પિન કોડ - 101 - 7 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 7

પિન કોડ - 101

પ્રકરણ-7

આશુ પટેલ

સાહિલે દરવાજો ખોલ્યો એ સાથે તે હેબતાઈ ગયો.. સામે નતાશા ઊભી હતી!
નતાશાને જોઈને તેનો બિયરનો નશો એક સેક્ન્ડમા ઊતરી ગયો.
‘સોરી યાર, મને પેલી ખડુસ બાઈએ તેના ફ્લેટમાંથી કાઢી મૂકી.’ નતાશા કહી રહી હતી. તે તેની બે બેગ લઇને સાહિલના ફ્રેન્ડના ફ્લેટના દરવાજા બહાર ઊભી હતી.
અડધી રાતે નતાશાને તેના ફ્રેન્ડ રાહુલના બેચલર હાઉસ બહાર આવી ચડેલી જોઇને સાહિલ ડઘાઇ ગયો હતો. માણસ કોઇ ઊંચી રાઇડમાં બેઠો હોય અને એક ઝાટકે નીચે આવે ત્યારે તેના પેટમાં ફાળ પડે તેવી લાગણી તેને થઇ રહી હતી.
‘અત્યારે અડધી રાતે?’ સાહિલે પૂછ્યું.
નતાશાની મુશ્કેલીની તેને ચિંતા થઇ પણ એની સાથે સાથે રાહુલ અને સોસાયટીના લોકો શું કહેશે એ વાતે તે મુંઝાઈ ગયો હતો. એ તો સારુ થયું તેનો ફ્રેન્ડ રાહુલ બિયર પીધા પછી ભરઊંઘમાં હતો
અને ડોરબેલના અવાજથી પણ તેની ઊંઘ ઊડી નહોતી.
‘એક્ચ્યુઅલી તેણે મને એટલી બધી તંગ કરી કે હું ફેડ અપ થઇ ગઇ અને ઉપરથી તેણે કહ્યું કે તું આ જ રીતે વર્તીશ તો મારે ક્યારેક તને જતા રહેવાનું કહેવું પડશે. યુ નો માય નેચર, એ સાલી મને જતા રહેવાનું કહે એ પહેલા હું જ ત્યાંથી નીકળીને અહીં આવી ગઇ.’ નતાશાએ કહ્યું.
‘અચ્છા! એટલે તેણે તને નથી કાઢી મૂકી પણ તું જ તેની સાથે ઝઘડો કરી અડધી રાતે બેગ લઇને ચાલી નીકળી છે?’
‘યાહ.’ નતાશાએ કહ્યું.
‘યુ આર ઇમ્પોસિબલ.’ સાહિલ બોલ્યો.
‘હવે તારે પણ અડધી રાતે મને કાઢી મૂકવી છે? તો સાફ શબ્દોમાં કહી દે.’
હું એમ નથી કહેતો પણ...’ સાહિલ બોલતા-બોલતા અચકાયો. તે હજી સ્વસ્થ થઇ શક્યો નહોતો. તેનો ફ્રેન્ડ રાહુલ બહાર સોફા પર સૂતો હતો. સામાન્ય રીતે તે બંને બેડરૂમમાં જ સૂતા હતા પણ આજે રાહુલને નશો ચડી ગયો હતો એટલે તે સોફા પર જ ઊંઘી ગયો હતો.
સાહિલે નતાશાને પોતાના નાક પર આંગળી મૂકી ચૂપ રહેવાનો અને અંદર આવવાનો ઇશારો ર્ક્યો. નતાશા અંદર આવી એટલે સાહિલે હળવેકથી ફ્લેટનો દરવાજો બંધ ર્ક્યો અને તે બેડરૂમ તરફ ચાલ્યો. નતાશા પણ કંઇ બોલ્યા વિના તેની પાછળ આવી. બંને બેડરૂમમાં પહોંચ્યા એટલે સાહિલે બિલકુલ અવાજ ના થાય તે રીતે બેડરૂમનો દરવાજો બંધ ર્ક્યો.
નતાશાએ આંખો નચાવતા કહ્યું.: ‘તુ આટલો ફાસ્ટ થઇ ગયો હોઇશ એની મને કલ્પના નહોતી!’
સાહિલ ગૂંચવાઇ ગયો: ‘શું કહે છે તુ?’
નતાશા હસી પડી. તેણે બેડરૂમના દરવાજા તરફ ઇશારો કરીને કહ્યું, થોડા કલાકમાં તો તું મને બેડ પર લઇ જવા તૈયાર થઇ ગયો! નો પ્રોબ્લમ. કોલેજમાં હતાં ત્યારે જે ન કરી શક્યાં તે અત્યારે કરીએ! કોન્ડોમ છે ને તારી પાસે?
‘એટલે? અરે બેવકૂફ!’ સાહિલ અકળાઇ ઊઠ્યો: ‘શું બોલે છે એનું ભાન છે તને?’
નતાશાએ ગંભીર ચહેરો બનાવવાની કોશિશ સાથે ટીખળ કરી: ‘કોઇ યુવાન કોઇ યુવતીને બેડરૂમમાં લઇ જઇને દરવાજો અંદરથી બંધ કરે એનો અર્થ શું થાય? અને આમ પણ યુવાન હૈયા એકાંતમાં મળે અને કોઇ જોનારું ના હોય ત્યારે સાન-ભાન બધું જ ભૂલાઇ જતું હોય છે ને!’
‘ઉફ્ફ!’ સાહિલ ઊંચા અવાજે બોલી પડ્યો.
શશશશ....’ નતાશાએ સિસકારો કરીને, પોતાના નાક પર આંગળી મૂકીને, સાહિલની કોપી કરતા દબાતા અવાજે કહ્યું: ‘તારો ફ્રેંડ જાગી જશે તો પ્રોબ્લમ થઇ જશે!’
સાહિલ અકળાયો: ‘ક્યારેક તો સિરિયસ થા.’
‘ઑકે બાબા. સિરિયસ થઈ ગઈ, બસ!’ નતાશાએ ચહેરો ગંભીર કરીને કહ્યું.
‘ઓહ ગોડ! હું તને બેડરૂમમાં શું કરવા લાવ્યો તને સમજાયું નથી?’
‘અરે! હું એટલી નાની થોડી છું કે મને ખબર
ના હોય કે કોઇ છોકરો તેની ફ્રેન્ડને બેડરૂમમાં
લઇ જઇને દરવાજો બંધ કરે તો એનો અર્થ શું
થાય!’
‘ચૂપ! હવે આગળ એક પણ શબ્દ બોલીશ તો લાફો ઝીંકી દઇશ.’ સાહિલે ઊંચા અવાજે કહ્યું.
ચૂપ!’ બહારથી રાહુલનો અવાજ સંભળાયો. ‘સાલા, શાંતિથી ઊંઘવા દે ને. અડધી રાતે શું બૂમો પાડે છે!’
સાહિલે હળવેકથી દરવાજો ખોલ્યો અને જોઇ લીધું કે રાહુલ ઊંઘમાં જ બોલ્યો છે.
ફરીવાર અવાજ ના થાય એમ દરવાજો બંધ કરીને તે નતાશા તરફ ફર્યો ત્યારે નતાશા બેડ પર બેઠી હતી. તેણે શરમાવાનો અભિનય ર્ક્યો અને પછી માદક આંખોથી સાહિલ તરફ જોયું.
સાહિલે તેની પાસે જઇને તેના બંને ખભા
પકડીને તેની આંખોમાં આંખ પરોવીને કહ્યું, ‘કમ ઓન નતાશા, આવી સ્થિતિમાં પણ તને મજાક
સૂઝે છે?’
‘તો શું કરું રડવા બેસું?’ નતાશાએ તેની આંખોમાં આંખો પરોવી સહેજ આગળ ઝૂકી સામો સવાલ ર્ક્યો. એ બંનેના ચહેરા એકદમ નજીક આવી ગયા હતા.
નતાશાએ અચાનક સાહિલના હોઠ ચૂમી લીધા. સાહિલ ડઘાઈ ગયો.
નતાશાએ કહ્યું, ‘સોરી. પણ આ કિસ રિયલ હતી. મને અચાનક તારા પર પ્રેમ ઊભરાઇ આવ્યો.’
સાહિલ સ્તબ્ધ બનીને તેને તાકી રહ્યો.
નતાશા અચાનક રડી પડી.
તેને રડતી જોઇને સાહિલ વધુ અસ્વસ્થ થઇ ગયો. શું કરવું તે તેને ના સમજાયું એટલે તેણે નતાશાના ખભે હાથ મૂકીને તેને સાંત્વન આપવાની કોશિશ કરી. નતાશા તેને વળગીને હીબકાં ભરવા લાગી. તેણે તૂટક અવાજે કહ્યું: ‘આઇ ડોન્ટ એક્સેપ્ટ ડિફિટ, સાહિલ. હાર માનવા કરતાં હું સ્યુસાઇડ કરવાનું પસંદ કરીશ. આઇ વોન્ટ ટુ પ્રુવ માયસેલ્ફ. સંજોગો સામે હું સતત ઝઝૂમતી રહું છું. હાર નથી સ્વીકારતી. છતાં હું પણ હ્યુમન બીઇંગ છું એટલે ક્યારેક થાકી જાઉં છું.’
સાહિલ તેની પીઠ પસવારતો રહ્યો. તેણે નતાશાને થોડીવાર રડી લેવા દીધી. પછી તે દબાતા પગલે કિચનમાં જઇને પાણીનો ગ્લાસ લઇ આવ્યો. પાણી પીધા બાદ નતાશા થોડી સ્વસ્થ થઇ. તેણે આભારવશ નજરે સાહિલ તરફ જોયું અને તેનો હાથ પકડીને તેને પોતાની બાજુમાં બેસાડ્યો. તે થોડી વાર છત સામે તાકી રહી પછી સાહિલ તરફ ફરીને બોલવા લાગી: ‘તું મને એવા સમયે મળ્યો જ્યારે હું તૂટી જવાની અણી પર હતી. સહરાના રણમાં ભૂલા પડેલા માણસનું ગળું તરસથી સુકાતું હોય, આંખે અંધારા આવતા હોય, મૃગજળની પાછળ દોડી દોડીને પગ તૂટતા હોય, હિંમત જવાબ દઇ ગઇ હોય, ધીરજ ખૂટી ગઇ હોય અને આશા મરી પરવારવાની સ્થિતિમાં હોય એ જ વખતે અચાનક અફાટ રણની વચ્ચે ઑઍસિસ, હરિયાળી જગ્યા દેખાય તો મુસાફરના મનમાં જે જોમ જાગે એવું જોમ તને જોઇને મારામાં જાગ્યું છે. મેં કેટલા સમયથી ખુલ્લા મને કોઇની
સાથે મજાક કરી નથી. આ મોડર્ન ગણાતા
મેગાસિટીમાં કોઇ રૂપાળી યુવતી પુરૂષની સામે જોઇને સહેજ મલકાય તો પણ એનો ઊંધો અર્થ કાઢનારા પુરૂષો પડ્યા છે. હું તૂટવાની અણી પર હતી તે જ વખતે તું મને મળી ગયો અને જાણે મારા જીવમાં જીવ આવ્યો.’
‘પણ કાલે સવારે રાહુલ તને જોતાવેંત મારો જીવ લઇ લેશે.’ એવા શબ્દો સાહિલના હોઠ સુધી આવી ગયા પણ નતાશા અત્યારે જે હાલતમાં હતી એને કારણે તે ચૂપ રહ્યો.
નતાશા મોડે સુધી વાતો કરતી રહી. સાહિલ તેને સાંભળતો રહ્યો. તેના મનમાં ત્રિવિધ લાગણી જન્મી રહી હતી. એક બાજુ તેને નતાશાની ચિંતા થઇ રહી હતી તો બીજી બાજુ તેના માટે પ્રેમની લાગણી ઊભરી રહી હતી. તો વળી સવારે રાહુલ જાગશે ત્યારે નતાશાને જોઇને શું પ્રતિક્રિયા આપશે એ વિચાર તેને મૂંઝવી રહ્યો હતો.
સાહિલને એ વખતે કલ્પના નહોતી કે આવતી કાલ તેના માટે આફતોના પોટલા સમી પુરવાર થવાની છે.

(ક્રમશ:)