એક પતંગિયાને પાંખો આવી - 46 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 46

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 46

વ્રજેશ દવે “વેદ”

સાંજ પગરવ કરવા લાગી. બન્ને ટેન્ટ બહાર બેસી જંગલની સાંજ માણવા લાગ્યા. આકાશ સાવ ચોખ્ખું હતું. ગઈ રાત આખી અને આજ વહેલી સવાર સુધી સતત વરસતો વરસાદ હવે થાક્યો હતો. વાદળો પણ થઈ ગયા હતા, સાવ ખાલી.

ખર્ચ કરવા હવે એક ટીપું ય પાણી બચ્યું નહોતું. કડકી બારસ જેવા વાદળો આકાશ છોડી ભાગી ગયા હતા. કાચ જેવુ સાવ સાચું આકાશ, આકાશી રંગ લઈને ખીલ્યું હતું. વાદળોની કાળી કેદમાંથી છૂટેલું આકાશ, મુક્ત આકાશ.

“આ આકાશ કેટલું ઊંડું હશે?“ નીરજાએ ઊંડે સુધી આકાશમાં નજર કરી.

“આકાશ ઊંડું ના હોય, એ તો દરિયો, કે જે ઊંડો હોય. નીરજા, તું પાગલ થઈ ગઈ છે.” વ્યોમાએ નીરજાના ચહેરાને તપાસી જોયો., ”પાગલ તો લાગતી નથી, તું. તો કેમ આવી વાત કરે છે? આકાશને તો હોય છે ઊંચાઇ.”

“પાગલ કહે તો પણ શું ફેર પડે? આકાશની જે ઊંચાઈ તને અને મને દેખાય છે, તે ખરેખર તો તેની ઊંડાઈ છે.” નીરજાએ નજર આકાશ તરફથી હટાવી, વ્યોમા પર માંડી.

“એ કેવી રીતે? ઊંચાઈ અને ઊંડાઈ નો ભેદ ભૂલી ગઈ કે શું? આ જંગલમાં આવ્યા પછી ક્યારેક મને લાગે છે, કે મારી સખી નીરજા બદલાઈ રહી છે.”

“હા, હું જરૂર બદલાઈ રહી છું. પરીવર્તન મને ગમે છે. અને મારામાં પરીવર્તન આવશે તો મારો આ પ્રવાસ સફળ માનીશ.”

“જંગલના પ્રથમ દિવસ અને જંગલના છેલ્લા દિવસ વચ્ચે તારા વ્યક્તિત્વનું રૂપાંતર થઈ જશે, એવું તને લાગે છે?”

“મને ચોક્કસ લાગે છે, કે મારૂ રૂપાંતર થઈ રહ્યું છે. મારા વિચારો, મારા દ્રષ્ટિકોણો બદલાઈ રહ્યા છે. મારી સમજ બદલાઇ રહી છે. મારૂ વર્તન બદલાઈ રહ્યું છે. મારૂ વ્યક્તિત્વ બદલાઇ રહ્યું છે. આઠ દસ દિવસ પહેલાંની નીરજા છૂટતી જાય છે, ખોવાતી જાય છે. એક નવી નીરજા મુઠ્ઠીમાં આવતી જાય છે, તેની સાથે મુલાકાત થતી જાય છે.”

“ઓહ, તો કેવી રહે છે એ મુલાકાતો?”

”હજુ જૂની નીરજા પૂરેપુરી છૂટી નથી અને નવી પૂરેપુરી મળી નથી. બન્ને અડધી અડધી છે. જાણે કોઈ બે અજાણ્યા પ્રવાહિઓનું કોકટેઈલ હોય તેવું લાગે છે. કોઈ બે અજાણ્યા પ્રવાસીઓનું મિલન જેવુ લાગે છે.“

“તો તેઓ બે વચ્ચે દોસ્તી થઈ ગઈ? એક બીજાની સાથે મંઝિલ પર ચાલવા લાગ્યા?” વ્યોમા નીરજાને અંદરથી ખોતરવા લાગી.

“ના. હજુ દોસ્તી નથી થઈ. કદાચ થશે પણ નહીં. એક બીજા સાથે ચાલી તો રહ્યા, છે પણ દોસ્તની જેમ નહીં પણ....”

“કેમ? એવું કેમ બોલે છે?”

“કારણકે તેઓ બન્ને દુશ્મનની જેમ વર્તે છે. બન્ને વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ છે. બન્ને એકબીજાને પ્રતિસ્પર્ધી મને છે. બન્નેને ડર છે કે તેનું અસ્તિત્વ સામે વાળી મિટાવી દેશે.”

“પરીવર્તનનો અર્થ જ એ છે કે જૂના નું મૃત્યુ, અને નવાનો જન્મ. તું પરીવર્તન ઝંખે છે, અને જૂનાના મૃત્યુથી ડરે છે? તું કાયર છે, નીરજા.”

“હા, કદાચ હું કાયર છૂ. પણ, હું જૂની નીરજાને ખોઈ દેવા નથી માંગતી. મારામાંનું બાળપણ ગુમાવવા નથી માંગતી. મારે તેને પણ સાચવીને રાખવું છે. મારી અંદર સમાવીને રાખવું છે. તેને પકડીને રાખવું છે. ધારું ત્યારે મારા બાળપણને મળી શકું, તેની સાથે ક્ષણો વિતાવી શકું, તેની સાથે રમી શકું. નવા સ્પંદનોને પણ મારે માણવા છે. સ્વીકારવા છે. મારે બદલાવવું પણ છે. કેવી દુવિધાભરી ક્ષણો છે, આ?”

“નીરજા, માત્ર સમય અને ઉંમર બદલાય છે, આપણે નહીં. આપણું બાળપણ પોતીકું છે. તે કાંઇ ઉંમર વધતાં પરાયું ના થઈ જાય. ઉંમર 50 ની હોય કે 70 ની, બાળપણ ત્યારે પણ આપણી સાથે જ હોય છે. તે ક્યાંય જતું નથી. બસ, આપણે જ તેને દાદ નથી આપતા, એટલે એ રિસાઇને હ્રદયના કોઈ અજ્ઞાત કોપ ભુવનમાં જઈને બેસી જાય છે. આપણે તેને મનાવવા જવું પડે. અને જ્યારે એને મનાવવા જઈએ, ત્યારે બાળક બનીને જવું પડે. તો તે તરત જ માની જાય છે. કોપ ભુવન છોડીને આપણાં અંગેઅંગમાં, અણુએઅણુમાં વ્યાપી જાય છે. બહુ ચંચળ છે, પણ ભોળું છે આપણું બાળપણ. તું પણ સાચવીને રાખી મૂક જૂની નીરજાને અને વધાવી લે નવી નીરજાને. ભલે રહેતું બન્નેનું સહ-અસ્તિત્વ.” લાંબા શબ્દો બોલી ગઈ વ્યોમા.

નીરજા તેના એક એક શબ્દને ધ્યાનથી સાંભળતી રહી. અનુભવતી રહી.

“ઓહ વ્યોમા. તેં તો મને નવી દ્રષ્ટિ આપી. કેટલી બધી નવી લાગે છે તું પણ? હું તો હજુ રૂપાંતરના વિચારોમાં જ છું અને તું? મારાથી પણ પહેલાં તારું રૂપાંતર થઈ રહ્યું છે, થઈ ગયું છે. સાવ સહજ રીતે. અને હું? સંઘર્ષ કરતી રહી છું.”

“આપણાં બન્નેનું રૂપાંતર થઈ રહ્યું છે, આ જંગલમાં આવીને. અને હજુ પણ થોડા દિવસો જંગલ સાથે બચ્યા છે, એટલે છેલ્લા દિવસે કદાચ તે પુર્ણ પણ થઈ જાય.”

“તો આ જંગલ આપણા માટે એક કોલેજ ગણાશે.” નીરજાના હોઠો સ્મિતથી અને આંખ નવી ચમકથી ઉભરાઇ ગયા.

“કોલેજ? જંગલ અને કોલેજ? ફરી પાગલપન?” વ્યોમા વિસ્મયથી નીરજાને જોવા લાગી.

“યાદ કર, વિલ્સનના શબ્દો. કોલેજના પહેલાં દિવસે તમે જે હોવ તેમાંથી...”નીરજા સાથે વ્યોમા પણ વિલ્સનના શબ્દો બોલવા લાગી, “તમારું રૂપાંતર કોઈ નવા વ્યક્તિત્વમાં થાય, અને તેનો અહેસાસ તમને કોલેજના છેલ્લા દિવસે થાય. કોલેજને છોડતી વખતે થાય. અને જો તેમ થાય તો જ તમારું કોલેજમાં આવ્યાનું સફળ.”

ખડખડાટ હસવા લાગી. જંગલ પણ જવાબમાં હસવા લાગ્યું. હાસ્યના પડઘા વ્યાપી ગયા, જંગલની હવામાં. ફરી સાંજને માણવા લાગ્યા. વ્યોમા આકાશ તરફ જોવા લાગી. ક્યાંય સુધી તે આકાશને જોતી રહી. આકાશની અગાધતામાં ખોવાઈ ગઈ.

“નીરજા, મને લાગે છે કે આકાશ ખૂબ ઊંડુ છે.” વ્યોમા હજુ પણ આકાશ તરફ જોઈ રહી હતી. નીરજાએ માત્ર સ્મિત આપ્યું.

અંધારું ઉતારી રહ્યું હતું, અવનિ પર. ઠંડી હવા પણ વહેવા લાગી હતી. બંને ટેન્ટમાં ઘૂસી ગયા.

“નીરજા, હું ફોન ચાલુ કરું છું.” વ્યોમાએ મોબાઇલની સ્વિચ ઓન કરી દીધી. તે ચાલુ થવા લાગ્યો.

“હું પણ એ જ કહેવાની હતી. ચેક તો કર કે આપણી મંઝિલ કયાઁ છે? કેટલી દૂર છે? અને આપણે ક્યાં છીએ? કોઈ ખોટા રસ્તે તો નથી આવી ગયા ને?” નીરજાએ એક સાથે ઘણા સવાલો કર્યા.

“એ બધું પછી. પહેલાં આ જો. મારા ફોનમાં 53 મિસ કોલ છે. તું કહે તો જ જોઉં. મને તો કોઈ જોખમ લાગે છે.”

“53 મિસ કોલ? ઓહ માય ગોડ. જોવા દે મને.” નીરજા ઊછળી પડી. વ્યોમાના હાથમાંથી મોબાઈલ ઝડપી લીધો. જોવા લાગી.

“અરે, આ તો એક જ નંબર પરથી બધા કોલ છે. કોના હશે એ બધા કોલ?“

“તું એ બધા કોલ નો સમય અને તારીખ જો. કદાચ કોઈ અંદાજ કે અનુમાન આવે.” વ્યોમા પણ ઉત્સુક થઈ ગઈ.

“બધા ગઈ કાલ સવારનો સમય બતાવે છે. 9.30 થી 11.30 વચ્ચેનો સમય છે.” નીરજાએ બધા જ કોલ ચકાસી લીધા.

“એટલે કે કાલે આપણે ઝરણાંમાં સ્નાન કરતાં હતા ત્યારે, પંખીઓ જોડે રમતા હતા ત્યારે.“ વ્યોમા અનુમાન કરવા લાગી.

“હા, નરેશ અને મોહા શોધતા શોધતા જંગલમાં આવ્યા, એ પહેલાંનો સમય.” નીરજા જમણા હાથની પહેલી આંગળી ગોળ ગોળ ફેરવવા લાગી.

“નીરજા, આપણો આ નંબર તો માત્ર જેનિફરને જ ખબર છે. તેના સિવાય કોઈને એ નંબરની જાણ નથી. એણે જ તો આપ્યા હતા બે નવા સિમ કાર્ડ.”

“તો શું આ બધા કોલ જેનિફરે જ કર્યા હશે? કેમ કરી ખાત્રી કરવી?”

“એ જ નંબર પર કોલ કરી જો. બધી જ ખબર પડી જશે.”

“ના, એમ ના કરાય. કોઈ બીજી વ્યક્તિનો નંબર હોય તો? હજુ મંઝિલ બાકી છે અને તે પહેલાં કોઈ....” નીરજા સાવચેતી રાખવા માંગતી હતી.

“એક કામ કરીએ, જેનિફરે તેનું કાર્ડ આપેલું છે. તેમાં તેનો નંબર છે જ. ચાલ તપાસી જોઈએ.”

“જો બંને નંબર એક જ હોય, તો ચિંતાનું કારણ નથી.” નીરજાએ જેનિફરનું કાર્ડ કાઢ્યું. બન્ને નંબર ચકાસી જોયા.

“ઓહ માય ગોડ. આ તો જેનિફરનો જ નંબર છે.“ બન્ને હર્ષવિભોર થઈ ગયા.

“તો ચાલ, જેનિફરને કોલ કરીએ. તેની જોડે વાત કરીએ.” વ્યોમાએ પ્રસ્તાવ મૂક્યો. નીરજાને પસંદ પડ્યો.

“જરૂર કરીએ, પણ થોડી વાર પછી. પહેલાં આપણું આ લોકેશન તપાસી લઈએ. ક્યાં છીએ આપણે તે જાણી લઈએ.”

“એ વાત બરાબર છે, નીરજા. જેનિફરને પણ કહીશું કે આપણે ક્યાં છીએ.”

“તે આપણને ગાઈડ પણ કરશે. મજા પડશે. તું ઝડપથી લોકેશન જોઈ લે.”

“ઓ. કે. સર. જો હૂકુમ મેરે આકા.” ગુગલ મેપ પર ફટાફટ સર્ચ કરવા લાગી, વ્યોમા.

“આપણે ધોધથી લગભગ 5 કિલો મીટર દૂર છીએ.”

“કોઈ ગામનું નામ બતાવે છે?”

“પાગલ છે તું તો. જંગલમાં છે અને ગામનું નામ પૂછે છે? જંગલને ગામ ના હોય, અને એટલે નામ પણ ના હોય.” વ્યોમા હસવા લાગી.

“ઓહ એ વાત તો ભૂલી જ ગઈ.”

“અહીંથી ધોધ સાઉથ ઈસ્ટ તરફ છે. બાકી બીજી કોઈ માહિતી નથી. માત્ર જંગલ જ દેખાય છે.”

“તો ઠીક છે. ચાલ જેનિફરને કોલ કરી દઈએ.“

નીરજાએ કોલ જોડી દીધો. ઔપચારિક વાતો થઈ અને જેનિફરે 53 મિસ કોલનું કારણ પણ કહ્યું. નરેશ તેઓને શોધતો હતો, એટલે જેનિફર બંનેને ચેતવવા માંગતી હતી. સાવધ રહેવા કહેવાની હતી. નીરજાએ તેને, નરેશ અને મોહા આવ્યા ત્યારે બનેલી ઘટના કહી. જેનિફર સાથે વાત કરતાં નીરજા ખૂબ જ ખુશ હતી. જેનિફર પણ એટલા જ ઉમળકાથી જવાબ આપી રહી હતી.

“ક્યાં પહોંચ્યા છો તમે?” જેનિફરે અપેક્ષિત હતો એ જ સવાલ કર્યો.

“સ્થળની તો ખબર નથી, પણ નેટ પર જોવાથી ખબર પડી કે અહીંથી 5 કિમી સાઉથ ઈસ્ટ દિશામાં ધોધ છે. અમે માત્ર 5 કિમી દૂર છીએ.”

“માત્ર 5 કિમી. દૂર? તો તો તમે દોઢેક કલાકમાં તો ત્યાં પહોંચી જશો. મારી વાત માનો તો, જ્યાં છો ત્યાંથી અત્યારે જ ચાલવા માંડો. આજે જ રાત સુધીમાં ત્યાં પહોંચી જાઓ. ખૂબ મજા પડશે.”

“પણ રાત પડી જશે તો? રસ્તો કેમ મળશે?”

જેનિફર સામે છેડે કશુંક કહેતી રહી.

“પણ કાલે જઈએ તો? આજ ખૂબ થકી ગયા છીએ. કાલ રાત્રે પણ એ શક્ય જ છે ને ? અમે ત્યાં કાલ રાત રોકવાના જ છીએ.” નીરજાએ દલીલ કરી.

“નીરજા, જંગલમાં ક્યારેય કાલની રાહ ના જોવાય. કાલ શું નવું લઈને આવશે એની કોઈને ખબર નથી હોતી. માટે હું આગ્રહ કરીશ કે તમે આજે જ ત્યાં પહોંચી જાઓ. એક વખત મંઝિલ પર પહોંચી ગયા પછી જે વિઘ્નો કે મુશ્કેલીઓ આવે તેને લડી લેવાય. કદાચ કાલે કોઈ એવું વિઘ્ન આવે કે ...”

“સાચી વાત છે, જેનિફર તમારી. અમે હમણાં જ અહીંથી નીકળી જઈએ છીએ. ત્યાં પહોંચીને ફરી તમારી સાથે વાત કરીશ, થેંક્સ જેનિફર.” નીરજાએ ફોન પૂરો કર્યો.

વ્યોમા સામે નજર કરી. વ્યોમા તેની આંખ નીરજા પર જ માંડીને, ફોનમાં થતી વાતને સાંભળી રહી હતી. તે નીરજાની આંખમાં રહેલો ઈશારો સમજી ગઈ.

“ચાલો. આજે આરામ નહીં કરીએ. ચાંદની રાતમાં ધોધને મળીને પછી મોડી રાતે સૂઈ જઈશું. અને ઉઠીશું પણ ખૂબ મોડા. પણ, અત્યારે તો નીકળી જ જવું પડશે.” નીરજાએ ટેન્ટ ઉખાળવા માંડ્યુ. વ્યોમાએ પણ કોઈ સામો સવાલ કર્યા વિના જ, ફરી પેક-અપ કરી લીધું. બંને નીકળી પડ્યા ધોધ તરફ.