Rinki ane patalpatradham books and stories free download online pdf in Gujarati

રીન્કી અને પાટલપત્રધામ

Shraddha Bhatt

manshri.bhatt@gmail.com

રીન્કી અને પાટલપત્રધામ

ટન..ટન..ટન...ટન... સ્કૂલની ઘંટી વાગી અને રીન્કી પોતાનું બેગ એક ખભે ભરાવીને ભાગી. ઉતાવળમાં એક ચેઈન ખુલ્લી રહી ગઈ હશે તો એમાંથી એનો બાર્બીનો કમ્પાસ નીચે પડી ગયો. પણ રીન્કીને તો એની ક્યાં પડી હતી. ‘બાય રીન્કી... બાય રીન્કી’ સામે મળેલા સપના અને ગૌરવે એને કહ્યું. રીન્કીને એ સાંભળવાની પણ દરકાર નહોતી. એ તો ક્યારની પોતાના ઘેર જવા ઉતાવળી થઇ હતી. મમ્મીએ ટુર પર ગયેલા એના ‘પપ્પુ’ને કહી દેવાની વાત ન કરી હોત તો એ આજે સ્કુલ પણ ન આવત. સ્કૂલબસમાં પણ લક્ષ્મીબેને એને કંટાળીને કીધું,’છોકરી,કેટલી વાર પૂછીશ? હમણાં ઘર આવી જશે હો! બહુ ઉતાવળ છે આજે તો ઘેર જવાની?’ ‘તે હોય જ ને! આજે તો બહુ ખાસ દિવસ છે.’ રીન્કી મનમાં જ બોલી. આખરે ઘર આવ્યું. એ લગભગ કૂદીને બસમાંથી બહાર નીકળી. સ્કૂલબેગનો કર્યો ઘા, શુઝ તો જાણે ઘરનાં ક્યાં ખૂણાની સફરે નીકળ્યા એ ભગવાન જ કહી શકે! ‘મમ્મી, હું ગાર્ડનમાં જઉં છું.’ કહેતી એ ઘરની પાછળ આવેલા નાના એવા બગીચામાં ગઈ. પાછળથી મમ્મીની બુમો સાંભળી ન સાંભળી કરી એ જલ્દીથી પોતે વાવેલા ગુલાબનાં છોડ પાસે ગઈ.એની આંખોમાં ચમક અને મોઢા પર વેંત એકનું હાસ્ય રમી રહ્યું. સરસ મજાનું પિંક કલરનું ગુલાબ ખીલ્યું હતું. કેટલા દિવસથી એણે રાહ જોઈ હતી આની!! બહુ જ સાવચેતીથી એણે એ ફૂલને હાથ અડાડ્યો. પણ આ શું?

અચાનક જ ફૂલની બધી પાંદડીઓ એક પછી એક કરીને ખૂલવા માંડી. થોડી વારમાં તો એ ફૂલ મટીને એક નાના એવા કપમાં બદલાઈ ગયું. એ કપની ચારે બાજુ ગુલાબની પાંદડીઓ લાગેલી હતી. રીન્કી તો આંખો ફાડીને જોઈ જ રહી. ’રીન્કી, બેસી જા અંદર.તને હું એક અનોખી દુનિયાની સફરે લઇ જાઉં.’ એ અવાજમાં એવો જાદુ હતો કે રીન્કી એને અનુસરવા મજબૂર થઇ ગઈ. ગુલાબની ડાળખી થોડી નીચી નમી અને રીન્કી આરામથી એ કપમાં બેસી ગઈ. તરત જ જેવી રીતે ગુલાબ ખુલ્યું હતું એવી જ રીતે એક પછી એક પાંદડીઓ બંધ થવા માંડી. રીન્કી ગભરાઈ ગઈ. એ કંઈ બોલવા જતી હતી ત્યાં તો પોતે જાણે એક મોટી સ્લાઈડમાંથી નીચે ઉતરતી હોય એવું એને લાગ્યું. ડરના માર્યા એણે તો આંખ જ બંધ કરી દીધી.પેટમાં અજીબ ગડગડાહટ થતી હતી.રીન્કીને થયું હવે આ રાઈડ બંધ થાય તો સારું.ઘણી વાર સુધી રીન્કીની આ ટકરાતી, અફળાતી, ઉછાળા મારતી સફર ચાલ્યા કરી. અને પછી એ જોરથી હવામાં ઉછળીને નીચે પડી. જોકે એ જ્યાં પડી હતી ત્યાં બધે જ ગુલાબની પાંદડીઓનો ઢગ બનેલો હતો એટલે એને જરાય વાગ્યું નહિ.રીન્કીએ સુતાં સુતાં જ આજુ બાજુ નજર ફેરવી.એની ચારે તરફ ફક્ત રોઝ જ રોઝ હતા. રેડ,યલ્લો,પિંક,વ્હાઈટ,પર્પલ,ઓરેન્જ,બ્લુ....બસ એ તો આટલા જ કલર ઓળખતી હતી. એ સિવાય પણ ઘણા બધાં કલરના રોઝ એની આસપાસ ઉગેલા હતા. એ બધામાંથી એક સરસ મજાની સુગંધ આવતી હતી જે એક જાદુઈ અસર ઉભી કરતી હતી.

રીન્કી ઉભી થઈને ચાલવા લાગી. નવાઈની વાત એ હતી કે આખા રસ્તે રોઝ પથરાયેલા હતા તો પણ એના પગથી એ કચરાતા નહોતાં. જેમ જેમ રીન્કી આગળ વધતી એમ એમ એના માટે રસ્તો થતો જતો હતો. રીન્કી તો જાણે કોઈ જાદુઈ નગરીમાં આવી ગઈ હોય એમ અચરજથી બધું જોઈ રહી હતી. મોટા મોટા વૃક્ષો પર કોઈ અજીબ જ પ્રકારના ફળો લાગેલા હતા. થોડે દૂર એક તળાવ જેવું દેખાતું હતું. રીન્કીને થયું ત્યાં જઈને પાણી પીવું જોઈએ. એ જલ્દીથી એની પાસે પહોચી ગઈ. પણ પાણી પીવું કઈ રીતે? એને તો હમેશા ગ્લાસમાં જ પાણી પીવાની આદત હતી. હવે? તરસ પણ લાગી હતી. શું કરવું એ વિચારતી એ ત્યાં જ બેસી ગઈ.

“પાણી પીવું છે?” કોઈકનો અવાજ સંભળાયો. રીન્કીએ આમતેમ જોયું. કોઈ જ દેખાયું નહિ. ત્યાં તો એની બાજુમાં પડેલી ગુલાબની પાંદડીઓમાંથી ગ્લાસ બની ગયો. રીન્કીએ એ ઉપાડીને તળાવમાંથી પાણી પીધું. “ભૂખ પણ લાગી હશે ને?” ફરી એ જ અવાજ!

“હા, પણ કોણ બોલે છે? મને તો અહિયાં કોઈ જ દેખાતું નથી.” રીન્કીએ સામે પ્રશ્ન કર્યો.

“હું તો અહિયાં જ છું. પાછળ જો.”

રીન્કી એ પાછળ જોયું અને ડરની મારી એ બે ડગલાં આઘી ખસી ગઈ. એની સામે કોઈક વિચિત્ર પ્રાણી ઉભું હતું. એનું મોઢું વાનર જેવું હતું પણ એના હાથ ક્યાંય દેખાતા નહોતાં. હાથ હતા જ નહિ, એની જગ્યાએ ઘણા બધાં પીછા લાગેલા હતા.પગ પણ મોટા નહોરવાળા પક્ષીને હોય એવા હતા.

“તમે કોણ છો?” રીન્કીએ ડરતાં ડરતાં પૂછ્યું.

“મારું નામ છે, કૂશાકોત્કર્ષ. આ મારી નગરી છે. એનું નામ છે પાટલપત્રધામ.”

“શું નામ છે?” રીન્કીએ આવા અજીબ નામ પહેલી વખત સાંભળ્યા હતા.પેલું વિચિત્ર પ્રાણી હસવા લાગ્યું. “અઘરું છે નહિ? તું મને કૂશાકો કહીને બોલાવીશ તો ચાલશે.”

“ઓકે. તો કૂશાકો, તમે મને અહિયાં કેમ લઇ આવ્યા છો?”

“તને મારૂ આ સરસ મજાનું ઘર બતાવવા. તને ભૂખ લાગી છે ને. ચલ મારી પાછળ બેસી જા. તને સરસ મજાના ફળ ખવડાવું.”

“શું? તમારી પાછળ? ના બાબા ના. મને તો ડર લાગે.”

“અરે મજા આવશે.ચલ જલ્દી કર.”

રીન્કી થોડી અચકાઈને આગળ આવી. કૂશાકો થોડો નીચો નમ્યો અને રીન્કી એની પીઠ પર બેસી ગઈ. “બરાબર પકડજે.” કૂશાકોએ એક છલાંગ લગાવી અને ઉપર ઉઠ્યો. રીન્કીના આશ્ચર્ય વચ્ચે એણે પોતાની બે મોટી પાંખો ફેલાવી અને આકાશ ફરતી ઉડાન ભરી. રીન્કીએ જલ્દીથી એની ગરદન ફરતે હાથ વીંટાળી દીધા. થોડી વારની બીક પછી રીન્કીને મોજ પડવા લાગી. એટલામાં કૂશાકો એક મોટા ઝાડની ડાળીએ બેસી ગયો. “જેટલાં ફળ ખાવા હોય એટલા લઇ લે.” રીન્કી તો ખુશ થઈને ફળો તોડવા લાગી. નીચે ઉતરીને એ ઝાડની છાયામાં બેસીને તોડેલા ફળ ખાવા લાગી. બધાં ફળ એક સરખા હતા છતાં દરેકનો સ્વાદ અલગ અલગ આવતો હતો.

“તને ગમ્યું અહિયાં?” કૂશાકો એ રીન્કીને પૂછ્યું.

“હા, ખૂબ જ. તારું આ ઘર તો એકદમ સરસ છે.”

“બસ તો પછી તારે અહી જ રહેવાનું છે.”

“એટલે?”

“એટલે એમ કે હવેથી આજ તારું ઘર છે. તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. જેટલાં ફળ ખાવા હોય એટલાં ખાઈ શકે. ગમે એટલે રોઝ તોડીને એનાથી રમી શકે. કેવું સારું નહિ?”

“પણ મારી મમ્મી મારી રાહ જોતી હશે ને?” રીન્કીએ પૂછ્યું. એને અચાનક કૂશાકોનું વર્તન અજીબ લાગવા લાગ્યું હતું.

“તો શું થઇ ગયું? તને તો અહીં ગમે છે ને?” કૂશાકોએ બેફીકરાઇથી કહ્યું.

“હા, પણ મારે તો ઘેર જવું છે. મને ઘેર મૂકી જાવ.” રીન્કી રડમસ અવાજે બોલી.

“હવે તું ઘેર નહીં જઈ શકે રીન્કી. તારે અહી જ રહેવાનું છે.”

“ના, મને ઘેર જવું છે. મારે મમ્મી પાસે જવું છે.” રીન્કી જોર જોરથી રડવા લાગી.

“ચુપ થઇ જા કહું છું.” કૂશાકોએ ગુસ્સે થઈને કહ્યું. “આ કોણ એટલું જોર જોરથી રડે છે?” કોઈકનો ભરાવદાર અવાજ આવ્યો.

“ઓ મહાન દીવૌકવૃક્ષ, એ તો પેલી બાળકી છે.” કૂશાકોએ બે હાથ જોડીને કહ્યું.

રીન્કીને સમજાતું નહોતું કે એ કોની સાથે વાત કરે છે. ત્યાં તો એની બાજુમાં કૈક સળવળાટ થયો અને એ હવામાં ઊંચકાઈ. જે ઝાડને અઢેલીને એ બેઠી હતી એની જ એક ડાળીએ એને ઉપાડી લીધી હતી. એ ચીસો પાડવા માંડી. ત્યાં જ બીજી એક ડાળીએ એનું મોઢું બંધ કરી દીધું.

“તમે માણસો કેટલો અવાજ કરો છો. કેવી નીરવ શાંતિ હતી તારા આવ્યા પહેલા અહિયાં.” રીન્કી એ જોયું તો એ ઝાડ એની સાથે વાત કરતુ હતું.

“પ્લીઝ મને જવા દો. મારે મારી મમ્મી પાસે જવું છે.” રીન્કીએ ફરી રડવાનું ચાલુ કર્યું.

“જો છોકરી, તને અહિયાં જવા માટે નથી લાવ્યા. હવેથી તારે અહીં જ રહેવાનું છે. એ જ તારી સજા છે.”

“સજા? પણ મેં શું કર્યું છે?”

“એમ? શું કર્યું છે? કેમ કૂશાકોત્કર્ષ, તે આની સાથે વાત નથી કરી.“

“જી, બસ કરવાનો જ હતો.” કૂશાકો હજી પણ હાથ જોડીને ઉભો હતો.

“રહેવા દે. હું જ કહી દઉં છું. સંભાળ છોકરી, તમે માણસો જાતજાતના બહાના આપીને નાના માસૂમ જાનવરોને ઘરમાં કેદ કરીને રાખો છો. કોઈકને ઘર સજાવટ માટે તો કોઈકને ઘરની સંભાળ માટે. તમને જરાય વિચાર આવે છે કે એ મૂંગા પ્રાણીઓ પર શું વીતતી હશે જયારે એણે પોતાના ઘર પોતાના સાથીઓને છોડીને તમારી જોડે રહેવું પડતું હશે. એ બિચારા તો બોલી પણ નથી શકતા કે પોતાની વ્યથા તમને કહી શકે!! તું તારી જ વાત કરને. પોતાના પાલતુ તરીકે તે કેટલા બધાને ઘરમાં રાખી મુક્યા છે?” એ ઝાડ ખુબ જ ગુસ્સામાં વાત કરી રહ્યું હતું.

રીન્કીને હવે યાદ આવ્યું. એણે કેટલી જીદ કરીને એક ડોગી શેલું અને એક પેરોટ ગ્રીવીશને પોતાના ઘરમાં રાખ્યા હતા. અરે એનાં મમ્મી પપ્પા પણ એક ટોરટોઈઝ લઇ આવેલા, રફટી. જેને ઘરમાં રાખવાથી સારું થાય એવું એ માનતા હતા. રીન્કીને હવે ખ્યાલ આવી ગયો કે આ બધાં પણ પોતાની જેમ પોતાના ઘરને યાદ કરતા હશે!! રીન્કીને થયું પોતે તો સાવ થોડા કલાકો માટે ઘરથી દૂર થઇ છે છતાં એને ઘર યાદ આવે છે, તો એ લોકો તો કેટલા સમયથી પોતાની સાથે જ રહે છે. એને તો શુંય થતું હશે!! રીન્કીએ મનોમન કૈક વિચારી લીધું.

“જુઓ, હું માનું છું કે મારી ભૂલ થઇ ગઈ. મારે કોઈ પ્રાણીને એના ઘર એના પરિવારથી અલગ નહોતાં કરવા જોઈતા. પણ હવે હું એ ભૂલ સુધારી લઈશ. તમે જો મને ઘેર જવા દો તો હું તરત જ એમને એમના ઘર પહોચાડી દઈશ. આઈ પ્રોમિસ. પ્લીઝ મને ઘેર જવા દો.” એણે બે હાથ જોડીને કહ્યું.

“ઓ મહાન દીવૌકવૃક્ષ, મને લાગે છે આ છોકરી સાચું કહે છે. એને જવા દો. હું જાતે જઈને ખાતરી કરીશ એની વાતની. જો એ પોતાનું કહ્યું નહિ પાળે તો એને પછી તમારી સમક્ષ હાજર કરી દઈશ.” કૂશાકોએ વિનંતી કરી.

“ઠીક છે. તું કહે છે તો જવા દઉં છું. પણ ક્યાંય ભૂલ ન થાય એ જોજે.” પેલા ઝાડે રીન્કીને નીચે ઉતારી.

કૂશાકો એને લઈને ત્યાં આવેલા એક ગુલાબના છોડ પાસે ગયો. રીન્કીએ કૂશાકોના કહેવા અનુસાર ફૂલને અડ્યું અને ફરી પાછો એમાંથી એક કપ બની ગયો. રીન્કી કૂશાકોને બાય કહીને એમાં બેસી ગઈ. થોડી વારમાં એ પોતાના ગાર્ડનમાં પહોચી ગઈ. દોડીને એ પોતાના ઘરમાં જતી રહી. શેલું એની રાહ જોઇને બેઠું જ હતું. રીન્કીએ એને ખુબ વહાલ કર્યું.મમ્મીને કહીને એણે શેલું,ગ્રીનીશ અને રફટીને એમના પરિવારને મેળવવાની વાત કરી. મમ્મી શરુઆતમાં તો નવાઈથી જોઈ રહી પણ પછી એ પણ માની ગઈ.

જયારે રીન્કી શેલું,ગ્રીનીશ અને રફટીને સલામત જગાએ મુકીને ઘેર પાછી આવી રીન્કીના ગાર્ડનનું પેલું રોઝ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યું.

-શ્રદ્ધા ભટ્ટ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED