સંબંધોની આંટીઘૂંટી Shraddha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધોની આંટીઘૂંટી

સંબંધોની આંટીઘૂટી

નિસર્ગ ચાના કપમાં પોતાની સાથે તાજેતરમાં બનેલી ઘટનાને પીવાની કોશિશ કરી રહ્યો હતો. વાતને ત્રણ મહીના વીતી ગયા હતા પણ જાણે હાલ જ ઘટના બની હોય તેમ તેની આંખોની સામે આવી રહી હતી. એ દિવસે પણ આ રીતે જ આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના અધખુલ્લાં શટરમાંથી તેની નજર નૂપુર પર પડી હતી. પહેલી નજરનાં પ્રેમને સાવ બકવાસ ગણનારો નિસર્ગ એ દિવસથી પ્રેમમાં સંપૂર્ણપણે માનવા લાગ્યો હતો. નૂપુર હતી પણ એવી જ. નખશિખ આરસપહાણની મૂર્તિ જ જોઈ લો જાણે! લાંબુ સપ્રમાણ મોં, તીખો નાક નકશો, મોટી કથ્થઈ આંખો, પરવાળા જેવા હોઠ અને એ બધાને ઉજાગર કરતી એની સાફ ચમકતી ત્વચા. નિસર્ગ તો પહેલી જ વારમાં નૂપુરના સૌન્દર્યથી ઘાયલ થઇ ગયો હતો. એ દિવસની ફક્ત થોડી વારની નૂપુરની ઝલક નિસર્ગને મજબૂર કરી દેવા પુરતી હતી. નિસર્ગ એને પામવા માટે લગભગ બહાવરો બની ગયો હતો. પ્રકૃતિ પણ જાણે નિસર્ગનું મન પામી ગઈ હોઈ એમ એક પછી એક પ્રસંગો ઉભા કરીને બંનેને મેળવી રહી હતી. નૂપુર સાથેની આકસ્મિક મુલાકાતના બીજા જ દિવસે લાયબ્રેરીમાં નિસર્ગને એનો મીઠો અવાજ પણ સંભાળવા મળ્યો. ત્યાં જ નિસર્ગને ખબર પડી કે આ સુંદરતાની મૂર્તિનું નામ ‘નૂપુર’ છે. અત્યારે પણ આ વાત યાદ કરતી નિસર્ગના દિલોદિમાગમાં મધુર રણકાર પેદા થઇ ગયો. નૂપુરની યાદથી નિસર્ગ તરબતર થઇ ગયો. તે જ દિવસે નૂપુરની એક બીજી હકીકત પણ નિસર્ગ સામે આવી હતી. નૂપુર વિધવા હતી. એના પતિનું લગ્નનાં છ જ મહિનામાં એક રોડ એક્સીડેન્ટમાં મૃત્યુ થયું હતું. આ વાત સાંભળ્યા પછી નિસર્ગના દોસ્ત રોહિતે ઘણું સમજાવ્યો હતો એને કે એ નૂપુરને ભૂલી જાય. પરંતુ મનનાં તર્ક-વિતર્ક સામે હૃદય કયારેય નમતું નાં જોખે. નિસર્ગના દિલમાં પ્રગટેલા પ્રેમે એના મનમાં ઉઠતા દરેક સવાલને યોગ્ય જવાબ આપીને ચૂપ કરી દીધા હતા. નિસર્ગ પૂર્ણપણે મક્કમ હતો નૂપુરને પામવા માટે. ઈશ્વર પણ પોતાની બાજી કૈક એવી રીતે ગોઠવતો જતો હતો કે નિસર્ગ નૂપુર સાથે ક્યાંક ને ક્યાંક મળી જ જતો હતો.અને એટલે જ પોતાના નિર્ધારમાં નિસર્ગ વધારે મક્કમ થતો જતો હતો. લાયબ્રેરીની મુલાકાત પછીનાં અઠવાડિયા પછી નિસર્ગ ભાડે ઘર શોધતો નૂપુરના જ ઘેર જઈ ચડ્યો હતો. ત્યારે તો નિસર્ગને પણ ખબર નહોતી કે એ નૂપુરનું સાસરું છે. પોતાના બાજુના ફ્લેટ માટે નૂપુરના સસરા મહેશભાઈને ભાડુઆતની જરૂર હતી અને નિસર્ગને એક સારા ઘરની. નિસર્ગ માટે તો નૂપુરને જાણવાનો આનાથી વધારે સારો મોકો શું હોઈ શકે? ધીરે ધીરે નિસર્ગ નૂપુરના ઘરનાં સાથે સહજ રીતે હળી મળી ગયો હતો. મહેશભાઈનો એક નો એક દીકરો સ્પંદન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. નૂપુર અને સ્પંદનના લવ મેરેજ હતા. હવે નૂપુર જ એકમાત્ર એવું પરિબળ હતી જેના માટે એ વૃદ્ધ દંપતી જીવી રહ્યા હતા.નૂપુર પણ પોતાનું દુઃખ ભુલાવીને માં બાપ સમાન સાસુ સસરાની ખુબ સારી રીતે દેખભાળ કરતી હતી. થોડા દિવસોની ઓળખાણ પછી નૂપુર પણ નિસર્ગ સાથે બોલવા લાગી હતી. બહારનું કોઈ કામ હોઈ તો મહેશભાઈ પોતે જ કહેતા નિસર્ગની મદદ લેવાનું.નિસર્ગ તો જેમ જેમ નૂપુરને જાણતો જતો હતો એમ એમ એનો નૂપુર પ્રત્યેનો પ્રેમ વધારે ને વધારે દૃઢ થતો જતો હતો. નૂપુરને પણ પોતાની એકલતાને ભાંગવા એક દોસ્ત મળી ગયો હોય એમ એ પણ નિસર્ગ સાથે ધીરે ધીરે હળવા લાગી હતી. આમ ને આમ એક મહિનો ક્યાં પસાર થઇ ગયો એ ખબર જ ન પડી. “સાહેબ, આ ચા ઠંડી થઇ જઈ. બીજી મગવું?” બેંકના પટાવાળા રમેશભાઈએ નિસર્ગનું ધ્યાન દોર્યું. ખરેખર તો એમનો ઈશારો ઘડિયાળ તરફ હતો. રાતના સાડા આઠ થવા આવ્યા હતા અને બેંકમાં એ બંને સિવાય કોઈ નહોતું. મેનેજર હોવાને નાતે નિસર્ગને થોડું વધારે રોકાવું પડતું પણ એટલું મોડું તો કયારેય નહોતું થયું. છેલ્લા મહિનાઓમાં તો નહિ જ. નૂપુર સાથે સમય વિતાવવા નિસર્ગ હંમેશા વહેલું કામ પતાવીને નીકળી જતો. પરંતુ આજે એનું મન કોઈ જુદા જ વિચારોમાં હતું. છેવટે એ ઘેર જવા ઉભો થયો. હજી તો બાઈક ચાલુ કરવા જય છે ત્યાં જ નૂપુરનો ફોન આવ્યો.

“હલ્લો નિસર્ગ, તમે આવતી કાલે મને યુનિવર્સીટી રોડ પર મળી શકશો? તમને તમારા સવાલનો જવાબ પણ ત્યાં જ મળી જશે.” નૂપુરે સીધી કામની વાત જ કરી.

“હા જરૂર નૂપુર. ક્યારે મળવું છે?” નિસર્ગે પૂછ્યું.

“સાંજે 6 વાગે. ફાવશે?”

“હું પહોચી જઈશ.”

આખે રસ્તે નિસર્ગ વિચારતો રહ્યો નૂપુર વિષે. શું નિર્ણય કર્યો હશે એણે? ઘર તો માંડ આવ્યું. કપડા પણ બદલ્યા વિના એ પલંગ પર આડો પડ્યો. એને યાદ આવ્યો એ દિવસ જયારે મહેશભાઈએ એને ઘેર બોલાવ્યો હતો, કૈક જરૂરી વાત કરવા.

“જો બેટા, હું સીધો મૂળ વાત પર જ આવું છું. નૂપુરની હકીકત તો તું જાણે જ છે. એ છોકરી કઈ જ કહેતી નથી પણ મનમાં ને મનમાં હિજરાય છે એ હું અને એની માં બરાબર જાણીએ છીએ. એ લગ્ન કરીને ઘરમાં આવી ત્યારથી મેં હંમેશા એને દીકરી જ ગણી છે. પણ હવે એનું આ એકલવાયા પણું અમારાથી જોવાતું નથી.” આટલું કહેતાં તો એમને ગળે ડૂમો બાજી ગયો હતો.

“કાકા, તમે જરાય મુંજાયા વિના વાત કરો. મને તમારો ઘરનો સદસ્ય જ ગણજો.” નિસર્ગે એને સાંત્વના આપતા કહ્યું હતું.

“જોયું, હું નહોતી કહેતી? નિસર્ગને વાત કરવામાં જરાય વાંધો નહિ. તમે જ નાહક અચકાતા હતા.” હંસાકાકીએ કહ્યું હતું. “તમતમારે જરાય ગભરાયા વગર વાત કરો.”

“હા હા, બોલો ને કાકા.” નિસર્ગને હવે ઉતાવળ આવી ગઈ.

“નિસર્ગ, મારી અને તારા કાકીની એવી ઈચ્છા છે કે તું અને નૂપુર બંને લગ્ન કરી લો. જો તને નૂપુરને અપનાવવામાં વાંધો ન હોય તો.” મહેશભાઈએ અચકાતા અચકાતા પોતાની વાત મૂકી.

નિસર્ગને તો આ વાત પર વિશ્વાસ જ ન બેઠો. ખરેખર તો એ આજે જ નૂપુરને પોતાની મનની વાત કરવાનો જ હતો ત્યાં તો સામેથી જ એની ગમતી વાત પુછાઈ હતી. એની ખુશીનો તો પાર નહોતો.

“કાકા, નૂપુર જેવી જીવનસાથી મેળવીને કોણ ખુશ ન થાય? પરંતુ તમે નૂપુરની મરજી જાણી છે? એના મનમાં શું છે એ પૂછ્યું છે તમે?” નિસર્ગે પોતાને જે વાત પરેશાન કરતી હતી એ કહી દીધી. નૂપુર આમ તો એની સાથે હસતી બોલતી પણ જે લાગણી એ પોતે નૂપુર માટે અનુભવતો એનો પ્રતિભાવ નિસર્ગને નૂપુર તરફથી ક્યારેય ન મળતો. એટલે જ એ આજે નૂપુર સાથે ચોખ્ખી વાત કરી લેવા માંગતો હતો.

“નૂપુર તો નાદાન છે. કહે છે, તમે છો પછી મારે બીજા કોઈની જરૂર નથી. પણ તું જ કહે બેટા, અમે તો ખર્યું પાન. કેટલા દિવસ એની સાથે રહી શકીશું. અમારા ગયા પછી એનું કોણ?” હંસાકાકીએ કહ્યું.

“નૂપુરની ચિંતા તું ન કર. એને તો હું સમજાવીશ. એ મારી વાત ક્યારેય નહિ ઉથાપે. પણ તું તૈયાર છે ને બેટા? તારે વિચારવા સમય જોઈતો હોઈ તો કઈ જ વાંધો નહિ.” મહેશભાઈએ નિસર્ગને પૂછ્યું હતું.

“મને તો કોઈ જ વાંધો નથી. પણ નૂપુરની મરજી પહેલા.” નિસર્ગે પોતાની ખુશી માંડ છુપાવતાં કહ્યું હતું.

નૂપુર પણ થોડી આનાકાની પછી માની ગઈ હતી. હજી 15 દિવસ પહેલા જ બંનેની સગાઇ કરી દેવામાં આવી હતી. નિસર્ગને કુટુંબમાં કોઈ જ નહોતું જેને જાણ કરવી પડે. પરંતુ નિસર્ગે નોધ્યું હતું કે નૂપુર હવે પહેલાની જેમ એની સાથે છુટથી બોલતી નહોતી. શરૂમાં તો નિસર્ગને લાગ્યું પોતાના પતિની યાદને ભુલાવીને નવો સંબંધ શરુ કરવામાં નૂપુરને થોડી વાર લાગશે. પણ નૂપુર તો ધીરે ધીરે નિસર્ગની નજીક આવવાને બદલે દૂર જઈ રહી હતી. એ બંનેનો મિત્રતાનો સંબંધ તો સાવ પૂરો જ થઇ ગયો હતો. નિસર્ગને થયું ક્યાંક પોતાનો પ્રેમ મેળવવાની લાલચમાં એ પોતાની દોસ્તને ખોઈ ન બેસે!! છેવટે થાકીને નિસર્ગે નૂપુરને સીધું જ પૂછવાનું નક્કી કર્યું હતું.

નિસર્ગ સાડા પાંચ વાગ્યાનો યુનિવર્સીટી રોડ પર ઉભો હતો. બરાબર 6 ને ટકોરે નૂપુર આવતી દેખાઈ. એ જ નિર્દોષતા, એ જ સાદગી અને સુંદરતાની બેનમૂન મિસાલ. નિસર્ગે ફરી એક વાર એના પ્રેમમાં પડી ગયો.

“ચાલો મારી સાથે.” કહેતી નૂપુર એને એક મોટા એવા બિલ્ડીંગમાં લઇ ગઈ. ત્યાં જઈને જોયું તો મહેશકાકા અને કાકી પહેલેથી જ હાજર હતા. નિસર્ગે ઇશારાથી જ પૂછ્યું. મહેશભાઈએ પણ ‘મને કઈ ખબર નથી’ એવો ઈશારો કર્યો.ત્યાં જ અંદરથી એક વડીલ બહેન બહાર આવ્યા બે પાંચેક વર્ષની ફૂલ જેવી છોકરીઓને લઈને.

“નૂપુર, આજથી આ બંને છોકરીઓ તારી. દત્તક લેવાની બધી જ પ્રોસીઝર પૂરી થઇ ગઈ છે. હવે તું આ બંનેને લઇ જઈ શકે છે.” પેલા બહેને બંને છોકરીઓને નૂપુરને સોંપતા કહ્યું. એ બંને તો દોડીને નૂપુરને વળગી જ ગઈ. જાણે વર્ષોથી એને ઓળખતી હોય!!

“માં,પપ્પાજી,નિસર્ગ...સોરી તમને બધાને જાણ કર્યાં વગર મેં આવડો મોટો નિર્ણય કર્યો.સ્પંદન અને મારું એક સપનું હતું કે અમારા પોતાના બાળકો થશે એ પહેલા અમે એક દીકરીને દત્તક લઈશું. આજે એના જન્મદિવસે મેં એનું સપનું પૂરું કર્યું છે. પપ્પાજી, તમારા કહેવાથી હું નિસર્ગ સાથે લગ્ન કરવા તૈયાર થઇ હતી પણ સાચું કહું તો મારું મન નહોતું માનતું. યાદ છે પપ્પાજી એક દિવસ તમે જ કહ્યું હતું કે પ્રેમ અને લાગણીના સંબંધોમાં ક્યારેય કોઈ વિકલ્પને સ્થાન નથી હોતું. તો પછી હું કઈ રીતે મારા અને સ્પંદનનાં લાગણીભીના સંબંધને એક વિકલ્પ આપી શકું? નિસર્ગ, મને માફ કરજો. તમારામાં મેં હંમેશા એક દોસ્તનું પ્રતિબિંબ નિહાળ્યું છે. એ દોસ્તીને હું ક્યારેય પ્રેમનું નામ નહિ આપી શકું.”

નૂપુર ખુબ જ સ્વસ્થતાથી પોતાની બંને છોકરીઓને લઈને ત્યાંથી પસાર થઇ ગઈ. ત્યાં ઉભેલા દરેકના મનમાં આ વિશિષ્ટ નારી પ્રત્યે અહોભાવની લાગણી થઇ આવી. નિસર્ગને આજે પહેલીવાર પોતાની પસંદગી પર ગર્વ થઇ આવ્યો.

-શ્રધ્ધા ભટ્ટ