સફેદ રણ - ધોરડો Kunjal Pradip Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફેદ રણ - ધોરડો

રણમાં ભાળું હું જડ – ચેતન..

જ્યાં જડ કે ચેતન જેવાં કોઈ એંધાણ જ નથી, જ્યાં કોરાં ધાકોર પટ્ટમાં પણ કુંપણો ફુટવાની આશમાં આખું જીવન નીકળી જાય. ક્યાંક દૂર લીલોતરી હશે એ ધરપતમાં એકીટશે, આંખ થાકી જાય એમ ઝીણી નજરે છેક સુધી જોયા કરીયે !

હવાને જ્યાં કોઈ જ બાધ ન હોય. કોઈ જ ગતિરોધ ન હોય. અવિરત વિસ્તર્યા કરતું અફાટ એ રણ. ભૂરું, ભૂખરું. સાવ જીણી રેશમી માટીનો કણ. જમીનનો એક એવો ભાગ જ્યાં સમયચક્રનાં એક ભાગમાં દરિયાનું અસ્તિત્વ હશે?! એ પ્રશ્નાર્થ ભર્યું અચરજ ફક્ત સંભાવના નહીં પણ હકીકત હોય!! એમાંય કચ્છ… અને કચ્છનું રણ. કચ્છનો તો પોતાનો આગવો રાજાશાહી ઈતિહાસ છે. કચ્છનો ભૌગોલિક નકશો કાચબાનાં આકાર જેવો છે એમ એનું નામ કચ્છ પડ્યું. એવી લોક વાયકા છે. કચ્છનાં રણનું સૌથી મોટું આકર્ષણ એટલે ધોરડો.. ધોળું ફક રણ.

“કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.” અમિતાભ બચ્ચનનાં બુલંદ અવાજમાં ‘ખુશબુ ગુજરાત કી’ ગુજરાત ટૂરીઝમની જાહેરાત જોઈએ ત્યારે લાગણીવશ અનાયાસે ગર્વ થઈ આવે. એમાંય જો તમે કચ્છી વતની હોવ, કે કચ્છથી સંકળાયેલ હોવ.. અરે..! ગુજરાતી હોવ તોય જરાવાર અભિમાનથી એ જાહેરાત જોતે-જોતે પોરસાઈ જ જવાય..! સહેજે ઈચ્છા થઈ જ જાય ત્યાં જઈને પ્રત્યક્ષ એ ધરતીને નરી આંખે જોવાની. એ રેતાળ માટીને સ્પર્શવાની. “છેક કચ્છ રહો છો? ત્યાંથી રણ કેટલું દૂર થાય?” “ત્યાં જવા વ્યવસ્થા કરી આપને.” વગેરે પૂછવા કેટલીયવાર દેશ – પરદેશ વસતા મિત્રોનો ફોન આવે પણ કચ્છનાં વતની હોવા છતાંય અમારે ત્યાં જવાનો અવસર સાંપડ્યો નહતો.

૨૦૧૫, ગત મકરસંક્રાંતિએ અમે ધોરડો જવાનું નક્કી કર્યું. કયારે? ક્યાંથી? કોણ-કોણ જશે એ બધું ગોઠવાયું. સ્થાનિક ટૂરિસ્ટગાઈડ શોધવા પ્રયત્ન કર્યો. વિવિધ પેકેજ અને જવા – આવવાની વ્યવસ્થાની તપાસ આદરી. જાણીને ઘણી નવાઈ લાગી કે રણમાં જવું આટલું સરળ ! નાનામોટા ટૂરિઝમ પેકેજ મુજબ બસ કે ખાનગી વાહનમાં જ એક દિવસ, બે-રાત કે બે દિવસ, ત્રણ-રાત વગેરે પ્લાન હતા. એક સવારે ભુજથી પીક - અપ પોઈંન્ટ પરથી પ્રવાસીઓને લઈને સૌ પ્રથમ ભિરંડીયારા પહોંચી જઈ વાહન અને જનાર લોકોનું રજિસ્ટ્રેશન કરાવવાનું. વાહન દીઠ ૫૦ રુપિયા અને જણ દીઠ ૧૦૦/-.એ પછી ધોરડોની ‘ટૅન્ટસીટી’માં બુકિંગ કરાવ્યું હોય તો પેકેજ પ્રમાણે તંબુ મળશે, જેની સાથે જમવા / ચા – નાશ્તાની વ્યવસ્થા પણ છે. વાહન છેક સફેદરણ સુધી લઈ જઈ શકાય છે. ધોરડો ટેન્ટસીટી પહોંચ્યા બાદ છેક રણમાં મહાલવા લોકલ છકડો કે ઊંટગાડીની સવારીની મજા માણવી હોય તો એ રીતે પણ જવાય.

બીજે દિવસે સૂર્યોદય / સુર્યાસ્ત અને પેકેજ અનુસાર યોગા, સંગીત અને બીજી ઘણાં રંગારંગ કાર્યક્રમોનો પણ લાભ લઈ શકશો. એવું ટૂર આયોજકે જણાંવ્યું. તેણે ઉમેર્યું કે, ‘વળતે એજ વાહન ભુજ લઈ આવશે અને ભુજનાં હમિસર તળાવ, આયના મહેલ, મ્યૂઝિયમ જેવાં ઐતિહાસિક સ્થળો બતાવી વખણાંતી કચ્છીકામની હસ્તકલાકૃતિઓ માટે જાણીતાં સ્થળોએ ખરીદી કરવા પણ લઈ જશે.’ અમે તો ભુજનાં સ્થાનિક જ છીયે એટલે ત્યાં રોકાવાની જરૂર ન લાગી. પેકેજ લેવાનું માંડી વાળ્યું એક સ્નેહીજને યાદ અપાવ્યું કે, ‘મોરારીબાપુની કથામાં પણ જતાં આવોને.’

વૈશ્વિક નેતાનું બિરુદ મેળવી ચૂકેલા ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતનાં મુખ્ય પ્રધાન હતા એ સમયથી જ એમની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ૨૦૦૯માં કચ્છ રણોત્સવની શરુઆત થઈ. ભુજમાં હમિસરની પાળે દરવર્ષે ડિસેમ્બરમાં યોજાતા કચ્છ કાર્નિવલે ગજબનું આકર્ષણ ઉપજાવ્યું હતું. વિદેશોમાં યોજાતા કાર્નિવલો સમાચારોમાં જોયા હતા. વિવિધ વિષયોનો આધાર લઈ બનાવેલ ઝાંખી જોવાનો કાર્યક્રમ આ વર્ષે થઈ શક્યો ન હતો. કચ્છ અને કચ્છનું રણ આ વર્ષે બીજી બાબત માટે ચર્ચામાં હતું. એ છે ગુજરાતની અસ્મિતાને જાળવી રાખનાર પાંચ દાયકાઓથી રામનાં નામની અલખ ધૂન ગાનાર આપણાં સૌના પોતિકા વડીલ સમા પૂજ્ય સંત ‘શ્રી મોરારી બાપુ’ની રામકથાની ગાથા રણમાં ગવાવવાનું આયોજન થયું હતું.

એક જ દિવસમાં પતર ફરી શકાય એવું લાગ્યું. પછી તો આ તક કોણ ગુમાવે?

હું, મમ્મી-પપ્પા અને કાકા-કાકી નીકળી પડયાં. નવી નક્કોર રીટ્ટ્ઝ્ ગાડીમાં. કચ્છનાં વતની હોવા છતાંય રણ તરફની અમારી પહેલી સહેલ હતી અને નવી ગાડીનો પહેલવહેલો લાંબો પ્રવાસ હતો. અમે સ્વભાવે જરા સૂર્યવંશી એટલે નીકળવામાં મોડું થઈ ગયું હતું. કથામંડપ સુધી સમયસર પહોંચાય તો સારું મનમાં ચણચણ થતું હતું. ભુજનો મિરઝાંપર તરફ જતો કોલેજ રોડથી થઈને ભુજ એરપોર્ટરોડ તરફ જતાં,

‘હસતા રહો, આપ કચ્છમાં છો.’
‘मुस्कुराते रहिए, आप कच्छ में है।’
‘SMILE, YOU ARE IN KACHCHH’

ધોરડો DHORADO 82 KM. કાળો ડુંગર KALO DUNGAR 92 KM.
સફેદ રણ WHITE DESERT 88 KM. વિઘાકોટ VIGHAKOT 177 KM.

નેશનલ હાઈ-વે નંબર ૩૪૧નાં બંને છેડે અડિખમ ખોડેલ ઉંચું તોતિંગ બોર્ડને જોઈને ખરેખર ચહેરા પર સ્મિત આવી ગયું! પ્રવાસ પ્રત્યેનો ઉત્સાહ બેવડાયો અને એ ક્ષણે એ ઉંચા ઘેરા લીલા રંગના પાટિયાની યાદગીરી સાચવવા ક્લિક કરી લીધી.

‘સુકી જમીનનાં ખડતલ માડુ’ કહેવાય છે કચ્છી લોકોને. અહીં ફકત રણવિસ્તાર જ છે એવું નથી. બંગાળાની ખાડી, કંડલા, તુણાં, માંડવી, મુંન્દ્રા જેવા દરિયાઈ વિસ્તારો છે. ઘોરાડુ, કાળી કે ખારી માટીની જમીન અને રેતાળ જમીન પણ છે, ડુંગરાઓ અને કોતરો પણ કચ્છના વિસ્તારોમાં વિસ્તરેલ છે. જે બધા જ પ્રદેશો કરતાં કચ્છને અલાયદું બનાવે છે. આ રણનો, ડુંગરોનો અને કોતરોનો ફાયદો યુધ્ધ સમયે મળ્યો છે એવું ઈતિહાસમાં કંડારાયું છે.

‘ભોમિયા વિના મારે ભમવાતા ડૂંગરા..’ સરસ મજાનું ગીત ગણગણી લેવાનું મન થાય એવા રસ્તાઓએથી પસાર થઈ લગભગ સવાએક કલાકની મુસાફરી કરી હશે ત્યાં જ ચેક પોસ્ટ આવી પહોંચ્યું. અમારે તો સૌ પ્રથમ પૂજ્ય શ્રી મોરારી બાપુની, ‘રણમાં રામકથા’ કાંઢવાંઢમાં સમયસર પહોંચવાની તાલાવેલી હતી છતાંય ધોરડો પહોંચવા માટે અહીંથી નોંધણી કરાવી પ્રવેશ પત્ર લઈ લેવાનું યોગ્ય લાગ્યું. કાંઢવાંઢ જવા ખાવડાથી ૨૨ કિ.મી. વિરુધ્ધ દિશાએ જવાનું હતું. આશરે ૫૦ કિ.મીનો ફેરો મંજૂર હતો જો ધોરડો અને કાંઢવાંઢ બંન્ને જગ્યાએ એક જ સાથે એક જ દિવસમાં જવાનો લહાવો લેવો હોય તો.

ભુજથી ખાવડા ૭૨કિ.મી થાય. ખાવડા પહોંચવા પહેલાં ભિરંડિયારા ચેક પોસ્ટ આવે છે. ભિરંડિયારા ચેક પોસ્ટની મિલિટ્ર્રી છાવણીનું વાતાવરણ જોવાની બહુ મજા આવી. રસ્તાની એક બાજુ અનેક ગાડીઓ પાર્ક થયેલી હતી. અહીંથી સૌએ ધોરડો જવાની પરમિટ લેવાની હતી. પીળા, પાતળા કાગળિયા લઈ કોઈને કોઈ પોતપોતાનાં વાહનોનાં નંબર લખવા બોનેટને ટેકે ઉભેલ નજરે પડતા હતા. પપ્પા અને કાકા ગાડી પાર્ક કરીને ઉતર્યા. અમારું ધ્યાન ધોરીમાર્ગની એક બાજુ ધૂળિયા મેદાનમાં ગોઠવાયેલ નાનાંનાનાં ખૂમચા પર ગયું. ચણાં-મમરાની કોરી ભેળ, શેકેલ મકાઈ, ચા-પાણીનાં ઠેલાઓની આસપાસ પસાર થતાં વાહનો તરફ એક આશાસ્પદ મીટ માંડી માટીથી ખરડાયેલ ખુલ્લા પગે દોડતા છોકરાઓ જોયા. એકાદ છોકરાને હાકલ કરીને ચણાચટપટીની પ્લેટ અને મકાઈ મંગાવી. ઝડપથી રસ્તો ઓળંગતો એ ઝરાવારમાં લઈ આવ્યો. મોટી હોટલોમાં ટીપ રુપે આપીયે એટલી રકમનું એ ચણાનું પડિકું હતું. અછતગ્રસ્ત જાહેર થયેલ કચ્છને આ રીતે ભલેને નાનાં સ્તરે પણ સહેલાણીઓ દ્વારા થતી કમાણી અને તક પૂરતું, ખપ પૂરતું કમાઈ લેવાની જિજીવિષા વિશે વિચારીને પાંપણ સહેજ ભીની થઈ. વધુ વિચારવાનો સમય જ કયાં હતો? સરકારી છાવણીમાં શિસ્તબધ્ધ કામ થતું હતું. ફોટો આઈ.ડીની ઝેરોક્ષ આપી અને જણદિઠ ૧૦૦ રુપિયા અને વાહનનાં ૫૦ રુપિયા ચૂકવી, નોંધણીની કાર્યવાહિ પતાવીને અમે આગળ વધ્યા.

ગરમ ગરમ શેકેલ મક્કઈનાં કૂણાં ડોડાનાં દાણાં પર લીંબુ, મરચું-મીઠું મસાલો ભભરાવીને હું ખાતી હોઉં ત્યારે જાણે મને કાયમ ‘ડૂ નોટ ડિસટર્બ’નું બોર્ડ લગાવવનું મન થાય. અત્યારે તો અસ્સલ કચ્છની ધરતી પર પૂરઝડપથી પસાર થતાં અનેરો રોમાંચ જણાંતો હતો. મકાઈનાં મીઠા દાણાં શેકાવાથી પકડાતી તૂરાશ અને મસાલાની ખારાશ, તિખાશ માણતે માણતે પસાર થઈ પાછળ જતી ભૂખરી ધરાને જોયા કર્યું.

સામાન્યપણે ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, ખાવડા મુંદ્રા કે કંડલા એટલે કચ્છ. દાબેલી, કાળા અડદિયા, પકવાન, અને આભલાં ભરેલ ચણિયાં-ચોળી, જીણાં કસબથી ભરેલ ઉની શાલ, ખત્રીઓનાં હાથે ઝરી વણેલ મરુન રંગની બાંધણીનું ઘરચોળું એટલે કચ્છ..! લોરિયા, ભિરંડિયારા, લૂડિયા, ખાવડા, બન્ની જેવા છેક ઉત્તર કચ્છ તરફની રરેતાળ માટીની ભૂખરી અને ઝાંખી પ્રજાઓ પછાત ન જ ગણાય કેમ કે એઓ પાસે પરંપરાગત ભરતકામ, કાપાડ પરનું અજરખ-બાટિક, બંધેજનું રંગાટકામ, જેને ‘મડવર્ક’થી ઓળખીએ છીએ એ લીપેલી માટીકામનું જે હૂન્નર છે તે મબલખ કમાણી કરી શકે એમ છે પણ તક અને સરકારી મદદ છેવાડાનાં કસબી સુધી માંડ પહોંચે છે. વહેતા રસ્તાના પ્રવાહ સાથે વિચારોનાં વેગને બ્રેક લાગી. કાચાપાકા રસ્તાની એક બાજુ ઝાંખરાઓમાં બે-ત્રણ ઊંટ ચરતા દેખાયા. કુદરતની કમાલ તો જો ઊંટોનો રંગ અને કદકાઠી રણની જમીન સાથે અદ્દ્લ મેળ ખાય! સાવ નજીક આવીને જોઈએ ત્યારે ખ્યાલ આવે. ઊંટને રણનું જહાજ એમને એમ થોડી કહેવાતું હશે?

કાંઢવાંઢ નજીક આવતું હતું. ખાવડાથી ૨૨ કિ.મી દૂર કાચી સડકને ખાસ ‘રામકથા’ હેતુ સમારકામ કરાયું હતું. સેંકડો લોકો રોકાયાં છે અને હજારો દરરોજ કચ્છનાં ખૂણેખૂણેથી આવ-જા કરે છે, જમે છે. ખુબજ ભવ્ય મંડપ છે અને વ્યવસ્થા અંગે ગજબની જહેમત લીધી છે આયોજકોએ. એવુ બધું અખબારોમાં વાંચ્યું હતું. જેથી ત્યાં જઈ આવવાની તાલાવેલી કપાતા અંતર સાથે વધતી જતી હતી. પૂજ્ય શ્રી મોરારી બાપુની ‘રામકથા’નો મધુરો આસ્વાદ કચ્છની ખારી ધરતી પરનું આયોજન ખાવડા નજીક નિર્જન રણનાં નાંનકડાં કસબા ‘કાંઢવાંઢ’માં થતાં ૨૦૧૫નો રણોત્સવએ ભારે આકર્ષણ કેન્દ્રીત કર્યું હતું! વર્ષોથી તો આસ્થા ચેનલ પર લાઈવ સાંભળ્યા છે બાપુને, અમે આખા પ્રસંગને પ્રત્યક્ષ નિહાળવા પહોંચ્યાં.

દૂરથી જ ત્રિકોણાકાર પિરામિડ જેવા લાગતા કથામંડની પાસે પાર્કિંગમાં પ્રવેશ્યા. ત્યાં તબીબી સેવા આપી રહેલ એક કુટૂંબીજનને અગાઉથી જાણ કરી હતી. તેમણે વી.આઈ.પી પ્રવેશનાં પાસ લઈ રાખ્યા હતા. ફકિરોથી લઈ ધનાઢ્ય પરિવારોથી ખીચોખીચ મંડપમાં જગ્યા શોધીને બેઠાં. એ ત્રણ કલાક ફકત બાપુનાં સાનિધ્યમાં ક્યાં પસાર થઈ ગયા ખબર જ ન પડી. બાપુ તો બહુ દૂર બેઠેલા પણ મંડપનાં બંન્ને છેડે ગોઠવેલ સ્ક્રીનમાં નજર ચોટી હતી.

ચંદનસા બદન ચંચલ ચિતવન……

…. મુજે દોષ ન દેન જગ વાલોં હો જાઉં અગરમેં દિવાના….

ગાતા જતા બાપુની વાણીએથી એક એક દ્રષ્ટાંત સાથે વતાવરણમાં દિવાનગી વધતી જતી લાગી.
પૂજ્ય બાપુએ તો ફક્ક્ડ ઉજ્જડ રણને ‘રણેશ્વર મહાદેવ’નાં જયનાદથી ઉત્સવને ગજવીને અમર કરી દીધો. અહીં આ ધરાએ સિમાડાની રક્ષા કરતા જવાનોની સુરક્ષાની પ્રાર્થના કરી ત્યારે રુવાંડાં ખડાં થઈ ગયા! ધાર્મિક કથામાં માર્મિક પ્રાસંગિક બોધ અને સાહિત્યિક સંવાદો, લોક સંગીતનાં સમંન્વયની અનુભૂતિ કરી. સમગ્ર પરિસરમાં જાણે ઈશ્વરીય અનુકંપા વરસાતી હતી.

સોનાંમાં સુગંધ ભળી હોય એમ કથામંડપમાંથી વિ.આઈ.પી પ્રસાદમંડપ તરફ જતી વખતે જોગાનુજોગ પ્રખ્યાત લોકપ્રિય લેખિકા સુશ્રી ‘કાજલ ઓઝા વૈધ’ને જોયાં. એમણે કથાનાં આહવાન સમયે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. અમે જરા મોડાં પહોંચ્યાં હતાં જેથી કાજલબેન કથામંડપમાં હાજર છે એ ખ્યાલ જ નહતો. ઉત્સાહથી એમને જોતાં વેંત એમની તરફ હાથ લંબાવીને બોલાવ્યાં. ખુબજ સહજતાથી એમણે અભિવાદન જીલ્યું. એમનાં અનેક પુસ્તકો અને લેખો મનઃપટ પર ઝપાટાબંધ પસાર થઈ ગયા. “તમને ફેસબુકથી ફોલો કરું છું મે’મ.” એવું કહી એમની સાથે એક તસ્વીર લેવાની તક ઝડપી લીધી. આહા! બાપુની કથામાં કાજલબેનને આટલી સરળતાથી મળવું સ્વપન સમું લાગ્યું! આ સ્થળે ઈંન્ટરનેટનું સિગનલ મળતું જ નહતું. જેથી ‘ચેકઈન લોકેશન’નું ફેસબુક સ્ટેટસ મૂકી ન શકી હોવાનું દુઃખ થયું. સિક્યુરીટી અને કથામંડપની આમન્યા જાળવવા કદાચ અહીં નેટવર્કની વ્યવસ્થા ન કરાઈ હોય એવું બનવાજોગ હોઈ શકે. પ્રસાદ લઈ પાછા ફરતી વખતે પ્રાંગણમાં કેટલાંય શહેરી પોતીકાં મળ્યાં. ‘અરે તમે અહીં?’ પૂછી અહોભાવના વ્યક્ત કરી. અતિવ્યવસ્થિત સુઆયોજનની પ્રશંસા કરી.

‘આજે જમવામાં શું છે?’ બાપુ રોજ પૂછે. એની પાછળ એજ આશય હોય શકે કે આટાઅટલી સંખ્યામાં નાતજાતનાં ભેદ વિના લોકો આવે છે, અન્નગ્રહણ કરે છે એજ મોટી વાત છે! આનંદ પ્રગટ કરવા અને પ્રસાદમંડપની વ્યવસ્થા જોવા અચાનક બાપુની ગાડીનો કાફલો દેખાયો. કાળી ઓડીમાં આગલી જ સીટ પર બેઠેલ બાપુનાં સાવ નજીકથી દર્શન કરી ધન્યતા અનુભવતા કાંઢવાંઢનાં રેતાળ મેદાનો ખૂંદતાં અમે કથાનાં પુસ્તકોનાં સ્ટોલ પર ગયાં. ‘માનસરામ કથા અને નરસૈયો’ની સી.ડી પ્રસાદી ભેંટ સ્વરુપે કુટુંબીજનોને આપવા ચાર-પાંચ નંગ ખરીદી. કથા શ્રવણ કરતી વખતે સાવ ગરીબ નાના ભૂલકાં થેલીમાં નાનાં પુસ્તકોનું વિતરણ કરતાં ફરતાં હતાં. બાપુની કથાસારનાં પુસ્તકોનું સાહિત્યિક મૂલ્યાંકન કેમ થાય? એ અમૂલા પુસ્તકો વીસ-પચ્ચીસ રુપિયામાં ખરીદીને પેલા બાળકોને જાણે નજીવી આર્થિક સહાય કરી એવું આશ્વાસન લીધું બપોરનાં ત્રણેક વાગ્યા હશે, અમે કાંઢવાંઢનાં કથામંડપ પર રણમાં ખુલ્લેઆમ ખોડાયેલ કથામંડપને વંદન કરી ધોરડો જવા નીકળ્યાં.

વીસેક કિલોમીટર ખાવડા તરફ અવળાંટી મુસાફરી કરી. ભિરંડિયારા ચેક પોસ્ટને આંતરીને ધોરડો સુધી દોટ મૂકી. છૂટાછવાયા માટીનાં શંકુઆકાર ભૂંગાવાળું રસ્તામાં સરસ મજાનું એક રિઝોર્ટ દેખાયું. જાણે કોઈ નાનકડું ગામડું વસ્યું. યાદ આવ્યું કે આ તો પેલા ‘તારક મે’તા’ સિરિયલવાળા જેઠાલાલ થોડા દિવસ પહેલાં જે જગ્યાનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા એ સ્થળ લાગે છે. શહેરની નકલી માનવસર્જિત દુનિયામાં વસ્તા લોકો ઈશ્વરની વૈભશાળી સૃષ્ટિને શોધવા પૃથ્વીનાં ખૂંણેખૂણાં સુધી પહોચ્યો છે માનવ. નાંણાં, શિક્ષણ અને જ્ઞાનનાં અભાવે રહેતી પછાત પ્રજાની જીંદગી જીવવા સુશિક્ષિત પૈસાદાર વર્ગ અઢળક નાંણાં ખરચી કુદરતનો ખોળો ખુંદવા મથતો હોય એવું અનુભવ્યું. ધોરડો ૩.કિ.મીનું પાટિયું સડકનાં કિનારે જોયું. અહીં જરાતરા ફોનનું નેટવર્ક મળવા લાગ્યું’તું.

ઓનલાઈનની આભાસી દુનિયામાંથી હરતો ફરતો એક મેસેજ આવ્યોઃ- “વન અને રણ. એક લીલુંછમ અને બીજું કોરુંકટ. અને એટલે જ જી-વન અને મ-રણ…..” એકવાર નહીં વારંવાર વાંચ્યાં કરીયે એવું આ વાક્ય..! વન અને રણની સરખામણી એક અક્ષરમાં થઈ ગઈ. “વધુ વૃક્ષ વાવો, રણને વધતાં અટકાવો.” આવું પણ શાળામાં કાળા બોર્ડ પર સફેદ ચોકથી લખેલું ઘણીવખત વાંચ્યું હોય છે. સામાન્ય માનસિકતા મુજબ રણ એટલે વરવું, વિકરાળ અને વિરાન. હા, એવું હોય છે પણ ખરું! ‘જળ એ જ જીવન’ તે ન્યાયે જ્યાં જળ જ ન મળે એ જગ્યા કપરી જ હોય ને? અનાજ, ફળ-ફુલ સરળતાથી ઉપલબ્ધ જ ન હોય એ સ્થળ તો સ્થૂળ થવાનું જ! બે મત નથી એમાં.

જગતે આધૂનિકતાનો ઓપ લીધો છે; ટેરવે ક્ષણમાં દુનિયા સર કરી શકાય છે! એવામાં શું દરિયો કે શું રણ..!! ભૌગોલિક નકશાઓ હથેળીમાં સમાંય એવાં સાધનોમાં જોવાય છે. એવી પરિસ્થિતિમાં માણસ સાહસિક થઈ ગયો છે. રોમાંચિત અને ખતરાનાં અખતરા કરવા મળે એવી પ્રવૃત્તિઓ કરવામાં ક્યાં અચકાય છે?! અંડરવોટર ડાઈવ કે પેરાગ્લાઈડિંગ કરવામાં પોતાને કુદરત સાથે જોડે છે. એમાં એ નાણાં પણ ખર્ચી નાખે છે; અનુભવની કિંમત અંકાય?

જોતજોતાંમાં લાલ હિસ્સામાં ‘રણોત્સવ’ અને સફેદ ભાગમાં ‘વ્હાઈટ રણ’ અંગ્રેજીમાં લખેલ પાટિયું નજીક આવી પહોંચ્યું. ચાલતી ગાડીએ રિવ્યુર મિરરમાં સ્મિત સહ ચહેરો દેખાય એમ એ પાટિયા સાથે કોઈજ અડચણ વિનાનું નકરું રણ દેખાય એવા દ્રશ્યને કેમેરામાં કેદ કરવા ‘સેલ્ફિ’ લઈ લીધી!

રણોત્સવનાં વિશાળ મિલિટ્ર્રી છાવણીવાળા વિસ્તારમાં પ્રવેશી પેલો પીળો પરવાનો બતાવી અમે આગળ વધ્યા. ટૅન્ટસીટી અને હંગામી બજાર ઉભી કરી હોય એવો ‘હાટ’ એરિયા પણ વટાવી ગયા. ચારેકોર રણ વચ્ચે બેટ બનાવ્યું હોય હોય એમ પાકો રસ્તો હતો. સિમેંન્ટેડ રસ્તાનો અંત હતો ત્યાં સુધી ગાડી હંકારી ગયા. લગભગ સાત હજાર ચો.કિ.મીથી વધુ જમીનમાં આ રણ વિસ્તરેલ છે એ પછી પાકિસ્તાન તરફની સરહદ શરુ થાય છે.

હિલ સ્ટેશનો કે બર્ફાચ્છાદિત પ્રદેશો કે દરિયા કિનારો એ કુદરતી પર્યટન સ્થળો છે જ, એવી જ રીતે સફારી અને સેંચ્યુરીઝમાં ફરવા જવું એ એડ્વેંચરની ફેશન વધી છે. રણમાં જવું સહેલું છે કઈં? વડીલો વિચારતાં હશે આવું પણ આજની પેઢીએ સઘળે પગપેસારો કર્યો છે. રણ સહારાનું હોય, રાજસ્થાનનું કે કચ્છનું.. રણ તો રણ છે છતાંય રેતી રેતીમાંય કેવો ફેર ! કદાચ મૂળભુત ભાતિગળ પૃષ્ઠભૂમિને લીધે અસર હશે એ બનવાજોગ છે. લોકોને મહાલવું ગમે છે. રોજિંદા જીવનમાંથી જરાવાર બદલાવ જોઈએ છે. રણમાં જવામાં શું વાંધો? સુરક્ષા અને સગવડો સચવાતી હોય, કુદરતી સાનિધ્ય હોય અને વળી વૈભવી જીવનશૈલી સચવાતી હોય એથી રુડું શું? આ જ બધી બાબતો ભેગી કરી કચ્છનાં વિશિષ્ઠ પરિશિષ્ઠ સફેદ રણ તરફ નજર કરી. ત્યા પહોંચવું બહુ અઘરું નથી. સરકારી કાર્યવાહી પણ જાજી નથી જ. એટલું ખર્ચાળ પણ નથી. અબાલ-વૃધ્ધ કોઈને પણ ત્યાં જવું ગમે/ફાવે તેવું છે જ. વ્યવસ્થાઓ અતિવ્યવ્યસ્થિત છે. મોંઘા માનવસર્જિત એમ્યુઝ્મેંટ પાર્કને તો બનાવવામાં અને બનવામાં જ આર્થિક, માનનવીય ઉર્જાઓ ખપી જાય છે. અહીં બધું મફત છે. ચોખ્ખી હવા, આકાશ અને જમીન વચ્ચેની ક્ષિતિજરેખાવાળું અભેદ વાતાવરણ અને ઝાડ, પહાડો અને મકાનો વિના નિર્વિગ્ને નિહાળી શકાય છે સુર્યોદય અને સુર્યાસ્ત એ મોટો નફો ! સલૂંણી કુદરતી સંપત્તિને બિરદાવાતો ઉત્સવ એટલે કચ્છનો રણોત્સવ.

ગાડીમાંથી ઉતરીને સૌને હળવા થવાનું મન થયું. હંગામી તોયે પાકાં ભંધકામનાં સુલભ શૌચાલયો હતાં. તાજાં થઈ થોડું આગળ ચાલ્યાં. દૂરથી રંગબેરંગી છત્રીઓ દેખાતી હતી. આસપાસ ટોળું જામ્યું હતું. એ ટોળાને ચીરીને છેક આગળ ગયાં.

બિ.એસ.એફ ખરેખર જવાબદારી સાથે જાહેરજનતાને સુરક્ષિત અને આનંદદાયક માહોલ ખડો કર્યો હતો. ઠેકઠેકાણે મુકાયેલ ચેક પોસ્ટ અને સુરક્ષાકર્મીઓની ફરજ વચ્ચે ઊંટ સાથે રજૂ કરાતી મિલિટ્રીનાં જવાનોની અચંબિત કરી દેનાર વિવિધ કરતબો ચાલતા હતા. દંગ રહી જવાય એવા ખેલ હતા એ.

માઈકમાંથી નીકળતો અવાજ એ ઊંટો અને મિલિટ્ર્રીનાં જવાનો વિશેની માહિતી આપતો હતો. કયા યુદ્ધમાં અને કઈ ટૂકડી રણમાં ઊંટોનું મહત્વ અને વિવિધ યુદ્ધોમાં એમની કામગીરીની ગાથા અનેરી લઢણમાં હિન્દી ભાષામાં બોલાતી હતી. સુંદર રંગીન ફુમતાંઓ અને કોડાં, ઘૂઘરીઓ લટકાવેલ દોરીવાળા આભૂષણોમાં સજ્જ ઊંટો સરકસમાં દેખાડાતા હોય એવા ખેલ બતાવતા હતા. થોડા દિવસો પછી મહિલા મિલિટ્ર્રીની ટૂકડીઓ પણ આવા ખેલ બતાવવા આવશે એવું સંભળાતું હતું. અદ્વિતિય નજારો હતો એ. ત્રણ બાજુએ ઘેરાયેલ મેદનીનો છેદ કરી નાચતા ઊંટો કરતબ કરતા હતા. હવે સુરજનું જોર જરા ઘટ્યું હોય એવું લાગ્યું. સાંજ ઢળવા પહેલાં ભૂજ પહોંચવું હતું. અમે ડોઢેક કિ.મી સફેદ રણ તરફ ચાલ્યા.

એક ઈટાલિયન કવિએ રણમાં સુંદર મજાનું ફૂલ ખીલતાં જોયું, ખળખળ કરતી નદી જોઈ વગેરે વર્ણન કરતી એક કવિતા રચી. આલોચકોએ એ કાવ્યને નકારી દીધું. વાસ્તવિકતાથી એ વિપરિત હતું. ત્યારે કવિએ પોતાની કવિતાનું તથ્ય સમજાવતાં કહ્યું કે મેં રણમાં જાતે જઈને જે અનુભવ્યું જે કલ્પનાઓ કરી એ મેં વર્ણવ્યું છે. તમે ખોટા નથી પણ મારું કાવ્ય પણ એટલું જ સાચું છે! આ દ્રષ્ટાંત પપ્પાએ રણમાં ચાલતે ચાલતે સંભળાવ્યું. રંગબેરંગી કપડાંમાં ટહેલતાં લોકોમાં મને એ કવિની ફૂલ ખિલ્યાની ઉપમા નજરે પડી. લોકોનાં કોલાહલમાં નદીના વહેણનો ખળખળાટ સંભળાયો!

સફેદ રેતી પર થાંભલે બાંધેલ દોરી પર કરાતાં ખેલો, ખાણીપીણી ને અસલ કચ્છી કસબને ન્યાય આપતી હોય એવી હસ્તકલાની હાટો! રણમાં જ મેળો જામ્યો હોય એમ લાગે.

એ છે રણોત્સવ…!

ખાસ પ્રકારનાં ટાઢ-તાપ જીલી શકે એવા તંબૂઓથી રચેલ ‘ટેન્ટ સીટી’… સ્વચ્છ શૌચાલય, સુઘડ પથારી અને અસંખ્લિત વિજળીની વ્યવસ્થા. બીજું જોઈએ પણ શું? હંગામી વસવાટ જ છે ને? ક્યાં કાયમી નગર છે આ. ‘મોંધું બહુ’ કહેનારાઓને માણતાં ન શીખવાડાય. ભુજમાં આવેલી ‘ભુજહાટ’ની જેમ જ અહીં કચ્છનાં ખૂંણાંખાંચરાનાં ગામડાંઓથી બનાવેલ હસ્તકલાઓ અને ભરતકામની અનેકવિધ વસ્તુઓ, આભલા, મોતી અને કોડાંઓથી સજાવેલ રંગીન ડ્રેસ, કુર્તિ, ચાકડા, પાકિટો, પાથરણાં અને શાલનો ઢગલો જોઈ કોઈપણ કળાપ્રેમીને આ સ્થાન સ્વર્ગ સમું જ લાગે એમ હતું. આ રીતે પ્રવાસોને અને રોજગારને પ્રોત્સાહન મળે છે.

ચા-નાશ્તાની દૂકાનોમાં શહેરમાં હોય એથીય વધુ ભીડ જામી હતી. વિશ્વવિખ્યાત ‘કચ્છની દાબેલી’ની અહીં પણ બોલબાલા હતી જ! પાણીપુરી, ભેલ અને પાઉંભાજી સિવાય ચાઈનિઝ અને સાઉથ ઈન્ડિયન નાશ્તાઓ મળતા હતા. રણમાં કઈં ખૂટે તેમ હતું જ ક્યાં જાણે!

દેશી – વિદેશી સહેલાણીઓનાં ટોળાં જોવાની પણ નોખી મજા છે. ફોટો પડાવતી વખતે ક્ષણિક મૃદુ સ્મિત કરી લે એટલે પૈસા અને ધક્કો વસુલ. વળી, એ દિવસે તો ઉત્તરાયણ હતી સફેદરણનાં ખુલ્લા મેદાનમાં એકલદોકલ પતંગો ઉડાન ભરતા હતા. વયોવૃધ્ધ કે શારીરિક ખોટવાળા પ્રવાસીઓ માટે નાની સુંદર સજાવેલ ઠેલણ ગાડી જોઈને હાશકારો અનુભવ્યો. સરકાર શ્રીએ આ સ્થળને વિકસાવ્યું એ પહેલાં હિન્દી ફિલ્મકાર જે.પી. દત્તાનું ચલચિત્ર જેમાં કરિના કપુર અને અભિષેક બચ્ચન પ્રથમ વખત રૂપેરી પડદે પ્રયાણ કર્યું હતું તે ‘રેફ્યુજી’નું ફિલ્માંકન અહીં જ થયું હતું. એ સમયે જાહેરજનતાને અહીંનું મહત્વ કદાચ રખેને ખ્યાલ હશે. નહીંતો એ સમયમાં ઓછી પસંદ કરાવાઈ હતી. આજે ‘રણોત્સવ’નાં નેજા હેઠળ કચ્છનાં કે ગુજરાતનાં જ નહીં પરંતું દુનિયાનાં નકશામાં ‘ધોરડો’એ રણપ્રદેશ તરીકે મહત્વનું સ્થાન મેળવ્યું છે.

ફડફડાટ વાતા ગતિઅવરોધ વિનાના પવનને ફાટેલ ગાલ સાથે પણ માણી લેવાનું મન થઈ જ જાય. કચ્છીમાં કહું તો “મોકે હેડા પાછું અચણું આય…”. (“મારે અહીં ફરીથી આવવું છે…”) એવું અહીંથી વળતી વખતે પાંપણોમાં કેદ કરી આંજણની જેમ આંજીંને રણમેદાનમાં ડૂબતો સુરજને નિહાળવાનું કુદરતી દ્રશ્યને જોતાં મનોમન કહેવાઈ જવાયું.

શર્દોત્સવથી શરુ થતો આ રણોત્સવ હોળી સુધી એટલે કે નવેંબરથી માર્ચ સુધી ચાલે છે. ઉનાળામાં રણ ભઠ્ઠીની જેમ તપે છે પણ શિયાળામાં અહીં નિરાંતે મહાલી શકાય છે.

સુર્યોદય તો ન નિહાળી શક્યાં પણ સૂર્યાસ્ત માણ્યો સફેદ રણનો. ઢળતી સાંજ વાતાવરણને ઠંડું કરતું ગયું. રણની સફેદીમાં અકાશની ચાંદનીનાં પ્રકાશે રેતીમાં રૂપેરી છાંટ ભળતી જોઈ અમે શહેર તરફ પ્રયાણ કર્યું. મકરસંક્રાંતિ હોવાથી મોડી સાંજ પછી ગામમાં પ્રવેશતાં જ આકાશમાં પ્રકાશિત ટુલ્લક ઉડતાં જેખાયાં ! આભ ઝળહળી ઉઠ્યું હતું. “ખાવડાનો તાજો ગરમ ગરમ મીઠો માવો લેતાં આવજો.” પરિવારમાંથી ફોન આવ્યો. ભિરંડિયારા પછી ફાનસનાં અજવાળે ચૂલો પેટાવતો કારિગર લારી પર દૂધનો શેકેલ માવો વેંચતો દીઠો. ગાડી સાઈડમાં ઉભાડી માવાની ગુણવતા ચકાશી. ગામમાં મોટી કંદોઈની દુકાનોમાં મળે એથીએ ‘હાઈજીન’ ડબ્બામાં પેક કરેલ શુધ્ધ તાજો માવો સૌ માટે લીધો.

કથાનાં પ્રસાદનો ઓડકાર છાતીએ અટક્યો હતો એમાં બિજાં વ્યંજનો સવારથી ન જ ખાઈ શક્યા. રસ્તામાં સાથે લાવેલ ગુજરાતીઓનો પ્રવાસ જેનાં વિનાં અધૂરો લાગે એવા સેવ-મમરા, થેપલાં અને અથાણું ખાધાં.

એક માન્યતા અનુસાર જતી વખતે રસ્તો ઘણો આઘો લાગે છે પણ વળતી વખતે ઘર કયાં આવી જાય છે ખ્યાલ જ નથી આવતો. ઘરે આવીને પથારી પર લંબાવી આખા દિવસનું સરર્વૈયું કાઢતે હું મનમાં જ કલબલાટ કરી ઉઠી “આ માણસ કઈં માટીનો બન્યો છે? કોને ખબર..! રણનાં ઢેફાંઓમાં પણ કેવી મૌજ શોધી લે છે!”

  • કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’
  • kunjkalrav@gmail.com
    kunjkalrav.wordpress.com