નવોઢા
Kunjal Pradip Chhaya
“દાદીમાં કેવાં હતાં?”
દાદાજીની સાથે બપોરે જમી પરવાર્યા પછી સૌથી મોટી પીયૂ, નાનકી એશા અને અમયે દિવાનખંડમાં બેઠક ગોઠવી. લાગ જોઈને દાદીમા વિશે પૂછી લેવાની તક ઝડપી લીધી. દાદાજી રાબેતા મુજબ ચશ્માં અને કોઇ દળદાર પુસ્તક લઈને આરામ ખુરશીમાં બેઠા હતાં. વહુવારુઓ રસોડું આટોપતી હતી અને દીકરાઓમાંથી કોઈ ટીવીનું રીમોટ લઈ તો કોઈ છાંપુ હાથમાં લઈ બેઠા. આજે કોઈ વાર – પ્રસંગ હોય એવું સાંભરતું તો ન હતું. છતાં બધાં બપોરે સાથે જમ્યાં, દીકરાઓ નોકરી – ધંધે ગયા નહીં ને આખી લીલીવાડી આમ કોઈ વ્યાજબી કારણ વિના આસપાસ ગોઠવાયેલ જોઈ રાજીપો અનુભવતા; બાળકોનાં આ પ્રશ્નથી જાણે જયદેવરાય પરશુરામ મહેતાનો ચહેરો અચાનક ચમકી ગયો.
“તમે લોકો એ પેલી નઝમ સાંભળી છે ને? શાંત ઝરૂખે વાટ નિરસતી.. રૂપની રાણી જોઈ હતી, મેં એક શહેઝાદી જોઈ હતી..” દાદાજીએ લહેકાથી એ કડી જરા ધીમે સાદે લલકારી.
સિત્તેર વર્ષે પણ દાગ વિનાની શ્વેત, કાંતિવાન ચામડી પર ઉંમરની કરચલી સ્પષ્ટ દેખાતી હતી. મોતિયાબિંદ અને ઝામરનાં ઓપરેશન કરેલી ઝાંખી ભૂખરી આંખોમાં ઝાકળ બાઝી હોય એમ ઝળઝળિયાં આવી ગયાં. તેઓએ ખભે રાખેલ ગમછાથી આંખો લૂછી, બોલ્યા : “આજે એની સાથે વિતાવેલ યાદગીરી તાજી કરાવી જ છે તમે લોકોએ તો લાવો, મારી ‘નવોઢા’ સાથે આજે બધાંની ઓળખાણ કરાવું. તે સાચુકલી શહેઝાદી જેવી જ દીસતી હતી જ્યારે મેં એને પહેલી વાર લગ્ન મંડપમાં જોઈ હતી!”
“હેં ભાઈજી, તમે ખરેખર ભાભીમાને પહેલી વખત સીધાં લગ્ન મંડપમાં જ જોયાં હતાં?” નાની વહુથી રહેવાયું ન હોય એમ અધવચ્ચેથી પૂછી બેઠી. દેરાણીનાં આ વધુ પડતા ઉત્સાહિત પ્રશ્ન સાંભળી સસરાજી નારાજ થાશે તો? એ બીકે મોટી વહુ બોલી ઊઠી : “ હાસ્તો વળી, એ જમાનામાં ક્યાં હમણાં જેવાં ડેટીગ, ચેટીંગ અને સેટીંગ હતાં! હેં ને ભાઈજી?”
“હા, વહુ બેટા તમે સાવ સાચું કહ્યું.” આટલું કહી પુસ્તક અને ચશ્માં સોફા કોર્નરનાં ખાનાંમાં રાખવા ઊભા થયા અને ફરી નિરાંતે માંડીને વાત કરવાના ઈરાદાથી આરામ ખુરશી પર આવીને બેઠા.
“હ્મ્મ.. તો વાત જાણે એમ હતી, મારી બા અને એની બા બન્ને સત્સંગી બહેનપણીઓ. મારી બાએ તો તમારાં ભાભીમાને નાનેથી મોટી થતે ઉછરતાં જોઈ હતી. તેથી નાનપણથી જ એમને ગમી ગઈ હતી.
હું શહેરથી ભણીને આવ્યો અને મારા બાપુજીના વેપારમાં રસ લેવા લાગ્યો એટલે એક દિ’ એને ત્યાં જઈ, ગોળધાણા ખાઈને અમારું સગપણ બા નક્કી કરી આવી.
હું તો શહેરમાં ભણી આવેલો. મોસાળમાં રહેલો. મારા નાના સરકારી ખાતામાં મુનીમ. નાનેરેથી જ સાહેબી ઠાઠ અને એવી જ વિચારસરણીમાં ઉછરેલો. થોડી આનાકાની કરી પણ ખરી. બા એકની બે ન થઈ. પોતાની પસંદગી મારા માટે શ્રેષ્ઠ જ છે એવું સમજાવ્યું. મેં બાની ઈચ્છાનો વધુ વિરોધ ન કરી નમતું જોખ્યું અને સગપણ સ્વીકાર્યું.”
દીકરાઓનું પણ ધ્યાન પિતાજીની વાતો તરફ દોરવાયું. અમય એનો હેન્ડી કેમ લેવા એનાં કમરામાં દોડ્યો અને બોલતો ગયો. “દાદાજી એક જ મિનિટ વેઈટ પ્લીઝ, હું કેમ લઈને આવું.. પ્લીઝ વેઈટ…..”
હવે તો એશાનેય મોજ પડવા લાગી હતી. એ પણ વિડિયોમાં આવશે એવું વિચારીને એ દાદાજીની ખુરશી પાસે પલાંઠી વાળીને ગોઠવાઈ. પીયૂ કોઈ અનુભવી ન્યૂઝ ચેનલની સંવાદદાતા હોય એમ કાન પાછળ વાળની લટ વારે ઘડીયે મૂકતી હવે શું પૂછવું દાદાજીને એની મથામણમાં પરોવાઈ.
આખો પારિવારીક માહોલ જોતજોતાંમાં જાણે કે કોઈ ઈન્ટરવ્યુ સ્ટુડિયોમાં ફેરવાઈ ગયો. મોટાં ભાભી બધા પડદા અને બારણાંઓ બંધ કરી આવ્યાં અને નાની વહુ વાસણોનાં અવાજ કરતી કામવાળીને ઝાંપે વળાવીને ઝડપથી એમની જગ્યાએ સોફાને છેડે અઢેલીને એડી વાળીને ગોઠવાયાં.
એ દિવાનખંડમાં હતી એટલી બધી જ લાઈટ ચાલુ કરી મોટા ભાઈએ અને નાના ભાઈએ એનાં ફોનનું રેકોર્ડિંગ બટન હાથવગુ કરીને પિતાજી સામું ધર્યું. આ બધું થઈ રહ્યું એ નિરાંતે દાદાજીએ નિહાળ્યું. પડખે બેઠેલી એશાને માથે વહાલ કર્યું.
પાંચેક મિનિટનાં અંતરાલ બાદ કેમેરાના લેન્સનું ઢાંકણું ખોલતાં અમયે ઈશારો કર્યો, “પ્લીઝ કન્ટીન્યું.” “બે યાર, એક્શન બોલ એક્શન….” પીયૂએ અમયની ફિરકી લીધી અને એનાં પપ્પાને આંખ મારી. સૌ હળવાશથી હસ્યાં. દાદાજી પણ બોખા મોંએ હસી પડ્યાં.
“હા, તો હું મારી નવોઢા વિશે તમને કહી રહ્યો હતો.” દાદાજી કોઈ જુની ફિલ્મનાં અભિનેતાની માફક એકદમ સહજતાથી કેમેરા સામું જોઈને વાત કરવા લાગ્યા.
“આ તમારી દાદીમાં, ત્યારે એ પચીસેક વર્ષની હશે જ્યારે આ તસ્વીર ચિત્રાવી હતી.” એમણે આંગળી ચીંધી દિવાલ પર લટકાવેલ મોટી ફોટોફ્રેમ તરફ. અમયે કેમેરો એ ફ્રેમ પર ફોકસ કર્યો જરાવાર અને ફરી દાદાજી તરફ લાવી દીધો. “અમે ત્યારે મૈસૂરની સફરે ગયાં હતાં, એ સમયે આવી વિડીયોગ્રાફી કે ફોટોશૂટની ક્યાં સુવિધા હતી? એટલે મેં જ એને ચિત્ર બનાવડાવવા માંડ મનાવીને બેસાડી હતી. એકધારું બેસી રહે એ તમારાં ભાભીમા ક્યાંથી?” હોઠ દાબીને જરા ભારી સ્મિત કર્યું દાદાજીએ.
“દાદીમાંને બધાં ભાભીમાં કેમ કહે છે?” પીયૂએ ટહૂકો કર્યો.
“હું કહેવાનો જ હતો, સારું થયું તે પૂછ્યું પીયૂ બેટા.” અમયનો કેમેરો પીયૂનાં ચહેરા તરફ જઈને દાદાજી સામું આવી ગયો. “રઘુકાકાનો રાજેશ એકવાર ખૂબ માંદો પડ્યો હતો. મા વિહોણો રાજિયો કેમેય કડવી દવાઓ લે જ નહિ અને એની તબિયત કથળતી જતી હતી. ને મારી કુસુમે તેને સાચવ્યો અને ફોસલાવીને સારવાર કરી. એ સાજોનરવો થયો ત્યારથી મારો નાનો ભાઈ કિશન અને અદાનો નાનકો રાજેશ બેય એને ભાભીમા કહેતા થયા ને તમે બધાં છોકરાંઓએ પણ એજ ચિલો રાખ્યો.” “હેય! દાદાજી દાદીમાનું નામ બોલ્યા!” એશા હરખાઈ. દાદાજીએ ફોડ પાડ્યો, “હા, અમારા જમાનામાં તો ધણીનું તો શું બૈરાંનુંય નામ નહોતું લેવાતું. મેં તો એને ક્યારેય કુસુમલતા કહીને હાકલ પાડી જ નથી આમ જ આખું આયખું પસાર થઈ ગયું.” દાદાજી સહેજ ઢીલા પડે એ પહેલાં પીયૂએ ટાપસી પૂરાવી, “દાદાજી, અને હવે તો બધાય જોરજોરથી એકબીજાંનું નામ લઈને.. હાકલ કરે છે!” પીયૂનાં પપ્પાએ એનો કાન આમળ્યો.
સૌનાં મલકાતા ચહેરા જોઈને દાદાજીએ વાત ચાલુ રાખી. “તમારાં દાદીમાં જ્યારે પરણીને આ પરિવારમાં આવ્યાં ત્યારે શેનીય ખોટ જ નહોતી. એમનાં પગલાં શુભ નિવડ્યાં હોય એમ મારા બાપુજીનાં વેપારમાં બરકત વધી. તે મનેય બે – પાંદડે થવાનું સૂઝ્યું. શહેર જઈને નવો ધંધો કરવાની મહેચ્છા જાગી. આમેય હું શહેરી વાતાવરણથી ટેવાયેલો અને વળી સહુ કહેવા લાગ્યાં હતાં કે પસાકાકાનાં મોટા દીકરા જયુભાઈ શહેરથી ભણીને આવ્યા છે તે ઘણાં વ્યવહારૂ બની ગયા છે. એટલે એવું બધું સાંભળીને આપણને જરા તાન ચડી આવેલું.
લગ્ન કરીને આણું વળાવેલ તમારા ભાભીમાને હું ગામમાં જ મૂકીને શહેર વસવા ઈચ્છતો હતો. એની નવી નક્કોર સોનેરી કોરવાળી ચંદેરી સાડીઓમાં મને જરાય રસ પડતો નહોતો. એ જમાનામાં, ગજરા લાવવા કે અત્તર લઈ આપવું એવી ક્યાં મને ગતાગમ જ હતી! બાએ કહ્યું ને અપણે પરણી ગયા.”
બાપુજી પાસેથી થોડી રકમ લઈને શહેર જઈને વેપાર કરવા જવાની ધૂન સવાર હતી મને. “રોટલો ઘડીને આપશે તારી વહુ એનેય લઈ જા ભેળો.” એવું બા કહેતી પણ મેં કહ્યું કે પહેલાં હું તો ત્યાં ઘરબાર વસાવું? સ્થાયી તો થાઉં? પછી બોલાવી લઈશ. આમને આમ ત્રણેક મહિના વિત્યા.”
દાદાજી વાત પૂરી કરતે ઊભા થયા. “લાવો, તમને એક કાગળ વંચાવું આજે.” એક પીળી ચાર ઘડી વાળેલી ચબરખી એમણે એમનાં સોફાકોર્નરનાં ખાનાંમાંથી એક ફૂલપાંદડીની ભાતવાળા નાનકડા પત્રાંનાં પટારામાંથી કાઢી. “લે.” એમણે ચિઠ્ઠી મોટા દીકરાનાં હાથમાં મૂકી અને ફરી પોતાની જગ્યાએ ગોઠણ પણ હથેળી ટેકવીને હળવેકથી બેઠા.
બેતાલાં ચશ્માં નીચાં કરીને આંખો ઝુકાવી એવોએ પાંપણો લૂછેલી ભીની આંગળીએ નાના ભાઈને આપી. “હું ગામતરે ગયો પછી બાપુજીનો પત્ર આવતો રહેતો ખબરઅંતર મળતા રહેતા. આ તમારી ભાભીમાનો મારી ઉપર લખેલો પહેલો કાગળ છે.” આટલું બોલતે દાદાજી મૌન થઈ ગયા અને થોડી વારે એમણે વાત માંડી : “બા યાદ કરે છે તમને. ક્યારે આવો છો?” લખેલ કાગળને અંતે ‘તમારી કુસુમ’ સહી જોઈને વળતો જવાબ આપવાને બદલે મેં અબઘડી વતન જવાની તૈયારી કરી લીધી.
“અમારો ખરો સંસાર તો એ પછી જ શરૂ થયો.”
દાદાજી જીવનમાં ઘટતી સ્મૃતિપટ પર સરકતી એકેક ઘટનાઓનું વર્ણન કરતા રહ્યા. એમની આગવી શૈલી અને શબ્દો આખું પરિવાર એકઠ્ઠું થઈને સાંભળતાં રહ્યાં.
“પીયૂ, તારો બાપ ત્યારે બે વર્ષનો હતો.” દાદાજીએ એક અગત્યનાં પ્રસંગની વાતની શરૂઆત કરતે જરા ધોતિયું સંકોરીને પગ પર પગ મૂકીને ગોઠવાયા. “ઓણસાલ, મગફળી બહુ ન પાકી ને માવઠું મગ ધોઈ ગયું. રળેલા પાકની માંડ થોડી દલાલી મળી પણ એથી રોકડ વ્યવહારોમાં તૂટ પડવા લાગી. શહેરનાં વેપારીઓ પામતા પોષતા હતા ને હું નવો નિશાળિયો રહ્યો એ લોકો માટે. હતી એ બચત પણ ચૂકવાઈ જવા આવી એટલે ગામડાંની દોટ મૂકી.”
“પછી દાદાજી?” અમયથી પૂછ્યા વિના ન રહેવાયું. “છે ને મે’તાનું છોરું આ મારો પોત્રો.. ધંધામાં તૂટ પડતી સાંભળીને કેવો ઉંચો જીવ થયો?” દાદાજીએ એક હાથ હવામાં ફોંગોળીને હળવું હાસ્ય વેર્યું.
બાપુજીએ ત્યારે ગામની પેઢીથી પરવારી ગયા હતા. હતું એ બધુંય વ્યાજે ચડાવીને ઘેર આરામ કરવા બેસી ગયા હતા. એટલે એમની પાસેથી નકદની આશા રાખવી કેમ? બાને શું કહું? અને નવી પરણેતરનેય ધંધાની ઉપાધીમાં કેમ ઢસરડવી મારે? ચારેકોરથી જાણે સંડોવાણો.
હવે શું કરવું એની મથામણમાં હતો. પણ મારા બાપુજી મારા માટે કાયમ આત્મસખા સરીખા પડખે રહ્યા છે આ વખતે પણ એમને નહિ કહું તો કોને કહીશ? એવું વિચારે એક રાતે વાળુ કરીને બેઉ બાપ દીકરો અમે ઢોળિયે ફળિયામાં બેઠા.”
“જેમ તમેય અમારા માટે દોસ્તની ભૂમિકા ભજવી છે કાયમ એમને?” નાનો દીકરો બોલી ઉઠ્યો. “અને પપ્પા મારા બેસ્ટફ્રેન્ડ છે એમજ..! હેં ને? દાદાજી” પીયૂએ લહેકાથી એનાં પિતાને હાથતાળી આપી.
“બાપજી..” “હં.. બોલ.” દાદાજી કહેતા રહ્યા ને બધાં સાંભળતાં રહ્યાં. “જરા ખોંખારો ખાધો અને વાત મૂકી. “જરી તાણ છે.” “શેની?” બાપુજીએ સામેથી જ ફરી પૂછ્યું. “માલની કે નાણાંની?”
“એમનો અવાજ જરા બુલંદ ધીમેકથી બોલે તોય બે ઓરડી સુધી પૂગે એવો. તમારા ભાભીમા અને મોટાને હાથમાં તેડેલી મારી બા બેય ઓસરીમાં પહોંચી આવ્યા. મારાથી નીચું જોવાઈ ગયું.”
“ઓહ! હાઉ એમ્બેરેસિંગ.. દાદાજી.” “યેસ, બટ ધેટ સિચ્યુએશન મેડ માય લાઈફ એસ બ્લેસિંગ્સ ઈન ડિસગાઈશ.” “હાઉ?” દાદાજી અને મોટી પોત્રી પીયૂ અંગ્રેજીમાં બોલવા લાગ્યાં. અમયે ટોકી. “તું વચ્ચે ડબડબ ન કર. દાદાજીને વાત કરવા દેને..!”
“હા. તો. ધંધાનું જોખમ બાપુજી જાણતા હતા. એમણે કહ્યું કે એમની પાસે હવે બચત કરેલી જ મૂડી બાકી છે. અને રહી તમારા હિસ્સાની મિલકત તો એ તો મારી વસિયત પછી તમે વટાવજો. બાપુજીનો ભારે નિર્ણય અમને કચવાટ આપી ગયો. કુસુમ રવિબાબાને લઈને ઓરડામાં જતી રહી અને બા પણ. થોડીવાર બાપુજી સાથે વિચાર – વિમર્શ કરીને હુંય ઊભો થયો ને અમારા કમરામાં ગયો.”
“શું કહ્યું બાપુજીએ?” કુસુમે ધીમેકથી પૂછ્યું. “કંઈ નહિ, ના પાડે છે બાપુજી.” મેં સૂવાની તૈયારી કરતે અડછતો જવાબ આપ્યો. પથારી પર બંને વિરુદ્ધ દિશાએ પડી રહ્યાં. “બાપુજી જોડે પેટ છૂટી વાત થઈ મારે કુસુમ. એમને મેળ નથી પડી શકે એમ. મારે જ શહેર પાછા જઈને કંઈક જુગાડ કરવો પડશે. રકમ જાજી નથી પણ.. ચૂકતે તો..” આટલું બોલું ત્યાં એ ઊભી થઈ અને થોડીવારે એક નાનકડું પોટલું મારા હાથ પાસે રાખ્યું.
“શું હતું એમાં?” નાની વહુએ ઉત્સુકતાથી પૂછ્યું.
“તમને જાણીને નવાઈ લાગશે નાનકાની વહુ. એમાં સોના – રૂપાનાં દાગીના હતા.” દાદાજી જરા અદ્ધર થઈને ટટ્ટાર બેઠા. મેં પોટલું ખોલીને જોયા વગર જ તમારા ભાભીમા તરફ સરકાવી દીધું. કેમ કે એમનાં શરીર પર એક પણ ઘરેણું ન જોઈને હું સમજી ગયો કે શું હશે એમાં. ફકત નાકનો દાણો અને ડોકમાં મંગળ સૂત્ર નજરે પડ્યું. સૂના હાથ, કાન અને આંગળીઓ મારાથી ન જોવાયા અને હું ગળગળો થયો.
એ હવે મારી પત્ની જ નહિ મિત્ર સરીખી બની ગઈ. એ રાત અને એનાં શ્વાસ છૂટ્યાની અંતિમ ઘડી સુધી કુસુમે મારી અર્ધાંગિની બનીને સતત સાથ નિભાવ્યો છે.”
મોટી વહુ ઊભા થયા અને રસોડાંમાંથી પાણીનો જગ અને પ્યાલા ભરેલી થાળી લઈ આવ્યા. નાની વહુએ એમનાં હાથમાંથી લઈને સૌને પાણી પીરસ્યું.
બધાં જરા સ્વસ્થ થયાં. વાતાવરણ જરા ગરમાયું હતું. બાળકો પણ મૂક બેઠાં રહ્યાં. દાદાજીએ એશા સાથે ગમ્મત કરતે ફરી વાત શરૂ કરી. “એય ઢબુડી, ચિંતા ન કર તારા ભાભીમાનાં ઘરેણાં મેં વેંચ્યાં નથી હો. જો તારી માએ પહેર્યો છે એમનો અછોડો અને કાકીએ પહેર્યાં છે એમનાં કાંપ અને ચગદું.”
મોટી વહુએ દાદાજીની વાતને સમર્થન આપતાં કહ્યું કે ભાભીમાની પ્રસાદીરૂપે મળેલાં દગીનાં તો દીકરીઓને આણાંમાં અને આવનાર પેઢીનેય જાશે એટલું ભાભીમાએ મૂકી રાખ્યું છે. હેં નેં? ભાઈજી?
“હા, એ દિવસથી મેં નક્કી કર્યું કે કુસુમને વતનમાં એકલી નહીં રાખું. થોડા ઘરેણાં ધીરાણે મૂકીને રકમની વ્યવસ્થા થઈ. બે છેડા ભેગા કરીને અમે શહેરમાં વસવાટની વ્યવસ્થા કરી. વખત જતે બા – બાપુજીનેય હારે રહેવા બોલાવ્યા. ધીમેધીમે દેવું પૂરું થતું ગયું અને નાનકો તો ચાંદીનાં રૂપિયે જન્મ્યો.
“હેં? દાદાજી એમ કેમ? ચાંદીનાં રૂપિયે? દાદાજીનાં ખોળે ચડીને બેઠેલી એશાએ ધોળી મખમલી દાઢી પકડીને પૂછ્યું. પોત્રીને વહાલ કરીને હસ્યા. ઘરની દિવાલોને ચારેકોર જોઈને કહ્યું કે આ ઠાઠમાઠવાળા ઘરમાં જન્મ્યો તારો પપ્પો.. સમજી, ઢબુડી?” દાદાજી સાથે બધાંજ કિલ્લોલ કરીને ઘર ગૂંજવી મૂક્યું.
દસેક વર્ષ તમારા ભાભીમા એ ગામનું મકાન અને બાપુજીનાં પરિવારનું જતન કર્યું. સાથે શહેરમાં કામકાજનો બોજો બધું જ મારી સાથે એક હમસફર બનીને નિભાવ્યું. એમ કરતે તમે બેય દિકરાઓ નિશાળ જતા થયા. બા – બાપુજી જતે દહાડે ધામ ગયાં. જવાબદારીઓનું પોટલું એણે મારી હારે સરખે ભાગે ઉંચક્યું રાખ્યું હતું. વતનમાં રહેતાં નાના ભાઈ કિશન અને વહુનેય અમે અહીં તેડાવી લીધાં. એનેય ઠરીઠામ કરવામાં તમારા ભાભીમાએ ઘણો સાથ આપ્યો.
તમે બે અને કિશનની કુકી અને મિત ચારેય મા જણ્યાં ભાંડરૂઓ હોવ એમ જ એક સાથે ઉછર્યાં. કોઈને કંઈ ઓંજું ન આવે એની સતત તકેદારી એ રાખતી. જીવનવ્યવહારમાં એણે ક્યારેય જાનાઈ - દુજાઈ નથી કરી. કુટુંબકબિલાને સાચવવા એણે જહેમત કરી હતી તે આજે સૌ એક છત નીચે નિરાંતે બેઠાં છીએ. નહિં તો એકલો પુરુષ માણસ કેટલું કરે? પડખે ઊભનારીમાં ખમીર હોય તો બધુંય જળવાય.”
“એકવાર.. તમારા કાકી..” આગળ કહેતાં અટકીને શબ્દ જાણે બાપુજી ગળી ગયા. “મને ખબર છે ભાઈજી, ભાભીમાએ વાત કરી છે.” મોટી વહુએ દાદાજીને બોલતાં અચકાટ અનુભવતા જોઈને વાત આગળ વધારી. એવો નીચું મોં રાખીને સાંભળતા રહ્યા.
“બા – બાપુજીનાં સ્વર્ગવાસ પછી ભાભીમા બેય દીકરાઓને શાળાએ મૂકીને પેઢીએ બેસતાં થયાં હતાં. એ સમયે કિશન કાકા અને કાકીને પણ તેડાવી લીધા હતા. એમને ઘરમાં કામકાજમાં રોકાવાનું થતું અને બંને વચ્ચે થોડી ગેરસમજ ઊભી થઈ હતી ને? ભાઈજી.”
“હા.” દાદાજીએ ઉંચું જોયું અને દાદીમાનાં ફોટો સામું જોયું. “એણે બધાંમાં નમતું જોખ્યું ત્યારે કુટુંબ એક થયું.” “હા, ભાભીમાએ આખા કુટુંબને એક તાંતણે પરોવી રાખ્યાં.” મોટો દીકરાએ સાક્ષી પૂરાવી.
નાનીમોટી બાબતમાં, ઘરમાં હિસાબકિતાબ કરિયાણું અને બીજા નોણાંજોણાંમાં બેય દેરાણી જેઠાણી વચ્ચે રકઝક થતી રહેતી. બે વાસણ સાથે રહે તો ખખડેય ખરાં પણ એકવાર કાકીએ ઘર મૂકવાની વાત કરીને નાનકડા મિતને લઈને માવતર રિસામણે જતાં રહેવાની વાત કરી.
“હેં? પછી?” નાની વહુએ પૂછ્યું.
તમારા ભાભીમાએ નિરાંતે ઘરમાં બેસાડીને બધાં સાથે વાત કરી. મનેય પેઢી પરથી બોલાવડાવી લીધો. “કહું છું રવિનાં પપ્પા, કિશન અને મીનાને સમજાવો. એમ કંઈ ઘર મૂકીને નીકળી ન પડાય.” કેટલીય દલીલો થઈ. મદરેવતનમાં પડેલ મકાન અને જમીનની ચર્ચા થઈ અને આ શહેરમાં વધેલા વેપારની વાતો નીકળી. હિસાબ કરવાની વાત પર સૌ અટક્યાં અને અમે બેય મોટાં છીએ માવતર કહેવાઈએ એમ તમને કચવાવવા ન દઈએ કહીને નોખું ઘર કરવાની મંઝૂરી આપી. પણ ગામડે પડેલી મિલકતનાં ભાગ ન પાડવા પર મક્કમ રહ્યાં. મીનાને કુકી આવવાની હતી. એને સારા દિવસો ચડતાં જોઈને કોઈ કુટુંબનાંએ જ કાનભંબેરણી કરી હશે. તે એ બીચારી વખત આવે તમારા ભાભીમાની સામે થઈ.
એ સમય ફરી કપરો હતો. વેપાર કરતાં પારિવારીક તાણ વધુ પડતી. એક જ છત નીચે ચાર આંખો વઢે એનાં કરતાં પ્રેમથી છૂટા થવા સહમ થયાં. “તમારા પાસે તો છાલ પિયરની વાટ છે. મારે તો મા – બાપ ક્યારનાંય સિધાવી ગયાં છે. જે છે એ મારું તમે બધાં જ છો ને. હું ક્યાં જઈશ તમને મૂકીને.” આટલું કહેતાં ભાભીમા મીના કાકીને ભેંટીને રડી પડ્યાં હતાં.” “મને વાત કરી હતી ભાભીમાએ.” મોટી વહુએ પ્રસંગને યાદ કરતાં કહ્યું. મોટી વહુ પૂજા અને નાની વહુ શીખાએ પાસે ખસકીને એકબીજાંનાં હાથની હથેળી દાબી.
“એ પછીની દિવાળીએ મેં ને નાનકાએ પોતપોતાની ઘરવાળીને કાંડે સોનાનાં કડાં કરાવ્યાં. અને તમે બેય દીકરાઓએ પણ ધનતેરસનાં સોનાની ખરીદીનો એ ચિલો ચાલુ જ રાખ્યો છે. ઘરની લક્ષ્મીને સોને મઢવાનાં ઓરતા કોને ન હોય? સંજોગો મળે ત્યારે એ ધન કામ આવે જ છે. મને પહેલીવાર મારી કુસુમે ટેકો ન આપ્યો હોત તો? હું તૂટી જ પડ્યો હોત!”
એનાં થકી કુટુંબ અને વેપાર બેયમાં બરકત થતી રહી. કોણ કહે કે સાવ પાંચ ચોપડી ભણેલ ગામડાંની બાઈ હશે એ! દાદાજી એ ખુરશીનાં હાથાનો ટેકો લેતે ઊભા થવાની ચેષ્ઠા કરી. નાનો દીકરો ફોનનું રેકોર્ડિંગ ચાલું હતું એ નાનકડી એશાને પકડાવીને દાદાજીનો હાથ પકડ્યો. દિવાનખંડની દિવાલે શોભતી એ તસ્વીર પાસે જઈને કહ્યું, “મૈસૂરનાં સુંદર વાતાવરણને પાછળ ધરબેલી છબી તમારાં ભાભીમાની અતિ પ્રિય હતી. ત્યારે રવિશ અને કિર્તિ જન્મ્યાંય નહોતાં. જો કેવી જાજરમાન લાગે છે તમારી મા..!” જરાવારે દાદાજીએ એમનાં કમરા તરફ આંગળી કરી, “બીજો ફોટો અમારા રૂમમાં છે. અમે બેય છીએ એમાં.”
દિવાનખંડની મધ્યમાં એ છબી બીજા ઓરડાઓને અડતે સામેની દિવાલે હતી. અને સામે પૂર્વ દિશાએ મુખ્ય દરવાજો પડતો. દાદાજીએ મનોમન ભાભીમાને અંતિમ વખત અહીં સૂવાડ્યાં હતાં એ દ્રશ્ય યાદ આવ્યું હોય એમ હાથમાં પકડેલી સિસમની લાકડી પટ્ટ ઉપર ફેરવી. “અહીંથી જ એણે વિદાય લીધી હતી. એણે એક નવરાતમાં રેશ્મી લાલલીલી કસુંબલ બાંધણી લેવાની એકવાર જીદ્દ કરી હતી ને લઈ પણ લીધેલી…” “આઠમની રાતે ગરબા અને આરતી કરીને ઘરે પાછાં ફરતી વખતે કહેલું, તમે મોટાં છો વહુ દીકરા, એટલે તમને કહું છું. આ સાડલો સાચવીને મારા કબાટમાં રાખી મૂકજો. છેલ્લે દિ’એ ઓઢાડવા..” મોટાં વહુ પૂજાનાં આખે આંસૂ ટપક્યું.
સંધ્યા ટાંણું થઈ ચૂક્યું હતું. એક હાથમાં બંકોડો ઠપકારતે સાત દાયકાનો સ્મૃતિમય રસાલો લઈને દાદાજી દિવાલોને અડકતે આંગળીઓને ટેકે એમનાં શયનકક્ષમાં જતા જોઈને અમયનાં કેમેરાનો લેન્સ દાદાજી અને દાદીબાનાં જુવાનીનાં સમયના એક વૈભવી ચિત્ર પર અટક્યો.
***
“જમ્યાંને?” “જમજો હો બરોબર!” “કંઈ લાવું?” “ભાભીમાને આંબાનો રસ અને ભાઈજીને ભજીયાં ભાવે એટલે એમને ભાવે એવું જ જમણ રાખ્યું છે.” રવિશ – પૂજા અને કિર્તિ – શીખા તથા સૌને માન આપીને અને આગ્રહ કરીને જમાડી રહ્યાં હતાં. “હા, આજથી રંગીન સાડી પહેરશું. ભાઈજી કહેતા કે એમને શોક પાળવો ન ગમે.” પૂજા વહુએ બહારગામથી ખરખરો કરવા આવેલ વડીલ માસીજીને કહ્યું.
પીયૂ, એશા અને અમયે દાદાજી સાથે વિતાવેલ એ સાંજનાં સંભારણાં સમી એક ડેઓક્યુમેન્ટરી બનાવી. જેમાં એમનાં જ દ્રશ્યો, શબ્દો, અવાજની સાથે બીજી પણ અનેક યાદગાર તસ્વીરી ઝલક ટંકાઈ હતી. સગાંવહાલાં, મિત્રવર્તુળ, સમાજિક અને વ્યવસાયિક વર્ગ સાથે વાતાનૂકુલિત વિશાળ સભાખંડમાં પ્રોજેક્ટર દ્વારા મોટા પડદા થકી બધાં જમણ દરમિયાન જોઈ શકે એવી વ્યવસ્થા કરાઈ દાદાજીની વરસીનાં પ્રસંગે.