તમારા વિના
ચેપ્ટર - 7
‘બા, દીપકભાઈનો ફોન છે.’ શ્વેતાએ હૉલમાંથી જ મોટેથી બૂમ પાડીને કહ્યું.
‘દીપકનો ફોન? અત્યારે?’ કાન્તાબેનને નવાઈ લાગી. દીપક પોતે તો સામે ચાલીને ભાગ્યે જ ફોન કરતો. નવીનચંદ્રના મૃત્યુ બાદ એકાદ-બે વખત ફોન આવ્યો હતો, પણ એ રાત્રે જ. આમ બપોરના સમયે ઑફિસમાંથી ફોન આવે એે નવાઈ પામવા જેવું જ હતું.
‘હા, બોલ બેટા, કેમ છે તું?’ કાન્તાબેને ફોનનું રિસીવર કાને માંડતાં પૂછ્યું.
‘બા, તું કાલે પોલીસસ્ટેશન ગઈ હતી?’ દીપકે માની વાતનો જવાબ આપ્યા વિના સીધું જ પૂછ્યું.
‘હા, કેમ?’
‘તારે ત્યાં જવાની શું જરૂર હતી? અહીં ઑલરેડી કેટલા પ્રૉબ્લેમ છે. એમાં તમે લોકો વધારો શું કામ કરો છો? બા પ્લીઝ, તું મહેરબાની કરીને આ બધા ઉધામા કરવાનું બંધ કરને! ઘરે બેસીને ભગવાનનું નામ લઈશ તો ભઈના આત્માને શાંતિ મળશે.’ દીપકે રીતસર ઊધડો લેતો હોય એમ કહ્યું.
‘પણ...’
‘જા બા, મારી પાસે પોલીસસ્ટેશનના ધક્કા ખાવાનો ટાઇમ નથી. મનેય શું સૂઝયું કે મેં પોલીસને મારો ફોન નંબર આપ્યો... ચાલ મૂકું છું. મારો બીજા ફોન આવે છે.’ દીપકે ફોન કાપી નાખ્યો.
કાન્તાબેન ધીમા પગલે પોતાના રૂમમાં જઈ પલંગ પર આડાં પડ્યાં. આ એ જ દીપક હતો? તેમનો પોતાનો દીકરો? દીપક નાનો હતો ત્યારે ચંદ્ર કહેતા, ‘કાન્તા, દીપક અસ્સલ તારા પર ગયો છે.’ કાન્તાબેનને યાદ આવી ગયું. એક વખત પસ્તી લેવા આવનાર ફેરિયા જાડે તોલમાપની બાબતમાં માથાકૂટ થઈ અને ફેરિયો કાન્તાબેનને આડુંઅવળું બોલ્યો હતો. દીપક ક્રિકેટ રમવાનું પોતાનું બૅટ લઈ તે ફેરિયાને મારવા દોડ્યો હતો.
કાન્તાબેનને સમજાતું નહોતું કે તેમણે એવો તે શું અપરાધ કરી નાખ્યો હતો કે દીપક તેમના પર આટલો બધો ચિડાતો હતો. ખરેખર તો આ બધું દીપક અને વિપુલે કરવું જાઈતું હતું. ચંદ્રનું, તેમના સગા બાપનું ખૂન થઈ ગયું હતું અને એે શું કામ થયું હતું, કોણે કર્યું હતું એ જાણવાના, શોધવાના, હત્યારાને સજા અપાવવાના પ્રયાસો કરવાને બદલે ઊલટું દીપક તેમના પર ગુસ્સે થઈ રહ્યો હતો.
નવીનચંદ્રના ગયા પછી ધીમે-ધીમે બધાનું જીવન થાળે પડી રહ્નાં હતું. સૌ પોતપોતાની જિંદગીમાં ગોઠવાઈ જવા માંડ્યા હતા. કાન્તાબેન પોતે પણ તમામ રોજિંદી ક્રિયાઓ કરતાં. સવારે એ જ રીતે ઊઠવાનું, નાહવા-ધોવાનું, જમવાનું... આમ જુઓ તો બધું એમ જ ચાલતું હતું, પણ તેમના જીવનમાં કંઈક વિશેષ ખૂટતું હતું જેનો અહેસાસ ફક્ત તેમને જ થતો હતો.
સવારે ઊઠતાંવેંત ચંદ્રની ગેરહાજરી સાલતી. નવીનચંદ્રની ઊંઘ પહેલેથી જ ઓછી અને એમાંય ઉંમર વધતાંની સાથે-સાથે ઊંઘમાં ઘટાડો થવા માંડ્યો હતો. કાન્તાબેન સવારે છએક વાગ્યે ઊઠે, પણ નવીનચંદ્રની ઊંઘ તો ચાર અને ઘણી વાર સાડાત્રણ વાગ્યામાં ઊડી ગઈ હોય. તેમ છતાં નવીનચંદ્ર પથારીમાં પડ્યા રહે. પડખાં ફેરવતી વખતે પણ સાવધાની રાખે. કાન્તાની ઊંઘમાં ખલેલ ન પડે એટલા માટે જ.
પરંતુ, તોય તેમણે ઊઠવું તો પડે જ, બાથરૂમ જવા માટે. અને કાન્તાબેનની ઊંઘ અચૂક ઊડે.
‘એમ વારંવાર ઘડિયાળ જાવાથી સવાર વહેલી નહીં પડી જાય.’ બેડરૂમની લાઇટ ચાલુ કરવાને બદલે બાથરૂમનો દરવાજા ખુલ્લો રાખી એેમાંથી રેલાઈ આવતા આછા ઉજાસમાં ચૂંચી આંખ કરી ભીંત પરની ઘડિયાળમાં સમય જોવા મથતા ચંદ્રને કાન્તાબેન અધખુલ્લી આંખે કહેતાં.
‘હું આટલો હળવેકથી ઊઠું અને જરાય અવાજ ન કરું તોય તને કેમ ખબર પડી જાય છે?’ કાન્તાબેનની બાજુમાં આવી લંબાવતા નવીનચંદ્ર પૂછતા.
‘એ સમજવા માટે તમારે બૈરાનો અવતાર લેવો પડે. આવતા ભવે લેજા એટલે સમજાઈ જશે.’ શરીર પર ગોદડું ખેંચી લેતાં કાન્તાબેન જવાબ આપતાં.
‘પણ તું તો કે’ છેને કે આવતા ને આગલા ભવ જેવું કંઈ હોતું જ નથી.’
‘તમે તો માનો છોને? એટલે કહું છું ને હવે અટાણમાં આગલા-પાછલા જનમની ચર્ચા મૂકો. તમને ભલે ઊંઘ ન આવતી હોય પણ મને તો આવે છે.’
‘કાન્તા, મને તારી આ એક જ વાતની ઈર્ષ્યા આવે છે. તારી ઊંઘની.’
અડધી રાતે કાન્તાબેનની ઊંઘ ઊડી જતી અને બાજુની પથારીમાંની ખાલી જગ્યા જોઈને તેમના મનમાં દરરોજ અચૂક આ જ શબ્દો આવતાઃ ચંદ્ર, તમે તો કાયમ માટે ઊંઘી ગયા અને મને તમારી આ ક્યારેય ન પૂરી થનારી ઊંઘની ઈર્ષ્યા આવે છે. અને પછી તેઓ ઊંઘી ન શકતાં.
કાન્તાબેનનું મન ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝોલાં ખાતું રહેતું. ચંદ્ર સાઠ વર્ષે રિટાયર થયા એે દિવસે પહેલવહેલી વખત કાન્તાબેનને પોતાની ઉંમરનો પણ અહેસાસ થયો હતો. સંધિવાનું દરદ ધીમે-ધીમે વધવા માંડ્યું હતું. ચંદ્રને પ્રોસ્ટેટનો પ્રૉબ્લેમ થયો હતો. વારંવાર પેશાબ કરવા જવું પડવા માંડ્યું હતું. ઘડપણ આવી ગયું હતું અને એની પાછળ-પાછળ મૃત્યુ ગમે ત્યારે આવી જવાનું હતું એની કાન્તાબેનને અને ચંદ્ર બન્નેને જાણ હતી. બન્નેમાંથી એક જણે પાછળ એકલા રહેવાનું છે એ સત્ય હતું અને એ વિશે સૌથી પહેલી વખત વાત પણ કાન્તાબેને જ છેડી હતી.
‘કાલે દમુ મળી હતી.’ કાન્તાબેને હિંડોળે ઝૂલતાં-ઝૂલતાં અમસ્તા જ કહ્યું હતું.
દમુ કાન્તાબેનની માસીની દીકરી બહેન હતી.
‘એમ, શું કે’તી હતી?’ નવીનચંદ્રે પૂછ્યું.
‘તે હજી રડ-રડ જ કર્યા કરે છે.’ કાન્તાબેને સહેજ અણગમાથી કહ્યું.
‘રસિકલાલને ગયાને બે વર્ષ થયાં નહીં?’ નવીનચંદ્રના અવાજમાં રસિકલાલના મૃત્યુ માટે અફસોસ વર્તાયો.
‘બે નહીં, આ અષાઢમાં ત્રણ પૂરાં થશે. તોય હજી જ્યારે મળે ત્યારે રડતી જ હોય છે.’ કાન્તાબેને ગણતરી કરી.
‘ઘરના માણસની ખોટ તો સાલેને!’ નવીનચંદ્રે સહાનુભૂતિપૂર્વક કહ્યું હતું.
‘એની ક્યાં ના છે, પણ આમ રડી-રડીને દેખાડો કરવાની શું જરૂર? વહેલામોડા બધાય જવાના જ છેને! અને રસિકલાલ કંઈ નાના નહોતા. ૭૯ના હતા. દમુ કરતાં ૧૧ વર્ષ મોટા.’ કાન્તાબેને માહિતી આપી. થોડીક વાર કોઈ કશું બોલ્યું નહીં. કાન્તાબેન પગની ઠેસ વડે હીંડોળો હીંચકાવતાં રહ્યાં.
‘હું પહેલાં જાઉં તો તમે આમ મારી પાછળ આખો વખત નિસાસા ન નાખતા.’ કાન્તાબેને જ વિષય ઉખેળ્યો.
‘કોણ પહેલાં જશે ને કોણ પાછળથી કોને ખબર...’ નવીનચંદ્ર જાણે વાતનો વીંટો વાળી દેવા માગતા હોય એમ બોલ્યા.
‘એ ખરું, પણ સાઠ વિતાવ્યા પછી ગમે તે ઘડીએ મોત આવીને ઊભું રહી જાય એની કંઈ ખબર થોડી પડે છે.’ કાન્તાબેને વાત ચાલુ રાખી.
‘હું પહેલી જાઉં તો તમે દીપકના ઘરે રહેવા જજો.’ કાન્તાબેને કહી દીધું.
‘દીપકના ઘરે જ કેમ? વિપુલના ઘરે શું કામ નહીં? એના કરતાં અહીં એકલો જ રહું તોય શું ખોટું છે?’ નવીનચંદ્ર હસતાં-હસતાં બોલ્યા.
‘જરાય નહીં. એકલા રહેવાનો તો વિચાર જ ન કરતા. એકલા-એકલા મારા આત્મા જાડે વાતો કર્યા કરશો, ગાંડા થઈ જશો. હું તમને ઓળખું છુંને! દીપકના ઘરે જાજો.’ કાન્તાબેને એકદમ ગંભીરતાથી કહ્યું હતું.
‘દીપક પહેલેથી જ તારો લાડકો છે...’ નવીનચંદ્ર કાન્તાબેનને ખીજવવા માગતા હોય એેમ બોલ્યા.
‘માને તો બધાય છોકરા સરખા જ હોય, પણ દીપકની વહુ ગમે તેમ તોય માયાળુ છે. મનીષા બોલવે બહુ મીઠી, બાકી વાતમાં કંઈ માલ ન મળે. તમારો જીવ વિપુલમાં વધારે છે. ખાસ તો તેનો અર્જુન ખરોને એટલે તમે ત્યાં જ જવાના. પણ મારી વાત લખી રાખજો, કાશ્મીરા જેવું તમને કોઈ નહીં સાચવે.’ કાન્તાબેને ચુકાદો તોળી આપ્યો હતો.
‘તું તો એવી રીતે વાત કરે છે જાણે તું કાલે ને કાલે જ મરી જવાની હોય.’
‘નહીં મરી જાઉં એવી કોઈ ગૅરન્ટી છે તમારી પાસે?’ કાન્તાબેન આખી વાત બાબત હજી પણ એટલાં જ ગંભીર હતાં.
‘તે એમ તો હુંય પહેલાં વયો જાઉં તો?’
‘એવુંય બની શકે.’ બોલતાં-બોલતાં કાન્તાબેનને તકલીફ પડી રહી હતી, પણ આ શક્યતા નકારી ન શકાય એ સત્યનો સામનો કરવા તેઓ તૈયાર હતાં.
એ દિવસે અચાનક મહેમાન આવી ગયા અને તેમની વાત અધૂરી રહી ગઈ હતી. ત્યાર પછી ઘણી વાર તેમની વચ્ચે મૃત્યુ વિશે વાતચીત થઈ હતી.
‘મને આવી માંદગી આવે તો આમ નળી ઓ જાડીને ખોટેખોટી ન જિવાડતા. પૈસાનું પાણી ને આવું જીવીને કરવાનુંય શું?’ નવીનચંદ્રની સાથે ઑફિસમાં કામ કરતા શાહની હૉસ્પિટલમાં ખબર કાઢી આવ્યા પછી ઘરમાં પ્રવેશતાં જ કાન્તાબેને કહ્યું હતું, ‘તમે જો આવા બીમાર પડશો તો હુંય તમારા જીવને આટલો દુઃખી થવા નહીં દઉં.’
‘તું બહુ વિચારે છે કાન્તા. જે પરિસ્થિતિ આવે એ રીતે જીવી લઈશું. આપણે ગમે એેટલું નક્કી કરીએ, જીવન કંઈ એમ આપણા વિચારવા પ્રમાણે થોડું જ ચાલે છે.’
કાન્તાબેનને થતું હતું કે ચંદ્રની વાત સાચી હતી. ચંદ્ર પોતાના પહેલાં પણ જઈ શકે એવી સ્થિતિની તેમણે મનોમન કલ્પના કરી હતી, પણ ચંદ્ર આવી રીતે જાય એવો વિચાર પણ તેમને ક્યારેય નહોતો આવ્યો અને કેવી રીતે આવે? ચંદ્રને કોઈ શું કામ મારી નાખે? આ સવાલ તેમના આખા અસ્તિત્વને શૂળની જેમ સતત ભોંકાતો હતો.
‘બા, હસમુખકાકા આવ્યા છે...’ આંખ મીંચીને પલંગ પર આડાં પડેલાં કાન્તાબેનના કાને શ્વેતાના શબ્દો પડ્યા.