પિન કોડ - 101 - 37 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 37

પિન કોડ - 101

પ્રકરણ-37

આશુ પટેલ

‘સાહિલ?’ અજાણ્યા નંબર પરથી કોલ કરનારા માણસે પૂછ્યું.
‘હા. બોલુડ્ઢ છું.’ સાહિલે કહ્યું.
‘તારી ગર્લફ્રેન્ડ નતાશા અમારા કબજામાં છે.’ પેલા માણસે કહ્યું.
સાહિલ ધ્રુજી ગયો. ‘કોણ બોલો છો તમે?’ તેણે પૂછ્યું.
‘હું કોણ બોલું છું એ મહત્ત્વનું નથી. તારી ગર્લફ્રેન્ડ હજી સલામત છે એ મહત્ત્વનું છે. અને એ સલામત રહે એ માટે તારે શું કરવાનું છે એ સાંભળ...’ સામેવાળાએ ધમકીભર્યા અવાજે કહ્યું.
સાહિલ હેબતાઈ ગયો. પેલો આગળ કંઈ બોલે એ પહેલાં જ તેણે કહ્યું: ‘તમે જેમ કહો એમ હું કરીશ, પણ નતાશાને કઈ ના કરતા, પ્લીઝ.’
‘ગુડ. હવે ધ્યાનથી સાંભળ મારી વાત...’
તે માણસ આગળ કઇ બોલે એ પહેલા જ સાહિલે આજીજી કરી: ‘મારી એક વાર નતાશાની સાથે વાત કરાવી દો, પ્લીઝ.’
‘નતાશા અત્યારે બેહોશ છે.’ સામેવાળા માણસે કહ્યું.
‘બેહોશ? શું થયું છે તેને? શું કર્યું છે તમે તેને? તેને કંઈ થયું હું તમને છોડીશ નહીં...’ સાહિલ ઉશ્કેરાઈ ગયો.
‘રિલેક્સ. અમે તેને ક્લોરોફોર્મની મદદથી બેહોશ કરી છે, બીજું કંઈ નથી થયું તેને.’ પેલા માણસે ઠંડકથી કહ્યું અને પછી તેણે સાહિલને યાદ પણ અપાવી દીધું ’તને તારી ગર્લફ્રેન્ડ માટે પ્રેમ હોય એ સમજી શકું છું, પણ તુ ઉશ્કેરાઈને વાત કરીશ તો તું તેને જ નુકસાન પહોંચાડીશ એ તને સમજાય છે? અત્યારથી સ્થિતિમાં ઘમકીની ભાષા અમે વાપરી શકીએ એમ છીએ, તું નહીં! ઉશ્કેરાવાથી કોઇનો ફાયદો નથી. તું જેમ ઉશ્કેરાઈ ગયો એમ મને સામે ઉશ્કેરાટ આવી જાય અને હું ઉશ્કેરાઇને તારી ગર્લફ્રેન્ડને ગોળી મારી દઉ તો? એટલે શાંતિથી વાત કર.’
‘આઇ એમ સોરી.’ સાહિલે તરત જ માફી માગી લીધી અને પછી કહ્યું, ‘તમે જેમ કહેશો એમ હું કરીશ, પણ તેને કોઈ તકલીફ ના પહોંચાડતા. હું તમને હાથ જોડું છું.’
‘તારે હાથ-પગ જોડવાની જરૂર નથી. હું કહું તે પ્રમાણે કરીશ તો તને તારી ગર્લફ્રેન્ડ સહીસલામત મળી શકશે.’ સામેથી કહેવાયું.
‘જી.’ અસહાયતાની અને લાચારીની લાગણી અનુભવી રહેલા સાહિલે કહ્યું.
પેલા માણસે સૂચના આપવા માંડી. જો કે, એ સૂચનાના એક એક શબ્દમાં ધમકી છૂપાયેલી હતી.
સામેવાળાએ વાત પૂરી કરી ત્યા સુધીમાં સાહિલના શરીર અને મનમાંથી જાણે બધી ઊર્જા હણાઈ ચૂકી હતી. કોલ પૂરો થયો એ પછી તે થોડીક સેક્ધડ સ્તબ્ધ બનીને સેલફોન તરફ તાકી રહ્યો. હજી થોડીવાર પહેલાં જ રાજ મલ્હોત્રાએ તેને અણધારી ઓફર આપી ત્યારે તે એવી અનુભૂતિ કરી રહ્યો હતો કે તે જાણે આસમાનમાં વિહરી રહ્યો હોય, પણ એક અજાણ્યા માણસના કોલને કારણે તે જાણે આસમાનમાંથી જમીન પર નહીં પણ સીધો ઘોર અંધકારવાળા પાતાળમાં પટકાયો હોય એવું તે મહેસૂસ કરી રહ્યો હતો.
સાહિલને અચાનક યાદ આવ્યું કે તે રાજ મલ્હોત્રાની કંપનીની કારમાં પ્રવાસ કરી રહ્યો છે અને ડ્રાઈવરની હાજરીમાં જ તેણે પેલા અજાણ્યા માણસ સાથે વાત કરી હતી.
સાહિલને પેલા માણસે કહ્યું હતું કે તારો સેલફોન બંધ કરી દે અને સીધો વર્સોવા પહોંચ. પેલા માણસે તેને સમજાવ્યું હતું કે વર્સોવામાં તેણે કયા પહોંચવાનું છે. એ માણસને એ પણ ખબર હતી કે તે રાજ મલ્હોત્રાને મળીને નીકળ્યો હતો. અને તે કઈ કારમાં, કયા નંબરની કારમાં છે એની પણ તેને ખબર હતી. તે માણસે કહ્યું ત્યાં સુધી તો સાહિલને પણ ખબર નહોતી કે તે કયા નંબરની કારમાં બેઠો છે!
એ વખતે સાહિલને સમજાયું કે કોઈ માત્ર નતાશાનો જ નહીં તેનો પણ પીછો કરી રહ્યો હતું. સાહિલે મગજ પર બહુ ભાર દઈને સમજવાની કોશિશ કરી કે કોઈ તેનો અને નતાશાનો પીછો શા માટે કરે? પણ મગજ બહુ કસવા છતા તેને કઇ સમજાયું નહીં. તેને નતાશાની ચિંતા કોરી ખાતી હતી કે તે ક્યાં હશે, કેવી હાલતમાં હશે.
સાહિલે બહાર જોયું. તેની કાર જૂહુ તારા રોડ પર સી પ્રિન્સેસ’ હૉટેલની બાજુમાંથી પસાર થઈ રહી હતી. બપોરે બહુ ટ્રાફિક નહોતો એટલે તે બહુ ઓછા સમયમાં મહાલક્ષ્મીથી જૂહુ સુધી પહોંચી ગયો હતો.
સાહિલને યાદ આવ્યું કે તેને કોલ કરનાર માણસે તાકીદ કરી હતી કે તારી પાસે છે એ કારમાં ભૂલેચૂકેય મારી પાસે ન આવતો.
‘સાહિલ સ્વસ્થતાથી વિચારી શકવાની સ્થિતિમાં નહોતો, પણ સી પ્રિન્સેસ’ હૉટેલ પાસેથી પસાર થતી વખતે તેને થયું કે એ કોઈ હૉટેલમાં જતો રહે તો બહાનુ કાઢીને ડ્રાઈવરને રવાના કરી શકે. તેણે ડ્રાઈવરને કહ્યું, ‘મુજે મેરિયેટ હૉટેલ મેં છોડ દો.’
પોણી મિનિટમાં તેની કાર જે.ડબલ્યુ મેરિયેટ હૉટેલમાં પ્રવેશી. હૉટેલના મુખ્ય દરવાજે સિક્યોરિટીવાળાઓએ કાર ચેક કરી એ થોડી સેક્ધડ્સ પણ સાહિલને બહુ લાંબી લાગી. કાર પોર્ચમાં પ્રવેશીને હૉટેલની આલિશાન લોબીના દરવાજા સામે ઊભી રહી એ વખતે સાહિલે ડ્રાઈવરને કહ્યું, ‘આપ ચલે જાના. મુજે યહાં લેટ હોગા. મૈં વર્સોવા કે બિલ્ડિંગમેં પહુંચ જાઉંગા. મૈં કુલકર્ણીજી સે ઔર ઉપલેકરજીસે બાત કર લૂંગા.’
સાહિલ, રાજ મલ્હોત્રાની કંપનીના લોગોવાળી કારમાંથી નીચે ઊતર્યો એ વખતે મેને યાદ આવ્યું કે મુંબઈ આવ્યા પછી અનેકવાર તેણે એવા દીવાસ્વપ્નો જોયા હતા કે તે લક્ઝુરિયસ કારમાંથી ઊતરીને કોઈ ફાઈવ સ્ટાર હૉટેલમાં પ્રવેશી રહ્યો હોય. અત્યારે એ દીવાસ્વપ્ન વાસ્તવિકતામાં પલટાઈ ગયું હતુ ત્યારે તેનું મન બને એટલી ઝડપથી હૉટેલની બહાર નીકળીને રિક્ષા પકડવા માટે તેને ધક્કો મારી રહ્યું હતું. નતાશાનું કોઈએ અપહરણ કર્યું છે એ બિહામણી વાસ્તવિકતાને કારણે તે વિચલિત થઈ ગયો હતો.
સાહિલ હૉટેલની લોબી ક્રોસ કરીને જમણી તરફના છેડેના બાર પાસે થઈને રેસ્ટ રૂમમાં પ્રવેશ્યો. બીજી મિનિટે તે રેસ્ટ રૂમમાંથી બહાર આવ્યો અને લોબી પસાર કરીને પોર્ચમાંથી ઊતરી હૉટેલ બહાર રોડ પર પહોંચી ગયો. તેને લાગ્યું કે તે આ રીતે બહાર નીકળ્યો એટલે બધા તેને જોતા હશે. જોકે, અત્યારે તેના માટે કોણ શું વિચારશે તે મહત્ત્વનું નહોતું. રોડ પર આવ્યા પછી તેણે એક રિક્ષાને હાથ ઊંચો કર્યો. રિક્ષાવાળો સીધો હશે એટલે તેણે તરત જ રિક્ષા ઊભી રાખી દીધી. સાહિલ રિક્ષામાં ગોઠવાયો અને તેણે કહ્યું, ‘વર્સોવા.’ રિક્ષાવાળાએ કશું બોલ્યા વિના રોબોની જેમ રિક્ષા ગતિમાં આણી.
અચાનક સાહિલના મનમાં ઝબકારો થયો કે તેણે એકવાર હૉટેલમાં કોલ કરીને ખાતરી કરવી જોઈએ. સાહિલે પોતાનો સેલ ફોન ફ્લાઈટ મોડ પર મૂકી દીધો હતો. અને પેલા માણસની ધમકીને કારણે પોતાનો ફોન વાપરવાનું ટાળીને રિક્ષાવાળાને કહ્યું, ‘ભાઈસા’બ એક કોલ કરના હૈ આપકા મોબાઈલ ફોન દેંગે? મૈં આપકો પૈસે દે દૂંગા.’
રિક્ષાચાલકે તરત જ પોતાના શર્ટમાંથી મોબાઈલ ફોન કાઢીને સાહિલને આપ્યો.
સાહિલે પોતાના સેલ ફોનમાં નતાશાના એસએમએસમાંથી હૉટેલનો નંબર જોઈને રિક્ષાચાલકના મોબાઈલ ફોનથી એ નંબર લગાવ્યો.
તેણે પોતાનું નામ આપવાને બદલે પોતાના દોસ્ત રાહુલના નામથી વાત કરી. તેણે હૉટેલના રિસેપ્શન પર કહ્યું કે મને નતાશા નાણાવટી સાથે વાત કરાવો એટલે સામેથી કોલ હોલ્ડ કરવા કહેવાયું. થોડી વાર મ્યુઝિક વાગ્યું અને પછી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો.
સાહિલે ફરી વાર હૉટેલનો નંબર લગાવ્યો, પણ એ વખતે નંબર બિઝી આવ્યો. તે ત્રીજીવાર નંબર લગાવે એ પહેલાં રિક્ષાચાલકના મોબાઈલ ફોન પર કોઈનો કોલ આવ્યો એટલે તેણે રિક્ષાચાલકને ફોન આપ્યો. રિક્ષાચાલકે રિક્ષા રસ્તાની ડાબી બાજુએ ઊભી રાખીને કોલ રિસિવ કર્યો.
રિક્ષાચાલકે કોલ કરનારા સાથે વાત કરી અને ચોથી સેકંડે તે સાહિલ તરફ ફર્યો. તેણે સાહિલને એક સવાલ કર્યો એ સાથે સાહિલને લાગ્યું કે તેના શરીરમાથી હાઇ વોલ્ટેજ ઈલેક્ટ્રિક કરંટ પસાર થઇ ગયો છે!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Jagdishbhai Kansagra

Jagdishbhai Kansagra 8 માસ પહેલા

Naresh Bhai

Naresh Bhai 2 વર્ષ પહેલા

yogesh

yogesh 2 વર્ષ પહેલા

Jyoti Trivedi

Jyoti Trivedi 4 વર્ષ પહેલા