Tamara vina - 3 books and stories free download online pdf in Gujarati

તમારા વિના - 3

તમારા વિના

  • ગીતા માણેક
  • (૩)

    ‘ચંદ્ર... ચંદ્ર...’ કાન્તાબેનના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

    આરામખુરશીની બાજુમાં ઢગલો થઈને પડેલા નવીનચંદ્રની બાજુમાં જઈને કાન્તાબેને તેમને હચમચાવી નાખ્યા, પણ બીજી જ ક્ષણે તેમને સમજાઈ ગયું કે ખેલ ખતમ થઈ ગયો છે. તે ઓ દિગ્મૂઢ થઈને બેસી રહ્યાં. કેટલો સમય વીત્યો હશે એનીયે તેમને સરત રહી નહીં. અચાનક તેમણે તેમના પેટ પર ભીનાશ અનુભવી. તેમને ભાન થયું કે તે ઓ નવીનચંદ્રનું માથું પોતાના ખોળામાં લઈને બેઠાં હતાં અને તેમનો સાડલો નવીનચંદ્રના લોહીથી ભીંજાઈ ગયો હતો.

    સભાનતા પાછી મેળવવાનો પ્રયાસ કરી તેમણે આજુબાજુ નજર કરી. પીળા રંગની રંગબેરંગી છાંટણાવાળી મોઝેક ટાઇલ્સ પરથી લોહીનો રેલો દદડી રહ્યો હતો. એ નવીનચંદ્રનું લોહી હતું. તેમના ચંદ્રનું લોહી.

    લોહી જાઈને ચંદ્રને તમ્મર આવી જતાં. તેમને યાદ આવી ગયું.

    ‘કાન્તા, તું તો ભારે હિંમતવાળી...’ નાનકડો વિપુલ કમ્પાઉન્ડમાં રમતાં-રમતાં પડી ગયો હતો અને કાન્તાબેન તેને પાટાપિંડી કરાવી લાવ્યાં ત્યારે નવીનચંદ્રે કહ્યું હતું.

    વિપુલ લોહીથી ખરડાયેલો અને રડતો-રડતો ઘરે આવ્યો હતો ત્યારે તેને જાઈને નવીનચંદ્ર બેભાન જેવા થઈ ગયા હતા, પરંતુ કાન્તાબેન તેને ઊંચકીને ડૉક્ટર પાસે દોડી ગયાં હતાં.

    ‘બૈરાની જાતને તો લોહી સાથે પનારો કાયમનો. પુરુષો બળવાન હોવાની શેખી કરે છે, પણ આટલું અમથું લોહી જાઈને તો મૂર્ચ્છા આવી જાય છે...’ કાન્તાબેને તેમના સ્વભાવ માણે આખા શબ્દોમાં કહી દીધું હતું.

    અને આજે તેમના ચંદ્રનું પોતાનું લોહી વહી રહ્યું હતું. બેસુમાર. લાલ રંગનું લોહી કાળું પડવા માંડ્યું હતું, જામવા માંડ્યું હતું.

    લોહીની વાસથી કાન્તાબેનની નાસિકાઓ ભરાઈ આવી.

    જીવનમાં પહેલી વાર કાન્તાબેનને સૂઝતું નહોતું કે હવે શું કરવું? બાકી ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, બેસી રહે તે કાન્તાબેન નહીં.

    ‘ગમે એવી ગૂંચ હોય, એનો એક છેડો ઝાલીને ઉકેલવા મંડી પડો એટલે વહેલામોડા બીજા છેડે પહોંચી જ જવાય,’ કાન્તાબેનનું આ ધ્રુવ વાક્ય. ‘ગૂંચ ઉકેલવા જતાં જો ક્યાંક તાંતણો તોડવો પડે તો એટલો ભાગ કાપીને, સાંધો મારીને આગળ વધવાનું. માથે હાથ મૂકીને બેસી રહેવાથી શું વળે?’

    નવીનચંદ્ર સાથે સંસાર માંડ્યો એેને ચાર દાયકાથી પણ વધુ સમય વીતી ગયો હતો. આ સમયગાળામાં કેટલીયે સમસ્યાઓ અને ગૂંચવણો ઊભી થઈ હતી. દરેક વખતે રડીને બેસી રહીને કે મંદિરોમાં ઘંટ વગાડી ઈશ્વર પાસે કાકલૂદી કરવાને બદલે તેઓ કાયમ એક તાંતણો ઝાલીને શરૂઆત કરી નાખતાં અને કોકડું ઉકેલાય નહીં ત્યાં સુધી જંપીને બેસતાં નહીં. જરૂર પડે ત્યાં કાતર મૂકી દેવાની તૈયારી પણ ખરી જ!

    પરંતુ આજે જાણે તેઓ પોતાનું બધું જ કૌવત ગુમાવી બેઠાં હોય એવું તેમને લાગ્યું.

    બહાર અંધારું જામવા માંડ્યું હતું. વાહનોના અવાજ પાંચમા માળ સુધીનું અંતર ચીરીને ઘરમાં આવી રહ્યા હતા. કાન્તાબેને પોતાના સૂનમૂન થઈ ગયેલા મગજને ઢંઢોળ્યું. કોઈ બીજાને કહેતાં હોય એમ તેમણે પોતાની જાતને જ કહ્યું, ‘ચંદ્ર ચાલ્યા ગયા છે, કાયમ માટે. કોઈએ તેમની હત્યા કરી છે, તેમને મારી નાખ્યા છે. કાન્તા, તું એકલી થઈ ગઈ છે... ચાલ ઊઠ, ઊભી થા.’

    તેમની આંખમાં આંસુ એકસામટાં ધસી આવ્યાં. જાણે દટ્ટો દીધેલા નળમાંથી કોઈએ દટ્ટો હટાવી ન લીધો હોય! પોતાના ગાલ પરથી વહેતાં આંસુને તે ઓ તેમના ચંદ્રના લોહી સાથે ભળતાં જાઈ રહ્યાં.

    કોઈક અણમોલ વસ્તુ જતનથી મૂકતાં હોય એમ નવીનચંદ્રનું માથું તેમણે હળવેકથી ખોળામાંથી ઊંચકી જમીન પર મૂક્યું. અચાનક તેમને યાદ આવ્યું કે ચંદ્ર ક્યારેય તકિયા વિના આડા નહોતા પડતા. ઓશીકું ન હોય તો તેમનું માથું દુઃખવા માંડતું.

    કાન્તાબેન જમીન પરથી માંડ ઊભાં થયાં. તેમના પગમાં અસહ્ના દુખાવો થતો હતો. લંગડાતાં-લંગડાતાં તે ઓ હળવે-હળવે બેડરૂમમાં ગયાં અને ઓશીકું લઈ આવ્યાં. એ જ ઓશીકું જે ચંદ્ર કાયમ વાપરતા હતા. કોઈ બીજાનું ઓશીકું કે ચાદર ચંદ્ર ક્યારેય નહોતા વાપરતા.

    ઘડીભર તે ઓ ઓશીકા પર માથું મૂકીને પડેલા નવીનચંદ્રના દેહને જાઈ રહ્યાં. નવીનચંદ્ર સાથેની આ તેમની છેવટની એકાંતની ક્ષણો હતી. હવે પછી આ જન્મે આ દેહમાં ચંદ્ર સાથે ક્યારેય આવી પળો મળવાની નહોતી અને પુનર્જન્મમાં તેઓ માનતાં નહોતાં.

    ‘કાન્તા, મને તો ભવોભવ તું જ જીવનસાથી તરીકે જાઈએ. ફક્ત સાત જનમ નહીં, પણ જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી. મને ભગવાન મળે તો હું કહીશ કે મને એકલાને મોક્ષ નથી જાઈતો, આપવો હોય તો સાથે આપજે.’

    ‘આગલો ભવ અને પાછલો ભવ એ બધું તમારા જેવાઓને ભોળવવા માટેનું આ બાવા-સાધુઓનું તરકટ છે. કોણ જોવા ગયું હતું? જે કંઈ છે તે આ જ અને અહીં જ છે. મારી સાથે જેટલું રહેવું હોય એટલું અહીં રહી લેજા. બાકી બીજા ને ત્રીજા જનમ જેવું કંઈ છે જ નહીં.’ કાન્તાબેનની વાત સીધી ને સટ રહેતી.

    ‘તો આ બધું શાસ્ત્રોમાં લખ્યું છે એ ખોટું?’ નવીનચંદ્ર દલીલ કરતા.

    ‘શાસ્ત્રો તમારા-મારા જેવા માણસોએ જ લખ્યાં હશેને! અને આમ જુ ઓ તો તમને લોકોને આવી પંચાત કરવાનો સમય મળતો હશે. મારી પાસે ઘણાં કામ છે. હું તમારાં શાસ્ત્રો વાંચવા, સમજવા ને અર્થ કાઢવા બિલકુલ નવરી નથી. મને પૂછો તો આ બધા નવરા માણસોનાં ધતિંગ છે.’

    ‘તારો માર્ગ કર્મયોગનો એટલે તું આમ જ કહેવાની...’ નવીનચંદ્ર ચુકાદો આપતા.

    પરંતુ, કાન્તાબેન એ બધી લમણાઝીકમાં પડવાને બદલે જિંદગીની ભુલભુલામણીમાંથી માર્ગ કાઢવામાં રત થઈ જતાં.

    આજે અચાનક એ જીવનરાહ પરથી પોતાનો પડછાયો પોતાને છોડીને જતો રહ્યો હોય એવી ભયંકર એકલતા તે ઓ અનુભવી રહ્યાં હતાં.

    હવે તેમણે ઘણું બધું કરવાનું હતું. એકલા જ. તમામ કાર્યની શરૂઆત કરતાં પહેલાં તે ઓ ફરી વાર જમીન પર બેઠાં. ઘૂંટણમાં એક જબરદસ્ત સબાકો આવ્યો, પણ તેમણે એ દર્દની પરવા ન કરી. આ છેલ્લી એકાંતની ક્ષણોને તેઓ ભરી લેવા માગતાં હતાં; પોતાની છાતીમાં. હૈયાની સાવ લગોલગ અથવા હૃદયની દાબડીમાં. તેમની પોતાની મિલકત તરીકે.

    નવીનચંદ્રની બાજુમાં બેસી તેમણે વહાલથી તેમના વાળમાં હાથ ફેરવ્યો. કાન્તાબેનનો આખો હાથ લોહીથી ખરડાઈ ગયો. માથામાં પાછળની બાજુએ કોઈએ જારથી ફટકો માર્યો હશે. ડોકની ઉપર માથું ફાટી ગયું હતું. ઇન્જેક્શનની સોય સહન ન કરી શકનાર ચંદ્રને કેટલી પીડા થઈ હશે! એક ડૂસકું આવી ગયું.

    આખરની વિદાય આપી તે ઓ ધીમેકથી ઊભાં થયાં. નવીનચંદ્રના નિશ્ચેતન શરીર પાસેથી તેઓ ખસી શકતાં નહોતાં.

    પોતાની ગુમાવી દીધેલી મિલકત પર છેલ્લી નજર નાખી રહ્યાં હોય એમ નવીનચંદ્ર પર નજર ઠેરવી, મન મક્કમ કરીને તેમણે પગ માંડ્યો!

    ધીમે-ધીમે પૅસેજ વટાવી તેઓ બારણા સુધી ગયાં. મુખ્ય દરવાજા અને પછી જાળીનો દરવાજા ખોલી કાન્તાબેન બહાર નીકળ્યાં. તેમણે બન્ને દરવાજા ખુલ્લા જ મૂકી દીધા હતા. હવે ઘરમાં લૂંટવા જેવું રહ્યું જ શું હતું?

    બીજા રસપ્રદ વિકલ્પો