તર્પણ Shraddha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તર્પણ

તર્પણ

“અમ્મા, મેરી બીવી ઔર બચ્ચે કા ધ્યાન રખોગી ના?” દીવાલ પર ટાંગેલી તસવીરમાંથી કુંદન પૂછી રહ્યો હતો.સોમી ક્યાંય સુધી એ તસ્વીરને જોઈ રહી.કેટલો સોહામણો લાગતો હતો કુંદન!! આર્મી યુનિફોર્મમાં સજ્જ એના ચહેરા પર એક અલગ પ્રકારની ગર્વતા દેખાઈ રહી હતી.પોતાના હોદ્દાની ગરવાઇ અને નીડરતા સાફ નિહાળી શકાતાં હતા એના મોઢા પર.સોમી અવશપણે એ ચહેરાની પાછળ જાણે ખેચાતી ચાલી.એને યાદ આવી ગઈ એક વાત.કેટલાય વર્ષો પહેલાં એણે કરેલો એક વાયદો, જેણે એની જીંદગી જ બદલી નાખી હતી.

અઠવાડિયાની રજા પરથી સોમી આજે જ ડ્યુટી પર આવી હતી. મુંબઈની બહુ જાણીતી હોસ્પિટલ ‘અશ્વિની’નાં ગાયનેક વોર્ડમાં એ હેડ નર્સ હતી. મુંબઈના કોલાબા એરિયામાં આવેલી આ હોસ્પિટલમાં ઇન્ડિયન ડીફેન્સ ફોર્સીસની ત્રણેય શાખાઓનાં સૈનિકો અને એમના ફેમીલી મેમ્બેર્સ સારવાર માટે આવતા હતા. ઇન્ડિયન નેવલ કોલોની અહીંથી નજીક હોવાને લીધે અહીંયા હંમેશા દર્દીઓની ભીડ રહેતી હતી. રાબેતા મુજબ બધાં પેશન્ટની હિસ્ટરી રાતની નર્સ રોઝી પાસેથી લઇ લીધા બાદ સોમી વોર્ડમાં આવી.ડોક્ટર કુમારનાં રેગ્યુલર રાઉન્ડનો સમય થવા આવ્યો હતો. એની પહેલા બધાં પેશન્ટને ચેક કરી લેવા જરૂરી હતા.એક પછી એક પેશન્ટ સાથે ખુબ આત્મીયતાથી વાતો કરતાં એનું ધ્યાન ખૂણામાં આવેલા બેડ પર ગયું.એ પેશન્ટ એને મળવા આવેલા કોઈ પરિચિત સાથે ધીમે અવાજે વાત કરી રહી હતી.એક તો ગાયનેક વોર્ડ અને એમાય સવારનો 8 વાગ્યાનો સમય.કોઈને પણ અત્યારે પેશન્ટને મળવાની પરમીશન નહોતી.એ ઝડપથી ત્યાં પહોચી.

“ચલો ચલો, અભી વીઝીટીંગ અવર્સ નહિ હૈ.તુમ બહાર નીકલો.” એણે સામે બેઠેલા માણસને કહ્યું.લાગતું હતું એ પેશન્ટનો પતિ હશે.

“મેમ, બસ દો મિનીટ. મેં અભી ચલા જાઉંગા.”

“અરે અભી ડોક્ટર સાબ આયેંગે તો મુજે ડાટ પડેગી.તુમ જલ્દી કરો.શામકો આનેકા.”

ત્યાં જ ડોક્ટર આવી પહોચ્યાં.એ સીધા સોમી ઉભી હતી ત્યાં જ આવ્યા.

“સો મિસિસ કુંદન,કૈસી તબિયત હૈ? કુછ પરેશાની?” ડો. કુમારે હસતાં હસતાં પેશન્ટ સાથે વાત કરી.

“સર, આઈ નીડ ટુ ટોક ટુ યુ.” એની બદલે એના હસબન્ડે કહ્યું.

“યસ, આપ આ જાઓ મેરી કેબીન મેં.” ડોકટરે કહ્યું અને બીજા પેશન્ટ પાસે પહોચી ગયા. થોડી વારમાં એ બધાં પેશન્ટ સાથે રૂટીન વાત કરીને નીકળી ગયા. એની પાછળ પાછળ પેલી પેશન્ટનો પતિ પણ ગયો. સોમી પણ પોતાના કામમાં પરોવાઈ. આખાય વોર્ડમાં 7 પેશન્ટ હતા.એક પેશન્ટનાં કેસ પપેરમાં ‘ક્રીટીકલ’ લખેલું હતું. એણે ધ્યાનથી એની કેસ હિસ્ટ્રી જોવા માંડી.જેમ જેમ એ પપેર્સ વાંચતી ગઈ એમ એમ એના ચહેરાના હાવભાવ બદલાતા ગયા. કેસ પેપર્સ વાંચીને એ ઉભી થઇ અને પેશન્ટના બેડ સામે જોયું.એનો હસબન્ડ ડોક્ટરને મળીને આવી ગયો હતો. એ બંને કૈક વાત કરી રહ્યા હતા.સોમીને હમણાં ત્યાં જવું ઠીક ન લાગ્યું.

“રશ્મિ,શું કરું સમજાતું નથી. તારી આવી હાલતમાં તને મુકીને જવાનું મન જ નથી થતું.” એ યુવક પોતાની પત્નીનો હાથ પકડીને કહી રહ્યો હતો.

“તમે મારી ચિંતા ન કરો. હું બિલકુલ ઠીક છું. તમે જાતે ત્યાં પોસ્ટીંગ માંગી છે અને હવે જયારે જવાનું છે ત્યારે કેમ આમ કરો છો?”

“પણ તને આમ એકલી મુકીને કેમ જાઉં?” એનાં ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

“જુઓ, અહિયાં બધાં જ છે મારું ધ્યાન રાખવા. ડોક્ટર,નર્સ. પછી શેની ચિંતા? અને મને કંઈ જ થવાનું નથી. મારા બાળકને જન્મ આપ્યા વગર હું મારવાની નથી.” રશ્મિએ હસીને કહ્યું.

“મરે તારા દુશ્મન! ખબરદાર જો હવે પછી આવી વાત કરી છે તો!” એ ખીજાય ગયો.

“ઓકે બાબા,હવે ક્યારેય એવી વાત નહિ કરું.ખુશ? પણ પ્રોમિસ કરો કે તમારું ધ્યાન રાખશો.”

“હા, પ્રોમિસ.તું પણ સમયસર દવા લેતી રહેજે.મારે આજે જ નીકળવું પડશે.ધ્યાન રાખજે.” એ થોડી વાર પોતાની પત્નીને જોતો બેસી રહ્યો, અને પછી પાછુ પણ જોયા વગર બહાર નીકળી ગયો. જતાં પહેલા વોર્ડની બહાર સોમી એને મળી ગઈ. ખબર નહિ કેમ પણ સોમીથી બોલાઈ ગયું. “સબ ઠીક હોગા,બેટા.” અને એ રડી પડ્યો. યુદ્ધમેદાનમાં દુશ્મનોનાં હાજા ગગડાવી દેનાર એ વીર સૈનિક આજે કુદરત સામે લાચાર થઈને હિંમત હારી બેઠો હતો. રશ્મિ, એની પત્ની માં બનવાની હતી.એ બંને હજી તો આ ખુશીને પચાવે એ પહેલાં એક બીજા સમાચારે બંનેને હચમચાવી દીધા હતા. પ્રેગ્નન્સીની સાથે સાથે રશ્મિને છેલ્લા સ્ટેજનું સર્વાંઇકલ કેન્સર હતું. ડોકટર કુમાર જ શરૂઆતથી એનો કેસ હેન્ડલ કરી રહ્યા હતા. એમણે રશ્મિને ઘણું સમજાવી હતી એબોર્શન માટે. પણ રશ્મિ કોઈ વાતે માનવા જ તૈયાર નહોતી. એની પ્રેગ્નન્સી પાંચ મહિના ઉપર થઇ ગઈ હતી. હવે કોઈ જ ટ્રીટમેન્ટ થઇ શકે એમ નહોતી. એક વાર બાળકનો જન્મ થઇ જાય એ પછી જ કૈક શક્ય હતું અને એ પછી પણ રીકવરીના ચાન્સીસ ઘણા ઓછા હતા.એ છેલ્લા અઠવાડિયાથી હોસ્પીટલમાં જ હતી જેથી કરીને ડોક્ટરની દેખરેખ નીચે જરૂરી સારવાર મળી શકે.ત્યાં આજે એના પતિ કુંદનની પોસ્ટીંગ કાશ્મીરમાં થયાનાં સમાચાર આવ્યા હતાં. હમણાંથી ત્યાં આતંકીઓનો ઉપદ્રવ ઘણો વધી ગયો હતો. કુંદન અવઢવમાં હતો કે રશ્મિની દેખભાળ કઈ રીતે શક્ય બનશે?

“અમ્મા, મેરી બીવી ઔર બચ્ચે કા ધ્યાન રખોગી ના?” સોમીએ આપેલી સાંત્વનાના ઉત્તરમાં કુંદનથી પુછાય ગયું. આજે જ આવેલી આ નર્સને જોઇને કુંદનને થયું એ રશ્મિની સારી રીતે સંભાળ લઇ શકશે. શા કારણથી એ પોતાની પત્નીની જવાબદારી આ નર્સને સોપતો હતો એ તો કુંદન પણ નહોતો જાણતો.

“જરૂર બેટા, તુમને અમ્મા કહા હૈ મુજે. તુમ બેફીકર હોકે અપની ડ્યુટી પર જાઓ. મૈ હું નાં?” સોમીના મનમાં આ અજાણી પેશન્ટ પ્રત્યે લાગણી ઉભરાઈ આવી હતી.

સોમી બહુ જ સરળતાથી રશ્મિ સાથે હળી ગઈ.રશ્મિ ગુજરાતી અને સોમી મહારાષ્ટ્રીયન. સાવ અલગ સંસ્કૃતિ ધરાવતી એ બે સ્ત્રીઓ કોઈ અદ્રશ્ય તાંતણે જોડાઈ રહી હતી. સોમી ઉમરમાં રશ્મિથી થોડી મોટી હતી પણ જયારે એની તબિયતની વાત આવે ત્યારે એક મોટી બહેનની જેમ એનું ધ્યાન રાખતી. રશ્મિ પણ એની બધી જ વાત માનતી.પોતાની મોતની ખબર હોવા છતાં રશ્મિ સહેજ પણ વિચલિત થયા વિના બધું જ ધ્યાન પોતાના બાળક પર આપી રહી હતી. એકપણ વાર એણે પોતાને થતી તકલીફ દેખાવા દીધી નહોતી. સોમીને ક્યારેક નવાઈ લાગતી આ છોકરીને જોઇને.એને થતું,બાવીસેક વર્ષની નાજુક નમણી એવી રશ્મિ ક્યાંથી આટલી હિંમત લાવતી હશે!! એ રોજ કુંદનનાં સમાચાર પૂછતી. કાશ્મીરના હાલચાલ પૂછવા એ સોમીને રોજ સમાચાર જોવા મોકલતી. પછી સોમીએ બધી જ વાત વિગતે કરવી પડતી.

ત્યાં જ એક દિવસ.......

“સોમી, કેટલી રાહ જોવડાવી? ચાલો જલ્દી મને વાત કરો.” રશ્મિએ વ્યાકુળતાથી કહ્યું. સોમી પણ રશ્મિની સાથે રહીને ગુજરાતી સમજવા માંડી હતી. કુંદનને ગયે આજે મહિનો થવા આવ્યો હતો. આ દિવસોમાં બંને જાણે વર્ષો જુની બહેનપણી બની ગઈ હતી.

“સોમી,બતાઓ ના.કબ લૌટ રહે હે વો?” રશ્મિએ અધીરાઈથી પૂછ્યું.

સોમી શું જવાબ આપે? હમણાં જ ટી.વી. પર સમાચાર આવ્યા હતા કે કાશ્મીર ઘાટીના જંગલમાં છુપાયેલા 4 આતંકીઓને શોધવા માટે આર્મીના જવાનોએ ઓપેરશન હાથ ધર્યું હતું. ચારમાંથી ત્રણ તો માર્યા ગયા હતા પણ એ દરમિયાન આર્મીના લાન્સ નાયક કુંદન કુમાર શહીદ થઇ ગયા હતા.સોમી ખુદ હેરાન હતી આ સાંભળીને. ક્યાં મોઢે એ રશ્મિને આ ખબર આપે?? આંખોમાં આંસુ સાથે સોમીએ રશ્મિને કડવી હકીકતની જાણ કરી.

રશ્મિ તો આઘાતથી થોડી ક્ષણો એની સામે જ જોઈ રહી. જેના આવવાની એ રોજ રાહ જોતી હતી, આજે એને બદલે એની શહીદીના સમાચાર આવ્યા હતા. એક પળમાં જ એનું વિશ્વ ખળભળી ગયું હતું. પરંતુ રશ્મિ જાણતી હતી કે એણે આ હકીકત સાથે જ જીવવાનું છે. થોડી પળોમાં એણે પોતાની જાતને સાંભળી લીધી. પોતાના પતિની બહાદુરીને એ આંસુ સાથે વહાવીને એળે જવા દેવા નહોતી માંગતી. સોમી તો આ છોકરીની હિંમત જોઇને ચકિત થઇ ગઈ હતી.

એક તો જીવલેણ રોગ અને એમાં પતિનો વિયોગ! રશ્મિ મનથી ભાંગી ચુકી હતી. એની હાલત દિવસે ને દિવસે ખરાબ થઇ રહી હતી. કેન્સર ધીરે ધીરે રશ્મિના શરીરમાં પોતાનો વ્યાપ વધારી રહ્યું હતું. છેવટે એક દિવસ આ ભયાનક રોગ સામે હારીને રશ્મિ બાળકને જન્મ આપીને કુંદનને સાથ દેવા એની સાથે ચાલી નીકળી. જતાં પહેલા એ પોતાના બાળકની કસ્ટડી સોમીને આપી ગઈ હતી. સોમી માટે તો એ બાળક એના જીવનનું એક ધ્યેય બની ગયો હતો.સાવ એકલી એવી સોમીના જીવનમાં એ બાળક ખુશીઓ લઈને આવ્યો હતો. એ રશ્મિ અને કુંદનની નિશાની એવા બાળકને માં અને પિતાનો પ્રેમ આપીને ઉછેરવા રાજીખુશીથી તૈયાર થઇ ગઈ.

“કાશ્મીરમાં ફરી પાછી આંતકી અથડામણ. બહાદુરીથી આતંકીઓનો સામનો કરી રહેલા આર્મીના જવાનો...” રેડિયોની એનાઉન્સમેન્ટથી સોમીની વિચારધારા તૂટી. એક અકલ્પિત ભયથી એ ધ્રુજી ઉઠી.સમયનું ચક્ર ફરીથી ક્યાંક અમંગળ આગાહી ન કરી બેસે એ આશાએ એણે આંખ મીંચીને ભગવાનને સાદ પડ્યો. પોતે કરેલ પ્રાર્થનાનો પડધો પડ્યો હોય એમ ફોનની રીંગ વાગી.

“હેલ્લો..” સોમીએ ધડકતા હૈયે ફોન ઉપાડ્યો.

સામે છેડેથી વાત થતી રહી પણ સોમી એ સમજી શકે એવા હોશમાં જ નહોતી. કુલદીપ કુંદન કુમાર..... આતંકીઓ સાથેની મૂઠભેડમાં માર્યો ગયેલો એક જવાન. સોમીના હાથમાંથી રીસીવર પડી ગયું. આખરે સમયનું પૈડું ફરી ત્યાં જ આવીને અટકી ગયું હતું. એ કુંદનની તસ્વીર સામે જોઇને રડી પડી. કુલદીપ....કુંદન અને રશ્મિનો દીકરો.... એમની થાપણ.... આજે પોતાના પિતાની જેમ દેશ માટે કુરબાન થઇ ગયો. એક દેશભક્ત પિતા માટે આથી વધારે સારું તર્પણ શું હોઈ શકે??

-શ્રદ્ધા ભટ્ટ