પિન કોડ - 101 - 1 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 1

પિન કોડ - 101

પ્રકરણ-1

આશુ પટેલ

૨૮ ડિસેમ્બર, ૨૦૨૧.
બિઝનેસ ટાઇકૂન રાજ મલ્હોત્રા તેમની કંપનીના સ્કાયસ્ક્રેપર હેડક્વાર્ટરના પાંત્રીસમા માળના ટોપ ફ્લોરથી પોતાની પર્સનલ લિફ્ટમાંથી નીચે ઊતર્યા. લિફ્ટમાંથી બહાર આવીને તેઓ પોતાના પર્સનલ આસિસ્ટન્ટ શ્યામ કુલકર્ણી સાથે પોર્ચ તરફ આગળ વધ્યા. પોર્ચમાં તહેનાત કસ્ટમાઇઝડ રોલ્સ રોયસ કાર સુધી પહોંચતા-પહોંચતા તેઓ વિશાળ રિસેપ્શન એરિયામાં ઉપસ્થિત કર્મચારીઓના અભિવાદનનું માથું હલાવીને કે હળવું સ્મિત કરીને પ્રતિસાદ આપતા ગયા. તેમની કંપનીનો યુનિફોર્મ ધારણ કરેલા એક કર્મચારીએ રોલ્સ રોયસનો પાછળનો દરવાજો ખોલ્યો. રાજ મલ્હોત્રા પાછળની સીટમાં બેઠા એ દરમિયાન તેમનો પર્સનલ આસિસ્ટન્ટ ડ્રાઇવરની બાજુની સીટમાં ગોઠવાયો. રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલ મિત્રા બીમાર હતી એટલે આજે તેમની સાથે નહોતી. નહીં તો તે તેમની સાથે પાછળની સીટમાં જમણી બાજુ બેઠી હોત અને રાજ મલ્હોત્રા તેની સાથે કારમાં પ્રવાસ દરમિયાન પણ તેની સાથે કામની વાતો કરી રહ્યા હોત. રાજ મલ્હોત્રાનું હજારો કરોડ રૂપિયાનું આર્થિક સામ્રાજ્ય હતુ અને દેશના ટોચના ગણ્યા-ગાંઠ્યા બિઝનેસ ટાઇકૂનમાં એમનો સમાવેશ થતો હતો.
રાજ મલ્હોત્રાના પર્સનલ આસિસ્ટન્ટ શ્યામે ડ્રાઇવરને સૂચના આપી : એરપોર્ટ કે પાસ સહારા સ્ટાર લે લો.’
ડ્રાઇવરે સહેજ માથું નમાવ્યું અને કાર ગતિમા લીધી.
રાજ મલ્હોત્રાએ તેમના જમણા હાથમાં બાંધેલી ગોલ્ડ પ્લેટેડ રોલેક્સ ઘડિયાળમાં સમય જોયો. તેમની ઘણી ખાસિયતો હતી એમાંની એક એ હતી કે તેઓ ઘડિયાળ બીજા બધાની જેમ ડાબા હાથના કાંડા પર પહેરવાને બદલે જમણા હાથના કાંડા પર પહેરતા હતા. સાંજના સાડા છ વાગી ચૂક્યા હતા. આ ટાઇમ પર ટ્રાફિક તો નડશે જ, તેમણે વિચાર્યું. તેમને થયું કે બીજી કંપનીસઝની જેમ પોતાની કંપનીનું હેડક્વાર્ટર પણ બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં ખસેડ્યું હોત તો અત્યારે સારું પડત. તેમની કંપનીનું હેડક્વાર્ટર મુંબઇના મહાલક્ષ્મી વિસ્તારમાં હતું. મુંબઇની મોટા ભાગની કંપનીઝના હેડક્વાર્ટસનું બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં સ્થળાંતર થઇ ગયું હતું. પરંતુ રાજ મલ્હોત્રાએ તેમની કંપનીનું હેડક્વાર્ટર બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં ખસેડ્યું નહોતુ તેના ઘણા કારણો હતા, પણ મુખ્ય કારણો બે હતા. એક તો તેમનું રેસિડેન્સિયલ બિલ્ડિંગ પેડર રોડ પર હતું એટલે ઘરેથી ઑફિસ બિલ્ડિંગ સુધી પહોંચવા માટે તેમને વધુ સમય બગાડવો પડતો નહોતો. અને બીજુ તેમની ચેમ્બરમાંથી તેઓ અરેબિયન સીનો ભવ્ય નજારો જોઇ શકતા હતા. તેમની કંપનીના હેડક્વાર્ટરની વિશાળ ટેરેસમા હેલિપેડ પણ હતું. સામાન્ય રીતે તો એરપોર્ટ નજીક સહારા સ્ટાર હૉટેલમા જવા માટે તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર જવાને બદલે ટેરેસમાં ગયા હોત અને તેમના પર્સનલ હેલિકૉપ્ટરમાં બેસીને જૂહુ એરપોર્ટ પહોંચી ગયા હોત. ત્યાંથી તેમને સાંતાક્રુઝ સહારા સ્ટારમાં લઇ જવા માટે કાર તૈયાર હોત, પણ તેમનું હેલિકૉપ્ટર થોડા દિવસ અગાઉ પૂણે નજીક ક્રેશ થઇ ગયું હતું અને નવા હેલિકૉપ્ટરની ડિલિવરી તેમને મળી નહોતી. વળી તેઓ સહારા સ્ટાર જવાનું ટાળી શકે એમ પણ નહોતા. આજે તેમના એક ગાઢ મિત્રની દીકરીના લગ્નના રિસેપ્શનમાં તેમણે હાજરી આપવી જ પડે એમ હતી. તેમને વળી રાતના સાડા નવ વાગ્યે તાજ હૉટેલમાં પહોંચવાનું હતું. એટલે નાછૂટકે તેમને સાંજના સમય દરમિયાન મુંબઇના હેવી ટ્રાફિકમાં બાય રોડ પ્રવાસ કરવાની ફરજ પડી હતી. તેઓ સમયને બહુ મહત્ત્વ આપતા હતા. એટલે મુંબઇના સાંજના ટ્રાફિકનો અંદાજ લગાવીને થોડા વહેલા જ નીકળ્યા હતા.
રાજ મલ્હોત્રાએ તેમના કસ્ટમાઇઝ્ડ સેલ ફોનથી પેન્ડિંગ કોલ્સ પતાવવાની શરૂઆત કરી. સેલ ફોન પર વાત કરતા તેમની નજર એ નોંધ લઇ રહી હતી કે કાર ક્યાં સુધી પહોંચી છે. તેમની કારે વરલી ક્રોસ કરીને સી લિંક માટે લેફ્ટ ટર્ન લીધો એ વખતે સવા સાત વાગી ગયા હતા. સી લિંક પર પહોંચ્યા પછી તેમને થોડી હાશકારાની લાગણી થઇ, પણ સી લિંક ક્રોસ કર્યા પછી તેમની કાર ફરી પાછી ટ્રાફિકમાં ફસાઇ. વાહનો ગોકળગાયની ગતીએ આગળ વધી રહી હતી. તેમની કાર માહિમ કોઝવે સુધી પહોંચી ત્યાં સુધીમાં તો સાડા સાત વાગી ચૂક્યા હતા. હવે તેમને અકળામણ થવા લાગી હતી. તેમનો કોઇની સાથે કોલ પૂરો થયો એટલે તેમણે પર્સનલ આસિસ્ટન્ટ શ્યામને અર્થહીન સવાલ પૂછ્યો: ‘આજે આટલો ભયંકર ટ્રાફિક કેમ છે, કુલકર્ણી?’
કુલકર્ણી પાસે તેમના સવાલનો જવાબ નહોતો પણ બોસને જવાબ તો આપવો જ પડે એટલે તેણે કહેવા માટે કહ્યું: ‘કંઇ સમજાતું નથી સર.’ પછી વળી તેણે ઉમેરી દીધું: ‘આમ તો સાંજના સમય દરમિયાન ટ્રાફિક હોય જ છે, પણ આજે તો કંઇક વધુ પડતો જ ટ્રાફિક છે સર.’
ધિસ સિટી ઇઝ ડાઇંગ.’ રાજ મલ્હોત્રા બોલ્યા.
સમયના પાબંદ રાજ મલ્હોત્રા ભયંકર ટ્રાફિકને કારણે બેચેન બની રહ્યા હતા. તેમને હવે તાજ હૉટેલમાં સાડા નવ વાગ્યે કોઇ કાળે નહીં પહોંચાય એની ચિંતા થઇ રહી હતી. ત્યાં પહોંચવાનું પણ જરૂરી હતું. રાજ મલ્હોત્રાએ વળી કેટલાક કોલ કર્યા અને કેટલાક કોલ રિસિવ કર્યા. સેલ ફોનના સ્ક્રીન પર વચ્ચે-વચ્ચે સમય પર નજર જતી હતી ત્યારે તેમની અકળામણ વધતી હતી. તેમની કાર બાન્દ્રામા ખેરવાડીના ફ્લાયઓવર પર પહોંચી ત્યારે સવા નવ વાગી ગયા હતા. એક તો ખાસ્સું મોડું થઇ રહ્યું હતું અને ઉપરથી ઘણા વાહનચાલકો કારણ વિના હોર્ન વગાડીને ત્રાસ વર્તાવી રહ્યા હતા. રાજ મલ્હોત્રાની આગળની કાર થોડી આગળ વધી એટલે તેમની કાર પણ થોડી ફૂટ આગળ વધી.
રાજ મલ્હોત્રાની નજર તેમની કારની ડાબી બાજુએ ઊભેલી કાર તરફ ગઇ. તે કાર એક રૂપાળી છોકરી ચલાવી રહી હતી.. બીજા બધાથી વિપરીત રીતે તે છોકરી એકદમ સ્વસ્થ લાગતી હતી. રાજ મલ્હોત્રાની કાર તેની કારની લગોલગ આવી એ વખતે તે છોકરીનું ધ્યાન પણ તેમની કાર તરફ ખેંચાયું. તેણે એક ક્ષણ માટે રાજ મલ્હોત્રાની કાર તરફ જોયું ત્યારે તેની નજર રાજ મલ્હોત્રાની નજર સાથે મળી. રાજ મલ્હોત્રાને આવી વાતની નવાઇ નહોતી લાગતી. તેમની રોલ્સ રોયસ કે બીજી કોસ્ટલી કાર રસ્તા પર કોઇ કારની બાજુમાં ઊભી રહે ત્યારે બાજુની કારવાળાનું ધ્યાન ખેંચાવાનું સ્વાભાવિક હતું.
રાજ મલ્હોત્રાને થયું કે એ છોકરીને તેમની કાર જોઇને ઇર્ષા થઇ હશે. ફિલ્મ સ્ટાર્સથી માંડીને મુંબઇના ભલભલા માણસો રાજ મલ્હોત્રાની કારની અને તેમની લાઇફ સ્ટાઇલની ઇર્ષા કરતા હતા એટલે સામાન્ય કારમાલિકોનું તો તેમની કાર તરફ ધ્યાન ખેંચાયા વિના રહે જ નહીં એ સ્વાભાવિક હતું.
જો કે, અત્યારે તો એક ક્ષણ માટે રાજ મલ્હોત્રાને એ છોકરીની ઇર્ષા થઇ આવી કે આવા અસહ્ય ટ્રાફિકમાં આ છોકરી આટલી સ્વસ્થ કઇ રીતે રહી શકતી હશે.
એ વખતે તેમના સેલ ફોન પર કોઇનો કોલ આવ્યો એટલે રાજ મલ્હોત્રાનું ધ્યાન વાત કરવામાં પરોવાયું, પણ અચાનક તેમને ભ્રમ થયો કે પેલી છોકરીની કાર હવામાં ઊંચકાઇ રહી છે. તેમણે વાત કરતા કરતા ડાબી તરફ જોયું ત્યારે તેમને સમજાયું કે એ તેમનો ભ્રમ નહોતો. એ છોકરીની કાર ખરેખર હવામાં ઊંચકાઇ રહી હતી! રાજ મલ્હોત્રા ભૂલી ગયા કે તેમની સેલ ફોન પર વાત ચાલુ છે. તેઓ સ્તબ્ધ બનીને એ કાર તરફ જોઇ રહ્યા. એ છોકરીની કાર હવામાં વીસ-પચ્ચીસ ફૂટ ઊંચકાઇ અને પછી આંચકા સાથે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ટ્રાફિક પર ઊડવા લાગી. એ કાર થોડા મીટર દૂર પહોંચી એ સાથે એમાંથી કંઇક નીચે પડ્યું અને બીજી સેક્ધડે પ્રચંડ વિસ્ફોટ થયો અને કેટલાયે વાહનોના ફુરચા ઊડતા દેખાયા.

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 5 દિવસ પહેલા

Bhart .K

Bhart .K 1 માસ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 2 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 2 માસ પહેલા

Amit Shah

Amit Shah 2 માસ પહેલા