તમારા વિના - 4 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમારા વિના - 4

કાન્તાબેન સામેના ફ્લૅટના બારણા પાસે આવ્યાં. ડૉરબેલ પર આંગળી દબાવતાં પહેલાં તેઓ સહેજ અટક્યાં. વીણાભાભી હોત તો કદાચ તેઓ દોડીને તેમની પાસે ગયાં હોત. વીણાભાભી જો અહીંથી ગોરેગામ રહેવા ચાલ્યાં ન ગયાં હોત તો કદાચ આ બન્યું જ ન હોત.

અગાઉ આ ફ્લૅટમાં દેસાઈભાઈ રહેતા હતા. અરવિંદભાઈ દેસાઈને ગુજરી ગયાને પંદરેક વર્ષ થઈ ગયાં હતાં, પણ તેમનાં પત્ની વીણાભાભી અને તેમના ચાર દીકરા ઓ ૨૭ નંબરના આ ફ્લૅટમાં રહેતાં હતાં. વીણાભાભી પાડોશી કરતાંય ઘરના સભ્ય જેવાં વધુ હતાં.

ચારેય દીકરાઓનાં લગ્ન થયા પછી આ ફ્લૅટ તેમને નાનો પડતો હતો. મહાવીર સદનનો ચર્ચગેટ ખાતેનો ફ્લૅટ વેચી તે ઓ ગોરેગામ રહેવા ચાલ્યાં ગયાં હતાં. વીણાભાભીએ ચારેય દીકરા ઓને અલગ-અલગ ફ્લૅટ લઈ આપ્યા હતા અને તેઓ પોતે અમદાવાદ પોતાની નાની અપરિણીત બહેન સાથે રહેવા ચાલ્યાં ગયાં હતાં.

દેસાઈ પરિવાર આ ફ્લૅટમાં રહેતો હતો ત્યારે મોટા ભાગે ફ્લૅટનો દરવાજા ખુલ્લો જ રહેતો. વધુમાં વધુ જાળી બંધ કરી હોય જેની કડી બહારથી હાથ નાખીને પણ ખોલી શકાતી. પરસ્પર એકબીજાને ત્યાં અવરજવર ચાલુ રહેતી. એમાંય જા કાન્તાબેન ઘરે ન હોય તો વીણાભાભી ત્રણ-ચાર વખત આંટો મારી જતાં.

પરંતુ હવે એે ફલૅટની બહાર મોટા સોનેરી અક્ષરે ‘અરોરાઝ’ લખ્યું હતું. લાકડાના દરવાજા પર એલ્યુમિનિયમના સળિયાવાળી જાળીને બદલે ફૅન્સી સિક્યોરિટી ડૉર આવી ગયો હતો.

વિશ્વજિત અરોરા યુવાન કાબેલ અને સફળ બિઝનેસમૅન હતા. તેઓ ખૂબ જ બિઝી રહેતા. સિંગાપોર, કૅનેડા, દુબઈ, સિડની એવી રીતે ઊડાઊડ કરતા કે જાણે લોકલ ટ્રેનમાં મલાડ, કાંદિવલી કે મુલુંડ, ઘાટકોપર જતા હોય. તેમની પત્ની કિરણ નાનકડા સાહિલને આયા અને નોકરોના ભરોસે મૂકીને મોટા ભાગનો સમય તેના દોસ્તો, પાર્ટીઓ અને શૉપિંગમાં વ્યસ્ત રહેતી. અરોરાને જો આ ગુજરાતી ડોસા-ડોસી લિફ્ટમાં મળી જાય ત્યારે સ્મિત આપવા કે બે-ચાર ઔપચારિક શબ્દોની આપ-લે કરવા સિવાય તેમના વચ્ચે વિશેષ વ્યવહાર નહોતો.

શરૂઆતમાં એકાદ વખત કાન્તાબેને તેમની સાથે પરિચય કેળવવાનો પ્રયાસ કર્યો હતો. તે લોકો રહેવા આવ્યા ત્યારે તેઓ સામે ચાલીને મળવા ગયાં હતાં.

‘નવા-નવા આવ્યા છો તો કોઈ વસ્તુની જરૂર પડે કે કંઈ જાઈતું-કરતું હોય તો લઈ જજો.’

‘નો-નો... અમે બધું ફર્નિચર, ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને ફ્રિજ-ટીવીથી માંડીને બધું જ નવું લીધું છે. મેં તો ઇન્ટીરિયર ડિઝાઇનરને કહી દીધું હતું કે હું તો નવા ઘરમાં ફક્ત પહેરેલાં કપડે જ દાખલ થઈશ. બાકી એવરીથિંગ ઇઝ યૉર રિસ્પૉન્સિબિલિટી. મેં તો વૉર્ડરોબ એટલે કે કપડાં પણ બધાં નવાં જ કરાવ્યાં છે.’ મિસિસ અરોરાએ પંજાબીઓની મીઠી જબાનમાં કહ્નાં હતું તોય કાન્તાબેનને એ ખૂંચ્યું હતું. તેમને સમજાઈ ગયું હતું કે તેમના જેવા બુઢ્ઢાઓ સાથે સંબંધ રાખવામાં કિરણ અરોરાને બિલકુલ રસ નથી.

ત્યાર પછી તેમણે ૨૭ નંબરના એ ફ્લૅટ તરફ જવાનું બંધ કરી દીધું હતું, પણ એક રાતે તેમના ફ્લૅટમાંથી તેમના દીકરા સાહિલના જોર-જોરથી રડવાનો અવાજ આવતો હતો ત્યારે નવીનચંદ્રે તેમને આગ્રહપૂર્વક મોકલ્યાં હતાં.

‘કાન્તા, જરા જઈને જો તો ખરી કે છોકરો આટલો બધો કેમ રડે છે? નોકર-આયાને શું ખબર પડે?’

‘હમણાં થોડી વાર પહેલાં જ કચરાનો ડબ્બો બહાર મૂકવા ગઈ હતી ત્યારે મેં બેય વર-વહુને ઘરમાં દાખલ થતાં જાયાં હતાં. બન્ને ઘરમાં જ છે. કરશે જેમ ઠીક લાગે એમ. તમે ઊંઘી જાઓને.’ કાન્તાબેનનો અનુભવ તેમને કહી રહ્યો હતો કે તેમની દખલગીરી કમસે કમ મિસિસ અરોરાને તો પસંદ નહીં જ પડે.

‘કાન્તા, તું બહુ જિદ્દી છે. એ બેઉ હજી નાનાં છે. તેમનું પહેલું છોકરું છે. તેમને હજી સમજ ન પડે. ને આપણે તેમને મદદ કરવા ગયા તો આપણું શું લૂંટાઈ જવાનું છે? પહેલો સગો પાડોશી એ ભૂલી ગઈ?’ નવીનચંદ્રે કહ્યું એટલે નાછૂટકે કાન્તાબેન ઊભાં થઈને ગયાં.

તેમણે ધાર્યું હતું એમ જ થયું. મિસિસ અરોરાએ બારણું ઉઘાડ્યા વિના દરવાજાની ગ્રિલમાંથી જ બનાવટી નમ્રતા દેખાડતાં ગળચટ્ટા શબ્દોમાં કહી દીધું-

‘ ઓહ નો આન્ટી, તમે આટલી મોડી રાતે શું કામ તકલીફ લીધી. અમે ડૉક્ટરને બોલાવ્યા છે, આવતા જ હશે. જરૂર હશે તો તમને કહીશ. થૅન્ક યુ. તમે કેટલાં હેલ્પફુલ છો...’

એે દિવસ પછી પહેલી વાર કાન્તાબેને અરોરાના ઘરની બેલ વગાડી. નોકરે દરવાજા ખોલ્યો અને લોહીથી ખરડાયેલાં કાન્તાબેનને જાઈને તે હેબતાઈ ગયો. વળતે પગલે તે અંદર દોડ્યો અને સોફા પર બેઠેલી મિસિસ અરોરા પાસે જઈને ‘ખૂન... બાજુવાલાં માજી... ખૂન...’ એવું બધું અસ્પષ્ટ બબડવા માંડ્યો.

મિસિસ અરોરા ઊભી થઈને બારણા પાસે આવી અને કાન્તાબેનને જાઈને એક મિનિટ માટે હબકી ગઈ. પછી પૂછ્યું, ‘ક્યા હુઆ આન્ટી? યે સબ ખૂન...’

‘અંકલ કો કિસીને માર ડાલા...’ કાન્તાબેનના મોંમાંથી માંડ શબ્દો નીકળ્યા.

‘ઓ માય ગૉડ... યુ મીન મર્ડર?’

કિરણના પ્રશ્નના જવાબમાં કાન્તાબેને ફક્ત માથું ધુણાવ્યું.

‘ ઓ શિટ્... કબ... કૈસે... કિસને... ક્યોî?’ કિરણે એકસાથે પૂછી નાખ્યું, પણ કાન્તાબેન પાસે તેના એકપણ સવાલનો જવાબ નહોતો.

‘આપ... આપ અંદર આઇએ... બૈઠિએ... પાની... છોટુ... આન્ટી કે લિએ પાની લા ઓ.’ મિસિસ અરોરાએ કાન્તાબેનને સોફા પર બેસાડ્યાં.

પોતે બહાર ગયાં હતાં અને આવ્યાં ત્યારે શું થયું એ બધી વિગતો તેમણે મિસિસ અરોરાને ટૂંકમાં જણાવી. કિરણે તરત કોર્ડલેસ ફોન પરથી નંબર ડાયલ કર્યો. તેની વાત પરથી કાન્તાબેનને સમજાઈ ગયું કે તે તેના પતિ મિસ્ટર અરોરા સાથે વાત કરી રહી હતી. અલબત્ત, પતિ-પત્ની વચ્ચે શું વાત થઈ એે તેમને સમજાયું નહીં.

મિસ્ટર અરોરાનો ફોન પૂરો કર્યા પછી કિરણે બીજા એક-બે ફોન કર્યા. ફોન પર વાત કરતાં-કરતાં એક ચબરખી લઈને એના પર તેણે એક નંબર લખ્યો. ફોન પતાવી તે કાન્તાબેન પાસે આવીને બેઠી. કાન્તાબેનનાં કપડાં કે શરીર પરના લોહીના ડાઘ પોતાને ન લાગે એની તકદારી તે લઈ રહી હતી એ કાન્તાબેનને સમજાયું.

‘દેખો આન્ટી, મૈં આપકી હાલત સમઝ સકતી હૂં; પર ક્યા હૈ ના મિસ્ટર અરોરા તો અભી યહાં હૈ નહીં. વો સિંગાપોર ગયે હૈં. મૈં યહાં અકેલી હૂં. મૈંને ઉનસે બાત કી. મુઝે તો આપકે સાથ આને મેં કોઈ પ્રૉબ્લેમ નહીં, લેકિન ઉન્હોને મુઝે સાફ મના કિયા હૈ... ક્યા હૈ ના ઇસ મેં તો પુલીસકેસ... આપ સમઝતી હૈં ના? ઔર ફિર પુલીસ બિના વજહ...’ કાન્તાબેન સમજી ગયાં. વિના કારણ તે પોલીસના લફરામાં પડવા નહોતી માગતી.

‘યે કુલાબા પોલીસસ્ટેશન કા નંબર હૈ. વહાં પર ઇન્સ્પેક્ટર સાહની હૈ. મિસ્ટર અરોરા કો પેહચાનતે હૈ. આપ ઉનસે ફોન પર બાત કર લો. ઉનસે કહના આપ હમારી નેબર હૈં....’ કાન્તાબેને ચૂપચાપ નંબર લખેલી ચબરખી લીધી અને ઊભાં થઈ ગયાં.

‘આન્ટી, ઔર કુછ ભી કામ હો તો બોલના...’ કાન્તાબેન અરોરાના ફ્લૅટમાંથી બહાર નીકળતાં હતાં એ વખતે તેમના કાને કિરણના શબ્દો પડ્યા. કંઈ જ બોલ્યા વિના કાન્તાબેન દરવાજાની બહાર નીકળી ગયાં.

કાન્તાબેન પૅસેજ વટાવી પોતાના ઘર સુધી પહોંચે એ પહેલાં જ અરોરાના ઘરમાંથી ટીવી ઑન થવાનો અને એમાંથી આવતા કોઈ અંગ્રેજી સંગીતનો ઘોîઘાટિયો અવાજ પૅસેજમાં રેલાઈ આવ્યો.