પિન કોડ - 101 - 39 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 39

પિન કોડ - 101

પ્રકરણ-39

આશુ પટેલ

ઈનોવા જમણી તરફ વળીને અર્બન તડકાવાળા રોડ પર આગળ વધી એ વખતે યાકુબે તેની મોટરસાઈકલ ઇનોવાથી થોડી આગળ લઈ લીધી. કોઈ પોતાના વાહનની આગળ રહીને પીછો કરતું હોય એવો વિચાર ક્યારેય કોઈને ન આવી શકે, એટલે કોઇ રોડ પરથી વાહન વચ્ચેથી ક્યાંય વળી જાય એવી શક્યતા ન હોય ત્યારે જેનો પીછો કરતા હોઇએ એ વાહનથી થોડી વાર માટે આગળ નીકળી જવું એવી તાલીમ કાણિયાએ યાકુબને આપી હતી.. યાકુબે એ નાનકડા રોડના છેડા પાસે પહોંચીને વળાંકથી થોડા ફૂટ પહેલા પોતાની મોટરસાઈકલ રસ્તાની ડાબી બાજુ ઊભી રાખીને એવો ડોળ કર્યો કે જાણે તેને મોબાઈલ ફોન પર કોઈનો કોલ આવ્યો હોય અને તે કોલ રિસિવ કરવા ઊભો રહ્યો હોય.
યાકુબે પોતાના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન બહાર કાઢ્યો અને કાને માંડ્યો. એ દરમિયાન ઈનોવા ફરી વાર આગળ નીકળી ગઈ અને એ રોડ પૂરો થયો ત્યાંથી ડાબી તરફ વળી. યાકુબે ઝડપથી મોબાઈલ ફોન ખિસ્સામાં મૂક્યો અને મોટરસાઈકલ ભગાવી મૂકી. તેણે લેફ્ટ ટર્ન લીધો એ પછી થોડા મીટરના અંતરે જ એક ત્રિભેટેથી એક રસ્તો જમણી તરફ અને બીજો રસ્તો ડાબી તરફ જતો હતો. ઈનોવા જમણી તરફ વળી.
યાકુબ સલામત અંતરે મોટરસાઈકલ ચલાવતો હતો. જોકે આ રીતે વધુ સમય સુધી પોલીસની ઈનોવા પાછળ રહેવામાં જોખમ હતું એની તેને ખબર હતી. તેણે થોડા મીટર દૂર ટ્રાફિક સિગ્નલ જોયું. પોલીસવાળાઓની ઈનોવા ટ્રાફિક સિગ્નલની પરવા નહીં કરે એની તેને ખબર હતી, પણ ટ્રાફિક સિગ્નલ પર કેટલાંક વાહનો ઊભા હતા એટલે ઈનોવાએ ઊભા રહેવું જ પડે એમ હતું. યાકુબે મોટરસાઈકલની સ્પીડ થોડી વધારી. ઈનોવા ઊભી રહી એ વખતે યાકુબ ઈનોવાની બાજુમાં પહોંચી ગયો. યાકુબે ઈનોવાની ડાબી બાજુ મોટરસાઈકલ ઊભી રાખી. તેની અને ઈનોવા વચ્ચે ત્રણ ફૂટ જેટલુ અંતર હતું. તેણે વીજળી વેગે પોતાની પિસ્તોલ બહાર કાઢી અને ગોળીબાર શરૂ કર્યો.
* * *
ઈનોવાની આગલી સીટમાં બેઠેલા અધિકારીએ ઓમરને ગાળ આપતા આપતા તેના તરફ ઝૂકીને તેના ગળા પર અંગૂઠો દબાવ્યો એ વખતે જ યાકુબે છોડેલી ગોળી તે અધિકારીના માથામાં ધરબાઇ ગઇ.
ઈનોવામાં બેઠેલા પોલીસવાળાઓને એવી કલ્પના નહોતી કે આ રીતે કોઈ તેમના પર ગોળી ચલાવશે એટલે પહેલી બે-ત્રણ સેક્ધડ તો એ બધા સ્તબ્ધ થઈ ગયા. પણ એ પછી તરત જ ઓમરની જમણી બાજુ બેઠેલા પોલીસવાળાએ અને ઈનોવા ચલાવી રહેલા પોલીસવાળાએ પોતાની પિસ્તોલ ખેંચી કાઢી. ઓમરની ડાબી બાજુએ બેઠેલા પોલીસમેને પણ પોતાની પિસ્તોલ ખેંચવાની કોશિશ કરી.
જોકે ઓમરની ડાબી બાજુ બેઠેલો પોલીસમેન પોતાની પિસ્તોલ કાઢે એ પહેલા તો યાકુબે છોડેલી બીજી ગોળી તેના ખભામાં ધરબાઈ ગઈ હતી. ઓમર વચ્ચે બેઠો હતો એટલે તે બચી ગયો હતો.
ઇકબાલ કાણિયાએ યાકુબને આદેશ આપી રાખ્યો હતો કે ઓમર ગદ્દારી કરીને પોલીસની સાથે મળી જાય કે પોલીસ તેને ઊંચકી લે તો તેની જબાન કાયમ માટે બંધ કરી દેવી. જોકે કાણિયાએ તાકીદ કરી હતી કે પોલીસવાળાઓને નિશાન ના બનાવવા, સિવાય કે હું આદેશ આપું. કાણિયાની એ તાકીદ ભૂલીને મરણિયા બનેલા યાકુબે ઓમરની ડાબી બાજુ બેઠેલા પોલીસમેનના માથામાં ગોળી ધરબી દીધી. આ દરમિયાન સિગ્નલ ગ્રીન થઈ ગયું હતું અને યાકુબને બેફામ ગોળીબાર કરતો જોઈને રોડ પર ભાગદોડ મચી ગઈ હતી. યાકુબ ચોથી ગોળી છોડે એ પહેલાં ઈનોવા ચલાવનારા પોલીસવાળાએ તેના તરફ ગોળીબાર શરૂ કર્યો. બીજી બાજુ ઓમરની જમણી બાજુ બેઠેલો પોલીસવાળો અકલ્પ્ય ઝડપે તેની બાજુનો એટલે કે યાકુબથી વિરુદ્ધ દિશાનો દરવાજો ખોલીને ઇનોવામાંથી બહાર નીકળ્યો અને યાકુબની પિસ્તોલમાથી છૂટી રહેલી ગોળીઓની પરવા કર્યા વિના ઇનોવાની પાછળની બાજુએ થઇને યાકુબ તરફ ધસ્યો.. યાકુબને સમજાઈ ગયું કે તેની પાસે હવે સમય નથી. તેણે પિસ્તોલનો ઘા કર્યો અને મોટરસાયકલ ભગાવી મૂકી. તેણે ડાબી બાજુ ટર્ન લેવાની કોશિશ કરી પણ પેલા બે પોલીસવાળાઓએ છોડેલી ગોળીમાંથી એક તેની પીઠમાં ખૂંપી ગઈ અને બીજીએ તેના જમણા બાવડાને વીંધી નાખ્યું. યાકુબ મોટરસાયકલ સાથે રોડ પર પછડાયો અને તેની આંખ સામે અંધારૂ ઊતરી આવ્યું.
* * *
આ દરમિયાન ઓમર ભયથી થરથર કાંપી રહ્યો હતો. તેને મોત નજર સામે દેખાઈ ગયું હતું. તેના ચહેરા પર પેલા બે પોલીસ અધિકારીનું ગરમ લોહી ફેંકાયું હતું. અચાનક તેને જાંઘમાં પણ ગરમાટાનો અહેસાસ થયો. તેને સમજાયું કે ડરને લીધે તેનાથી પેશાબ થઈ ગયો હતો!
બીજી ક્ષણે તેને તમ્મર આવી જાય એવો મુક્કો તેના લમણા પર ઝીંકાયો. અને સાથે તેના કાને શબ્દો અથડાયા: ‘હરામખોર, *% તારે લીધે ગાયકવાડસાહેબને અને ભોંસલેને ગોળી વાગી!’
* * *
વાઘમારે સાત બંગલો વિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેમણે સલીમને અને બીજા કેટલાંક મોટરસાયકલવાળાઓને બે ટ્રાફિક હવાલદાર પાસે ઊભેલા જોયા. તે બન્ને અત્યંત ગંભીર ચહેરે જાણે કોઈ મોટો મીર મર્યો હોય એમ મોટરસાયકલસવારોને દબડાવી રહ્યા હતા. વાઘમારેએ થોડા ફૂટ દૂરથી જોયું કે એક હવાલદાર એક મોટરસાયકલસવાર પાસેથી સોની નોટ લઈ રહ્યો હતો.
વાઘમારેએ સ્કોર્પિયો ઊભી રખાવી અને નીચે ઊતરીને તેમણે લાંચ લઈ રહેલા હવાલદારને બેરહેમીથી ફટકારવા માંડ્યો. . તેમનો રોષ શબ્દોરૂપે પણ બહાર આવી ગયો: સાલા હલકટ *% હમણાં અહીંથી એક કાળા ગ્લાસવાળી એમ્બ્યુલન્સ પસાર થઈ એમાં એક છોકરીનું અપહરણ કરીને લઈ જવાઈ રહી હતી. એ એમ્બ્યુલન્સ રોકવાનું તને ન સૂઝ્યું અને ડ્યૂટી કરવાને બદલે તું તારા ખિસ્સા ભરી રહ્યો છે! તારા જેવા હરામખોરો જ ગુનેગારોને મદદરૂપ બને છે.’ પછી તેમણે સોની નોટ આપી રહેલા મોટરસાયકલસવારને પણ એટલા જોરથી અડબોથ મારી કે તે જમીન પર પડી ગયો. તે પડી ગયો પછી પણ તેને ઝનૂનપૂર્વક લાતો મારીને વાઘમારેએ તેના પર પણ પોતાની દાઝ ઉતારવા માંડી: સાલા *% તારા જેવા *% તરફથી મળતી આવી સોની નોટ આવા *% હવાલદારોને ક્યારેક દેશદ્રોહીના હાથા બનવા સુધી લઈ જાય છે.
પેલો હવાલદાર અને મોટરસાયકલસવાર કાળને જોઈ ગયા હોય એ રીતે ફફડી રહ્યા હતા. વાઘમારેને એક સબઈન્સ્પેક્ટરે શાંત પાડ્યા, નહીં તો વાઘમારેએ એ બન્નેને હૉસ્પિટલ ભેગા કરવા પડે એટલા ફટકાર્યા હોત. વાઘમારેનું રૌદ્ર સ્વરૂપ જોઈને એક ટ્રાફિક કોન્સ્ટેબલ તો ત્યાંથી ભાગી ગયો હતો.
એમ્બ્યુલન્સ હાથમાંથી નીકળી ગઈ એને કારણે વાઘમારે હતાશા અને આક્રોશની લાગણી અનુભવી રહ્યા હતા ત્યાં જ તેમના મોબાઈલ ફોનની રીંગ વાગી. તેમણે જોયું કે ડીસીપી મિલિન્દ સાવંતનો કોલ આવી રહ્યો હતો. વાઘમારેએ તરત જ સેલ ફોન કાને માંડ્યો. ‘શું થયું વાઘમારે? પેલી છોકરી તમને મળી? સી.પી. એ છોકરી વિશે પૂછી રહ્યા છે.’ ડીસીપી સાવંતે પૂછ્યું.
વાઘમારેએ કહેવું પડ્યું કે હું અંધેરીની હોટેલમાં પહોંચ્યો એ પહેલા જ કેટલાંક માણસો પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તરીકે આપીને એ છોકરીને હોટેલમાંથી ઊઠાવી ગયા.
‘ઓહ નો!’ ડીસીપી સાવંતે કહ્યું.
‘મેં ટ્રાફિક ક્ધટ્રોલને કહીને એ એમ્બ્યુલન્સનો નંબર બધા ટ્રાફિક પોઈન્ટ પર પહોંચાડી દેવા કહ્યું છે.’ વાઘમારેએ કહ્યું અને પછી સામે સલીમને ઊભેલો જોઈને ઉમેરી દીધું, ‘સદ્ભાગ્યે મારા ખબરીએ એ એમ્બ્યુલન્સનો નંબર નોંધી લીધો હતો.’
અચાનક વાઘમારેના મનમાં ઝબકારો થયો. તેમણે કહ્યું, ‘સર, હજી એ એમ્બ્યુલન્સ સુધી ઝડપથી પહોંચવાનો એક રસ્તો બચ્યો છે.’

(ક્રમશ:)