં તે વધુ એક વાર દરવાજા પાસે ગઇ અને તેણે દરવાજાનો નોબ ઘુમાવ્યો. એ જ વખતે બહારથી સ્ટોપર ખૂલવાનો અવાજ આવ્યો. નતાશા ડરી ગઇ અને પાછી પલંગ પર જઇને બેસી ગઇ.
કોઇએ બહારથી ચાવી નાખીને દરવાજો ખોલ્યો. અને બે જણા રૂમમાં પ્રવેશ્યા. તેમણે નતાશાને પલંગ પર બેઠેલી જોઇ. એમાંના એક યુવાને દરવાજા પાસે ડાબી બાજુએ ફીટ કરાયેલા સ્વિચ બોર્ડમાંથી એક સ્વિચ ઓન કરી એટલે રૂમમાં ટ્યુબલાઇટનો પ્રકાશ રેલાયો. તે યુવાને નતાશાને પલંગ પર બેઠેલી જોઇને બીજા યુવાનને કહ્યું: ભાઇજાન કો બોલ કી લડકી હોંશ મેં આ ગઇ હૈ.’
એ સૂચના સાંભળીને બીજો યુવાન ઉતાવળે રૂમની બહાર ગયો. પેલો યુવાન નતાશાને ધ્યાનથી જોતો ઊભો રહ્યો. સહેમી ગયેલી નતાશાનો ડર તેની નજરથી વધુ બેવડાઈ ગયો અને તે અસહ્ય અસ્વસ્થતા પણ અનુભવવા લાગી. તે યુવાન નતાશાને એ રીતે જોઇ રહ્યો હતો કે જાણે કોઇ બાળક પ્રાણી સંગ્રહાલયના પાંજરામાં પુરાયેલા કોઇ પ્રાણીને કુતૂહલતાથી જોઇ રહ્યું હોય! નતાશાએ નજરો નીચે ઢાળી દીધી. તેની એ ચેષ્ટા શાહમૃગ શમી હતી. શાહમૃગ પોતાનું માથું રેતીમાં ખૂંપાવીને એવું માની લે કે કોઇ તેને જોઇ રહ્યું નથી એમ નતાશાએ એ રીતે નજર નીચે ઢાળી દીધી કે જાણે એવું કરવાથી પેલો માણસ તેને જોઇ શકવાનો ના હોય!
બહાર ગયેલો બીજો યુવાન થોડીવારમાં કોઇ હીરો જેવી પર્સનાલિટી ધરાવતા અન્ય એક યુવાન સાથે પાછો આવ્યો. તેમની પાછળ બીજી બે વ્યક્તિ પણ પ્રવેશી. એમાંની એક વ્યક્તિને જોઇને નતાશાનાં ગાત્રો શિથિલ થઇ ગયા. તેને પોતાની આંખો પર વિશ્ર્વાસ ના બેઠો કે પોતે જે જોઇ રહી છે એ વાસ્તવિકતા છે!
(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED