Mukti Prayan books and stories free download online pdf in Gujarati

મુક્તિ પ્રયાણ

મુક્તિ પ્રયાણ

ટ્રેનની વ્હીસલ વાગતાં જ રેવતીના ઉદાસ ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. ઉનાળાની તપ્ત ધરા પર વર્ષાનાં પહેલા છાંટણા જે ઠંડક આપે કૈંક એવી જ ટાઢક રેવતી અનુભવી રહી. આમ જુઓ તો શરીરથી એ પોતાના ઘરથી દૂર જઈ રહી હતી પરંતુ એનું મન ન ઇચ્છવા છતાં એને પોતાના અતિતમાં ધકેલી રહ્યું હતું. રેવતીની આંખ સામે અત્યાર સુધીનું આખું જીવન તાદ્દશ થઇ રહ્યું હતું.

આંખોમાં મસ્તીભર્યા શમણાં આંજીને, દિલમાં પતિપ્રેમ અને કુટુંબપ્રેમનાં અરમાનો સજાવીને રેવતીએ જ્યારે એની સાસરીમાં પગ મૂક્યો ત્યારે એને પોતાના નસીબ પર ગર્વ થઇ ગયો હતો. સોહામણા કુંવર જેવો પતિ અનુપ (જેને રેવતીએ લગ્ન પછી જ જોયો હતો), ભાઈ-ભાભીની ગરજ સારતા જેઠ-જેઠાણી, અને માં સમાન સાસુમા.લગ્ન પછીના થોડાક દિવસો તો રીત-રિવાજ નિભાવવામાં પસાર થઇ ગયા. ગામમાં એના પતિ તેમજ જેઠનું માનપાન ઘણું હતું. પેઢીઓથી ચાલી આવતી જમીનદારીને કારણે બધાં જ એમને સન્માનથી જોતા. ગર્ભશ્રીમંત એવા એના સાસરામાં બધાં જ કામ માટે નોકરો હતા. આખો દિવસ ક્યાં પસાર કરવો એ રેવતી માટે એક પ્રશ્ન હતો. ત્યાં જ એક દિવસ એને એનો જવાબ મળી ગયો. અનુપની જમીનદારીની જમા ઉધારની ચોપડી એને હાથ લાગી. આ તો એનો મનપસંદ વિષય હતો. ધારીને જોતાં રેવતીને એમાં ઘણી ભૂલો દેખાઈ તો એણે એ સુધારી લીધી. રેવતી તો એ વિચારે ખુશ હતી કે હવે એ અનુપને હિસાબમાં થોડી મદદ કરી શકશે. પણ સાંજે અનુપે જ્યારે એમાં સુધારા જોયા તો એ તો ગુસ્સે થઇ ગયો.

“રેવતી, મારી ચોપડીને અડવાની તારી હિંમત જ કેમ થઇ?” અનુપે ગુસ્સામાં જ બૂમ મારી.

“તમારો રૂમ સાફ કરતા મારી નજર પડી. જોયું તો ઘણી ભૂલો હતી હિસાબમાં.એટલે મેં સુધારી લીધી.”

“બૈરાઓનું કામ જ નથી એ.તમને એમાં શું ખબર પડે!” અનુપે રેવતીને એની સાચી ઓળખ બતાવી દીધી.

“પણ. મને એમ કે તમારી થોડી મદદ પણ થઇ જાય. મને તો હિસાબની ઘણી....”

“બસ, મારે વધુ કંઈ જ સંભાળવું નથી. તમારું કામ રસોઈમાં છે. ત્યાં જ મદદ કરાવો.” અનુપ રેવતીને ત્યાં જ છોડીને ગુસ્સામાં રૂમની બહાર નીકળી ગયો. રેવતી એમ જ સ્તબ્ધ બનીને ક્યાંય સુધી ઊભી રહી હતી.

“મિસીસ રેવતી જાગીરદાર... મિસીસ જાગીરદાર ....” ટીકીટ ચેકર એનું નામ લઈને એને બોલવતો હતો.

“હલ્લો મૅડમ, ટીકીટ દેખાડો પ્લીઝ. ક્યારનો તમને બોલવું છું.”

“ઓહ હા, સોરી હો.” કહીને રેવતીએ ટીકીટ કાઢીને આપી. ટીકીટ ચેકર કૈંક બબડતો ત્યાંથી જતો રહ્યો.

“મિસીસ જાગીરદાર” ... રેવતીને થયું, આ નામની બહુ મોટી કિંમત ચૂકવી છે એણે. મોટા ઘરની વહુ બનવું એટલે પોતાના અસ્તિત્વને સાવ જ ભુલાવી દેવું, એ હવે રેવતીને સમજાતું હતું. કહેવાતા છલોછલ સુખની વચ્ચે રેવતીનું મન ખૂબ મુંઝાયા કરતું.એની માં સાચું જ કહેતી કે રેવતી સમય પહેલા જન્મી છે. દરેક બાબતને સ્વસ્થ તર્ક વિતર્ક કરીને સમજવાની એની આદત હતી. જ્યારે એના સાસરે તો વિચાર કરવા પર જ મનાઈ હતી. સ્ત્રીઓનો પોતાનો અલગ મત પણ હોઈ શકે એવું એના ઘરમાં કોઈ માનતું જ નહોતું. એટલે જ ‘નાની વહુથી તો ભાઈ તોબા’ એમ કહીને ઘરના લોકો એની સાથે વધુ વાત કરવાનું ટાળતા. રખે ને એ એવું કઈ પૂછી બેસે જેનો જવાબ દેવો અઘરો થઇ પડે! પોતાના ઘરનાં લોકોનું આવું માનસિક દારિદ્રય યાદ કરીને રેવતીથી હસી પડાયું.સહસા એની નજર એની સામેની બર્થ પર બેઠેલી નાની છોકરી પર પડી. લગભગ 6 વર્ષની ઢીંગલી જેવી છોકરી એની સામે જોઈને મલકી રહી હતી.

“શું નામ છે તારું બેટા?’ રેવતીએ એને પૂછ્યું.

“વ્યોમા.” પેલી છોકરીએ મીઠાશથી કહ્યું.

રેવતીના મનમાં એક ટીસ ઊઠી. હ્રદયમાં ઊંડે ઊંડે દાટી દીધેલો કોઈ ઘાવ અચાનક જ અંકુરિત થઇ ગયો હોય એમ એ વ્યાકુળ થઇ ગઈ. રેવતીનો સુંદર ચહેરો એના મનમાં ચાલતા વિચારયુદ્ધની ચાડી ખાતો હતો. એને યાદ આવી ગયો અનુપ સાથેનો એક પ્રસંગ.

“મને સાતમો મહિનો બેસી ગયો. હવે તો મને મારે ઘેર મૂકી જાઓ.” રેવતીએ પોતાના ઊપસેલા પેટ પર હાથ ફેરવી અનુપને કહ્યું.

“જાગીરદાર ખાનદાનના પહેલા વારસદારને જન્મ આપવા જઈ રહી છે તું રેવતી. એનો જન્મ તો અહિંયાં, આ ઘરમાં જ થશે. માંની પણ આ જ ઇચ્છા છે.” અનુપની વાતોમાં પોતાના પિતા બનવાનો ગર્વ છલકાતો હતો.

એના ઘરમાં આ પહેલું જ સંતાન જન્મવાનું હતું. રેવતીનાં જેઠ-જેઠાણી નિઃસંતાન હતા.

“તમને કેમ ખબર કે દીકરો જ આવશે?”

“અરે, એ જ તો આ ઘરની પરંપરા રહી છે. તું જ જો ને. અમે બે ભાઈઓ છીએ. મારા દાદાને પણ બે દીકરા જ છે. અને હવે મારું પહેલું સંતાન પણ દીકરો જ હશે.”

“પણ મને તો લાગે છે કે દીકરી હશે. મેં તો એનું નામ પણ વિચારી રાખ્યું છે. વ્યોમા. કેવું લાગ્યું તમ....”

“ખબરદાર જો આવા વાહિયાત વિચારો કર્યાં છે તો. મને તો દીકરો જ જોઈએ. સમજી?”

ફરી એકવાર રેવતીનાં આત્મસન્માન પર ઘા થયો અને રેવતી સહેમીને રહી ગઈ. સુવાવડના છેલ્લા દિવસોમાં ‘મોટા ઘર’ની પરંપરા પ્રમાણે રેવતીને ઘરની પછવાડે એક બંધિયાર ઓરડીમાં રાખવામાં આવી હતી. રેવતીના ઘણા આગ્રહ પછી ડૉક્ટર એને જોવા આવ્યા હતા.

“મિ. અનુપ, આ ગંદો, રોગયુકત ઓરડો પશુઓને પણ રહેવા લાયક નથી ત્યારે તમે તમારી પત્નીને અહિંયાં કેવી રીતે રાખી શકો?? એમાય એની આવી પરિસ્થિતિમાં??” એ ડોકટરે બહુ અચરજથી કહ્યું હતું.

રેવતી આશાભરી આંખે અનુપને જોઈ રહી હતી. જાણે હમણાં અનુપ બધાં જ રિવાજોની એસીતેસી કરીને પોતાને અહીંથી લઈ જશે!! પોતાનું પહેલું બાળક આવી અસહાય રીતે જન્મ લે એ કઈ રીતે સહન થઇ શકે? અને એ પણ ફક્ત ઘરનાં સદીઓથી ચાલ્યા આવતા કહેવાતા અનુશાસન ખાતર!! પણ અનુપ કઈ જ કહ્યા વગર રેવતીને ત્યાં જ તડપતી છોડીને ચાલ્યો ગયો. તે દિવસે એ બંધ થતા બારણાંનાં અંધકાર સાથે રેવતીનાં જીવનમાં પણ અંધકાર છવાઈ ગયો. જે પ્રેમ, સન્માન, લાગણીઓના અરમાનો લઈને એ આ ઘરમાં આવી હતી એ બધું જ જાણે ધીરે ધીરે વિલાય ગયું. પુરા બે દિવસ પ્રસૂતિની પીડા સહન કર્યાં પછી રેવતીએ એક મૃત બાળકીને જન્મ આપ્યો. રેવતી અને ઘરનાં બધાયને ખબર હતી કે જાણીજોઈને દાખવવામાં આવેલી બેદરકારીને લીધે જ આવું બન્યું હતું. પરંતુ ઘરનાં લોકોને એનો અફસોસ નહોતો. દીકરી હતી ને? અને વળી એમને એ સંતોષ હતો કે છેવટ સુધી ખાનદાનની જૂની પરંપરા જળવાઈ રહી હતી!! રેવતી તો આઘાતથી એટલી મૂઢ થઇ ગઈ હતી કે એના આંસુ આંખમાં જ સુકાઈ ગયા હતા.એક નિર્દોષ જીવનને રીતરસમનાં ખપ્પરમાં હોમાઈ જતું જોઇને રેવતીએ ત્યારે જ મનોમન એક નિર્ણય કરી લીધો હતો.

“આંટી, તમે કેમ રડો છો? આંટી...” પેલી નાની છોકરી રેવતીનો હાથ પકડીને પૂછી રહી હતી. રેવતીને ત્યારે જ ખ્યાલ આવ્યો કે વર્ષોથી દબાવેલા આંસુનો ધોધ આજે છૂટી ગયો હતો. એણે આંસુ લૂછીને તેને ખોળામાં લીધી. પોતાના પર્સમાંથી એક ચોકલેટ કાઢીને એને આપી.

વર્ષોની મનોવ્યથા રુદન મારફત વહાવી દીધા બાદ રેવતીને સારું લાગ્યું. રેવતીની આજની સફર પણ એને કરેલા નિર્ધારનો છેલ્લો પડાવ હતો. આજે એ પોતના જીવનના બધાં જ સંબંધોને પાછળ છોડીને આવી હતી.એ ઘેરથી કહીને નીકળી હતી કે બનારસ દીકરા માટે પ્રાર્થના કરવા જાય છે. એટલે તો એને એકલાં જવાની છૂટ મળી હતી. જીવનમાં પહેલી વાર એને અર્ધસત્ય કહ્યું હતું. એક નિર્દોષની હત્યાનું પાપ પોતાને માથે હતું. જાણે અજાણે એ પણ એમાં સહભાગી થઇ જ હતી. પરંતુ હવે? જાણે વર્ષોથી બંધ પાંજરામાં પૂરેલી એની પાંખોને કોઈએ મુક્તિ આપી દીધી હોય એમ એનું મન સાવ શાંત થઇ ગયું હતું.

રેવતી પૂરી રીતે તૈયાર હતી પોતાની મુક્તિનો આનંદ માણવા અને પોતાના ખોવાઈ ગયેલા અસ્તિત્વને નવો જ ઓપ આપવા. એની આ સફર ખરા અર્થમાં સ્વ મુક્તિનું પ્રયાણ બની રહી હતી.

શ્રદ્ધા ભટ્ટ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED