પિન કોડ - 101 - 43 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 43

પિન કોડ - 101

પ્રકરણ-43

આશુ પટેલ

તે અધિકારીએ પિસ્તોલ કાઢીને ઓમરના લમણા પર ધરી દીધી. તેણે કહ્યું: ‘મારી પાસે ઝાઝો સમય નથી એટલે હું પણ તને વધુ સમય આપી શકું એમ નથી. જેટલો સમય બગાડીશ એટલો વધુ દુ:ખી થઈશ. અને મેં કહ્યું એમ તું સહકાર નહી આપે તો અમે તને કોર્ટ સુધી પહોંચાડવાની ભૂલ કરવાના નથી. અમારે એટલું જ જાહેર કરવાનું રહેશે કે અમારા બે અધિકારી માર્યા ગયા એ શૂટઆઉટમાં તને પણ ગોળી વાગી હતી.’
લમણાં પર પિસ્તોલનો સ્પર્શ થયો એટલે ઓમર ફફડી ઊઠ્યો. તેણે કહ્યું, ‘ભાઈજાન એટલે સૈયદ ઈશ્તિયાક હુસેન, આઇએસનો કમાન્ડર!’
ઓમરના એ શબ્દો સાંભળીને પેલો અધિકારી ચોંકી ગયો. પણ બીજી જ સેક્ધડે તેણે પોતાના ચહેરા પર ઊપસી આવેલા ભાવોને છુપાવતા કહ્યું, ‘આગળ બોલ.’
***
ચન્દન આ ગયા.‘ રિક્ષાચાલકે કહ્યુ ં એટલે સાહિલને સમજાયું કે નતાશાની ચિંતામાં તે સ્થળકાળનું ભાન પણ ભૂલી ગયો હતો. રિક્ષાવાળાએ કહ્યું ત્યારે તેને યાદ આવ્યુ કે તેણે તેને એવું કહ્યું હતું કે ચન્દન હો કે વર્સોવા લે લો.
સીધા વર્સોવા હી લે લો.‘ સાહિલે તેને કહ્યું. તે હજી એ આંચકામાંથી બહાર નહોતો આવ્યો કે તેણે પેલા રિક્ષાવાળાના મોબાઇલ ફોન પરથી હોટેલમાં કોલ કર્યો હતો એ કોલ કપાઇ ગયો અને બીજી મિનિટે રિક્ષાવાળાના ફોન પર પોલીસનો કોલ આવી ગયો હતો! તેને એક બાજુ નતાશાની ચિંતા કોરી ખાતી હતી ત્યાં વળી આ નવી માથાકૂટ આવીને ઊભી રહી હતી. નતાશાને ઉઠાવી જનારાઓએ તેને તાકીદ કરી હતી કે પોલીસ પાસે જવાની ભૂલ કરીશ તો તારી એ ભૂલની સજા તારી ગર્લફ્રંેંડે ભોગવવી પડશે અને બીજી બાજુ પોલીસ પણ તેનું પગેરું દબાવી રહી હતી.
ઘણી વાર માણસ એવું માનતો હોય કે તેની જિંદગીમાં બહુ સરસ મજાનો સમય આવી રહ્યો છે એ વખતે તેની જિંદગીમાં અણધાર્યો અને આઘાતજનક સમય આવી પડે ત્યારે તેની કસોટી થઇ જતી હોય છે. એવી સ્થિતિમાં ભલભલા મજબૂત મનોબળવાળા માણસો પણ હતપ્રભ બની જતા હોય છે. સાહિલ અને નતાશાને પણ ગઇ કાલ સુધી એવું લાગી રહ્યું હતું કે હવે તેમના સંઘર્ષનો અંત હાથવેંતમાં છે. સાહિલને તો હજી એકાદ કલાક પહેલા જ લાગી રહ્યું હતું કે તેની જિંદગીના સુવર્ણકાળની શરૂઆત થઇ ગઇ છે, પણ એ જ વખતે તેની અને નતાશાની જિંદગીના સૌથી વધુ કપરા સમયની શરૂઆત થઇ રહી હતી!
સાહિલના મનમા વિચારોનું ધમાસાણ ચાલી રહ્યું હતું. તેને ખબર ના પડી કે રિક્ષા ક્યારે વર્સોવા પહોંચી ગઇ. રિક્ષાવાળાએ તેને પૂછ્યું કે વર્સોવામેં કિધર જાના હૈ ત્યારે ફરી એક વાર તે વિચારોમાંથી સફાળો વાસ્તવિકતામાં આવી ગયો. તેને પેલા જાણ્યા માણસે જ્યા પહોંચવાનુ કહ્યું હતું એ પ્રમાણે તેણે રિક્ષાવાળાને સમજાવ્યો. થોડી વાર માટે તે વિચારો ખંખેરવાની કોશિશ કરતા આજુબાજુમા જોવા લાગ્યો. રિક્ષા કબ્રસ્તાન પાસે પહોંચી ત્યારે પેલા માણસે તેને જ્યા જવાનું કહ્યું હતું એ જગ્યાથી થોડે દૂર રિક્ષા ઊભી રખાવીને તે રિક્ષામાથી નીચે ઊતરી ગયો. રિક્ષાવાળાને પૈસા ચૂકવતી વખતે તેને પહેલી રિક્ષામાં ભૂલાઇ ગયેલુ બે લાખ રૂપિયા ભરેલું કવર યાદ આવી ગયું. પણ એક જ સેક્ધડમાં તેના મનમાથી એ કવરનો વિચાર નીકળી ગયો. તે થોડું ચાલીને એક પાનવાળા પાસે પહોંચ્યો. પાનવાળા પાસે એક માણસ ઊભો હતો. તે માણસને જોઇને સાહિલે પોતાનો મોબાઇલ ફોન હાથમાં લીધો અને તે માણસ રવાના થાય ત્યા સુધી ઊભા રહેવાનું બહાનું શોધવા માટે તે ફોનમાં કઇક વ્યસ્ત હોય એવો ડોળ કરવા લાગ્યો. એ દરમિયાન તેણે ભૂલથી સેલ ફોન ચાલુ કરી દીધો. તે સેલ ફોન બંધ કરે એ પહેલા જ પાનના ગલ્લે ઊભેલો પેલો માણસ રવાના થઇ ગયો.
પેલો માણસ રવાના થયો એ સાથે પાનવાળાએ સાહિલ સામે પ્રશ્ર્નાર્થ નજરે જોયુ. સાહિલે ફોન પર મળેલી સૂચના પ્રમાણે પાનવાળાને કહ્યું: ‘ભાઇ કા મેહમાન.’
પાનવાળાએ કશુ બોલ્યા વિના પોતાનો મોબાઇલ ફોન હાથમાં લીધો અને એક નંબર લગાવીને કોઇને કહ્યું: ‘ભાઇકા મહેમાન આ ગયા હૈ.’
થોડી સેકંડમા જ પાનવાળાના ગલ્લાથી થોડે દૂરના એક મકાનનો દરવાજો ખૂલ્યો અને એમાંથી એક યુવાન બહાર આવ્યો. પાનવાળાએ સાહિલને તે માણસ સાથે જવા ઈશારો કર્યો.
સાહિલે ધડકતા હૃદય સાથે તે યુવાનને પૂછ્યું: ‘નતાશા કિધર હૈ?’
પેલા યુવાને કશો જવાબ ના આપ્યો એને બદલે તેણે સાહિલને આંખોથી જ ચૂપ રહેવા કહ્યું. તે કશુ બોલ્યા વિના ચાલવા માંડ્યો એટલે સાહિલ પણ તેની પાછળ ચાલતો થયો. તે યુવાને પેલા મકાનના દરવાજે પહોચીને ડોરબેલ વગાડવાને બદલે દરવાજે બે ટકોરા માર્યા. દરવાજો ખૂલ્યો એટલે તે યુવાનની સાથે સાહિલ અંદર પ્રવેશ્યો. એ મકાનના લિવિંગ રૂમમાં એક વૃદ્ધ મુસ્લિમ માણસ જમીન પર બેઠો હતો. તેણે સાહિલને જોઇને પેલા યુવાન સામે ડોકુ હલાવ્યું અને પછી પોતાનો મોબાઈલ ફોન હાથમાં લઈને કોઈને કોલ લગાવ્યો. પેલો યુવાન સાહિલને લઇને બેડરૂમમાં પ્રવેશ્યો. સાહિલને લાગ્યું કે કદાચ નતાશાને અંદરના રૂમમાં રાખી હશે, પણ બેડરૂમમાં કોઇ નહોતું.
સાહિલથી ફરી પુછાઈ ગયું: ‘નતાશા....’
પેલા યુવાને ધારદાર નજરે તેની સામે જોયું અને કશું બોલ્યા વિના જ સાહિલને ચૂપ રહેવાનું કહી દીધુ.
સાહિલ મૂંઝાઇ રહ્યો હતો અને અસહ્ય ડર અનુભવી રહ્યો હતો, પણ જે થાય તે ચૂપચાપ જોતા રહેવા સિવાય તેની પાસે કોઇ છૂટકો નહોતો.
પેલો યુવાન એ બેડરૂમના બાથરૂમમા પ્રવેશ્યો એટલે સહિલ બહાર ઊભો રહી ગયો. પેલો યુવાન બાથરૂમમાંથી બહાર આવ્યો અને સાહિલનું બાવડું જોરથી પકડીને તેને બાથરૂમમાં લઈ ગયો. બાથરૂમમા એક બાજુ કાચ મઢેલો દરવાજો હતો. પેલા યુવાને એ દરવાજો ખોલ્યો એટલે એની પાછળ લટકતા કપડા જોઈને સાહિલને સમજાયું કે એ વોર્ડરોબ હતો. સાહિલનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું કે આ માણસ શું કરી રહ્યો છે? પેલા યુવાને કપડા હટાવ્યા અને સહેજ આગળ વધીને વોર્ડરોબની પાછળના સનમાઈકાવાળા લાકડા પર ટકોરા માર્યા એ સાથે અંદરથી સ્ટોપર ખૂલવાનો અવાજ આવ્યો. બીજી સેક્ધડે એ પાટિયું ખૂલ્યું ત્યારે સાહિલને ખ્યાલ આવ્યો કે એ હકીકતમાં ગુપ્ત દરવાજો હતો. સાહિલ પેલા યુવાનની પાછળ ચાલ્યો. એ બન્ને એક નાનકડા રૂમમાં પ્રવેશ્યા. એ રૂમમાં બીજો કોઈ દરવાજો નહોતો. સાહિલની મૂંઝવણનો પાર ના રહ્યો. કોઈ માણસ ઓક્સિજન વિના તરફડિયા મારવા માંડે એવી તેના મનની હાલત હતી. એ નાનકડા રૂમમા તે જેની સાથે આવ્યો હતો તે યુવાન અને અંદરથી દરવાજો ખોલનારો માણસ ઊભા હતા. વૂડન ફ્લોરિંગવાળા એ રૂમમાં એક દીવાલ પાસે પડેલું એક ગાદલું અને એક પિક્ચર ફ્રેમ સિવાય બીજુ કશુ જ દેખાતું નહોતું.
કતલખાનામાં બાંધેલા પશુ જેવી હાલતમા સાહિલ ઊભો હતો એ વખતે પેલા યુવાને પેલી પિક્ચર ફ્રેમ હટાવીને તેની પાછળની એક સ્વિચ દબાવી એ સાથે એ રૂમના ફ્લોરમાથી એક પાટિયું સરકવાનો અવાજ આવ્યો અને થોડા ફૂટ જગ્યા ખૂલ્લી થઈ ગઈ. ત્યાથી નીચે ઊતરવાના પગથિયા હતા. સાહિલની આંખો આશ્ર્ચર્ય સાથે પહોળી થઈ ગઈ. પેલા યુવાને સાહિલની એ પગથિયા ઊતરીને નીચે જવાનો ઈશારો કર્યો. સાહિલ નીચે ઊતર્યો. પેલો યુવાન પણ તેની પાછળ નીચે આવ્યો. તે બન્ને એક પેસેજમા આવી ગયા હતા. ત્યા એક નાનો ઈલેક્ટ્રિક લેમ્પ ચાલુ હતો. પેલા યુવાને એ પેસેજમાં એક બટન દબાવ્યું એટ્લે ઉપરનો ગુપ્ત દરવાજો બંધ થઈ ગયો. સાહિલને થયું કે તેનું હૃદય બંધ પડી જશે.
પેલા યુવાને આગળ વધીને પેસેજના દરવાજા પર ટકોરા માર્યા એટલે કોઈએ એ દરવાજો ખોલ્યો અને તે બન્ને એક વિશાળ રૂમમાં પ્રવેશ્યા. પેલો યુવાન સાહિલને એ રૂમના બીજા છેડે બેઠેલા માણસ પાસે લઈ ગયો. એ વખતે સાહિલના સેલ ફોનની રિંગ વાગી.
પેલા યુવાને ઉશ્કેરાઈને કહ્યું: ‘ઇકબાલભાઇ યે કમીને ને અપના ફોન ચાલુ રખ્ખા હૈ!’
બીજી સેક્ધડે સાહિલના માથા પર કોઈએ પ્રહાર કર્યો અને સાહિલ બેભાન થઈ ગયો.

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 3 દિવસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Naresh Bhai

Naresh Bhai 2 વર્ષ પહેલા

Vipul

Vipul 2 વર્ષ પહેલા

Rupalben Mehta

Rupalben Mehta 2 વર્ષ પહેલા