સ્વપ્નિલ હકીકત Shraddha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વપ્નિલ હકીકત

Shraddha Bhatt

manshri.bhatt@gmail.com

સ્વપ્નિલ હકીકત

દ્રશ્ય 1 પંજાબીઓના પારંપરિક લગ્નના પોશાકમાં સજ્જ પૂર્ણિમા ખરેખર પૂનમનાં ચાંદ જેવી જ લાગતી હતી.એના હોઠ પર રમતું શરમાળ સ્મિત, ઢળેલી પાંપણો, મેહંદીસજ્યા હાથ... એના ગુલાબી રૂપને અનેરી આભા આપતા હતા.બાજુમાં ફૂલોનો સહેરો બાંધેલો વરરાજા હાથમાં મંગળસુત્ર લઈને બેઠો હતો.સેથામાં સિંદૂર અને ગાળામાં મંગળસુત્ર પહેરેલી પૂર્ણિમાનો નવવધૂનો શણગાર હવે ખરા અર્થમાં પૂરો થયો.

દ્રશ્ય 2 આલિશાન બંગલા જેવા ઘરના દીવાનખંડમાં પૂર્ણિમા શરમાતી ઘણી બધી સ્ત્રીઓથી ઘેરાયેલી બેઠી હતી.સ્ત્રીઓની મશ્કરીભરી વાતોથી હસુ હસુ થઇ રહેલું એનું ગોળ માસૂમ મુખ ખુબ જ સુંદર લાગતું હતું.“મુંહ દિખાઈ”ની રસમ પૂરી થતાં બધી સ્ત્રીઓ ધીરે ધીરે વિખરાઈ અને પૂર્ણિમા એકલી પડી.ત્યાં જ એના મોબાઈલમાં રીંગ વાગી. સ્ક્રીન પર નામ વંચાતું હતું “કિરપાલ”.એકદમ ખુશ થઈને એણે ફોન ઉપાડ્યો.

“પૂર્ણિમા.... પૂર્ણિમા.....” એની મમ્મી એને જગાડી રહી હતી.“પુન્ની.... ઉઠ બેટા” પૂર્ણિમાને એના ઘરમાં પુન્ની કહીને બોલાવતા હતા.ઊંઘમાં પરિચિત અવાજ સાંભળીને પૂર્ણિમા સડાક કરતી બેઠી થઇ ગઈ.ન તો પેલો આલિશાન બંગલો હતો કે ન તો એનો દુલ્હનનો શણગાર.એ તો વડોદરાના પોતાના ઘરમાં પોતાના રૂમમાં બેઠી હતી. “ઓહ! તો એ સપનું હતું!!??” પૂર્ણિમાને હજી પણ વિશ્વાસ નહોતો આવતો. પોતાનાં લગ્ન, પંજાબી લોકોનો માહોલ, મોબઈલમાં વાંચેલું એ નામ...... બધું જ જાણે સાચું હોય એવું લાગતું હતું;પરંતુ કોઈ જ પ્રકારના સંદર્ભ વિના આવું કેમ શક્ય બને એ જ પૂર્ણિમાને નહોતું સમજાતું. છેવટે સપનાની વાતને મજાક ગણીને એ ઉભી થઇ.કામમાં મન પરોવવા છતાં સપનામાં જોયેલા એ અજાણ્યા નામ સાથે એ અનાયાસે જોડાઈ રહી હતી.‘કોણ હશે એ કિરપાલ?’ એ જાણવાની એને અજબ તાલાવેલી લાગી હતી.ઘડીભર તો એને પોતાની ઉપર હસવું આવ્યું.મૃગજળ સમાન સપના પાછળ એ દોડતી હતી જે ક્યરેય મળવાનું જ નહોતું.પૂર્ણિમા સપના સાચા પડે એવી વાહિયાત વાતમાં જરાય માનતી નહોતી.એને ખબર હતી કે અચેતન મન જે વિચારે એ જ ક્યારેક સપના રૂપે બહાર આવતું હોય છે.પરંતુ આજના એના સપનાએ એને બેચેન કરી દીધી હતી.બધું જ સમજવા છતાં એનું મન ખબર નહિ શું કામ એ ન જોયેલા ચહેરા માટે વ્યાકુળ થઇ રહ્યું હતું.વારંવાર મનમાં એ નામ ગુંજતું રહેતું હતું.બહુ મુશ્કેલીથી એણે મનના વિચારો ખંખેરવાની કોશિશ કરી.આમેય આજના દિવસે ઘણું કામ હતું. આવતીકાલે સાંજની ટ્રેનથી એ દિલ્હી જઈ રહી હતી.એની ખાસ દોસ્ત પ્રિયંકાના લગ્ન દિલ્હીમાં રાખ્યા હતા.એના માટેનું થોડુંઘણું શોપીંગ પણ બાકી હતું.પેકિંગ તો હજુ કર્યુ જ નહોતું.એક દિવસ તો દોડધામમાં ક્યાં જતો રહ્યો એની ખબર જ ન પડી.બીજે દિવસે સાંજે મમ્મી પપ્પા સાથે એ સ્ટેશન પહોંચી ગઈ.પપ્પાનો સાથે આવવાનો પ્રોગ્રામ છેલ્લી ઘડીએ કેન્સલ થયો હતો.મમ્મી એટલે જ ચિંતા કરતી હતી. વડોદરાથી દિલ્હી સુધી એ એકલા મુસાફરી કરવાની હતી. “પુન્ની, તારું ધ્યાન રાખજે. અજાણ્યાનો ભરોસો કરતી નહિ. ત્યાં પહોચીને પહેલું કામ ફોન કરવાનું કરજે” મમ્મીની સૂચનાઓ ટ્રેન ઉપડ્યા સુધી ચાલુ જ રહી હતી.છેવટે બંનેને બાય કહીને પૂર્ણિમા પોતાની સીટ પર બેઠી.પૂર્ણિમા હંમેશા સાઈડ લોઅર સીટ લેવાનો જ આગ્રહ રાખતી.એણે ડબ્બામાં નજર ફેરવી.વેકેશનનો સમય હોવા છતાં બહુ ઓછા મુસાફરો દેખાતા હતા.સમાન વ્યવસ્થિત ગોઠવીને પૂર્ણિમાએ પર્સમાંથી બુક કાઢી અને વાંચવા લાગી.વાંચન એનું મનપસંદ કામ હતું.ગમે તેટલી લાંબી મુસાફરી પણ એને કંટાળાજનક ન લાગતી.એ કલાકોના કલાકો વાંચીને સમય પસાર કરી શકતી.આજે પણ એવું જ થયું.વાંચતા વાંચતા રાત ક્યાં પડી એની ખબર જ ન રહી.જમવાની બહુ ઈચ્છા નહોતી એટલે પૂર્ણિમાએ સુવાની તૈયારી કરી.છેલ્લા બે દિવસના થાકને લીધે એને તરત જ ઊંઘ આવી ગઈ.

અચાનક ખખડાટ અને ધીમી કાનાફૂસીના અવાજથી પૂર્ણિમાની ઊંઘ ઉડી ગઈ.એણે જોયું તો ત્રણ ગુંડા જેવા લાગતા માણસો પૂર્ણિમાના બર્થ નીચેથી એનો સમાન ફંફોસી રહ્યા હતા.

“અરે! આ તમે શું કરો છો?એ તો મારો સમાન છે!!!”પૂર્ણિમાએ લગભગ ચીસ પાડીને પૂછ્યું.પેલા ત્રણેય ચોંકી ગયા.એમાંથી બોસ જેવા લાગતા માણસે બીજા બેને ધીરેથી પૂછ્યું, “આને સુંઘાડ્યુ નથી કે શું?”

“સોરી બોસ, મેં આ પકલાને કહ્યું હતું.એ ભૂલી ગયો લાગે છે.પકલા,આને તે રૂમાલ નથી સુંઘાડયો?”

હવે પૂર્ણિમાને સમજાયું કે એની ચીસ સાંભળીને પણ કોઈ કેમ ઉભું ન થયું.આ ગુંડાઓએ બધાને બેહોશ કરી દીધા હતા.પોતાન સદનસીબે એ આ ત્રણેયની નજરમાંથી બચી ગઈ હતી.પૂર્ણિમા હવે શું કરવું એનો વિચાર જ કરતી હતી ત્યાં એ ત્રણેયનાં બોસે આગળ આવીને પૂર્ણિમાના માથે બંદુક તાકી,“એય છોકરી! ખબરદાર જો મોઢું ખોલ્યું છે તો.તારું પર્સ આપી દે જલ્દી.એય પકલા,ચલ ઝડપ કર.”બીજા હાઈટમાં નાના એવા છોકરાએ એનું પર્સ છીનવી લીધું.ત્યાં જ ટ્રેન જોરદાર બ્રેક સાથે ઉભી રહી.બંદૂક તાકીને ઉભેલો માણસ આ ઝટકા માટે તૈયાર નહોતો.એ સંતુલન ગુમાવીને પડ્યો.પૂર્ણિમાએ પળવારનો વિલંબ કર્યા વગર પોતાની બાજુમાં ઉભેલા માણસને ધક્કો માર્યો અને બહારની તરફ દોટ મૂકી.બોસે પકલાને પાછળ જવાનો ઈશારો કર્યો.પકલાને શું સુજ્યું કે નીચે પડેલી બંદૂક લઈને એ પૂર્ણિમાની પાછળ દોડ્યો. પૂર્ણિમા ત્યાં સુધી ટ્રેનની બહાર નીકળી ગઈ હતી.દરવાજે ઉભા રહીને પકલાએ બૂમ પાડી, “ઉભી રહે નહિ તો ગોળી મારી દઈશ!!”.પૂર્ણિમાએ એની વાત ન સાંભળતા દોડવાનું ચાલુ જ રાખ્યું.પોતાની પેહલી ફેરીમાં બોસ પર “ઇમ્પ્રેસન” જમાવવા પેલાએ બંદૂક ચલાવી દીધી.જાણે પોતાના પર પૂર્ણિમાનું નામ લખાવીને આવી હોય એમ, સરખું નિશાન ન લગાવવા છતાં, એ ગોળી પૂર્ણિમાને જમણા ખભામાં વાગી. પૂર્ણિમા જોરદાર ચીસ પાડીને ફસડાઈ પડી.

એ ટ્રેન રાજસ્થાનના સવાઈ માધોપુર નામના સ્ટેશન પર ઉભી હતી.સમય થયો હતો રાતના સાડા ત્રણ. ફાયરિંગના અવાજથી સ્ટેશનની લોકલ પોલીસ હરકતમાં આવી ગઈ.ત્રણેય ચોર ભાગવામાં સફળ થયા હતા.પૂર્ણિમાને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવામાં આવી.લગભગ આઠેક કલાક પછી પૂર્ણિમાએ આંખો ખોલી.એનો જમણો હાથ ખુબ જ પીડા આપતો હતો.એ પોતાના બેડમાંથી ઉઠવા ગઈ પણ નર્સે એને ઇશારાથી જ ઉઠવાની ના પાડી.

“આપકે હસબન્ડ બહાર હી હૈ. મેં અભી ઉન્હેં અંદર ભેજતી હું.” કહેતી નર્સ બહાર ગઈ.પૂર્ણિમાને કંઈ સમજાયું નહિ. ત્યાં તો કોઈ અજાણ્યો યુવક અંદર આવ્યો. સાથે ડોક્ટર પણ હતા.

“મિસિસ ખન્ના, અબ કૈસા લગ રહ હૈ આપકો? ડર ઔર દર્દ કી વજહ સે આપ બેહોશ હો ગયી થી. આપકે હાથમે લાગી ગોલી હમને નિકાલ દી હૈ. અબ આપ ઘર જા સકતી હૈ. મૈને આપકે હસબન્ડ સે બાત કર લી હૈ.” ડોકટરે પૂર્ણિમાને એની તબિયત વિષે જણાવ્યું અને બહાર જતા રહ્યા. પૂર્ણિમા થોડા ગુસ્સાથી પેલા અજનબી, કે જેને ડોકટરે એનો હસબન્ડ કહ્યો હતો, સામે જોઈ રહી હતી.

“જુઓ મિસ, મને ખોટો નહિ સમજતા.સ્ટેશન પર શું થયું એ તો તમને ખબર જ છે.તમે જયારે દોડીને ટ્રેનમાંથી બહાર આવ્યા,બરાબર ત્યારે જ હું પણ મારા ડબ્બામાંથી બહાર નીકળ્યો હતો.તમને દોડતા જોયા અને પછી ગોળીનો અવાજ સાંભળ્યો.પેલા ચોરે કરેલા ફાયરીંગમાં તમને ખભામાં ગોળી વાગેલી. હું તમને કંઈ પૂછું એ પહેલા તો તમે બેહોશ થઇ ગયા.ગોળી કાઢવા માટે નાના એવા ઓપરેશનની જરૂર હતી.એના ફોર્મમાં સાઈન કરવા માટે જ મારે તમારી ઓળખાણ મારા પત્ની તરીકે આપવી પડી.”

પૂર્ણિમા આશ્ચર્યથી એની સામે જોઈ રહી.આ માણસ જો ખરા સમયે એની મદદે ન આવ્યો હોત તો શું થાત એ વિચરતાં જ એને કંપારી છૂટી ગઈ.એ ફક્ત એટલું જ બોલી શકી. “Thank You!!”

“અને હા,તમારું નામ મેં પૂર્ણિમા લખાવ્યું છે.ઈન્સ્પેકટરે જયારે પૂરું નામ પૂછ્યું ત્યારે મને આ જ નામ યાદ આવ્યું.” એ યુવકે કહ્યું.“વૈસે યે પૂનમ કે ચાંદ કા નામ પૂર્ણિમા હી હોના ચાહિયે!!”એ મનમાં જ બોલ્યો. છેલ્લા 10 કલાકથી એ સતત આ છોકરીની આગળ પાછળ જ હતો.સાવ અજાણી એવી આ છોકરી માટે એ કૈક અજબ ખેચાણ અનુભવતો હતો.એનું નિર્મળ સ્વચ્છ રૂપ એ હિન્દીભાષી યુવકને પોતાની તરફ ખેચી રહ્યું હતું.પહેલી નજરનાં પ્રેમ વિષે સાંભળ્યું તો ઘણું હતું પણ એનો રોમાંચ એ આજે જ અનુભવી રહ્યો હતો.એ મનોમન ઈશ્વરનો આભાર માનતો હતો કે એને આ છોકરીની મદદ કરવાની તક આપી.પોતાના મામાના દીકરાના લગ્નમાં હાજરી આપવા એ દિલ્હી જઈ રહ્યો હતો.ત્યાં જ એને અહી રોકાઈ જવું પડ્યું હતું, જેનો એને અફસોસ કરતાં આનંદ વધુ હતો.પોતે પંજાબી હોવા છતાં ગુજરાતમાં રહેવાથી એ સારું ગુજરાતી બોલી શકતો હતો.

“મારું નામ પૂર્ણિમા જ છે.પણ તમને કઈ રીતે ખબર પડી?” પૂર્ણિમાના સવાલથી એની વિચારધારા અટકી.એણે હસીને વાત ટાળી દીધી.

હોસ્પીટલની બાકીની વિધિ પતાવીને બંનેએ દિલ્હી જવાનું નક્કી કર્યું.પૂર્ણિમાએ પોતાના ઘેર પણ વાત કરી લીધી હતી.એના મમ્મી પપ્પા પણ વડોદરાથી દિલ્હી આવવા રવાના થઇ ગયા હતા.રાજસ્થાનથી દિલ્હી સુધીની એ સફર દરમિયાન બંને એકબીજા વિષે ઘણું જાણી ગયા.એકબીજાના પરિવારથી લઈને બેસ્ટ ફ્રેન્ડ સુધીની માહિતીની આપલે થઇ ચુકી હતી.પેલો યુવક જેનું નામ જીમ્મી હતું એ તો પૂર્ણિમાને પોતાનું દિલ દઈ બેઠો હતો.પૂર્ણિમા પણ ધીરે ધીરે જીમ્મી તરફ અજીબ આકર્ષણ અનુભવી રહી હતી. ઊંચો ગોરો એવો આ પંજાબી પૂર્ણિમાના મનમાં પોતાનું એક સ્થાન બનાવી ચુક્યો હતો.પૂર્ણિમાએ તો એને પોતાની ફ્રેન્ડનાં લગ્નમાં આવવાનું આમંત્રણ પણ આપી દીધું. જીમ્મી તો જેમ બને એમ વધારે પૂર્ણિમા સાથે જ રહેવા માંગતો હતો. એણે પણ એ સ્વીકારી લીધુ.પૂર્ણિમાના મમ્મી પપ્પા પણ જીમ્મીનો અભાર માનતા થાકતા નહોતા.એના માટે તો એ દેવદૂત સમાન હતો જેણે પૂર્ણિમાની રક્ષા કરી હતી.

------------------------------------------------------------------------------------------------

“માય ડીઅર ફ્રેન્ડ, યુ આર ઇન લવ.....” પ્રિયંકાએ પૂર્ણિમાને અધવચ્ચે જ ટોકી.એ અત્યાર સુધીની બની ગયેલી ઘટના સંભળાવી રહી હતી.

“વોટ? શું બોલે છે તું?”પૂર્ણિમાનાં ગાલ શરમથી લાલ થઇ ગયા હતા.

“છેલ્લી દસ મિનીટથી તારી વાતો સાંભળું છું.ટ્રેનમાં શું બન્યું એ કહેવાને બદલે તું તો ‘જીમ્મી’ને શું ગમે અને શું ના ગમે એની જ વાતો કર્યા કરે છે.માર્ક માય વર્ડ્સ.યુ આર ઇન લવ.”

“અરે ના.એવું કઈ જ નથી.તું પણ શું?” પૂર્ણિમાનાં દિલમાં કૈક અલગ વાત હતી અને હોઠ પર કૈક અલગ.

“હેય, તારું નામ તો બહુ ઢાસું છે ને યાર.મિસિસ પૂર્ણિમા કિરપાલ ખન્ના!!! ઇમ્પ્રેસિવ!!!” પ્રિયંકાના હાથમાં રાજસ્થાનની હોસ્પીટલના મેડીકલ ડોક્યુમેન્ટ્સ હતા.પૂર્ણિમા આ નામ સાંભળીને ચોંકી.એણે ઝડપથી પ્રિયંકાના હાથમાંથી એ ડોક્યુમેન્ટ્સ લઇ લીધા. “પણ એનું નામ તો જીમ્મી છે!!”

“ક્યા બાત હૈ!! મેરી હી બાત હો રહી હૈ દોનો મેં!!”જીમ્મી હસતો હસતો અંદર આવ્યો.

“તારું નામ શું છે?”પૂર્ણિમાએ પૂછ્યું.

“આ કેવો સવાલ છે?”

“આઈ મીન સાચું નામ.”

“ઓહ! હું એ કહેવાનું જ ભૂલી ગયો.હલ્લો ગર્લ્સ, આઈ એમ કિરપાલ ગંગારામ ખન્ના”.

પૂર્ણિમાને વિશ્વાસ જ નહોતો આવતો!! એનું સપનું, જેને એ મૃગજળ માનતી હતી એ હકીકત બનીને એની સામે ઉભું હતું!!

“કિરપાલ, મારી સાથે લગ્ન કરીશ?”જાણે પૂર્ણિમાનું અચેતન મન એના ચેતન મન પર હાવી થઇ રહ્યું હોય એમ એણે સપનાને સાચું બનાવવાની તૈયારીઓ આરંભી દીધી.એ હવે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર પોતાના સપનાને સાચું કરવા માંગતી હતી.કિરપાલ તો આભો જ રહી ગયો. જે વાત એ કરવા આવ્યો હતો એ પૂર્ણિમા કરી રહી હતી!! પૂર્ણિમાનું સૌન્દર્ય તો કોઈને પણ ઘાયલ કરવા પૂરતું હતું જ પરંતુ એણે મુશ્કિલ સમયમાં જે હિંમત દેખાડી હતી એના પર તો કિરપાલ આફરીન થઇ ગયો હતો. ના પાડવાનો તો સવાલ જ નહોતો!! પૂર્ણિમાએ પોતાના સપનાની બધી જ વાત કિરપાલને કરી.એને તો માન્યામાં જ નહોતું આવતું કે આવું પણ બની શકે!! કિરપાલને પણ હવે જ સમજાયું કે રાતના સાડા ત્રણ વાગે શું કામ એ ઉઠીને ટ્રેનની બહાર આવ્યો?? કદાચ ઈશ્વરે જ એને મોકલ્યો હતો જેથી એ પૂર્ણિમાને મળી શકે.

જોડીઓ હમેશા ઉપરવાળો જ બનાવે છે!! આ કહેવત પૂર્ણિમા અને કિરપાલનાં જીવનમાં સાચી પડવા જઈ રહી હતી.એમની જોડી તો ઈશ્વરે બનાવી જ પણ પ્રસંગો ઉભા કરીને બંનેને મેળવી પણ દીધા. બંનેના પરિવારવાળાઓએ પણ જયારે પૂર્ણિમાનાં સપનાની વાત સાંભળી ત્યારે એ લોકોએ પણ રાજીખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો.સહુથી વધારે ખુશ હતી પૂર્ણિમા.એ ખરેખર પોતાનું જોયેલું સ્વપ્ન સાકાર કરવા જઈ રહી હતી.