પિન કોડ - 101 - 8 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 8

પિન કોડ - 101

પ્રકરણ-8

આશુ પટેલ

નતાશાએ એ રાતે ઘણા દિવસે પોતાની અસલામતીની, વ્યથાની અને તકલીફોની વાત કરીને મન હળવું કર્યું. છેવટે ચારેક વાગ્યે તે ફરી તેના ઓરિજિનલ મૂડમાં આવી ગઇ ત્યારે સાહિલે તેને કહ્યું, ‘તું અહીં અંદર ઊંઘી જા, હું બહારના રૂમમાં સૂઇ જઇશ.’
‘વ્હાય? આવડો મોટો પલંગ છે. આરામથી બે જણ ઊંઘી જઇશું.’ નતાશાએ સહજતાથી કહ્યું, પણ સાહિલ થોથવાઇ ગયો.
‘નહીં, નહીં! હું બહાર જ સૂઇ જઇશ, નહીં તો મારો ફ્રેન્ડ હજાર સવાલ કરશે.’
‘અચ્છા તો તું બહાર સૂઇ જઇશ તો તે તને કોઇ સવાલ નહીં કરે એમ?’
‘ગુડ નાઇટ.’ સાહિલે તેને બોલતી બંધ કરવા ઊભા થતાં-થતાં કહ્યું.
‘ઓહ નો! સોરી, મેં તને એમ્બરેસિંગ હાલતમાં મૂકી દીધો. આઇ ડિડન્ટ નો.’
‘શું?’ ગૂંચવાઇ ગયેલા સાહિલે સવાલ કર્યો.
‘કે તું ગે છે!’
‘હું ગે નથી, નતાશા.’
‘સો યુ આર નોટ ઇવન ગે!’ નતાશા ફરી મજાકના મૂડમાં આવી ગઇ હતી.
‘નતાશા!’ સાહિલ અકળાઇ ઊઠ્યો.
‘ઓકે બાબા, ઓકે.’ નતાશાએ હાર સ્વીકારી લીધી હોય એવો ચહેરો બનાવતાં કહ્યું, પણ બીજી સેક્ધડે તેના બીજા સવાલ શરૂ થઇ ગયા. ‘બાય ધ વે, એ તારો ફ્રેન્ડ કોણ છે? આપણી જેમ જ સ્ટ્રગલર છે કે પછી...’
‘ના. ના. એ જોબ કરે છે. કોલ સેન્ટરમાં મેનેજર છે. આજે તેનો વીક્લી ઓફ્ફ છે એટલે તે ઘરે છે નહીં તો અત્યારે તો તે ડ્યુટી પર હોય.’ સાહિલે ઉતાવળે જવાબ આપ્યો. અને નતાશા સામે હાથ જોડીને તેને ચૂપ થવા ઇશારો ર્ક્યો. તેને તેની ચિંતા થતી હતી કે ક્યાંક રાહુલ જાગી ન જાય. સાહિલનો રઘવાટ જોઇને નતાશાથી હસ્યા વિના રહેવાયું નહીં.
એ રાતે નતાશા ઘસઘસાટ ઊંઘી ગઇ, પણ સાહિલ સવારે શું થશે તેની ચિંતામાં, બહાર લિવિંગ રૂમમા ફરશ પર, પડખાં ઘસતો રહ્યો.
* * *
‘સાહિલ તું પાગલ થઈ ગયો છે?’ રાહુલે સવારે ઊઠતાંવેંત બેડરૂમમાં નતાશાને સૂતેલી જોઇ એ સાથે તે સાહિલ પર વરસી પડ્યો. જોકે, તેની સવાર બપોરના બારેક વાગ્યે પડતી હતી. નતાશા તો હજી ભરઊંઘમાં હતી.
‘આઇ એમ સોરી રાહુલ, પણ નતાશાએ છેલ્લા કેટલાક મહિનાથી ભાડાના પૈસા નહોતા આપ્યા અને તેને કારણે તે જ્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી એ ફ્લેટ માલકણ સાથે તેને ગઇ કાલે રાતે ઝઘડો થઇ ગયો તો તેણે નતાશાને ઘરમાંથી ચાલી જવા કહ્યું એટલે તે અહીં આવી ગઇ. હવે અડધી રાતે હું એને કઈ રીતે કહું કે હું તને અંદર નહીં આવવા દઉં?’ સાહિલે રાહુલને ઠંડો પાડવાની કોશિશ કરી.
‘જો સાહિલ, તું મારો દોસ્ત છે અને તું પૈસા આપ્યા વિના મારી સાથે રહે છે એ વિશે મેં તને ક્યારેય કહ્યું નથી, પણ તારી ફ્રેન્ડ અહીં નહીં રહી શકે. આપણને શું શરતે આ ફ્લેટ ભાડે મળ્યો છે તે તો તું જાણે છેને? માંડ-માંડ આ ફ્લેટ ભાડે મળ્યો છે ને કોઇ છોકરી આ ફ્લેટમાં આવશે નહીં એવી ફ્લેટ ઓનરની અને સોસાયટીના સેક્રેટરીની પહેલી શરત હતી. એટલે જ તો મારી ગર્લફ્રેન્ડને હું અહીં મળવા પણ બોલાવી શકતો નથી. હવે કાં તો તું તારી ફ્રેન્ડને બીજી વ્યવસ્થા કરવા કહી દે નહીંતર નાછૂટકે મારે તને જ રવાના કરી દેવો પડશે.’ રાહુલે અલ્ટિમેટમ આપી દીધું.
‘અરે યાર મને પણ ખબર નહોતી કે તે અહીં ટપકી પડવાની છે, નહીંતર હું જ તેને ના કહી દેત.’ સાહિલ બોલ્યો.
‘મને તો ટેન્શન એ છે કે તારી ફ્રેન્ડને આવતાં કોઈએ જોઈ ના લીધી હોય. તે મધરાતે અહીં આવી અને રાત રોકાઇ છે એની કોઇને ખબર પડી હશે તો આ ફ્લેટ ખાલી કરવાની નોબત આવશે.’ રાહુલે કહ્યું.
‘સારું થયું કે વોચમેને તેને પૂછ્યું જ નહોતું કે ક્યાં જવું છે.’
‘તને વોચમેને કહ્યું?’ રાહુલના ચહેરા પર ગભરાટ ઊભરાઇ આવ્યો.
‘ના. મેં નતાશાને પૂછ્યું.’
‘પણ એ જોગમાયાને આવડા મોટા મુંબઇમાં આ એક જ જગ્યા મળી હતી?’ રાહુલ ફરી અકળાઇ ઊઠ્યો.
‘ડોન્ટ વરી, યાર. હું તેની સાથે વાત કરું છું. બે-ચાર દિવસમાં હું તેને રવાના કરી દઇશ.’
‘બે-ચાર દિવસ?’ રાહુલનો અવાજ ફાટી ગયો: ‘સોસાયટીનો સેક્રેટરી તારો કે મારો કાકો થતો નથી. તેને આજે ને આજે રવાના કર.’
‘આજે ને આજે તો તે બિચારી ક્યાં જશે યાર! કંઇક તો માનવતા રાખ.’ સાહિલે દોસ્તને સમજાવવાની કોશિશ કરી.
‘તારી માનવતાની તો હમણાં કહું તે... જોઇએ તો તેને એક-બે દિવસ ક્યાંક ગેસ્ટ હાઉસમાં મૂકી આવ. એના માટે પૈસા મારી પાસેથી લઇ જા, પણ એ છોકરીને વહેલામાં વહેલી તકે રવાના કર.’ રાહુલ વધુ ઉશ્કેરાયો.
‘ઓ.કે. ઓ.કે. કૂલ ડાઉન યાર. હું આજે જ તેની સાથે વાત કરી લઉં છું.’
‘આજે ને આજે વાત કરી લઉં છું એમ નહીં ચાલે. તારે અહીં રહેવું હોય તો આજે ને આજે જ તેને રવાના કરી દે.’ રાહુલે સ્પષ્ટ ધમકી આપી દીધી.
* * *
‘જો નતાશા, મારી સાથે તો તું નહીં રહી શકે.’ સાહિલ નતાશાને સમજાવી રહ્યો હતો. એ બંને વિલે પાર્લે સ્ટેશનની પૂર્વ બાજુએ રામકૃષ્ણ રેસ્ટોરાંમાં બેઠાં હતાં.
‘કેમ તને ડર છે કે હું તારા પર રેપ કરીશ?’ નતાશાએ આંખો નચાવી.
‘ઓફ્ફ! તું ક્યારેય સિરિયસલી કેમ વાત કરતી નથી?’ સાહિલ અકળાઇ ઊઠ્યો.
‘ઓ.કે. સિરિયસલી વાત કરીએ. તને કોઇ કારણથી પસંદ નથી કે હું તારી સાથે રહું રાઇટ?’ નતાશાએ પૂછ્યું.
‘મેં એવું નથી કહ્યું.’ સાહિલે તરત જ ટોન બદલીને કહેવું પડ્યું.
‘ઇટ મીન્સ હું તારી સાથે રહું એ તને પસંદ છે, પણ તને એવો ડર લાગે છે આપણી વચ્ચે કંઇક થઇ જશે તો? જો એવું કંઇ થઇ જાય તો ટેન્શન મારા માટે છે તારા માટે નહીં. પ્રેગ્નન્સી મને રહી જશે, તને નહીં!’
‘ઇનફ ઇઝ ઇનફ! નતાશા તું કોઇ વાત સીધી રીતે નથી કરી શકતી? મારો ફ્રેન્ડ કહે છે કે તું એ ફ્લેટમાં પાછી આવીશ તો મારે એ ફ્લેટ ખાલી કરવો પડશે.’
‘અચ્છા તો એમ વાત છે?’
‘હા એમ વાત છે.’
‘તો યાર સીધેસીધું કહી દેને, એના માટે આટલી લાંબી વાતો શું કામ કરી?’
સાહિલ નતાશાના ચહેરા સામે તાકી રહ્યો.
‘ઓ.કે. બાબા નો કિડિંગ. આજથી હું તારે ત્યાં નથી બસ?’
‘તો તું ક્યાં જઇશ?’
‘અરે, હમણાં તું કહે છે કે તું મારા ફ્લેટમાંથી ફૂટ અને પાછો બીજી સેક્ધડે પૂછે છે કે તું ક્યાં જઇશ?’
‘મારો ફ્રેન્ડ સોસાયટીના સેક્રેટરી અને ફ્લેટમાલિકથી ડરે છે, પણ તેણે કહ્યું છે કે તે તને એક-બે દિવસ ક્યાંક ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી આપશે.’
‘સારો માણસ કહેવાય!’ નતાશાએ કટાક્ષમાં કહ્યું.
‘પણ બે દિવસ પછી શું?’ સાહિલે તેના કટાક્ષને અવગણીને સવાલ કર્યો.
‘તું વાત વાતમાં મૂંઝાઇ જાય છે. સારું કર્યું ઉપરવાળાએ તને છોકરી ન બનાવ્યો!’
સાહિલ અકળાઈને તેને કંઇક કહેવા જતો હતો એ જ વખતે તેણે જોયું કે રેસ્ટોરાંમાં તેમના ટેબલથી એક ટેબલ છોડીને દીવાલ નજીકના ટેબલ પર બેઠેલો એક માણસ સેલ ફોન પર વાત કરતાં કરતાં નતાશાને ટીકી ટીકીને જોઇ રહ્યો છે. પહેલી વાર તો સાહિલને બહુ શંકા ન ગઇ અને તે ફરી નતાશા તરફ જોઈને વાત કરવા માંડ્યો, પણ નતાશા સાથે વાત કરતાં કરતાં ત્રણ-ચાર વાર તેણે તે માણસ તરફ ત્રાંસી આંખે જોયું ત્યારે તેને ખાતરી થઇ ગઇ કે તે માણસ નતાશા પર નજર રાખી રહ્યો છે અને તેના વિશે જ કદાચ ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યો છે!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 5 દિવસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Pratiti

Pratiti 2 વર્ષ પહેલા

Jinal Parekh

Jinal Parekh 2 વર્ષ પહેલા

Kinnari

Kinnari 2 વર્ષ પહેલા