Chhelli nazar books and stories free download online pdf in Gujarati

છેલ્લી નજર

છેલ્લી નજર

શિમલાની ખુશનુમા સવારનો રંગ સાંજ પડતાં તો સાવ સફેદ થઇ ગયો હતો. અણધાર્યા આવેલા બરફના તોફાને આખા શિમલાને ઝપેટમાં લઇ લીધું હતું. રસ્તાઓ, વૃક્ષો, વાહનો બધું જ બરફની ચાદરમાં ઢંકાઈ ગયું હતું. નીરવ શાંતિ થોડી વાર પહેલાના તોફાનનો પડઘો પાડતી વાતાવરણને ઘેરી વળી હતી. કૈક આવું જ તોફાન દેવકીના મનમાં પણ ચાલી રહ્યું હતું. શહેરની ભીડભાડથી દૂર, પોતાના નાના કોટેજના ડ્રોઈંગરૂમની ઇઝીચેર પર દેવકી આંખ બંધ કરીને બેઠી હતી. બાજુમાં પડેલા કેસેટ પ્લેયરમાંથી શાસ્ત્રીય સંગીતના સૂરો વહી રહ્યા હતા. “અબ ના માનત શ્યામ...” એક ઘેરો પુરુષ સ્વર આખા ઓરડામાં પડઘાતો હતો. પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક અને દેવકીના પતિ સૌમિલ શાહના અવાજમાં ઠુમરી વાગી રહી હતી. દેવકીના ચહેરાના હાવભાવ ગીતની સાથે બદલાતા જતાં હતા. એક અજબ પ્રકારની વિષાદની રેખાઓ દેવકીના ચેહરા પર પથરાયેલી હતી. સૌમિલ,દેવકી અને ક્રિશ્ના. સરસ મજાનો નાનકડો સંસાર હતો એમનો. સૌમિલ શાસ્ત્રીય સંગીતનો જાણકાર,પ્રખ્યાત ગાયક અને દેવકી કથ્થકની વિખ્યાત નૃત્યાંગના. ક્રિશ્ના એમની 20 વર્ષની દીકરી. સૌમિલની ગાયકી પર જયારે દેવકી નૃત્ય પ્રસ્તુત કરતી ત્યારે અનોખો સંગમ રચાતો. સાક્ષાત શિવ-પાર્વતી ધરતી પર ઉતરી આવ્યા હોય એવું લાગતું. દેવકીની ફક્ત એક જ નબળાઈ હતી. એનો ગુસ્સો. દેવકીથી ખોટું સહન ન થતું. એ તરત જ ગુસ્સે થઇ જતી. જયારે સૌમિલ એ બાબતે થોડી બાંધછોડ કરી લેવામાં માનતો.બસ આ જ કારણે એમની વચ્ચે ક્યારેક ચકમક ઝરી જતી. દેવકીને પછીથી અફસોસ પણ થતો પોતાના ગુસ્સા પર. ત્યારે સૌમિલ હસીને કહેતો, “ દેવી, તારો આ ગુસ્સો ક્યારેક મારો જાન લઈને રહેશે.” સૌમિલના મજાકમાં કહેવાયેલા શબ્દો સાચા પડ્યા હતા. આજથી બરાબર એક વર્ષ પહેલા એ ત્રણેય બહાર ગયા હતા. કાર હંમેશા દેવકી જ ચલાવતી. મુંબઈનું વરસાદી વાતાવરણ બરબરનું જામ્યું હતું. વરસાદને લીધે રસ્તાઓ ચીકણા થઇ ગયા હતા. કોઈક વાતે સૌમિલ અને દેવકી વચ્ચે માથાકૂટ થઇ ગઈ. દેવકી ગુસ્સાને લીધે કારને કંટ્રોલ ન કરી શકી. કાર ધડાકાભેર એક થાંભલા સાથે અથડાઈ. દેવકી તો બચી ગઈ પણ સૌમિલ અને ક્રિશ્ના ન બચી શક્યા. દેવકી વારંવાર પોતાના કરેલા ગુસ્સાની માફી માંગતી રહી પણ હસતા મુખે સૌમિલ દ્વારા હંમેશા કહેવાતું ‘ઇટ્સ ઓકે!’ ક્યારેય સાંભળવા ન મળ્યું. આ ઘટનાની બહુ જ ઊંડી અસર થઇ દેવકીનાં મન પર. એ પોતાની નામ,દામ શોહરતભરી જીંદગી છોડીને ગુમનામીના અંધારામાં ડૂબી ગઈ. મુંબઈથી પોતાની કરિયર અધવચ્ચે જ છોડીને એ શિમલા આવી ગઈ. છેલ્લા એક વર્ષથી એ સાવ એકલવાયું જીવન જીવતી હતી. એક સમયની પ્રખ્યાત કલાકાર, કે જે હંમેશા પોતાના ચાહકો, પ્રશંસકોથી ઘેરાયેલી રહેતી હતી, હવે સાવ એકાકી થઇ ગઈ હતી. દેવકીએ પોતાની જાતને દુનિયાથી અલિપ્ત કરી દીધી હતી. ધીરે ધીરે એકલતાની અસર એના મગજ પર થવા માંડી. એ ક્યારેક કલાકો સુધી બારીની બહાર અનિમેષ નિહાળ્યા કરતી તો ક્યારેક મનમાં કલ્પેલા લોકો સાથે વાતો કર્યા કરતી. આસ પાડોશના લોકો એ શરૂઆતમાં એની સાથે વાત કરવાની કોશિશ કરી જોઈ પણ એના આવા વિચિત્ર વર્તન પછી કોઈ એને બોલાવતું નહિ. બધાં એને પાગલ, ચક્રમ કહેતા. દેવકીને એની કોઈ પડી નહોતી. એણે પોતાની આસપાસ એક મનોવિશ્વ રચી દીધું હતું. જેમાં બહારના કોઈને પ્રવેશની અનુમતિ નહોતી. આજે એ સવારથી જ બેચેન હતી. ફરી ફરીને અકસ્માતનો એ દિવસ યાદ આવી રહ્યો હતો. સૌમિલ અને ક્રિશ્નાનાં મોત માટે દેવકી પોતાને જ જવાબદાર માનતી હતી. માનસિક અસ્થિરતા, એકલતા અને એમાંય મન પર રહેલો અપરાધભાવ. દેવકીને થયું, ‘આવું જીવન જીવીને શું ફાયદો? જેના માટે જીવતી હતી એ તો હવે પોતાની જ ભૂલને લીધે સાથ છોડીને જતાં રહ્યા.’ એક નાજુક ક્ષણે દેવકીને આત્મહત્યા માટે પ્રેરિત કરી દીધી. ટેબલની બાજુના ખાનામાં ઊંઘની ગોળીઓની શીશી પડી હતી. એ ઉભી થઈને એ લેવા ગઈ.

બરાબર એ જ સમયે એના દરવાજા પર ટકોરા પડ્યા. દેવકીના હાથમાંથી દવાની બોટલ પડી ગઈ. “કોઈ ઘરમાં છે? બહાર બહુ તોફાન છે. હું ફસાઈ ગઈ છું.” કોઈ બહારથી મદદની પોકાર કરતુ હતું. દેવકીને પળવાર તો ખબર જ ન પડી કે શું કરવું. “પ્લીઝ, દરવાજો ખોલો ને. બસ આજની રાત આશય આપી દો.” ફરીથી અવાજ આવ્યો. દેવકી થોડો સમય એમ જ ઉભી રહી. દરવાજા પરથી કોઈના પગલાના પાછા ફરવાનો અવાજ આવ્યો. કદાચ પેલો અજાણ્યો આગંતુક નિરાશ થઈને પાછો ફરી રહ્યો હતો. દેવકી એકદમ દોડી અને દરવાજો ખોલ્યો. બાવીસેક વર્ષની એક છોકરીએ પાછળ ફરીને જોયું. “ઓહ, થેંક યુ વેરી મચ.” કહેતી એ અંદર જ આવી ગઈ. “જુઓને અચાનક જ તોફાન ચાલુ થઇ ગયું અને હું રસ્તામાં જ ફસાઈ ગઈ. આમ તો હું કોઈને શોધવા નીકળી હતી પણ હું પોતે જ ખોવાઈ ગઈ છું.” પેલી છોકરી નોન સ્ટોપ બોલે જતી હતી. દેવકી તો હજી બહાર જ ઉભી હતી.

“ઓહ સોરી. તમે અંદર તો આવી જાવ.” એ દેવકીને દોરીને અંદર લઇ આવી.

“મારું નામ મોસમ. પણ આ ઘરમાં આટલું અંધારું કેમ છે?કદાચ લાઈટ જતી રહી હશે નહિ? કંઈ વાંધો નહિ. મારી પાસે ટોર્ચ છે.” કહેતા એણે ટોર્ચ ચાલુ કરી. નાના એવા રૂમમાં અજવાળું થઇ ગયું. કાયમ લગભગ અંધકારમાં જ રહેવા ટેવાયેલી દેવકીની આંખો આટલા બધાં પ્રકાશથી અંજાઈ ગઈ. એણે પોતાના ચહેરો છુપાવી દીધો. મોસમ અચરજથી દેવકીને જોઈ રહી. ચોળાઈ ગયેલ સાડી, કેટલાય દિવસથી ન ઓળેલું માથું, સાવ સુસ્ત અને નંખાઈ ગયેલું શરીર.... મોસમને પળવાર તો થયું ક્યાંક ઉલમાંથી ચૂલમાં ન પડી હોય તો સારું!! દેવકીએ ધીરે રહીને પોતાનો હાથ હટાવ્યો. “ટોર્ચ શું કામ કરી? મને અંધારામાં રહેવાની આદત છે, સમજી?” દેવકીએ સહેજ ગુસ્સા અને અણગમાથી કહ્યું. “ત્યાં અંદર રૂમ છે.જા જઈને સૂઈ જા. સવારે જતી રહેજે.” દેવકીને આ છોકરીથી અકારણ જ નફરત થઇ આવી.

“ તમે પ્રખ્યાત કથ્થક ડાન્સર દેવકીદેવી છો ને? ઓહ ગોડ, તમે નહિ માનો, પણ હું તમને શોધતી જ અહીં શિમલા આવી હતી. અને જુઓ તો ખરા, કેવા સંજોગોમાં આપણો મેળાપ થયો?” મોસમ ખુશીથી ઉછળી જ પડી.દેવકીની આ હાલતમાં ય મોસમે એને ઓળખી લીધી. નાનપણથી લઈને અત્યાર સુધી મોસમે દેવીની જેમ એને ચાહી હતી. પછી ન ઓળખવાનો તો સવાલ જ નહોતો ને! એણે આવેશમાં દેવકીના બંને હાથ ચૂમી લીધા. “મેમ, હું તમારી બહુ મોટી ફેન છું. તમારા પ્રોગ્રામ જોઇને જ મોટી થઇ છું. તમે મારા આદર્શ છો મેમ. તમને કથ્થક કરતા જોઇને મેં પણ કથ્થકની તાલીમ લીધી છે. ઓહ મેમ, હું આજે ખુબ જ ખુશ છું.” મોસમની ખુશી સમાતી જ નહોતી. ઘેરથી જીદ કરીને એ 10 દિવસ માટે શિમલા આવી હતી. ફક્ત દેવકીની તલાશમાં.આટલા દિવસોથી એ શિમલામાં દેવકીને શોધતી હતી.હવે પપ્પાએ આપેલી મુદ્દત અને મોસમની ધીરજ બંને ખૂટી ગયા હતા.એ લગભગ નિરાશ જ થઇ ગઈ હતી. ત્યાં જ એનો ભેટો દેવકી સાથે થઇ ગયો. દેવકી તો નવાઈથી મોસમને જોઈ જ રહી. આખા શિમલામાં કોઈ એને ઓળખાતું નહોતું. ‘કથ્થક’ આ શબ્દ તો જાણે વર્ષો પછી સાંભળ્યો હોય એવું લાગ્યું દેવકીને.

“તને કેમ ખબર પડી કે હું અહિયાં રહું છું? મેં તો કોઈને કહ્યું જ નથી.” દેવકીએ સહેજ કડકાઈથી પૂછ્યું.

“ઓહ મેમ,ઇટ્સ સો ઇઝી. યાદ છે તમે ‘કલાવૃંદ’ નામના એક મેગેઝીનનાં ઈન્ટરવ્યુમાં શિમલાનો ઉલ્લેખ કર્યો હતો. જીવનના પાછલા વર્ષો તમને શિમલામાં વિતાવવા ગમશે એવું તમે કહ્યું હતું. બસ એ જ વાતને પકડીને હું અહિયાં આવી ગઈ.મને ચોક્કસ ખાતરી હતી કે તમે મને જરૂર મળી જશો.”

“મળી લીધું ને? હવે તું જઈ શકે છે.” દેવકી એ પોતાની નારાજગી બતાવતા કહ્યું.

“અરે મેમ, એમ નહિ. મારી એક વિનંતી છે. મારે તમારી પાસેથી નૃત્યની તાલીમ લેવી છે.”

“નહિ. મેં નૃત્ય કરવાનું અને શિખવાડવાનું ક્યારનું મૂકી દીધુ છે.” દેવકીએ સાફ ના પડી દીધી.

“પ્લીઝ મેમ, હું ઘણી આશા લઈને આવી છું તમારી પાસે. થોડા દિવસ માટે. તમે કહો એટલા દિવસ. મને બસ તમારી પાસેથી નૃત્ય શીખવું છે.” મોસમ વિનવી રહી દેવકીને. પણ દેવકીએ નક્કી કરી રાખ્યું હતું કે એ હવે ક્યારેય નૃત્ય નહિ કરે.

“મેમ, મારા બદલે જો તમારી પોતાની દીકરી હોત તો તમે એને પણ ના જ પડી હોત? હું નહિ પણ તમારી દીકરી તમને વિનંતી કરી રહી છે એમ સમજીને માની જાવ, પ્લીઝ.” મોસમે છેલ્લો પ્રયત્ન કરતા કહ્યું.

મોસમે અજાણતા જ દેવકીની દુખતી નસ પર હાથ રાખી દીધો હતો. ક્રિશ્નાને યાદ કરીને દેવકીની આંખ ભરાઈ આવી. એણે પહેલીવાર નીરખીને મોસમને જોઈ. સપ્રમાણ દેહલતા, ગોળ સુંદર મોં,લાંબા કાળા વાળ અને નિર્દોષ હરિણી જેવી આંખો. અદ્દલ ક્રિશ્ના જેવી જ આંખો હતી મોસમની.નિર્દોષતા અને અલ્લડતાનો એવો સંગમ જે ભાગ્યે જ જોવા મળે. દેવકીને લાગ્યું કે મોસમ નહિ ક્રિશ્ના એને કહી રહી છે, ‘ચલ મમ્મી, પ્રેક્ટીસ ચાલુ કરીએ.’ દેવકીએ નિર્ણય કરી લીધો.

“હું તને શીખવાડીશ. પણ મારી અમુક શરતો છે.”

“તમારી બધી જ શરતો મંજૂર છે મેમ. થેંક યુ સો મચ.” મોસમ એનો હાથ પકડીને હલાવી રહી હતી.

“બે દિવસ પછી મને સવારે 10 વાગે અહીં જ મળજે.” આટલું કહીને દેવકી અંદર જતી રહી.

મોસમ બે દિવસ પછી આવી તો આખા ઘરની રોનક જ બદલાયેલી હતી. નવા પડદા અને સાફ સફાઈથી ગોઠવેલું ફર્નિચર ઉડીને આંખે વળગતું હતું. અને દેવકી! એ તો સાવ જ બદલાઈ ગઈ હતી. પંજાબી સૂટમાં સજ્જ દેવકી એકદમ જ તરોતાજા લગતી હતી. “વાઉ મેમ, યુ લૂક વન્ડરફૂલ.” મોસમે કહ્યું. દેવકી હસી પડી. જાણે કેટલાય દિવસો પછી દેવકીએ પોતાનું હાસ્ય સાંભળ્યું!! એ પછીના દિવસોમાં દેવકીનું એ કોટેજ સવાર સાંજ કથ્થકનાં તોડા અને કવિતાઓથી ગુંજવા લાગ્યું. દેવકી ખુબ તલ્લીનતાથી મોસમને શીખવાડતી હતી. મોસમ પણ એટલી જ કુશળતાથી બધું ગ્રહણ કરી રહી હતી. મોસમે કથ્થકમાં વિશારદ કરેલું હતું. એટલે બહુ જલ્દીથી એ બધું શીખી લેતી હતી. દેવકી પણ જાણે પોતાનું એકાકીપણું, માનસિક પરિતાપ બધું જ ભૂલીને નવેસરથી જીવનમાં ગોઠવતી જતી હતી. મોસમ નામની ચિત્રકાર જાણે પોતાના વ્યક્તિવરૂપી બ્રશથી દેવકીના કાળા પડી ગયેલા જીવનમાં રંગો ભરી રહી હતી. દેવકીને પણ આ રંગીન જીવન ગમવા લાગ્યું હતું. આમ ને આમ એક મહિનો ક્યાં પસાર થઇ ગયો ખબર જ ન પડી.

“આજે મોસમને બહુ મોડું થઇ ગયું.” દેવકી તૈયાર થઈને મોસમની રાહ જોતી હતી. રોજ 10 નાં ટકોરે હાજર થઇ જતી મોસમ 10.30 થયા તોય આવી નહોતી. દેવકીને ચિંતા થઇ. મોસમ વિષે એને બહુ ઓછી ખબર હતી. એ શિમલામાં ક્યાં રહે છે એ પણ દેવકીએ પૂછ્યું નહોતું. ‘મોસમને હવે અહીં જ રહેવાનું કહી દેવું છે.’ દેવકીએ વિચાર્યું. ત્યાં જ એણે મોસમને કારમાંથી ઉતરતા જોઈ. સાથે કોઈ છોકરો પણ હતો. મોસમ એને વિદાય કરીને ઘર તરફ વળી. અંદર જતાં પહેલા મોસમે પાછળ જોયું. પેલા છોકરાએ ફ્લાઈંગ કિસ કરી. મોસમ શરમાઈને અંદર જતી રહી. દેવકી કારને પસાર થતી જોઈ રહી. “દેવકી મેમ, હું આવી ગઈ.” મોસમે ઘરમાં આવતા જ કહ્યું. દેવકીએ કઈ જ ન કહ્યું. બંને એ પ્રેક્ટીસ ચાલુ કરી. પણ આજે મોસમનું ધ્યાન બીજે જ હતું. બે ત્રણ વાર દેવકી એ એને ટોકી. બપોર થતાં જ બંને જમવા બેઠા. મોસમ બપોરનું જમવાનું ત્યાં જ જમતી.

“મેમ, મારે એક વાત કરવી છે.” મોસમે થોડા સંકોચથી વાત શરુ કરી.

“હા, બોલ ને.”

“મારે કદાચ ઘેર જવું પડશે. આજ કાલમાં જ.”

“કેમ? હજી તો તારે ઘણું શીખવાનું બાકી છે. તું એમ ન જઈ શકે,” દેવકીનો અવાજ એની જાણ બહાર ઊંચો થઇ ગયો.

“પણ મેમ, મારું જવું જરૂરી છે. મારા જીવનનો એક અગત્યનો નિર્ણય લેવાનો છે.” મોસમે જવાબ આપ્યો.

“તું એમ જઈ જ ના શકે. યાદ છે ને મારી શરતો?”

“પણ તમે તો કોઈ શરત કીધી જ નથી.”

“હા કેમ કે તે કહ્યું હતું કે તને મારી બધી જ શરત મંજૂર છે. યાદ છે?” દેવકી મોસમને કોઈ જ હિસાબે જવા દેવા નહોતી માંગતી. પોતાના એકાકી જીવનમાં એક મોસમ જ હતી જે નવી આશાનું કિરણ લઇ આવી હતી. દેવકી ફરી એક વાર એ ગુમનામી,એકલતામાં નહોતી ખોવાવા માંગતી. મોસમ ધીરે ધીરે એની શિષ્ય મટીને એની જરૂરત બની ગઈ હતી. દેવકીને પોતાને પણ ખબર નહોતી પડી કે ક્યારે એ મોસમ માટે આટલી પઝેસીવ થઇ ગઈ હતી.

“સોરી મેમ, મારે તો જવું જ પડશે.” મોસમને થયું હવે મક્કમ થયા વિના નહિ ચાલે. છેલ્લા કેટલાક દિવસોથી દેવકીનું વર્તન કૈક અજીબ થઇ ગયું હતું. મોસમ થોડી વાર માટે પણ ક્યાંય જાય તો દેવકી અકળાઈ ઉઠતી. મોસમ પહેલેથી જ સ્વતંત્ર રીતે રહેવા ટેવાયેલી હતી. સતત કોઈની રોકટોક,પૂછપરછ- આ બધું એને હવે કઠવા લાગ્યું હતું.આમેય મમ્મી પપ્પા સાથે લગ્નની વાત પણ કરવાની હતી. સાગર એને શોધતો અહીં સુધી આવી ગયો હતો અને હવે એ ઉતાવળ કરતો હતો.

“ત્યાનું કામ પતાવ્યા પછી હું પછી આવી જઈશ.” મોસમને પોતાને જ આ જવાબ સાવ ખોખલો લાગ્યો. એ અને દેવકી બંને જાણતા હતા કે હવે મોસમ પછી નહિ આવે.

ત્યાં જ બહાર કારનું હોર્ન સંભળાયું. મોસમ તરત જ ઉભી થઇ. “મેમ, હું જઈશ.” દેવકી તરત ઉભી થઇ. “પ્લીઝ મોસમ, ન જા. મને આમ એકલી મુકીને શા માટે જાય છે? હજી તો આપણે ઘણું બધું કરવાનું છે.” દેવકીએ અજીજીભાર્યા સ્વરે કહ્યું.

“મેમ, મારે જવું જ પડશે. પણ આઈ પ્રોમિસ, હું જરૂર પછી આવીશ. અત્યારે તો જવું જ પડશે.”દેવકી ના ના કરતી રહી અને મોસમ બહાર નીકળી ગઈ. મોસમને દુઃખ તો થયું પણ એની પાસે કોઈ ઉપાય જ નહોતો. દેવકીની શરૂઆતની વિનંતીઓ ધીરે ધીરે આક્રમક થઇ ગઈ. એ રાડો પાડીને મોસમને બોલાવવા લાગી. ખબર નહિ ક્યાં સુધી એ મોસમનાં નામની બૂમો પડતી રહી. છેવટે થાકીને એ ત્યાં જ ફસડાઈ પડી. ઘેરી નિરાશા એને વળગી પડી. પોતાના એકાકીપણાની મજાક ઉડાવતા હોય એમ સુના ઘરમાં દેવકીને મોસમનો રણકતો અવાજ પડઘાવા લાગ્યો.!! દેવકીથી આ જરાય સહન ન થયું. ફરીથી એ જ નિસહાય,નિ:શબ્દ મનોદશામાંથી દેવકી પસાર થવા નહોતી માંગતી. ત્યાં જ એની નજર પેલી દવાની બોટલ પર પડી. હવે તો આની કોઈ જરૂર નથી એમ માનીને દેવકીએ એ ટેબલની નીચે રાખી દીધી હતી. દેવકીએ ધ્રુજતા હાથે બોટલ ઉપાડી.ઉભી થઇને એ જ ઇઝી ચેરમાં બેઠી. ઘરનો દરવાજો હજી ખુલ્લો જ હતો. દેવકીએ છેલ્લી નજર દરવાજા તરફ નાખી. કદાચ પહેલાની જેમ ફરી કોઈ મોસમ એના જીવનને ધબકતું કરવા આવી જાય!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED