પિન કોડ - 101 - 45 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 45

પિન કોડ - 101

પ્રકરણ-45

આશુ પટેલ

‘હકબાલભાઇ, યે કમીનેને અપના ફોન ચાલુ રખા હૈ!’ સાહિલને લઇને કાણિયા પાસે ગયેલા યુવાને કહ્યું.
એ સાથે જ ઇકબાલની બાજુમાં ઊભેલા તેના ખાસ માણસ ઐય્યુબે સાહિલના માથા પર જોરથી ફટકો માર્યો. એ પ્રહારથી સાહિલ બેભાન થઇ ગયો.
સાહિલ કપાયેલા ધડની જેમ ફરસ પર પડયો. તેના સેલફોનની રિંગ હજી વાગી રહી હતી. સાહિલને લઇને અંદર આવેલા યુવાને સાહિલનો સેલ ફોન લઇને કોલ કરનારી વ્યક્તિનું નામ જોઇને તરત જ કોલ કટ ર્ક્યો અને પછી સેલફોન બંધ કરી દીધો.
‘કોઇ રાહુલનો કોલ આવી રહ્યો હતો સાલા કાફર પર.’ તે યુવાને ઇકબાલ કાણિયાને કહ્યું.
‘અય્યુબ, કોઇને આ મોબાઇલ ફોન સાથે તરત જ બહાર મોકલ અને તેને કહે કે તે ચાર બંગલો વિસ્તારમાં પહોંચીને આ મોબાઇલ ફોન ચાલુ કરે અને પછી સાયલન્ટ મોડ પર મૂકીને કુર્લા રેલવે ટર્મિનસ જઇને બહારગામ જતી કોઇ પણ ટ્રેનમાં એવી રીતે છુપાવી દે કે તરત કોઇને હાથ ના લાગે.’
‘જી ભાઇ.’ અય્યુબે કહ્યું.
‘અને આ છોકરાને ઘેનનું ઇન્જેક્શન આપીને કોઇ રૂમમાં પૂરી દે.’ કાણિયાએ બીજી સૂચના આપી.
* * *
સાહિલનો દોસ્ત રાહુલ બપોરે મોડેથી જાગ્યો અને ફ્રેશ થયો એ વખતે નતાશાનો સામાન જોઇને તેને ફરી વાર અકળામણ થઇ. તેણે સાહિલને અલ્ટિમેટમ આપ્યું હતું એટલે સાહિલ તેની ફ્રેન્ડને તો બહાર લઇ ગયો હતો, પણ હજી તે છોકરીનો સામાન ફ્લેટમાં જ પડ્યો હતો. રાહુલે સાહિલને એ કહેવા માટે કોલ લગાવ્યો કે તારી ફ્રેન્ડનો સામાન આજે અહીંથી ઉપડી જવો જોઇએ, પણ રાહુલે કોલ કટ ર્ક્યો એટલે રાહુલ અકળાયો. તેણે ફરી વાર તેનો નંબર લગાવ્યો. એ વખતે સાહિલનો નંબર બંધ આવ્યો. સાહિલ ગઇ રાત્રે પણ ફ્લેટ પર આવવાનો હતો. સાહિલે કહ્યું હતું કે મારે પણ નતાશા સાથે ગેસ્ટહાઉસમાં રોકાવું પડશે એટલે તેણે પોતાનો પરિચય હતો એવા એક ગેસ્ટહાઉસમાં વિનંતી કરીને રૂમ બુક કરાવી દીધો હતો. રાહુલે એ ગેસ્ટહાઉસમાં કોલ લગાવીને સાહિલ વિશે પૂછ્યું પણ ત્યાંથી
જવાબ મળ્યો કે સાહિલ અને તેની ફ્રેન્ડ ત્યાં ગયા જ નહોતાં.
રાહુલને વિચાર આવ્યો કે સાહિલ પાસે પૈસા તો હતા નહીં અને તેની ફ્રેન્ડ પણ કડકી હતી એટલે તે બંને બીજે ક્યાંય તો રહી શકે એમ નહોતા. તો પછી એ બંને ક્યાં ગયા હશે? સાહિલનું તો મુંબઇમાં પોતાના સિવાય એવું કોઇ નહોતું કે તે ત્યાં જઇને રોકાઇ શકે, અને એ પણ પાછો કોઇ છોકરી સાથે! અને સાહિલની ફ્રેન્ડને પણ મુંબઇમાં બીજે ક્યાંય રહેવાનું ઠેકાણું નહોતું એટલે તો તે અહીં આવી ચડી હતી. રાહુલને વિચાર આવ્યો કે તે બંને ક્યાંક ભાગી તો નહીં ગયા હોય ને? પછી તેને પોતાના એ વિચાર પર એકલા એકલા જ હસવું આવી ગયું. એ બેય પોતાના ઘરેથી ભાગીને તો મુંબઇ આવ્યા હતા એટલે ભાગી છૂટવાનું તો કોઇ કારણ નહોતું તેમની પાસે!
ફરી એક વાર નતાશાની બેગ્સ પર ધ્યાન પડ્યું એટલે રાહુલે વધુ એક વાર સાહિલનો નંબર લગાવ્યો. સાહિલનો નંબર હજી બંધ જ હતો.
સાહિલને થોડી વાર પછી ફરી કોલ કરીશ એવું વિચારીને રાહુલે તેના બીજા કોઇ ફ્રેન્ડનો નંબર લગાવ્યો અને તેની સાથે વાત કરવા માંડ્યો. જોકે એ પહેલા તેણે સાહિલના ફોન પર એક મેસેજ મોકલી દીધો કે ફોન કેમ નથી ઉપાડતો? તું ફોન રીસિવ કરે કે ના કરે તારી ફ્રેંડનો સામાન સાંજ સુધીમાં ફ્લેટમાંથી ઊપડી જવો જોઇએ, નહિ તો કાલે સામાનની સાથે તને પણ ઊંચકીને ફ્લેટની બહાર ફેંકી દઈશ!
* * *
‘આ ફોન ટ્રેનમાં મૂકીને બહાર નીકળ્યા પછી મને કોલ કરજે. કોઈનો કોલ આવે અને ફોનની રિંગ વાગતી રહે તો વાગવા દેજે. ભૂલેચૂકેય કોઇ પણ કોલનો જવાબ આપવાનો નથી...’ કાણિયાનો વિશ્ર્વાસુ માણસ વીસેક વર્ષના એક છોકરાને સમજાવી રહ્યો હતો. તે બંને યારી રોડના છેડે એક જગ્યાએ ઊભા હતા. અય્યુબે સાહિલનો ફોન આપીને એ છોકરાને રવાના ર્ક્યો અને પછી તે ફરી કબ્રસ્તાન નજીકના પેલા મકાનમાં પહોંચ્યો.
* * *
‘અંડરવર્લ્ડ ડોન ઇકબાલ કાણિયાએ કરાંચીથી દરિયાઇ માર્ગે આરડીએક્સ મગાવ્યું છે અને મુંબઇના દરિયાકિનારે ઉતાર્યું છે. અમે મુંબઇ પોલીસ, મહારાષ્ટ્રની એન્ટિ ટેરરિઝ્મ સ્કવોડ અને મહારાષ્ટ્ર સ્ટેટ આઇ.બી.ને માહિતી આપી છે. પણ હમણા મારા એક અધિકારીને માહિતી મળી કે કાણિયાના આરડીએક્સનું એક ક્ધસાઇનમેન્ટ ગુજરાતમાં પણ ઊતર્યું છે.’ સેન્ટ્રલ આઇ.બી.ના આઇજીપી પવન દિવાન ગુજરાત સ્ટેટ આઇ.બી.ના ડિરેક્ટર જનરલ આકાશ જયસ્વાલને ફોન પર કહી રહ્યા હતા. આઇજીપી પવન દિવાનની વાત સાંભળીને આકાશ જયસ્વાલના કપાળ પર સળ ઊપસી આવ્યા. સેન્ટ્રલ આઇ.બી.ના આઇજીપી પવન દિવાન માહિતી આપી રહ્યા હતા એ દરમિયાન જ ગુજરાત સ્ટેટ આઇ.બી.ના ડીજી આકાશ જયસ્વાલનું મગજ દોડવા માંડ્યું હતું.
આઈજીપી પવન દિવાનનો કોલ પૂરો થયો એટલે આકાશ જયસ્વાલે બીજી જ સેક્ધડે ગુજરાતની એન્ટિ ટેરરિઝમ સ્કવોડના વડા આઇપીએસ જી. કે. ભટ્ટનો મોબાઇલ નંબર લગાવ્યો. આઇપીએસ ભટ્ટ લાઇન પર આવ્યા એટલે જયસ્વાલે ઉતાવળે તેમને સેન્ટ્રલ આઇ.બી. તરફથી મળેલી માહિતી આપવા માંડી.
* * *
મોહિની મેનન આઇએસના કમાન્ડર ઇશ્તિયાક હુસેન સાથે પેલા રૂમમાં પ્રવેશી ત્યારે રૂમમાં પલંગ પર સૂતેલી વ્યક્તિને જોઇને હેબતાઇ ગઇ. પલંગ પર પડેલી તે વ્યક્તિ તેની અદ્દલ હમશકલ હતી! પોતાની માતા પણ તે યુવતીને જુએ તો તે પણ થાપ ખાઈ જાય એવો વિચાર તેને આવી ગયો. મોહિનીને એક સેક્ધડ માટે થયું કે પોતે કોઇ પલંગને બદલે અરીસા તો સામે નથી જોઇ રહી ને! તરત જ તેના મનમાં બીજો વિચાર પણ ઝબકી ગયો કે ઘણા દિવસોથી આ લોકોની કેદમાં પુરાઇને પોતે ચિત્તભ્રમ જેવી અવસ્થામાં નથી મુકાઇ ગઇ ને? તે પલંગ પર પડેલી યુવતી સામે તાકી રહી.
દુનિયામાં પોતાના જેવી જ બીજી કોઇ વ્યક્તિ હોઇ શકે એ વાસ્તવિકતા મોહિની પચાવે એ પહેલાં ઇશ્તિયાકે તેને કહ્યું કે ‘આ છોકરી સૂતી નથી, તેને અમે બેહોશીમાં રાખી છે!’
મોહિની કંઈ સમજવાની કોશિશ કરે એ પહેલા ઇશ્તિયાકે પેલી યુવતીના શરીર પર ઢાંકેલી ચાદર હટાવી. તે યુવતીએ મોહિની જેવા જ કપડાં પહેર્યાં હતાં. થોડી સેકંડ તે યુવતી સામે જોયા પછી મોહિનીને સમજાયું કે તે યુવતીના શરીર પર ખરેખર તેના જ કપડાં હતાં! તેનો રહ્યોસહ્યો શક પણ દૂર કરતા ઇશ્તિયાકે પલંગ પર બેહોશ પડેલી યુવતીનો જમણો હાથ ઊંચો ર્ક્યો અને તે યુવતીએ જમણા હાથના કાંડામાં પહેરેલી ઘડિયાળ મોહિનીને બતાવી. એ ઘડિયાળ પણ મોહિનીની જ હતી. તેની બાજુમાં મોહિનીનું પર્સ પડ્યું હતું. ઇશ્તિયાકે એ પર્સમાં હાથ નાંખીને એમાંથી મોહિનીનો પાસપોર્ટ, પેનકાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સ મોહિનીને બતાવ્યા. મોહિનીનું દિમાગ ચકરાઇ ગયું. તે કંઇ સમજી શકે એ પહેલા ઇશ્તિયાકે તેની આંખોમાં આંખ પરોવીને કહ્યું, ‘આ છોકરીની લાશ આ સ્થિતિમાં જ ગમે ત્યારે પોલીસને મળી આવશે!’

(ક્રમશ:)