Cache loss books and stories free download online pdf in Gujarati

કેશગુંફન

આજે નિશાળમાં ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે કેશગુંફનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિશાળની બધી જ છોકરીઓ એમાં ભાગ લેવા માટે ખૂબજ ઉત્સાહિત હતી. ગામડાંની છોકરીઓ વાળમાં હેરસ્ટાઈલ કરવામાં બહુ હોંશિયાર હતી.જ્યારે સ્પર્ધાનો દિવસ આવ્યો ત્યારે ધોરણ -૮ની એક છોકરી વીણા એક ખૂણામાં ઉદાસ થઈને બેઠી હતી. વીણા આ વર્ષે બીજી સ્કૂલમાંથી એડમિશન લઈને અહીં નવી આવી હતી.
એને આમ ખૂણામાં ઉદાસ બેઠેલી જોઈને એની બહેનપણીઓએ પૂછ્યું,
"કેમ વીણા, તું અહીં આમ બેઠી છે ? કંઈ થયું છે કે શું?"
વીણાએ જવાબ આપ્યો," ના, કંઈ થયું નથી પણ આજે મારો કોઈ મૂડ નથી."
"પણ કેમ? આજે તો આપણી સ્કૂલમાં કેશગુંફનની સ્પર્ધા છે, ચાલ ને, કેટલી મજા આવશે.! તને તો આવડે છે ને કેશગુંફન? એમાં તેં ભાગ લીધો છે કે નહીં કે તો ખરા અમને..!" વીણાની બહેનપણીઓએ પૂછ્યું.
વીણાએ કહ્યું,"બસ આ સ્પર્ધાના કારણે જ હું દુઃખી છું. હું જ્યારે મારી જૂની સ્કૂલમાં ભણતી હતી ત્યારે મારી મમ્મી મને દર વર્ષે આ સ્પર્ધામાં નવી નવી જાતનું કેશગુંફન કરતાં શીખવાડતી હતી અને દર વખતે મારો પહેલો જ નંબર આવતો, અમે બંને બહુ ખુશ થતાં હતાં પણ હવે...."આટલું કહીને વીણા ત્યાંજ અટકી ગઈ.
"પણ હવે શું..? કેમ હવે તું આટલી ઉદાસ છે તારા માટે તો આ મસ્ત મોકો છે." વીણા થોડીવાર ચૂપ થઈ ગઈ પછી બોલી," વાત એમ છે કે મારા મમ્મી પપ્પાના બહુજ ઝગડા થતા હતા તો એક દિવસ મારા પપ્પાએ મને એમની સાથે રાખી ને મારી મમ્મીને ઘરેથી કાઢી મૂકી ત્યારથી જ્યારે જ્યારે મને આ કેશગુંફનની સ્પર્ધા આવે છે ને તરત મને મારી મમ્મીની બહુજ યાદ આવે છે." આટલું કહી વીણા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.આ સાંભળી ત્યાં ઊભેલી દરેક છોકરીની આંખમાં આંસુ આવી ગયા. થોડે દૂર વીણાની શિક્ષિકા આશાબેન પણ ઊભા હતા અને એમણે વીણાની બધી વાત સાંભળી લીધી હતી. એમને પણ ખૂબ દુઃખ થયું પરંતુ મનથી નક્કી કર્યું કે વીણાને એની લાઇફમાં આ રીતે અચાનક હાર નહિ જ માનવા દે. આશાબેનના મનમાં તરત એક વિચાર આવ્યો.
સ્પર્ધાને તો હજી ત્રણ કલાકની વાર હતી. આશાબેને વીણાને ક્લાસમાં એકલી બોલાવી અને કહ્યું," તારે આજે કેશગુંફનની સ્પર્ધામાં ભાગ લેવાનો છે બસ." વીણાને મનથી ઈચ્છા તો નહોતી પણ બેનનું માન રાખવા એ ભાગ લેવા તૈયાર ગઈ. પણ મનમાં વિચાર આવ્યો કે મમ્મી વગર એને આ બધું શીખવાડશે કોણ.? એને સખત ચિંતા થઈ કે હવે એક કલાકમાં એ બધું કઈ રીતે કરશે.? આશાબેન એને ક્લાસમાં લઈને ગયા જ્યાં કોઈ નહોતું. વીણાને થયું આ બેન મને એકલીને અહીં કેમ લઈને આવ્યા હશે.!! થોડીવાર પછી વીણાએ જોયું તો સામે એની મમ્મી ઊભી હતી. મમ્મીને જોતાં જ વીણા તો આનંદવિભોર બનીને સીધી મમ્મીને ગળે જ વળગી પડી. મમ્મી પણ વીણાને જોઇને ખૂબજ ખુશ થઈ ગઈ. બંને બહુ જ રડ્યા અને પછી ઘણી બધી વાતો કરી અને થોડીવાર પછી પહેલાંની જેમ મમ્મીએ વીણાને ફરી એકવાર એકદમ નવી સ્ટાઈલનું કેશગુંફન કરતાં શીખવાડ્યું અને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. દર વખતની જેમ જ આ વર્ષે પણ પહેલો નંબર વીણાનો જ આવ્યો. વીણા અને એની મમ્મી બંને આંખોમાં ખુશીઓની રોશની સાથે ચમકવા લાગ્યાં ને હર્ષનાં આંસુ સાથે એકબીજાને ભેટી પડ્યા.
આશાબેન પણ ત્યાં દૂર ઊભા ઊભા મા અને દીકરીનું આવું અતૂટ લાગણીનું ગુંફન જોઈને ભાવવિભોર બની ગયા ને આંખોના ખૂણેથી એ પણ આંસુ લૂછવા લાગ્યાં..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED