એક પતંગિયાને પાંખો આવી
પ્રકરણ 47
વ્રજેશ દવે “વેદ”
રસ્તો કપાવા લાગ્યો. સુરજ પણ રસ્તો કાપી ચૂક્યો હતો. તે ઢળી ગયો. પ્રકાશ પણ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. અંધારું ધીરે ધીરે સામ્રાજ્ય જમાવી રહ્યું હતું.
“નીરજા, સુરજ ઢળી ગયો. રાત પણ રુઆબભેર આવી રહી છે. જંગલ ગાઢ છે. રસ્તો સૂમસામ છે. અને આપણે ચાલી રહ્યા છીએ.” વ્યોમાએ ચિંતા વ્યક્ત કરી.
“કેમ, ડરી ગઈ?” નીરજાએ સામો સવાલ કર્યો. વ્યોમા સમજી ગઈ કે ચિંતા વ્યક્ત કરવાથી પણ, નીરજા રોકાઈ જવા નથી માંગતી. હવે તો અંધારી રાતમાં પણ ચાલવું જ પડશે.
“તું સાથે હોય તો પછી કોનો ડર? પણ, આમ રાતના અંધારામાં, અજાણ્યા એવા જંગલમાં, અજાણ્યા રસ્તે, આપણે ...”
“આ જંગલ, આ રસ્તો, તને હવે અજાણ્યો લાગે છે? મને તો નથી લાગતો. આપણી તો પાક્કી દોસ્તી થઈ ગઈ છે. તારી તું જાણે.”
“આ જંગલ જાણીતું તો છે, પણ દિવસના અજવાળામાં. રાતના અંધારામાં તો એ સાવ અજાણ્યું લાગે છે. જાણે કોઈ ભેદ ભરમની વાર્તા જેવુ. જો ને કેવા કેવા આકારો ધરી લીધા છે, આ જંગલે.? દરેક આકાર અજાણ્યા લાગે છે. આવા વિચિત્ર આકારો ક્યારેય જોયા છે?” વ્યોમાએ જંગલની આકૃતિઓ તરફ આંગળી ચીંધી.
“હા હા. ... જંગલે કોઈ નવા આકારો નથી ધર્યા. કલાક પહેલાં હતું તેવું જ અત્યારે પણ છે, આ જંગલ. બદલાયું છે કાંઇ, તો તે આપની નજર છે, વ્યોમાજી. જંગલને દિવસમાં જોવા ટેવાયેલી આંખ, રાત પડતાં જુદી જ નજરે જોવા લાગે છે. અને એટલે એ જ દ્રશ્યો, એ જ આકૃતિઓ જુદી લાગે છે, વિચિત્ર લાગે છે. જે કોઈ પણ કારણ છે તે આ અંધારાનું છે. જો અત્યારે પ્રકાશ નીકળે તો?“
“તો કદાચ એ જ જંગલ જાણીતું લાગે. પણ પ્રકાશ ક્યાંથી નીકળે આ અંધારી રાતમાં?”
“થોડી ધીરજ રાખ. પ્રકાશ નીકળશે, જરૂર નીકળશે. હમણાં જ નીકળશે.“ નીરજાએ સ્મિત કર્યું.
“તું મજાક કરે છે, નીરજા. જંગલની અંદર દિવસે પણ સુરજ માંડ માંડ તેનો પ્રકાશ જંગલને આપી શકે છે, ત્યારે તું આ અંધારી રાતે પ્રકાશની અપેક્ષા રાખે છે? કે પછી મને નાના બાળકની જેમ ફોસલાવે છે?” વ્યોમા થોડી નારાજ થઈ ગઇ.
“ના હું કોઈ મજાક નથી કરી રહી. બસ થોડી વાર જ પ્રતિક્ષા કર.”
ફરી બન્ને મૌન થઈ ગયા. રસ્તો કપાતો ગયો. પ્રકાશ પણ કપાતો ગયો. અંધકાર ઊગતો ગયો. હવે ક્યાંય પ્રકાશનું અસ્તિત્વ ના રહ્યું.
“નીરજા, પ્રકાશનો છેલ્લો ટુકડો પણ અંતિમ શ્વાસ લઈ મૃત્યુ પામ્યો. હવે? ક્યાં છે તારો પ્રકાશ?” વ્યોમાએ નીરજાને વીંધી નાંખતો સવાલ કર્યો.
“મારો પ્રકાશ અહીં જ છે. બસ બે મિનિટ માટે આંખ બંધ કરી દે. હું કહું એટલે આંખ ખોલવાની. કોઈ અંચઇ નહીં. ઓ કે?” નીરજાએ વ્યોમાની આંખ પર દુપટ્ટો બાંધી દીધો. વ્યોમા પશ્ચિમ દિશા તરફ મુખ કરી પ્રતિક્ષા કરવા લાગી.
લગભગ ત્રણ ચાર મિનિટ જેટલો સમય વિતી ગયો. નીરજા તરફથી કોઈ સંકેત ના આવ્યો. નીરજાના હોવાનો પણ અહેસાસ નહોતો થતો. તે કોઈ મૌન ધરીને ઊભી હતી.
“નીરજા, હજુ કેટલી વાર છે? તું અહીં છે કે કેમ? કે મને છોડીને ચાલી ગઈ? અંધારા આ જંગલમાં હું એકલી તો ...” વ્યોમા ધીરજ ખોઈ બેઠી.
“હું અહીં જ છું. તું ધીરે ધીરે દુપટ્ટો હટાવ અને આંખ ખોલી નાંખ. તું જેની પ્રતિક્ષા કરી રહી છે, એ પણ તારી પ્રતિક્ષા કરી રહ્યું છે.”
વ્યોમાએ ઝડપથી દુપટ્ટો હટાવી નાખ્યો. આંખ ખોલી. તેની નજર સામે પ્રકાશ હતો. સાચે સાચ પ્રકાશ. તે નીરજા તરફ ફરી. નીરજાએ પોતાના હોઠ પર આંગળી મૂકી, મૌન રહેવા કહ્યું અને આકાશ તરફ ઈશારો કર્યો. વ્યોમાએ આકાશ તરફ નજર કરી.
“ઓહ. વાહ.“ વ્યોમા આનંદથી નાચી ઉઠી.
આકાશમાં પુનમનો મોટો ચાંદ ઊગી નિક્ળ્યો હતો. પૂર્વ દિશામાં તેણે ડગ માંડી દિધા હતા. પોતાની ચાંદની વડે તેણે જંગલને પ્રકાશથી ભરી દીધું. જંગલ દિપી ઉઠ્યું.
“નીરજા, બધું જ બદલાઈ ગયું. આ ચંદ્રએ તો કમાલ કરી. તેની ચાંદનીમાં જંગલ કેવું મધુરું લાગે છે? ક્ષણભર પહેલાં સુધી બિહામણું લાગતું હતું, ડરામણું લાગતું હતું, આ જંગલ અને હવે કેવું મીઠું લાગે છે?”
“હા. જંગલ એ જ હતું અને એ જ છે. એક એક ઝાડી, ડાળ કે વૃક્ષ ત્યાં જ ઊભું છે. પણ નજર બદલાઈ જાય એટલે બધું જ બદલાઈ જાય. ખરું ને?” નીરજાએ વ્યોમા તરફ એક તોફાની સ્મિત ફેંકયું. વ્યોમાએ તે ઝીલી લીધું. તે ખૂબ ખુશ હતી. નીરજા પણ. પહેલી વાર પૂનમની ચાંદનીમાં જંગલ જોયું હતું. કેટલું આહ્લાદક ! બધો થાક અને કંટાળો ભાગી ગયો.
દિવસનું અજવાળું હતું ત્યાં સુધી તો ઠીક હતું, પણ ચાંદની ઊગતાં જ અજાણ્યા અને અનોખા સૌંદર્યથી ભરપૂર એવા જગતમાં આવી ગયા હોય તેવું લાગ્યું. ચાંદની રાતનો ભય રોમાંચ વધારી રહ્યો હતો.
ગાઢ જંગલ મીઠી મધુરી ચાંદનીના બાહુપાશમાં હતું. ચાંદની હવે પૂર બહારમાં ખીલવા લાગી. વૃક્ષોના પડછાયા સૌંદર્યને વધારી રહ્યા હતા. ઠંડી હવા, ચાંદનીની હાજરીમાં વધુ ઠંડી થઈ ગઈ. જંગલના ફૂલોની સુગંધ લઈને તે વહેવા લાગી.
“ઓહ, કેટલું અદભૂત છે આ જંગલ !” વ્યોમા પ્રયત્ન પૂર્વક ઝાલી રાખેલું મૌન તોડી બેઠી.
“ખરેખર આ આલૌકિક છે. મારી પાસે એને માટે કોઈ શબ્દો જ નથી. છે તો માત્ર અનુભૂતિ. બસ માણતા રહીએ, એ અનુભૂતિને.” નીરજા સફેદ બની ગયેલા જંગલને માણતી રહી, મૌન બનીને.
વ્યોમા તેની અંદર અનુભવાતી લાગણીઓને વ્યક્ત કરી દેવા માંગતી હતી, તે માટે તે શબ્દોનો સહારો લેવા માંગતી હતી. પણ નીરજા મૌન રહી માણવા માંગતી હતી. ક્ષણભર તો વ્યોમા ચૂપ રહી પણ તેની અંદરની લાગણીઓ બળવો કરી બેઠી. તે થોડી દૂર જતી રહી.
”હાશ, અહીં હું બોલીશ. મને જે ગમે તે બોલીશ. મારા શબ્દો આ જંગલને કાને નાંખીશ. એ તો સાંભળશે ને?” તે દોડવા લાગી. કેટકેલાય ઝાડને, ડાળીઓને, પાંદડાઓને, ફૂલોને, કળીઓને, રસ્તાને, માટીને…. બધાને સ્પર્શ કરવા લાગી.
એક ડાળી પકડી હીંચક્વા લાગી. ઝાડ સાથે વાતો કરવા લાગી. એકલી એકલી બોલવા લાગી. માત્ર જંગલ તેને સાંભળતું હતું. વાતો કરતાં કરતાં હસ્તી રહી, ક્યારેક માંડ માંડ સ્મિત, તો ક્યારેક અસ્ખલિત ઝરણું.
તેની આ ચેષ્ટાઓ, નીરજાને જરાપણ વિચલિત કરતી નહોતી. તે પોતાના મૌનમાં જંગલના અનામ સૌંદર્યને પી રહી હતી. સાવ શાંત. સ્થિર.
અને વ્યોમા ચંચલ. તે જંગલથી વાતો કરતી, “જંગલનું આ જીવન જુદું જ છે. આ ઘટના જ અલગ છે. ટેન્ટની અંદર વિતી જતી રાત કરતાં, સાવ અલગ. ભીષણ નિર્જનતા પણ પરીનું રૂપ લઈને અવતરી છે અહીં. રુક્ષ લાગતું જંગલ પણ, હવે કેટલું સૌમ્ય અને સોહામણું લાગે છે. દિવસના ખરબચડું લાગતું જંગલ કેવું મુલાયમ લાગે છે? જંગલની નસેનસમાં કોઈ રૂપ યૌવનાની નજાકત પ્રસરી ગઈ છે.” વ્યોમાના રોમેરોમમાં ચાંદની વ્યાપી ગઈ. તે સ્વગત બોલતી રહી. જંગલ કાન દઈને સાંભળતું રહ્યું. એક એક ઝાડને તેણે પોતાની વાત કરી. હવાના એક એક અણુને તેણે વાત કરી. હવા તે વાત સાથે લઈ જંગલમાં ફરી વળી. ફરતી ફરતી એ હવા નીરજાને સ્પર્શી ગઈ.
નીરજા તેના જગતમાંથી ઝબકીને જાગી. તેના વિચારોનું જગત, અને સામે દેખાતું જગત બંને એક સરખા લાગ્યા, “મને તો જાજરમાન લાગે છે આ જંગલ. તેનો વૈભવ દુનિયાના કોઈ પણ ખજાનથી વધુ સમૃધ્ધ છે.” તેણે વ્યોમા પાસેથી આવેલી હવાને કહી દીધુંદ. હવા તેનો સંદેશો લઈ વ્યોમાને મળી. વ્યોમા દોડતી નીરજા પાસે આવી ગઈ. બન્ને એકબીજાને ભેટી પડ્યા. ચાંદની પણ જંગલને ભેટી પડી.
“વ્યોમા, ખીલેલી ચાંદનીમાં આકાશ કેવું સફેદ અને શુધ્ધ દેખાય છે. એકદમ દાગ વિનાનું. તારાઓ અને નક્ષત્રો ક્યાં જતાં રહ્યા? તેમાંથી કોઈ પણ દેખાય છે, આટલા ગહન આકાશમાં?”
“તેઓ પણ કોઈ ખૂણામાં બેસીને ચાંદનીના રૂપને, તેના યૌવનરસને ચૂપચાપ પી રહ્યા હશે. આપણે એકલાજ નથી, તેના રસના રસિયા. એમનો પણ હક્ક છે, નીરજા.“
“અત્યાર સુધી હું જેનાથી પરિચિત હતી તે દુનિયા આ નથી. આ તો કોઈ સ્વપ્ન પ્રદેશ છે. આ કલ્પનાનો પ્રદેશ છે. આપણી કોઈ સાધનાનું ફળ છે. આ ક્ષણો, આ આનંદ, આ અનુભૂતિ, આ સૌંદર્ય, આ પ્રકૃતિ... કેટલીય તપશ્ચર્યા કર્યા બાદ પણ રઋષિ મુનીઓને પણ નસીબ નથી હોતી.”
“નીરજા, આપણે કેટલા ભાગ્યશાળી છીએ?” વ્યોમા ફરી નાચવા લાગી. ખુલ્લા આકાશમાં મન ફાવે ત્યાં દોડવા લાગી. નીરજા પણ તેમાં જોડાઈ.
મુક્ત ગગનમાં ઉડતા હતા બે પંખી. તેની પાંખોમાં હતું, એક આખું જંગલ. શુધ્ધ, સફેદ, શીતળ ચાંદનીની ચાદર ઓઢીને જાગતું જંગલ. ચાંદનીના વસ્ત્ર પહેરીને નવોઢા થઈ વ્યાપેલું જંગલ.
મન અને હ્રદય ધરાયા ત્યાં સુધી બન્ને જંગલની અને ચાંદનીની અનુભૂતિ પામતા રહ્યા. તેઓએ સમયને વહેવા દીધો. તે વહેતો રહ્યો.
“નીરજા, ટેન્ટમાં રોકાઈ જવાને બદલે, રાતના જ ધોધ પર જવા નીકળી પડવાનો, તારો આ નિર્ણય મજાનો છે.”
“એ નિર્ણય મારો નથી. જેનિફરનો છે. તેણે જ સૂચન કર્યું હતું કે આપણે રાત્રે જ ધોધ પર પહોંચી જવું, તેણે કહ્યું હતું કે ‘હજુ અંધારું નથી થયું. અને તમને જણાવી દઉં કે આજે પૂનમની રાત છે. થોડી વારમાં તો ચંદ્ર ઊગી જશે. તેની ચાંદનીમાં ચાલવામાં કોઈ મુશ્કેલી નહીં પડે અને ચાંદની રાતમાં ધોધ જોવાની મજા જ અલગ છે.’ અને તેના એ શબ્દોએ મને આમ કરવા પ્રેરણા આપી.”
“પણ રાત્રીનો ધોધ તો કાલે પણ જોઈ શકાતને? જંગલની આ ચાંદની ટેન્ટ બહાર નીકળીને પણ જોઈ શકાત ને? આપણે કાલે...” વ્યોમાની વાત નીરજાએ અટકાવી.
“જેનિફરે એમ પણ કહ્યું હતું કે’ જંગલમાં ક્યારેય કાલની રાહ ના જોવાય. કાલ શું નવું લઈને આવશે એની કોઈને ખબર નથી હોતી’ અને એટલે મેં આજે જ નીકળી જવાનો નિર્ણય કર્યો.
“ખરેખર. જંગલમાં કાલે શું થશે તેની ખબર નથી હોતી. માટે, એક એક ક્ષણ માણી લેવી જોઈએ.”
“વ્યોમા, કાલની છોડ. આવનારી કોઈ પણ ક્ષણે, કાંઇ પણ બની શકે છે. માટે કાલની રાહ નહીં જોવાની. બસ, જ્યારે જેવો મળે તેવો અને તેટલો આનંદ લૂંટી લેવો. જેનિફરે તો માત્ર ચાંદનીમાં ધોધને જોવો એ અદભૂત અનુભવ છે એમ કહેલું. પણ તેને કદાચ ખબર પણ નહીં હોય કે ચાંદની રાતમાં, જંગલમાં ચાલવું એ તો થી પણ વધુ અદભૂત છે. અનુપમ છે. એ આનંદને શબ્દો નથી હોતા.” નીરજાએ ચાંદનીનો એક ઘૂંટડો પીધો.
“નીરજા, આ ચાંદની રાતના આનંદમાં હજુ પણ કશું ઉમેરી શકાય તેમ છે, જો તું ધારે તો.” વ્યોમાએ કોયડા જેવો પ્રસ્તાવ મૂક્યો.
“તું સીધેસીધું કહી દે, જે કહેવું હોય તે. આમ વાતમાં ચાંદનીને કાં ભેળવે છે?”