એક પતંગિયાને પાંખો આવી - 45 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 45

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 45

વ્રજેશ દવે “વેદ”

“ત્યાં જો, મને કોઈક હોય તેવું દેખાય છે.“ નીરજાએ દક્ષિણ પૂર્વમાં હાથ લાંબો કર્યો.

કોઈ બે વ્યક્તિઓની આકૃતિ દેખાઈ રહી હતી. એક પુરુષ અને એક સ્ત્રી હોય તેવું લાગી રહ્યું હતું. તેઓ ઝાડી વચ્ચેથી જંગલના માર્ગ તરફ આવી રહ્યા હતા. નીરજા અને વ્યોમા પણ તે માર્ગ પર જ ચાલી રહ્યા હતા.

તેઓ વધુ નજીક આવી ગયા. હવે સ્પષ્ટ દેખાતું હતું, કે તેઓ સ્ત્રી અને પુરુષ જ હતા. તેઓના શરીર પર રહેલા કપડાં ઉપરથી લાગતું હતું કે તેઓ કોઈ સાધુ-સાધ્વી હશે. તેઓ પાસે એક થેલી પણ હતી.

“નીરજા, અહીં જ રોકાઈ જા.” વ્યોમા સાવધ થઈ ગઈ.

”કેમ? શું થયું?” નીરજા રોકાઈ ગઈ. વ્યોમાએ હોઠો પર આંગળી મૂકી ચૂપ થઈ જવા કહ્યું. અને ઈશારાથી સાધુ-સાધ્વીને જોવા કહ્યું. બંને ઝાડની આડશમાં છુપાઈ ગયા અને પેલા બંને પર નજર રાખવા લાગ્યા.

તેઓ હવે માર્ગ પર આવી રહ્યા હતા. તેઓના વસ્ત્રોનો રંગ સફેદ હતો. બંને યુવાન હતા. 18-20 ની ઉમર હશે. સાધુએ નીચે એક વસ્ત્ર વીંટાળેલું હતું. કદાચ લુંગી જેવુ. ઉપર, એક ખભા પર ઉપવસ્ત્ર ઓઢેલું હતું. બીજો ખભો ખુલ્લો હતો.

સાધ્વીએ પણ નીચે સફેદ વસ્ત્ર વીંટાળેલ હતું. પણ તે વસ્ત્ર તેના ગોઠણ સુધી જ ઢંકાયેલું હતું. નીચે પગ ખુલ્લા દેખાઈ રહ્યા હતા. કોઈ સ્કર્ટ જેવુ લાગતું હતું. ઉપર બંને ખભા ખુલ્લા દેખાય તેમ કોઈ વસ્ત્ર વીંટયું હતું. પીઠ પણ અર્ધ ખુલ્લી હતી. કમર નીચેનો ભાગ પણ ખુલ્લો દેખાતો હતો. તેના વસ્ત્રો તેના શરીરને ઢાંકવા કરતાં ઉઘાડા વધુ કરતાં હતા. તેનું ઉઘાડું શરીર ખૂબ જ માદક લાગતું હતું. એક એક વળાંક આકર્ષક અને ખુલ્લા હતા.

તેઓ હવે માર્ગ પર આવી ગયા. અને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા. નીરજા અને વ્યોમાને પણ તે જ દિશામાં જવાનું હતું. પણ તેઓ હજુ પણ ત્યાં જ ઉભા રહ્યા અને તેઓને દૂર જતાં જોઈ રહ્યા.

“નીરજા, આ બંને સાધુ-સાધ્વી લાગતા નથી. મને તો લાગે છે...” વ્યોમા ઉશ્કેરાઈ ગઈ.

“મને એ લોકો શંકાસ્પદ લાગે છે. આપણે તેનો પીછો કરવો પડશે. પણ સલામત અંતરે.” નીરજા પણ હવે નવા સાહસ માટે ઉત્તેજિત થઈ ગઈ.

“તેમાં જોખમ રહેલું છે હો, ખબર છે ને?”

“કેવું જોખમ?“ નીરજાએ પ્રશ્ન કર્યો.

“એક, નરેશ અને મોહાના માણસો આ જંગલમાં જ ફરી રહ્યા છે. આ લોકો કદાચ તેના જ માણસો હોઇ શકે. બે, આ લોકો સ્થાનિક છે. આપણે બહારના છીએ. જો તેઓ આપણાં પર હુમલો કરે તો ? તેઓ પાસે હથિયાર પણ હોઇ શકે છે. ત્રણ, ...” વ્યોમા જોખમનું ગણિત સમજાવવા લાગી.

પણ નીરજાએ તેને અટકાવી દીધી, ” હવે જોખમોથી ડર નથી લાગતો. આ જંગલે એટલા નિર્ભય તો બનાવી જ દીધા છે.”

“એમ કે? વાહ. નિર્ભય ! પણ, સ્વ-રક્ષણની શી યોજના છે તારા મનમાં?“

“તું ભૂલી ગઈ વ્યોમા કે, આપણે કરાટે જાણીએ છીએ. ગમે તેવાને પછાડી શકીએ છીએ.” નીરજાએ હાથ પહોળા કરી જાતને ચકાસી લીધી. વ્યોમાએ પણ કરાટેની એકાદ કીક હવામાં લગાવી દીધી. બંને સજ્જ થઈ ગયા, આવનારી સ્થિતિનો સામનો કરવા.

“તો ચાલો, મિશન જંગલ પર.” બંનેએ એકબીજાના હાથ પકડી લીધા. પેલા સાધુ-સાધ્વીની પાછળ પાછળ ચાલવા લાગ્યા.

પેલા બન્ને જણા ચાલી રહ્યા હતા. તેઓને ખબર નહોતી કે કોઈ બે છોકરીઓ તેની જાસૂસી કરી રહી છે. તેઓ માની રહ્યા હતા કે આ જંગલમાં તેઓના સિવાય બીજું કોઈ જ નથી, કે નથી બીજું કોઈ તેઓને જોઈ રહ્યું. તેઓ વાતો કરવા લાગ્યા. તેઓ અને નીરજા-વ્યોમા વચ્ચે થોડું અંતર હતું, એટલે તેઓની વાત નીરજા અને વ્યોમા સાંભળી નહોતા શકતા.

પણ, તેઓ વાતો કરતાં હતા કે,

“કેટલા સમય પછી આ મોકો મળ્યો આપણને.” સાધુએ સાધ્વીના કમરમાં હાથ નાંખી કહ્યું.

“અને તેં એ મોકાનો પૂરેપૂરો ફાયદો પણ લીધો ને.” સાધ્વીએ સાધુના કમરમાં ઘૂસેલા હાથને પકડી લીધો.

“તેં પણ તો, મને રોક્યો નહોતો. તું પણ કેટલી ખુશ હતી.”

“શા માટે રોકું? હું પણ એક યુવાન છોકરી છું. મને પણ આ બધું ગમે છે.”

“ઓહ, ખરેખર? તો પછી હું પ્રતિક્ષા કરીશ, ફરીથી એવા જ ...”

“હું તો રાહ જોવા નથી માંગતી.” સાધ્વીએ સાધુની વાત અડધેથી જ કાપી નાંખી. સાધુનો હાથ પકડી તેને પોતાના તરફ ખેંચી એક લાંબુ અને ઉત્કટ આલિંગન આપી દીધું. સાધુ થોડો ચમકી ગયો. તેને સાધ્વી આમ તરત જ ઉત્તેજિત થઈ જશે એવી કલ્પના પણ ન હતી. તે જરા સ્વસ્થ થાય તે પહેલાં તો સાધ્વીએ તેને ફરી પોતાની તરફ ખેંચ્યો અને ગીચ ઝાડીમાં તેને ખેંચી ગઈ. બન્ને ઝાડી પાછળ ખોવાઈ ગયા.

તે ઝાડીથી નીરજા અને વ્યોમા દૂર હતા, પણ તેઓ તેને જોઈ શકતા હતા. ઝાડી ખૂબ જ ગીચ હતી. ઝાડી ધીરે ધીરે હલવા લાગી. ક્ષણમાં તો તે ઝડપથી હલવા લાગી. હવે તેના કંપનમાં તિવ્રતા હતી. તિવ્રતા વધતી જતી હતી. ખૂબ વધી ગઈ. જાણે કોઈ ઝાડને પૂરી તાકાતથી હલાવી રહ્યું હતું.

કંપનથી હલી રહેલી ઝાડીમાંથી એક નાજુક ડાળી તૂટી ગઈ. કંપન અટકી ગયું. ઝાડ થાકી ગયું. હાંફી ગયું. શ્વસી રહ્યું. બધું જ ફરીથી સ્થિર થઈ ગયું.

નીરજા અને વ્યોમા ઝાડીની નજીક પહોંચી ગયા, ”તેઓ હમણાં જ પાછા બહાર આવશે. જો આપણે અહીં જ ઊભા રહીશું, તો તેઓ ક્ષોભ અનુભવશે અને જાણી જશે કે આપણને તેઓની લીલાની ખબર પડી ગઈ છે. માટે થોડા આગળ નીકળી જઈએ.” નીરજાએ સૂચન કર્યું. વ્યોમા સમજી ગઈ. બન્ને થોડા આગળ જઇ પીઠ ફેરવી ઊભા રહ્યા. તેઓ ઝાડીની બહાર આવે તેની રાહ જોવા લાગ્યા.

થોડા સમયમાં સાધુ –સાધ્વી ઝાડીની બહાર આવ્યા. તેઓના પગનો અવાજ સાંભળી નીરજા અને વ્યોમાએ પાછળ નજર કરી. સાધ્વી–સાધુની નજર નીરજા અને વ્યોમાની નજર સાથે મળી. તેઓ બન્ને ચોંકી ગયા.

એક તો આ જંગલમાં કોઈ હોઇ શકે એ વાત જ તેઓ માટે માની ના શકાય તેમ હતી. બીજું, તેઓ કઢંગી સ્થિતિમાં હતા. તેઓને આ જંગલમાં કોઈ જોઈ જશે તેવી કલ્પના પણ નહોતી, અને એ પણ બે સુંદર છોકરીઓ !

સાધુનું ધોતિયું હજુ પણ ખૂબ જ ઊંચું હતું. સાધ્વીની છાતી અર્ધ ખુલ્લી હતી. પીઠ પૂરેપુરી ખુલ્લી હતી. નીચેના ભાગે એક જાંઘ પણ ડોકાઈ રહી હતી.

નીરજા અને વ્યોમાને જોઈને ક્ષોભિલા પડી ગયા, બન્ને. ફટાફટ જાતને સંભાળવા લાગ્યા. કપડાં અને શરીરને ઠીક ઠાક કરવા લાગ્યા. બે’ક મિનિટ લાગી તેઓને સ્વસ્થ થતાં. સાધ્વીની નજર શરમથી નીચી થઈ ગઈ. સાધુ પણ નજર બચાવી રહ્યો હતો.

“આપ લોકો કોણ છો? આ જંગલમાં ક્યાંથી?” સાધુએ માંડ માંડ પૂછ્યું.

“અમે જંગલના દોસ્ત છીએ. પણ તમે કોણ છો?” વ્યોમાએ આંખમાં આંખ નાંખી પૂછ્યું. તેઓ બંને ડઘાઈ ગયા. વ્યોમાએ નજરને વધુ કરડી કરી.

“અમે.. તો.. અમે.. “ સાધુએ બોલવા કોશિશ કરી પણ નિષ્ફળ ગયો. તેણે સાધ્વી તરફ નજર કરી. તે હજુ પણ નીચી નજર રાખી ઊભી હતી.

“શું કરી રહ્યા છો તમે લોકો?” નીરજાએ પણ પ્રશ્ન કર્યો. વ્યોમા સાધ્વીની નજીક ગઈ. તેની પીઠ પર હાથ ફેરવવા લાગી. તેણી સ્વસ્થ થવા લાગી.

“મારા પિતાનો આશ્રમ છે, તેઓ ગુરુકુળ ચલાવે છે. ત્યાં આ ભણે છે. અમે..” સાધ્વી ગભરાટમાં બોલી ગઈ.

“શું નામ છે તારું?”

“પુનિતા.”

“ને તારું?”

“તે કિરણ છે.” કિરણ વતી પણ પુનિતાએ જ જવાબ આપ્યો.

“કયાઁ જઇ રહ્યા છો?” હજુ પણ વ્યોમાના અવાજમાં કડકાઇ હતી.

“અમે આશ્રમ તરફ જઇ રહ્યા છીએ. અહીંથી એકાદ કિલોમીટર જ દૂર છે. તમે પણ અમારા આશ્રમમાં ચાલો. મારા પિતાને મળીને તમને ગમશે. મારા પિતા સંત તરીકે પૂજાય છે.... “ પુનિતાએ બધી વિગત જણાવી દીધી.

“ઓહ, તારા પિતા સંત છે? અને તું? જરૂર મળવું પડશે તારા સંત પિતાને.“ નીરજા કટાક્ષમાં બોલી.

“તો ચાલો આપણે આશ્રમ જઈએ.” કિરણ ચાલવા લાગ્યો.

“આશ્રમમાં પિતા પાસે આ હાલતમાં જઈશ? જરા કપડાં તો ઠીક પહેરી લે.” વ્યોમાએ તેને ટોકી.

“કિરણ, તું પણ કપડાં સરખા કરી લે.” નીરજાએ કિરણને પણ રોક્યો.

“પુનિતા, તું મારા આ કપડાં પહેરી લે. તારું આ નગ્ન શરીર ઢાંકી લે.”

“ના, મારી આ થેલીમાં કપડાં છે જ.’ પુનિતાએ પૂરું શરીર ઢાંકી લીધું. કિરણે પણ.

સૌ ચાલવા લાગ્યા આશ્રમ તરફ.

રસ્તામાં પુનિતાએ કહ્યું, “કિરણ દૂરના કોઈ ગામનો રહેવાસી છે અને એકાદ વર્ષથી આશ્રમમાં ભણે છે. મને તે ગમવા લાગ્યો હતો. કોઈને કોઈ બહાને હું કિરણને મળવા લાગી. કિરણને પણ હું ગમવા લાગી હતી. અમારા વચ્ચે છૂપી મુલાકાતો થતી. પણ ધાર્યું એકાંત નહોતું મળતું. એકબીજા પ્રત્યે શારીરિક આકર્ષણ થઈ ગયું. કોઈ યોગ્ય એકાંતના અવસરની રાહ જોવા લાગ્યા અમે બન્ને.

આજે એ અવસર મળી ગયો. કોઈ કારણસર બાજુના ગામમાં મારે જવાનું થયું અને મેં જ મારી સાથે કિરણને લઈ જવાની મંજૂરી લઈ લીધી. અમે આજે પૂરેપૂરા એકબીજાને સમર્પિત થઈ ગયા, બે વખત.” પુનિતાએ વાત પૂરી કરી.

નીરજાને તેની વાત પર ગુસ્સો આવી ગયો. વ્યોમાને તેના પર ધૃણા થઈ આવી.

“શું કરીશું? આશ્રમમાં જવું છે? કે ...” વ્યોમાએ નીરજાને પૂછ્યું.

“આ આશ્રમ સુંદર લાગે છે, અને તું તો જાણે છે કે મને સુંદર જગ્યા ખૂબ ગમે છે.” નીરજાએ સંકેત આપી દીધો કે તે આશ્રમની ખબર કાઢવા માંગે છે. કોઈ સાહસને આમંત્રણ આપી રહી છે. વ્યોમા તેનો ઈશારો સમજી ગઈ.

સૌ આશ્રમમાં દાખલ થયા. વિશાળ જગ્યામાં ફેલાયેલો હતો આશ્રમ. ખૂબ ખુલ્લી જગ્યા અને તેમાં ગુરુકુળ જેવા અનેક રૂમો. તેનું વાતાવરણ પરાણે પવિત્ર બનાવેલું હોય તેવું લાગ્યું. થોડાક ભક્તોની હાજરી હતી. વિધ્યાર્થીઓ પણ હતા.

ડાબા હાથ પર એક મોટા વૃક્ષ નીચે કોઈ જટાધારી બેઠું હતું. નાનું એક ટોળું તેના ચરણોમાં બેઠું હતું. બંનેને સમજાઈ ગયું કે એ પુનિતાના પિતા અને આશ્રમના માલિક છે.

પુનિતા તેને ત્યાં લઈ ગઈ. કિરણ પોતાના રૂમમાં જતો રહ્યો.

પુનિતાએ નીરજા અને વ્યોમાનો પરીચય કરાવ્યો. થોડી ઘણી વાતો થઈ. બન્નેએ આશ્રમ, તેના વાતાવરણ અને તેના માલીકને પારખી લીધા. તેઓને આશ્રમમાં એકાદ રાત રોકાઈ જવા આગ્રહ પણ થયો.

“અમારે હજુ દૂર જવાનું છે. એટલે હવે અમે જઈશું.” બન્ને ઊભી થઈ ગઈ.

“અહીંથી બે રસ્તા ફાંટાય છે. બન્ને રસ્તા બે કિલોમીટર બાદ ફરી ભેગા થાય છે. તમે જમણી બાજુના રસ્તે જજો.” પુનિતાના પિતાએ સૂચવ્યું.

“કેમ? બન્ને રસ્તા એક જ દિશા તરફ જાય છે, તો જમણા રસ્તા પર જ કેમ? ડાબા રસ્તા પર કેમ નહીં? “ વ્યોમાએ વિરોધ વ્યક્ત કર્યો.

“ડાબી બાજુનો રસ્તો તમારા માટે થોડો વિકટ છે.” તેણે કહ્યું.

“ઠીક છે.” કહીને બન્ને આશ્રમ બહાર નીકળી ગઈ. થોડું ચાલ્યા બાદ રસ્તો બે ભાગમાં ફંટાઇ ગયો. ડાબી અને જમણી.

એ ફાંટા પર બન્ને ઊભા રહી ગયા. એકબીજા સામે નજર કરી. આંખોએ વાતો કરી. ખડકડાટ હસવા લાગ્યા. બન્ને ચાલવા લાગ્યા ડાબા રસ્તા પર.

“દંભનું કેવડું મોટું જંગલ વસે છે ત્યાં, નીરજા?”

“તું આશ્રમની વાત કરે છે ને?”

“હા. ગુરુની જ દીકરી આશ્રમના વિધ્યાર્થીને ઉશ્કેરે અને તેની સાથે મોકો મળતા જ શારીરિક સંબંધ પણ બાંધી લે. એક બાજુ જ્ઞાનની વાતો અને બીજી બાજુ ...”

“વ્યોમા, જવા દે એ વાતને. ભૂલી જા વિતેલી પળ માનીને. હવે એ જોવાનું છે, કે આપણાં માટે કહેવાતો વિકટ રસ્તો કેવો છે? શું એ રસ્તા પર કોઈ નવો દંભ વસે છે? શા માટે તેણે ડાબા રસ્તાને બદલે જમણા રસ્તા પર જવા આગ્રહ રાખ્યો છે?“ નીરજાએ કોઈ અજાણ ઘટનાને પડકાર આપી દીધો.

“તું પણ મારી જેમ કોઈ રહસ્યને ધારી રહી છે, આ રસ્તા પર?” વ્યોમાએ મનની વાત કહી.

“ચોક્કસ કોઈ રહસ્ય આપણી પ્રતિક્ષા કરી રહ્યું છે. જો જંગલ પણ તેના સંકેતો આપી રહ્યું છે.” એક ભેદી હવાની લહેર રસ્તા પર સાથે ચાલવા લાગી. જંગલ ગૂઢ મૌન ધરી બેઠું.

5-7 મિનિટ બંને ચાલતા રહ્યા, મૌન. ખાસ કોઈ ઘટના ના બની. કોઈ ચહલ પહલ પણ ના જોવા મળી. સ્થિર શાંત જંગલ પર પગલાઓ પડતાં રહ્યા. બસ, એક માત્ર પેલી ભેદી હવા હજુ પણ સાથે ચાલી રહી હતી.

“આમ, કોઈ ડર સાથે લઇને ચાલતા હોઈએ એમ, મૌન કેમ બની ગયા છીએ? જંગલમાં મૌન વધુ બિહામણું લાગે છે,” નીરજાએ ભેદી હવાને પરાસ્ત કરતા કહ્યું.

“હા, યાર. કારણ વગરના ડરનો ભાર લઈને ચાલીએ છીએ. એક કામ કર, કાં તો આપણે કોઈ ગીત ગાઈએ કાં તું વાંસળી વગાડ. કોઈક મસ્તી, કોઈક ધમાલ કરીએ.” બંને એક ઝાડ નીચે ઊભા રહી ગયા.

“આપણે ગીત જ ગાઈએ. ચાલ પહેલું ગીત તું ગા.”

‘ગુમનામ હૈ કોઈ, બદનામ હૈ કોઈ.....’ વ્યોમાએ ગાવાનું શરૂ કર્યું. નીરજાએ તેને રોકી.

“આ શું? આ તે કેવું ગીત ગાય છે તું? લાગે છે હજુ પણ તારા પર ડર સવાર છે. રહસ્યનું નહીં, આનંદનું કોઈ ગીત ગા.” નીરજા ચિડાઇ ગઈ. ઉલ્ટી દિશામાં મોઢું ફેરવી ગઈ.

“અરે, તું તો નારાજ થઈ ગઈ. ચાલ હું કોઈ રોમાંટિક ગીત ગાઉ.” કહીને વ્યોમાએ ગાવા માંડ્યુ, “ગુમ હૈ કિસી કે પ્યારમે, દિલ સુબહ શામ...” પણ હજુ ય નીરજા ઉલ્ટી દિશામાં નજર કરી ઊભી હતી. વ્યોમા તેના તરફ ફરી. નીરજા ધ્યાનથી દૂર કશુંક જોઈ રહી હતી. વ્યોમાએ પણ ત્યાં નજર કરી.

300 ફૂટ દૂર ઝાડી પાછળ કોઇની હાજરી હોય તેવું લાગતું હતું.

“બે થી ત્રણ વ્યક્તિ હશે,“ વ્યોમાએ અનુમાન લગાવ્યું.

“થોડા નજીક જઈએ. ચૂપ ચાપ તેના પર નજર રાખીએ.” નીરજા ખૂબ જ ધીરેથી બોલી.

“તો રહસ્ય અહીં અસ્તિત્વ ધરાવે છે. મજા આવશે.” વ્યોમાએ નીરજાના કાનમાં ફૂંક મારી.

“રોમાંચ અને જોખમ આપણી આગતા સ્વાગતા કરવા ઉત્સુક લાગે છે.” નીરજાના હોઠો પર સ્મિત આવી ગયું.

નજીક ગયા, બંને. ખૂબ જ સાવચેતીથી ઝાડીની નાની જગ્યામાંથી અંદર નજર નાંખી. બન્ને દંગ થઈ ગયા. ત્યાં ત્રણ વ્યક્તિઓ હતા. બે જીવિત અને ત્રીજી લાશ. પેલા બન્ને વ્યક્તિ લાશને ઢસડીને ઝાડીની અંદર લઈ ગયા હતા. તેને લીધે ડાળીઓ તૂટીને વિખરાયેલી પડી હતી.

ઝાડીની અંદર 45-50 ફૂટ દૂર સુધી તેઓ લાશને ઢસડીને લઈ ગયા હતા. તે બન્ને યુવાન પુરુષ હતા. એક 22 વર્ષનો અને બીજો 25 વર્ષનો લાગતો હતો. શરીરે મજબૂત હતા. પહેલી નજરે તેઓ ભયાનક નહોતા લાગી રહ્યા. પણ, લાશ સાથે હતા એટલે તેઓ ગુંડા જેવા લાગતા હતા.

લાશને તેણે ત્યાં છોડી અને થાક ખાવા લાગ્યા. એક જણાએ ખિસ્સામાંથી એક નાની બોટલ કાઢી, હોઠે લગાડી. એક ઘૂંટ લઈ તેણે બીજાને આપી. તેણે પણ એક ઘૂંટ લગાવ્યો.

નીરજાનું ધ્યાન લાશ પર ગયું. તે ચોંકી ગઈ.

“વ્યોમા, જો પેલી લાશ તો એક યુવાન છોકરીની છે.” નીરજાએ વ્યોમાના કાનમાં જઈને વાત કરી.

“તેનું મૃત શરીર પણ ખૂબ સુંદર લાગે છે.” વ્યોમા પણ ધીરેથી બોલી.

“તેના શરીર પર કોઈ ઘાવના નિશાન તો નથી લાગતાં. તો પછી તેનું મોત કેમ થયું હશે?”

“કદાચ ઝેર આપીને કે ગળું દબાવીને.” લાશ પર જ નજર રાખી વ્યોમાએ કહ્યું.

પેલા બન્નેએ એક મોટી બોટલ હાથમાં લીધી. એક જણે તેનું ઢાંકણું ખોલી તેમાનું પ્રવાહી લાશ પર રેડવા માંડ્યુ.

“અરે, આ તો કેરોસીન કે પેટ્રોલ લાગે છે.”

“લાશને બાળી નાંખવાનો ઇરાદો લાગે છે.”

બીજા જણે લાઈટર વડે આગ લગાડી. બન્ને લાશથી થોડા દૂર જઇ ઊભા. લાશ ધીરે ધીરે આગ પકડી રહી હતી. બળતી લાશને તેઓ બન્ને જોઈ રહયા.

નીરજાએ મોબાઈલ ફોને કાઢ્યો, ઓન કર્યો.

“શું કરે છે, તું?” વ્યોમાએ તીક્ષ્ણ નજરે નીરજાને સવાલ કર્યો.

“પોલીસ સ્ટેશન પર ફોન કરી, જાણ કરું છું.” નીરજાએ પોલીસ સ્ટેશનનો નંબર લગાડી દિધો. બધી જ માહિતી આપી દીધી. સામેથી ફોન કપાઈ ગયો.

“શું કરી નાંખ્યું તેં? તને ખબર છે તેનું પરિણામ શું આવશે?” વ્યોમા ગુસ્સે થઈ ગઈ.

“હા, થોડી વારમાં પોલીસ આવી જશે.”

“એ પહેલાં, એ વિચાર કે આ માણસો આટલી બિન્દાસ્ત કતલ કરીને લાશ બાળી શકે છે, એનો અર્થ એ છે કે પોલીસ બધું જાણે છે. કદાચ પોલીસ પણ તેમાં ભળેલી હોય.”

“ઓહ માય ગોડ. જો એમ હોય તો બહુ મોટી ભૂલ કરી નાંખી, મેં. હવે શું કરીશું?” નીરજા ચિંતિત થઈ ગઈ.

“સૌથી પહેલાં મોબાઈલમાંથી કાર્ડ કાઢી નાંખ. અને તરત જ અહીંથી ભાગી છૂટીએ. દૂર દૂર જતાં રહીએ.” વ્યોમાએ ઉપાય બતાવ્યો.

નીરજાએ ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાંખ્યું. ત્યાંથી ભાગી જવા કદમ ઉપાડવા જતાં હતા, ત્યાં જ નીરજાના હાથમાંથી થેલો છટકી ગયો. ઝાડી પર પડ્યો. એક અવાજ થયો. પેલા બન્ને લાશને બળતી મૂકી ઝાડી તરફ દોડ્યા. તેઓ નીરજા અને વ્યોમા ઊભા હતા તે તરફ આવવા લાગ્યા.

બન્ને કશું પણ કરી શકે એ પહેલાં તો પેલા બન્ને ત્યાં આવી પહોંચ્યા. તેઓને જોઈ બન્ને ડઘાઈ ગઈ. પણ, એકબીજા સામે નજર કરી હિમ્મત મેળવી લીધી. ક્ષણવારમાં તો ગમે તે પડકારને પહોંચી વળવા સજ્જ થઈ ગઈ.

પેલા બન્નેએ તેઓ પર હુમલો કરવા માંડ્યો. બન્ને તે માટે સજ્જ હતી જ. કરાટેના વિવિધ દાવપેચનો પ્રયોગ કરવા લાગ્યા. પેલા બન્ને સશક્ત હતા પણ સાવધ નહોતા. તેઓને એમ હતું કે શહેરની નાજુક છોકરીઓને તો ચપટીમાં ચોળી નાંખશે.

પણ, નીરજા અને વ્યોમા અચાનક અને સતત કરાટેના જુદા જુદા પ્રહારો કરવા લાગી. તેઓને સામો પ્રહાર કરવાનો કોઈ અવસર જ ના મળ્યો. બન્નેના પ્રહારોથી તેઓ ઘાયલ થઈ ગયા. જમીન પર પડી ગયા. એક સાથે બન્નેએ તેઓના ગુપ્ત ભાગ પર પૂરી તાકાતથી પ્રહાર કર્યો. ચીસ પડી ઉઠ્યા બન્ને ગુંડાઓ. તેઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. મોઢામાંથી લોહી પણ નીકળવા લાગ્યું.

નીરજા અને વ્યોમાને ખાત્રી થઈ ગઈ, કે હવે તેઓ તાત્કાલિક ઊભા થઈ શકે તેમ નથી. લાગ જોઈ તેઓ ત્યાંથી ભાગી નીકળ્યા. ત્યાં લાશ બળતી રહી. પેલા બે ગુંડાઓ દર્દથી કણસતા રહ્યા.

નીરજા અને વ્યોમા ખૂબ ઝડપથી ભાગી રહ્યા હતા. લગભગ દોડી રહ્યા હતા. એકાદ કલાક આમ જ ભાગતા રહ્યા. ઘટના સ્થળથી ખૂબ જ દૂર, ચારેક કિલોમીટર જેટલા દૂર આવી ગયા. ખૂબ થાકી ગયા.

“વ્યોમા, ક્યાં સુધી ભાગતા રહીશું? હું તો થાકી ગઈ છું.” નીરજાએ આખા રસ્તામાં સાથે સાથે ચાલતા, દોડતા, હાંફતા, થાકી ગયેલા મૌનને ભગાડતા કહ્યું.

નીરજા સતત એકાદ કલાકથી દોડતા દોડતા, ભાગતા ભાગતા થાકી ગઈ હતી. હાંફી પણ રહી હતી. એક પણ શબ્દ બોલ્યા વિના, એક પણ ક્ષણ રોકાયા વિના, ભાગતા જ રહ્યા હતા. વ્યોમા પણ થાકી ગઈ હતી. રોકાઈ ગઈ. નીરજા પણ.

“હવે આપણે સલામત અંતરે છીએ. થોડી વાર રોકાઈ જઈએ.” વ્યોમા રોકાઈ ગઈ. નીરજા પણ .

નિરાંતે બેસી ગયા. ઠંડી હવા અને જંગલના વાતાવરણે ઝડપથી થાક ઉતારી દીધો.

“કોણ હશે એ લોકો?” નીરજાએ વાત આરંભી.

“ખબર નથી. પણ જે હતા તે ખૂબ જ ક્રૂર હતા. માણસાઈ જેવી કોઈ વાત તેમાં નહોતી.”

“કેવા ઠંડા કલેજે કોઈ છોકરીની હત્યા કરી નાંખે, અને એથી ય વધુ નફફટાઈથી લાશને બાળી પણ નાંખે.”

“લાગે છે કે કોઈ ગેંગ જ હશે. પણ, કોણ હોઇ શકે...” વ્યોમા અનુમાન લગાવવા લાગી.

“કેવા નિર્દય હતા એ બન્ને?“ નીરજાએ ઊંડો એક શ્વાસ લીધો.

“કેવા હટ્ટા કટ્ટા હતા. લડાઈ કરવાની કેવી મજા પડી?” વ્યોમાએ લડાઈની યાદ અપાવી. નીરજા પણ લડાઈની ક્ષણોને યાદ કરવા લાગી.

“પહેલો ઘા રાણાનો. એ હિસાબે આપણે જ તેઓ પર પહેલો પ્રહાર કરીને તેને મોકો જ ના આપ્યો. એટલે આપણે તેને પછાડીને ભાગવામાં સફળ થયા. નહીંતર ...” વ્યોમા એ પળોને યાદ કરવા લાગી.

“એક મિનિટ, વ્યોમા. મને કોઈ કડી મળી રહી છે. “નીરજાના હોઠો પર સ્મિત આવી ગયું.

“શું? જલ્દી કહે.” વ્યોમા અધિરી થઈ ગઈ. નીરજાની તરફ જોવા લાગી. તેની આંખમાં ચમક હતી.

“પેલા બે જણા સાથે જ્યારે લડાઈ ચાલતી હતી ત્યારે આપણે તેના ગુપ્તાંગ પર પ્રહાર કર્યો હતો યાદ છે તને?”

“હા, અને બંને કેવા ઘાયલ થઈને જમીન પર પડી ગયા હતા. કેટલી વાર બાદ ઉભા થઇ શક્યા હશે?”

“એ પ્રહાર જ એવો હતો કે જલ્દીથી ઊભા થઈ શકે જ નહીં.”

“કરાટેની વિદ્યાનો બ્રહ્માસ્ત્ર પ્રહાર છે એ. બિચારા ગુંડાઓ.“ વ્યોમા વ્યંગમાં હસવા લાગી.

“જ્યારે મેં પ્રહાર કર્યો, ત્યારે તેણે સામે હાથ ધર્યો હતો. ત્યારે તેની હથેળીમાં એક આકૃતિ મને દેખાઈ હતી. કોઈ વિશિષ્ટ છાપ કે નિશાન હોય તેવું લાગતું હતું. તને દેખાયું હતું એવું કોઈ નિશાન?”

“હા, બીજાની હથેળીમાં પણ એવું નિશાન હતું. મને પાકું યાદ છે, એ ત્રિશુળનું નિશાન હતું.” વ્યોમાએ ખાતરીપૂર્વક વાત કરી.

“બિલકુલ સાચી વાત. એ ત્રિશુળનું જ નિશાન હતું. પણ, એ નિશાન બીજે ક્યાં જોયેલું એ તને યાદ છે?”

“હા, કેમ નહીં? પુનિતાની હથેળીમાં, પેલા ગુરુજીની હથેળીમાં અને આશ્રમના ભક્તોની હથેળીમાં પણ એ જ નિશાન હતું. મને બરાબર યાદ છે.“

“એટલે કે તેઓ આશ્રમના જ માણસો છે. ઓહ, તો ગુરુજીના જ માણસો ખૂની છે” નીરજા ચોક્કસ નિસકર્ષ પર આવી ગઈ.

“ના, નીરજા, એવું નથી.” વ્યોમા જુદું જ વિચારી રહી હતી.

“એવું જ છે. પણ જો તું કહે છે તેમ એવું નથી તો કેવું છે?” નીરજા પોતાના નિષ્કર્ષમાં ડગી ગઈ.

“ગુરુજીના માણસો નહીં, નીરજા, ગુરુજી પોતે જ ખૂની છે.” વ્યોમાએ મક્કમતા પૂર્વક કહ્યું.

“ઓહ, વ્યોમા. હા. ગુરુજી જ ખૂની છે. આશ્રમમાં તેની મરજી સિવાય કોઈ વાત બની ના શકે, તેવો તેનો રુઆબ જોયો છે.”

“એક બીજી વાત. ગુરૂજીએ આપણને જમણી બાજુના રસ્તે જવાનું કહ્યું હતું. સાથે સાથે એ પણ કહ્યું હતું કે ડાબી બાજુનો રસ્તો તમારા માટે વિકટ છે. યાદ છે, તને?” વ્યોમા પોતાની વાત પુરવાર કરવા લાગી.

“યસ, યાદ છે મને. હઁ...અ..અ.. હવે આખી વાતનો મેળ બેસી ગયો. પિતા ખૂની, દીકરી વ્યભિચારી અને છતાં ‘ગુરુજી’?“

“એ ગુરુજી નથી. ધર્મના નામે લૂંટારા છે. તેના માણસો ભક્તો નહીં, ગુંડાઓ છે. કોણ જાણે કેટલી અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હશે, આશ્રમના રૂપાળા મુખવટા નીચે?” વ્યોમાના મુખ પર ગુસ્સો આવી ગયો. તેના ગાલ લાલ થઈ ગયા. ખુન્નસ ઉપસી આવ્યું ચહેરા પર. તેણે મુઠ્ઠીઓ વાળી અને હવામાં ઉછાળી.

નીરજાએ તેની હરકતોને નીરખી. વ્યોમાને તેણે રોકી નહીં. તેનો ગુસ્સો ઉભરાઇ જવા દીધો, ઠલવાઇ જવા દીધો. વ્યોમા હવે ખાલી થઈ ગઈ, શાંત થઈ ગઈ.

થોડી વાર કોઈ કશું જ બોલું નહીં, ચાલ્યું નહીં. નીરજાએ વ્યોમાને એક સ્મિત આપ્યું. વ્યોમા પણ સ્મિત આપી બેઠી.

એક ઠંડી હવા આંટો મારી ગઈ.

“ચાલો, જે થયું તે. એને એક વિતી ગયેલું સ્વપ્ન માની મંઝિલ તરફ ફરી પ્રયાણ કરીએ.” નીરજા વ્યોમાનો હાથ પકડી ચાલવા લાગી. વ્યોમા પણ.

તાકાત હતી ત્યાં સુધી તેઓ ચાલતા રહ્યા. દિવસ પણ ઢળવા લાગ્યો હતો. યોગ્ય જગ્યા જોઈ ટેન્ટ બાંધી રોકાઈ ગયા.