પ્રકરણ નં.૨૦
ઇન્ટેલિજન્સ જ્યોર્જ ડિસોઝાની સૂચના અનુસાર અધિરાજ સુધી પહોંચવા માટે સક્રિય બનેલા પાંચ ઇન્ટેલિજન્સ ઓફિસરો એવું માનતા હતાં કે, શિપિંગ બિઝનેસમેન ગોપાલદાસ મારફત તેઓ પોતાના આ મિશનમાં સફળ થઇ શકશે. જોકે તેઓને એ વાતની ખબર ન્હોતી કે તેઓની સફળતા અન્ય કોઈ એક વ્યક્તિની ઈચ્છા પર જ નિર્ભર રહેવાની હતી. ગોપાલદાસ એવું માનીને અત્યંત રાજી થયા હતાં કે પોતાને બે સારા વફાદારો મળ્યા છે. આ બંને શખ્સો પાસે બીજા મહત્વના કામ પણ કરાવી શકાય છે તેવો વિશ્વાસ ગોપાલદાસને બેસવા લાગ્યો હતો. એક વ્યક્તિ સાથે એટેચીની અદલાબદલી કરવાનું ગોપાલદાસે ચિંધેલુ કામ સફળતાપૂર્વક પાર પાડી ચુકેલા બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો ગોપાલદાસ સાથે તેઓની મુલાકાત કરાવનાર વચેટિયાને મળવાનું ભૂલ્યા ન્હોતા. ગોપાલદાસે પોતાનું કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઇ જવા બદલ બંને ઓફિસરોને દસ દસ હજાર રૂપિયાની જે બક્ષીશ આપેલી તે પૈકી દસ હજાર રૂપિયા ઓફિસરોએ વચેટિયાને ભેંટ તરીકે આપ્યા ને તેમનો આભાર માની તેઓ ત્યાંથી નીકળી ગયા. વચેટિયો એ જાણીને ખુશ થયો કે આ બંને શખ્સોએ કામ મેળવ્યા બાદ પણ પોતાને યાદ રાખ્યો અને પૈસા પણ આપ્યા. બંને જણા રવાના થઇ ગયા બાદ વચેટિયાએ તુર્ત જ ગોપાલદાસને ફોન કર્યો અને આ માહિતી પણ આપી. ઇન્ટેલિજન્સ ઓફિસરોની ચાલ સફળ થવા લાગી હતી. તેઓ વચેટિયાની મુલાકાત કર્યા બાદ પોતાના ખુફિયા સ્થળે પહોંચી ગયા. જ્યાં તેમના અન્ય ત્રણ સાથી ઇન્ટેલિજન્સ ઓફિસરો વાટ જોઈ રહયા હતાં. તેઓએ માહિતીની આપ-લે કરી. તેઓને એટલું તો સમજાઈ જ ગયું કે તેઓ કદાચ સાચા રસ્તે આગળ ધપી રહયા છે. અધિરાજ સુધી પહોંચવામાં કદાચ અનંતરાય મહત્વનો રસ્તો પૂરવાર થઇ શકે. સમય ખુબ ઝડપથી પસાર થઇ રહયો હતો. અધિરાજના ગ્રુપમાં શક્ય તેટલી વહેલી તકે સામેલ થવા હવે ઇન્ટેલિજન્સ ઓફિસરોએ જીવ ઉપર આવીને પ્રયાસો હાથ ધરવાનું નક્કી કર્યું હતું. આખરે તેઓની ઈચ્છા પુરી થાય તેવું એક કામ ગોપાલદાસ પાસેથી તેઓને મળી જ ગયું.
ગોપાલદાસનો ફોન કોલ આવતા જ બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો સતર્ક થઇ ગયા.
" મારા એક મિત્રને ખુબ જ મહત્વનું કામ હાથ પર લેવાનું છે. શું તમે તેના માટે એ કામ કરશો ખરા? અલબત્ત એ કામ બદલ તમે કલ્પના પણ નહી કરી હોય તેટલા મબલખ નાણા પણ તમો બંનેને મળશે જ એ કહેવાની જોકે મારે જરૂર નથી. બોલો શું કહો છો?"
" ચોક્કસ કરીશું શેઠ. આપની સૂચના હોય એટલે અમોએ એ કામ કરવાનું જ હોય. આપ આદેશ કરો એટલે કામ શરૂ....." એક ઇન્ટેલિજન્સ ઓફિસરે પોતાનો ઉત્સાહ છુપાવતા ધીર ગંભીર સ્વરે ઉત્તર વાળ્યો.
" વેરી ગૂડ તો પછી આવતીકાલે આ કામ માટે તમારે મારા મિત્રને મળવા જવાનું થશે. મારે તેની સાથે વાત થઇ ચુકી છે. તેનો સંપર્ક ક્યાં અને કેવી રીતે થશે તેની વિગત તમોને મળી જશે. મારો એક માણસ તમોને એ તમામ માહિતી આપી જશે. તમે તૈયાર રહેજો."
" જી શેઠજી....અમે વાટ જોઈશું....." ઇન્ટેલિજન્સ ઓફિસરે વાત પુરી કરી ફોન કાપી નાંખ્યો.
પાંચેય ઇન્ટેલિજન્સ ઓફિસરોએ એક બીજાના હાથમાં તાલીઓ મારી પોતાની ખુશી વ્યક્ત કરી. તેઓને એમ લાગતું હતું કે, લક્ષ્યાંક કદાચ હવે નજીક જ છે. તેઓ પાંચેય હવે પછી શું કરવું તેની ચર્ચામાં હતાં એટલામાં જ, ગોપાલદાસના વિશ્વાસુ બની ચુકેલા બે પૈકી એક ઓફિસરના મોબાઈલ પર એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો. તેમની અપેક્ષા મુજબ જ એ ફોન કોલ ગોપાલદાસના જ કોઈ માણસે કર્યો હતો. તેણે માત્ર એટલો જ સંદેશો આપ્યો કે, " આપણે ગોપાલદાસની સૂચના મુજબ એક વ્યક્તિને મળવા જવાનું છે. તમો બંને આજે રાત્રે તૈયાર રહેજો. હું તમોને રવાના થવાના સમય પૂર્વે એકાદ કલાક પહેલા ફોન કરીને જણાવી દઈશ." ઓફિસરે " ઓ.કે." કહીને વાત પુરી કરી. એ અજાણ્યા માણસ સાથે કોને મળવા જવાનું થશે તે તેઓ માટે અત્યારે એક કોયડો બન્યો હતો. અજાણ્યા માણસ સાથે જનાર બંને ઓફિસરોની પાછળ બાકીના ત્રણેય ઇન્ટેલિજન્સ ઓફિસરો સિક્રેટલી તેમનો પીછો કરશે તેવું પાંચેય જણાયે નક્કી કરી લીધું. રાત્રિનું ભોજન પતાવ્યા બાદ તેઓ ફોન કોલનો ઇંતેજાર કરતા હતાં. એટલામાં જ ફોન આવ્યો ને તેઓએ ક્યાં મળવું એ નક્કી થયું ને બંને ઓફિસરો ત્યાં જવા રવાના થઇ ગયા. જ્યારે બાકીના ત્રણેય ઇન્ટેલિજન્સ ઓફિસરો પણ છુપાઈને તેમનો પીછો કરવા તેમની પાછળ ગયા. બસ સ્ટેન્ડ પાસેની ચા ની એક હોટલ પાસે એ અજાણ્યો શખસ અને બંને ઓફિસરો એકઠા થયા. તેઓએ ચા પીધી અને ત્યાંથી કારમાં બેસીને તેઓ ગોપાલદાસે જણાવેલી વ્યક્તિને મળવા જવા કાર મારી મુકી.....
***
ઉંટ પર લગભગ પાંચેક કલાકની થકવી નાખતી યાત્રા બાદ અડધા કલાકનો આરામ મેળવી એજન્ટ મુકેશ અને વિજય સહિતના સૌ કોઈ સ્વસ્થ બની ગયા હતાં પરંતુ તેઓને એ ખબર ન્હોતી કે, તેઓને અસ્વસ્થ કરી દયે તેવી એક ઘટના તેમનો ઇંતજાર કરી રહી હતી.....
ગ્રુપ લીડરે સૌપ્રથમ તો એ નિશ્ચિત કર્યું કે સુરક્ષા દળના જવાનો ત્યાં ક્યાંય નજીકમાં તો નથીને ? આ પછી ગ્રુપ લીડરે સૌને સુકો નાસ્તો અને થર્મોસમાં ભરી રાખેલા ચા કોફી પીરસાવ્યા. ગરમાગરમ ચા – કોફી ને નાસ્તો મુકેશ અને વિજય ધીમે ધીમે તેઓ સ્વસ્થ થવા લાગ્યા. ગ્રુપ લીડરે તેઓને આ જોખમી વિસ્તારમાં વધુ સમય બેસી રહેવું સલામત નહીં હોવાનું જણાવી કાફલો આગળ ધપાવ્યો. મુકેશ અને વિજયને એવી આશંકા હતી જ કે, આ રાત્રિ પ્રવાસ સુખરૂપ પૂર્ણ થશે કે કેમ? અને તેઓની શંકા સાચી પડી. પરાયા દેશની સીમામાં તેઓ ખુબ અંદર પહોંચી ગયા હતાં. ગ્રુપ લીડર નાઈટ વિઝન બાયનોક્યુલરની મદદથી ચારે દિશાઓમાં નજર ફેરવ્યે રાખતો હતો. જો દુર ક્યાંય પણ સુરક્ષા જવાનો નજરે ચડે તો તેઓ રેતીના ઊંચા ઢગલાની ઓથે લપાઈ જતા હતા. આ કાફલાના ગ્રુપ લીડરને એ પણ ખબર હતી કે, બાયનોક્યુલરમાં સીમા સુરક્ષા દળના જવાનો જોવા ના મળે તેનો મતલબ એવો ન્હોતો કે તેઓની ત્યાં હાજરી જ નથી. તેઓ રેતીમાં ખાડા ખોળી તેમાં સુઈ જઈ પોતાની માથે કાપડ ઓઢી લેતા હોય છે ને તેના અન્ય સાથીઓ તેની ઉપર એવી રીતે રેતી પાથરી દયે છે કે રણમાં આવાગમન કરી રહેલા લોકોને ખબર જ ના પડે કે ત્યાં કોઈ હોઈ પણ શકે છે. રેતીની નીચે ખાડામાં રહેલો સૈનિક કાપડના છીદ્રોમાંથી બહારના તમામ દ્રશ્યો જોઈ શકતો હોય છે. મુકેશ અને વિજયને પણ ગ્રુપ લીડરે સૈનિકોની આ ચાલથી વાકેફ કર્યા જ હતાં. સામાન્ય રીતે સૈનિકો કયા કયા એરીયામાં આવી રીતે ગુપ્ત નિરીક્ષણ કરતા હોય છે એ ગ્રુપ લીડર જાણતો હતો અને એટલા માટે જ તેણે આ રસ્તો પસંદ કર્યો હતો જ્યાં આવી શક્યતા એકદમ નહીંવત હતી. આમ છતાં તકેદારી રાખવી જરૂરી હતી. કોઈ અસામાન્ય સંજોગો ઉભા થાય છે તો તેનો સામનો કરવાની તૈયારી પણ સૌ કોઈએ રાખી જ હતી. લડાઈ દરમ્યાન અને લડાઈ બાદ શું કરવાનું રહે તેના વિશે પણ ગ્રુપ લીડર તરફથી જરૂરી સૂચના આપવામાં આવી હતી.
કાફલો ગ્રુપ લીડરની સૂચના મુજબ આગળ ધપી રહયો હતો ત્યાં જ અચાનક ગ્રુપના તમામ સદસ્યોના હૃદયના ધબકારા વધારી દેતી ઘટના બની. રેતીની નીચેથી એક સાથે ચાર જવાનો પોતાની માથેથી કપડું હટાવી જેમ કબરમાંથી લાશ બેઠી થાય તેમ ફટાક કરતા ખાડામાંથી ઉભા થયા. સૌ થડકી ઉઠ્યા. તેઓએ એવી કલ્પના ન્હોતી કરી કે, આ છુપા રસ્તે પણ પડોશી દેશના સૈનિકો સાથે ટકરાવ થઇ જશે. આખો કાફલો સ્તબ્ધ બની ગયો. મુકેશ અને વિજય આવા કોઈ પણ અણધાર્યા આક્રમણ માટે તૈયાર જ હતાં.
" સાવધાન....." એક સૈનિકે જોરથી આખા કાફલાને ચેતવ્યો.
" ખબરદાર.....જો કોઈ એક ડગલું પણ આગળ વધ્યું છે, આ બંદુકમાંથી છૂટનારી બુલેટ કોઈની સગી નહી થાય સમજ્યા?" બીજા એક સૈનિકે પણ સૌને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી દીધી.
" તમે કોણ છો? એક પછી એક તમામ લોકો તમારા ઓળખકાર્ડ બતાવી તમારી ઓળખ પૂરવાર કરો." વળી ત્રીજા સૈનિકે એક નવો આદેશ કર્યો.
જોકે ગ્રુપ લીડર આવી ઘટનાઓ વખતે શું બનતું હોય છે તેનાથી તે વાકેફ હતો એટલે તેણે પહેલેથી જ તમામ તૈયારી કરી જ રાખી હતી. આવા જ કપરા સંજોગોમાં કામ આવે તે માટે જ તેણે કાફલાના તમામ સભ્યોને તેણે અગાઉથી જ પડોશી દેશના બનાવટી ચૂંટણી કાર્ડ બનાવી આપ્યા હતાં.
ગ્રુપ લીડર તેમજ મુકેશ અને વિજય માટે આ પરીક્ષાની ઘડી હતી. જો ગ્રુપનો એક પણ સભ્ય સૈનિકોને જવાબ આપવામાં જરાય પણ થોથવાય એટલે પત્યું. ત્યાં તુર્ત જ લડાઈ ખેલાઈ જાય અને કાંઈક એવું જ બનવાનું પણ હતું. એક પછી એક સભ્ય પોતાનું બનાવટી ઓળખ કાર્ડ રજુ કરી પોતાની ખોટી ઓળખ આપી રહયા હતાં. મુકેશ અને વિજય પણ અનુસર્યા. લગભગ દરેક વ્યક્તિની ઓળખવિધિ પુરી થવામાં જ હતી ત્યાં જ એક સૈનિકે ગ્રુપના એક સભ્યને સવાલ પૂછી નાંખ્યો .....," આમ અડધી રાત્રે ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહયા છો? એવી તે કઈ ઇમરજન્સી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ કે આવી રીતે રાત્રે મુસાફરી કરવી પડી? જલ્દી જવાબ આપો........"
મુકેશ, વિજય અને ગ્રુપ લીડર ઘડી બે ઘડી થડકી ઉઠ્યા.....
***
નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતના મનમાં રહેલી એ શંકા હવે સો ટકા પાક્કી પુરવાર થઇ ગઈ હતી કે, અન્ડરગ્રાઉન્ડ સક્રિય રહેલ કોઈ ભેદી નેટવર્કના રહસ્યમય અજાણ્યા શખ્સો પોલીસ અને સરકારમાં કેવી કેવી હરકત ચાલે છે તેની ઉપર નજર રાખી રહયું છે. બારીકાઈથી નજર દોડાવતા એટલું સમજાય છે કે, પોલીસ ક્યારેય પણ આ પ્રકરણોની તપાસમાં સફળ ના થાય તે માટે કોઈ ચોક્કસ નેટવર્ક સતત સક્રિય છે. તપાસને આડે પાટે ચડાવવા માટે તેમાં જે કોઈ અવરોધરૂપ બને તેને યેન કેન પ્રકારે રસ્તામાંથી દુર કરી દેવામાં આવે છે. સૂર્યજીતને આ વાત સમજાઈ જતા તેણે હવે પછીના પોતાના પગલાંઓને ગુપ્ત જ રાખવાનો મક્કમ નિર્ણય કરી લીધો હતો. તેના મનમાં એક શંકા પણ ઉભી થઇ હતી કે, કાચા કામનો કેદી રાજેશ્વર ઘણું બધું જાણે છે પરંતુ કશું જ બોલતો નથી. રાજેશ્વરના મનમાં ધરબાયેલા રહસ્યો જાણવા માટે તેને વિશ્વાસમાં લેવો પણ જરૂરી છે. આટલું વિચારીને તેણે પોતાની સેલ્ફ ડ્રાઈવ કરીને સેન્ટ્રલ જેલ તરફ મારી મુકી. તે રાજેશ્વર સાથે વાતચિત કરવા ઇચ્છતો હતો. જોકે તેના દિમાગમાં અચાનક બીજો વિચાર ઝબક્યો તેણે પોતાની કાર મિલિટરીમાં નોકરી કરતા પોતાના ખાસ મિત્ર સુનિલના નિવાસ તરફ વાળી લીધી. મિલિટરી ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતા અને એક બાહોશ તથા અત્યંત ચકોર ઓફિસર તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા સુનિલને પણ સાથે જ લઇ જવાનો નિર્ણય સૂર્યજીતે કર્યો. સૂર્યજીતે કાર ડ્રાઈવ કરતા કરતા જ સુનિલને ફોન કરીને આખી વાત કરી લીધી. સુનિલ તૈયાર થઇ ગયો. થોડી વારમાં જ સૂર્યજીત તેના ઘેર આવી પહોંચ્યો. બંને મિત્રો સમય ગુમાવ્યા વગર કારમાં બેસી સેન્ટ્રલ જેલ જવા રવાના તૈયાર થઇ ગયા. રસ્તામાં જ સૂર્યજીતે સુનિલને તપાસ ક્યાં પહોંચી છે અને હવે કેવી રીતે આગળ ધપવાનું છે તેની વાત કરી દીધી. રાજેશ્વર પાસેથી કશીક ઉપયોગી માહિતી ચોક્કસ મળશે તેવી તેઓ બંનેને થોડી અપેક્ષા જરૂર હતી. સૂર્યજીત એવું પણ વિચારતો હતો કે, સુનિલ સાથે હશે તો ચોક્કસ ફેર પડશે. રાજેશ્વર સાથે અત્યારે જ વાત કરી લેવી ખુબ જ જરૂરી હતી કેમ કે તે કોઈ પણ ઘડીએ અદાલતમાંથી જામીન મેળવી છૂટી જઈ શકે એમ હતો. તેના એડવોકેટ કાર્તિકે કાનૂની ઔપચારિકતા પૂર્ણ કરે લીધી જ હતી.
સૂર્યજીત અને સુનિલ જેલના ગેઈટ પાસે આવી પહોંચ્યા. દરવાજા પર ચોકી કરી રહેલા ગાર્ડ્ઝે તેમને સલામ ઠોકી દરવાજો ખોલી નાંખ્યો. મોટર કાર બહાર જ પાર્ક કરી બંને જણા જેલની અંદર પહોંચ્યા. તેઓ સીધા જ જેલરની ચેમ્બરમાં પ્રવેશ્યા. જેલરે પણ ઉભા થઈને તેઓને આવકાર્યા. સૂર્યજીતે સુનિલની ઓળખાણ માત્ર પોતાના એક મિત્ર તરીકે જ કરાવી.મિલિટરી ઇન્ટેલિજન્સનું નામ ઉચ્ચારવાનું તેને મુનાસીબ ના માન્યું. સૂર્યજીતે કશી પણ પ્રસ્તાવના બાંધ્યા વગર જ રાજેશ્વર સાથે મુલાકાતનું પ્રયોજન હોવાનું જણાવી તેને બોલાવી આપવા વિનંતી કરી. જેલર પણ સમજી ગયો કે, વાત ચોક્કસ ગંભીર છે અને એટલે જ ખુદ નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત અહી રાજેશ્વરને મળવા આવ્યા હશે. તેણે તુર્ત જ રાજેશ્વરને ઓફિસમાં લઇ આવવા માટે બેલ વગાડી એક ગાર્ડને સૂચના આપી. " જી સર ..." નો જવાબ આપીને ગાર્ડ ચાલ્યો ગયો ને થોડી વારમાં જ રાજેશ્વરને લઈને પાછો પણ આવી ગયો.
" રાજેશ્વર....તમને મળવા નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત અને તેમના મિત્ર આવ્યા છે. " જેલરે પૂર્વભૂમિકા બાંધી આપી.
" જી....સર .....બોલો હું આપને શું મદદરૂપ થઇ શકું." રાજેશ્વરે પણ પૂર્ણ આદર સાથે બંને મહેમાનો સાથે હાથ મિલાવી જવાબ આપ્યો.
" રાજેશ્વર તમે હવે કોઈ પણ ઘડીએ જામીન પર છૂટી જવાના છો ને મને તો એમ પણ લાગે છે કે, પોલીસને તમારી વિરૂદ્ધ એવા કોઈ ખાસ ઠોસ સબૂત પણ મળ્યા નથી કે તમારા પરનો એક પણ આરોપ પૂરવાર થાય. અદાલતમાં તમારી સામેનો પોલીસનો કેસ આમ પણ નબળો જ દેખાય છે. સ્વાભાવિક રીતે જ તમને ગુનેગાર પુરવાર કરવાનું પોલીસ અને સરકારી વકીલ માટે લગભગ અશક્ય જેવું દેખાય છે. આ સંજોગોમાં મારી આપને એક વિનંતી છે કે જો તમે આ કેસ વિશે બીજી કોઈ પણ વિગતો જાણતા હો તો મહેરબાની કરીને અમોને જણાવો જેથી અમો કેસના ઊંડાણ સુધી પહોંચી શકીએ અને ખરા ગુનેગારોને સજા અપાવી શકીએ." સૂર્યજીતે પોતાની વાત રજુ કરી દીધી. હવે સૂર્યજીતને રાજેશ્વરના જવાબનો ઇંતજાર હતો.
***
પાડોશી દેશની ઇન્ટેલિજન્સ એજન્સીના વડા અબ્રાહમ ક્રિસ્ટોફરરે તેના જાસૂસોને આપણા દેશમાં ખુફિયા મિશન માટે બે એજન્ટો પસંદ કરી લીધા હતાં. જ્યોર્જ ડિસોઝા પોતાની આગળની ચાલ રમવાના હતાં, થોડા સમય બાદ જ્યોર્જ ડીસોઝાને એ માહિતી પણ મળી ગઈ કે, પાડોશી દેશના બે જાસૂસો આપણા દેશમાં આવવા રવાના થઇ ગયા છે ને તે બંને જણા સીધા જ પી.આર. કન્સલ્ટન્સી અપહરણ કાંડ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડ વિશે માહિતી એકત્ર કરવા ત્યાં પહોંચવાના છે. ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝા માટે હવે બીજો તબક્કો શરૂ થઇ ચુક્યો હતો. પડોશી દેશના આ બંને જાસૂસોને કેવી રીતે નીપટવા એ માટેના પ્લાનને તેમણે અમલમાં મુકી દીધો અને એ ખુબ જ જબરદસ્ત હતો........
તેણે તુર્ત જ પોતાના ખુફિયા બાતમીદારોનો સંપર્ક કરી પડોશી દેશના બંને જાસૂસો ઉપર નજર રાખવા અને તેમની એકે એક હરકત વિશે સતત માહિતી આપતા રહેવા સૂચના આપી દીધી. માત્ર એટલું જ નહી બાતમીદારોએ ત્યારબાદ શું કરવાનું છે એ વિશે પણ તેમને વિસ્તૃત પ્લાન સમજાવી દઈ તેઓને કામે લગાડી દીધા. જ્યોર્જ ડિસોઝા સમજતા હતાં કે, બાતમીદારોની ભૂમિકા કેટલી મહત્વની પૂરવાર થવાની છે. બાતમીદારો શહેરના એકે એક છીન્ડે તૈનાત થઇ ચુક્યા હતાં. શહેરમાં પ્રવેશવાના એકે એક રસ્તા પર તેઓની વોચ ગોઠવાઈ ગઈ હતી. એક પણ છીંડું એવું બાકી ન્હોતું કે જ્યાં બાતમીદારોની ઉપસ્થિતિ ના હોય. તેઓની મહેનત રંગ લાવી. તેઓને જે રંગ રૂપ અને વર્ણન જાણવા મળ્યા હતાં તેવા બે શખસો બસ સ્ટેન્ડ પાસે તેઓની નજરે ચડી ગયા. અમુક બાતમીદારો પડછાયાની જેમ એ બંને શખસોનો પીછો કરવા લાગ્યા. જોકે અન્ય બાતમીદારોએ સાવચેતીના ભાગ રૂપે હજુ થોડો સમય પોતાની વોચ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું.
( વધુ આવતા અંકે....)
***