પિન કોડ - 101 - 40 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 40

પિન કોડ - 101

પ્રકરણ-40

આશુ પટેલ

વાઘમારેએ ડીસીપી સાવંતને કહ્યું, ‘હજી એ એમ્બ્યુલન્સ સુધી ઝડપથી પહોંચવાનો એક રસ્તો બચ્યો છે. મારા ખબરી સાથે ઓમર માટે કામ કરનારો એક માણસ હજી એ એમ્બ્યુલન્સ પાછળ જ છે. મારો ખબરી પણ એ એમ્બ્યુલન્સની પાછળ જ હતો, પણ બે લબાડ ટ્રાફિક હવાલદારને કારણે એમ્બ્યુલન્સ આગળ જતી રહી. જોકે એમ્બ્યુલન્સ હજી મોટાભાગે તો વર્સોવામાં અને એમાંય યારી રોડ નજીક જ ક્યાંક હોવી જોઈએ...’
વાઘમારે હજી પોતાની વાત પૂરી કરે એ પહેલા તો ડીસીપી સાવંતે કહ્યું, ’વાઘમારે આપણે થોડીવાર પછી વાત કરીએ. મને કોઈનો કોલ આવી રહ્યો છે. મે ઓમરને ઊંચકાવી લીધો છે. ઓમરને ઊંચકનારી ટીમના એક અધિકારીનો મને કોલ આવી રહ્યો છે.’
વાઘમારેએ સલીમને કહ્યું, ‘ઓમરને ક્રાઈમ બ્રાંચે ઊંચકી લીધો છે. તુ મોહસીનને કોલ કર.’
* * *
‘મોહસીન, કોઈ ગરબડ છે એટલે ઓમરભાઈએ મને પણ તારી સાથે જ રહેવાનું કહ્યું છે. પેલી એમ્બ્યુલન્સ ક્યાં પહોંચી છે? તું એની પાછળ જ છે ને?’ સલીમ મોહસીન સાથે સેલ ફોન પર વાત કરી રહ્યો હતો.
‘વર્સોવા કબ્રસ્તાન પાસે એમ્બ્યુલન્સ આવી છે. એમાંથી પેલી છોકરી અને બીજી એક છોકરી ત્રણ આદમી સાથે એક મકાનમાં ગયા છે. ઓમરભાઈએ જેના પર ધ્યાન રાખવાનું કહ્યું હતું એ છોકરી બેહોશ હતી. એટલે તેને ઊંચકીને અંદર લઈ ગયા.’ મોહસીને કહ્યુ.
‘શું?’ છોકરી બેહોશ હતી?’ સલીમે આશ્ર્ચર્યથી પૂછ્યું.
‘હા. કઈ સમજાતું નથી.’
‘તુ ક્યાં ઊભો છે?’
‘હું મકાનથી થોડે દૂર જ ઊભો છું. ઓમરભાઈનો નંબર બંધ જ આવે છે. તું ક્યાં છે?’
સલીમે કહ્યું, ‘મને ઓમરભાઈએ કહ્યું હતું કે કંઈક ગરબડ છે એટલે તું પણ તરત જ હોટેલ બહાર પહોંચીને મોહસીન સાથે જ રહેજે. પણ હું આવ્યો ત્યારે મેં હોટેલમાંથી એમ્બ્યુલન્સ નીકળતા જોઈ અને તને તેની પાછળ જતા જોયો એટલે હું પણ તારી પાછળ રવાના થયો હતો, પણ વચ્ચે હું ઓમરભાઈનો નંબર લગાવવાની કોશિશ કરતો હતો ત્યારે ટ્રાફિક પોલીસે મને અટકાવ્યો એમાં હું પાછળ રહી ગયો. તું ત્યાં જ ઊભો રહે. હું હમણાં જ પહોંચુ છું.’
‘હું અહીં ધ્યાન રાખુ છું. તું ઓમરભાઈને ઓફિસમાં જઈને મળ અને કહે કે આગળ શું કરવાનું...’ મોહસીન બોલી રહ્યો હતો ત્યાં જ અચાનક સલીમને કંઈક અવાજ સંભળાયો અને બીજી સેકંડે મોહસીનના ઊંહકારાનો અવાજ આવ્યો. સલીમ ‘હલ્લો’ ‘હલ્લો’ કરતો રહ્યો અને સામેથી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.
સલીમના મોબાઈલ ફોનના સ્પીકર પર બધું સાંભળી રહેલા વાઘમારેએ સ્કોર્પિયોમાં ગોઠવાતા ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા કોન્સ્ટેબલને ઉદ્દેશીને બૂમ મારી, ‘શિર્કે, વર્સોવા કબ્રસ્તાન તરફ ગાડી ભગાવ.’
* * *
‘સર, ઇકબાલ કાણિયાએ ગુજરાતના દરિયાકિનારે પણ આરડીએક્સ ઉતાર્યું છે, એવી માહિતી મારા ખબરીએ હમણા જ આપી.’ સેંટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોનો સિનિયર ઇન્ટેલિજન્સ અધિકારી ક્રિશ્નકુમાર આઇ.બી.ના આઇજીપી પવન દીવાનને ફોન પર કહી રહ્યો હતો.
‘એનો અર્થ એ થયો કે તે ગુજરાતમાં પણ કોઇ કારસ્તાન કરવાની વેતરણમાં પડ્યો છે.’ આઇજીપી પવન દીવાન બોલ્યા. પછી તરત જ તેમણે પૂછ્યું: તમારા ખબરીએ પહેલા કેમ માત્ર મુંબઇમાં જ આરડીએક્સ ઊતર્યું છે એવી માહિતી આપી?’
‘સર, ગુજરાતમાં પણ આરડીએક્સ ઊતયુર્ં છે એવી તેને પણ હમણા જ ખબર પડી.’ ક્રિશ્નકુમારે કહ્યું.
‘તમારા ખબરીને માહિતી આપનારો માણસ સાચી જ માહિતી આપી રહ્યો છે એની ખાતરી છે? ખબરીને માહિતી આપનારો માણસ કાણિયા સાથે સમ્પર્કમાં છે?’ આઇજીપી દીવાને સવાલ કર્યો.
‘હા, સર. પણ હમણા ઘણા દિવસથી કાણિયો તેને મળ્યો નથી. કાણિયો વર્સોવા ગયો એ પહેલા તે મારા ખબરીએ ફોડેલા તેના માણસને ડોંગરીમાં મળ્યો હતો. કાણિયાએ તે માણસને વર્સોવા કબ્રસ્તાન પાસે લોકોની અવરજવર પર સતત નજર રાખવાનું કહ્યું છે. કાણિયાના માણસો તેના માધ્યમથી ઘણા સંદેશાની આપલે કરે છે.’
‘તમારા ખબરીનો માણસ કાણિયાને વર્સોવામાં નથી મળ્યો તો કાણિયો વર્સોવામાં જ છે એવું તે કઇ રીતે ખાતરીપૂર્વક કહે છે? કાણિયો ઇરાદાપૂર્વક ખોટી માહિતી નથી પહોંચાડી રહ્યો ને? અને કોઇ અજાણ્યા માણસને અજાણ્યા વિસ્તારમાં સતત એક જગ્યાએ રાખવાનું જોખમ લે એટલો બેવકૂફ તો કાણિયો છે નહીં!’ આઇજીપી દીવાને કહ્યું.
સર, કાણિયો સ્માર્ટ છે એટલે તેણે એક પાનવાળાને ફોડીને તેના સગા તરીકે એક માણસને ગોઠવી દીધો છે. કાણિયાએ પાનવાળાની જગ્યાએ ગોઠવાયેલો તેનો માણસ મારા ખબરીને બધી માહિતી આપી રહ્યો છે. મારો ખબરી કહે છે કે કાણિયો વર્ષોથી એ માણસને પોતે જ્યા હોય એની આજુબાજુમાં ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવાનું કામ સોંપતો રહ્યો છે. એટલે અત્યારે તેણે તે માણસને પાનના ગલ્લાવાળા તરીકે ગોઠવ્યો છે એનો અર્થ એ જ છે કે તે એ વિસ્તારમાં જ ક્યાંક છુપાયો છે. વળી તેના ખાસ માણસોની અવરજવર પણ એ વિસ્તારમાં વધી ગઇ છે. એ બધાને પેલો નકલી પાનવાળો ઓળખે છે.’ ક્રિશ્નકુમારે વિસ્તારપૂર્વક માહિતી આપી.
‘ગુજરાતમાં ક્યા આરડીએક્સ ઊતયુર્ં છે એ માહિતી મળી?’
‘ના સર. ગુજરાતમાં આરડીએક્સ ચોક્કસ કઇ જગ્યાએ ઊતર્યું છે એ માહિતી તો નથી મળી, પણ એ જાણવા માટે મેં મારા ખબરી દ્વારા પેલા નકલી પાનવાળાને મોટી રકમની લાલચ આપી છે. તેને પૈસાની સખત જરૂર છે એટલે જ તે જોખમ ઉઠાવી રહ્યો છે.’
‘શક્ય એટલી ઝડપથી માહિતી મેળવવાની કોશિશ કરો અને મને સતત અપડેટ આપતા રહેજો.’ ક્રિશ્નકુમારને તાકીદ કરીને આઇજીપી પવન દીવાને કોલ ડિસ્કનેક્ટ કર્યો.
* * *
સાહિલ તરફ ફરીને રિક્ષાચાલકે પોતાનો મોબાઇલ ફોન તેના તરફ લંબાવતા પૂછ્યું: તમે પોલીસને કોલ કર્યો હતો? તમારા માટે કોલ છે.’
એ સાંભળીને સાહિલને થયું કે તેને જાણે વીજળીનો આંચકો લાગ્યો છે. તે સમજી ના શક્યો કે તેણે રિક્ષાવાળાના ફોન પરથી ‘ગ્રેસ રેસિડેંસી’ હોટેલમાં કોલ કર્યો એ પછી થોડી સેકંડમા જ તેને એ નંબર પર પોલીસનો કોલ કઇ રીતે આવી ગયો?
આ દરમિયાન રિક્ષાવાળાએ મોબાઇલ ફોન તેના હાથમાં થમાવી દીધો હતો. ગભરાઇ ગયેલા સાહિલે એ કોલ કાપી નાખ્યો. રિક્ષાવાળો અરે! અરે!’ બોલી રહ્યો હતો ત્યા સાહિલે તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો. રિક્ષાવાળાને તેનો ફોન પાછો આપતા સાહિલ ઝડપથી રિક્ષામાથી નીચે ઊતરી ગયો. તેણે સોની નોટ કાઢીને રિક્ષાવાળાને પકડાવી દીધી. રિક્ષાવાળો બૂમો પાડતો રહ્યો પણ સાહિલ દોડીને પાછળની દિશામાં ભાગ્યો. એ વખતે રિક્ષા અમિતાભ બચ્ચનના ‘પ્રતીક્ષા’ બંગલોવાળા સિગ્નલને ક્રોસ કરીને થોડે આગળ ઊભી હતી. સાહિલ થોડા ફૂટ દોડીને મુખ્ય રોડ પરથી ‘પ્રતીક્ષા’ બંગલોથી વિલેપાર્લે કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલ તરફ જતા રોડ પર પહોંચી ગયો. રિક્ષાવાળો રોંગ સાઇડમાં તેની પાછળ નહીં આવે એટલું જ તેણે વિચાર્યું હતું. એ અંદરના રોડ પર ગર્લ્સ હોસ્ટેલ પાસે રોડના ત્રિભેટે પહોંચ્યા પછી તેણે રોડની સામેની બાજુએ જઇને બીજી રિક્ષા પકડી. તેણે કહ્યું: ચન્દન હો કે વર્સોવા લે લો.’ રિક્ષા ચન્દન થિએટરની દિશામાં થોડી આગળ વધી ત્યારે તેણે એક ઊંડો શ્ર્વાસ લીધો. તેનુ હદય જોરજોરથી ધડકી રહ્યું હતું. તેને એટલું જ સમજાતું હતું કે તે અને નતાશા કોઇ મોટી આફતમાં ફસાઇ ગયા હતા. તેણે આજ સુધી માત્ર થ્રિલર નોવેલ્સમાં જ વાંચ્યુ હતું કે ફિલ્મોમાં જ જોયું હતું એવુ તેની અને નતાશાની સાથે બની રહ્યું હતું.
ગમે એવો હોશિયાર માણસ કોઇ મુશ્કેલીમા મુકાય ત્યારે ક્યાક તો થાપ ખાઇ જ જાય છે. સાહિલે પણ પેલો કોલ રિસિવ નહીં કરીને મોટી ભૂલ કરી હતી. તેને ત્યારે એટલું જ યાદ હતું કે થોડી વાર અગાઉ કોઇ અજાણ્યા માણસે તેને સેલ ફોન પર ધમકી આપી હતી કે તારી ગર્લફ્રેંડને સલામત જોવા ઇચ્છતો હો તો વર્સોવા પહોંચી જા. અને પોલીસનો સંપર્ક કરવાની ભૂલ ના કરતો.
એ વખતે તો સાહિલને એ ના સમજાયું કે તેણે પોલીસનો કોલ રિસિવ નહીં કરીને ભૂલ કરી હતી, પણ થોડી સેકંડો પછી તેનું હાંફવાનુ બંધ થયું ત્યારે તેને પોતાની એક બીજી ભૂલ યાદ આવી અને તેના મનમા ધ્રાસ્કો પડ્યો!

(ક્રમશ:)