યાદોં કે દિયે - 1 Shraddha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાદોં કે દિયે - 1

યાદોં કે દિયે

“ અવિ, આંખે બંધ કર અપની. જલ્દી સે.”

“ તુ અભી જા યહાં સે. બહોત કામ હૈ.”

“ એક બારી આંખ મીંચ લે ના અપની. ક્યા જાયેગા તેરા?”

“ તુ ભી ના. અચ્છા ચલ. બંધ કર દી મૈને આંખે.”

“ મેરે તીન ગિનને પર ખોલીયો. એક દો ઔર….”

***

“સર, વુડ યુ લાઇક ટુ હેવ એનીથીંગ?”

એર હોસ્ટેટ પોતાની સીટમાં આંખ મીંચીને બેઠેલા અવિનાશ ઉર્ફે અવિને પૂછી રહી હતી. છોડ પર ઉગેલાં ગુલાબને સાવધાનીથી અડવાં છતાં ક્યારેક એનો કાંટો આંગણી પર તીણી વેદના કરી બેસતો હોય છે. બરાબર એવી જ તડપ એર હોસ્ટેસનાં કટાણાના વિક્ષેપથી અવિનાશના મન પર ઊઠી ગઇ. એણે આંખ ઊઘાડીને જોયું; મનની પીડાનું પ્રતિબિંબ એની આંખમાં જોઇને એર હોસ્ટેસ સોરી કહીને ત્યાંથી નીકળી ગઇ. અવિનાશે ફરી આંખ મીંચી, મનને ઘણા વર્ષો પાછળ ઠેલ્યું, ફરી સંવાદ સેતુ સાધવાની કોશિશ કરી પણ વ્યર્થ. મનની શાંત લહેર પર કોઇ કાંકરીચાળો કરી ગયું હતું. જીગ્સો પઝલની માંડ ગોઠવણી કરી હતી ત્યાં એ પાછી વીંખાઇ ગઇ હતી. કંઇ કેટલીય ક્ષણો એમ જ વીતી ગઇ. જાણે એનું મન ભૂતકાળમાં જઇને ફરી પાછી એ વેદના સહેવા ન માંગતું હોય એમ ત્યાં જ સ્થિર થઇને રહી ગયું. આખરે ફ્લાઇટ લેન્ડ થઇ અને એ સિક્યૂરિટી ચેકઅપ પતાવી ટેક્ષીમાં બેઠો.

કેટલાં વર્ષો વીતી ગયા?? એણે વિચાર્યું. ત્રીસ વર્ષ. કંઇ નાનો સમય ન કહેવાય! અવિનાશના મનમાં કોઇ ફિલ્મની પટ્ટીની જેમ દ્રશ્યો ચાલવા લાગ્યા. અચાનક એ ભયાનક રાતના દ્રશ્ય પર આવીને એ અટકી ગયો. કેવી ગોઝારી રાત?? કેમ કરીને ભૂલાય એ પળ જેણે અવિનાશનું સર્વસ્વ લૂંટી લીઘું હતું!! કમકમાટીની લહેર અત્યારે પણ અવિનાશને કંપાવી ગઇ.

1947નાં ભારત પાક. યુધ્ધ પછીનો સમયગાળો હતો એ. બે દેશોનાં ભાગલા થયા એ પહેલાનો સમય. અવિનાશનું ફેમિલી ત્યારે રાવલપિંડીમાં રહેતું હતું. યુધ્ધ પત્યા પછી સમગ્ર પાકિસ્તાનમાં કટોકટીની પરિસ્થિતી બની ગઇ હતી. હમણાં સુધી ભાઇ ભાઇ તરીકે સાથે રહેનારા લોકો વચ્ચે અચાનક જ ધર્મને નામે ફાંટ પડવી શરુ થઇ ગઇ હતી. રાવલપિંડીમાં વર્ષોથી વસેલાં હિન્દુ પરિવારો માટે હવે ત્યાં રહેવું જોખમભરેલું થઇ ગયું હતું. જે ધરતીને પોતાની ગણીને ત્યાં વસવાટ કર્યો હોય એને હવે હંમેશ માટે અલવિદા કહેવાનો સમય આવ્યો હતો.

અવિનાશ તો એના બાળપણનાં ભેરુ, એના પાડોશી એવાં અનવરને છોડીને ભારત જવા જ તૈયાર નહાતો થતો. ઘણી સમજાવટ પછી અને ખાસ તો પોતાના પરિવાર ખાતર આખરે એ તૈયાર થયો; પણ રાવલપિંડીમાંથી છેલ્લો હિંદુ પરિવાર સહીસલામત બહાર ન નીકળે ત્યાં સુધી પોતે નહીં જાય એ શરતે. છેલ્લા ચાર દિવસથી રાતનો અંધકાર માથે ઓઢીને હિંદુઓની હિજરત ચાલુ હતી. હવે ફક્ત અવિનાશનો પરિવાર અને થોડાંક પુરૂષો જ વધ્યા હતાં. જે રાત્રે એ લોકો નીકળવાનાં હતા એ દિવસે જ ક્યાંકથી ખબર આવ્યા કે અમુક મુસ્લિમો કે જે પોતાને “જેહાદી” ગણાવતાં હતાં એમને આ લોકોનાં હિજરતની ખબર પડી ગઇ છે અને એ મરણિયા થઇને હિંદુઓને શોધતાં આવી રહ્યા છે. હવે રાત પડવાની રાહ જોવાય એવું નહોતું.

“ અવિ, તુજે અભી કે અભી નીકલના હોંગા.”

“ હાં, મૈં ભી યહી કેહને આયા હું. સામાન બાંધ રખ્ખા હૈ ના તુને?”

“ હાં પર એક સાથ નીકલના ઠીક નહીં હોગા. તુ ઇધર સે નીકલ મેં પીછે સે નીકલતી હૂં.”

“ યે ભી ઠીક હૈ.”

ત્યાં જ અનવર આવ્યો.

“ ચલ યારા, ઠીક સે જઇયો. અપના ઔર ઘરવાલોં કા ખયાલ રખિયો.” એ વધુ ન બોલી શક્યો. બંને દોસ્ત પરિસ્થિતીને આધીન પોતાની લાચારી એકમેકથી છૂપાવવાની વ્યર્થ કોશિશ કરતાં રહ્યા. ન કહેવાય, ન સહેવાય એવી લાગણીનો એવો ધોધ ઉમટ્યો હતો બંનેનાં મનમાં જેને કોઇ સીમા, કોઇ નાતજાતનાં બંધન રોકી શકે એમ નહોતાં. છેલ્લીવાર બંને એકમેકને ગળે વળગીને છૂટા પડ્યા.

ગામનું પાદર જેમ બને એમ વહેલું વટાવીને એક સલામત જગ્યાએ પહોંચવાનું હતું જ્યાંથી પછી અલગ અલગ કાફલાઓમાં ભારત જવા પ્રસ્થાન કરવાનું હતું. પણ નસીબે કંઇક અલગ જ બાજી ગોઠવી રાખી હતી.

એ લોકો ગામને પાદર પહોંચે એ પહેલાં જ પંદર વીસ મુસ્લિમોનું એક ટોળું ક્યાંકથી હાથમાં બંદૂક અને મશાલો લઇને આવતું દેખાયું. સાંજ થવા આવી હતી એટલે અંધારુ થઇ ગયું હતું. એવામાં દૂરથી હોકારા પડકારા કરતું, અગ્નિની છોળો ઉડાતતું ટોળું ખરેખર ભયંકર લાગી રહ્યું હતું.

“ યે માસૂમા કહાં રહ ગઇ? અબ તક તો આ જાના ચાહિયે થા ઉસે.” અવિનાશ પાદરે રાહ જોતો ઊભો હતો; ત્યાં જ એણે માસૂમાને આવતાં જોઇ. એક હાથથી છાતીએ બાથ ભીડેલી અને બીજા હાથથી કંઇક ઇશારો કરતી એ ટોળાની બીજી તરફથી દોડતી આવતી હતી. અવિનાશ એની સામે જવા માંગતો હતો પણ એણે એનાં બિમાર બાપુજીને ટેકો આપી રાખ્યો હતો એટલે નાછૂટકે એ ત્યાં જ ઊભો રહી ગયો.

એક તરફ મારી નાખવાના ખુન્નસથી નજીક આવતું જતું ટોળું, બાપુજીની નિસહાય હાલત… માસૂમા અને એની વચ્ચે માંડ ચાલીસેક ડગલાંનું અંતર રહ્યું હશે ત્યાં જ…….

‘સનનન… સનનન….કરતો ગોળીઓનો અવાજ ક્યાંકથી આવ્યો અને…….

***

“ નહિ…….”

એ કારની સીટ પરથી ઊભો થઇ ગયો. એ.સી. કારમાં પણ એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. કારના ડ્રાઇવરે પણ ગભરાઇને કાર ઊભી રાખી દીધી.

“ ક્યા હુવા સર? સબ ઠીક હૈ?” એણે પૂછ્યું. એને આ માણસ થોડો વિચિત્ર લાગ્યો. એરપોર્ટ પરથી ઊતર્યા ત્યારથી ટેક્સીમાં બેઠા ત્યાં સુધી એ એક શબ્દ પણ નહોતો બોલ્યો. બસ હાથમાં રાખેલું કાર્ડ દેખાડ્યું હતું. ડ્રાઇવર પણ ‘ મેરેકો ક્યા કામ ફાલતુ કી બકવાસ સે?’ એમ વિચારીને કાર ચલાવ્યે જતો હતો.

અવિનાશે ‘ ઓ.કે.’ કહ્યું એટલે એણે કાર આગળ ચલાવી. જોકે અવિનાશ હજી પણ એ રાતની ઘટનાને ભૂલ્યો નહોતો. એ રાતે એણે પોતાની બે અણમોલ મિલ્કત ખોઇ હતી. દોસ્તી અને પ્રેમ - આ બે માનવીની મરણમૂડી કહેવાય છે અને તે દિવસે અવિનાશે એ બંનેને હંમેશ માટે ગુમાવી દીધા હતા.

એ ફાયરીંગમાં જેમ તેમ કરીને એ અને બાકીના લોકો બચી ગયા હતા. રાતના અંધકારમાં છૂપાતા છૂપાતા એ લોકો ભારત આવવામાં પણ સફળ થયા હતા. આટલાં વર્ષોમાં અવિનાશ પણ મહેનત કરીને એક સફળ ઉદ્યોગપતિ બની ગયો હતો. લખનઉમાં બહુ મોટું નામ હતું એનું. ટી.વી., ન્યૂઝપેપરમાં પણ એના વિશે ઘણું છપાયું હતું. આ બધું હોવા છતાં પણ સ્વજન ગુમાવ્યાની વેદના એને કોરી ખાતી હતી. માં બાપુ પણ હવે તો રહ્યા નહોતા. આખા જગતમાં પોતાનું કહેવાય એવું કોઇ જ રહ્યુ નહોતું અવિનાશ પાસે. આખો દિવસ તો બિઝનેસમાં એ પોતાને વ્યસ્ત રાખતો પણ રાતે એ ચીસો એનો પીછો ન છોડતી. એ બેબાકળો થઇ ઉઠતો. પોતાની તે વખતની અને અત્યારની લાચારી પર એને ધૃણા થઇ આવતી. એ રડતો, ચીસો પાડતો અને અંતે ઊંઘની ગોળીઓને શરણે જતો. રોજ રાતનો બસ આ જ ક્રમ થઇ ગયો હતો.

એવામાં એક દિવસ….

એને એક પત્ર મળ્યો અને ફરી પાછી જીવવાની આશા જાગી ગઇ એના મનમાં. તે દિવસે પહેલીવાર એ ગોળી ખાધા વગર સૂતો.

“ અવિનાશ જી,

ક્યા આપ વહી અવિનાશ હૈ જો રાવલપિંડી મેં રહતે થે ઔર આપકા કપડોં કા કારોબાર થા? અગર હાં તો મુજે જવાબ ભેજીયેગા.”

આપકા દોસ્ત,

અનવર.”

અવિનાશને જાણે ખજાનો મળી ગયો હોય એમ એ ખુશીથી નાચી ઉઠ્યો હતો. જેને મળવાની બધી જ આશા મરી પરવારી હતી એવા એના દોસ્તનો સામેથી મેસેજ આવ્યો હતો. પછી તો પત્રમાં વાતો ચાલી. એકમેકના પરિવાર વિષે પૂછપરછ થઇ. અવિનાશ ઇચ્છવા છતાં માસૂમા વિશે વાત કરવાનું ટાળતો રહ્યો. માનવ મન પણ કેવું વિચિત્ર છે નહિ? પ્રિય પાત્રની વિદાયની વાત સ્વીકારેલી હોવા છતાં મનમાંથી એની સજીવ છબી ભૂંસવા નથી માંગતું. અવિનાશના મનની વાત દૂર બેઠા કળી ગયો હોય એમ અનવરે પણ ક્યારેય એની વાત ન ઉખેડી.

અને આજે આટલાં વર્ષો પછી અવિનાશ અનવરને મળવા એનાં ઘેર જઇ રહ્યો હતો.અનવર પણ હવે રાવલપિંડી છોડીને મુંબઇના કોલાબા એરિયામાં રહેતો હતો. લખનઉથી મુંબઇના રસ્તા દરમિયાન અવિનાશ ફરી પાછી એ બધી જ કમકમાવી દેતી યાદોને જીવી ગયો હતો. અનવરને મળવાની એક જ આશાથી એ અહીં સુધી દોરવાઇને આવ્યો હતો; એ વાતથી તદ્દન અજાણ કે અનવરને ઘેર એક વધુ આધાત એની રાહ જોઇ રહ્યો હતો…..

ક્રમશઃ