પિન કોડ - 101 - 38 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 38

પિન કોડ - 101

પ્રકરણ-38

આશુ પટેલ

ડોન ઈકબાલ કાણિયાએ ઓમર પર નજર રાખવા મૂકેલા માણસ યાકુબે ઓમરની ઑફિસમાં ગયેલા માણસો વિશે કાણિયાને માહિતી આપીને કોલ ડિસ્કનેક્ટ કર્યો એ વખતે જ તેણે જોયું કે ઓમરની ઑફિસમાં ગયેલા પેલા હટ્ટાકટ્ટા માણસો ઓમરને લઈને બહાર આવી રહ્યા હતા. એમાંથી એક માણસે ઓમરને બાવડેથી પકડ્યો હતો અને એક માણસનો હાથ ઓમરની બોચી પર હતો.
એ જોઈને યાકુબ છળી પડ્યો. પેલા માણસોએ ઓમરને સફેદ રંગની ઈનોવામાં ધકેલ્યો અને એ બધા પણ ઈનોવામાં ગોઠવાયા. યાકુબે સ્વસ્થ થઈને ઈનોવાનો નંબર મનમાં નોંધી લીધો. એ ઈનોવા શરૂ થઈ એટલે યાકુબે પણ પોતાની મોટરસાઈકલને કીક મારી અને ઈનોવામાં બેઠેલા માણસોને શંકા ન જાય એટલા અંતરે તે તેમની પાછળ રવાના થયો. ઈનોવા આરામનગરમાંથી બહાર નીકળીને યારી રોડ પર આવી અને ડાબા હાથે વળીને દોડવા લાગી. યાકુબ થોડું અંતર રાખીને ઈનોવાની પાછળ મોટરસાઈકલ ચલાવવા માંડ્યો. તેને સમજાઈ ગયું હતું કે ઓમરને પોલીસે ઊંચકી લીધો છે. યાકુબે હેલ્મેટ પહેરી હતી. આવા સમયે તેને હેલ્મેટ બહુ કામ લાગતી હતી. ઈનોવામાં બેઠેલા માણસોને શંકા ન જાય એ રીતે તેણે પીછો શરૂ કર્યો. તેને તાલીમ મળી હતી કે પોલીસ અને અંડરવર્લ્ડની વચ્ચે જે વધુ હોંશિયાર સાબિત થાય એનો હાથ ઉપર રહેતો હોય છે. ઈનોવામાં બેઠેલા પોલીસવાળાઓમાંથી કોઈની નજર પાછળ હશે જ કે કોઈ તેમની પાછળ નથી આવી રહ્યુંને એવું અનુમાન લગાવીને તે મોટરસાઈકલ ચલાવી રહ્યો હતો. ઈનોવા યારી રોડના ખૂણે પહોંચી અને એનું જમણી બાજુનું ઇંડિકેટર ચાલુ થયું, પણ ઇનોવા જમણી તરફ વળે એ પહેલા સાત બંગલો તરફથી આવી રહેલી એક એમ્બ્યુલન્સે યારી રોડ તરફ વળાંક લીધો એટલે ઈનોવા થોડી સેક્ધડ ઊભી રહી ગઈ. યાકુબ હવે ઈનોવાથી થોડા ફૂટ જ દૂર હતો. તેણે પોતાની મોટરસાઇકલ ઊભી રાખવાને બદલે ઇનોવાની બાજુમાં પહોંચીને એની લગોલગ ઊભી રાખી. પોતે ઇનોવાનો પીછો કરી રહ્યો હોય એવી બિલકુલ શંકા ના જાય એ માટે શું કરવું જોઇએ એની બરાબર તાલીમ તેને મળી હતી.
* * *
જમણી બાજુ વળવા માટે ઇનોવા ઊભી રહી એ વખતે ઓમરનું ધ્યાન પણ પેલી એમ્બ્યુલન્સ પર પડ્યુ. એ સાથે તેની આંખમાં પણ ચમક આવી. કાળા કાચવાળી એમ્બ્યુલન્સની અંદર કશું જોઈ શકાય એમ નહોતું, પણ એ એમ્બ્યુલન્સ પર એક સંસ્થાનું નામ જોઈને ઓમરને સમજાઈ ગયું કે એ એમ્બ્યુલન્સ કોની છે.
ઈકબાલ કાણિયા તેની ઘણી પ્રવૃત્તિઓ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતો હતો. મુંબઈનો એક સમયનો પાવરફૂલ ડોન વરદારાજન મુદલિયાર એટલે કે વર્દા સ્મગલિંગ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતો હતો. એમાંથી પ્રેરણા મેળવીને કાણિયાએ તેની ગૅંગ માટે ઘણી નાની મોટી એમ્બ્યુલન્સ વસાવી હતી. આજે જ તેણે ઓમરને કહ્યું હતું કે પેલી નતાશા નાણાવટી તારી ઑફિસમાં આવે એટલે તેને બેહોશ કરીને એમ્બ્યુલન્સમાં નાખીને એક જગ્યાએ લઈ જવાની છે. ઓમરને લાગ્યું કે કદાચ ઈકબાલભાઈના માણસો જ નતાશાને આ એમ્બ્યુલન્સમાં લઈ જતા હશે. એ જ વખતે તેનું ધ્યાન થોડે દૂર મોટરસાઈકલ પર આવી રહેલા મોહસીન પર ગયું એટલે તેને ખાતરી થઈ ગઈ કે ચાલો નતાશા ‘સલામત’ હાથોમાં જ ગઈ છે. ઓમર હવે સ્વસ્થતા મેળવી રહ્યો હતો. તેને થયું કે પોલીસ તેની પૂછપરછ કરશે પણ તેની વિરુદ્ધ પોલીસને કંઈ મળી શકશે નહીં એટલે પોલીસે જખ મારીને તેને છોડી દેવો પડશે. ઈકબાલભાઈએ તેને બધું સમજાવ્યું હતું કે પોલીસ તારા સુધી પહોંચે તો શું કરવું. પોલીસ તેને નતાશા વિશે પૂછે તો તેણે એક જ વાત પકડી રાખવાની હતી કે, હું મોડેલ કો-ઓર્ડિનેટિંગ એજન્સી ચલાવું છું એટલે આવી અનેક છોકરીઓ મારા સંપર્કમાં આવતી હોય છે. આ છોકરી પણ મારી એજન્સી સાથે કોન્ટ્રેક્ટ કરવા તૈયાર થઈ હતી. તમે મારી ઑફિસમાં પડેલું એગ્રીમેન્ટ જોઈને એ વાતની ખાતરી કરી શકો છો.
ઈકબાલભાઈએ તેને હસીને કહ્યું હતું કે આ દેશના કાનૂન ગરીબ લોકો માટે જ છે. પૈસાવાળાઓને કોઈ કાનૂન લાગુ પડતા નથી અને આપણા જેવાઓ કાનૂનનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી શકે છે. ભૂલેચૂકેય પોલીસના હાથમાં પડી જવાય તો એક જ વાત પકડી રાખવી કે મેં કોઈ ગુનો કર્યો નથી, મને તમે ખોટા કેસમાં ફિટ કરી રહ્યા છો. બાકીનું આપણા વકીલો સંભાળી લેશે.
ઈનોવા હળવા આંચકા સાથે ગતિમાં આવી ત્યારે ઓમરને સમજાયું કે થોડી સેક્ધડમાં કેટલાં બધા વિચારો તેના મનમાં ઝબકી ગયા હતાં. ઈનોવા જમણી તરફ વળીને અર્બન તડકા રેસ્ટોરાંવાળા રોડ પર દોડવા લાગી એ સાથે આગળની સીટમાં બેઠેલા માણસે ઓમર તરફ ફરીને કહ્યું, ‘ફટાફટ ઓકવા માંડ. ઈકબાલ કાણિયા શું કારસ્તાન કરી રહ્યો છે અને એમાં તારો શું રોલ છે?’
ઓમરને આંચકો લાગ્યો. પોતે કાણિયા સાથે સંપર્કમાં છે એની આ પોલીસવાળાઓને ખબર છે! જોકે, તેણે પોતાને મળેલી સૂચનાનું પાલન કરતા પોતે ઈકબાલ કાણિયાને જાણતો જ ન હોય તે રીતે કહ્યું, ‘કોણ ઈકબાલ કાણિયા?’
‘તારો બાપ!’ જવાબ મળ્યો. એ જ વખતે તેની આજુ-બાજુ બેઠેલા બે પોલીસવાળાઓમાંથી ડાબી બાજુ બેઠેલા પોલીસવાળાએ પોતાનો જમણો હાથ ઓમરની જાંઘના મૂળમાં નાખીને જોરથી તેનાં વૃષણ દબાવ્યા. ઓમરથી ચીસ પડાઈ ગઈ. તેને લાગ્યું કે તે દર્દથી બેહોશ થઈ જશે. તેના વૃષણ દબાવનારા પોલીસવાળાએ કહ્યું, ‘યાદ આવી ગયું કોણ કાનિયા? નહીં તો યાદ કરવામાં હજી મદદ કરું!’ ઓમરની હાલત એવા વિદ્યાર્થી જેવી હતી કે જેની સામે પરીક્ષા ખંડમાં પેપર આવ્યું હોય અને એમા પાઠ્યપુસ્તિકાની બહારના સવાલો જોઈને તે મૂંઝાઈ ગયો હોય.
‘પ્લીઝ.’ તે માંડ બોલી શક્યો. પેલા પોલીસવાળાએ તેના વૃષણ પરથી પકડ ઢીલી કરી અને પોતાનો હાથ પાછો લઈ લીધો.
આગળની સીટ પર બેઠેલા પોલીસવાળાએ ઓમરને કહ્યું, ‘આ તો ટ્રેલર છે. હજી રસ્તામાં છીએ. આપણે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં પહોંચીએ એ પહેલા બધુ ઓકી નાખ નહીં તો આખુ પિક્ચર કેવું હશે એની કલ્પના કરી જો! તું તો ટ્રેલરમાં જ રાડ પાડી ગયો છે!’
ઓમરને સમજાયું કે બિલકુલ નાદારી નોંધાવવાથી નહીં ચાલે. પોલીસને એટલી તો પાક્કી ખબર પડી જ ગઈ છે કે પોતે અંડરવર્લ્ડ ડોન ઈકબાલ કાણિયાના સંપર્કમાં છે એટલે સમય મેળવવામાં એ વાત સ્વીકારી લેવામાં જ સાર છે. અને હજી પોતે કોઈ ગુનો ક્યાં કર્યો છે કે પોલીસ તેને ફાંસીએ ચડાવી દેશે. તેને ઈકબાલની બીજી સલાહ યાદ આવી ગઈ કે પોલીસનુ ટોર્ચર સહન કરવાની નોબત આવે તો થોડી ઉપરછલ્લી માહિતી આપીને છટકવાની કોશિશ કરવી. પછી કોર્ટમાં ફરી જવાનું કે અમાનવીય ટોર્ચર થકી પોલીસે મારી પાસેથી આ કબૂલાત કરાવી હતી.
‘ભોંસલે.’ ઓમર થોડી સેકંડ કઇ બોલ્યો નહીં એટલે આગલી સીટમાં બેઠેલા પોલીસવાળાએ કહ્યું. એ કદાચ આ બધાનો સિનિયર અધિકારી હતો એવું તેના વર્તન અને બોલવા પરથી ઓમરને સમજાયું હતું. તે અધિકારી માત્ર ભોંસલે’ એટલું બોલ્યો એ સાથે ઓમરની ડાબી બાજુ બેઠેલા પોલીસવાળાએ તેનો હાથ ઓમરના વૃષણ તરફ લંબાવ્યો.
ઓમરે તરત જ કહ્યું, ‘કહું છું. કહું છું. બધુ કહું છુ.’
‘બકવા માંડ. એ તારા માટે સારું રહેશે.’ આગળ બેઠેલા અધિકારીએ કહ્યું.
‘ઈકબાલભાઇને હું...’ ઓમર આગળ બોલે એ પહેલાં પેલા અધિકારીએ તેના વૃષણ તરફ નજર કરી એટલે ઓમર ધ્રુજી ગયો. તેણે તરત જ પોતાની ભૂલ સુધારી લેતા કહ્યું, ‘ઈકબાલ કાણિયાને હું મળ્યો હતો એ વાત સાચી છે, પણ તમે માનો છો એ રીતે હું
તેની સાથે સંકળાયેલો નથી. તેને એક છોકરીમાં રસ પડ્યો હતો એટલે તેણે મને ડોંગરીમાં મળવા
બોલાવીને કહ્યું હતું કે એ છોકરી એક રાત માટે
મારા સુધી પહોંચાડી દે તો તું માગે એટલા પૈસા તને આપીશ...’
‘તને મારા ચહેરા પરથી એવું લાગે છે કે હું *% છુ? સીધી વાત કર *?* ...’ પેલા અધિકારીએ કહ્યું અને પાછળ તરફ ઝૂકીને તેણે ઓમરના ગળા પર અંગૂઠો દબાવ્યો. ઓમરને ધોળા દિવસે તારા દેખાઈ ગયા. તે કંઈક બોલવા ગયો પણ તેના ગળામાંથી અ... અ... એટલો જ જવાબ નીકળી શક્યો.
જોકે, પછીની ક્ષણે જે બન્યું એનાથી ઇનોવામાં બેઠેલા બધા પોલીસવાળા સ્તબ્ધ બની ગયા.
(ક્રમશ:)