Pincode -101 Chepter 4 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 4

પિન કોડ - 101

પ્રકરણ-4

આશુ પટેલ

‘બાસ્ટર્ડ.’ નતાશાના મોમાથી શબ્દ સરી પડ્યો. તેનું દિમાગ હજી શાંત પડ્યું નહોતું.
રવિવારની સાંજે તે એકલી મુંબઇના ક્રાઉડેડ જુહુ બીચ પર ચાલી રહી હતી. જે. ડબ્લ્યુ. મેરિયટમાંથી ગુસ્સા અને ઉદ્વેગની લાગણી સાથે સડસડાટ બહાર નીકળી ગયેલી નતાશા વિચારોમાં ને વિચારોમાં જૂહુ બીચ પર પહોંચી ગઇ હતી. રહી રહીને તેને ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર અશોક રાજની યાદ આવી જતી હતી. અને દરેક વખતે તેના મોંમાંથી તેના માટે ગાળ નીકળી જતી હતી.
પોણા છ ફૂટની ઊંચાઇ, આકર્ષક ચહેરો, રમતિયાળ બ્લ્યુ આંખો, ઉન્નત સ્તનો, પાતળી કમર, સપ્રમાણ નિતંબ તથા અત્યંત આકર્ષક અને રૂપાળા તથા નમણા ચહેરાને કારણે પોતે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળ હિરોઇન બની શકશે એ વાતમાં નતાશાને કોઇ શંકા નહોતી. પણ આજની ઘટનાએ તેના આત્મવિશ્ર્વાસને હચમચાવી નાખ્યો હતો.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આટલો પ્રતિષ્ઠિત પ્રોડ્યુર-ડાયરેક્ટર આવી ભાષામાં વાત કરી શકે એવી નતાશાને કલ્પના પણ નહોતી.
નતાશાને એમ હતું કે આજના આ આધુનિક જમાનામાં કાસ્ટિંગ કાઉચનું અસ્તિત્વ જ ન હોઇ શકે. કોઇ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર, હીરો કે હિરોઇન બનવા ઇચ્છતા યુવાન કે યુવતીને નફ્ફટાઇપૂર્વક પોતાની સાથે બેડ પર આવવાનું કહી શકે એ તેની કલ્પના બહારની વાત હતી. તેને એવું લાગતું હતું કે આજના ઇલેક્ટ્રોનિક મીડિયાના જમાનામાં આવી જુર્રત કરનારા માણસનું આવી જ બને. નતાશાને એવો ભ્રમ હતો કે હિરોઇન બનવા માટે માત્ર અભિનયશક્તિ અને આત્મવિશ્ર્વાસ જ જરૂરી છે. અને એમાંય જો હિરોઇન બનવા ઇચ્છતી છોકરી રૂપાળી અને આકર્ષક હોય તો તેના માટે રસ્તો વધુ આસાન બની જાય. તેણે ઘણી વાર વાંચ્યું હતું કે રૂપેરી પડદે ચમકતી ઘણી હિરોઇન્સએ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ફિલ્મ પ્રોડ્યુસર, ડાયરેક્ટર કે પછી હીરોના બેડરૂમથી થઇને પસાર કરવો પડે છે. પણ નતાશાને આ બધી વાતો વાંચીને કે સાંભળીને હસવું આવતું હતું. પહેલાના વખતમાં કદાચ એવું હશે, કાસ્ટિંગ કાઉચના કિસ્સાઓ બનતા પણ હશે, અને તે વખતે હિરોઇન બનવા થનગની રહેલી યુવતીઓ કદાચ હોંશે હોંશે પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર્સ કે પછી હીરો બેધડક કોઇ છોકરીને કહે કે, તું મારા બેડરૂમમાં મને ખુશ કરે તો તને મારી ફિલ્મની હિરોઇન બનાવીશ.’ પણ આજના વખતમાં એવી વાત કોઇ કહે કે વાંચવા મળે તો એ નતાશાને ગળે ઊતરતી નહોતી. તેને લાગતું હતું કે સ્ટિંગ ઓપરેશનના જમાનામાં કોઈ આવી હિમ્મત કરે જ નહીં અને કોઇ છોકરીને કોઇ લંપટ આવી ઓફર કરવાની હિંમત પણ કરે તો એ છોકરી તેને લાફો જ ઝીંકી દે.
પણ આજે નતાશાની એ માન્યતા ભાંગીને ભૂક્કો થઇ ગઇ હતી કે કોઇ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર, હીરો કે હિરોઇન બનવા ઇચ્છતા યુવાન કે યુવતીને નફ્ફટાઇપૂર્વક પોતાની સાથે બેડ પર આવવાનું કહે જ નહીં.
* * *
જૂહુના દરિયાકિનારે ચાલતા-ચાલતા થાક્યા પછી નતાશા એક જગ્યાએ ઊભી રહી તે અરેબિયન સમુદ્રની લહેરોને જોતી રહી. તેની આંખો કિનારે આવતા અને પાછા વળતા મોજાં પર હતી પણ તેના માનસપટ પર પેલા ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર અશોક રાજ સાથેની મુલાકાતનું દૃશ્ય રહી રહીને ઉપસી આવતું હતું. અને એ સાથે રહી-રહીને તેના મનમાં આક્રોશની લાગણી ઊભરી આવતી હતી. તે પોતાના આક્રોશને, ઉદ્વેગને અને પોતાની હતાશાને કાબૂમાં લેવા મથી રહી હતી.
આવેગ થોડો શાંત થયો ત્યારે નતાશાને થયું કે અશોક રાજ જેવા પહોંચેલા અને સફળ ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટરને તમાચો મારી દીધા પછી હવે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવું પોતાના માટે લોઢાનાં ચણા ચાવવા જેટલું અઘરૂં બની રહેશે. એટલે તેની ગુસ્સાની, ઉદ્વેગની, હતાશાની મિશ્ર લાગણીઓમાં ચિંતાની લાગણીનો પણ ઉમેરો થયો.
નતાશા આ ક્ષણે હતાશા, એકલતા અને અસહાયતા અનુભવી રહી હતી. અચાનક તેને તેના પિતાના શબ્દો યાદ આવી ગયા: ‘આસમાનમાં ઊડવાના સપના જોનારાઓએ યાદ રાખવું જોઇએ કે તેમના પર જમીન પર પટકાઇ પડવાનું જોખમ સદા ઝળુંબતું જ રહે છે. વાસ્તવિકતાની ધરા પર મજબૂત રીતે પગ ટેકવીને જીવનારા માણસોને આવા જોખમ હેઠળ જીવવું નથી પડતું. તેમને ક્યારેક ઠેસ વાગે તો પણ તેઓ તરત ઊભા થઇ જઇ શકે છે. પણ આસમાનમાં ઊડનારા નીચે પટકાય ત્યારે તેમનું અસ્તિત્વ જ ભૂંસાઇ જતું હોય છે.’
નતાશાએ હિરોઇન બનવાની જીદ પકડી એ મુદ્દે તેના પિતા સાથે ઝઘડો થયો ત્યારે તેમણે નતાશાને આ શબ્દો સંભળાવ્યા હતા.
પપ્પાના હતાશાપ્રેરક શબ્દો યાદ આવ્યા એટલે નતાશા વધુ ઢીલી થઇ ગઇ. અત્યારે તેને કોઇની સાથે વાત કરવી હતી, મોકળા મને રડીને હૈયું હળવું કરવું હતું. પણ મુંબઇમાં તે કોઇની પાસે જઇને હૈયું ઠાલવી શકે એવી કોઇ વ્યક્તિ તેની પાસે નહોતી.
થોડી ક્ષણ માટે તો તેને થયું કે તે મમ્મી-પપ્પાને કોલ કરીને તેમની માફી માગી લે અને પછી ઘર ભેગી થઇ જાય. મમ્મી-પપ્પા પણ તેના દુશ્મન તો નહોતા જ. અહીં તો કોના પર ભરોસો મૂકવો તે જ તે નક્કી કરી શકતી નહોતી. મુંબઇ આવ્યા પછી શરૂઆતમાં તેના થોડા દોસ્ત બન્યા હતા. પણ પછી ધીમે ધીમે એ દોસ્તો પણ દૂર થતા ગયા.
નતાશાને થયું કે તે ઘરે જઇને મકાનમાલકણ અરોરા આન્ટી સાથે બધી વાત કરીને મન હળવું કરે. પણ તેને તરત જ યાદ આવ્યું કે આજે પોતે મોટે ઉપાડે અરોરા આન્ટીને કહ્યું હતું કે, સમજો ને મને લોટરી લાગી ગઇ છે.’ હવે એ કેટલાય મહિનાના બાકી પૈસાનો હિસાબ કાઢીને તૈયાર જ બેઠી હશે. મારું કંઇ થાળે નથી પડ્યું એ ખબર પડશે એટલે તરત જ એ કહેશે કે તું હવે તારી બીજી વ્યવસ્થા કરી લે. હું પણ માંડ માંડ મારું પૂરું કરું છું ત્યાં તને ક્યાં સુધી સાચવું?
નતાશા વધુ મૂંઝાઇ ગઇ. તેને લાગ્યું કે તે ક્યાંક આત્મહત્યા ન કરી નાખે! તેને જાહેરમાં જ જોરજોરથી રડવાની, રડતા-રડતા પગ પછાડવાની અને રેતી પર આળોટવાની ઇચ્છા થઇ આવી. એટલીસ્ટ બે-પાંચ જણા આવીને પૂછે તો ખરા કે શું થયું છે? થોડી વાર માટે તો એવો અહેસાસ થઇ શકે કે કોઇ તેને પૂછનારું છે. પણ તેણે પોતાની જાત પર મહામહેનતે કાબૂ મેળવ્યો.
વિચારો અને લાગણીઓના દ્વંદ્વયુદ્ધમાં અટવાયેલી નતાશાના ખભા ઉપર અચાનક કોઇ મજબૂત હાથ મુકાયો. નતાશાને એટલું જ સમજાયું કે કોઇ પુરૂષનો હાથ ખભા પર મુકાયો છે. માર્શલ આર્ટની ચેમ્પિયન અને તાઇક્વોન્ડોમાં સેવન્થ બેલ્ટની ડીગ્રી ધરાવતી નતાશા બીજું કંઇ વિચાર્યા વિના પાછળ ફરી અને તે પુરૂષના બે પગ વચ્ચે તેણે પોતાના જમણા પગનો ઘૂંટણ પૂરી તાકાતથી ઝીંકી દીધો. પેલા લંપટ અશોક રાજ પરની દાઝ પણ તેણે જાણે તે પુરૂષ પર ઊતારી નાંખી.
લડકી કો છેડતા હૈ સાલે!’ એવી બૂમ પાડીને એક યુવાન નતાશાની વહારે ધસી આવ્યો.
આજુ-બાજુથી સ્ત્રીદાક્ષિણ્ય ધરાવતા કેટલાક મુંબઇગરાઓ પણ તે પરોપકારી યુવાનની બૂમ સાંભળીને દોડી આવ્યા. તેમણે નતાશાના ખભા પર હાથ મૂકનારા પુરૂષની ધુલાઇ શરૂ કરી દીધી. નતાશાના ખભા પર હાથ મૂકનારો પુરૂષ રેતીમાં ફસડાઇ પડ્યો અને બે-ચાર હટ્ટાકટ્ટા યુવાનો તેને કચકચાવીને લાતો મારવા માંડ્યા.
અચાનક નતાશાનું ધ્યાન પેલા માર ખાઇ રહેલા પુરૂષના ચહેરા તરફ ગયું અને બીજી સેક્ધડે તેણે ગળું ફાટી જાય એવા અવાજે બૂમ પાડી, ઓહ નો!’
(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED