પિન કોડ - 101 - 66 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 66

પિન કોડ - 101

પ્રકરણ-66

આશુ પટેલ

પેલા બંને ગુંડાઓની વાતો સાંભળી રહેલા સાહિલને સમજાયું કે આ બદમાશોએ તેને અને નતાશાને મારી નાખવાનું નક્કી કરી લીધું હતું!
પોતે હજી બેહોશીમાં જ છે એવો ડોળ કરીને પલંગ પર પડયા પડ્યા તે ગુંડાઓની વાતો સાંભળી રહેલા સાહિલને પોતાના કરતા પણ વધુ નતાશાની ચિંતા થઇ રહી હતી. નતાશાએ તેની વાત ગંભીરતાથી ના લીધી એ માટે તેને નતાશા પર ગુસ્સો આવ્યો હતો, પણ નતાશાનુ અપહરણ થયું છે એ જાણ્યા પછી તેનો એ ગાયબ થઇ ગયો હતો. અને હવે નતાશા અને તેના પર મોત તોળાઈ રહ્યું છે એ સાંભળ્યા પછી તો તેને એક જ વિચાર આવી રહ્યો હતો કે આ જગ્યામાંથી બચીને અને નતાશાને બચાવીને કેમ બહાર નીકળવું?
સાહિલને યાદ આવી ગયું કે પોતે અહીં આવ્યો એ વખતે શું બન્યું હતું. તેને લઇને એક યુવાન એક સાદા લાગતા મકાનમાં પ્રવેશ્યો એ પછી ભૂલભૂલૈયા જેવી જગ્યાઓમાં થઇને તે પેલા ગુંડા જેવા લાગતા માણસ પાસે પહોંચ્યો હતો. તે માણસનો ચહેરો કંઇક જાણીતો લાગતો હતો.
અચાનક સાહિલના મનમાં ઝબકારો થયો કે તેણે એ માણસનો ફોટો ઘણીવાર અખબારો અને ટીવી ચેનલ્સમાં જોયો હતો. તે માણસ કોણ છે એ યાદ આવ્યું એ સાથે સાહિલને ઝટકો લાગ્યો. તેના શરીરમાંથી વધુ એક વાર ધ્રૂજારી પસાર થઈ ગઈ. તે અને નતાશા ખતરનાક અંડરવર્લ્ડ ડોન ઇકબાલ કાણિયાના અડ્ડામાં ફસાયા હતા!
* * *
‘બ્રેકિંગ ન્યૂઝ’માં અપાઈ રહેલી માહિતી આઈએસનો સુપ્રીમો અલતાફ હુસેન ડઝનબંધ વાર બધી ટીવી ચેનલ પર જોઈ ચૂકયો હતો એટલે તેણે ચેનલ બદલાવી. બીજી ચેનલ પર પ્રસારિત થઈ રહેલા બ્રેકિંગ ન્યૂઝ’ જોઈને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. એ ટીવી ચેનલ પર એ ચેનલનો જાણીતો એંકર માહિતી આપી રહ્યો હતો: ‘મુંબઈ પર આતંકવાદી હુમલાઓના આખા ભારતમા ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. તો બીજી બાજુ કટ્ટર હિન્દુવાદી નેતાઓ તંગદિલી સર્જાય એવાં નિવેદનો આપી રહ્યા છે. વિવાદો સર્જવા માટે કુખ્યાત સંસદસભ્ય સ્વામી યોગાચારીએ ધમકી આપી છે કે તેઓ આ હુમલાઓનો બદલો લેશે.’
બીજી ક્ષણે સ્વામી યોગાચારી ટીવી સ્ક્રીન પર આગઝરતી ભાષામા આક્રોશ ઠાલવતા દેખાયા: મુસ્લિમ પ્રજા આક્રમણખોર છે એ ફરી એક વાર સાબિત થઈ ગયું છે. આ આક્રમણખોરોથી બચવા માટે હવે હિન્દુઓએ હથિયારો ઉઠાવવા જ પડશે. ભારતને ખંડિત કરવા માગતા લોકોને અમે ખતમ કરી નાખીશું. સાતમી સદીમાં ઇરાનના શાહે ભારત પર આક્રમણ ર્ક્યું ત્યારે પહેલીવાર ભારતમાં મુસ્લિમોનું આગમન થયું હતું. અને એ વખતે માત્ર ઈરાનનું સૈન્ય પાછું જતું રહ્યું હતું, પણ સાત મુસ્લિમો ભારતમાં રોકાઇ ગયા હતા. આજે ભારતમા બિનસત્તાવાર રીતે પચ્ચીસ કરોડથી વધુ મુસ્લિમો છે. એ સિવાય પાકિસ્તાનના પચ્ચીસ કરોડ અને બાંગલાદેશના વીસ કરોડ મુસ્લિમોનો સરવાળો કરીએ તો સિત્તેર કરોડ મુસ્લિમો થઈ ગયા છે. વિચારો સાતમાથી સિત્તેર કરોડ! હિન્દુઓએ ટકી રહેવું હશે તો દરેક હિન્દુ સ્ત્રીએ પચ્ચીસ-પચ્ચીસ બાળકો પેદા કરવા પડશે...’
વિશ્ર્વનો સૌથી ખતરનાક આતંકવાદી અલતાફ હુસેન ચહેરા પર મલકાટ સાથે ધ્યાનપૂર્વક એ બ્રેકિંગ ન્યૂઝ’ જોવા લાગ્યો.
પેલા ટીવી એન્કરે સ્વામી યોગાચાર્યને અટકાવીને કહ્યું: જાણીતા ઇતિહાસકાર માલિની નારંગ અને વિખ્યાત લેખક નિરંજન મોહપાત્રા પણ અમારી સાથે છે. પહેલા આપણે માલિની નારંગના વિચારો જાણીએ. માલિનીજી, સ્વામી યોગાચાર્યના નિવેદન વિશે તમારી શું ટિપ્પણી છે? તમે એમની વાત સાથે સહમત છો કે મુસ્લિમો આ દેશમા આક્રમણખોરો તરીકે આવ્યા હતા?’
ઈતિહાસકાર માલિની નારંગ અત્યંત ગંભીર ચહેરે બોલવા લાગ્યા: ભારત પર સદીઓ સુધી મુસ્લિમ બાદશાહોનું શાસન હતું એ વાતના ઇતિહાસમાં પુરાવા છે. અત્યારના શાસકો ઇતિહાસનું ભગવાકરણ કરીને પાઠ્ય પુસ્તકોમાં ખોટી માહિતી આપીને નવી પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે મુસ્લિમો આક્રમણખોરો હતા. દેશમા ભગવો કટ્ટરવાદ ફેલાવીને બિનસાપ્રદાયિકતાને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. મુસ્લિમોને શંકાની નજરે જોવાના અને નિર્દોષ મુસ્લિમ યુવાનોને જેલમાં ધકેલવાના માઠા પરિણામો આપણે આતંકવાદી હુમલાઓરૂપે જોઈ રહ્યા છીએ. જો કે, હું આઇએસના આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું...’
‘મિસ્ટર મોહપાત્રા, તમને માલિનીજીની વાત સાચી લાગે છે કે નિર્દોષ મુસ્લિમ યુવાનોને જેલમાં ધકેલવાને કારણે દેશની સલામતી સામે ખતરો વધી રહ્યો છે?’ ટીવી એન્કરે લેખક નિરંજન મોહપાત્રાને પૂછ્યું.
મોહપાત્રાએ પોતાના ચશ્મા ઠીક કરતા કહ્યું: બેશક. આપણા દેશની સલામતી સામે આજે જે ખતરો ઊભો થયો છે એની પાછળ આતંકવાદી સંગઠનો કરતા આપણા દેશના કટ્ટરવાદી વિચારસરણી ધરાવતા શાસકો વધુ જવાબદાર છે. આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો. મુસ્લિમોને આતંકવાદી ચીતરવાની એક સાજિશ આ કટ્ટરવાદીઓએ રચી છે, પણ અમે તેમના મલિન ઈરાદાઓને સફળ નહીં થવા દઈએ...’
આ દરમિયાન સ્વામી યોગાચાર્ય ઉશ્કેરાઈને વચ્ચે બોલવા માન્ડ્યા: આઇએસના ખોળે બેઠેલા ઇતિહાસકારોને અને બૌદ્ધિકોને હું ચેતવણી આપું છું કે તેમની ભાષા નહીં બદલાય તો તેમણે આ દેશ છોડી દેવો પડશે. આ દેશમાં રહીને ગદ્દારી કરનારા દેશદ્રોહીઓને અમે સાંખી નહીં લઇએ. બહુ થઇ ગયું. હવે અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. આ દેશને વફાદાર રહેવા ના માગતા હોય એવા લોકોનું અહીં કામ નથી. તેઓ પાકિસ્તાન ચાલ્યા જાય, નહીં તો અમે તેમને વીણી વીણીને આ દેશમાંથી તગેડી મૂકીશું. આઇએસ જેવા આતંકવાદી સંગઠનને ટક્કર આપવા માટે અમે એક કરોડ યુવાનોની હિંદુસેના તૈયાર કરીશું...’
માલિની નારંગ બોલી ઊઠ્યા: ‘શાસક પક્ષના આ સંસદસભ્યની આ ભાષા જ બતાવે છે કે શાસક પક્ષ કેટલો કટ્ટરવાદી છે!...’
નિરંજન મોહપાત્રા ઉશ્કેરાઈને બોલવા લાગ્યા: દેશમાં નફરતના બીજ રોપવાનું રાજકારણ રમનારા વડા પ્રધાનને કારણે આજે દેશ આખો ભડકે બળી રહ્યો છે. દેશની સુરક્ષા જાળવવાની જવાબદારી નીભાવવામાં વડા પ્રધાનને સરિયામ નિષ્ફળતા મળી છે. બીજી બાજુ તેમની ગંદી રાજનીતીને કારણે આજે માત્ર લઘુમતી પ્રજા જ નહીં, આખા દેશની પ્રજા અસલામતી મહસૂસ કરી રહી છે. લઘુમતીને થઇ રહેલા સતત અન્યાયને કારણે આજે દેશના લાખો યુવાનો પોતાનો આક્રોશ વ્યક્ત કરવા આઇએસ સાથે જોડાઇ રહ્યા છે...’
માલિની નારંગે ટાપશી પૂરી: ‘વડા પ્રધાનમાં સહેજ પણ શરમ બચી હોય તો તેમણે વડા પ્રધાનપદનો ત્યાગ કરી દેવો જોઈએ. કુટીલ રાજનીતિ કોરાણે મૂકીને બધાને સાથે લઇને દેશને આગળ લઇ જવા માટે કટિબદ્ધ હોય એવો નેતા વડા પ્રધાનપદે આવવો જોઈએ....’
ટીવી એંકરે એ બધાને અટકાવીને કહ્યું: અમારા પત્રકારો તરફથી માહિતી મળી રહી છે કે મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં હિંદુવાદી સંગઠનોના કાર્યકરો દેશના અનેક વિસ્તારોમાં પાકિસ્તાન અને આઇએસના ધ્વજ સળગાવી રહ્યા છે.. હિંદુવાદી સંગઠનોની ઉશ્કેરણીને પગલે લઘુમતી સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઊતરી પડ્યા છે અને તે દુકાનો અને વાહનો સળગાવીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ સાથે સડકો પર ઊતરીને પાકિસ્તાન ઝીન્દાબાદ’, હિન્દુસ્તાન ‘મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. લઘુમતી સંપ્રદાયના એક નેતાએ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે તાકાત હોય તો આ દેશમાંથી માત્ર પંદર મિનિટ માટે પોલીસ અને લશ્કર હટાવી જુઓ અમે બહુમતીને એની ઔકાત યાદ કરાવી દઇશું. અમે બંગડીઓ નથી પહેરી...’ આઈએસના સુપ્રીમો અલતાફ હુસેને સ્મિત ર્ક્યું. તેણે કહ્યું: બધું જ સ્ક્રિપ્ટ પ્રમાણે જઇ રહ્યું છે! બધા એવા જ પ્રતિભાવો આપી રહ્યા છે જેનાથી અંતે તો આપણને જ ફાયદો થઇ રહ્યો છે. પશ્ર્ચિમી દેશોમા આપણે બહુ મહેનત કરીને પણ ધાર્યુ પરિણામ મેળવી શકતા નથી. આપણી તરફેણ કરનારાઓ જેટલી જ મદદ આપણને આ મુલ્કના બેવકૂફ બૌદ્ધિકો અને આપણને પોતાના કટ્ટર દુશ્મન માનતા લોકો પણ કરી રહ્યા છે. ખુદ શિકાર જ શિકારીને મદદ કરે એ મજા માત્ર આ મુલ્કમા જ છે! આ જ રીતે ચાલ્યું તો આ મુલ્ક પર આપણું શાસન હોય એ સમય માટે બહુ રાહ નહીં જોવી પડે!’

(ક્રમશ:)