Shak books and stories free download online pdf in Gujarati

શક

શક!!

માનસી ક્યારની કોલેજની કેન્ટીનમાં બેઠી ચિરાગની રાહ જોઈ રહી હતી. એને જેમ બને એમ જલ્દી ચિરાગને મળવું હતું. ખુબ જરૂરી વાત કરવાની હતી. આમેય હમણાં થોડા દિવસથી એ બહું બીઝી રહેતો હતો. ફોનનો પણ સરખો જવાબ આપતો નહોતો. પોતાના પપ્પાની તબિયત અચાનક બગડી એમાં માનસીને તાત્કાલિક ગોંડલ પોતાને ઘેર જવું પડ્યું હતું. એ બધી ભાગદોડમાં એ ચિરાગને પોતાના જવા અંગે કહેવું પણ ભૂલી ગઈ હતી. આજે ત્રણ દિવસે એ પાછી રાજકોટ આવી હતી. માનસીને ખબર હતી કે આ ત્રણ દિવસોમાં પોતાની ગેરહાજરીથી ચિરાગ બરાબરનો અકળાયો હશે. એ એટલી અટવાયેલી હતી કે ગોંડલથી એક વાર વાત પણ કરી શકી નહોતી. આમેય એના ઘરમાં કોઈને ચિરાગ વિષે ખબર નહોતી એટલે માનસી ખોટું રિસ્ક લેવા માંગતી નહોતી. માનસીને ખબર હતી કે ચિરાગ એને મળ્યા પછી વધુ વાર ગુસ્સે નહિ રહી શકે.લગભગ કલાકેકની રાહ જોવડાવ્યા પછી ચિરાગ આવ્યો. માનસીની ધારણા પ્રમાણે એ ખૂબ ગુસ્સામાં હતો. માનસી હજી તો કઈ બોલવા જાય ત્યાં જ ચિરાગે ધારદાર નજરે પૂછ્યું,”ક્યાં હતી આટલા દિવસ? ન કોઈ ફોન, ન કોઈ ખબર....”

માનસી : “ ચિરાગ, પહેલા શાંતિથી બેસીને મારી વાત તો સાંભળ.”

ચિરાગ : “ મને મારી વાતનો જવાબ અત્યારે જ જોઈએ. કોની સાથે ફરવા ગઈ હતી આટલા દિવસ?”

માનસી: “અરે, તું આવી રીતે કેમ વાત કરે છે? પપ્પાની તબિયત અચાનક બગડી એટલે ગોંડલ જવું પડ્યું. તને તો ખબર છે ત્યાંથી વાત કરવી મુશ્કેલ હોય છે.”

ચિરાગ: “પપ્પાની તબિયત બગડી કે તારી નિયત? હું કેમ માનું કે તું ગોંડલ જ ગઈ હતી? કાઇ સાબિતી છે તારી પાસે?”

માનસી: “સાબિતી?? હવે મારે તને સાબિતી પણ દેવી પડશે? હું કહું છું એટલું કાફી નથી?”

ચિરાગ:”મને શું ખબર કોની સાથે હતી આટલા દિવસ? સાબિતી આપ તો માનું, નહીતો આજથી તું તારા રસ્તે, હું મારા રસ્તે.”

માનસી તો માનવામાં ન આવે એમ ચિરાગને જોઈ રહી. આ એ જ ચિરાગ હતો જેના એક એક શબ્દ પર પોતે આંખ મીંચીને વિશ્વાસ કરેલો!! અને હવે એ પોતાની પાસે પુરાવા માંગતો હતો!! માનસીના આત્મસમ્માન પર આજે જાણે વજ્રઘાત થયો હતો. સાવ નાની એવી વાતને કેટલી આસાનીથી ચિરાગે પોતાના ચારિત્ર્ય સાથે જોડીને પ્રહાર કર્યો હતો!! ચિરાગ તો પોતાની વાત કહીને ત્યાંથી નીકળી પણ ગયો અને માનસી એમ જ જડ બનીને ત્યાં ઉભી રહી. માનસીને પળવાર તો થયું કદાચ એ મજાક કરતો હશે. એણે તરત ચિરાગને ફોન લગાડ્યો. ખાસ્સી વાર રીંગ વાગ્યાં પછી ફોન ઉપડ્યો. ‘ માનસી, મેં તને સ્પષ્ટ કહ્યું છે.તું મને કૈક પુરાવો આપ. બસની ટીકીટ કે એવું કંઈ તો જ હું માનીશ કે તું સાચી છો. કાલ સુધીમાં મને પુરાવા સાથે મળ. નહિ તો અલવિદા.’ માનસીની એક પણ વાત સાંભળ્યા વિના ચિરાગે ફોન કાપી પણ નાંખ્યો. છેલ્લા દોઢ વર્ષનો પ્રેમસંબંધ પળવારમાં કાપી નાંખ્યો ચિરાગે!!માનસીએ એ પછી બહુ કોશિશ કરી ચિરાગ સાથે વાત કરવાની, પણ બધું વ્યર્થ. ચિરાગ તો વાતચીતનાં બધાં જ બારણાં બંધ કરીને બેઠો હતો. માનસી માટે પણ વાત હવે પોતાના સ્વાભિમાનના કાજે નમતું જોખવાની હતી. જે માનસી માટે થોડું અઘરું હતું. વહેમનો પીછડો જયારે સંબંધ પર ફરે છે ત્યારે એમાંથી પ્રેમ,લાગણી,આદર,સન્માન બધાંને શોષીને સાવ કોરોધાકોર કરી નાખે છે; આ વાત માનસી બરાબર જાણતી હતી. માનસીએ મન મક્કમ કરીને ચિરાગનાં જીવનમાંથી વિદાય લેવાનું નક્કી કર્યું.જોકે ચિરાગને ભૂલવું જરાય સહેલું નહોતું.એનું દિલ અને મન બરાબરની લડતે ચડ્યા હતા.હૈયું કહેતું હતું ચિરાગનાં મનનું સમાધાન કરવા માટે, જયારે મનમાં બેઠેલું અભિમાન એમ કરવાની ના પાડતું હતું. આ અજબ મનોદશામાં માનસીને પોતાની તબિયતનું જરાય ભાન ન રહ્યું.દિવસો સુધી એ વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી. આખરે એક દિવસ શરીરે જવાબ આપી દીધો. અચાનક જ બેઠા બેઠા એ ઢળી પડી. બે દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી એને રજા મળી. પણ ઈશ્વરની કસોટી હજી પૂરી નહોતી થઇ. ચિરાગ સાથેના પ્રેમનું બીજ જે એના ઉદરમાં આકાર લઇ રહ્યું હતું; માનસિક પરિતાપ અને આઘાતની એને સૌથી વધારે અસર થઇ હતી. માનસીનું મિસકેરેજ થઇ ગયું હતું. ચિરાગ સાથેનાં પ્રણયભંગની હજી તો કળ પણ નહોતી વળી ત્યાં એક ન જન્મેલા શિશુનો વિયોગ સહન કરવાનો આવ્યો.માનસી સાવ જ ભાંગી પડી હતી. બસ પછી તો જલ્દીથી સારું ઘર અને વર જોઇને માનસીના લગ્ન કરી દેવામાં આવ્યા. એમ વિચારીને કે લગ્ન પછી બધું ઠીક થઇ જશે.પણ માનસીને જ ખબર હતી કે બધું ઠીક છે કે નહિ??

“અરે માનુ, ધ્યાન ક્યાં છે તારું? આ દૂધ ઉભરાઈ ગયું!!” આકાશ ડ્રોઈંગરૂમમાં બેસીને છાપું વાંચતો હતો ત્યાંથી દોડીને રસોડામાં આવ્યો. માનસીને અચાનક જ કોઈએ ઊંઘમાંથી જગાડી હોય એમ આકાશ સામે જોવા માંડી. આકાશ એને દોરીને બહાર લઇ આવ્યો. ફ્રીઝમાંથી બોટલ કાઢીને પાણી પાયું. પ્રેમથી એનો હાથ હાથમાં લઇ પૂછ્યું,”માનુ, હમણાંથી હું જોઉં છું તું બહુ ખોવાયેલી રહે છે. કોઈ વાત છે જે તને પરેશાન કરે છે. મારી સાથે શેર નહિ કરે?” ‘મમ્મીને આપેલા વચનની ઉપરવટ જઈને પણ આજે સત્ય કહેવું જ પડશે. ક્યાં સુધી આ સીધા સરળ વ્યક્તિની ધીરજની હું કસોટી લીધા કરીશ?’ માનસીએ મનોમન વિચાર્યું. આકાશ ખૂબ ચાહતો માનસીને. બસ એક જ દુઃખ હતું માનસીને કે એ લગ્નનાં બે વર્ષ પછી પણ આકાશને બાળક નહોતી આપી શકી. આકાશ તો માનસીની મનસ્થિતિથી અજાણ ઉલટું માનસીને દિલાસો આપતો રહેતો.પણ માં ન બની શકવાનું ખરું કારણ માનસી જ જાણતી હતી. પોતાના હાથે જાણે અજાણે થયેલા બાળહત્યાનાં ગુનાની અસરમાંથી એ બહાર જ નહોતી આવી શકી. માનસીને થયું આજે જ સમય છે પોતાના ગુનાની માફી માંગવાનો. આકાશ અને ભગવાન બંને પાસેથી. માનસીએ આકાશનો કોઈ પણ નિર્ણય સ્વીકારવા મનોમન તૈયાર થઈને બધી જ વાત કરી દીધી. ચિરાગ સાથેના સંબંધથી લઈને એના બાળકના મિસકેરેજ સુધીની. આકાશ કંઈ જ કહ્યા વગર ત્યાંથી ઉભો થઈને જતો રહ્યો. માનસી જાણતી હતી કે આ સત્ય સ્વીકારવું આકાશ માટે અઘરું છે. ત્યાં જ આકાશ તૈયાર થઈને બહાર આવ્યો.

“ચાલ મારી સાથે.” કહેતો આકાશ ઘરની બહાર નીકળી ગયો. માનસી ફફડતાં હૈયે એની પાછળ દોરવાઈ. થોડી વાર પછી બંને શહેરના જાણીતાં ગાયનેકનાં કલીનીકમાં બેઠા હતા. માનસીના ઘણું કહેવા છતાં આકાશ ડોક્ટરને દેખાડવા તૈયાર નહોતો થતો અને આજે!! એ જાતે જ માનસીને લઈને આવ્યો હતો. માનસી આભારવશ એને જોઈ રહી. ત્યાં જ કોઈએ માનસીના નામની બૂમ મારી. માનસીએ જોયું તો એની રૂમમેટ ખ્યાતિ રિસેપ્શન ડેસ્ક પરથી એને બોલાવી રહી હતી. માનસી ઉભી થઈને એની પાસે ગઈ. આકાશે નોંધ્યું કે એની સાથે વાત કરતી વખતે માનસીના ચહેરાનાં હાવભાવ સતત બદલાતા જતાં હતા. માનસીનો વારો આવતાં એ ત્યાંથી આકાશ પાસે આવી ગઈ.

ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળતા દંપતીને જોઇને માનસી ત્યાં જ ઉભી રહી ગઈ. ચિરાગની નજર માનસી પર પડતાં જ એની આંખ ક્ષોભથી ઝુકી ગઈ. માનસી ગુસ્સાથી એને જોઈ રહી હતી. ચિરાગ કંઈ સમજે એ પહેલાં એક જોરદાર થપ્પડ એના ગાલ પર પડી.

“શા માટે? શા માટે આવું કર્યું મારી સાથે? તારે કોઈ પૈસાદાર બાપની દીકરી સાથે લગ્ન કરીને ભવિષ્ય બનાવવું હતું તો મને કહ્યું હોત. હું ખુશીથી ખસી જાત. પણ પોતાના સ્વાર્થ ખાતર મને દોષી ઠેરવીને તે ઠીક નથી કર્યું ચિરાગ.હું તો મારી જાતને ગુનેગાર માનીને સતત દુખી થતી હતી. સૌથી વધારે અન્યાય તો મેં મારા પતિને કર્યો છે.અને એણે? મારી બધી જ હકીકત જાણ્યા પછી પણ મને હસતાં મોઢે સ્વીકારી છે. આજે મને અફસોસ થાય છે કે તારા જેવા માણસ માટે થઈને મેં મારી જિંદગીના અમુલ્ય બે વર્ષ વેડફી દીધા.પણ હવે નહિ.ગૂડ બાય ચિરાગ.”

માનસીએ આંસું લૂછીને આકાશને કહ્યું,” ચાલો આકાશ, હવે ડોક્ટરની દવાની કોઈ જ જરૂર નથી. માનુ અને આકાશનો પ્રેમ ફળીભૂત થઈને રહેશે એવો મને વિશ્વાસ છે.”

  • શ્રદ્ધા ભટ્ટ.
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED