તમારા વિના
ચેપ્ટર - 10
નવીનચંદ્રના મૃત્યુને બે અઠવાડિયાં વીતી ગયાં હતાં. તેમનાં અસ્થિના વિસર્જન માટે દીપક અને વિપુલ નાશિક જવાની વાતચીત કરતા હતા; પણ કાન્તાબેને જ કહી દીધું હતું કે ત્યાં સુધી જવાની જરૂર નથી, અહીં બાણગંગા પર જ વિધિ કરી નાખો. તેરમાના જમણ માટે પણ તેમણે ઘસીને ના પાડી દીધી હતી.
‘મને તો આ બરાબર નથી લાગતું. સમાજમાં તો તમારું જ ખરાબ લાગેને દીપકભાઈ? લોકો કહેશે કે બાપની પાછળ આટલું પણ નથી થતું દીકરાઓથી!’ નીતિનકુમારે મમરો મૂક્યો. કાન્તાબેનને આ જરાય ન ગમ્યું.
‘જા બા, અમને ખર્ચો કરવામાં જરાય વાંધો નથી. પછી તને એવું ન લાગવું જાઈએ કે અમે કંઈ કરવા માગતા નહોતા.’ વિપુલે બધું જ કરવાની તૈયારી બતાવી.
‘હું તો કહું છું કે વાડી જ નોંધાવી દોને! કેટરરને ઑર્ડર આપી દો.’ મનીષાએ ઘરે કોઈ કડાકૂટ ન થાય એ માટે પહેલેથી જ કહી દીધું.
‘જે કંઈ કરવું હોય એ રવિવારે જ રાખજો એટલે બધાને આવવાનું ફાવે.’ દીપકે કહ્યું ત્યારે કાન્તાબેનને સમજાયું કે બાકીના દિવસે વિધિ કે જમણવાર હોય તો તેને ઑફિસમાંથી રજા લેવી પડે એ માટે દીપકની ખાસ તૈયારી નહોતી.
‘મારે કંઈ કરવું નથી...’ કાન્તાબેને કહી દીધું.
‘દીપકભાઈ અને વિપુલભાઈને વાંધો નથી પછી તું શું કામ ના પાડે છે.’ શ્વેતાને કાન્તાબેનની વાત જરાય પસંદ પડી નહોતી.
‘હું આવી કોઈ વિધિ-બિધિમાં માનતી નથી...’
‘ભઈના આત્માની શાંતિ માટે...’ શ્વેતાના ગળે ડૂમો બાઝી ગયો.
‘હા, મારાં મમ્મી કહેતાં હતાં કે આવું કમોત થાય ત્યારે તો ખાસ બધી વિધિ કરાવવી જાઈએ. નહીં તો તેમનો જીવ અવગતે જાય...’ મનીષા ગંભીરતાથી બોલી.
‘તમે લોકોએ કોઈએ આત્મા જાયો છે? ભણેલા-ગણેલા થઈને આ શું વાતો કરો છો?’ કાન્તાબેનથી રહેવાયું નહીં.
‘બા, તારું તો બધી વાતમાં આવું જ છે. તું નથી માનતી, પણ ભઈ તો માનતા હતાને! અને શાસ્ત્રોમાં લખ્યું છે તે બધા લોકો આટલા વખતથી અમસ્તા જ બધું કરતા હશે?’ શ્વેતાની આંખમાં આંસુ આવી ગયાં.
‘તેં શાસ્ત્રો વાંચ્યાં છે? સગાંસંબંધીઓને અને સમાજને જમાડીને આત્માને શાંતિ મળતી હશે? જમવા ભેગા મળશે ત્યારે બધા કરશે શું? કૂથલી જને?’
‘પણ તર્પણ તો કરવું જ જાઈએને!’ નીતિનકુમાર વચ્ચે જ બોલ્યા.
‘બાની પોતાની જે ઇચ્છા હોય એમ જ કરોને!’ દીપકની પત્ની કાશ્મીરાએ પોતાનો મત વ્યક્ત કર્યો.
‘બાને તો ક્યાં કંઈ કરવું જ છે ભઈ માટે...’ શ્વેતા રડતાં-રડતાં બોલી.
શ્વેતાના શબ્દો કાન્તાબેનને હૈયાસોંસરવા વાગ્યા.
તેમને થયું કે તેમનાં પોતાનાં જ દીકરા-દીકરી અને વહુઓ, જમાઈને કદાચ ખ્યાલ પણ નથી કે ચંદ્રના જવાથી તેમણે પોતે શું ગુમાવ્યું છે. તેમની લાગણીઓ અને દુઃખ શબ્દમાં વ્યક્ત થઈ શકે એવાં જ નથી. આમાંના કોઈને તેમની પીડાનો અંદાજ નથી. ધ્રુસકે-ધ્રુસકે રડવાથી કે વિધિઓ અને જમણવાર કરીને જ તેમનો ચંદ્ર પ્રત્યેનો પ્રેમ પુરવાર થઈ શકે?
કાન્તાબેનને થયું કે નવીનચંદ્રના જીવતેજીવત પણ તેમણે ક્યારેય તેમના પ્રત્યેની લાગણીની સાબિતી આપવાની જરૂર પડી નહોતી. પ્રેમના દેખાડા કરવા પડે એટલો છીછરો તેમનો સંબંધ નહોતો. ચંદ્ર કહ્યા વિના બધું જ જાણતા, સમજતા અને અનુભવી શકતા હતા.
‘કાન્તા, તારાં લગ્ન કોઈ બીજા સાથે થયાં હોત તો?’ નવીનચંદ્રે એક વખત અચાનક જ પૂછ્યું હતું.
‘કેમ, આવું પૂછો છો?’ કાન્તાબેન ચોંકી ગયાં હતાં.
‘ના, અમસ્તા જ એવો વિચાર આવ્યો.’
‘રિટાયર થયા પછી આવા ભળતાસળતા વિચારો આવતા હશે એની તો મને ખબર જ નહીં.’ કાન્તાબેન હિંડોળે ઝૂલતાં-ઝૂલતાં ખુલ્લું હસી પડ્યાં હતાં.
‘તારા વિશે વિચારતો હતો તો થયું કે તને કોઈ સમજી જ નથી શક્યું.’
‘લાગે છે કે આજે રાતે બહુ ઊંઘ નથી આવી એટલે પાછો વિચારવાયુ થયો છે કે શું?’ કાન્તાબેન હળવાશથી બોલ્યાં.
‘તું બહુ કૂણી છે કાન્તા, પણ તારો દેખાવ સાવ જુદો જ છે.’ નવીનચંદ્ર ગંભીરતાથી બોલતા હતા, ‘તું આપણા જમાનાથી બહુ આગળ હતી એટલે કાયમ બધાએ તારા વિશે ગેરસમજ જ કરી. એમાં મારો વાંક પણ ઓછો નથી.’
‘તમે મને સમજી શક્યા છો એની મને ખબર છે, પછી બીજું કોઈ સમજે કે ન સમજે એનાથી શું ફરક પડે છે.’ કાન્તાબેનની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા એ નવીનચંદ્રની નજર બહાર ન રહ્યાં.
‘હું તને સમજી શક્યો, પણ બીજા લોકો સુધી કે આપણા છોકરાઓ સુધી પણ તારું ખરું વ્યક્તિત્વ પહોંચી ન શક્યું એમાં મારોય વાંક તો ખરોને!’ નવીનચંદ્રના અવાજમાં અપરાધભાવ હતો.
‘ચંદ્ર, તમારા સિવાય બીજા કોઈ સાથે મારાં લગ્ન થયાં હોત તો શું થયું હોત એ હું તો વિચારી પણ નથી શકતી. તમે હતા તો મને સમજી શક્યા, બીજું કોઈ હોત તો કદાચ ચોટલો ઝાલીને બહાર જ કાઢી મૂકી હોત... અને સાચું કહું તો હવે આ ઉંમરે આ બધા વિચારો કરવાનો શું અર્થ? હવે તો જીવનની સાંજ પડી ગઈ.’
તેમના દામ્પત્યજીવનની સંધ્યા ખીલી હતી. બન્ને એકબીજાને ટેકે-ટેકે ક્ષિતિજ ભણી ચાલી રહ્યાં હતાં અને ચંદ્ર અણધાર્યા પલકવારમાં અધવચ્ચે ગાયબ થઈ ગયા હતા. ‘‘આવજો’’ કહેવાનો કે હાથ હલાવી વિદાય આપવાનો સમય પણ ન મળ્યો.
મરણોત્તર વિધિઓ અને જમણવારોથી પોતાના હૃદયને શાતા મળવાની હતી? તેમની આ લાગણી શું તેમના પોતાના સ્વજનો સમજી શકે એમ હતા? તેમની લાગણીઓ માત્ર ચંદ્ર સમજતા હતા, પણ તે હયાત નહોતા એ વાસ્તવિકતા હતી.
‘તમારા ભઈના આત્માની શાંતિ માટે કંઈ કરવું જ હોય તો નાતીલાઓને જમાડવા કરતાં અનાથાશ્રમમાં છોકરાઓને જમાડી દો. એેમની આંતરડી ઠરશે તો એમના આત્માને વધુ શાંતિ મળશે.’
કાન્તાબેનના આ સૂચનને દીપકે તરત જ ઝડપી લીધું.
‘હા-હા, બાની વાત બરાબર છે. બાની ઇચ્છા હોય ત્યાં ડોનેશન આપી દઈએ... બધાને જણાવી દેવાનું કે અમે ભઈની પાછળ દાન આપી દીધું છે...’
‘હું મારા હાથે મીઠાઈ અને ફરસાણ લઈને અનાથાશ્રમમાં જઈને જમાડી આવીશ. તમારામાંથી જેમને મારી સાથે આવવું હોય તે આવજો.’ કાન્તાબેને કહી દીધું.
‘વિપુલ, આપણે અડધો ખર્ચો જ આપીશું એમ કહી દે...’ મનીષાએ પતિને ધીમા અવાજે કહ્યું.
‘બા, જે કંઈ ખર્ચો થાય એ કહી દેજે...’
‘તમારા ભઈ પાછળ જે કંઈ કરવાનું છે એ હું મારા પૈસે જ કરીશ. મારી પાસે સગવડ છે.’ કાન્તાબેને મક્કમ સ્વરે કહી દીધું.
માટુંગાના અનાથાશ્રમમાં જઈ કાન્તાબેન પોતાની દેખરેખ નીચે બાળકોને જમાડી આવ્યાં. તેમની સાથે કાશ્મીરા અને શ્વેતા તેમ જ નીતિનકુમાર આવ્યાં હતાં. દીપકને તો ઑફિસમાંથી નીકળી શકાય એમ હતું નહીં અને મનીષાએ ‘મને તો આવવાની બહુ જ ઇચ્છા હતી, પણ તબિયત જરા ઠીક નથી લાગતી’ એવું ફોન પર જણાવી દીધું હતું.
કાશ્મીરાનો કાકાનો દીકરો કેટરર હતો તેની પાસે તેણે ખાસ ગુલાબજાંબુ બનાવડાવ્યાં હતાં. નવીનચંદ્રને ગુલાબજાંબુ બહુ ભાવતાં હતાં. કાન્તાબેન અને કાશ્મીરાએ જાતે છોકરાઓને ગુલાબજાંબુ પીરસ્યાં. જમણવાર દરમિયાન શ્વેતા એક બાજુ ચૂપચાપ ઊભી રહી હતી. આમ પણ તે અનાથાશ્રમ સુધી પણ કમને જ આવી હતી. બા જાણીબૂજીને બધું ટૂંકાણમાં આટોપી લેવા માગે છે એવું શ્વેતાને લાગતું હતું. ગોર મહારાજને ઘરે બોલાવી વ્યવસ્થિત વિધિ કરવી જાઈએ એવું તે માનતી હતી. તેણે કાન્તાબેન સાથે દલીલો કરી હતી, પણ કાન્તાબેન એવાં કોઈ વિધિ-વિધાન કરવાં નથી તે અંગે મક્કમ હતાં.
શ્વેતાને તેના પતિ નીતિનકુમાર સમજાવી-પટાવીને આગ્રહપૂર્વક લઈ ન ગયા હોત તો કદાચ તે કાન્તાબેન સાથે અનાથાશ્રમમાં આવી જ ન હોત. એ આખો દિવસ શ્વેતા અકળાયેલી જ હતી.
સાંજે ઘરે પાછા ફર્યા બાદ કાન્તાબેને જમતાં-જમતાં શ્વેતાને કહ્યું, ‘હવે તારા ભઈની પાછળની બધી વિધિ પૂરી થઈ છે. તમારે તમારા ઘરે જવું હોય ત્યારે જજા...’
‘અરે, હોતું હશે બા? તમને આવડા મોટા ઘરમાં એકલાં મૂકીને અમે કેમ જઈએ? અને છોકરીઓને પણ વેકેશન છે...’ નીતિનકુમારે જ જવાબ આપ્યો.
‘તમારા ભઈ કંઈ પાછા આવવાના નથી. મારે એકલા જ જીવવાનું છે. તમે લોકો કેટલા દિવસ? એકલા રહેવાની ક્યારેક તો ટેવ પાડવી જ પડશેને?’ કાન્તાબેને શુષ્ક અવાજે કહ્યું.
‘અમે બધા છીએ પછી તમારે એકલા રહેવાની શું જરૂર છે? મેં તો શ્વેતાને કહી દીધું કે બા માટે કંઈ પણ કરવાની મારી તૈયારી છે. તેમને એકલા મૂકીને જવાનો તો વિચાર જ ન કરતી.’
‘તમારી જરૂર પડશે ત્યારે તમને બોલાવી લઈશ...’
‘તારો કહેવાનો મતલબ એમ જ છેને કે અમે જતા રહીએ. અમે તને ભારે પડીએ છીએ એમ જને?’ શ્વેતા ઉશ્કેરાઈ ગઈ.
‘તું મારી વાતનો ખોટો અર્થ કરે છે શ્વેતા. મેં તને જતા રહેવાનું નથી કહ્યું...’
‘અહીં અમે તારા માટે અડધાં-અડધાં થઈએ છીએ કે બા બિચારી એકલી પડી જશે, પણ તને તો કોઈ ગમતું જ નથીને. મને ખબર છે કે આટલાં વર્ષેય તું નીતિનને જમાઈ તરીકે સ્વીકારતી નથી...’ શ્વેતા રડવા માંડી.
‘શાંત થઈ જા, શ્વેતુ... શાંત થઈ જા... તારે બાના મનની સ્થિતિ સમજવી જાઈએ. અત્યારે તે કંઈ પણ કહે આપણે મન પર નહીં લેવાનું...’ નીતિનકુમારે શ્વેતાની પીઠ પર હાથ પસરાવવા માંડ્યો.
શ્વેતા ગુસ્સામાં ઊઠીને ચાલી ગઈ અને નીતિનકુમાર પણ તેની પાછળ-પાછળ ‘શ્વેતુ... સાંભળ મારી વાત, શ્વેતુ’ કહેતા ગયા.
કાન્તાબેન ચૂપચાપ થાળી પર બેઠાં રહ્યાં અને પછી ઊભા થઈ, હાથ ધોઈ, ઢાકોઢૂંબો કરી બેડરૂમ તરફ જતાં હતાં ત્યારે બાલ્કનીના કઠેડાને અઢેલીને ઊભેલા નીતિનકુમાર અને શ્વેતાની પીઠ પર તેમની નજર પડી. તેમની વચ્ચે ધીમા સાદે ચાલી રહેલી વાતચીતના શબ્દો સાંભળી કાન્તાબેનના પગ અટકી ગયા.
‘મેં તને કાલે જ સમજાવી હતીને શ્વેતુ. ગમે તેમ તોય આ તારા ભઈની પ્રૉપર્ટી કહેવાય. તારો પણ આના પર એટલો જ અધિકાર છે...’