Tamara Vina books and stories free download online pdf in Gujarati

તમારા વિના - 2

તમારા વિના

  • ગીતા માણેક
  • (૨)

    બપોરનો સમય હોવાથી કાન્તાબેનને ટ્રેનમાં બેસવાની જગ્યા મળી ગઈ. આમ પણ ચર્ચગેટથી ઊપડતી બોરીવલી લોકલમાં બહુ ભીડ નહોતી. લેડીઝ સેકન્ડ ક્લાસના ડબ્બામાં છૂટીછવાઈ થોડીક સ્ત્રીઓ બેઠી હતી. દરવાજા પાસેના પૅસેજમાં પિન-બક્કલ કે હાથરૂમાલ વેચતા નાના-નાના છોકરાઓ રમત કરી રહ્ના હતા.

    એક ધક્કા સાથે ટ્રેન શરૂ થઈ. ટ્રેને ગતિ પકડી કે તરત જ બારીમાંથી ગરમ હવા આવતી હોવા છતાં કાન્તાબેનને ઝોકું આવી ગયું. દાદર સ્ટેશન પર ટ્રેન થોભતાંની સાથે જ કાન્તાબેનની આંખ ખૂલી ગઈ. માનવપ્રવાહની ભરતીનું મોજું આવ્યું હોય એમ ઢગલાબંધ મહિલા પ્રવાસીઓ એકસામટી ટ્રેનમાં દાખલ થઈ. આખા ડબ્બામાં કોલાહલ વ્યાપી ગયો. કૉલેજની યુવતીઓનું ઝુંડ, નવવારી સાડી પહેરેલી અને વાંસના મોટા-મોટા ટોપલાઓ લઈને આવેલી મહારાષ્ટ્રિયન બાઈઓ, સામાજિક કે અન્ય કોઈ કારણસર બહાર નીકળેલી ગૃહિણી જેવી લાગતી સ્ત્રીઓ અને જાતભાતની મહિલાઓથી ટ્રેનનો કમ્પાર્ટમેન્ટ ભરાઈ ગયો. દાદર સ્ટેશનથી ગાડી ઊપડ્યા પછી પણ થોડીક ક્ષણો અશાંતિ અને અજંપો હતો. જેમને બેસવાની જગ્યા મળી હતી તેઓ પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા હતા અને જેમને બેસવા નહોતું મળ્યું તે પણ જગ્યા કરીને અને ઉપર લટકતા હૅન્ડલ કે સીટના ટેકે ઊભા રહી ગયા હતા. કૉલેજની છોકરીઓનું એક જૂથ દરવાજા પાસે ઊભું-ઊભું ખિખિયાટા કરતું હતું. દરવાજા પાસેના પૅસેજમાં બે બાજુ અઢેલીને ટોપલાવાળી બાઈઓ અડિંગો જમાવીને બેસી ગઈ હતી. કમર પર સાડીમાં વીંટાળેલી સ્ટીલની તમાકુ અને ચૂનાની ડબ્બી કાઢી તમાકુ મસળતી તે બાઈઓ પોતાની ગોષ્ટિમાં રમમાણ હતી. કાન્તાબેનની બાજુમાં બે મધ્યવયસ્ક ગુજરાતી મહિલાઓ બેઠી હતી. તેમણે સફેદ રંગના સાડલા પહેર્યા હતા એના પરથી કાન્તાબેને અનુમાન કર્યું કે કોઈના ઉઠમણામાં તેઓ જઈ રહી હતી. આ બન્ને ગુજરાતી મહિલાઓ તેમની સાસુઓની કૂથલી કરવામાં વ્યસ્ત હતી. મનીષા પણ ક્યારેક કોઈક સાથે આવી રીતે જ પોતાના વિશે વાત કરતી હશે એવો વિચાર તેમના મનમાંથી પસાર થઈ ગયો.

    કાન્તાબેને નજર ફેરવી દરવાજા તરફ જાયું. એક મુસ્લિમ સ્ત્રી ભીડમાંથી રસ્તો કરતી કાન્તાબેન બેઠાં હતાં એ તરફ આવી રહી હતી. તેણે કાળા રંગનો બુરખો પહેર્યો હતો એના પરથી તે મુસ્લિમ છે એવું અનુમાન કરવું સહજ હતું. પચ્ચીસ-છવ્વીસ વર્ષની લાગતી તે મુસ્લિમ મહિલાની આંગળી પાંચેક વર્ષની છોકરીએ પકડી હતી અને બે-અઢી વર્ષના એક બાળકને તેણે હાથમાં તેડ્યું હતું. તેનું મોટું પેટ જાઈને કાન્તાબેને અંદાજ બાંધ્યો કે તેને છએક મહિના હતા. બે બાળકોને અને પોતાનું સંતુલન સાચવતી તે બે સીટની વચ્ચે આવીને ઊભી રહી. કાન્તાબેનને તે મુસ્લિમ સ્ત્રીની દયા આવી ગઈ. તેમને થયું કે હમણાં કોઈ ઊભું થઈને આ બિચારીને જગ્યા કરી આપશે, પરંતુ જાણે કોઈએ તેની નોંધ જ લીધી નહીં. એક આંચકા સાથે ટ્રેન ઊભી રહી ત્યારે તે મુસ્લિમ યુવતીએ સંતુલન ગુમાવ્યું અને કાન્તાબેનની બાજુમાં બેઠેલી ગુજરાતી સ્ત્રી પર તે ઝૂકી પડી. એે ગુજરાતી મહિલા વાસીએ મોં મચકોડ્યું અને તેની જોડીદારને ગુજરાતીમાં જ કહ્યું, ‘આપણા દેશના આવા હાલ આ લોકોને લીધે જ થયા છે. આટલાં છોકરાં જણી-જણીને મૂકી દે અને પાછા આપણા પર જ દાદાગીરી કરે.’ ગુજરાતીમાં બોલાયેલા શબ્દો પેલી સ્ત્રી કદાચ સમજી નહોતી, પણ શબ્દો પાછળનો ભાવ પામી ગઈ હોય એમ ક્ષોભ પામતી સંકોરાઈને ઊભી રહી.

    કાન્તાબેનને પોતાને સંધિવાનો વ્યાધિ હતો અને તેઓ બહુ વાર ઊભાં રહી નહોતાં શકતાં. તેમ છતાં તેમનાથી આ બધું ન સહેવાયું. તે પોતાની સીટ પરથી ઊભાં થઈ ગયાં અને તેમણે તે મુસ્લિમ મહિલાને બેસવા માટે જગ્યા કરી આપી. તે અજાણી મુસ્લિમ યુવતી કાન્તાબેનની ઉંમર જાઈ બેસવા માટે ઇનકાર કરતી હતી, પણ કાન્તાબેને તેને પરાણે બેસાડી.

    આ બધું જાઈને શરમ કે સંકોચ અનુભવવાને બદલે પેલી બે ગુજરાતી સ્ત્રીઓ નફ્ફટાઈપૂર્વક હસી પડી. કાન્તાબેનથી હવે ન રહેવાયું.

    ‘તમે પોતે બૈરાંનો અવતાર લીધો છે તોય સહેજે દયા-માયા નથી. બિચારીને માથે શું વીતતી હશે એનીયે તમને સમજણ નથી પડતી? તમે સારા અને ખાનદાન કુટુંબમાં જન્મવાને બદલે આવી કોમમાં સ્ત્રી થઈને જન્મ્યાં નથી એ તમારાં નસીબ છે. નહીં તો તમે પણ આમ જ... તમે તો ભણેલીગણેલીઓ છો તોય એટલું નથી સમજતી કે આને પેટે બે દીકરીઓ પડી છે ને દીકરો નહીં થાય ત્યાં સુધી....’ એકપણ શબ્દની આપ-લે થઈ નહોતી તેમ છતાં આ અજાણી સ્ત્રી પોતાની સ્થિતિ સમજતી હતી એનાથી તે મુસ્લિમ સ્ત્રીની આંખો ઊભરાઈ આવી.

    ‘આ લો, એક નવી ઇન્દિરા ગાંધી આવી ગઈ છે. માજી, તમે ઇલેક્શનમાં ઊભાં રહો, ચોક્કસ જીતી જશો. કમસે કમ આ લોકોના વોટ તો મળી જ જશે.’ એ ગુજરાતી મહિલા પ્રવાસીએ આખી વાતને મજાક બનાવી દીધી. આજુબાજુ બેઠેલી કેટલીક સ્ત્રીઓ મોં પર સાડીનો છેડો કે દુપટ્ટો દબાવીને હસી પડી તો કેટલીક જાણે આ બધા સાથે કંઈ લેવાદેવા ન હોય એમ કોઈ પણ પ્રતિભાવ આપ્યા વિના પોતપોતાનામાં વ્યસ્ત હતી. બે-ત્રણ મિનિટ આ બધું ચાલ્યું, પણ પછી બધું યથાવત્ થઈ ગયું. પેલી બે ગુજરાતી સ્ત્રીઓ પોતાની વાતોમાં મશગૂલ થઈ ગઈ. પરંતુ કોઈએ ઊભા થઈને કાન્તાબેનને પોતાની સીટ ઑફર ન કરી.

    કાન્તાબેનને થયું કે સમયની સાથે બધું બદલાઈ રહ્યું હતું. આ શહેર, શહેરના માણસો, જગ્યાઓ બધું જ. કોઈ કારણ ન હોય, સંબંધ ન હોય, સ્વાર્થ ન હોય તો કોઈ બીજાની ભાગ્યે જ મદદ કરતું હતું. શહેર ફેલાઈ રહ્યું હતું, પણ મન સાંકડાં થઈ રહ્યું હતાં. કાન્તાબેનને થયું કે કદાચ તેમની ઉંમર થઈ ગઈ હતી એટલે તેમને આ બધું બદલાયેલું લાગતું હતું.

    બોરીવલી સ્ટેશનથી વિપુલનું ઘર બહુ દૂર નહોતું. બસનાં ત્રણ સ્ટૉપ જેટલું જ અંતર હતું. ટ્રેનમાં અડધો-પોણો કલાક ઊભા રહેવાને કારણે તેમના પગમાં દુખાવો થતો હતો તોય તેમને રિક્ષા કરવાની ઇચ્છા ન થઈ. તેઓ બસની લાઇનમાં જ ઊભાં રહ્યાં

    ‘આ લે, તારા માટે થોડીક ગોળપાપડી લેતી આવી છું.’ વિપુલના ઘરના સોફા પર બેસતાં કાન્તાબેને કપડાની થેલીમાંથી ડબ્બો કાઢી ટિપોય પર મૂક્યો.

    ‘વૉટ ઇઝ ગોળપાપડી દાદી...’ પાંચ વર્ષના અર્જુને પૂછ્યું અને પછી અચાનક યાદ આવ્યું હોય એમ ડબ્બો ખોલતાં બોલ્યો, ‘ઓહ, ધૅટ ચૉકલેટ લાઇક થિંગ... આઈ લવ ઇટ દાદી... મૉમ, તું કેમ નથી બનાવતી?’

    સાસુ પાસે દીકરાએ આબરૂ કાઢી એટલે મનીષાએ ડોળા કાઢ્યા.

    ‘ટુ મચ સ્વીટ્સ ઇઝ નૉટ ગુડ ફૉર યુ.’

    કાન્તાબેન તેમના જમાનામાં એસએસસી સુધી ભણ્યાં હતાં એટલે આટલું અંગ્રેજી તો સમજી જ લેતાં હતાં અને થોડુંઘણું વાંચી પણ લેતાં હતાં. અલબત્ત, તેમની ગુજરાતી બોલીમાં હજી દેશી લહેકો અને તળપદી શબ્દો આવી જતા હતા એ જુદી વાત હતી.

    ‘ગોળપાપડીમાં વળી શું બૅડ હોય? ગોળ, ઘી અને ઘઉંનો લોટ. આ મેંદાનાં સાપોલિયાં ખાય છે એના કરતાં તો સારું જ હોં કે મનીષા.’ અર્જુનના હાથમાંના નૂડલ્સના વાટકા તરફ ઇશારો કરતાં કાન્તાબેન બોલ્યાં.

    તેમની નજર આખા ઓરડા પર ફરી વળી. ડ્રૉઇંગરૂમમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું. ફરસ પર કચરો હતો. ટિપોય પર ચાનાં ચકરડાં હતાં.

    ‘એક્ચ્યુઅલી આજે બાઈ નથી આવી અને મને પણ જરા ઠીક નહોતું લાગતું એટલે...’ સાસુની નજર પારખી ગયેલી મનીષાએ પૂછ્યા વિના જ બચાવનામું આપી દીધું.

    ‘તે લાવ એમાં શું? હું કરી દઉં...’ કહીને કાન્તાબેને પલકવારમાં ચીજવસ્તુઓ ગોઠવી અને ઝાપટઝૂપટ કરીને ઝાડુ કાઢી નાખ્યું.

    મનીષા ‘રહેવા દો, રહેવા દો’ એમ કહેતી રહી, પણ કાન્તાબેને તો તેનું ઘર ચોખ્ખુંચણક કરી નાખ્યું અને નાસ્તામાં દૂધીનાં મૂઠિયાં પણ બનાવી નાખ્યાં.

    ડૉક્ટર પાસે થઈને મનીષાએ તેમને સ્ટેશન પાસે ઉતાર્યા ત્યારે જમીને જવાનો આગ્રહ કર્યો, પરંતુ કાન્તાબેન પાસે એક જ જવાબ હતો, ‘એ ભૂખ્યા મારી રાહ જાતા બેઠા હશે. ઘરે પહોંચીને સાથે જમીશું. હું સાંજ માટે બધું રાંધીને ફ્રિજમાં મૂકીને આવી છું, ગરમ કરીને ખાઈ લઈશું. અહીં જમી લઉં તો રાંધેલું બધું ફેંકી દેવું પડે. એવો નકામો બગાડ શું કામ કરવો.’

    કાન્તાબેન ચર્ચગેટ સ્ટેશન પર ઊતર્યા ત્યારે તો સામે જાણે માનવમહેરામણ ઊભરાયો હતો. માનવોના સમુદ્રમાંથી ધીમે-ધીમે રસ્તો કરતાં કાન્તાબેન પોતાના એ રોડ પરના મહાવીર સદન સુધી પહોંચ્યા ત્યારે તેમને લાગ્યું કે તેઓ ખરેખર થાકી ગયાં હતાં.

    આજે તો એમને કહેવું જ પડશે કે પગે તેલ ચોળી આપો. નવીનચંદ્ર તેમના પગે માલિશ કરી આપે એ કંઈ આજે પહેલવહેલી વારનું નહોતું. સંધિવાનો રોગ થયા પછી ઘણી વાર તેમના પગમાં કળતર થતી હોય ત્યારે નવીનચંદ્ર તેમને માલિશ કરી આપતા. જાકે નવીનચંદ્ર તેમના પગને માલિશ કરે એ કાન્તાબેનને નહોતું રુચતું.

    અલબત્ત, નવીનચંદ્રને પોતાને એે કંઈ ન કરવાનું કે શરમજનક કામ કરી રહ્યા હોય એવું ક્યારેય લાગતું નહીં એનીયે કાન્તાબેનને જાણ હતી. તેમ છતાં નવીનચંદ્ર પોતાના પગ દબાવે એની કાન્તાબેનને આદત પડી નહોતી.

    તેમને થયું કે ખરેખર તેઓ કેટલાં નસીબદાર હતાં કે તેમને ચંદ્ર જેવા પતિ મળ્યા હતા. એમને લીધે જ તો ગમે એટલી મુશ્કેલીઓમાંય ને હવે બાળકો પોતપોતાના સંસારમાં મગ્ન થઈ ગયાં હતાં ત્યારે જીવન આકરું નહોતું લાગતું. ઊલટું તેમના સથવારે દિવસો નિરાંતે અને આરામથી વીતી રહ્યા હતા.

    તેમના બેઉ દીકરાઓ જુદા રહેવા ચાલ્યા ગયા હતા એ માટે મોટા ભાગના લોકો કાન્તાબેનનો જ વાંક ગણતા હતા. કાન્તાબેન એ વાતથી વાકેફ હતાં, પરંતુ તેમના મોં પર કોઈએ એવું બોલવાની હિંમત નહોતી કરી. નહીં તો તેમણે રોકડું પરખાવી દીધું હોત કે વહુ-દીકરાઓ સાથે બાંધછોડ કરવા તેઓ તૈયાર હતાં, પણ તેમના પોતાના જ ઘરમાં કોઈના ઓશિયાળા થઈને રહે એ કમસે કમ તેમને તો મંજૂર નહોતું જ.

    દીપક એમબીએ થઈને મોટી કંપનીમાં જાડાયો પછી તેના તેવર જ બદલાઈ ગયા હતા. તેના દોસ્તો મોડી રાત સુધી ઘરમાં આવતા. ખાણીપીણી ને જોર-જોરથી મ્યુઝિક ચાલતું. નવીનચંદ્રને સહેજ પણ અવાજ થતો હોય તો ઊંઘ નહોતી આવતી એટલે તેમણે એક વાર દીપકને ફક્ત એટલું જ કહ્યું કે તમારે જે કરવું હોય એ બહાર કરો, ઘરમાં નહીં. એમાં તો તેને એટલું માઠું લાગી ગયું કે બીજા જ મહિને તે વરસોવામાં ભાડેથી ઘર લઈને રહેવા ચાલ્યો ગયો. પેટના જણ્યાને આટલું કહેવાનો પણ માવતરને અધિકાર નહીં.

    દીપકે છૂટા થવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે ચંદ્ર કેટલા ભાંગી પડ્યા હતા એ હજી કાન્તાબેનને બરાબર યાદ હતું.

    ‘એમાં રડવાનું શું? પંખીને પાંખો આવે એટલે એ માળામાંથી ઊડી જ જવાનું. તેની દુનિયા તે વસાવતો હોય એમાં તો રાજી થવાનું હોય. આપણા આશીર્વાદ તેની સાથે જ છેને!’ કાન્તાબેને મક્કમતા દાખવી હતી, પણ તેમનું હૈયુંય વલોવાઈ ગયું હતું.

    દીપક છૂટો થયો એના બે મહિનામાં તેનો એક્સિડન્ટ થયો હતો અને છ મહિનાનો ખાટલો થયો હતો ત્યારે કાન્તાબેન દરરોજ સવારે ઘરનાં કામકાજ પતાવી વરસોવા સુધી લાંબાં થતાં અને તે હૉસ્પિટલમાંથી પાછો આવ્યો ત્યાં સુધી જ નહીં, ચાલતો-ફરતો થયો ત્યાં સુધી આવતાં-જતાં રહ્યાં

    બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પોતાનાં બાળકોને રમવા લઈ આવેલી મમ્મીઓને જાઈને કાન્તાબેનને અનાયાસ પોતાનો ભૂતકાળ સાંભરી આવ્યો.

    ફ્લૅટના દરવાજા પાસે આવીને તેમણે બેલ વગાડી. બે-ત્રણ મિનિટ વીતી ગઈ તોય દરવાજા ઊઘડ્યો નહીં એટલે તેમણે બારણાના આગળિયા પર હાથ ફેરવી જાયો.

    ‘કેટલી વાર કહ્યું છે કે અંધારું થાય એ પહેલાં ઘરે આવી જતા જાઓ...’ કાન્તાબેને કેડ પર લટકાવેલો ચાવીનો ઝૂડો કાઢી કી-હૉલમાં ચાવી ભરાવી. દરવાજાને સહેજ ધક્કો મારી કાન્તાબેન અંદર પ્રવેશ્યાં.

    ‘ચંદ્ર ઘરે આવ્યા નથી તો દરવાજાનો આગળિયો કેમ ખુલ્લો છે?’ કાન્તાબેનના મગજમાં વિચાર દોડી ગયો.

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED