તમારા વિના - 5 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમારા વિના - 5

તમારા વિના

  • ગીતા માણેક
  • (૫)

    ચર્ચગેટના તેમના ફલૅટનો હૉલ પરિચિતો અને સંબંધીઓથી ભરાવવા માંડ્યો હતો. હવે કાન્તાબેને ખાસ કંઈ કરવાનું હતું નહીં. તેમનો મોટો દીકરો દીપક, તેની પત્ની કાશ્મીરા અને નાની પુત્રવધૂ મનીષા તેમ જ દીકરી-જમાઈ શ્વેતા અને નીતિનકુમાર પણ પહોંચી ગયાં હતાં.

    જોકે તેમનાં દીકરા, વહુઓ અને દીકરી-જમાઈ કે અન્ય પરિચિતો આવે એ પહેલાં તો કોલાબા પોલીસસ્ટેશનથી ડ્યુટી ઑફિસર રાનડે અને બે હવાલદારની ટુકડી આવી પહોંચી હતી. તેમની પાછળ-પાછળ જ પોલીસ ફોટોગ્રાફર પણ આવી પહોંચ્યો હતો.

    ‘લાશ કે ફોટો લે લો. ફાટાફટ. ઔર દેખો, અલગ-અલગ એન્ગલ સે લેના. મર્ડર કેસ હૈ.’ રાનડેએ ફોટોગ્રાફરને ઑર્ડર આપ્યો. ફોટોગ્રાફરે ઝડપથી કૅમેરા ક્લિક કરવા માંડ્યો. કૅમેરાની ફ્લૅશ વારંવાર ચમકારો કરતી હતી.

    ચંદ્ર અચાનક વ્યક્તિ મટીને લાશ થઈ ગયા હતા અને લાશના ફોટા લેવાઈ રહ્યા હતા. છેલ્લે નવીનચંદ્રે ક્યારે ફોટા પડાવ્યા હતા? વિપુલનાં લગ્નમાં કદાચ તેમના ફોટા પડ્યા હતા.

    ‘માજી, ઘર મેં ઔર કૌન-કૌન રહતા હૈ? હિન્દી સમઝ મેં આતા હૈ ના?’ રાનડેએ પૂછ્યું.

    ‘અમે બન્ને જ.’ કાન્તાબેને માંડ જવાબ આપ્યો.

    ‘બચ્ચે... મેરા મતલબ બેટી-બેટા કોઈ નહીં હૈ?’

    ‘મારો એક દીકરો બોરીવલી અને બીજો વરસોવા...’

    ‘બુઢ્ઢા-બુઢ્ઢી બેઉ એકલાં જ રહેતાં હતાં? એટલે જ આવું થાય... દીકરા-વહુ સાથે ઝઘડા કરવાને બદલે એડ્જસ્ટ કરીને રહેતાં હો તો... પણ નહીં, આ લોકો માને જ નહીં.’

    રાનડે આ ઘરમાં પહેલવહેલી વાર આવતો હતો અને આ કુટુંબના કોઈ સભ્યને ઓળખતો પણ નહોતો અને તેમ છતાં તેણે ચુકાદો તોળી નાખ્યો.

    કાન્તાબેનને તેના પર ગુસ્સો આવ્યો, પણ અત્યારે એ બધી વાત કરવાનો યોગ્ય સમય નહોતો અને અત્યારે તેમનામાં એવી ક્ષમતા પણ નહોતી.

    આ બધાથી ટેવાઈ જવું પડશે, તેમણે વિચાર્યું. જેટલાં મોં એટલી વાતો થશે, પણ શું કોઈ સમજી શકશે કે તેમણે શું ગુમાવ્યું છે? માત્ર વાતો કરી-કરીને ચાલ્યા જનારા લોકોને ક્યારેય ખ્યાલ આવશે ખરો કે તેમના જીવનમાં કેવો ખાલીપો સર્જાયો છે?

    ‘તમે જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે લાશ આમ જ પડી હતી?’ રાનડેએ પૂછ્યું.

    ‘ના, મેં તેમને ઓશીકા પર સૂવડાવ્યા...’ કાન્તાબેનના ગળે ડૂમો ભરાઈ આવ્યો.

    ‘ચક્... ચક્... ચક્... માજી, આપને સબ લફડા કર દિયા ના? ઇતના ભી નહીં માલૂમ કી ખૂની કા ફિંગરિપ્રિન્ટ મિટ જાએેગા...’ રાનડેએ જારથી ડચકારો કરતાં કહ્યું.

    કાન્તાબેન તેની સામે જોઈ રહ્યાં.

    ‘તમારા દીકરાઓ હજી કેમ નથી આવ્યા?’ રાનડેએ જાણે તેઓ આવશે કે કેમ એવી શંકાથી પૂછ્યું.

    મુંબઈમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતા સમય લાગે એની આ પોલીસવાળાને ખબર નહીં હોય? કાન્તાબેનને વિચાર આવ્યો. અત્યારે તેની સાથે કોઈ પણ દલીલમાં ઊતર્યા વિના ટૂંકો જવાબ આપ્યો,

    ‘મારો નાનો દીકરો બહારગામ છે. મોટો હમણાં આવતો જ હશે.’

    રાનડે ઊભો થઈ પૅસેજમાં ગયો અને એક સિગારેટ સળગાવી.

    ‘ચ્યા આઇલા... બારા ઇથે જ વાજણાર... આણિ ઘરી પરત બોમાબોમ હોઇલ... હ્યા બુઢ્ઢાલા પણ આજ ચ મરાયચા મુહૂર્ત નિઘાલા હોતા કા? (બાર અહીં જ વાગશે. ઘરે સાલી પાછી બૂમાબૂમ થશે... આ બુઢ્ઢાને મરવા માટે સાલું આ જ મુહૂર્ત મળ્યું હતું.)’

    રાનડેનો આજે બૈરી-છોકરાં ઓને પિક્ચર જાવા લઈ જવાનો પ્રૉગ્રામ હતો, પણ અહીં જ અટવાઈ પડ્યો હતો એનાં રોદણાં રડતો હતો.

    ‘શું લાગે છે સાહેબ?’ હવાલદારે અમસ્તા જ ટાઇમપાસ કરવા માટે પૂછતો હોય એમ સવાલ કર્યો.

    ‘સિમ્પલ કેસ છે.’ રાનડે પોતે મહાન જાસૂસ હોય એવી અદાથી બોલ્યો, ‘ચોરી થઈ નથી. જૂની અદાવત અથવા ફ્લૅટ માટે આ બુઢ્ઢાને પતાવી નાખ્યો છે.’

    કાન્તાબેનના મનમાં સતત ઘૂંટાઈ રહેલા સવાલનો રાનડેએ એક જ સેકન્ડમાં જવાબ આપી દીધો. કાન્તાબેનને સમજાતું નહોતું કે ચંદ્રને કોણ અને શું કામ મારી નાખે?

    રાનડેએ આવતાંવેંત આખા ઘરમાં આંટો માર્યો હતો. કબાટ અને ચીજવસ્તુઓ ચકાસી હતી. કબાટ સહિત બધું એમનું એમ જ હતું. કાન્તાબેનને થયું કે તે બિચારાને ક્યાં ખબર હતી કે કબાટમાં ચોરવા લાયક કશું હતું જ નહીં. કદાચ હોત તો પણ ચંદ્રે સામે ચાલીને જ ચોરને બધું સોંપી દીધું હોત.

    રોજબરોજના ખર્ચ અને મહિનાનાં બિલ ચૂકવવા માટેના પૈસા કાન્તાબેન વર્ષોથી લાકડાના નાનકડા પેટી જેવા એક ડબ્બામાં જ રાખતાં હતાં. મહિનાની આખર તારીખ નજીક આવી રહી હતી ત્યારે એમાં ગણીને ચારસો અડસઠ રૂપિયા અને પચાસ પૈસાનો સિક્કો હતા. એ સિવાય કબાટના ચોરખાનામાં એક પરબીડિયામાં સો રૂપિયાની સો નોટ એમ કુલ દસ હજાર રૂપિયાનું બંડલ હતું. બેઉમાંથી કોઈ સાજુંમાંદું થાય કે ઓચિંતી પૈસાની જરૂર આવી પડે તો એ વખતે કામમાં આવે એટલા માટે એ પૈસા અલગ મૂકી રાખ્યા હતા. એ સિવાય તેમના કબાટમાં એવું હતુંય શું કે જેના માટે કોઈ નવીનચંદ્રને મારી નાખે?

    નવીનચંદ્ર કોઈ સાથે ક્યારેય ઊંચા સાદે બોલ્યા હોય એવુંય કાન્તાબેનને યાદ આવતું નહોતું. ચંદ્રને વળી કોની સાથે અને શાની દુશ્મનાવટ હોય કે કોઈ તેમનું ખૂન કરી નાખે?

    કાન્તાબેનનું મગજ સીધી લીટીએ ચાલવા તૈયાર નહોતું. તેમના પોતાના જ વિચારો ગૂંચવાઈ રહ્યા હતા. નવીનચંદ્રના નિશ્ચેતન શરીર પાસે તેઓ ચૂપચાપ બેઠાં હતાં, પણ તેમના મનમાં વિચારોનાં પૂર દોડી રહ્યાં હતાં.

    અચાનક તેમને ભાન થયું કે તેમના શરીરને કોઈ હચમચાવી રહ્યું હતું.

    ‘બા, આ શું થઈ ગયું?’ મનીષા તેમને વળગીને રડી રહી હતી. દીપક અને તેની પત્ની કાશ્મીરા સામે જ બેઠાં હતાં. દીપક ચોધાર આંસુએ રડી રહ્યો હતો.

    ‘આવી ખબર હોત તો બાને બોલાવત જ નહીંને... મેં હજી હમણાં સાંજે જ તો તેમને સ્ટેશન પર ઉતાર્યા... અને આ શું થઈ ગયું...’

    કાન્તાબેન શૂન્યમનસ્ક થઈ આ બધું સાંભળી રહ્યાં હતાં. તેમને કંઈ જ સમજાતું નહોતું કે મનીષા જે બોલી રહી હતી એેનો શું અર્થ હતો.

    થોડીક મિનિટો પછી રાનડેએ ઇશારો કરીને દીપકને બોલાવ્યો. થોડીક વારમાં દીપક પાછો આવ્યો અને કાન્તાબેનની નજીક આવીને બેઠો.

    ‘બા, ભઈને પોસ્ટમૉર્ટમ માટે... ગાડી આવી ગઈ છે...’ તે કાન્તાબેનની પરવાનગી લેતો હોય એમ બોલ્યો.

    આટલાં વર્ષોના સંગાથ છતાં ચંદ્ર તેમની વિદાય લેવાય રોકાયા નહોતા તો હવે આ મૃતદેહને લઈ જવા માટે તેઓ પરવાનગી આપે કે ન આપે એનાથી શું ફરક પડવાનો હતો.

    ‘જે કરવાનું હોય એ કરો...’ કાન્તાબેન ધીમા સાદે બોલ્યાં.

    દીપકે સગાંસંબંધીઓને અને પરિચિતોને ફોન કરવા માંડ્યા. ધીમે-ધીમે લોકો ભેગા થવા માંડ્યા હતા. ઘાટકોપરથી તેમની દીકરી શ્વેતા પહોંચી ત્યારે તેના હૈયાફાટ રુદનથી આખો હૉલ ગાજી ઊઠ્યો.

    નવીનચંદ્રનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ થઈને પાછો આવે એની રાહ જાવાઈ રહી હતી. પુરુષવર્ગ મોટા ભાગે બહાર પૅસેજમાં કે નીચે કમ્પાઉન્ડમાં જ હતો. સ્ત્રી ઓ હૉલમાં જ બેઠી હતી. તેમની વચ્ચે અંદરોઅંદર ધીમા અવાજે વાતચીત ચાલી રહી હતી. વિપુલ બહારગામથી સવારે આવી જાય પછી જ અંતિમવિધિ થવાની હતી.

    ‘કાશ્મીરા...’ કાન્તાબેને અચાનક તેમની મોટી વહુને બોલાવી. કાશ્મીરા ઊભી થઈને તરત તેમની પાસે ગઈ.

    ‘મનીષાને અંદર લઈ જા. તેને કહે આરામ કરે. તેની આવી હાલતમાં બહુ વાર બેઠી ન રહે...’ કાન્તાબેને કાશ્મીરાને સૂચના આપી.

    વહેલી સવારે નવીનચંદ્રની બૉડી પોસ્ટમૉર્ટમ થઈ પાછી આવી ત્યારે ફરી રડારોળ થઈ ગઈ. બધી તૈયારી થઈ ચૂકી હતી. ફક્ત વિપુલના આવવાની રાહ જાવાઈ રહી હતી. લગભગ અડધો કલાકમાં જ તે પહોંચવાનો હતો.

    એ જ વખતે મિસિસ અરોરા દાખલ થઈ. ટીવી પર આવતી વૉશિંગ પાઉડરની જાહેરખબરની મૉડલની જેમ તેણે સફેદ દૂધ જેવાં સ્ટાર્ચ કરેલાં સલવાર-કમીઝ પહેર્યાં હતાં અને માથા પર સફેદ રંગનો બાદલા ભરેલો સિફોનનો દુપટ્ટો ઓઢ્યો હતો. તેની ડોકમાં અને કાનમાં પહેરેલા કાપમાં હીરા ઝગારા મારતા હતા.

    તે બધાની વચ્ચેથી રસ્તો કરતી બરાબર કાન્તાબેનની બાજુમાં આવીને બેઠી અને તેમનો ખભો દબાવી વિધિસર સાંત્વન આપી ગઈ. આખી ઘટનાની પોતે કેવી સાક્ષી બની હતી અને તેણે જ કાન્તાબેનને કોલાબા પોલીસસ્ટેશનનો નંબર આપ્યો હતો તે વિશેની રજેરજ અને સવિસ્તર માહિતી ત્યાં બેઠેલી મહિલાઓને તેણે આપી. આ બધું તેણે રસિક શ્રોતાજનોને એવી રીતે કહ્યું જાણે તેણે મદદ ન આપી હોત તો ગજબ થઈ ગઈ હોત.

    વિપુલના આવી ગયા પછી અંતિમક્રિયાની વિધિ થઈ. કાન્તાબેન ચૂપચાપ એમાં સામેલ થતાં રહ્યાં.

    નવીનચંદ્રના મૃતદેહને પગે લાગતી વખતે વિપુલ છેક ભાંગી પડ્યો. કાન્તાબેનની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી, પણ તેમણે ન તો ઠૂઠવો મૂક્યો કે ન પોતાના દુઃખનો દેખાડો કર્યો.

    નવીનચંદ્રને બિલ્ડિંગના કમ્પાઉન્ડ સુધી વળાવી પાછાં ફરી રહેલાં કાન્તાબેનના કાને શબ્દ પડ્યા, ‘કાન્તાબેનનું કહેવું પડે... બહુ કઠણ હૃદયના...’

    પોતે કેટલાં નિષ્ઠુર અને જડ છે કે સગો ધણી મરી ગયો છતાં આટલાં સ્વસ્થ છે એવું એ શબ્દોમાં અભિપ્રેત હતું. કાન્તાબેન એ ભાવ પામી ગયાં.

    બે દિવસ પછી પ્રાર્થનાસભા પણ થઈ ગઈ. ઘણા વખતે આખો પરિવાર- બન્ને દીકરાઓ, વહુઓ, પૌત્ર, દીકરી-જમાઈ અને તેમની ટ્વિન દીકરીઓ વિધિ-નિધિ બધાં જ રોકાયાં હતાં. ફક્ત નવીનચંદ્રની ગેરહાજરી હતી.

    ઘરમાં બધું ધીમે-ધીમે થાળે પડી રહ્નાં હતું. કાન્તાબેન તેમના રોજિંદા ક્રમ મુજબ રાતે દસ વાગ્યે પોતાના બેડરૂમમાં જતાં અને ડબલબેડની એક ખાલી પથારીની બાજુમાં લંબાવતાં. ઘર આખું ભર્યુઁ હોવા છતાં તેમને આ ઓરડો ભેંકાર લાગતો હતો.

    હૉલમાંથી મોડી રાત સુધી વાતચીતના અને હસવા-બોલવાના અવાજ આવતા રહેતા.

    છોકરાઓ હસે-બોલે એની સામે કાન્તાબેનને કોઈ ફરિયાદ નહોતી. આમ પણ તે ઓ બધા પોતાના સંસારમાં ગોઠવાઈ ચૂક્યા હતા. નવીનચંદ્રની હાજરી કે ગેરહાજરીથી તેમને ખાસ ફરક નહોતો પડતો.

    નવીનચંદ્રની હત્યા કોણે અને શું કામ કરી હશે એની અટકળો અને ચર્ચા થયા કરતી, પણ કાન્તાબેન પ્રવેશે એટલે વાત બદલી નાખવામાં આવતી.

    ‘બા, એક્ચ્યુઅલી તો અમે અહીં રોકાત; પણ અર્જુને કરાટે ક્લાસમાં ફી ભરી દીધી છે. તેના ક્લાસમાં નકામા ખાડા પડેને... એટલે આમ તો વાંધો નહીં, પણ જુઓને તે પણ જીદ લઈને બેઠો છે...’ મનીષાએ પ્રાર્થનાસભાના ચોથા દિવસે વાત માંડી.

    ‘કંઈ વાંધો નહીં... જાઓ તમતમારે...’ કાન્તાબેને ભાવવિહીન સ્વરમાં કહ્નાં.

    દીપક પણ પોતે કેટલો બિઝી છે અને તેની ઑફિસ અહીંથી દૂર પડે છે એવું કહીને રવાના થઈ ગયો.

    શ્વેતા તેના પતિ નીતિનકુમાર અને દીકરી ઓ સાથે રોકાઈ હતી.

    ‘તમે બાની જરાય ચિંતા ન કરતા. અમે છીએને!’ નીતિનકુમારે કહી દીધું.

    આ દિવસોમાં રાનડે બે-ત્રણ વાર આવીને પૂછપરછ કરી ગયો હતો.

    શહેરનાં છાંપાઓમાં ‘એક ગુજરાતી વૃદ્ધની હત્યા’ એવા સમાચાર છપાઈ ગયા હતા.

    ‘બા, તું ક્યાં જાય છે?’ નવીનચંદ્રના મૃત્યુને હજી પાંચ દિવસ જ થયા હતા અને સાડલો બદલીને તૈયાર થઈ રહેલાં કાન્તાબેનને શ્વેતાએ પૂછ્યું.

    ‘પોલીસસ્ટેશન...’ કાન્તાબેને સહેજ પણ વિચલિત થયા વિના જવાબ આપ્યો.