પિન કોડ - 101 - 44 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 44

પિન કોડ - 101

પ્રકરણ-44

આશુ પટેલ

મુંબઇથી થોડા કિલોમીટર દૂર એક વિવાદાસ્પદ ગામ નજીકના નિર્જન વિસ્તારમાં કેટલાક માણસો ઊભા હતા. તેઓ કેટલાંક વાહનો સાથે ત્યાં આવ્યા હતા. તેમની સાથે બે યુવતીઓ પણ હતી.
એમાંનો એક માણસ બોલ્યો: ‘જલદી કરના પડેગા. કિસી કો શક નહીં આ જાયે.’
‘અબે ગધે યે અપના ઇલાકા હૈ ઔર યહા આસપાસમે સબ અપને હી લોગ હૈ! પુલીસકો ખબર કૌન દેગા? ઔર અગર પુલીસ આ ભી ગઈ તો ભી ક્યા કર લેગી? પીછલે વક્ત પુલીસને યહાં આને કી ગલતી કી થી તો સાલો કો જાન બચાકે ભાગના મુશ્કિલ હો ગયા થા વો બાત ભૂલ ગયા ક્યા?’ એ બધાના લીડર એવા માણસે તેને ટપારતા કહ્યું.
‘હા ભાઈ વો તો હૈ.’ પેલા માણસે પોતાનો કાન પકડતા કહ્યું.
પેલા લીડરે અનેક વાહનોમાંથી એક વાહન ચાલુ કર્યું. એ વાહન સફળતાપૂર્વક ચાલ્યું એટલે બધા હર્ષથી ઉછળી પડ્યા. એ વાહન થોડે દૂર સુધી લઈ જઈને તે પાછો આવ્યો. તે વાહનમાંથી બહાર આવ્યો એ સાથે બધા તેને વીંટળાઈ વળ્યા.
‘મુબારક હો.’ તેને ભેટીને બધા વધાઇ આપવા લાગ્યા.
‘ઇસ બાર સાલો કી ફટ કે હાથમેં આ જાયેગી.’ લીડરે કહ્યું.
‘સહી બાત હૈ ભાઇ.’ બધાએ તેની વાતમાં ટાપસી પૂરતા કહ્યું.
‘ઝરીના, નાઝનીન, તુમ ચલાકે દેખ લો. યે તુમ્હારે લિયે હી હૈ.’ લીડરે પેલી બન્ને યુવતીઓને કહ્યું.
ઝરીના અને નાઝનીને અનેક વાર એ વાહન ચલાવીને ખાતરી કરી. એ પછી બીજાં કેટલાંક વાહનોની પણ તેમણે ચકાસણી કરી. તેમને બધાને સંતોષ થઇ ગયો એટલે બધા ઉમળકાભેર ત્યાંથી રવાના થઇ ગયા.
* * *
‘ભાઇજાન, મુબારક હો. ફતેહ હૈ.’ ભારતમાં આઇએસના કમાન્ડર સૈયદ ઇશ્તિયાક હુસેનને એક માણસ ફોન પર કહી રહ્યો હતો.
‘અલ્લાહકા શુક્ર હૈ. ઇસ બાર હમ જરૂર કામિયાબ હોગે.’ ઇશ્તિયાકે કહ્યું. અને પછી વધુ ખાતરી માટે પૂછી લીધું: ‘કોઇ ભી દિક્કત તો નહીં આઇ ના? બરાબર કામ હુઆ હૈ ના?’
‘બિલકુલ સહી કામ હુઆ હૈ ભાઇ. ઔર હમને એક-દો બાર નહીં, કહીં બાર ચેક કર લિયા. કોઇ દિક્કત નહીં આયેગી. અબ બસ આપ હુકમ દો ઇતની દૈર હૈ.’ પેલા માણસે કહ્યું.
‘ઠીક હૈ. સબ ઇન્તઝામ કરકે આગે બઢતે હૈ.’ ઇશ્તિયાકે કહ્યું અને પછી તે માણસને સૂચના આપી કે, ‘કલ તુમ ઇકબાલભાઈ સે મિલ લો.’
* * *
‘મેડમ, તમે એક કામ બરાબર કરી આપ્યું છે એની અમે ખાતરી કરી લીધી છે. એ કામ માટે અમે તમારા આભારી છીએ. હવે બીજું કામ કરી આપો એટલે અમે તમને મુક્ત કરી દઇશું.’ ઇશ્તિયાક હુસેન વૈજ્ઞાનિક મોહિની મેનનને કહી રહ્યો હતો.
‘તમે મારી વાતનો વિશ્ર્વાસ કેમ નથી કરતા. એ કામ અશક્ય છે.’ મોહિની મેનને થાકેલા અવાજે કહ્યું.
‘અમે પહેલા પણ તમને કહી ચૂક્યા છીએ કે અમને ખબર છે કે એ કામ દુનિયામાં બીજા બધા વૈજ્ઞાનિકો માટે અશક્ય જ છે, પણ તમારા માટે એ શક્ય છે.’ ઇશ્તિયાકે ઠંડકથી કહ્યું.
‘તમે એ કેમ નથી સમજતા કે વિજ્ઞાનમાં મારો વિષય જુદો છે. દરેક વૈજ્ઞાનિક જુદાજુદા ક્ષેત્રમાં કામ કરતા હોય છે.’ મોહિની મેનનને કહ્યું.
‘મેડમ એમ તો તમારા કૌશલ્યને અને એન્જિનિયરિંગને પણ કોઇ લેવાદેવા નથી એવું તમે કહ્યું હતું!’ ઇશ્તિયાકે ચહેરા પર આછા સ્મિત સાથે કહ્યું.,
‘હા. પણ એ તો મેં તમને કરી આપ્યું. પણ હવે તમે જે કરવા મને કહો છો એ બિલકુલ જુદા જ પ્રકારના વૈજ્ઞાનિકનું કામ છે.’
‘સામાન્ય રીતે તમારી વાત બરાબર છે, પણ તમે અસામાન્ય વૈજ્ઞાનિક છો. અને અસામાન્ય વૈજ્ઞાનિકો બે અંતિમ પર સંશોધન કરી શકતા હોય છે, મેડમ. ફ્રેડ હોયલ ગણિતશાસ્ત્રી હતા, ભૌતિકશાસ્ત્રી હતા અને જીવવિજ્ઞાની પણ હતા, નોબલ વિજેતા રિચાર્ડ ફાઇનમેન ભૌતિકશાસ્ત્રી હતા અને બાયોલોજીમાં પણ તેમણે અદ્દભુત સંશોધન કર્યું હતું. ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ પણ ભૌતિકશાસ્ત્રી હતા અને તેમણે બાયોલોજીમાં અકલ્પનીય સંશોધન ર્ક્યું હતું. એવી જ રીતે સત્યેન્દ્રનાથ બોઝ રસાયણશાસ્ત્રી પણ હતા અને ભૌતિકશાસ્ત્રી પણ હતા, હોમી ભાભા, નિલ્સ બોર, બ્લેઝ પાસ્કલ... કેટલાં નામો ગણાવું તમને. એ બધા તો વૈજ્ઞાનિક હતા, પણ ઓસ્ટ્રિયન- અમેરિકન અભિનેત્રી હેડાઈ લમારે બીજા વિશ્ર્વયુદ્ધ વખતે જ્યોર્જ એંથિલ સાથે મળીને બ્રિટન અને સાથી રાષ્ટ્રો માટે રેડિયો ગાઈડંસ સીસ્ટમ શોધી હતી અને તેની એ શોધના સિદ્ધાંતનો ઉપયોગ આજે બ્લ્યુ ટુથ, વાઈ ફાઈ અને સીડીએમએ જેવી ટેક્નોલોજીમાં પણ થાય છે. બાય ધ વે, તે અભિનેત્રીનો સહસંશોધક જ્યોર્જ કોઇ વૈજ્ઞાનિક નહોતો, પણ સંગીતકાર હતો! એટલે ફરી વાર તમારી પેલી લૂલી દલીલ ના કરતા કે દરજી પ્લમ્બરનું કામ કઇ રીતે કરી શકે કે એન્જિનિયર કઇ રીતે કોઇ દર્દીનું ઓપરેશન કરી શકે?’ ઇશ્તિયાક કડકડાટ બોલી ગયો.
મોહિની અવાક્ બનીને તેની સામે જોતી રહી ગઇ.
‘અમે આટલા પ્રેમથી તમારી સાથે વાત કરીએ છીએ છતાં પણ તમે કેટલાય દિવસથી એક જ વાત પકડીને બેઠાં છો. તમને નથી લાગતું કે તમે અમારી ધીરજની કસોટી કરી રહ્યા છો?’ ઇશ્તિયાકે મોહિની સામે વેધક નજરે જોતા કહ્યું.
‘તમે જે ઇચ્છો છો એ હું ખરેખર કરી શકું એમ નથી. મારા પર વિશ્ર્વાસ કરો, પ્લીઝ.’
‘અમે તમારા પર વિશ્વાસ ર્ક્યો હોત તો પહેલું કામ પણ ના કરાવી શક્યા હોત. તમે તો એ કામ માટે પણ હાથ ઊંચા કરી દીધા હતા કે હું તો રસાયણશાસ્ત્રી છું. આ તો એન્જિનિયરિંગનો વિષય છે!’ ઇશ્તિયાકે કટાક્ષમાં કહ્યું અને પછી તેના અવાજનો ટોન બદલાઇ ગયો: ‘બહુ થઇ ગયું. અમને ખબર છે કે તમે દુનિયાના અત્યંત વિચક્ષણ વૈજ્ઞાનિકોમાનાં એક છો, પણ તમે સહકાર ના આપવા માગતા હો તો પછી હું તમારી અને તમારા માતા-પિતાની સલામતીની ખાતરી નહીં આપી શકું. મારા બધા સાથીદારો મારા જેવી સૌમ્ય પ્રકૃતિ ધરાવતા નથી. એમાંના કેટલાકે તો મને શરૂઆતમાં જ કહ્યું હતું કે ઔરતોને હાથ-પગ જોડવાના ના હોય! તમે એમના હવાલે હોત તો તમારા પર દરરોજ સામૂહિક બળાત્કાર થઇ શક્યો હોત, તમારા પર બીજા શારીરિક અત્યાચારો થઇ શક્યા હોત, તમારા માતાપિતા પર અત્યાચાર થઈ શક્યા હોત કે તેમની હત્યા પણ થઈ શકી હોત. અત્યાર સુધી મેં મારા સાથીદારોને એમ કહીને શાંત રાખ્યા હતા કે હું તમને સમજાવીને કામ કરાવી આપીશ, પણ તમે સતત એક જ વાતનું રટણ લઇને બેઠાં છો એટલે ના છૂટકે મારે મારા સાથીદારોને કહેવું પડશે કે હું મોહિની મેનનને સમજાવવામાં નિષ્ફળ રહ્યો છું એટલે તમારે આગળ જે કરવું હોય એ કરી શકો છો.’
ઇશ્તિયાકે કહ્યું એવી સ્થિતિની કલ્પનામાત્રથી મોહિની મેનનના આખા શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ. જો કે તેને વિચારવાનો સમય ના આપવો હોય એ રીતે ઇશ્તિયાકે કહ્યું, ‘બીજું શું થઈ શકે એ પણ તમને સમજાવું, મેડમ. મારી સાથે ચાલો.’
મોહિનીને એ વાતની નવાઇ લાગતી હતી કે આવો ખતરનાક માણસ તેને એક બાજુ ધ્રુજાવી દે એવી ઠંડકથી ધમકી આપતો હતો અને બીજી બાજુ ‘મેડમ’ કહીને સંબોધતો હતો!
તેને એ પણ નવાઇ લાગી કે તેને ઉઠાવીને અહીં લઇ અવાઇ એ પછી આ રૂમમાંથી પહેલી વાર તેને બહાર લઇ જવાઇ રહી હતી. તે જે ખુરશી પર બેઠી હતી તેના પરથી ઊભી થઇને યંત્રવત ઇશ્તિયાક પાછળ ચાલતી થઇ. તે બન્નેની સાથે એક યુવાન પણ ચાલવા લાગ્યો
ઇશ્તિયાક તેને એક પેસેજમાં થઇને એ પેસેજના બીજા છેડે એક દરવાજા પાસે લઇ ગયો. એ પેસેજમાં વચ્ચે પણ ત્રણ દરવાજા હતા. એમાંનો એક દરવાજો ખુલ્લો હતો અને એમાં ત્રણ-ચાર પુરૂષો વાત કરી રહ્યા હતા. બીજા બે દરવાજા બંધ હતા. પેસેજના બીજા છેડેથી પેસેજ ડાબી તરફ વળતો હતો. એ પેસેજ જ્યાંથી વળતો હતો ત્યાં એક દરવાજો હતો. ઈશ્તિયાકે તેની સાથે આવેલા યુવાનને ઈશારો કર્યો એટલે તે યુવાને ચાવીની મદદથી દરવાજો ખોલ્યો. એ રૂમમાં પલંગ પર કોઇ વ્યક્તિ સૂતી હતી. તે વ્યક્તિને જોઇને મોહિની હેબતાઇ ગઇ. તે હજી સ્વસ્થ થાય એ પહેલા ઇશ્તિયાકે કહેલા શબ્દોથી તેને એવી અનુભૂતિ થઈ કે જાણે તેના પર વીજળી ત્રાટકી હોય!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 3 દિવસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Hemanshu Shah

Hemanshu Shah 9 માસ પહેલા

Tejal

Tejal 2 વર્ષ પહેલા

Amritlal Patel

Amritlal Patel 2 વર્ષ પહેલા