Aapani odakh : samaajni drashtiae books and stories free download online pdf in Gujarati

આપણી ઓળખ : સમાજની દ્રષ્ટિએ

આપણી ઓળખ : સમાજની દ્રષ્ટિએ..

પ્રસ્તાવના..

આ બુકનો સારાંશ તો હું ના લખી શકું પણ હા , એટલું જરૂર કહીશ કે આજના સમાજના લોકો ની જે સત્ય હકીકત છે એજ મેં રજૂ કરી છે. આજની દુનિયાએ એક માણસ ને માણસ તરીકે નહિં પણ એક મશીન કે કઠપૂતળીમાં ગણી લીધો છે.હવે એનું મૂલ્યાંકન અને ઓળખ થતી થઈ ગઈ છે અને એ પણ અન્યની દ્રષ્ટિ એ. માણસ નું પોતાનું તો ઠીક પરંતુ એના દેખાવ અને વર્તન પરથી કોઈ અન્ય વ્યક્તિ એનું પૂરેપૂરું મૂલ્યાંકન અને ઓળખ કરી દે છે. આ માણસ સારો આ માણસ ખરાબ બસ, એવું આપણે રોજબરોજના જીવનમાં અવારનવાર સાંભળતા આવ્યા છીએ અને અને ભવિષ્યમાં પણ સાંભળીશુ પરંતુ કેમ કોઈ એવું નથી વિચારતું કે આ બધા પ્રશ્નો થવા પાછળનું કારણ શુ..? તો આજે આપણે એક વ્યક્તિના પોતાના જ ચરિત્રનું મૂલ્યાંકન અને ઓળખ કંઇ રીતે સમાજ ધ્વારા થાય છે તે જાણવાનો પ્રયાસ કરીએ...

અહીઁ હું એક વ્યક્તિની વાત કરવાની છું નહિં કે કોઈ પુરુષ કે સ્ત્રી ની વ્યક્તિગત ઉલ્લેખ કર્યા વગર સમગ્રના મૂલ્યાંકન વિશે કહીશ જે મને પોતાને બિલકુલ પસંદ નથી. પહેલા તો હું તમને એક વાત જણાવું,

એક પતિ પત્ની સરસ કપડાં પહેરી તૈયાર થઇને એક મૉલમાં ફરવા નીકળ્યા. ત્યાં પહોઁચ્યા એટલે એમની સામેથી એક ખૂબ સુંદર વેસ્ટર્ન આઉટફીટ માં એક સ્ત્રી પસાર થઈ એની પાસે એનું નાનું બાળક પણ હતું. પતિના મોંમાંથી નીકળી ગયું...wow..what a beautiful woman..! તો એની પત્નીનું મોં ચડી ગયું અને એ પેલી સ્ત્રીને જોવા લાગી. જોઈને તરત બોલી, શું આવી સ્ત્રીઓ તમને ગમે છે, ના જાણે આવા કપડાં પહેરી શું શું કરતી હશે..ઘર ને પણ સાચવતી નહિં હોય...ઘરડાને જેમ તેમ બોલતી હશે...વગેરે વગેરે જે લગભગ દરેક સ્ત્રી વિચારતી હશે...અને પછી જ્યારે એ લોકો પાછા આવ્યા ત્યારે એમને રસ્તા માં જોયું કે પેલી સ્ત્રી એના સાસુ અને સસરા ને લઇને મંદિર જઈ રહી હતી..સસરાથી ચલાતું ન હતું તો પકડીને શાંતિથી જતી હતી..આ જોઈને પત્નીનું મોં શરમ થી નીચું થઈ ગયું...

તમે આ વાતમાં નોંધ શું કરી તેં કહેશો..? પેલી પત્નીને ખબર હતી કે એ સ્ત્રી ખરેખર સુંદર હતી પરંતુ એણે એનું મૂલ્યાંકન અને ઓળખ કેવી કરી લીધી..! શા માટે.. કારણ કે એનો દેખાવ અને પહેરવેશ વેસ્ટર્ન હતો એટલે...આવુ લગભગ આપણે રોજ જોતા હોઇએ છીએ..

દુનિયામાં ઘણાબધા અલગ અલગ સ્વભાવ, દેખાવ અને પહેરવેશવાળા માણસો રહેતા હોય છે. દરેકની અંદર કંઇ ને કંઈક ખામી અથવા ખૂબી ભરેલી જ હોય છે પરંતુ એનું ક્યારેય આપણે મૂલ્યાંકન નહિં કર્યું હોય એટલું લોકો ધ્વારા થતું હોય છે. અને એ પણ એવું કે જે ખરેખર વિચારવા લાયક છે. વ્યક્તિને એ પોતે કેવો છે એ નક્કી કરવામાં મૂંઝવણ થતી હોય છે કારણ કે આજના લોકોનું મગજ અને મન નેગેટીવીટી થી એટલી હદ સુધી ભરાઈ ગયું છે કે હવે એમાં સાચાની તો જગ્યા જ ખાલી નથી. કોઇની વાત કરીએ તો સામેના વ્યક્તિએ એના મનમાં પૂરા ચરિત્રનું ઓપરેશન કરી નાખ્યું હોય છે. હાલની પરિસ્થિતિ કંઈક એવી છે કે કોઈ માણસ તમારી સાથે હસીને સારી રીતે વાત કરે તો તોપણ સામેવાળો એવું વિચારી લે કે આને કંઇ કામ હશે કે શું..! દુનિયાના અમુક વ્યક્તિઓ ને પહોચી વળવુ ખરેખર મુશ્કેલ છે. તમે એક વ્યક્તિ વિશે પૂરુ જાણતા નથી એને ઓળખતા નથી તો પછી એકવાર જ મળ્યા પછી એના વિશે ખરાબ વિચાર કે વાતો કરવાનો શું મતલબ..!અને હા, એકને તો નહિં પણ બીજા દસ વ્યક્તિઓ ને એમની વાતો કરશે. કોઇના વિશે જાણ્યા સમજ્યા વગર ખરાબ ધારણાઓ બાંધવાનો તમને કોઈ હક નથી.

આજકાલ લોકોને પોતે શું કરે છે એના કરતા બીજા શું કરે છે એ વાતમાં મજા આવતી હોય છે. દર બે વ્યક્તિની વાત માં મજાક નું કેન્દ્ર તો કોઈ ત્રીજી વ્યક્તિજ બની જતી હોય છે પણ એ લોકોને ખબર નથી હોતી કે એ પોતે પણ ક્યારેક કોઇની નજરમાં મજાક બની શકે છે. લોકોને મજાક મસ્તી કરવી બહુજ સરળ લાગે છે પણ કોઇની નજર માં મજાક બનવું નથી ગમતું. અમુક લોકો ઇર્ષાના કારણે આવુ કરતા હોય છે. કોઇનો દેખાવ સુંદર હોય તો એવું કહી દેતા હોય છે કે એ ખરાબ હશે પરંતુ સુંદર વ્યક્તિ ખરાબ જ હોય એવું કોણે કીધું...દેખાવ જોઈને કોઇના સ્વભાવની ધારણા કંઇ રીતે બાંધી શકાય. અમુક વ્યક્તિ દેખાવ માં મસ્ત હોય પરંતુ એનામાં સંસ્કારનો એક છાંટો પણ નથી હોતો. માણસને દેખાવથી નહિં પણ વર્તન અને સ્વભાવથી પસંદ કરો. આપણે અમુકને જોઈને એવું ધારી લઈએ છીએ કે આને કંઇ નહિં આવડતું હોય પણ એ જ વ્યક્તિ એના જીવનમાં શ્રેષ્ઠ સાબિત થાય છે. દરેકના સ્વભાવ અને શોખ અલગ હોય છે. પોતાના શોખ પણ ઘણીવાર આપણને ભારરૂપ બને છે. ચાલો, મારી જ વાત કરું....મને લખવાનો ઘણો જ શોખ છે. એ પછી જિંદગી વિશે હોય સંબંધ કે પછી પ્રેમ વિશે હોય...વાંચવાનો પણ એટલો જ શોખ છે તો એનો મતલબ એવો નથી હોતો કે મારા જીવનની કથા હું લખું છું કે પછી મને પ્રેમ થઈ ગયો છે કે પ્રેમ અધૂરો રહી ગયો છે...કેમ એક સ્ત્રીનું લખાણ એની આત્મકથાના રૂપ માં ગણાઇ જાય છે...એ એનો શોખ ન હોઇ શકે. જીવનમાં ખુલ્લા દિલથી જીવવું શું પાપ છે..! તમે એને સારી રીતે જાણો છો..? શું કામ કોઇના વિશે ખરાબ ઓળખ ઊભી કરવી..

" આ વ્યક્તિ મને સેજ પણ ગમતો નથી, આ છોકરી મને નથી ગમતી " આવા વાક્યો કોણે નથી સાંભળ્યા એમ કહો..પણ કારણ વિના કોઈ તમને ના ગમવાનું કારણ શું? એણે તમારી સાથે એવું તે શું કર્યું કે તમને નથી ગમતો.."ગમવુ" શબ્દ નો સાચો અર્થ આ સમાજ માં હજી કોઈ જાણી નથી શક્યુ..આમાં હું વાત કરું છું વિજાતીય મૈત્રી વિશે... એક સ્ત્રી અને પુરુષ બંનેને માત્ર એક જ સંબંધ હોય પ્રેમ અથવા સેક્સ એવું સમાજના લોકો માનતા હોય છે. દરેક જગ્યા એ એવું કહેવાય છે કે એક સ્ત્રી અને પુરુષ ક્યારેય મિત્ર બની શકે નહિં. જો સાચું જોવા જઇએ તો વિજાતીય મૈત્રી જેવી બીજી કોઈ નથી હોતી પણ એવું સમાજ નહિં સમજે.કોઈ છોકરો અને છોકરી જો સાથે બેસીને વાત કરે તોપણ લોકો એમ કહેશે કે બંનેનું અફેર ચાલતું હશે..અરે આ તો ઠીક પણ સમાજની દ્રષ્ટિ એટલી હદ સુધી ખરાબ થઈ ગઈ છે કે બે ભાઈ બહેન સરખી ઊંમરના જો સાથે જતા હોય ને તોપણ જોયા કર્યા વગર એને લફરુ ગણી લેતા હોય છે. સમાજ ને મારો આ જ પ્રશ્ન છે કે આવુ કેમ..? શા માટે એક વ્યક્તિના ચરિત્ર પર જોયા જાણ્યા વગર દાગ લગાવી દેવામાં આવે છે...

આજે પણ સમાજ વિજાતીય મૈત્રીને સમજી કે સ્વીકારી શકતો નથી એનું કારણ આપણે પોતે જ છીએ ને..કોઈ બે સ્ત્રી પુરુષ સાથે આવતા જતા હોય હસીને વાત કરતા હોય તો આ વાતને અન્ય વ્યક્તિ મજાક બનાવીને બીજા સુધી પહોચાડી દે છે. મોટા શહેરો કરતા નાના ગામડામાં આ વસ્તુ વધુ જોવા મળે છે કારણ કે એમની સ્ત્રીઓ ઓછું બોલી ને માથે ઓઢીને મર્યાદા માં રહેતી હોય છે..હવે મર્યાદાની વાત આવીજ છે તો થોડી એની વાત પણ કરી લઉં...હું એમ નથી કહેતી કે મર્યાદા તોડીને મનની ઇચ્છા પૂરી કરવી..મર્યાદા ખુબજ સુંદર વસ્તુ છે. દરેક વ્યક્તિને પોતાની મર્યાદા ખબર જ હોય છે. લોકો એમ કહેતા હોય છે કે આણે મર્યાદાની બહાર જઇને આ કામ કર્યું છે પણ એવું નક્કી કોણ કરે કે મર્યાદા ની અંદર શું અને મર્યાદા ની બહાર શું..! મર્યાદા કપડાં કે દેખાવ થી નહિં પણ સંસ્કાર થી અંકાય છે. અન્ય લોકોને આપણી મર્યાદા શૂ છે એ જણાવા નો કોઈ હક નથી..

દરેક બે વ્યક્તિ એ પછી પતિ પત્ની હોય, બે સહકર્મચારી હોય કે પછી બે મિત્રો હોય...સંબંધમાં મુખ્ય વસ્તુ છે વિશ્વાસ...એકબીજા સાથે આખી જિંદગી સંબંધ રાખવાનો જ છે તેના વિશે ખોટી છાપ મન માં કેમ ઊભી કરવી..યાદ રાખજો એક વાત કે હાલ જે તમારી સાથે વાત કરી શકે છે એ તમારી પાછળ પણ વાત કરી શકે છે...

પ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈધે કહેલો એમનો એક કિસ્સો કહું...

એકવાર તેઓને પોતાના લેક્ચર માટે બહાર જવાનું હતું અને ફ્લાઇટ પકડવાની હતી તેઓ ફ્લાઇટ ની રાહ જોતા હતા અને એનાઉન્સ થયું કે આગળની ફ્લાઇટ લેટ છે એટલે તેઓ ત્યાં જ બેસી રહ્યા. વધુ વાર થઈ એટલે એમને થોડી ચિંતા થઈ કારણ કે બીજી જગ્યા એ પણ લોકો એમની રહ જોતા હતા. એમની નજર એક યંગ હેન્ડસમ લગભગ 25 27 વર્ષના એક યુવાન પર પડી લ. કાજલબેને એને પૂછ્યું, " કંઇ જાણવા મળ્યુ ફ્લાઇટ વિશે ? " આ પ્રશ્ન એમણે એને થોડી થોડી વારે લગભગ ઘણી વાર પૂછ્યો. પછી જ્યારે ફ્લાઇટનો સમય થઈ ગયો ત્યારે એ યુવાને સામેથી આવીને કહ્યું,"મેડમ, આપની જવા માટેની ફ્લાઇટ આવી ગઈ છે." કાજલ બેને એનો આભાર માન્યો અને જવા નીકળ્યા ત્યાં જ પેલા યુવાને એમને બોલાવીને કહ્યું," મેડમ, I miss u.." હવે વાત કરો. આટલા સમયથી જેણે એનું માથુ ચડાવ્યૂ એ જ વ્યક્તિ એમને મિસ યુ કહે છે. હવે આ જ વસ્તુ કદાચ આપણી સાથે બને તો આપણા લોકો મિસ યુ શબ્દ ને છેક અફેર સુધી લઈ જશે...

કદાચ કોઈ છોકરીને આવું કોઈ કહે તો એ એવુજ વિચારી લેશે કે આ કેટલો ખરાબ છે ખોટું મેં આની સાથે વાત કરી..પણ એ નથી વિચારતા કે આટલા ઓછા સમય માં એ બંને ની કેવી મિત્રતા થઈ હશે કે તેઓ ફરી નહિં મળે તોપણ એકબીજાને યાદ રાખશે..બસ બીજું આપણને શું જોઇએ એકબીજાને એકબીજા સાથે ગમવુ એ મહત્વનું છે.જીવન ખુલ્લા મનથી જીવવા માટે હોય છે નહિં કે લોકોની પાછળ એમની વાતો કરવા. એવુ કોણે કીધું કે ગમતું વ્યક્તિ એક પતિ કે પત્ની જ હોઇ શકે, એ તો એક સારો મિત્ર એક નાનું બાળક કે ગમે તે હોઇ શકે અને એના માટે કોઈ ખાસ કારણ તો ન જ હોય. જેને જે ગમે જેની સાથે ગમે વાત કરી શકે હસી શકે છે તેમાં અન્ય લોકોને શું વાંધો આવે..! શુ એ લોકો પણ પોતાની રીતે સ્વતંત્ર ન રહી શકે ?

મોટા મોટા દેશનેતાઓ બિચારા આપણા દેશ ને તો ગુલામો માંથી આઝાદ કરીને ગયા પણ લોકોના દિલ અને મનને સ્વતંત્ર ના કરી શક્યા. આજે પણ લોકોના મનમાં ઇર્ષા અને વેરભાવ જોવા મળે છે. કોઈ આગળ જાય એ પણ નથી જોવાતું લોકોથી એટલે એના વિશે ખોટી વાતો સમાજમાં ફેલાવે છે. તમે જાણો જ છો કે કોઈ છોકરો છોકરીને જોવા જાય અને જો સંબંધ નક્કી થાય તો લોકોને ગમતું નથી હોતું. આવુ દરેક સમાજ માં જોવા મળે છે અને એવા લોકો બધી જગ્યા એ છોકરી છોકરા વિશે ચરિત્ર વિશે ખોટી કાટો ફેલાવીને તોડાવી નાખતા હોય છે. કોઈ એવું નથી વિચારતું કે એની સમાજ માં ઈજ્જત શું રહેશે..કાલે કદાચ મારી સાથે પણ આવું થઈ શકે છે.બીજાની વાત કરતા પહેલા એ પોતાના પર આવે તો કેવું થાય એ પહેલુ જોવાનું.. દુનિયા માં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. પણ આપણી ઓળખ અને ખામીઓ નું પ્રદર્શન લોકો ધ્વારા કેમ થાય છે.

હવે વાત કરું સ્ત્રી અને પુરુષની વ્યક્તિગત સમસ્યા વિશે. સ્ત્રીઓની વાત કરીએ તો એવું કહેવાય છે કે એમને બીજાની પંચાત કરવી ખૂબ ગમે છે અને થોડા અંશે એ વાત સાચી પણ છે. કોઈ એક સ્ત્રીએ બીજી સ્ત્રી ના દિલ થી વખાણ કર્યા હોય એવું ભાગ્યેજ જોવા મળે છે.અત્યારનો સમાજ સ્ત્રીઓના કપડાં પરથી એની ઓળખ જલ્દી નક્કી કરી નાખે છે. જીન્સ અને ટી શર્ટ પહેરવાથી સ્ત્રીઓ ખરાબ બની જાય છે..કોઈ પરપુરુષ સાથે વાત કરવાથી સ્ત્રીઓનું ચરિત્ર બગડી જાય છે...આના માટે એક નહિં પણ સ્ત્રી અને પુરુષ બંને જવાબદાર હોય છે..વગર વિચાર્યે કોઈ પુરુષ માટે ખરાબ વાત કરતી ઘણી સ્ત્રીઓ જોવા મળે છે. કોઈ છોકરો સહેજ હશે કે કંઇ મદદ કરે તો વિચારશે કે એ મારી પાછળ પડ્યો છે એ મને લાઇન મારી રહ્યો છે...આ જ વાત પુરુષો ને પણ લાગુ પડે છે છોકરી એની સામે જોઈને હશે તો એવી વાત ફેલાવે કે આજે તો એ મારાથી પટી ગઈ અને મજાક બનાવી નાખે...કેમ બંને એકબીજાને સરળતાથી લઈ નથી શકતા...આપણે જ આપણી જાત ને ઘણી વાર મૂંઝવણ માં નાખી દેતા હોઇએ છીએ. આપણે સમાજમાં કંઇ રીતે રહેવું એ સમાજ નક્કી કરે છે આપણે જાતે નહિં...કેમ ? આપણે બીજા ને જે ગમે તે કરવા હંમેશા તૈયાર હોઇએ છે..બીજા શું વિચારશે એના લીધે થઇને મનની ઇચ્છા પૂરી કરી શકતા નથી. ખુલ્લા મનથી જીવનનો આનંદ માણી શકતા નથી..દુનિયા ના ડર થી જીવન ના બે ભાગ પડી જતા હોય એવું લાગે છે..આપણો સ્વભાવ આપણા શોખ આપણી ઇચ્છા આપણું જીવન બીજા ના આધાર પર ન જીવી શકાય.. એક વાત યાદ રાખજો કે દુનિયાના તમામ લોકોને એકસાથે તો ખુશ રાખી શકાતા જ નથી એટલે એવા પ્રયત્ન કરી પોતાની ઇચ્છાઓને મારવી નહિં..

એક ખાસ અને આજના યુગની જ વાત કરવાની તો બાકી જ રહી ગઈ...તે છે સોશિયલ મીડિયા..હા આજે વોટ્સએપ ફેસબુક અને ટ્વિટર જેવા ઘણા એપ્સ આવી ગયા છે જેના કારણે ઘણા ફાયદા પણ છે અને દૂષણો પણ ફેલાય છે. આના કારણે સૌથી વધુ ભોગ સ્ત્રીઓ બનતી હોય છે કારણ કે સ્ત્રીઓને આજે પણ પુરુષ કરતા ઓછી જ સ્વતંત્રતા આપવામા આવી છે જો તે ખુલ્લા મનથી જીવવા જાય કે તરત વાતો નો દોર ચાલુ...પુરુષ મિત્ર ને તે મેસેજ પણ કરી શકતી નથી કે કંઇ કૉમેંટ આપી શકતી એનું મુખ્ય કારણ એ જ કે લોકો મારું નામ જોશે..અરે કોઇનો એમ જ મેસેજ આવે કે તરત ડરી જાય કે આને એવું શું હશે...ઘણી વાર નાની અમથી સમાન્ય વાત ને લોકો મોટું સ્વરૂપ આપી દેતા હોય છે. બીજા ની સામે જો કોઈ સ્ત્રી મોબાઇલ લઇને બેસે તો લોકો વિચારશે કે નક્કી આને કોઈક ની સાથે લફરુ હશે અને કોઈ ને મેસેજ કરતી હશે..જાહેર માં ફોન લઇને બેસવું એ સમાજ ની દ્રષ્ટિ એ ખરાબ ગણાય છે કેમ કે લોકો શું વિચારશે...એકબીજા સાથે નામ જોડી દેવા કોઇના ચરિત્ર પર દાગ લગાવવો એ આજ ના અમુક લોકો ની જાણે આદત બની ગઈ છે...કોઇએ કોઈને "ઓળખવું"નથી પણ " ઓળખી જવુ " છે..બસ ,આ જ સમાજની પરિસ્થિતિ છે..

હાલમાં જ અમિતાભનું પિંક મુવી આવી ગયું એમાં પણ આના વિશે જ વાત કરવા માં આવી છે કે કોઈ છોકરી નાનો સ્કર્ટ પહેરે રાત્રે બહાર ફરવા જાય તો એ લોકોની નજર માં ખરાબ બની જાય છે..વધુ પડતું બોલવું વધુ પડતું હસવું, કંઈક લખવું, વાંચવું, બધા સાથે મિત્રતા કરવી, હસીને વાત કરવી, વિજાતીય મૈત્રી બાંધવી, સ્ટાઇલિશ કપડાં પહેરવા,મેસેજ કરવા, કૉમેંટ્સ કરવી વગેરે વગેરે...આ દરેક કારણો અન્યની નજરે ખરાબ માં ગણાઇ જાય છે. જીવનને સારી રીતે એ લોકો તો ન માણે પણ બીજા સુખી રહે એ એમની આંખમાં ખુંચતું હોય છે...

અંત માં સમાજને હું એટલું જ કહેવા માંગુ છું કે કોઇપણ વ્યક્તિ હોય ચાહે સ્ત્રી હોય કે પુરુષ તેમનુ માન જાળવો, કોઇની ઇજ્જતનું સન્માન કરતા શીખો. મન અને મગજને સારી અને સાચી દિશામાં લઈ જવા પ્રયત્ન કરો..સમાજ ને આગળ લાવો..લોકોની વાત કરવાથી મજાક બનાવવાથી આજ સુધી કોઈને કંઇ મળ્યુ પણ નથી અને મળવાનું પણ નથી એટલે જે કોઈ સારા કામ કરતુ હોય એને સાથ આપી જીવન સુખેથી જીવવા પ્રયત્ન કરો..

Make Moves..

Accomplish all your goals..

Learn to Fall in love with yourself..

And prove all your doubters wrong..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED