તમારા વિના - 8 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમારા વિના - 8

તમારા વિના

ચેપ્ટર - 8

‘ભા...ભી...’ હસમુખભાઈ આાગળ કશું બોલી ન શક્યા. તેમની આંખમાંથી આંસુ વહેતાં રહ્યાં. કાન્તાબેને પણ તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ ન કર્યો કે ન તો પોતાનાં આંસુઓને રોક્યાં. બન્નેમાંથી કોઈને કશું બોલવાની આવશ્યકતા નહોતી લાગતી. બન્ને એકબીજાની વેદના વિના કહ્યે સમજી શકતાં હતાં.

અડધી સદીથી વધુ લાંબી દોસ્તી હતી તેમની નવીનચંદ્ર સાથે. અને આમ અચાનક તેમની ગેરહાજરીમાં તેમનો જિગરી દોસ્ત ચાલ્યો ગયો હતો. હસમુખભાઈ જે અનુભવી રહ્યા હતા એ શબ્દોમાં વ્યક્ત થઈ શકે એેમ નહોતું. કાન્તાબેન તેમનું દુઃખ સમજી શકતાં હતાં.

નવીનચંદ્રના દરેક સોમવારની સાંજ પર હસમુખભાઈ એટલે કે તેમના હસુનો અધિકાર હતો એ વાત કાન્તાબેન લગ્ન કરીને આવ્યાં એ દિવસથી જાણી ગયાં હતાં. નવીનચંદ્રનો આ એક જ દોસ્ત હતો. બાકી કોઈ દિવસે બન્ને મળે કે ન મળે, સોમવારની સાંજે બન્ને સાથે જ હોય એવો જાણે શિરસ્તો થઈ ગયો હતો. હસમુખભાઈની દાદરમાં બ્લાઉઝપીસ અને ચણિયાની નાનકડી દુકાન હતી.

તેમની દુકાન સોમવારે બંધ હોય, પણ નવીનચંદ્રની બૅન્ક ચાલુ હોય એટલે સાંજે બૅન્કમાંથી છૂટીને કાં તો નવીનચંદ્ર તેમના તાડદેવના ઘરે જાય અથવા હસમુખભાઈ ચર્ચગેટ આવી જાય અને નહીં તો બન્ને મિત્રો બહાર મળે, પણ મળવાનું તો ખરું જ.

સોમવારે સાંજે કોઈ પ્રસંગ કે અન્ય કોઈ કારણસર બન્નેમાંથી કોઈને ક્યાંય બહાર જવાનું હોય તો પણ બન્ને સાથે જ જાય. આમ તો બન્નેના પરિવાર અને સગાંસંબંધી ઓ તેમની દોસ્તીથી અજાણ નહોતાં એટલે જ વિના આમંત્રણે એકબીજાના પ્રસંગોમાં જાય તો કોઈને એની નવાઈ ન લાગતી.

વાર-તહેવારે કે અમસ્તાય મળવાનું થાય. બન્ને પરિવાર વચ્ચે પણ સંબંધો ખરા જ, પણ સોમવારે સાંજે તો મળવાનું જ. તેમનો આ નિયમ આટલા વર્ષમાં માંડ બે-ત્રણ વખત જ તૂટ્યો હોય એવું કાન્તાબેનના ધ્યાનમાં હતું અને એય અપવાદરૂપ કિસ્સામાં જ.

નવીનચંદ્ર અને હસમુખભાઈ કૉલેજકાળના મિત્રો. હસમુખભાઈએ અધવચ્ચે ભણવાનું મૂકી દીધું અને પિતાનો ધંધો સંભાળી લીધો. આમ તો તેમના અને નવીનચંદ્રના સ્વભાવ વચ્ચે આસમાન-જમીનનો તફાવત. હસમુખભાઈ વેપારી વૃત્તિના. દરેક વાતમાં નફો-નુકસાન બરાબર જુએ, પણ નવીનચંદ્રને તો તેમનો મહિનાનો પગાર મળે એટલે બસ. હસમુખભાઈ જરા રંગીન અને શોખીન પણ ખરા! પરંતુ સ્વભાવનો આ બધો તફાવત ક્યારેય તેમની દોસ્તીની આડે નહોતો આવ્યો.

હસમુખભાઈના બન્ને દીકરાઓ અમેરિકામાં સેટલ થયા હતા, પણ તેમણે તો હિંદુસ્તાન ક્યારેય ન છોડવાનો નિર્ણય કર્યો હતો.

એક વાર તો તેમનો મોટો દીકરો જગદીશ નવીનચંદ્ર પાસે આવ્યો હતો.

‘નવીનકાકા, તમે બાપુજીને સમજાવોને કે અહીં રહેવાને બદલે અમારી સાથે આવીને રહે. અમે ત્યાં બંગલામાં રહીએ છીએ અને બા-બાપુજી અહીં ખખડધજ મકાનમાં... તમે કહેશો તો તમારું માનશે.’

નવીનચંદ્રે કાન્તાબેનની હાજરીમાં જ વાત છેડી હતી.

‘હસુ, તારા છોકરા ઓ આટલું કહે છે તો તું અમેરિકા જઈને તેમની સાથે રહેવાનું કેમ નથી વિચારતો...’

હાથમાંની ચાની રકાબી એમ જ પકડેલી રાખી હસમુખભાઈએ નવીનચંદ્રની સામે જાયું હતું.

‘કેમ, તને હું અહીં આડો આવું છું? તને ખબર નથી નવીનયા, આ છોકરાઓને કંઈ અમારા પર હેત નથી ઊભરાતું, પણ દાદા-દાદીના ભરોસે એમનાં છોકરાં મૂકીને બેઉ કમાવા નીકળી પડી શકેને એટલે અમને બોલાવે છે સમજ્યો! તને ખબર છે, તેમને શું કહે પેલું... છોકરાઉંને સંભાળે એ જગ્યાને...’

‘બેબીસિટિંગ...’

‘હા, એ બેબીસિટિંગ મોંઘું પડે ને દાદા-દાદી તો મફતમાં મળે બાળોતિયાં ધોવા. તારી ભાભીને બહુ હડકવા છે અમેરિકા જવાનો. તેને જવું હોય તો ભલે જતી. મેં કોઈ દિવસ કોઈની નોકરી કરી નથી અને હવે જતી જિંદગીએ વહુદીકરાની નોકરી કરવા જાઉં?’

‘પોતાનાં બાળકો માટે ઘસાઈએ એમાં આવી વાત ક્યાં આવી? એ બિચારાં તો પ્રેમથી કહે છે કે મા-બાપ અમારી જાડે રહે. આ ઉંમરે તું દુકાને જાય અને દોઢસો રૂપિયાના ચણિયા અને ૮૦ સેન્ટિમીટર કાપડ વેચે અને છોકરા ઓ ડૉલરમાં કમાતા હોય તો એેમને થાય કે મા-બાપને...’ નવીનચંદ્રે દલીલ કરી.

‘નવીનયા, તું સાવ ભોળો છે. લે હાલ, એેમને માવતર પર બહુ પ્રેમ આવે છેને તો કહે એમને કે આવી જાઓ અહીં બધું વેચીસાટીને. અહીં મોટો બંગલો લઈને સાથે રહીશું. પૂછી જો, આવશે બેમાંથી એકપણ?’ હસમુખરાયે તેમના ઉગ્ર મિજાજમાં કહ્યું. ‘બાપ ચણિયા ને બ્લાઉઝપીસ વેચે છે એની હવે એ લોકોને શરમ આવે છે, તે ગધનાઉંને આ ચણિયા વેચી-વેચીને જ ભણાવ્યા ને અમેરિકા મોકલ્યા છે મેં. ને ઓલા ગોરાઓની ગુલામી કરવા કરતાં મારો બાંકડો સારો છે.’

નવીનચંદ્ર વધુ કંઈ ન બોલ્યા, પણ પછીથી તેમણે કાન્તાબેનને કહ્યું હતું, ‘હસુ નકામી જીદ કરે છે. તેના છોકરાઓ તો તેના માટે અડધા-અડધા થાય છે, પણ આ માનશે નહીં.’

અને પછી પોતે જ હસમુખભાઈ વતી દલીલ પણ કરી હતી. ‘આમ જા તો હસુની વાત સાવ ખોટી પણ નથી. ત્યાં તે કોઈને ઓળખેપાળખે નહીં. એ લોકો કામ પર ચાલ્યા જાય પછી બેઉ ઘરમાં કરેય શું?’

‘અને તેમના વિના તમે સોમવારે સાંજે શું કરશો?’ કાન્તાબેન હસતાં-હસતાં બોલ્યાં હતાં.

નવીનચંદ્ર રિટાયર થયા પછી તેમના સોમવારે મળવાના ક્રમમાં થોડો ફેરફાર થયો હતો. હવે દર સોમવારે હસમુખભાઈ જ બપોરે ચાર વાગ્યે ચર્ચગેટના ફ્લૅટ પર આવી જતા. એક-દોઢ કલાક ચા-પાણી પીતાં ગપ્પાં માર્યા પછી બેઉ મરીન ડ્રાઇવ ચાલવા જતા અને ત્યાંની પાળી પર બેસતા. આઠેક વાગ્યે નવીનચંદ્રને ઘરના દરવાજા સુધી મૂકીને પછી જ હસમુખભાઈ ઘરે જતા.

હસમુખભાઈનાં પત્ની બે-ત્રણ વખત ચાર-છ મહિના માટે અમેરિકા દીકરા ઓના ઘરે રહી આવ્યાં હતાં, પણ હસમુખભાઈ પોતે અમેરિકા જવા તૈયાર નહોતા. નવીનચંદ્રે તેમને માંડ-માંડ ફરવા માટે અને એક વાર દીકરા ઓના ઘરે જઈ આવવા માટે રાજી કર્યા હતા.

હસમુખભાઈ અમેરિકા ગયા એ પછીના પહેલા જ સોમવારે નવીનચંદ્રને અડવું-અડવું લાગવા માંડ્યું હતું. આમ તો સવારથી જ નવીનચંદ્ર સહેજ ઉદાસ જણાતા હતા, પણ ચાર વાગ્યાથી તો જાણે તેમના ચહેરા પરથી નૂર જ ઊડી ગયું હતું.

‘ચાલો, આપણે આંટો મારી આવીએ.’ પતિની વ્યાકુળતા કાન્તાબેન સમજતાં હતાં.

‘ના-ના, રહેવા દે.’

‘તમે જ હસુભાઈને મોકલ્યા અને હવે તમને જ ગમતું નથી.’

‘આટલાં વર્ષોની ટેવ પડી છે. સોમવાર હસુ વિના નીકળતો નથી...’ નવીનચંદ્રનો અવાજ ભીનો હતો. પછી અચાનક બોલ્યા, ‘ન કરે નારાયણ ને અમારે કાયમ માટે છૂટા પડવું પડે તો... કોણ જાણે આજે પહેલી વાર આવો વિચાર આવ્યો.’

‘આમ એકલા-એકલા વિચાર્યા ન કરો, ક્યાંક બહાર જઈ આવો. ચાલો, હું તમારી જાડે બાબુલનાથના મંદિરે આવું છું. બસ, આ સાડલો બદલી લઉં એટલી વાર.’

‘તું ને મંદિરે?’

‘કેમ, તમારો ભગવાન મને આવવા નહીં દે કે શું?’

‘એનેય આઘાત લાગશેને!’ નવીનચંદ્રે મજાક કરી.

‘તો હુંય ઓલો અમિતાભ બચ્ચનવાળો ડાયલૉગ મારીશ... ખુશ તો બહુત હુએ હોંગે તુમ...’ અને પછી પોતે જ સાડલાના પાલવનો ડૂચો મોં પર મૂકી હસી પડ્યાં. તેમને જાઈને નવીનચંદ્રના મોં પર સ્મિત આવી ગયું.

એ સોમવારે તો પતિ-પત્ની બાબુલનાથના મંદિરે ગયાં અને સામેના ફેરિયા પાસે ઊભાં-ઊભાં બન્નેએ સાદો ડોસો અને ઉત્તપ્પા ખાઈ લીધા.

હસમુખભાઈ અમેરિકા ગયા ત્યાર પછીના દરેક સોમવારે સાંજે પોતે નવીનચંદ્ર પાસે જ હોય એની તકેદારી કાન્તાબેન રાખતાં. નવીનચંદ્ર કશું કહેતા નહીં, પણ હસમુખભાઈની ગેરહાજરી તેમને સાલી રહી છે એ કાન્તાબેનને સમજાતું હતું.

હસમુખભાઈ જો અમેરિકા ન ગયા હોત તો... કાન્તાબેનને આ વિચાર અનેક વાર આવી ગયો હતો, કારણ કે એ દિવસે સોમવાર હતો. હસમુખભાઈ અહીં હોત તો તે તેમની સાથે હોત અને...

‘કાકા, બધું બહુ અચાનક બની ગયું. આમ તો કંઈ નહોતું, પણ કોઈકે આવીને તેમને માથામાં ફટકા માર્યા અને ખેલ ખલાસ, બોલો.’ ગુટકા ચાવતાં-ચાવતાં નીતિનકુમારે બોલવાનું ચાલુ કર્યું

હસમુખભાઈના ચહેરા પર અણગમાનો ભાવ આવ્યો, પણ નીતિનકુમારને એવું બધું નોંધવાની પરવા નહોતી. તેમણે તો આખી ઘટના રસપ્રદ વાર્તા કહેતા હોય એમ મલાવી-મલાવીને કહી નાખી. કાન્તાબેન હાજર હોવા છતાં જાણે પોતે જ નવીનચંદ્રને સૌ પ્રથમ મૃત્યુ પામેલી હાલતમાં જાયા હોય એ રીતે રજૂઆત કરવા માંડી.

‘ભઈના શરીરમાંથી શું લોહી નીકળતું હતું. આખો રૂમ લોહી-લોહી થઈ ગયો. રીતસર લોહીની નદી જ જાઈ લો અને માંસના તો લોચેલોચા નીકળી ગયા હતા. ખોપરી ફાટી ગઈ હતી. તમારાથી તો જોઈ જ ન શકાયું હોત. અરે, ખુદ પોલીસવાળા મોંમાં આંગળાં નાખી ગયાં ને કે આવું ખૂન ને આવી લાશ તો અમે ક્યારેય જાઈ જ નથીને!’ નીતિનકુમાર પોતાની હાંકી રહ્યા હતા.

ભરપૂર મસાલેદાર અને વાસ્તવિકતાથી સાવ જુદું વર્ણન થઈ રહ્યું હતું છતાં કાન્તાબેન ચૂપચાપ સાંભળી રહ્યાં હતાં અને હસમુખભાઈને નાછૂટકે સાંભળવું પડી રહ્યું હતું.

હસમુખભાઈ અને કાન્તાબેન મનોમન ઇચ્છી રહ્યા હતા કે નીતિનકુમાર ત્યાંથી આઘા ખસે અને એ બન્ને એકલાં પડે, પણ નીતિનકુમાર નવીનચંદ્રના મૃત્યુનું અને ત્યાર પછી આવી હત્યાઓ વિશે તે કેટલું બધું જાણે છે એનું વિવરણ કરવામાં જ વ્યસ્ત હતા.

‘મેં તો વિપુલભાઈને કહ્યું કે મારા દોસ્તારની છેક હોમ મિનિસ્ટર સુધી ઓળખાણ છે. આપણે તેમની પાસે જઈએ. તે એક ફોન કરે તો હોમ મિનિસ્ટર પણ ડરી જાય. શર્મા છે તેનું નામ. દિલ્હીમાં પણ કૉન્ટૅક્ટ છે તેના. હાઇકમાન્ડ સાથે ડાયરેક્ટ કનેક્શન! આ લોકો જ પાર્ટી ફંડમાં પૈસા લાવી આપતા હોય એટલે મિનિસ્ટરોએ તેમનું સાંભળવું જ પડે. તે દિલ્હી હાઇકમાન્ડને કહેને તો હોમ મિનિસ્ટરની નોકરી જાય. તેનું કામ તો કરવું જ પડે. આપણે એ શર્મા સાથે ઘર જેવું. આવા કેસમાં તો બે દિવસમાં રિઝલ્ટ આવે, બે દિવસમાં. ઉપરથી પ્રેશર આપવું પડે. નહીં તો પૈસા દબાવવા પડે. શું ક્યો છો કાકા?’ નીતિનકુમાર શેખી મારી રહ્યા હતા.

નીતિનકુમારને જવાબ આપવાનું પણ હસમુખભાઈને જરૂરી ન લાગ્યું.

ગલોફામાં દબાવેલા તમાકુવાળા પાનમસાલાને લીધે નીતિનકુમારનું મોં થૂંકથી ભરાઈ ગયું હતું. થૂંકવા માટે તે બાથરૂમ તરફ ગયા. થોડીક ક્ષણો માટે કાન્તાબેન અને હસમુખભાઈ એકલાં પડ્યાં, પણ બન્ને વચ્ચે કંઈ વાતચીત થાય એે પહેલાં જ નીતિનકુમાર મોં લૂછતાં-લૂછતાં પાછા આવી ગયા.

‘હા, તો હું એમ કહેતો હતો કે...’ નીતિનકુમારે બોલવાની શરૂઆત કરી. તે આગળ વધુ કંઈ બોલે એે પહેલાં જ હસમુખભાઈ હાથ જાડીને ઊભા થઈ ગયા.

‘જેશીકૃષ્ણ ભાભી... કંઈ કામ હોય તો...’ હસમુખભાઈના ગળે ડૂમો બાઝી ગયો હતો.