Pincode -101 Chepter 10 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 10

પિન કોડ - 101

પ્રકરણ-10

આશુ પટેલ

‘એક્સક્યુઝ મી.’ પેલો અજાણ્યો માણસ નતાશાને ઉદ્દેશીને કહી રહ્યો હતો.
નતાશાને થોડી વાર પહેલાં જ સાહિલે કહેલી વાત યાદ આવી ગઇ. સાહિલને તે માણસ પર શંકા ગઈ હતી, પણ નતાશાએ તેની એ વાત હસી કાઢી હતી.
આ માણસે ચોક્કસ સાહિલ સાથેની તેની બધી વાતો સાંભળી હતી એ વાતની નતાશાને ખાતરી થઇ ગઇ. તે સાવચેત થઇ ગઇ, પણ તે અંદરથી સહેમી પણ ગઇ હતી.
‘યસ!’ તેણે પોતાનો ડર છુપાવવા માટે ચહેરા પર સ્વસ્થતાનુ મહોરું પહેરી લઇને પેલા માણસને પૂછ્યું. તેને સમજાતું નહોતું કે તે માણસ સાથે કેવી રીતે અને શું વાત કરવી.
‘તમને કામની, પૈસાની તાતી જરૂર છે, રાઇટ?’ તે માણસે કોઇ પૂર્વભૂમિકા બાંધ્યા વિના સીધું જ પૂછી લીધું. તે પ્રભાવશાળી અંગ્રેજી ભાષામાં વાત કરી રહ્યો હતો. ભરાવદાર ગાલવાળા ગોરા ચહેરા પર રિમલેસ ચશ્માં પહેરેલો, સૂટ્મા સજ્જ, મિડિયમ બિલ્ટ બોડી અને સપ્રમાણ હાઇટવાળો તે માણસ તેના દેખાવ પરથી કોઇ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ જેવો લાગતો હતો..
રસ્તા પર કોઇ અજાણ્યો માણસ આ રીતે પોતાને અટકાવીને ધડ દઇને આવો સવાલ કરે એ નતાશાને ખૂંચ્યું. પણ તેનું દિમાગ એ સમજવાની કોશિશ કરી રહ્યું હતું કે આ માણસ પોતાની પાછળ કેમ ફરી રહ્યો છે? તેને વિચાર આવી ગયો કે કદાચ પોતે જેને લાફો ઝીંકી દીધો હતો એ ફિલ્મ પ્રોડ્યુસર-ડિરેક્ટરે તો આ માણસને પોતાની પાછળ નહીં લગાવી દીધો હોય ને? પણ તેના મનમાં એ વિચાર ઝબક્યો એથી વધુ ઝડપથી તેણે એ વિચાર ફગાવી દીધો.
નતાશા આગળ કંઇ વિચારી શકે એ પહેલા પેલા માણસે તેને કહ્યું: ‘બીજુ કંઇ વિચારવાની તકલીફ ના લેતા. રામકૃષ્ણ રેસ્ટોરાંમાં તમારી અને તમારા ફ્રેન્ડની વાત મારા કાને પડી હતી. એના પરથી હું એટલું સમજ્યો કે તમને પૈસાની, આઈ મીન, કામની જરૂર છે. હું તમને સારી ઓફર આપી શકું એમ છું...’
‘કોણ છો તમે? અને આ રીતે મને રસ્તાની વચ્ચે રોકીને તમે મને કામની ઓફર શા માટે કરો છો?’ નતાશાએ પૂછ્યું. તે હવે ધીમે ધીમે સ્વસ્થ થઇ રહી હતી. તેનો ડર હવે ઘટી રહ્યો હતો. તેણે વિચાર્યું કે વિલેપાર્લે સ્ટેશનની બહાર લોકોની અવરજવર વચ્ચે આ માણસ તેને કોઇ નુકસાન તો નહીં જ પહોંચાડી શકે. નતાશામાં મુંબઇમાં સંઘર્ષ કરતા-કરતા પોતાની સલામતી જાળવવાની સૂઝ અને સમજ તો આવી ગઇ હતી પણ આ પહેલા તે ક્યારેય આવી સ્થિતિમાં મુકાઇ નહોતી. તેને અચાનક યાદ આવ્યું કે તેના સાઇકિયાટ્રીસ્ટ મામાએ એક વાર તેને સલાહ આપી હતી કે કોઇ અજાણ્યો માણસ અણગમાપ્રેરક નજરે સામે જુએ તો તેની સામે આંખનો પલકારો પણ માર્યા વિના થોડી વાર સતત તાકી રહેવું એટલે તે પોતાની નજર ફેરવી લેશે અને અસ્વસ્થ થઇ જશે. નતાશાએ એ સલાહ અમલમાં મૂકી. અને એની ખરેખર અસર થઇ.
પેલા માણસે નતાશાની અણિયાળી નજરથી બચવા એક સેક્ધડ માટે આઇ કોન્ટેક્ટ તોડી નાખ્યો. પણ આ રીતે રસ્તા વચ્ચે કોઇ અજાણી છોકરીને ઊભી રાખીને તેની સાથે વાત કરનારો માણસ પણ સ્વાભાવિક રીતે આત્મવિશ્ર્વાસ વિનાનો તો ના જ હોય. તેણે ફરી નતાશા સામે જોયું. જોકે તેણે નતાશાની અણિયાળી નજરની અપેક્ષા નહોતી રાખી એટલે તેણે થોડી સેક્ધડો પહેલા પોતે કહેલા શબ્દોનો સહારો લેવો પડ્યો: ‘થોડીવાર પહેલાં રેસ્ટોરાંમાં તમારી તમારા ફ્રેન્ડ સાથેની વાત મેં સાંભળી એટલે થયું કે...’
નતાશાએ તેની વાત વચ્ચેથી જ કાપી નાખી: ‘સો વેાટ, હું કોઇ કામ શોધતી હોઉં એનો અર્થ એ નથી કે હું આ રીતે કોઇ પણ ઓફર સ્વીકારવા માટે તૈયાર થઇ જાઉં. અને હું તો તમને ઓળખતી પણ નથી!’ નતાશા તેની સામે ફરી વાર ધારદાર નજર માંડીને વાત કરી રહી હતી. હવે તેણે સ્વસ્થતા મેળવી લીધી હતી.
‘યસ, તમે મને ઓળખતા નથી, પણ હું એટલું કહીશ કે તમારે એટ લીસ્ટ મારી ઓફર વિશે જાણી લેવું જોઇએ. આઇ કેન ઓફર યુ સમ ગુડ અપોરચ્યુનિટી. તમારી ધારણા કરતા સારું કામ અને સારા પૈસાની હું ઓફર કરી શકું એમ છું.’ પેલા માણસે કહ્યું. એ પણ ફરી ઠંડકથી વાત કરી રહ્યો હતો.
‘પણ હું જ શું કામ? મને જ શા માટે ઓફર કરવા માગો છો તમે? અને એ પણ આવી રીતે મને રસ્તા વચ્ચે ઊભી રાખીને!’ નતાશાએ અકળાયેલા અવાજે કહ્યું.
ડોન્ટ ગેટ મી રોંગ, પ્લીઝ. ‘મેં તમને પહેલા જ કહ્યું કે બીજું કંઇ ના વિચારતા. જસ્ટ મેં તમારી વાત સાંભળી અને મને લાગ્યું કે તમે કોઇ સારા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવો છો અને કોઇ કારણથી કપરાં દિવસો કાઢી રહ્યા છો તો મેં તમને ઓફર કરી. બસ એટલું જ...’
નતાશાએ તેને રિસ્પોન્સ ના આપ્યો એટલે છેવટે પેલા માણસે વાત પૂરી કરવી પડી. છતાં છેલ્લે તેણે કહ્યું, ઓકે. ‘તમે મને ખોટો માણસ સમજી રહ્યા છો. મારા દેખાવ પરથી તમને અંદાજ નથી આવતો? એની વે, હું તમને મારું વિઝિટિંગ કાર્ડ આપી રાખું છું. આ મારું વિઝિટિંગ કાર્ડ છે તમને રસ હોય તો સાંજના છ વાગ્યે મારી ઓફિસમાં આવજો. એ પછી પણ તમે મને ગમે ત્યારે કોલ કરી શકો છો. આ કાર્ડમાં મારો સેલ નમ્બર છે.’
તેનાથી છૂટકારો મેળવવા નતાશાએ તેની પાસેથી તેનુ વિઝિટિંગ કાર્ડ લઇ લીધું. તે માણસ ‘થેન્કસ’ કહીને ચાલતો થઇ ગયો.
નતાશા વિચારમાં પડી ગઇ. કોઇ માણસ કામની ઓફર કરે તો જેને કામની ઓફર થઇ હોય તેણે ‘થેન્કસ’ કહેવું જોઇએ. એને બદલે અહીં તો કામની ઓફર કરનારો માણસ સામેથી ‘થેન્કસ’ કહી ગયો હતો!
પોતાનું કાર્ડ નતાશાના હાથમાં થમાવી ગયેલા એ માણસને નતાશા અવઢવ સાથે જોઇ રહી. તેને સમજાતું નહોતું કે કોઇ તદ્દન અજાણ્યો માણસ આ રીતે અચાનક શા માટે તેને આમ ઓફર કરે? અને એ પણ રસ્તા વચ્ચે! તે કહેતો હતો એમ તેણે ખરેખર રેસ્ટોરાંમાં તેની અને સાહિલની વાત સાંભળી હશે એટલે મદદ કરવાની ભાવનાથી જ ઓફર કરી હશે? પણ આજના સમયમાં, અને એ પણ મુંબઇ જેવા શહેરમાં, કોઇ માણસ ઓળખાણ વિના આ રીતે સામે ચાલીને કોઇને મદદ કરવા દોડે એ માની લેવું તેને વધુ પડતું લાગ્યું. વળી તેના મનમાં વિચાર ઝબક્યો કે, તે માણસ પણ પેલા પ્રોડ્યુસર-ડાયરેક્ટર જેવો જ લંપટ પુરૂષ તો નહીં હોય ને? પણ વળી તેને થયું કે દેખાવ પરથી તો તે માણસ સારો લાગતો હતો. તેને યાદ આવ્યું કે એમ તો પ્રોડ્યુસર-ડિરેક્ટર અશોક રાજ પણ દેખાવ પરથી તો શરીફ જ લાગતો હતો ને! એ હલકટની યાદ આવી એ સાથે તેના મનમાં ગુસ્સાની લાગણી ઊભરાઇ આવી.
નતાશાને પોતાની જાત પર પણ ગુસ્સો આવ્યો કે પોતે કોઇ અજાણ્યા, સાહિલને ભેદી લાગેલા, માણસ સાથે વાત જ કેમ કરી? તે ગુસ્સામાં પેલા માણસનું વિઝિટિંગ કાર્ડ ફાડી નાખવા જતી હતી, પણ એટલામાં તેને વિચાર આવ્યો કે એક વાર સાહિલ સાથે આ માણસ વિશે વાત કરી લેવી જોઇએ અને સાહિલને શંકા હતી એમ આ માણસ ખરેખર શંકાસ્પદ હોય તો તેના વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરવા માટે પણ આ વિઝિટિંગ કાર્ડ સાચવી રાખવું જોઇએ. તેણે કાર્ડ ફાડી નાખવાનું માંડી વાળ્યું. તેણે વિઝિટિંગ કાર્ડ પર છપાયેલાં નામ અને એડ્રેસ પર નજર નાખી. એ માણસનું નામ વાંચ્યું એ સાથે વળી તેના મનમાં નવી શંકા જાગી. જોકે છેવટે તેણે એ માણસનું વિઝિટિંગ કાર્ડ પર્સમાં મૂકી દીધું અને પૃથ્વી થિયેટર જવા માટે રિક્ષા પકડી.
એ વખતે નતાશાને કલ્પના પણ નહોતી કે સાંજે છ વાગ્યે તે એ માણસને મળવા પણ જવાની હતી અને તેની ઓફર પણ સ્વીકારી લેવાની હતી!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED