તમારા વિના
ચેપ્ટર - 6
‘નહીં સા’બ, સચ મૈં... મૈંને કુછ નહીં કિયા હૈ... સા’બ આપ મેરી બાત તો સુનો... સા’બ...’ એક મેલાંઘેલાં અડધી ચડ્ડી અને બનિયન પહેરેલો છોકરો હાથ જાડીને કહી રહ્યો હતો.
‘અરે, ટાક રે હ્યાલા લૉક-અપ મધે... (અરે, નાખ આને લોક-અપમાં),’ યુવાન ડ્યુટી ઑફિસરે ઊંચા અવાજે આદેશ કર્યો.
પેલો છોકરો સતત આજીજી કરતો હતો કે સાહેબ, એક વાર મારી વાત તો સાંભળો; પણ બોલવાનો મોકો આપ્યા વિના એક હવાલદાર તેને રીતસર ધકેલતો લઈ જઈ રહ્યો હતો.
પોલીસસ્ટેશનમાં પ્રવેશતાં જ કાન્તાબેનની નજરે આ દૃશ્ય પડ્યું. પોલીસસ્ટેશનના મુખ્ય દરવાજા પાસે ત્રણેક હવાલદારો ઊભા-ઊભા તમાકુ ચોળી રહ્યા હતા. તેમણે કાન્તાબેન તરફ વિચિત્ર નજરે જાયું હોય એવું તેમને લાગ્યું. પોલીસસ્ટેશનમાં પગ મૂકતાં જ તેઓ જાણે કોઈ અજાણ્યા દેશમાં આવી પહોંચ્યા હોય એવી લાગણી તેમને થઈ. કુતૂહલથી તેમની નજર અનાયાસ ચોમેર ફરી રહી હતી.
સડસઠ વર્ષની જીવનયાત્રામાં આ મુકામ પણ આવશે એવી તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. રસ્તા પર આવતાં-જતાં ખાખી વર્દી જોઈ હતી, પણ રીતસર પોલીસસ્ટેશનમાં પગ મૂકવાનો વારો ક્યારેય નહોતો આવ્યો.
પોલીસસ્ટેશનમાં દાખલ થતાં કાન્તાબેનને જુદા જ પ્રકારની લાગણી થઈ. ના, તેમને ડર નહોતો લાગતો પણ અજાણી જગ્યાએ જવાનો થડકો હતો. કાયદા કે પોલીસ સાથે તેમને ક્યારેય સીધો પનારો નહોતો પડ્યો. ત્યાં જઈને કોને મળવું, શું કરવું એની પણ તેમને ખબર નહોતી.
પોલીસસ્ટેશનના બારણાની ડાબી તરફ એક બાંકડો હતો. એના પર મવાલી જેવા લાગતા બે-ત્રણ છોકરા ઓ બીડી ફૂંકી રહ્યા હતા. દરવાજાની બરાબર સામે એક મોટા ટેબલની પછવાડે બેઠેલો યુનિફોર્મધારી ઑફિસર એક મોટા રજિસ્ટરમાં કંઈક લખી રહ્યો હતો. તેની સામે બેઠેલા માણસની પીઠ દરવાજા તરફ હતી. તે જે બોલતો હતો એેના આધારે ખાખી કપડાં પહેરેલો અધિકારી રજિસ્ટરમાં નોંધ કરી રહ્યો હોય એવું કાન્તાબેનને લાગ્યું. કોઈ ફરિયાદ લખાવી રહ્યું હતું એવું અનુમાન કાન્તાબેને કર્યું
તેનાથી દૂર બીજા ટેબલ પર બેઠેલો ઑફિસર નિરાંતે ફોન પર ગપ્પાં મારી રહ્યો હતો. હવાલદારોની અવરજવર થઈ રહી હતી. એક-બે સાદા કપડાંવાળા પુરુષો પણ આંટા મારતા હતા. તેમણે યુનિફોર્મ ન પહેર્યો હોવા છતાં તેમને જાતાં જ તેઓ પોલીસવાળા છે એવી છાપ પડતી હતી.
એક અધિકારી ફરિયાદ લખવામાં વ્યસ્ત છે એ જાઈને કાન્તાબેન ફોન પર વાત કરી રહેલા અધિકારીની સામે જઈને ઊભાં રહ્યાં. કેટલીક ક્ષણો તો ઑફિસરે તેમની નોંધ જ ન લીધી. થોડીક વાર કાન્તાબેન ત્યાં જ ઊભાં રહ્યાં એટલે તેણે ફોન પરની વાત અટકાવ્યા વિના જ ફરિયાદ લખી રહેલા અધિકારી તરફ ઇશારો કર્યો.
કાન્તાબેન ચૂપચાપ એ ટેબલની સામે મૂકેલા બાંકડા પર બેઠાં. કોઈ આવીને પોતાની સામે બેઠું છે એની જાણે દરકાર જ ન હોય એમ ડ્યુટી ઑફિસર રજિસ્ટરમાં નોîધ કરતો રહ્યો. ફક્ત તે ફરિયાદ લખાવનારે કાન્તાબેન સામે જાયું. તેની નજરમાં અચરજનો ભાવ હોય એવું કાન્તાબેનને લાગ્યું. આ માણસ કચ્છી હોવો જાઈએ, કાન્તાબેને વિચાર્યું. તેના દેખાવ અને કપડાં પરથી તે કચ્છી કે ગુજરાતી વેપારી લાગતો હતો.
લગભગ દસેક મિનિટ આમ જ વીતી હશે. પેલા માણસની ફરિયાદ લખાવાઈ ગઈ હતી. ડ્યુટી ઑફિસરે તેને ફરિયાદ નંબર એક ચબરખી પર લખીને આપ્યો.
ચોરીનો કેસ હોય એેવું તેની વાતચીત પરથી લાગતું હતું.
‘શું ચાલશે? ચા, કોફી, ઠંડું...’ રજિસ્ટર બાજુ પર ખસેડી ડ્યુટી ઑફિસરે તે વેપારી જેવા લાગતા ફરિયાદીને પૂછ્યું. ડ્યુટી ઑફિસરે આગ્રહ કર્યો, પણ તે ના જ પાડતા રહ્યા.
એ જ વખતે ટેબલ પર બેઠેલા પોલીસ અધિકારી કરતાં ઉંમરમાં મોટો અને વધુ રોફ ધરાવતો એક પોલીસ અધિકારી પ્રવેશ્યો. ફ્રી પિરિયડમાં વર્ગમાં આમતેમ ફરતાં બાળકો શિક્ષકના અચાનક આગમનથી એકદમ શિસ્તબદ્ધ થઈ જાય એમ પોલીસસ્ટેશનમાં શાંતિ છવાઈ ગઈ.
સામેના ટેબલ પર ફોન પર વાત કરી રહેલા અધિકારીએ તેના આ ઉપરીના આવવાથી ફોન મૂકી તો ન દીધો, પણ ખુરશીમાં સહેજ ટટ્ટાર થઈ ગયો. બાંકડા પર બેઠેલા મવાલીઓએ બીડી બુઝાવી નાખી. હવાલદારો અટેન્શનમાં ઊભા રહી ગયા અને ફરિયાદ લખી રહેલો અધિકારી તેનો સાહેબ ટેબલ પાસે આવ્યો એટલે તરત જ તેમને માન આપવા ખુરશીમાંથી ઊભો થઈ ગયો. તેની સામે બેઠેલા ફરિયાદીએ પણ હસીને, ‘નમસ્કાર સાહેબ...’ કહ્યું અને પોતાની બેઠક પાસે જ ઊભો થઈ ગયો.
‘અરે ઠક્કર તમે? શું વાત છે? કંઈ વિશેષ...’ મોટા સાહેબે આત્મીયતાથી પૂછ્યું.
‘ખાસ કંઈ નથી સાહેબ. આ તો એક ટ્રક ચોરી થઈ ગઈ છે. માલ ભરેલી હતી એટલે જરા તકલીફ આપવી પડી. શું છે પોલીસફરિયાદ ન હોય તો વીમાના પૈસા ન પાકેને...’ સફેદ લેîઘો અને શર્ટ પહેરેલા ઠક્કરે હસતાં-હસતાં કહ્યું. તેના ચહેરા પર કે અવાજમાં ચોરી થઈ હોવાનું દુઃખ કે ચિંતા શોધ્યાં જડે એમ નહોતાં.
‘ઠક્કર શેઠ, એમાં તકલીફ શાની? આ તો અમારું કામ છે... જનસેવા. આનો જ તો પગાર લઈએ છીએ અમે...’ મોટા સાહેબે પ્રસન્ન ચહેરે જવાબ આપ્યો.
‘આવો... આવો... અંદર કૅબિનમાં આવો. તમારા જેવા માણસનો અમને સત્સંગ ક્યાંથી મળે?’ કહીને મોટા સાહેબ કૅબિન તરફ વળ્યા. એ જ વખતે તેમની નજર ખૂણાના બાંકડા પર બેઠેલા મવાલીઓ પર પડી. તેમના પર નજર ઠેરવી તેમણે પૂછ્યું, ‘શું છે આ લોકોનું?’
‘કંઈ નહીં સાહેબ, રસ્તા પર બેસીને જુગાર રમતા હતા...’
‘બે-બે લગાવીને છોડી દો સાલાઓને... નકામી ફરિયાદ-બરિયાદ નહીં લખતા સમજ્યા?’ મોટા સાહેબે આદેશ આપતાં કહ્યું.
‘અને આ બાઈ...’ મોટા સાહેબની નજર કાન્તાબેન પર પડી. એક મિનિટ તો તેમને એમ લાગ્યું કે ઠક્કરસાહેબ સાથે આવી હશે. તેમણે ઠક્કરની સામે જાયું, પણ તેમના ચહેરા પરના પ્રતિભાવ જોતાં તેમને સમજાઈ ગયું કે ઠક્કરને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
‘શું છે આનું?’
કાન્તાબેન તરત ઊભાં થઈ ગયાં. તેમના ચહેરા પર આશાનું કિરણ ઝળકી ગયું. તે ઓ કંઈ બોલે એ પહેલાં જ ફરિયાદ લખી રહેલા સબ-ઇન્સ્પેકટર બર્વે (તેના યુનિફોર્મ પર છાતી પર લગાડેલી તેના નામની કાળી પટ્ટી કાન્તાબેને વાંચી હતી)એ કહ્યું, ‘જોઉં છું સાહેબ...’
બર્વેનો જવાબ સાંભળી મોટા સાહેબ ઠક્કરને લઈને કૅબિનમાં દાખલ થઈ ગયા. કૅબિનની બહાર લાકડાની તકતી હતી જેના પર સફેદ અક્ષરે 'સિનિયર ઇન્સ્પેકટર એસ. એમ. વાઘમારે' લખ્યું હતું.
કૅબિનનો જૂના જમાનાનો લાકડાનો અડધિયો દરવાજા હતો. વાઘમારે એને જારથી ધક્કો મારીને અંદર દાખલ થયા હતા. એેની સ્પ્રિંગને લીધે બન્ને અંદર ચાલ્યા ગયા પછી પણ દરવાજા હલતા હતા અને કિચૂડ-કિચૂડ અવાજ કરતા હતા.
મિજાગરામાં તેલ પૂર્યું હોય તો આવો અવાજ ન આવે, કાન્તાબેનના મગજમાં વિચાર આવી ગયો. તેમને તરત અહેસાસ થયો કે આ પોલીસસ્ટેશન હતું અને અહીં એક ગૃહિણીના સલાહ-સૂચનને કોઈ સ્થાન નહોતું.
‘કદમ, આ બાઈનું શું છે?’ બર્વેના અવાજથી કાન્તાબેનના કાન ચમક્યા. તે કાન્તાબેનને સીધેસીધું પૂછવાને બદલે હવાલદારને બરાડીને પૂછી રહ્યો હતો.
એક જીવતીજાગતી સ્ત્રી છેલ્લી લગભગ ચાળીસ મિનિટથી પોલીસસ્ટેશનમાં બેઠી હતી અને હવે અચાનક બધાએ તેની હસ્તીની નોંધ લીધી હોય એમ હવાલદાર કદમ અને બીજા હવાલદારો એકબીજાની સામે જાઈ રહ્યા હતા. આ બાઈ અહીં શું કામ આવી છે અને શું કરી રહી હતી એ સવાલનો જવાબ તેમની પાસે નહોતો.
કાન્તાબેન એકદમ સર્તક થઈ ગયાં.
‘મારે પૂછવું હતું કે...’
કાન્તાબેન પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ સબ-ઇન્સ્પેક્ટર ઊંચા સાદે બરાડ્યો, ‘અરે જાને, આ વળી શું નવું લફરું છે?’
હવે હવાલદાર કદમ દોડતોકને કાન્તાબેન પાસે આવ્યો.
‘કાય આહે તુમચ...’ (શું છે તમારું?)
કાન્તાબેને હવાલદારને જવાબ આપવાને બદલે બર્વે સામે જાઈને જ બોલવાનું ચાલુ રાખ્યું, ‘હું તપાસ કરવા આવી છું કે...’ કાન્તાબેન મનમાં શબ્દો ગોઠવ્યા વિના જ બોલી પડ્યાં.
‘તપાસ કરવાનું કામ અમારું...’ બનાવટી નમ્રતા સાથે બોલાયેલા બર્વેના શબ્દોમાં ઉપહાસ હતો અને તેની કમેન્ટ સાંભળીને હવાલદારો હસી પડ્યા.
‘જા રે, આ શાની તપાસ કરવા આવી છે...’ ખુરશી પરથી ઊભા થતાં-થતાં બર્વેએ કંટાળા સાથે કહ્યું. તે બીજા ટેબલ પર જઈને વાતોએ વળગ્યો.
હવાલદાર કદમ કાન્તાબેનને આ બાજુ આવો કહીને લઈ ગયો.
‘મારા પતિનું ખૂન... મારે જાણવું છે કે...’ કાન્તાબેનને બોલતાં તકલીફ પડી રહી હતી.
‘ક્યાં રહો છો? ક્યારે ખૂન થયું?’ એવા બે-ચાર સવાલો પૂછવા ખાતર પૂછી હવાલદારે ‘કંઈ ખબર પડશે તો જણાવીશું’ એવો લુખ્ખો જવાબ આપ્યો.
કદમને અવગણીને કાન્તાબેન ફરી બર્વે પાસે ગયાં.
‘સાહેબ, મારા પતિ નવીનચંદ્રનું દસ દિવસ પહેલાં ખૂન થયું છે. મારે એેના વિશે પૂછવું છે.’ બર્વે પૂછે એે પહેલાં જ કાન્તાબેન પોતાનું એડ્રેસ કડકડાટ બોલી ગયાં.
બર્વે તેમની સામે બે ઘડી જાઈ રહ્યા.
‘જુઓ માજી, એ તો તમને જેમના હાથમાં કેસ છે એ જ કહી શકે.’ બર્વેએ કાન્તાબેનને ટાળવાનો નવો નુસખો અજમાવ્યો.
‘રાનડે. ઇન્સ્પેક્ટર રાનડે આવ્યા હતા એ દિવસે.’ કાન્તાબેને તરત જ જવાબ આપ્યો.
‘એ તો નથી.’ બર્વેને જાણે મજા પડી રહી હતી.
‘કદમ... રાનડે ક્યારે આવશે? જરા આ બાઈને કહે તો...’ બર્વેએ કહ્યું.
‘એ તો બંદોબસ્તમાં છે.’ કદમે લાગલો જ જવાબ આપ્યો.
‘સાંભળ્યુંને?’ બર્વેએ કહ્યું.
‘બંદોબસ્ત?’ કાન્તાબેનને સમજણ ન પડી.
‘દિલ્હીથી મિનિસ્ટર આવ્યા છે, તેમની બહેનને મળવા. આ એરિયામાં જ રહે છેને! એના બંદોબસ્તની ડ્યુટી કરવા ગયા છે.’ બર્વેની ધીરજ ખૂટી રહી હતી.
‘ક્યારે આવશે?’
‘મિનિસ્ટર જશે ત્યારે અને મિનિસ્ટરને એવું થોડું જ પૂછી શકાય કે સાહેબ, તમે કેટલા વાગ્યે જશો?’ બર્વે ચીપી-ચીપીને બોલ્યો એટલે આખું પોલીસસ્ટેશન ખડખડાટ હસી પડ્યું.
કાન્તાબેને ક્ષોભ અનુભવ્યો. સહેજ રહીને તેમણે હિંમત ભેગી કરીને ફરી પૂછ્યું, ‘પણ કંઈ રેકોર્ડ તો હશેને? તમને કંઈક તો ખબર હશેને?’
‘તારી પાસે કેસ નંબર છે?’
બર્વેનો પિત્તો જઈ રહ્યો હતો. તે હવે સાવ તુંકારે આવી ગયો હતો.
‘એ બાઈ, આ શહેરમાં રોજ કેટલાંય મર્ડર થાય છે. બધાની વિગત અમે રાખીએ તો ગાંડા થઈ જઈએ. રાનડે આવે ત્યારે આવજે.’ બર્વે ચિડાઈ ગયો હતો.
એક જબરદસ્ત પછડાટ ખાઈને ઊભાં થયાં હોય એમ કાન્તાબેન ધીમે-ધીમે ઊભાં થયાં.
‘કોણ જાણે ક્યાંથી આવી જાય છે આ બુઢિયાઓ....’ બહાર નીકળતાં-નીકળતાં બર્વેનો અવાજ કાન્તાબેનના કાને પડ્યો અને તેઓ તમતમી ગયાં.