મારી ખુશનુમા જિંદગી - Letter to your valentine Vijita Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ખુશનુમા જિંદગી - Letter to your valentine

મારી જિંદગી ખુશનુમા જિંદગી

વિજિતા પંચાલ

પ્રિય,

આજે 14 ફેબ્રુઆરી છે તને ખબર છે ને આજે આ દિવસ ‘ વેલેંટાઇન ડે’ તરીકે ઓળખાય છે. પ્રેમીઓનો દિવસ, આપણા જેવા પ્રેમીઓનો દિવસ. આપણે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ જાણીએ છીએ અને હવે તો ખૂબ સારી રીતે સમજીએ પણ છીએ.પરંતુ પ્રેમનું વર્ણન કરવામાં તો એવું લાગે છે કે સાત જન્મ પણ ઓછા પડશે. હું તને આ પત્ર ધ્વારા થોડું થોડું મારું દિલ પણ સોંપી રહી છું..

તને યાદ છે આપણી જ્યારે કોલેજના ફર્સ્ટ યરમાં ભેગા થયા ત્યારે તું કેવો હતો અને હું કેવી હતી. હું નાદાન ઓછાબોલી અને શરમાળ પણ તું એકદમ બિંદાસ….મેં તને પહેલી નજરે જોયો ત્યારથી જ મારા દીલની એક ધડકન તારા નામની થઈ ગઈ હતી…ખબર નહીં એ વખતે તેં મને જોઈ હતી કે નહીં. આમ ને આમ ઘણા દિવસો ચાલ્યું. તારો નંબર મારામાં હતો પણ નહીં પરંતુ તે હિંમત કરી મારી સાથે વાત કરવાની.હું ગભરાતી ગભરાતી તારી સાથે વાત કરતી. અચાનક એક દિવસ તે મને પ્રપોઝ કર્યું હું તો પાગલ જેવી બની ગઈ. મને નહોતી ખબર કે તારા જેવા છોકરાને મારી સાથે લવ થાય અને આજે આપણો પ્રેમ એટલી હદ સુધી વધી ગયો છે જેની કોઈ સીમા જ નથી. શબ્દો નથી વર્ણવવા માટે. આપણે કોલેજમાંથી બક મારતા ફરવા જતા, એકબીજાના સાથનો આનંદ માણતા.એકબીજાની ખુશી અને દુખમાં ભાગીદાર થતા.પ્રેમમાં ઘણી પઝેઝીવનેસ પણ આવતી ગઈ. મને એવું જ લાગ્યા કરતું કે હ તને તારાથી પણ વધુ લવ કરું છું .

માત્ર ‘I love u’ દિવસમાં સો વાર બોલવાથી પ્રેમની વાર્તા પૂરી નથી થઈ જતી પણ એ i love u ની મહેક જીવનના છેલ્લા શ્વાસ સુધી અકબંધ જળવાઈ રહેવી જોઈએ અને આપણો પ્રેમ તો સાત જન્મનો છે ને ડિયર...!! હું તને ખાતરી આપું છું કે મારા જેટલો પ્રેમ તને તારો ખુદનો પડછાયો પણ નહીં કરી શકે. ખબર નહીં કેમ પણ કોઈ કારણ વિના જ તારા પર લાગણીની માળા બંધાઇ ગઈ છે. તારી નજર જો મને દિવસમાં એક પણ વાર ન મળે તો મારો ચહેરો કરમાઇ જાય છે.મારા કાન તારો એક અવાજ સાંભળવા તરસતા જ રહે છે. મારો તારા પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ જ નહીં પણ મારા જીવનનો અડધો હિસ્સો છે.તારી સાથે વાત ન કરું તો એવું લાગે છે કે કંઈક ને કંઈક ખૂટી રહ્યું છે.તારી સામે હું જોઉં ત્યાંરે એવું જ થયા કરે કે આંખો ક્યારેય પલકારો મારે જ નહીં કારણ કે એક સેકંડ પણ મારી આંખ સામે અંધારું થાય એ મને પોષાય એમ નથી.

મારા જીવનમાં જો મને કોઈએ હિંમત આપી હોય તો એ તું જ છે. તારા આગમન પછી હું મારી પોતાની જાતને શોધી શકી છું. હું જ્યારે જ્યારે ઉદાસ હોઉં ને ત્યારે તારી નાની નાની હરકતોએ મને બહુ ખુશ કરી છે. મારું જીવન રંગબેરંગી બની ગયું છે. તું આસપાસ હોય કે ના હોય તારા અવાજના ભણકારા સતત મારા કાનમાં વાગ્યા જ કરતા હોય છે. જ્યારે તું મારી સામે હોય છે ને ત્યારે આજુબાજુ શું ચાલી રહ્યું છે એનું ભાન મને રહેતું નથી. કહેવાય છે ને,

“જ્યારે તમને કોઈ ગમવા લાગે ત્યારે આજુબાજુનું બધું જ ગમવા લાગે છે”

બસ આવી જ મારી હાલત થઈ ગઈ છે. મને હવે તું એટલો ગમવા લાગ્યો છે કે બધી જગ્યા એ બસ તારૂં જ નામ અને તારો જ આભાસ થવા લાગ્યો છે. ક્યાંક તું દેખાઈ જઈશ, ક્યાંક તારું નામ શોધી લઈશ. બસ બધી જગ્યા એ તું, તું અને તું જ સંભળાયા કરે છે..

તારો દિવસમાં પહેલો મેસેજ પણ ન આવે ને ત્યારે મન બેચેન થઈ જાય છે. શું થયું હશે એ વિચારથી જ મન વિચલિત બની જાય છે.તારા જ કારણે આજે મારી અંદરની ખૂબીઓ જાણી શકી છું. હું કોરી સ્લેટ જેવી હતી અને તારી હયતીએ મારામાં નવા જ રંગો ભરી દીધા છે. આપણે જ્યારે મળીએ એ દિવસો મારા જીવનના યાદગાર દિવસો બની જાય છે. લાગણી શબ્દનો સાચો અર્થ હવે મને સમજાયો છે. તે તારી જાતને ભૂલીને મને સાચવી છે. મને સહન કરી છે.

આજે આપણે એક થયા ને દસ વર્ષ થઈ ગયા છે. પરંતુ હજી પણ એવું લાગ્યા કરે કે આ આપણો પહેલો જ વેલેંટાઇન ડે છે. તારા પ્રેમે મારી જિંદગીને રોજ નવી બનાવી છે. આપણા માટે આજનો દિવસ નવો નથી કારણ કે જીવનના દરેક દિવસ તારી સાથે વેલેંટાઇન ની જેમ જ જીવવાનું મન થાય છે. તારી સાથે વિતાવેલા દસ વર્ષ મારૂં આખું જીવન બની ગયું છે. તારી આપેલી ખુશી, તારું આપેલુ સુખ, તારૂં આપેલું હાસ્ય બધું જ મારા ચહેરા પરની ઉંમર ને જીવનભર ઢાંકી દેશે. તું મને મારા કરતા પણ વધુ ઓળખે છે અને મારી દરેક નાની વાતોનું ધ્યાન રાખે છે જે મને તારી સાથે વધુ જીવવા પ્રેરે છે. ઘણી વાર મારો સ્વભાવ અને ગુસ્સાનો ભોગ તું બને છે જે તને નહીં જ ગમ્યું હોય પણ તેં મને દરેક વખતે માફ કરીને અપનાવી છે. જીવનસાથીની સાચી ભૂમિકા તેં સાચી રીતે ભજવી છે. “prem” નો સાચો અર્થ એવો તો નથી કે બહાર ફરવા જવું, મુવી જોવા જવું કે દુનિયાને ભૂલી બસ એકબીજામાં ખોવાઈ જવું કદાચ એટલે જ પ્રેમને આંધળો કહેવાયો છે. પરંતુ તારા પ્રેમમાં પડ્યા પછી એવું લાગે છે કે દરેક નવા દિવસે તારા પ્રેમમાં રોજ પડું. જિંદગી સાથે ચાલવાના સાથે વિતાવવાના જે સાત વચન આપણે લીધા હતા એમાં તું ઉમદા પુરવાર થયો છે. મને કંઈક નાની તકલીફ પણ પડે તે તું સહન નથી કરી શકતો. એક નાના બાળકની જેમ તું મારું ધ્યાન રાખે છે. બીજાં માટે કદાચ આ શબ્દો સામાન્ય લાગશે પણ મારા માટે આ બધી મારી લાગણીઓ છે.

એક છોકરો કોઈ છોકરીને જ્યારે પ્રેમ કરે ત્યારે એકબીજાની આંખોમાં જોઈ વખાણ કરતા હોય છે. બંને એકબીજાને કહેશે, ‘ જાનુ, હું આજે કેવી કે કેવો લાગું છું..? બેબી, તું મને કેટલા વાગે મળીશ..?’ પણ આ બધા કરતા તું જ્યારે મને એટલું પૂછે ને કે, ‘બકા, તેં ખાધું..? તારી તબિયત બરાબર નથી તો તું આજે આરામ કર, જમવાનું હું બનાવીશ..’ ત્યાંરે મને આ જાનુ, બેબી જેવા શબ્દોનું નહીં પણ તારા પ્રેમનું મૂલ્ય સો ગણું વધી જાય છે. દુનિયાનો સૌથી બેસ્ટ લવ કહી શકાય એટલું તારા પ્રત્યેનુ મારું માન વધે છે.તારી અંદર શું કમી છે એ તો હું નથી જાણતી પણ હા તારી અંદર જે ગુણોનો ખજાનો છે એની આગળ કમી તો ક્યાંય ડૂબી જાત. તારી દર વર્ષે આપેલી સરપ્રાઈઝ ગિફ્ટ દર વર્ષે તારા અને મારા પ્રેમમાં વધારો કરી આપે છે.

આજે આપણને ભગવાને સરસ મજાની પરી જેવી દીકરી ભેટમાં આપી છે જે હવે મારી વેલેંટાઇન 2 બની ગઈ છે. ‘ વેલેંટાઇન’ નો અર્થ એવો નથી કે તે પ્રેમી કે પ્રેમિકા જ હોઈ શકે. પ્રેમ ખાલી બે પ્રિયજનોમાં જ હોય તે જરૂરી નથી. મારા જીવનમાં બે વેલેંટાઇન છે. મારો જિંદગીભરનો પ્રેમ અને એ જ પ્રેમની આપણી નિશાની. એ જ નિશાનીને હવે આપણે સજાવી ઉછેરી મોટી કરવાની છે. મારા દરેક વેલેંટાઇન ડે તમારા બંનેથી જ શણગારાય એનાથી વિશેષ બીજી કોઈ ભેટ નથી.

અંતમાં, ભગવાનને મારી એકજ પ્રાર્થના છે કે મારો વેલેંટાઇન 1 જીવનના છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહે અને આપણે બંને ભેગા થઈ આપણા વેલેંટાઇન 2 ને સુખી અને ખુશ બનાવીએ એવા પ્રયત્નો ચાલુ રાખીએ.....

બસ, એ જ લિ...

તારી પ્રિયતમા....તારી અર્ધાંગિની...