તમારા વિના - 9 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમારા વિના - 9

તમારા વિના

ચેપ્ટર - 9

કાન્તાબેનને હસમુખભાઈ સાથે ઘણી વાતો કરવી હતી. ચંદ્રના જવાથી તેમના પોતાના પછી સૌથી વધુ ખોટ જા કોઈને પડી હોય તો તે હસમુખભાઈ હતા એ વાતનો કાન્તાબેનને પૂરેપૂરો અહેસાસ હતો. હસમુખભાઈને કદાચ સૌથી વધુ આઘાત એ વાતનો પણ લાગ્યો હતો કે આ દુર્ઘટના બની ત્યારે તે તો છેક ન્યુ જર્સીમાં હતા અને તેમના જિગરી દોસ્તનાં અંતિમ દર્શન પણ તે ન પામી શક્યા. આ વસવસા સાથે તેમણે આજીવન જીવવાનું હતું. હસમુખભાઈના મનની સ્થિતિ કાન્તાબેન સમજતાં હતાં.

હસમુખભાઈ આવ્યા એ દરમિયાન કાન્તાબેનને એક ક્ષણ પણ તેમની સાથે એકલી મળી નહોતી. જમાઈ નીતિનકુમાર આવીને બેસી ગયા હતા. ગાલના એક ગલોફામાં તમાકુવાળો પાનમસાલો ભરીને બેઠેલા નીતિનકુમાર સતત બોલ-બોલ કરતા હતા.

કાન્તાબેનને નીતિનકુમાર પર ચીડ ચડતી હતી, પરંતુ ગમે તેમ તોય તેમની દીકરી શ્વેતાએ તેની સાથે લગ્ન કર્યાં હતાં અને એ સંબંધે તે ઘરના જમાઈ હતા એટલે એક હદે તેમનું માન જાળવવું પડતું હતું.

કાન્તાબેનને લાગતું હતું કે નીતિનકુમારની આ ઘરના જમાઈ થવાની તો શું, આ ઘર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાની લાયકાત નહોતી. ચંદ્ર સાથેના દામ્પત્યજીવનમાં કદાચ આ મુદ્દે જ તેમની વચ્ચે ગંભીર કહી શકાય એવો એકમાત્ર ખટરાગ થયો હતો.

સૌથી નાની શ્વેતા નવીનચંદ્રની ખૂબ લાડકી હતી. આમ તો ઘરની અને બાળકોની બાબતમાં તમામ નિર્ણયો કાન્તાબેન જ લેતાં; પણ નાની-નાની બાબતોમાં નવીનચંદ્ર કાયમ શ્વેતાને છાવરતા, તેની નાની-નાની જીદ પૂરી કરતા.

શ્વેતા આઠ વર્ષર્ની હતી એ વખતની ઘટના કાન્તાબેનને બરાબર યાદ હતી. શ્વેતાને સવાર-સાંજ થાળીમાં દહીં અચૂક જાઈએ જ, પણ એ દિવસે કોઈક કારણસર ઘરમાં દહીં નહોતું. થાળીમાં દહીં નહોતું એટલે શ્વેતાએ રડવાનું શરૂ કર્યું હતું. કાન્તાબેને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને જમાડવા મુરબ્બો, ગોળ-ઘી પણ પીરસ્યાં હતાં. તેને મનાવવાની કાન્તાબેને તમામ કોશિશ કરી હતી, પણ શ્વેતા કજિયે ચડી હતી. દહીં વિના તે કોળિયો મોંમાં મૂકવા તૈયાર નહોતી.

‘બાજુમાં વીણાભાભીને ત્યાંથી થોડુંક દહીં લઈ આવને,’ શ્વેતાને રડતી જાઈને નવીનચંદ્રથી રહેવાયું નહીં.

‘લાવવાને તો બહાર ડેરીમાંથી લઈ આવું, પણ આ આદત જ ખોટી છેને! એક દિવસ દહીં વિના ન જમી શકે?’ કાન્તાબેનનો પિત્તો ગયો હતો.

‘જવા દે, છોકરું છે.’

‘છોકરું નથી, છોકરી છે. કાલે પારકે ઘરે જશે અને આવી આદતો હશે તો તેને જ તકલીફ પડશે. જમવું હોય તો જમી લે, નહીં તો જા જઈને ઊંઘી જા. એક દિવસ ભૂખી રહીશ તો વાંધો નહીં.’ કાન્તાબેને કહી દીધું.

શ્વેતા પણ થાળી પરથી પગ પછાડીને ઊભી થઈ ગઈ હતી અને રડતાં-રડતાં ચાલી ગઈ હતી.

‘તુંય શું તેની સામે જીદ કરે છે. મોટી થશે એટલે પોતાની જાતે સમજી જશે.’ નવીનચંદ્રે મા-દીકરી વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

‘તમે તેની વકીલાત કરવી રહેવા દો.’ કાન્તાબેન મક્કમ હતાં.

‘ચાલ, આપણે નીચે આંટો મારી આવીએ,’ કહીને નવીનચંદ્ર શ્વેતાને લઈ ગયા હતા અને ઉડિપી હોટેલમાં ઈડલી-ડોસા ખવડાવી આવ્યા હતા તે વાતની કાન્તાબેનને બીજા દિવસે ખબર પડી હતી, પરંતુ શ્વેતા એ દિવસે જમ્યા વિના સૂઈ ગઈ છે એવું માનતાં કાન્તાબેન પોતે પણ ખાધા વિના જ ઊંઘી ગયાં હતાં એ વાતની જાણ ન નવીનચંદ્રને હતી કે ન તો શ્વેતાને.

નવીનચંદ્રના આ વર્તનથી કાન્તાબેન ઘણી વાર નારાજ થતાં.

‘શ્વેતા મારી જ પેટની જણી છે. તમને છે એમ મનેય તે વહાલી જ છે, પણ આટલાં બધાં લાડ સારાં નહીં.’ કાન્તાબેન ઘણી વાર ટોકતાં.

નવીનચંદ્રના લાડને કારણે કાન્તાબેને શ્વેતા સાથે કડક વલણ અપનાવવું પડતું અને તેને કારણે શ્વેતાના મનમાં કાન્તાબેન માટે એક પ્રકારનો અણગમો થઈ ગયો હતો. તેને હંમેશાં લાગતું કે તેના ભઈ તેને પ્રેમ કરે છે, પણ બા તો કાયમ વઢતી જ રહે છે. કાન્તાબેનના શિસ્તપાલનના આગ્રહ પાછળ રહેલાં પ્રેમ અને કાળજી શ્વેતા સુધી ક્યારેય પહોંચી જ ન શક્યાં.

કાન્તાબેન સતત ઇચ્છતાં હતાં કે પોતે તો સગવડ અને તકને અભાવે ભણી નહોતાં શક્યાં; પણ શ્વેતા ભણે, સારી ડિગ્રી મેળવે. એે માટે તેમણે ખૂબ ભોગ પણ આપ્યો હતો. શ્વેતા માટે ખાસ ટ્યુશન રાખ્યું હતું, પણ શ્વેતાનું મન ભણવામાં જરાય નહોતું.

શ્વેતાને તો સારાં કપડાં અને મેક-અપ, સાજ-શણગાર અને દાગીનામાં જ વધુ રસ પડતો. હિન્દી ફિલ્મો જોવી, એેનાં ગીતો ગણગણવાં અને એ ભ્રમણાઓના જગતમાં જ તે રાચતી રહેતી. બહેનપણીઓ સાથે ગપ્પાં મારવા, હરવું-ફરવું અને ટાપટિપ કરવામાં જ તેનો સમય પસાર થતો.

કાન્તાબેન કાયમ કહેતાં, ‘આ બધા માટે તો આખી જિંદગી પડી છે. ભણવા માટેનો આ જ સમય છે. અત્યારે નહીં ભણે તો જીવનભર પસ્તાવું પડશે. અમને તો મોકો ન મળ્યો, પણ તમને તો બધી સગવડ છે.’

કાન્તાબેનના તમામ પ્રયાસો છતાં શ્વેતાને એસએસસીમાં ૪૭ ટકા માર્ક જ મળ્યા હતા. દીપક અને વિપુલ પાછળ કરી હતી એેના કરતાં અનેકગણી વધુ મહેનત અને કાળજી કાન્તાબેને શ્વેતાના ભણતર માટે લીધી હતી.

‘છોકરાઓ નહીં ભણે તો મજૂરી કે હમાલી કરીને પણ કમાઈ લેશે, પણ છોકરીની જાત ભણી હશે તો જીવનમાં કામ લાગશે.’

આ બધી વાતોની શ્વેતા પર કોઈ અસર નહોતી થતી. તે તો રાહ જાઈ રહી હતી એ ચૉકલેટી હીરોની જેની સાથે તે પહાડોમાં ફરે, બગીચાઓમાં બેસીને ગીત ગાય અને દરિયાકિનારે હાથમાં હાથ ઝુલાવતા ભીની રેતીમાં પગલાં પાડે. એક એવા હીરોની જે તેની કમરની આસપાસ હાથ વીંટાળી તેને સાતમા આસમાનમાં લઈ જાય. જ્યાં કમાવાની, રાંધવાની કે દૂધ-પેપરનાં બિલ ચૂકવવાની વાત જ ન હોય. બસ, બન્ને એકબીજાની આંગળીઓમાં આંગળીઓ પરોવીને આંખોમાં તાક્યા કરે.

અને એક દિવસ શ્વેતાને એક આવો જ હીરો મળી ગયો. ગોરો, રૂપાળો, દેખાવડો, ઊંચો. લાંબા વાળ અને લેટેસ્ટ ફૅશનનાં કપડાં પહેરતો નીતિન. તેની બહેનપણી કવિતાની બહેનનો દિયર. શ્વેતાની ખાસ બહેનપણી કવિતાની બહેનની સગાઈમાં શ્વેતા અને નીતિનની પ્રથમ મુલાકાત થઈ હતી. પહેલી જ નજરમાં એ સોહામણા યુવકને શ્વેતા અસલ ફિલ્મી સ્ટાઇલમાં દિલ દઈ બેઠી હતી.

એે દિવસ પછી નીતિન રાત્રે તેના સપનામાં આવવા માંડ્યો હતો અને સવારે એસએનડીટી કૉલેજના દરવાજે. હૅન્ગિંગ ગાર્ડન, ચોપાટી, શિવાજી પાર્ક અને થિયેટરના અંધારામાં તેમની મુલાકાતો વધવા માંડી.

દીકરીમાં આવેલા ફેરફાર કાન્તાબેનની નજર બહાર ન રહ્યાં.

‘કહું છું ચંદ્ર, સાંભળો છો?’

‘હં...’

‘વીણાભાભી કહેતાં હતાં કે તેમના દીકરા રાજુએ શ્વેતાને કાલે ફિલ્મમાં કોઈ છોકરા સાથે જાઈ હતી.’

‘એમ?’ નવીનચંદ્રે સાવ સહજતાથી કહ્યું.

‘મેં શ્વેતાને પૂછ્યું તો કહે કે મારી બહેનપણીનો ભાઈ હતો.’

‘હા, તો ગયાં હશે સાથે પિક્ચર જોવા...’

‘ચંદ્ર, મને શ્વેતાના રંગઢંગ બદલાયેલા લાગે છે...’

નવીનચંદ્રે કાન્તાબેનની વાત પર બહુ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ થોડા દિવસ પછી હસમુખભાઈએ શિવાજી પાર્કના દરિયે શ્વેતાને કોઈ છોકરાના ખભે માથું ઢાળીને બેઠેલી જાઈ હતી.

‘ક્યાં ગઈ હતી તું?’ શ્વેતાની રાહ જાઈને બેઠેલાં કાન્તાબેને કડક સ્વરમાં પૂછ્યું હતું.

‘કવિતાના ઘરે.’ શ્વેતાએ ઊડતો જવાબ આપ્યો અને અંદરની રૂમ તરફ જતી રહી.

‘કવિતા શિવાજી પાર્કના દરિયાકિનારે રહે છે એની મને તો આજે જ ખબર પડી.’ કાન્તાબેનનો અવાજ ગુસ્સાથી ધ્રૂજતો હતો.

‘હું તો ભુલેશ્વર કવિતાના ઘરે ગઈ હતી.’

કાન્તાબેને જીવનમાં પહેલી વાર પોતાના સંતાન પર હાથ ઉપાડ્યો અને જારથી એક તમાચો શ્વેતાના ગાલ પર માર્યો.

‘સાચું બોલ, કોણ છે એ છોકરો...’

‘હા-હા, હું તેના પ્રેમમાં છું. બોલ, શું કરી લઈશ તું? મારી નાખીશ મને. મારી નાખ.’ શ્વેતાની આંખમાં પાણી તગતગી ગયાં હતાં.

શ્વેતાનો જવાબ સાંભળીને કાન્તાબેન હચમચી ગયાં હતાં.

‘કોણ છે એ છોકરો?’

‘તને નહીં કહું. ભઈ સાથે વાત કરીશ.’ શ્વેતાએ બળવો પોકાર્યો.

સાંજે નવીનચંદ્ર ઘરે આવ્યા પછી શ્વેતાએ પોતાના મનની વાત નવીનચંદ્રને કરી. બીજે દિવસે નીતિન મળવા આવ્યો હતો. કાન્તાબેને તો તેને જાતાંવેંત જ નાપાસ કરી દીધો હતો. કાન્તાબેને પૂછપરછ કરી હતી. નીતિન એસએસસી સુધી જ ભણીને ઊઠી ગયો હતો. તેના પિતા મૂળજી જેઠા માર્કેટમાં એક કાપડના વેપારીને ત્યાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા અને નીતિન પોતે તેના મામાની સાથે કામ કરતો હોવાનો દાવો કરતો હતો. તેના મામા બિલ્ડર હતા. નીતિનના જવાબ પરથી કાન્તાબેનને સમજાઈ ગયું હતું કે ન તો તેના કામનાં કોઈ ઠેકાણાં હતાં, ન આવકનાં. નીતિન તેમને માત્ર એક છેલબટાઉ રૂપાળા છોકરાથી વિશેષ કશુંય નહોતો લાગ્યો. આ છોકરામાં પોતાનાં બૈરી-છોકરાંનું તો શું, પોતાનુંય પેટ ભરી શકે એટલી ક્ષમતા નથી એવા નિષ્કર્ષ પર કાન્તાબેન તરત જ પહોંચી ગયાં હતાં.

‘આ છોકરા સાથે તારાં લગ્ન કોઈ કાળે નહીં થાય.’ કાન્તાબેને એ રાતે જ ચુકાદો આપી દીધો હતો. ત્યાર પછી તો ઘરમાં ઘણી રોકકળ અને ક્લેશ થયાં હતાં. શ્વેતા કોઈ રીતે માનવા તૈયાર નહોતી. તેની જીદ હતી કે લગ્ન કરીશ તો નીતિન સાથે જ અને કાન્તાબેનનું કહેવું હતું કે તને કૂવામાં ધકેલી દઈશ, પણ એ નમાલા છોકરા સાથે તો નહીં જ પરણાવું.

‘કાન્તા, મને લાગે છે કે બહુ ખેંચવા જેવું નથી. શ્વેતા નથી જ માનતી તો...’

‘ચંદ્ર, તમે આમાં પણ તેનો પક્ષ લો છો?’ કાન્તાબેનને માઠું લાગ્યું હતું કે ચંદ્ર પણ તેની વાત નહોતા સમજતા.

‘તારી વાત સાચી છે કાન્તા, પણ છોકરી ભાગી જાય એેના કરતાં આપણા હાથે જ પરણાવી દઈએ એ વધુ સારું.’

‘એ નહીં બને. મારાથી તો નહીં જ બને.’

નવીનચંદ્રે પત્નીને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા, દલીલો કરી; પણ કાન્તાબેનનો નિર્ણય અફર હતો. જીવનમાં પહેલી વાર નવીનચંદ્રે કાન્તાબેનની ઉપરવટ જઈને નિર્ણય લીધો. તેમણે શ્વેતાની જીદ સામે નમતું જાખ્યું અને નીતિન સાથે પરણાવવાની તૈયારી બતાવી.

નાછૂટકે કાન્તાબેને દીકરીનાં લગ્નની તૈયારી કરી, પણ પોતે તો લગ્નમાં ન જ ગયાં. શ્વેતાનું કન્યાદાન નવીનચંદ્રે એકલા કર્યું. સમાજમાં, સગાંસંબંધીઓમાં અને ઓળખીતા-પાળખીતા ઓમાં કાન્તાબેનની ટીકા થઈ. તેમને પથ્થર હૃદયના; અરે, આ તો મા છે કે કોણ એવાં જાતભાતનાં વેણ સાંભળવાં પડ્યાં; પણ કાન્તાબેનની એક જ વાત હતી કે આ લગ્નમાં મારી સમંતિ નથી, નથી અને નથી જ.